વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w06 ૧૧/૧ પાન ૨૮-૩૧
  • આપણી મિટિંગોની કદર કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણી મિટિંગોની કદર કરીએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • આપણી મિટિંગો, પવિત્ર મેળાવડા
  • કઈ રીતે આપણી કદર બતાવી શકીએ?
  • યહોવાહના લોકોને શોભતું વર્તન
  • યુગો સુધી ટકી રહેનારી ભક્તિ
  • યહોવાના સાક્ષીઓની સભાઓમાં તમારું સ્વાગત છે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાહ આપણને દોરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
w06 ૧૧/૧ પાન ૨૮-૩૧

આપણી મિટિંગોની કદર કરીએ

‘તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ.’—યશાયાહ ૫૬:૭.

૧. બાઇબલમાંથી બતાવો કે આપણે શા માટે મિટિંગોની દિલથી કદર કરવી જોઈએ?

યહોવાહે પોતાના ભક્તોને “પવિત્ર પર્વત પર,” તેમના “પ્રાર્થનાના મંદિરમાં” ભેગા કર્યા છે. જેથી સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા ભક્તો દિલથી એ મંદિરમાં યહોવાહની ભક્તિ કરી શકે. એ મંદિર ‘સર્વ દેશનાઓને સારુ પ્રાર્થનાનું ઘર’ છે. (યશાયાહ ૫૬:૭; માર્ક ૧૧:૧૭) આ બતાવે છે કે યહોવાહની ભક્તિ બધાથી પવિત્ર છે, શુદ્ધ છે. આજે આપણે યહોવાહનું જ્ઞાન લેવા, તેમની ભક્તિ કરવા મિટિંગોમાં ભેગા થઈએ છીએ. જો એની દિલથી કદર કરીશું તો યહોવાહને પગલે ચાલનારા બનીશું.

૨. શું બતાવે છે કે યહોવાહ પોતાની ભક્તિ માટે પસંદ કરેલી જગ્યાને પવિત્ર ગણતા? કઈ રીતે ઈસુએ પણ એ જગ્યાને માન આપ્યું?

૨ જૂના જમાનામાં ઈસ્રાએલમાં યહોવાહ જે જગ્યા પસંદ કરતા, એ તેમની ભક્તિ માટે પવિત્ર ગણાતી. મુલાકાતમંડપ અને એમાંની બધી જ ચીજ-વસ્તુઓનો ખાસ તૈયાર કરવામાં આવેલા તેલથી અભિષેક કરવામાં આવતો, જેથી એ “પરમપવિત્ર થાય.” (નિર્ગમન ૩૦:૨૬-૨૯) એ મંડપમાં બે ભાગ હતા, જે “પવિત્રસ્થાન” અને “પરમપવિત્રસ્થાન” તરીકે ઓળખાતા. (હેબ્રી ૯:૨, ૩) પછીથી એ મંડપને બદલે યરૂશાલેમમાં મંદિર થયું. યહોવાહની ભક્તિ માટેનું મંદિર યરૂશાલેમમાં હોવાને લીધે, એ “પવિત્ર નગર” કહેવાયું. (નહેમ્યાહ ૧૧:૧; માત્થી ૨૭:૫૩) ઈસુ ધરતી પર આવ્યા ત્યારે તેમણે પણ એને યહોવાહની ભક્તિ માટેના મંદિર તરીકે શુદ્ધ રાખ્યું. લોકો ત્યાં વેપાર કરતા અને શોર્ટ-કટ માટે મંદિરમાં થઈને આવ-જા કરતા. તેથી ઈસુ ખૂબ ગુસ્સે થયા.—માર્ક ૧૧:૧૫, ૧૬.

૩. શું બતાવે છે કે ઈસ્રાએલી લોકોનો મેળાવડો પવિત્ર હતો?

