વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lv પ્રકરણ ૧૪ પાન ૧૮૩-૧૯૪
  • સર્વ બાબતોમાં પ્રમાણિક રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સર્વ બાબતોમાં પ્રમાણિક રહો
  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • મથાળાં
  • સરખી માહિતી
  • પોતાની સાથે પ્રમાણિક રહેવું
  • કુટુંબમાં પ્રમાણિક રહેવું
  • મંડળમાં પ્રમાણિક રહેવું
  • દુનિયાના લોકો સાથે પ્રમાણિક રહેવું
  • પ્રમાણિક રહેવાના આશીર્વાદો
  • બધામાં પ્રમાણિક રહો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ઈશ્વર જેવા ગુણો કેળવો હીરાની જેમ ચમકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
lv પ્રકરણ ૧૪ પાન ૧૮૩-૧૯૪
એક વિદ્યાર્થી ઈમાનદારીથી પરીક્ષા આપે છે, જ્યારે કે તેની આજુબાજુ બધા ચોરી કરી રહ્યા છે

પ્રકરણ ચૌદ

સર્વ બાબતોમાં પ્રમાણિક રહો

‘અમે સર્વ બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’—હિબ્રૂ ૧૩:૧૮.

૧, ૨. પ્રમાણિક રહેવા આપણને સતત પ્રયત્ન કરતા જોઈને યહોવાને શા માટે ખુશી થાય છે? દાખલો આપીને સમજાવો.

એક મા પોતાના નાના બાળક સાથે દુકાનમાંથી ખરીદી કરીને બહાર નીકળે છે. થોડું ચાલ્યા પછી બાળક અચાનક ઊભું રહી જાય છે. તે ગભરાયેલું દેખાય છે. તેના હાથમાં દુકાનમાંથી લીધેલું એક નાનકડું રમકડું છે. બાળક રમકડું પાછું મૂકવાનું ભૂલી ગયું છે. અથવા એ ખરીદવા વિષે મમ્મીને પૂછવાનું ભૂલી ગયું છે. એટલે તે ઊભું-ઊભું રડવા લાગે છે. મા તેને શાંત પાડીને પ્રેમથી દુકાનમાં પાછી લઈ જાય છે, જેથી તે દુકાનદારને રમકડું પાછું આપીને માફી માંગે. પોતાના બાળકને એમ કરતા જુએ છે ત્યારે, માનું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે. તેને બાળક પર ગર્વ થાય છે.

૨ પોતાના બાળકને નાનપણથી જ પ્રમાણિકતાનું મહત્ત્વ શીખતા જોઈને માબાપને ઘણી ખુશી થાય છે. એવી જ રીતે, આપણને પ્રમાણિક બનતા જોઈને “સત્યના ઈશ્વર” યહોવાને પણ ખૂબ આનંદ થાય છે. (ગીતશાસ્ત્ર ૩૧:૫) યહોવાની ભક્તિમાં આગળ વધવાની સાથે સાથે પ્રમાણિક રહેવાનો સતત પ્રયત્ન કરીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. આપણે હંમેશાં તેમને ખુશ કરવા માંગીએ છીએ, તેમના પ્રેમની છાયામાં રહેવા માંગીએ છીએ. એટલે જ આપણને પ્રેરિત પાઉલ જેવું લાગે છે, જેમણે કહ્યું: ‘અમે સર્વ બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’ (હિબ્રૂ ૧૩:૧૮) ચાલો આપણે હવે જીવનનાં ચાર મુખ્ય પાસાઓનો વિચાર કરીએ, જેમાં કોઈ વાર પ્રમાણિક રહેવું અઘરું બની શકે. એ પછી જોઈશું કે પ્રમાણિક રહેવાથી કેવા આશીર્વાદો મળે છે.

પોતાની સાથે પ્રમાણિક રહેવું

૩-૫. (ક) પોતાને છેતરવાનાં જોખમો વિષે બાઇબલ કઈ ચેતવણી આપે છે? (ખ) પોતાની સાથે પ્રમાણિક રહેવા આપણને શું મદદ કરશે?

૩ પહેલું પાસું છે કે આપણે પોતાની સાથે પ્રમાણિક રહીએ. પોતાની સાથે પ્રમાણિક રહેવું કંઈ સહેલું નથી. આપણે બધા ભૂલને પાત્ર હોવાથી ઘણી વાર પોતાને છેતરી બેસીએ છીએ. લાઓદિકિયા મંડળના ખ્રિસ્તીઓ પણ એવું જ કરતા હતા. પોતે યહોવાની ભક્તિમાં ધનવાન છે એમ માનીને તેઓ પોતાને છેતરી રહ્યા હતા. પણ ઈસુએ હકીકત જણાવતા તેઓને કહ્યું કે તેઓ યહોવાની ભક્તિમાં ‘ગરીબ, આંધળા અને નગ્‍ન’ હતા. તેઓની હાલત સાચે જ દયાજનક હતી. (પ્રકટીકરણ ૩:૧૭) આ રીતે પોતાને છેતરી રહ્યા હોવાથી, તેઓની હાલત વધારે ખરાબ બની ગઈ હતી.

૪ યાકૂબની આ ચેતવણી યાદ કરો: “જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.” (યાકૂબ ૧:૨૬) જો આપણે જીભ કાબૂમાં રાખતા ન હોય અને એવું માનીએ કે યહોવા આપણી ભક્તિ સ્વીકારે છે, તો પોતાને છેતરીએ છીએ. આપણે મન ફાવે એમ બોલીશું તો, યહોવાની ભક્તિમાં જે કંઈ કરીએ એ સાવ નકામું જશે. એમ ન થાય એ માટે શું મદદ કરી શકે?

૫ આપણે ઉપર જે કલમ જોઈ એ પહેલાંની કલમોમાં યહોવાનાં શબ્દોને યાકૂબ એક અરીસા સાથે સરખાવે છે. તે સલાહ આપે છે કે અરીસા જેવા ઈશ્વરના સંપૂર્ણ નિયમમાં આપણે પોતાને જોઈએ. પછી એ પ્રમાણે જીવનમાં સુધારો કરીએ. (યાકૂબ ૧:૨૩-૨૫) બાઇબલ આપણને પોતાની સાથે પ્રમાણિક રહેવા મદદ કરી શકે. તેમ જ, ક્યાં સુધારો કરવાની જરૂર છે એ જોવા મદદ કરી શકે. (યર્મિયાનો વિલાપ ૩:૪૦; હાગ્ગાય ૧:૫) આપણે યહોવાને પ્રાર્થના કરી શકીએ કે તે આપણું દિલ તપાસે. તેમને વિનંતી કરીએ કે આપણામાં રહેલી મોટી ખામીઓને જોવા અને એમાં સુધારો કરવા મદદ કરે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) બેઈમાની એવી નબળાઈ છે, જે આપણામાં હોવા છતાં સહેલાઈથી દેખાતી નથી. આ નબળાઈને યહોવાની નજરે જોવાની જરૂર છે. નીતિવચનો ૩:૩૨ કહે છે કે “આડા માણસોથી યહોવા કંટાળે છે; પણ પ્રમાણિક” લોકોને તે પોતાના મિત્ર ગણે છે. યહોવા આપણને મદદ કરી શકે છે, જેથી તેમના જેવું અનુભવીએ અને તેમની નજરે પોતાને જોઈએ. યાદ રાખો કે પાઉલે કહ્યું હતું: ‘અમે પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’ ખરું કે આપણે હમણાં સોએ સો ટકા પ્રમાણિક બની શકતા નથી, પણ આપણી પૂરા દિલની ઇચ્છા એ જ છે. એટલે જ આપણે પ્રમાણિક રહેવા બનતો બધો પ્રયત્ન કરીએ છીએ.

કુટુંબમાં પ્રમાણિક રહેવું

એક પતિ મોડી રાત સુધી ઇન્ટરનેટ વાપરી રહ્યો છે

પ્રમાણિક રહીશું તો એવું કોઈ પણ કામ નહિ કરીએ, જે સંતાડી રાખવું પડે

૬. પતિ-પત્નીએ શા માટે એકબીજા સાથે પ્રમાણિક રહેવાની જરૂર છે? એમ કરીને તેઓ કેવાં જોખમોથી દૂર રહે છે?

૬ ખ્રિસ્તી કુટુંબમાં બધા પ્રમાણિક હોવા જ જોઈએ. પતિ-પત્નીની વાત આવે છે ત્યારે, તેઓએ એકબીજાથી કશું જ સંતાડવું ન જોઈએ; ખુલ્લા મને સચ્ચાઈથી વાત કરવી જોઈએ. તેઓના લગ્‍નજીવનમાં એવું કોઈ અશુદ્ધ આચરણ ન હોવું જોઈએ, જે એકબીજાની લાગણી દુભાવે. જેમ કે, પોતાના લગ્‍નસાથી સિવાય બીજા કોઈની સાથે પ્રેમનો ડોળ કરવો; ઇન્ટરનેટ દ્વારા કોઈની સાથે ચોરીછૂપીથી સંબંધ રાખવો; કે પછી મૅગેઝિનોમાં, ઇન્ટરનેટ કે ટીવી પર ગંદી તસવીરો કે કાર્યક્રમો જોવા. અમુક પરિણીત ભાઈ-બહેનો પોતાના નિર્દોષ લગ્‍નસાથીને ખબર ન પડે એ રીતે આવાં અશુદ્ધ કામો કરે છે. આમ કરવું બેઈમાની છે. યહોવાને વફાદાર રાજા દાઉદના આ શબ્દો પર ધ્યાન આપો: જૂઠા કે “દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૨૬:૪) જો તમે પરિણીત હો તો એવું કંઈ નહિ કરો, જે તમારા લગ્‍નસાથીથી છુપાવવું પડે.

૭, ૮. બાળકો પ્રમાણિકતાનું મહત્ત્વ સમજે એ માટે બાઇબલનાં કયાં ઉદાહરણો મદદ કરી શકે?

૭ બાઇબલમાં આપેલાં ઉદાહરણોની મદદથી, માબાપો પોતાનાં બાળકોને પ્રમાણિકતાનું મહત્ત્વ શીખવે તો સારું રહેશે. બાઇબલમાં બેઈમાનીનાં કેટલાંક ઉદાહરણો છે. જેમ કે આખાન, જેણે ચોરી કરી અને પછી એને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગેહઝી, જે ધનની લાલચમાં જૂઠું બોલ્યો. યહુદા, જેણે પૈસાની ચોરી કરી અને જૂઠું બોલીને ઈસુને દગો કર્યો.—યહોશુઆ ૬:૧૭-૧૯; ૭:૧૧-૨૫; ૨ રાજા ૫:૧૪-૧૬, ૨૦-૨૭; માથ્થી ૨૬:૧૪, ૧૫; યોહાન ૧૨:૬.

૮ બાઇબલમાં પ્રમાણિકતાનાં સારાં ઉદાહરણો પણ છે. જેમ કે યાકૂબ, જેમણે પોતાના દીકરાઓને અનાજની ગુણોમાં મળેલા પૈસા પાછા આપવા અરજ કરી. તેમને લાગ્યું કે એ પૈસા ભૂલથી મૂકાઈ ગયા હતા. બીજું ઉદાહરણ યિફતા અને તેમની દીકરીનું છે. પિતાએ લીધેલી માનતા પૂરી કરવા દીકરીએ મોટો ભોગ આપ્યો હતો. ઈસુનો વિચાર કરો. તેમણે ઝનૂની ટોળા સામે ડર્યા વગર પોતાની ઓળખ આપીને, ભવિષ્યવાણી પૂરી કરી અને મિત્રોનો બચાવ કર્યો. (ઉત્પત્તિ ૪૩:૧૨; ન્યાયાધીશો ૧૧:૩૦-૪૦; યોહાન ૧૮:૩-૧૧) આ થોડાંક ઉદાહરણો બાઇબલમાં રહેલી કીમતી માહિતી જણાવે છે. એની મદદથી માબાપ પોતાનાં બાળકોને પ્રમાણિક બનવાનું શીખવી શકશે. એ ગુણ જીવનમાં કેટલો મહત્ત્વનો છે એ પણ શીખવી શકશે.

૯. માતા-પિતા પોતાનાં બાળકો સામે પ્રમાણિકતાનો દાખલો બેસાડવા ચાહતા હોય તો તેઓ શું નહિ કરે? આવો દાખલો બેસાડવો કેમ જરૂરી છે?

૯ માબાપ પોતાનાં બાળકોને પ્રમાણિક રહેતા શીખવે ત્યારે, તેઓએ પોતે પણ સારો દાખલો બેસાડવો જોઈએ. એ વિષે પ્રેરિત પાઉલે કહ્યું, “હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે?” (રોમનો ૨:૨૧) કેટલાંક માબાપ બાળકોને ઈમાનદારીના પાઠ તો શીખવે છે, પણ પોતે બેઈમાન બને છે. આ જોઈને બાળકો મૂંઝાઈ જાય છે. જેમ કે, પિતા ઑફિસમાંથી અમુક પેન કે પેપર જેવી નાની-નાની વસ્તુઓ ઉઠાવી લાવે. નાની-નાની બાબતમાં જૂઠું બોલે. પછી બાળકો આગળ પોતાને સાચા ઠેરવવા આવાં બહાનાં કાઢે કે ‘એ તો માલિકને ખબર છે. બધા ઑફિસમાંથી લઈ જાય છે’ અથવા ‘થોડું જૂઠું બોલવામાં કંઈ વાંધો નથી, એનાથી કોઈને નુકસાન થતું નથી.’ હકીકતમાં, ચોરી એ ચોરી છે, પછી ભલે એ નાની હોય કે મોટી. તેમ જ, જૂઠાણું એ જૂઠાણું છે, પછી ભલે એ નાનું હોય કે મોટું.a (લૂક ૧૬:૧૦) બાળકો તરત એ ઢોંગ પારખી શકે છે અને તેઓ પણ માબાપને પગલે બેઈમાન બનવાનું શીખી શકે. (એફેસી ૬:૪) પણ જો તેઓ માબાપના દાખલાથી પ્રમાણિક બનતા શીખશે, તો તેઓ આ બેઈમાન દુનિયામાં પણ ઈમાનદાર બનીને યહોવાનું નામ રોશન કરશે.—નીતિવચનો ૨૨:૬.

મંડળમાં પ્રમાણિક રહેવું

૧૦. મંડળના ભાઈ-બહેનો સાથેની વાતચીતમાં પ્રમાણિક રહેવા શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૦ મંડળમાં આપણે ભાઈ-બહેનો સાથે હળીએ-મળીએ ત્યારે, પ્રમાણિક રહેવાની ઘણી તકો મળે છે. બારમા પ્રકરણમાં જોઈ ગયા તેમ, આપણે વાણીની ભેટનો કેવો ઉપયોગ કરીએ છીએ એનું ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને ભાઈ-બહેનો વિષે વાત કરતી વખતે વધારે ધ્યાન રાખવું જોઈએ. રોજ-બ-રોજની સામાન્ય વાતચીત નુકસાન કરતી ગપસપમાં આસાનીથી બદલાઈ શકે છે. અરે, એ નિંદાની હદે પણ જઈ શકે! કોઈ વાત ખરેખર સાચી છે કે નહિ એ જાણ્યા વગર એને ફેલાવીશું, તો એ જૂઠને ફેલાવવા બરાબર છે. એટલે સારું થશે કે આપણે જે કંઈ બોલીએ, વિચારીને બોલીએ. (નીતિવચનો ૧૦:૧૯) કોઈ વાત સાચી છે એવી આપણને ખબર હોય, તોપણ એનો અર્થ એવો નથી કે બધાને કહેતા ફરીએ. જેમ કે, એવી કોઈ વાત હોય જેની સાથે આપણને કોઈ લેવા-દેવા નથી. અથવા એવી વાત જેના વિષે બીજાઓને કહેવું સારું નહિ ગણાય. (૧ થેસ્સાલોનિકી ૪:૧૧; ૧ પિતર ૪:૧૫) જો આપણે કોઈને સાચી વાત કહેવાની હોય, તો એનો અર્થ એ નથી કે વગર વિચાર્યે સીધા મોં પર કહી દઈએ. ભલે સાચી વાત કહેવી પડે, આપણે મીઠાશથી અને પ્રેમથી જણાવીએ, જેથી તેઓની લાગણી ન દુભાય.—કલોસી ૪:૬.

૧૧, ૧૨. (ક) ગંભીર પાપ કરનારા અમુક ભાઈ-બહેનો કઈ રીતે વધારે ખરાબ સ્થિતિમાં આવી પડે છે? (ખ) ગંભીર પાપો વિષે શેતાને ફેલાવેલાં અમુક જૂઠાણાં કયાં છે? આપણે કઈ રીતે એનાથી દૂર રહી શકીએ? (ગ) યહોવાની સંસ્થા સાથે આપણે પ્રમાણિક છીએ એમ કઈ રીતે બતાવી શકીએ?

૧૧ ખાસ કરીને મંડળના વડીલો સાથે આપણે સચ્ચાઈથી વર્તીએ, એ બહુ જરૂરી છે. કેટલાક ભાઈ-બહેનો ગંભીર પાપ કર્યા પછી એને સંતાડવાનો પ્રયાસ કરે છે. વડીલો એ વિષે પૂછે ત્યારે તેઓ જૂઠું બોલે છે. આમ કરીને તેઓ વધારે ખરાબ સ્થિતિમાં આવી પડે છે. આવા લોકો ઢોંગી જીવન જીવવા લાગે છે. તેઓ એક તરફ યહોવાની સેવા કરવાનો દેખાડો કરે છે, પરંતુ બીજી તરફ ગંભીર પાપ કરવામાં લાગુ રહે છે. છેવટે, તેઓ જે કંઈ કરે કે કહે એમાં સાવ જૂઠાણું જ દેખાય છે. (ગીતશાસ્ત્ર ૧૨:૨) કેટલાક ભાઈ-બહેનો વડીલોને પૂરેપૂરી હકીકત જણાવતા નથી અને અમુક જરૂરી માહિતી છુપાવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૧-૧૧) તેઓ શા માટે આમ કરે છે? કારણ, તેઓ મોટા ભાગે શેતાને ફેલાવેલાં અમુક જૂઠાણાંને માની લે છે.—“ગંભીર પાપ વિષે શેતાનનાં જૂઠાણાં” બૉક્સ જુઓ.

ગંભીર પાપ વિષે શેતાનનાં જૂઠાણાં

ગંભીર પાપો વિષે શેતાને અમુક ખતરનાક જૂઠાણાં ફેલાવ્યાં છે. તે ચાહે છે કે તમે એમાં માનો. પરંતુ, ખુશીની વાત છે કે આપણે તેની ચાલાકીઓથી અજાણ નથી. (એફેસી ૬:૧૧) શેતાનનાં એવાં ત્રણ જૂઠાણાંનો હવે વિચાર કરીએ.

  • “પાપ સંતાડી શકાય છે.” હકીકતમાં, આપણે જે કંઈ કરીએ એ સર્વ ઈશ્વર જુએ છે. “ઈશ્વરની આગળ કશું છૂપું નથી, તેની નજર આગળ બધું જ ખુલ્લું અને ઉઘાડું છે. અને એ ઈશ્વર આગળ આપણે હિસાબ આપવાનો છે.” (હિબ્રૂ ૪:૧૩, સંપૂર્ણ) યહોવા બધું જ જાણે છે અને આપણે તેમની આગળ જવાબદાર છીએ. તો પછી, માબાપથી કે મંડળના વડીલોથી કોઈ મોટું પાપ છુપાવવાનો પ્રયાસ કરીને, શા માટે વધારે ગુનેગાર બનીએ?—૨ શમુએલ ૧૨:૧૨ પણ જુઓ.

  • “વડીલોનો ભરોસો ન કરાય, તેઓને કંઈ કહેશો નહિ.” દુષ્ટ રાજા આહાબે એલિયાને “મારા શત્રુ” કહીને બોલાવ્યા હતા. (૧ રાજા ૨૧:૨૦) જ્યારે કે એલિયા તો ઇઝરાયલમાં યહોવાના પ્રબોધક હતા અને આહાબને માફી મેળવવા મદદ કરી શકતા હતા. આજે ઈસુએ “દાન” તરીકે મંડળમાં વડીલો આપ્યા છે. (એફેસી ૪:૮) ખરું કે વડીલોથી પણ ભૂલો થઈ જાય છે. પરંતુ ‘તેઓ આપણી ચોકી કરે છે,’ એટલે કે આપણા ભલા માટે દેખરેખ રાખે છે. તેમ જ, યહોવાની ભક્તિમાં આપણે દૃઢ રહીએ, એનું ધ્યાન રાખે છે. (હિબ્રૂ ૧૩:૧૭) તેઓ કંઈ આપણા દુશ્મન નથી, પણ યહોવાની ગોઠવણ પ્રમાણે આપણને મદદ કરે છે.

  • “મિત્રને તેના પાપ સંતાડવા મદદ કરીને તમે તેનું રક્ષણ કરો છો.” હકીકતમાં, આપણે કોઈ વ્યક્તિને તેનાં પાપ સંતાડવા મદદ કરીએ ત્યારે, તેને વધારે નુકસાન પહોંચાડીએ છીએ. વ્યક્તિનું ગંભીર પાપ બતાવે છે કે યહોવા સાથેનો તેનો સંબંધ કમજોર થઈ ગયો છે. પાપને સંતાડવું તો ડૉક્ટરની આગળ કોઈ ગંભીર બીમારીનાં લક્ષણો છુપાવવા બરાબર છે. (યાકૂબ ૫:૧૪, ૧૫) કદાચ પાપ કરનારને એ વાતનો ડર લાગતો હશે કે એ વિષે જણાવવાથી પોતાને શિક્ષા થશે. પરંતુ, શિક્ષા તો યહોવાના પ્રેમનો પુરાવો છે અને એનાથી પાપ કરનારનું જીવન બચી શકે છે. (નીતિવચનો ૩:૧૨; ૪:૧૩) પાપમાં લાગુ રહેનાર વ્યક્તિ મંડળના બીજા ભાઈ-બહેનો માટે ખતરો બની જાય છે. તે જે પાપી કામોમાં લાગુ રહે છે એને મંડળમાં ફેલાવવા શું તમે મદદ કરશો? પાપ કરનારને જણાવો કે તે અમુક સમય સુધીમાં એ વિષે મંડળના વડીલોને જણાવે. જો એ સમય સુધીમાં ન જણાવે, તો વડીલોને એ વિષે જણાવવાની તમારી ફરજ બને છે.—લેવીય ૫:૧; ૧ તિમોથી ૫:૨૨.

૧૨ યહોવાની સંસ્થા સાથે પ્રમાણિક રહીએ એ પણ બહુ જરૂરી છે, ખાસ કરીને કોઈ પ્રશ્નોનો જવાબ લખાણમાં આપતા હોય ત્યારે. દાખલા તરીકે, આપણે પ્રચારનો રિપોર્ટ આપીએ ત્યારે એમાં ખોટી વિગતો ન ભરીએ. યહોવાની સેવામાં કોઈ ખાસ જવાબદારી માટે ફોર્મ ભરતા હોય ત્યારે, આપણી તંદુરસ્તી વિષે, આપણી સેવા વિષે કે જીવનનાં બીજાં કોઈ પાસાં વિષે સાચી માહિતી આપીએ.—નીતિવચનો ૬:૧૬-૧૯.

૧૩. વેપાર-ધંધાની વાત આવે છે ત્યારે આપણે ભાઈ-બહેનો સાથે કેવી રીતે પ્રમાણિક રહી શકીએ?

૧૩ વેપાર-ધંધાની વાત આવે છે ત્યારે પણ, આપણે ભાઈ-બહેનો સાથે પ્રમાણિક રહેવું જોઈએ. કોઈ વાર આપણા ભાઈ-બહેનો એકબીજા સાથે ભાગીદારીમાં વેપાર-ધંધો કરતા હોય છે. જોકે, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભક્તિને વેપાર-ધંધાથી અલગ રાખે. રાજ્ય ગૃહમાં કે પ્રચારમાં હોઈએ ત્યારે, વેપાર-ધંધાને લગતી વાત કરવી ન જોઈએ. કદાચ કોઈ ભાઈ કે બહેન નોકરી પર આપણા માલિક હોય અથવા આપણે તેઓના માલિક હોઈએ. જો આપણે માલિક હોઈએ, તો તેઓ સાથે પ્રમાણિકતાથી વર્તવું જોઈએ. નક્કી કર્યા પ્રમાણે તેઓને સમયસર પગાર આપવો જોઈએ. કાયદા પ્રમાણે કે નક્કી કર્યા પ્રમાણે બધા લાભો પણ આપવા જોઈએ. (૧ તિમોથી ૫:૧૮; યાકૂબ ૫:૧-૪) કોઈ ભાઈ કે બહેનને ત્યાં નોકરી કરતા હોઈએ તો, આપણને જે કંઈ પગાર મળે છે એ પ્રમાણે પૂરું કામ કરીશું. (૨ થેસ્સાલોનિકી ૩:૧૦) તેઓ સાથી ભાઈ કે બહેન હોવાથી એવી આશા ન રાખવી જોઈએ કે આપણને નોકરી પર વધારે છૂટછાટ આપે. જો તે નોકરી પર બીજાઓને વધારાની રજાઓ કે લાભો આપતા ન હોય, તો આપણને એવી છૂટછાટ આપવા બંધાયેલા નથી.—એફેસી ૬:૫-૮.

૧૪. જો ભાઈ-બહેનો ભાગીદારીમાં વેપાર-ધંધો કરતા હોય, તો તેઓએ સમજદાર બનીને કયાં પગલાં લેવાં જોઈએ? શા માટે?

૧૪ જો આપણે મંડળના કોઈ ભાઈ કે બહેન સાથે મળીને વેપારમાં પૈસા રોકીએ અથવા એ માટે લોન લઈએ તો શું? આ વિષે બાઇબલ આપણને ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી સિદ્ધાંત જણાવે છે: વેપાર-ધંધાને લગતી કોઈ પણ વિગતો લખાણમાં રાખો. દાખલા તરીકે, ઈશ્વરભક્ત યર્મિયાએ એક ખેતર ખરીદ્યું ત્યારે એનો દસ્તાવેજ કરાવ્યો અને એની એક નકલ પણ બનાવી. આ બધું તેમણે સાક્ષીઓના દેખતા કર્યું. પછી એ દસ્તાવેજ સલામત જગ્યાએ સાચવી રાખ્યો, જેથી જરૂર પડ્યે ઉપયોગમાં આવે. (યર્મિયા ૩૨:૯-૧૨; ઉત્પત્તિ ૨૩:૧૬-૨૦ પણ જુઓ.) આપણે ભાઈ-બહેનો સાથે કોઈ વેપાર-ધંધો કરીએ ત્યારે, નાની-મોટી વિગતો સારી રીતે તૈયાર કરેલા દસ્તાવેજ પર લખાવી લેવી જોઈએ. એના સાક્ષીઓ સામે દસ્તાવેજમાં સહી કરવી જોઈએ. આવું કરવાનો મતલબ એ નથી કે આપણે એકબીજા પર ભરોસો મૂકતા નથી. પણ આ રીતે લખાણ રાખવાથી કોઈ ગેરસમજ ઊભી થતી નથી અને હતાશ થવાથી બચી જવાય છે. ભાઈ-બહેનોમાં ભાગલા પાડે એવી તકરાર પણ થતી નથી. આપણે કોઈ ભાઈ કે બહેન સાથે વેપાર-ધંધો કરતા હોય તો, હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે એનાથી મંડળમાં સંપ અને શાંતિ જોખમાય નહિ. આપણા માટે વેપાર-ધંધો નહિ, પણ મંડળમાં સંપ વધારે મહત્ત્વનો છે.b—૧ કરિંથી ૬:૧-૮.

દુનિયાના લોકો સાથે પ્રમાણિક રહેવું

૧૫. વેપાર-ધંધામાં થતી બેઈમાની વિષે યહોવાને કેવું લાગે છે? ભલે દુનિયામાં એ સામાન્ય હોય પણ એ વિષે આપણું વલણ કેવું છે?

૧૫ આપણે ફક્ત મંડળમાં જ નહિ, બધે જ પ્રમાણિક રહેવું જોઈએ. પાઉલે કહ્યું હતું, ‘અમે સર્વ બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’ (હિબ્રૂ ૧૩:૧૮) દુનિયાના લોકો સાથે વેપાર-ધંધો કરવાની વાત આવે ત્યારે, યહોવા ચાહે છે કે આપણે એમાં પણ પ્રમાણિક રહીએ. એકલા નીતિવચનો પુસ્તકમાં જ ચાર વખત ભાર મૂકવામાં આવ્યો છે કે ચીજ-વસ્તુના તોલ-માપમાં કોઈ બેઈમાની કરવી ન જોઈએ. (નીતિવચનો ૧૧:૧; ૧૬:૧૧; ૨૦:૧૦, ૨૩) જૂના જમાનામાં કોઈ વસ્તુ કે એને માટે ચૂકવવાના પૈસા તોલવા માટે ત્રાજવાં કે વજનિયાંનો ઉપયોગ થતો. ઘરાકોને છેતરવા માટે, બેઈમાન દુકાનદારો બે પ્રકારનાં વજનિયાં અને ખોટું વજન બતાવતા ત્રાજવાં રાખતાં.c આ પ્રકારની બેઈમાનીને યહોવા ધિક્કારે છે. તેમના પ્રેમની છાયામાં રહેવા માટે આપણે ખૂબ ધ્યાન રાખીએ છીએ કે આવા પ્રકારની કોઈ બેઈમાની ન કરીએ.

૧૬, ૧૭. આજે દુનિયામાં લોકો કેવી બાબતોમાં બેઈમાન બને છે? આપણે કેવો નિર્ણય કર્યો છે?

૧૬ શેતાન આ દુનિયા પર રાજ કરે છે. એટલે ચારે બાજુ બેઈમાની અને ભ્રષ્ટાચાર જોઈને આપણને જરાય નવાઈ લાગતી નથી. રોજ-બ-રોજના જીવનમાં આપણા પર ઘણી વાર બેઈમાન બનવાની લાલચ આવે છે. લોકો નોકરી માટે અરજી કરે છે ત્યારે, પોતાની યોગ્યતા વિષે ખોટી માહિતી આપવાનું દુનિયામાં ચલણ છે. લોકો પોતાના શિક્ષણ અને અનુભવ વિષે ખોટી માહિતી જણાવે છે. ઇમિગ્રેશન ફોર્મ (બીજા દેશમાં જવાનું અરજીપત્ર), ટૅક્સ કે ઇન્સ્યોરન્સ વગેરે માટે ફોર્મ ભરે છે ત્યારે, લોકો એમાં મોટા ભાગે ખોટી વિગતો જણાવે છે. એમ કરીને તેઓ પોતાને જે જોઈતું હોય, એ મેળવવા માંગે છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા હોય છે. અથવા સ્કૂલમાં કોઈ રિપોર્ટ કે પ્રોજેક્ટ આપવાનો હોય ત્યારે, બીજા કોઈએ તૈયાર કરેલી માહિતી ઇન્ટરનેટ પરથી ઉઠાવીને તેઓ પોતાને નામે રજૂ કરે છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે પનારો પડે છે ત્યારે, લોકો મોટા ભાગે લાંચ આપીને પોતાનું કામ કઢાવી લે છે. આજે દુનિયામાં ઘણા લોકો સ્વાર્થી, પૈસાના લોભી અને ભલાઈના વેરી છે. આવી દુનિયામાં આપણે બેઈમાની સિવાય બીજી શાની આશા રાખી શકીએ?—૨ તિમોથી ૩:૧-૫.

૧૭ યહોવાને ભજતા હોવાથી, આપણે નિર્ણય કર્યો છે કે આવી કોઈ પણ બાબતોમાં બેઈમાન નહિ બનીએ. ખરું કે કોઈ વાર ઈમાનદાર બનવું અઘરું લાગે છે, કેમ કે જેઓ બેઈમાનીનો રસ્તો લે છે તેઓ સફળ થતા જોવા મળે છે. અરે, તેઓને બીજાઓ કરતાં વધારે લાભ થતો હોય છે. (ગીતશાસ્ત્ર ૭૩:૧-૮) તોપણ, આપણે ‘સર્વ બાબતોમાં’ ઈમાનદાર રહેવા ચાહીએ છીએ, પછી ભલેને પૈસાની તંગી પડે. ઈમાનદાર રહેવા માટે આવા ભોગ આપવા યોગ્ય કહેવાય? હા, ચોક્કસ. ચાલો જોઈએ કે ઈમાનદાર રહેવાથી કેવા આશીર્વાદો મળે છે.

પ્રમાણિક રહેવાના આશીર્વાદો

૧૮. પ્રમાણિક વ્યક્તિ તરીકેની શાખ હોવી કેમ મહત્ત્વની છે?

૧૮ આજે બહુ ઓછા લોકો પ્રમાણિક અને ભરોસાપાત્ર હોય છે, એવી શાખ હોવી કંઈ જેવી-તેવી વાત નથી. (“હું કેટલો પ્રમાણિક છું?” બૉક્સ જુઓ.) જરા વિચારો, આવી શાખ કોઈ પણ વ્યક્તિ બાંધી શકે છે! એ માટે જરૂરી નથી કે વ્યક્તિ પાસે કોઈ ખાસ આવડત, ધન-દોલત, સુંદર દેખાવ, સામાજિક મોભો વગેરે હોય. પણ દુઃખની વાત છે કે ઘણા લોકો પ્રમાણિક હોવાની સારી શાખ બાંધવામાં નિષ્ફળ જાય છે. (મીખાહ ૭:૨) તમને પ્રમાણિક રહેતા જોઈને અમુક લોકો કદાચ મજાક ઉડાવશે. જ્યારે કે બીજાઓ એની ખૂબ કદર કરશે અને તમારા પર ભરોસો મૂકીને માન આપશે. યહોવાના ઘણા સાક્ષીઓએ અનુભવ કર્યો છે કે પ્રમાણિક રહેવાથી તેઓને ખૂબ લાભ થયો છે. બેઈમાન કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે, આ સાક્ષીઓએ નોકરી ગુમાવવી પડી નથી. પ્રમાણિક કામદારોની ખૂબ માંગ હતી ત્યાં અમુક સાક્ષીઓને નોકરી મળી ગઈ છે.

૧૯. પ્રમાણિક રહેવાથી આપણા અંતઃકરણ પર અને યહોવા સાથેના આપણા સંબંધ પર કેવી અસર પડી શકે?

૧૯ ભલે પ્રમાણિક રહેવાના સારા અનુભવ થાય કે નહિ, એક વાતની ખાતરી રાખજો કે એનાથી મોટા આશીર્વાદો મળે છે. એનાથી તમારું અંતઃકરણ શુદ્ધ રહેશે. પાઉલે લખ્યું, “અમારું અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે.” (હિબ્રૂ ૧૩:૧૮) પ્રમાણિક હોવાની જે શાખ તમે બાંધો છો એ આપણા પ્રેમાળ પિતા યહોવાના ધ્યાન બહાર નથી. તે ઈમાનદાર લોકોને ખૂબ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨; નીતિવચનો ૨૨:૧) પ્રમાણિક રહેવાથી તમને ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા મદદ મળે છે. એનાથી મોટો બદલો બીજો શું હોઈ શકે! પ્રમાણિકતા સાથે જોડાયેલો બીજો એક વિષય છે, કામધંધો. ચાલો હવે પછીના પ્રકરણમાં જોઈએ કે યહોવા કામને કેવું ગણે છે.

a મંડળમાં જો કોઈ ભાઈ કે બહેન બીજાનું નામ બદનામ કરવાના ઇરાદાથી કે ઈર્ષાને લીધે હડહડતું જૂઠ બોલ્યા કરતા હોય, તો વડીલો તેઓ સામે પગલાં લેવા ન્યાય સમિતિ બેસાડી શકે.

b વેપાર-ધંધાને લગતી કોઈ તકરાર થાય ત્યારે શું કરવું, એ વિષે વધારે માહિતીમાં “વેપાર ધંધાને લગતી તકરાર હલ કરવી” લેખ જુઓ.

c તેઓ ખરીદવા માટે એક પ્રકારનાં અને વેચવા માટે બીજાં પ્રકારનાં વજનિયાં વાપરતા હતા. એમાં બધી રીતે તેઓને જ લાભ થતો. તેઓ કદાચ એવાં ત્રાજવાં વાપરતા હતા કે જેની દાંડી એક બાજુથી થોડી લાંબી અથવા ભારે હોય, જેથી તેઓ કોઈ પણ પ્રકારની લેણદેણમાં ઘરાકોને છેતરી શકે.

હું કેટલો પ્રમાણિક છું?

સિદ્ધાંત: ‘હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? જે સદાચારી છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.’—ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨.

આ સવાલોનો વિચાર કરો

  • હું હંમેશાં સાચું બોલું એ કેમ મહત્ત્વનું છે?—નીતિવચનો ૬:૧૬, ૧૭.

  • હું સ્કૂલમાં પરીક્ષા આપું, ટૅક્સ ભરવાના ફોર્મ કે પછી સરકારી ખાતાના કોઈ ફોર્મ ભરું ત્યારે, કઈ રીતે ‘અસત્યથી દૂર’ રહી શકું?—એફેસી ૪:૨૫; યશાયા ૨૮:૧૫; માથ્થી ૨૨:૧૭-૨૧; રોમનો ૧૩:૧-૭.

  • હું નોકરી પર જે કંઈ કહું કે કરું એમાં ઈમાનદાર રહેવું કેમ જરૂરી છે?—નીતિવચનો ૧૧:૧; એફેસી ૪:૨૮; કલોસી ૩:૯, ૧૦.

  • જો મને પૈસાનો લોભ હશે, તો પ્રમાણિક રહેવાના મારા પ્રયત્નો કઈ રીતે કમજોર બની જઈ શકે?—ગીતશાસ્ત્ર ૩૭:૨૧; ૧ તિમોથી ૬:૯, ૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો