વધારે માહિતી
વેપાર-ધંધાને લગતી તકરાર હલ કરવી
પહેલો કરિંથી ૬:૧-૮માં પ્રેરિત પાઉલે મંડળના ભાઈ-બહેનો વચ્ચે અદાલતમાં ચાલતા મુકદ્દમા વિષે વાત કરી હતી. કોરીંથ મંડળના અમુક ભાઈ-બહેનો દુનિયાના લોકોની ‘આગળ ન્યાય માગવા જવાની હિંમત ચલાવતા’ હતા. (કલમ ૧) એ જોઈને પાઉલ ખૂબ નિરાશ થઈ ગયા હતા. પાઉલે અનેક નક્કર કારણો આપીને જણાવ્યું કે ખ્રિસ્તીઓએ કેમ અદાલતોમાં એકબીજા સામે ફરિયાદ કરવી ન જોઈએ. તેમણે એવી કોઈ પણ તકરારને મંડળની ગોઠવણ પ્રમાણે હલ કરવાનું ઉત્તેજન આપ્યું. ચાલો હવે જોઈએ કે તેમણે કયાં કારણોને લીધે આવી સલાહ આપી હતી. પછી આપણે એવા અમુક સંજોગોનો વિચાર કરીશું, જેમાં અદાલતમાં જવું જરૂરી છે.
જો મંડળના કોઈ ભાઈ સાથે વેપાર-ધંધાને લઈને તકરાર થઈ હોય, તો આપણે પોતાની રીતે નહિ, પણ યહોવાની રીતે એને હલ કરવા કોશિશ કરીશું. (નીતિવચનો ૧૪:૧૨) ઈસુએ જણાવ્યું હતું તેમ, કોઈની સાથે તકરાર થાય ત્યારે એને તરત હલ કરવી સારું રહેશે, જેથી વાતનું વતેસર ન થઈ જાય. (માથ્થી ૫:૨૩-૨૬) પણ અફસોસની વાત છે કે કેટલાક ભાઈ-બહેનો એકબીજા સાથે ઝઘડે છે. અરે, એટલે સુધી કે એકબીજાને અદાલતમાં લઈ જાય છે. પાઉલે લખ્યું કે ‘આ તમારામાં ખરેખરી ખોડ છે કે, તમે એકબીજા પર અદાલતમાં ફરિયાદ કરો છો.’ તેમણે કેમ એવું કહ્યું? એનું મુખ્ય કારણ એ હતું કે આ રીતે અદાલતમાં જવાથી મંડળનું નામ બદનામ થઈ શકે. તેમ જ, યહોવાના પવિત્ર નામ પર ડાઘ લાગી શકે. એટલે જ આપણે પાઉલની આ સલાહ પ્રમાણે કરવા માંગીએ છીએ: “તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકસાન કેમ વેઠતા નથી?”—કલમ ૭.
પાઉલે એ પણ બતાવ્યું કે ઈશ્વરે આવા પ્રકારની તકરાર હલ કરવા, મંડળમાં વડીલોની સરસ ગોઠવણ કરી છે. એ અનુભવી ભાઈઓને બાઇબલનું પૂરતું જ્ઞાન છે. એને આધારે તેઓ સારી સલાહ આપી શકે છે. પાઉલે કહ્યું કે તેઓ ‘આ જિંદગીને લગતી બાબતોમાં ભાઈ-ભાઈની વચ્ચે ન્યાય કરી શકે છે.’ (કલમો ૩-૫) ઈસુએ જણાવ્યું હતું કે નામ બદનામ કરવું અને છેતરપિંડી જેવાં અમુક મોટાં પાપને લીધે તકરાર થઈ હોય તો, એનો ઉકેલ લાવવા માટે એક પછી એક આ ત્રણ પગલાં લેવાં જોઈએ. (૧) જેઓ વચ્ચે તકરાર થઈ હોય, તેઓ પોતે એકબીજાને મળીને એને હલ કરવા વારંવાર પ્રયત્ન કરે. (૨) જો પહેલું પગલું નિષ્ફળ જાય, તો એક કે બે સાક્ષીઓ રાખીને તેઓ તકરારને હલ કરવાની કોશિશ કરે. (૩) જો બીજાં પગલાંમાં પણ સફળ ન થાય, તો તેઓ મંડળની દેખરેખ રાખનારા વડીલો પાસે જાય.—માથ્થી ૧૮:૧૫-૧૭.
ખરું કે મંડળના વડીલો વકીલ કે વેપારી હોય એ જરૂરી નથી. તેમ જ, કાયદા કે વેપાર-ધંધાને લઈને સલાહ આપવી તેઓની જવાબદારીમાં આવતું નથી. વેપાર-ધંધાને લગતી ભાઈઓની તકરારને હલ કરવા, વડીલો કોઈ શરતો પણ નક્કી કરતા નથી. પરંતુ, જેઓ વચ્ચે તકરાર થઈ હોય તેઓ સર્વને બાઇબલની સલાહ લાગુ પાડવા અને શાંતિથી તકરાર હલ કરવા મદદ કરે છે. વડીલો અમુક અઘરા કિસ્સાઓમાં સરકીટ નિરીક્ષકનો કે યહોવાના સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસનો સંપર્ક કરી શકે. પરંતુ, અમુક સંજોગો એવા પણ છે જેને પાઉલની સલાહ આવરી લેતી નથી. ચાલો એવા અમુક સંજોગો વિષે જોઈએ.
અમુક કિસ્સાઓમાં કોઈ સ્વાર્થ વગર શાંતિથી ઉકેલ લાવવા અદાલતમાં જવું પડે, જે ફક્ત એક વિધિ કે કાનૂની માંગ હોય છે. દાખલા તરીકે, છૂટાછેડા લેવા માટે અદાલતનો ચુકાદો જરૂરી હોય. બાળક માતા સાથે રહે કે પિતા સાથે, એનો નિર્ણય લેવાનો હોય. છૂટાછેડા પછી ભરણ-પોષણ તરીકે કેટલી રકમ આપવામાં આવે એ નક્કી કરવાનું હોય. ઇન્સ્યોરન્સ કંપની તરફથી વળતર મેળવવાનું હોય. કોઈ કંપની કે બૅન્કે દેવાળું ફૂંક્યું હોય ત્યારે એમાં આપણા પૈસા પણ ડૂબી ગયા છે એ સાબિત કરવાનું હોય. વસિયતનામું કાયદેસર ઠરાવવાનું હોય. આ બધા કિસ્સાઓમાં અદાલતનો સહારો લેવો પડે છે. એવા કિસ્સા પણ છે જેમાં કોઈ ભાઈ કે બહેને પોતાના રક્ષણ માટે અદાલતમાં સામો કેસ માંડવો પડે છે.a
ઝઘડાની કોઈ ભાવના વગર આવો કેસ લડીએ તો, આપણે પાઉલની સલાહ વિરુદ્ધ જતા નથી.b પરંતુ, આપણે સૌથી પહેલા યહોવાના નામને પવિત્ર મનાવવાનો અને મંડળમાં શાંતિ ને સંપ જાળવી રાખવાનો વિચાર કરવો જોઈએ. ઈસુના શિષ્યોની સૌથી મોટી ઓળખ તેઓમાં જોવા મળતો પ્રેમ છે અને ‘પ્રેમ પોતાનું જ હિત જોતો નથી.’—૧ કરિંથી ૧૩:૪, ૫; યોહાન ૧૩:૩૪, ૩૫.
a અમુક અસામાન્ય કિસ્સાઓમાં એવું પણ બને છે જેમાં એક ખ્રિસ્તી બીજા કોઈ ખ્રિસ્તી સામે ગંભીર ગુનો કરે છે. જેમ કે, બળાત્કાર, હિંસક હુમલો, ખૂન કે મોટી ચોરી. આવા કિસ્સાઓમાં પોલીસને ફરિયાદ કરવી બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી. પછી ભલે એના લીધે અદાલતમાં કેસ ચાલે કે પછી વ્યક્તિનો ગુનો સાબિત કરવા અદાલતી કાર્યવાહી થાય.
b વધારે માહિતી માટે ચોકીબુરજમાં માર્ચ ૧૫, ૧૯૯૭ પાન ૧૭-૨૨ અને નવેમ્બર ૧૫, ૧૯૯૮ પાન ૨૪-૨૭ જુઓ.