૩ ઈસ્રાએલી લોકો યહોવાહની ભક્તિ કરવા, તેમનું જ્ઞાન લેવા નિયમિત ભેગા થતા. તેઓના તહેવારોના અમુક દિવસોએ “પવિત્ર મેળાવડો” ભરવામાં આવતો. એ બતાવે છે કે એને તેઓ કેટલો પવિત્ર ગણતા હતા. (લેવીય ૨૩:૨, ૩, ૩૬, ૩૭) એઝરા અને નહેમ્યાહના દિવસોનો વિચાર કરો. એ વખતે મેળાવડામાં ‘લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા; સર્વ લોક નિયમશાસ્ત્રનાં વચનો સાંભળીને રડતા હતા. તેથી લેવીઓએ સર્વ લોકને શાંત પાડ્યા કે છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે.’ પછી ઈસ્રાએલી લોકોએ સાત દિવસનો માંડવા પર્વ પાળ્યો અને ‘મહા આનંદ થઈ રહ્યો. પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી દરરોજ દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. તેઓએ સાત દિવસ સુધી પર્વ પાળ્યું; અને આઠમે દિવસે નિયમ પ્રમાણે પર્વ સમાપ્તિની સભા ભરી.’ (નહેમ્યાહ ૮:૭-૧૧, ૧૭, ૧૮) એ તહેવારો ખરેખર પવિત્ર મેળાવડા હતા, જે ઉજવનારા ધ્યાનથી સાંભળતા હતા. શીખતા હતા.

આપણી મિટિંગો, પવિત્ર મેળાવડા

૪, ૫. આપણી મિટિંગો કઈ રીતે પવિત્ર મેળાવડા છે?

૪ ખરું કે આજે યહોવાહે કોઈ શહેરને પસંદ કર્યું નથી, જેમાં તેમનું મંદિર હોય. તોપણ, આપણે જાણીએ છીએ કે મિટિંગોમાં યહોવાહની ભક્તિ થાય છે. એ પવિત્ર મેળાવડા જેવી જ છે. દર અઠવાડિયે ત્રણ વાર આપણે શાસ્ત્રમાંથી વાંચવા, શીખવા ભેગા મળીએ છીએ. નહેમ્યાહના ટાઇમમાં થતું હતું એમ જ, મિટિંગમાં આપણને બાઇબલમાંથી ‘વાંચી’ આપવામાં આવે છે. ‘વાંચેલું સમજાવાય’ પણ છે. (નહેમ્યાહ ૮:૮) આપણી બધીય મિટિંગો પ્રાર્થનાથી શરૂ થાય છે. પ્રાર્થનાથી પૂરી થાય છે. મોટા ભાગની મિટિંગોમાં યહોવાહનું નામ રોશન કરતા ગીતો ગવાય છે. (ગીતશાસ્ત્ર ૨૬:૧૨) આપણી મિટિંગોમાં આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ. તેમની આરાધના કરીએ છીએ. તેમની અમૃતવાણી દિલમાં ઉતારીએ છીએ.

૫ યહોવાહ પોતાની ભક્તિ કરવા ભેગા મળતા ભક્તોને આશીર્વાદ આપે છે. તેઓ ભેગા મળીને તેમને ભજે છે. શાસ્ત્રમાંથી શીખે છે. એકબીજાના સંગનો આનંદ માણે છે. મિટિંગના ટાઇમે આપણે ખાતરી રાખી શકીએ કે ‘યહોવાહે ત્યાં જ આશીર્વાદ ફરમાવ્યા છે.’ (ગીતશાસ્ત્ર ૧૩૩:૧, ૩) આપણે ત્યાં હોઈશું અને મિટિંગમાં ધ્યાન આપીશું તો, બેશક આશીર્વાદ મેળવીશું. ઈસુએ એમ પણ કહ્યું હતું: “જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થએલા હોય ત્યાં તેઓની વચમાં હું છું.” અહીં ઈસુ એવી મિટિંગની વાત કરતા હતા, જેમાં વડીલો મંડળમાં ઊભી થયેલી કોઈ મોટી મુશ્કેલીનો ઉકેલ શોધવા ભેગા થયા હોય. તોપણ, એનો સિદ્ધાંત આપણી મિટિંગોને પણ લાગુ પડે છે. (માત્થી ૧૮:૨૦) જ્યારે આપણે મિટિંગોમાં ભેગા મળીએ, ત્યારે ઈસુ જાણે કે યહોવાહની શક્તિની મદદથી ત્યાં હાજર હોય છે. તો પછી શું એ મિટિંગ પવિત્ર પ્રસંગ ન કહેવાય?

૬. નાની કે મોટી મિટિંગોની જગ્યા વિષે આપણને કેવું લાગે છે?

૬ યહોવાહ માણસે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી. આપણા કિંગ્ડમ હૉલ તેમની ભક્તિ માટેની જગ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૮; ૧૭:૨૪) આપણે ત્યાં ભેગા મળીને શાસ્ત્રમાંથી યહોવાહનું જ્ઞાન શીખીએ છીએ. તેમને વિનંતી કરીએ છીએ. તેમનાં ભજન ગાઈએ છીએ. આપણા એસેમ્બલી હૉલમાં પણ આપણે એમ જ કરીએ છીએ. ઑડિટોરિયમ, હૉલ કે સ્ટેડિયમ સંમેલનો માટે ભાડે રાખવામાં આવે છે. આપણે સંમેલન માટે ભેગા મળીએ છીએ ત્યાં સુધી એ જગ્યા યહોવાહની ભક્તિની જગ્યા બને છે. એ નાના-મોટા પ્રસંગોની આપણે દિલથી કદર કરીએ. માન આપીએ. એ પ્રસંગને શોભે એ રીતે વર્તીએ, બોલીએ-ચાલીએ.

કઈ રીતે આપણી કદર બતાવી શકીએ?

૭. મિટિંગ માટે કઈ રીતે આપણે પ્રેમ અને કદર બતાવી શકીએ?

૭ આપણે ઘણી રીતે મિટિંગો માટે પ્રેમ અને કદર બતાવી શકીએ છીએ. એક તો મિટિંગમાં યહોવાહને ભજન ગવાતાં હોય ત્યારે, આપણે પણ ત્યાં હોઈએ. અમુક ભજનો જાણે પ્રાર્થના જેવાં છે, એટલે એ રીતે ગાવાં જોઈએ. ગીતશાસ્ત્ર ૨૨ના શબ્દો જાણે ઈસુ બોલતા હોય, એમ પાઊલે લખ્યા: ‘હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો [ભજનો] ગાઈને હું તારી સ્તુતિ કરીશ.’ (હેબ્રી ૨:૧૨) એટલે ભાઈ મિટિંગની શરૂઆતના ગીતની જાહેરાત કરે એ પહેલાં, આપણે બેસી જવું જોઈએ. પછી એ ભજનના શબ્દોનો અર્થ ધ્યાનમાં રાખીને બધા સાથે ગાવું જોઈએ. આપણે ગાઈએ ત્યારે, એક કવિ જેવી જ આપણા દિલની આરઝૂ હોવી જોઈએ: “સાધુપુરુષોની સભામાં તથા મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાહની ઉપકારસ્તુતિ કરીશ.” (ગીતશાસ્ત્ર ૧૧૧:૧) યહોવાહનાં ગીતો ગાઈને તેમની ભક્તિ કરવા, આપણે મિટિંગમાં ચોક્કસ વહેલા આવવું જોઈએ અને મિટિંગ પૂરી થાય ત્યાં સુધી રહેવું જોઈએ.

૮. મિટિંગોમાં થતી પ્રાર્થનાઓ આપણે કેમ ધ્યાનથી સાંભળવી જોઈએ?

૮ મિટિંગોમાં બધા માટે પ્રાર્થના કરવામાં આવે છે, એ પણ એક મોટો આશીર્વાદ છે. પહેલી સદીમાં યરૂશાલેમમાં ભાઈ-બહેનો અમુક પ્રસંગોએ ભેગા મળી ‘એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે’ પ્રાર્થના કરી. એટલે જ તેઓ ઘણી કસોટી હોવા છતાં પણ ‘ઈશ્વરની વાત હિંમતથી બોલતા રહ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪-૩૧) શું એ પ્રાર્થનામાં કોઈનું મન બીજા વિચારોએ ચડી ગયું હોય શકે? ના, તેઓએ યહોવાહને “એક ચિત્તે” પ્રાર્થના કરી. મિટિંગમાં થતી પ્રાર્થનાઓથી બધાનાં દિલની લાગણી યહોવાહ આગળ ઠલાવાય છે. એટલે આપણે એ પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળવી જોઈએ.

૯. આપણાં કપડાં અને વાણી-વર્તનથી કઈ રીતે આપણે મિટિંગોની કદર બતાવી શકીએ?

૯ આપણે યહોવાહની ભક્તિ માટે ભેગા મળીએ ત્યારે, યોગ્ય પહેરવેશ હોવો જરૂરી છે. આપણે મિટિંગમાં શોભે એવા કપડાં પહેરવાં જોઈએ અને આપણા વાળ પણ એ રીતે ઓળવા જોઈએ. ઈશ્વરભક્ત પાઊલે સલાહ આપી હતી: ‘એ માટે મારી ઇચ્છા છે, કે પુરુષો સર્વ સ્થળે રીસ તથા વિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. એમ જ સ્ત્રીઓ પણ મર્યાદા રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીનાં ઘરેણાંથી કે કિંમતી પોશાકથી નહિ; પણ ઈશ્વરની ભક્તિ કરનારી સ્ત્રીઓને શોભે એવી રીતે પોતાને શણગારે.’ (૧ તીમોથી ૨:૮-૧૦) આપણે મોટાં સંમેલનો માટે સ્ટેડિયમમાં ભેગા થઈએ ત્યારે પણ યહોવાહના ભક્તોને શોભે એવાં કપડાં પહેરવાં જોઈએ. પછી ભલેને મોસમ પ્રમાણેનાં કપડાં હોય. સંમેલનોની કદર બતાવવા આપણે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે, ચ્યુઈંગ ગમ કે પછી બીજું કંઈ પણ ખાઈશું નહિ. નાની-મોટી મિટિંગોમાં આપણે મળીએ ત્યારે, શોભતાં કપડાં પહેરીએ અને વાણી-વર્તન સારા રાખીએ. આ રીતે આપણા ભાઈ-બહેનોનો આપણે વિચાર કરીએ છીએ. એનાથી ખાસ તો યહોવાહ અને તેમની ભક્તિનો જયજયકાર થશે.

યહોવાહના લોકોને શોભતું વર્તન

૧૦. મિટિંગો કેવી હોવી જોઈએ એ વિષે ઈશ્વરભક્ત પાઊલે શું જણાવ્યું?

૧૦ ઈશ્વરભક્ત પાઊલે કોરીંથના મંડળને લખેલા પહેલા પત્રના ૧૪મા અધ્યાયમાં સલાહ આપી કે મિટિંગો કેવી હોવી જોઈએ. છેલ્લે તેમણે કહ્યું કે ‘બધું શોભતી રીતે અને વ્યવસ્થિત કરવામાં આવે.’ (૧ કોરીંથી ૧૪:૪૦) આપણી મિટિંગોમાં યહોવાહની ભક્તિ થાય છે. એટલે આપણું વર્તન યહોવાહના લોકોને શોભે એવું હોવું જોઈએ.

૧૧, ૧૨. (ક) આપણી મિટિંગ વિષે બાળકના મન પર કેવી છાપ પડવી જોઈએ? (ખ) મિટિંગમાં બાળક કઈ રીતે પોતાની શ્રદ્ધા બતાવી શકે?

૧૧ આપણી મિટિંગમાં સારું વર્તન રાખવાનું બાળકોને પણ શીખવવું જોઈએ. ખાસ કરીને માબાપ પોતાનાં બાળકોને શીખવશે કે કિંગ્ડમ હૉલ કે મંડળની બુક સ્ટડીની જગ્યા રમવા માટે નથી. એમાં યહોવાહની ભક્તિ કરવા, તેમના વિષે શીખવા આપણે જઈએ છીએ. રાજા સુલેમાને આમ લખ્યું: ‘ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારાં પગલાં સંભાળ. ઈશ્વરનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે સારું છે.’ (ઉપદેશક [સભાશિક્ષક] ૫:૧, IBSI) ઈશ્વરભક્ત મુસાએ ‘બાળકો’ સાથે ઈસ્રાએલી લોકોને ભેગા કર્યા. તેમણે કહ્યું કે ‘લોકોને એકઠા કરો, એ માટે કે તેઓ સાંભળે, શીખે ને યહોવાહનો ડર રાખે, ને આ નિયમનાં સર્વ વચનો પાળે. તેઓનાં છોકરાં કે જેઓ જાણતાં નથી તેઓ પણ સાંભળીને, યહોવાહનો ડર રાખતા શીખે.’—પુનર્નિયમ ૩૧:૧૨, ૧૩.

૧૨ એ જ રીતે આજે પણ બાળકો પોતાનાં મમ્મી-પપ્પા સાથે મિટિંગમાં આવે છે. સાંભળે છે અને શીખે છે. ધીમે ધીમે બાળકો મૂળ સત્યો જાણતાં થઈ જશે. પછી તેઓ પણ મિટિંગમાં નાના-નાના જવાબ આપીને, “મોંથી” પોતાની શ્રદ્ધા બતાવી શકશે. (રૂમી ૧૦:૧૦) બાળક પોતે સમજતું હોય એવા સવાલનો નાનો જવાબ આપી તે શરૂઆત કરી શકે. ખરું કે પહેલા પહેલા તે વાંચીને જવાબ આપશે, પણ સમય જતાં તે પોતાના શબ્દોમાં જવાબ આપતા શીખશે. એનાથી બાળક પોતે બહુ રાજી થશે. તેને પોતાને લાભ થશે. સાથે સાથે તેણે દિલમાંથી આપેલા જવાબથી, સત્યમાં તેની પ્રગતિ જોઈને આપણે બધાય ખુશ થઈશું. માબાપ પોતે જવાબ આપીને બાળક માટે સારો દાખલો બેસાડે છે. શક્ય હોય તો, બાળક પાસે તેનું પોતાનું બાઇબલ, ગીતનું પુસ્તક અને સ્ટડી ચાલતી હોય એ મૅગેઝિન કે પુસ્તક હોય તો સારું. બાળકે એ બધાને સારી રીતે સાચવતા શીખવું જોઈએ. આ રીતે બાળકના મન પર સારી છાપ પડશે કે આપણી મિટિંગ સ્પેશિયલ છે.

૧૩. મિટિંગમાં પહેલી વાર આવનારા પર કેવી છાપ પડે એવું આપણે ચાહીએ છીએ?

૧૩ આપણે આપણી મિટિંગો ચર્ચ જેવી બનાવી ન દઈએ, જ્યાં બહુ દેખાડો કે પવિત્ર હોવાનો ઢોંગ થતો હોય. અથવા તો જાણે નાચવા-ગાવાનો પ્રોગ્રામ હોય, એવો ઘોંઘાટ હોય. એને બદલે, આપણા હૉલમાં થતી મિટિંગોમાં લોકોને આવવાનું ગમે એવું વાતાવરણ હોવું જોઈએ. પણ સાવ એવુંય નહિ કે જાણે કોઈ સોશિયલ ક્લબ હોય. આપણે યહોવાહની ભક્તિ માટે ભેગા મળીએ છીએ. એટલે પ્રસંગને શોભતું વાતાવરણ હોવું જોઈએ. મિટિંગમાં પહેલી વાર આવનારા યહોવાહની વાણી સાંભળશે. આપણું અને આપણાં બાળકોનું વર્તન જોશે. એનાથી આપણી તો એ જ તમન્‍ના છે કે તેઓ કહી શકે કે ‘ખરેખર ઈશ્વર તમારી સાથે છે.’—૧ કરિંથી ૧૪:૨૫, ઈઝી-ટુ-રીડ.

યુગો સુધી ટકી રહેનારી ભક્તિ

૧૪, ૧૫. (ક) આપણે કઈ રીતે ‘યહોવાહના મંદિરનો ત્યાગ ન કરીએ?’ (ખ) યશાયાહ ૬૬:૨૩ના શબ્દો કઈ રીતે પૂરા થાય છે?

૧૪ આપણે આગળ વાંચ્યું કે યહોવાહ પોતાના લોકોને “પ્રાર્થનાના મંદિરમાં” ભેગા કરે છે, જેથી તેઓ જાણે એ મંદિરમાં આનંદથી ભક્તિ કરે. (યશાયાહ ૫૬:૭) ઈશ્વરભક્ત નહેમ્યાહે પોતાના જમાનાના લોકોને એ પણ યાદ કરાવ્યું કે તેઓ દાન કરીને, યહોવાહના મંદિરની કદર કરે. તેમણે કહ્યું, “અમે અમારા દેવના મંદિરનો કદી ત્યાગ કરીશું નહિ.” (નહેમ્યાહ ૧૦:૩૯) એ જ રીતે આપણે પણ યહોવાહના “પ્રાર્થનાના મંદિરમાં” ભેગા થવાનું ચૂકીએ નહિ.

૧૫ યહોવાહની ભક્તિ માટે નિયમિત મિટિંગમાં ભેગા મળવું બહુ જ જરૂરી છે. એ વિષે ઈશ્વરભક્ત યશાયાહે આમ જણાવ્યું: ‘યહોવાહ કહે છે કે, દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા સારુ આવશે.’ (યશાયાહ ૬૬:૨૩) આજે એમ જ થઈ રહ્યું છે. દરેક મહિનાને હરેક અઠવાડિયે યહોવાહના ભક્તો તેમની ભક્તિ કરવા ભેગા મળે છે. તેઓ મિટિંગમાં ભેગા મળે છે, હોંશથી લોકોને યહોવાહ વિષે શીખવે છે. શું તમે પણ નિયમિત ‘યહોવાહની આરાધના કરવા આવો છો?’

૧૬. કેમ આપણે હમણાંથી જ દરેક મિટિંગમાં નિયમિત જવું જ જોઈએ?

૧૬ યશાયાહ ૬૬:૨૩ના શબ્દો હજુ યહોવાહની નવી દુનિયામાં પૂરેપૂરી રીતે લાગુ પડશે. એ વખતે દર અઠવાડિયે, દર મહિને, યુગોના યુગો સુધી ‘સર્વ માનવજાત યહોવાહની આરાધના કરવાને આવશે.’ આવનાર નવી દુનિયામાં યહોવાહની ભક્તિ કરવા આપણે કાયમ ભાઈ-બહેનો સાથે ભેગા મળીશું. તો પછી કેમ નહિ કે હમણાંથી જ ટેવ પાડીએ કે આપણે દરેક મિટિંગ, દરેક સંમેલનમાં ચોક્કસ જઈએ!

૧૭. ‘દહાડો પાસે આવતો જોઈએ તેમ’ શા માટે આપણને આપણી મિટિંગોની વધારે જરૂર છે?

૧૭ આ દુષ્ટ દુનિયાના અંતની નજીક જઈએ છીએ તેમ તેમ, આપણે એકેય મિટિંગ ચૂકીએ નહિ. એમાં આપણે યહોવાહની ભક્તિ કરવા ભેગા મળીએ છીએ. એટલે નોકરી-ધંધો, સ્કૂલનું હૉમવર્ક, સાંજના ટ્યુશન કે બીજા કોઈ કોર્સ હોય, કોઈ પણ કારણે ભાઈ-બહેનો સાથે ભેગા મળવાનું ચૂકીએ નહિ. આપણને એકબીજા પાસેથી મળતી હિંમતની બહુ જ જરૂર છે. આપણી મિટિંગોમાં આપણે એકબીજાને સારી રીતે ઓળખી શકીએ છીએ. હોંશ આપી શકીએ ‘અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા ઉત્તેજન આપી શકીએ. જેમ જેમ તે દહાડો પાસે આવતો જોઈએ, તેમ તેમ આપણે વધારે પ્રયત્ન કરીએ.’ (હેબ્રી ૧૦:૨૪, ૨૫) મિટિંગો માટે પ્રેમ અને કદર બતાવવા, એકેય મિટિંગ ચૂકીએ નહિ. સારી રીતે તૈયાર થઈને જઈએ. વાણી-વર્તન પણ સારા રાખીએ. આ રીતે યહોવાહની પવિત્ર ભક્તિ માટે તેમના જેવું જ વલણ આપણે પણ બતાવીશું. (w 06 11/1)

મુખ્ય મુદ્દાઓ

• શું બતાવે છે કે યહોવાહની ભક્તિ માટે ભેગા થઈએ એને તે પવિત્ર ગણે છે?

• આપણી મિટિંગમાં થતી કેવી બાબતો બતાવે છે કે એ પવિત્ર મેળાવડો છે?

• બાળકો કેવી રીતે બતાવી શકે કે તેઓ પણ મિટિંગને સ્પેશિયલ ગણે છે?

• આપણે શા માટે એકેય મિટિંગ ચૂકવી ન જોઈએ?

[પાન ૩૦ પર ચિત્રો]

મિટિંગ ગમે ત્યાં રાખી હોય, એ યહોવાહની ભક્તિ માટે પવિત્ર છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો