વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૮ જાન્યુઆરી પાન ૧
  • જાન્યુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
  • મથાળાં
  • જાન્યુઆરી ૧-૭
  • જાન્યુઆરી ૮-૧૪
  • જાન્યુઆરી ૧૫-૨૧
  • જાન્યુઆરી ૨૨-૨૮
  • જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૪
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
mwbr૧૮ જાન્યુઆરી પાન ૧

જાન્યુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

જાન્યુઆરી ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧-૩

“સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે”

(માથ્થી ૩:૧, ૨) એ દિવસોમાં યહુદિયાના વેરાન પ્રદેશમાં યોહાન બાપ્તિસ્મા આપનાર આવ્યો અને પ્રચાર કરવા લાગ્યો. ૨ તે કહેવા લાગ્યો: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”

nwtsty માથ ૩:૧, ૨ અભ્યાસ માહિતી

પ્રચાર: આ ગ્રીક શબ્દનો મૂળ અર્થ થાય “જનતાને સંદેશો આપનાર વ્યક્તિ તરીકે કોઈ ઘોષણા કરવી.” આ શબ્દ ઘોષણા કરવાની રીત ઉપર ભાર મૂકે છે. એ મોટાભાગે જાહેર-જનતામાં કોઈ ઘોષણા કરવા વિશે સૂચવે છે, કોઈ એકાદ સમૂહને ઉપદેશ આપવા વિશે નહિ.

રાજ્ય: આ શબ્દ માટે મૂળ ગ્રીકમાં બસીલેયા શબ્દ વપરાયો છે, જે સૌ પ્રથમ આ કલમમાં જોવા મળે છે. એ શબ્દ એક રાજાના શાસન હેઠળ આવતી રાજવી સરકાર, પ્રદેશ અને પ્રજાને રજૂ કરે છે. આ ગ્રીક શબ્દ બાઇબલના ગ્રીક શાસ્ત્રવચનોમાં કુલ ૧૬૨ વાર જોવા મળે છે. એમાંથી માથ્થીના પુસ્તકમાં એનો ઉપયોગ ૫૫ જગ્યાએ થયો છે, જેમાં મોટાભાગે ઈશ્વરના સ્વર્ગીય રાજ-શાસનને દર્શાવવા એ વપરાયો છે. માથ્થીએ પોતાના પુસ્તકમાં આ શબ્દનો ઘણી વાર ઉપયોગ કર્યો હોવાથી, એને રાજ્યની ખુશખબરનું પુસ્તક કહી શકાય.

આકાશનું રાજ્ય: ફક્ત માથ્થીએ લખેલી ખુશખબરમાં આ વાક્યાંશ જોવા મળે છે, જે ત્રીસેક વખત વપરાયો છે. માર્ક અને લુકનાં પુસ્તકોમાં એના જેવો બીજો વાક્યાંશ “ઈશ્વરનું રાજ્ય”નો ઉપયોગ થયો છે, જે દર્શાવે છે કે આ રાજ્યનું કેન્દ્ર સ્થળ સ્વર્ગમાં છે અને ત્યાંથી જ એ સત્તા પણ ચલાવે છે.​—માથ ૨૧:૪૩; માર્ક ૧:૧૫; લુક ૪:૪૩; દા ૨:૪૪; ૨તિ ૪:૧૮.

પાસે આવ્યું છે: આનો અર્થ થાય કે જે વ્યક્તિ સ્વર્ગના રાજ્યનો રાજા બનવાની છે, તે આવવાની તૈયારીમાં છે.

(માથ્થી ૩:૪) યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં અને તેની કમરે ચામડાનો પટ્ટો હતો. તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.

nwtsty ચિત્રો/વીડિયો

યોહાન બાપ્તિસ્મકનો પહેરવેશ અને દેખાવ

ઊંટના વાળને ગુંથીને બનાવેલો ઝભ્ભો તે પહેરતા અને કમરે ચામડાનો પટ્ટો બાંધતા, જેથી નાની નાની વસ્તુઓ એના પર લટકાવી શકાય. તેમના જેવો જ પહેરવેશ પ્રબોધક એલિયાનો પણ હતો. (૨રા ૧:૮) એ સમયમાં ફક્ત અમીર લોકો રેશમ કે શણના મુલાયમ કપડાં પહેરતા. ગરીબ લોકો તો ઊંટના વાળથી બનેલાં બખ્ખડ કપડાં પહેરતાં. (માથ ૧૧:૭-૯) યોહાન જન્મથી નાઝીરી હોવાથી શક્ય છે કે તેમણે પોતાના વાળ કદી કપાવ્યા નહિ હોય. તેમના પહેરવેશ અને દેખાવથી સાફ જોઈ શકાતું કે તે સાદું જીવન જીવતા અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવામાં તે પૂરી રીતે સમર્પિત હતા.

તીડો

બાઇબલમાં “તીડો” શબ્દ જુદી જુદી જાતના તીતીઘોડાને દર્શાવી શકે છે. જેમ કે, નાની-મોટી શૃંગિકાવાળા (મૂંછોવાળા) તીતીઘોડા જે ખાસ કરીને મોટા ટોળામાં ફરતા હોય છે. યરુશાલેમમાં એક સંશોધન વખતે જાણવા મળ્યું કે રણમાં ફરનાર તીડોના શરીરમાં ૭૫ ટકા પ્રોટીન હોય છે. આજે પણ અમુક લોકો તીડ ખાતા હોય છે. એનું માથું, પગ, પાંખ, અને પાછળનો ભાગ નથી ખાતા, ફક્ત વચ્ચેનો ભાગ કાચો અથવા રાંધીને ખાય છે. એ સ્વાદમાં ઝીંગા અથવા કરચલા જેવું હોય છે અને એમાંથી ભરપૂર પ્રોટીન મળે છે.

જંગલી મધ

અહીં બતાવેલા ચિત્રમાં (૧) જંગલી મધમાખીઓએ બનાવેલો મધપૂડો અને (૨) એનો મધ નીતરતો ટૂકડો જોઈ શકાય છે. ખોરાકમાં યોહાન જે મધ ખાતા તે કદાચ એ વિસ્તારમાં સામાન્ય રીતે મળી રહેતી અપીસ મેલીફેરા સાયરીયાકા નામની મધમાખીઓની એક પ્રજાતિનું હોય શકે. મધમાખીની આ પ્રજાતિને યહુદિયાના રણ જેવા ગરમ અને ભેજ વગરના પ્રદેશોની આબોહવા માફક આવે છે. જોકે, આ પ્રજાતિ આક્રમક હોવાથી મધમાખી પાલન માટે સારી નથી. સામાન્ય યુગ પૂર્વે નવમી સદીમાં ઈસ્રાએલના લોકો માટીના લંબગોળ કુંજામાં મધમાખી પાલન કરતા. એવા ઘણા મધપૂડાના અવશેષો ઈસ્રાએલમાં આજે તેલ રેહોવ નામથી ઓળખાતા શહેરના મધ્ય વિસ્તારમાંથી મળી આવ્યા છે. એ યરદનની ખીણના વિસ્તારમાં આવેલું છે. લોકો મધ ઉત્પાદન માટે મધમાખીઓની એક ખાસ પ્રજાતિ કદાચ એ પ્રદેશથી મંગાવતા હતા, જે આજે તુર્કી તરીકે ઓળખાય છે.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૧:૩) યહુદાને તામારથી થયેલા પુત્રો પેરેસ અને ઝેરાહ; પેરેસનો પુત્ર હેસ્રોન; હેસ્રોનનો પુત્ર આરામ

nwtsty માથ ૧:૩ અભ્યાસ માહિતી

તામાર: માથ્થીએ લખેલી મસીહની વંશાવળીમાં પાંચ સ્ત્રીઓના નામ પણ છે, જેમાં આ નામ સૌ પ્રથમ લખવામાં આવ્યું છે. એ પછીના ચાર નામો આમ છે: બિનઈસ્રાએલી સ્ત્રીઓ રાહાબ અને રૂથ (કલમ ૫); “ઊરિયાની પત્ની” બાથશેબા (કલમ ૬) અને મરિયમ (કલમ ૧૬). ઉલ્લેખનીય છે કે મોટાભાગે પુરુષોના નામવાળી વંશાવળીમાં આ પાંચ સ્ત્રીઓના નામ સામેલ કરવામાં આવ્યાં છે. કારણ કે, એ સ્ત્રીઓ જે રીતે ઈસુની પૂર્વજ બની એ કિસ્સા ખૂબ અજોડ હતા.

(માથ્થી ૩:૧૧) તમારા પસ્તાવાને લીધે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. હું તેમના જોડા કાઢવાને પણ યોગ્ય નથી. તે તમને પવિત્ર શક્તિથી અને અગ્‍નિથી બાપ્તિસ્મા આપશે.

nwtsty માથ ૩:૧૧ અભ્યાસ માહિતી

તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું: અથવા “તમને પાણીમાં ડૂબકી મરાવું છું.” ગ્રીક શબ્દ બાપ્તીઝોનો અર્થ થાય “ઝબોળવું” કે પછી “ડૂબકી મારવી.” બાઇબલની બીજી કલમો પરથી દેખાઈ આવે છે કે બાપ્તિસ્માની પ્રક્રિયામાં પૂરેપૂરી રીતે ડૂબકી મારવાનો સમાવેશ થાય છે. જેમ કે, યોહાન યરદનની ખાઈ પાસે શાલીમમાં એક જગ્યાએ બાપ્તિસ્મા આપી રહ્યા હતા, “કારણ કે ત્યાં ઘણું પાણી હતું” (યોહ ૩:૨૩) એ જ પ્રમાણે, ઇથિયોપિયાના અધિકારીના બાપ્તિસ્મા માટે ફિલિપ અને એ અધિકારી, બંને જણ “પાણીમાં ઊતર્યા.” (પ્રેકા ૮:૩૮) સેપ્ટુઆજીંટમાં ૨રા ૫:૧૪માં નાઅમાન વિશેનો અહેવાલ છે, કે તે ‘યરદન નદીમાં સાત વાર ડૂબકી મારે છે.’ ત્યાં ડૂબકી મારવાના શબ્દ માટે આ ગ્રીક શબ્દ બાપ્તીઝોનો ઉપયોગ થયો છે.

બાઇબલ વાંચન

(માથ્થી ૧:૧-૧૭) આ પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તના જીવનનો ઇતિહાસ છે. તે ઈબ્રાહીમના કુળના, દાઊદના વંશજ છે. આ છે ઈસુની વંશાવળી: ૨ ઈબ્રાહીમનો પુત્ર ઇસહાક; ઇસહાકનો પુત્ર યાકૂબ; યાકૂબને યહુદા અને બીજા પુત્રો થયા; ૩ યહુદાને તામારથી થયેલા પુત્રો પેરેસ અને ઝેરાહ; પેરેસનો પુત્ર હેસ્રોન; હેસ્રોનનો પુત્ર આરામ; ૪ આરામનો પુત્ર અમિનાદાબ; અમિનાદાબનો પુત્ર નાહશોન; નાહશોનનો પુત્ર સલ્મોન; ૫ સલ્મોનને રાહાબથી થયેલો પુત્ર બોઆઝ; બોઆઝને રૂથથી થયેલો પુત્ર ઓબેદ; ઓબેદનો પુત્ર યિશાઈ; ૬ યિશાઈનો પુત્ર રાજા દાઊદ; દાઊદનો પુત્ર સુલેમાન, સુલેમાનની મા અગાઉ ઊરિયાની પત્ની હતી. ૭ સુલેમાનનો પુત્ર રહાબામ; રહાબામનો પુત્ર અબિયા; અબિયાનો પુત્ર આસા; ૮ આસાનો પુત્ર યહોશાફાટ; યહોશાફાટનો પુત્ર યોરામ; યોરામનો પુત્ર ઉઝિયા; ૯ ઉઝિયાનો પુત્ર યોથામ; યોથામનો પુત્ર આહાઝ; આહાઝનો પુત્ર હિઝકિયા; ૧૦ હિઝકિયાનો પુત્ર મનાશ્શા; મનાશ્શાનો પુત્ર આમોન; આમોનનો પુત્ર યોશિયા; ૧૧ યહુદીઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાયા, એ દરમિયાન યોશિયાને યખોન્યા અને બીજા પુત્રો થયા. ૧૨ બાબેલોનમાં યખોન્યાના પુત્ર શઆલ્તીએલનો જન્મ થયો અને શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ; ૧૩ ઝરૂબ્બાબેલનો પુત્ર અબિહૂદ; અબિહૂદનો પુત્ર એલ્યાકીમ; એલ્યાકીમનો પુત્ર આઝોર; ૧૪ આઝોરનો પુત્ર સાદોક; સાદોકનો પુત્ર આખીમ; આખીમનો પુત્ર અલિહૂદ; ૧૫ અલિહૂદનો પુત્ર એલ્યાઝર; એલ્યાઝરનો પુત્ર મથ્થાન; મથ્થાનનો પુત્ર યાકૂબ; ૧૬ યાકૂબનો પુત્ર યુસફ, જે મરિયમનો પતિ હતો. મરિયમની કૂખે ઈસુનો જન્મ થયો, જે ખ્રિસ્ત કહેવાયા. ૧૭ બધી પેઢીઓ આ પ્રમાણે હતી: ઈબ્રાહીમથી દાઊદ સુધી ૧૪ પેઢીઓ; દાઊદથી લઈને યહુદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાયા ત્યાં સુધી ૧૪ પેઢીઓ; અને યહુદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાયા ત્યારથી ખ્રિસ્તના સમય સુધી ૧૪ પેઢીઓ.

જાન્યુઆરી ૮-૧૪

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૪-૫

“પહાડ પરથી ઈસુએ આપેલા ઉપદેશમાંથી બોધપાઠ”

(માથ્થી ૫:૩) “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

nwtsty માથ ૫:૩ અભ્યાસ માહિતી

સુખી: આ શબ્દ કંઈ તાણ મુક્ત જીવનને જ નથી દર્શાવતું, જ્યારે વ્યક્તિ સારા સમયમાં હોય. એ એવી પરિસ્થિતિને પણ દર્શાવે છે, જ્યારે વ્યક્તિ ઈશ્વરના આશીર્વાદનો અને તેમની મંજૂરી મેળવવાનો આનંદ માણતી હોય. એ શબ્દનો ઉપયોગ ઈશ્વરનું વર્ણન તેમજ સ્વર્ગમાં મહિમાવંત ઈસુનું વર્ણન કરવા પણ થયો છે.—૧તિ ૧:૧૧; ૬:૧૫.

જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે: ‘જેઓને ભૂખ છે’ માટે જે ગ્રીક વાક્યાંશ છે એનો શાબ્દિક અર્થ થાય “જેઓ ગરીબ (જરૂરતમંદ; વંચિત; ભિખારી) છે.” અહીં સંદર્ભ પ્રમાણે એ વાક્યાંશ એવાઓને દર્શાવે છે જેઓ જરૂરિયાતમાં છે તેમજ એ વિશે સારી રીતે સભાન છે. એ જ શબ્દ લુક ૧૬:૨૦, ૨૨માં લાજરસ ‘ભિખારીને’ દર્શાવવા વપરાયો છે. અમુક અનુવાદો આ ગ્રીક વાક્યાંશનું ભાષાંતર “જેઓ આત્મામાં રાંક છે” એમ કરે છે. એ શબ્દો એવા લોકોને દર્શાવે છે, જેઓ ઈશ્વર અને ભક્તિને લગતી બાબતોમાં પોતાને સાવ ગરીબ ગણે છે અને એ માટે અફસોસ કરે છે.

(માથ્થી ૫:૭) “જેઓ દયાળુ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.

nwtsty માથ ૫:૭ અભ્યાસ માહિતી

દયાળુ: બાઇબલમાં “દયા” અને “દયાળુ” માટેના મૂળ શબ્દોનો ઉપયોગ માફી અથવા ન્યાયચુકાદામાં મળતી છૂટછાટને દર્શાવવા તો થયો છે. ઉપરાંત, એ મોટાભાગે જરૂરતમંદોને સહાનુભૂતિ અને દયાથી પ્રેરાઈને મદદ કરવાની ભાવનાને પણ દર્શાવે છે.

(માથ્થી ૫:૯) “જેઓ શાંતિ કરાવે છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરાઓ કહેવાશે.

nwtsty માથ ૫:૯ અભ્યાસ માહિતી

શાંતિ કરાવે છે તેઓ: એવા લોકો જેઓ પોતે શાંતિ જાળવે છે, સાથે સાથે સુલેહ-શાંતિ કરાવે પણ છે.

w૦૭ ૧૨/૧ ૨૧

બાળકોને હળી-મળીને રહેતા શીખવો

માબાપ શીખવવા ચાહે છે કે પોતાનાં બાળકો બધા સાથે ‘સુલેહશાંતિ’ કરીને, હળી-મળીને રહે. એની ‘પાછળ મંડ્યા રહે.’ (૧ પીતર ૩:૧૧) શાંતિ કરાવવાથી જે સુખ અને આનંદ મળે છે એ અજોડ છે, એને તોલે કંઈ આવી શકે નહિ. એવો અજોડ આનંદ મેળવવા આપણે શંકા, નિરાશા અને વેર જેવી ખરાબ લાગણીઓને દૂર કરવા બનતો પ્રયત્ન કરીએ.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૪:૯) પછી તેણે તેમને કહ્યું: “જો તું એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે તો હું તને આ બધું આપી દઈશ.”

nwtsty માથ ૪:૯ અભ્યાસ માહિતી

એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે: “ભક્તિ કરવી” માટે જે ગ્રીક ક્રિયાપદ અહીં વપરાયો છે, એ ટૂંક સમય પૂરતી થતી ક્રિયાને સૂચવે છે. એટલે “એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે” એવી શરત મૂકી ત્યારે શેતાન ખરેખર ઈસુને ફક્ત થોડા સમય માટે ભક્તિ કરવા જ કહેતો હતો—ફક્ત “એક વાર”. ઈસુ સામે તેણે કંઈ સતત ભક્તિ કરતા રહેવાની શરત મૂકી ન હતી.

(માથ્થી ૪:૨૩) પછી, ઈસુ આખા ગાલીલમાં ફરીને લોકોનાં સભાસ્થાનોમાં શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. તેમણે લોકોના બધી જાતના રોગ મટાડ્યા અને તેઓને હરેક પ્રકારની નબળાઈથી સાજા કર્યા.

nwtsty માથ ૪:૨૩ અભ્યાસ માહિતી

શીખવવા લાગ્યા . . . પ્રચાર કરવા લાગ્યા: પ્રચાર કરવો એ શીખવવાના કામથી જૂદું છે. શીખવવામાં માર્ગદર્શન આપવું, સમજણ પાડવી, તર્ક-વિતર્ક કરવો અને કોઈ વાતે સાબિતી આપવાનો પણ સમાવેશ થાય છે.

બાઇબલ વાંચન

(માથ્થી ૫:૩૧-૪૮) “એમ પણ કહેલું હતું કે, ‘જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે, તે તેને છૂટાછેડા લખી આપે.’ ૩૨ પણ, હું તમને કહું છું કે જે પોતાની પત્નીને વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે, તે તેને લગ્‍ન બહાર જાતીય સંબંધ બાંધવાના જોખમમાં મૂકે છે; અને જે કોઈ છૂટાછેડા પામેલી એ સ્ત્રીને પરણે છે, તે પણ વ્યભિચાર કરે છે. ૩૩ “વધુમાં, જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તું તારા સમ ન તોડ, પણ યહોવા સામે લીધેલી માનતા પૂરી કર.’ ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ. સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે; ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે; યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે. ૩૬ તમે તમારા માથાના સમ પણ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ કે કાળો કરી શકતા નથી. ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય, કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ દુષ્ટ તરફથી છે. ૩૮ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’ ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામા ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો. ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો લેવા માંગે, તો તેને તમારો બહારનો ઝભ્ભો પણ આપી દો. ૪૧ જો કોઈ અધિકારી તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તો તેની સાથે બે કિલોમીટર જાઓ. ૪૨ જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને આપો અને કોઈ તમારી પાસે ઉછીનું લેવા આવે તો તેનાથી મોં ન ફેરવો. ૪૩ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તું તારા પડોશી પર પ્રેમ રાખ અને દુશ્મનને નફરત કર.’ ૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો. ૪૫ આ રીતે તમે સ્વર્ગમાં રહેતા તમારા પિતાના દીકરાઓ બનશો, કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે તથા નેક અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે. ૪૬ જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો, તમને શું ફાયદો? કર ઉઘરાવનારા પણ એવું જ નથી કરતા શું? ૪૭ જો તમે ફક્ત પોતાના ભાઈઓને જ સલામ કરો, તો એમાં શું મોટી વાત? બીજી પ્રજાના લોકો પણ એવું જ નથી કરતા શું? ૪૮ એટલે, જેમ સ્વર્ગમાંના તમારા પિતા સંપૂર્ણ છે, તેમ તમે સંપૂર્ણ થાઓ.

જાન્યુઆરી ૧૫-૨૧

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૬-૭

‘પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો’

(માથ્થી ૬:૧૦) તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

bh ૧૬૯ ¶૧૨

ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો

૧૨ આપણી પ્રાર્થનામાં સૌથી વધારે મહત્ત્વ શાને આપવું જોઈએ? આપણા મહાન પરમેશ્વર યહોવાને. યહોવાએ આપણા માટે કેટલું કર્યું છે! તેમનો જયજયકાર કરીએ. તેમની ભલાઈ માટે દિલથી સ્તુતિ કરીએ. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૦-૧૩) ઈસુએ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું છે. માથ્થી ૬:૯-૧૩ એના વિશે જણાવે છે. એમાં ઈસુએ પહેલા કહ્યું કે ‘યહોવાનું નામ રોશન થાય. તેમનું નામ પવિત્ર મનાય. ઈશ્વરનું રાજ્ય આવે. સ્વર્ગમાં થાય છે તેમ, ધરતી પર તેમની ઇચ્છા પૂરી થાય.’ એ પછી જ ઈસુએ શીખવ્યું કે પ્રાર્થનામાં પોતાની ચિંતાઓ પણ યહોવાને જણાવો. આપણા જીવનમાં યહોવા અને તેમની ભક્તિ જ બધું છે. એટલે આપણે પહેલા એના વિશે પ્રાર્થના કરીએ. પછી બીજી અરજ કરીએ.

(માથ્થી ૬:૨૪) “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.

nwtsty માથ ૬:૨૪ અભ્યાસ માહિતી

ચાકરી: આની માટેનો ગ્રીક ક્રિયાપદ ચાકર તરીકે કામ કરવાને દર્શાવે છે, એટલે કે કોઈ એક માલિકના તાબે થઈને કામ કરનાર. અહીં ઈસુ કહેવા માંગતા હતા કે ઈશ્વર જે ભક્તિના હક્કદાર છે એવી ભક્તિ કરવાની સાથે સાથે ધનદોલત મેળવવા મંડ્યા રહેવું શક્ય નથી.

(માથ્થી ૬:૩૩) “એટલે, પહેલા તમે ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એને શોધતા રહો. પછી, એ બધું તમને આપવામાં આવશે.

nwtsty માથ ૬:૩૩ અભ્યાસ માહિતી

પહેલા . . . શોધતા રહો: એ માટે જે ગ્રીક ક્રિયાપદ વપરાયો છે, એ સતત થતી ક્રિયાને દર્શાવે છે. એનો ‘સતત શોધતા રહેવું’ એવો અર્થ પણ થઈ શકે. ઈસુને પગલે ચાલનારા કદી પણ રાજ્યને થોડા સમય પૂરતું પ્રથમ રાખીને પછી બીજી બાબતોમાં લાગી જતા નથી. પોતાના જીવનના દરેક પાસામાં રાજ્યને પ્રથમ રાખવા વિશે તેઓ સજાગ હોવા જ જોઈએ.

રાજ્ય: અમુક પ્રાચીન ગ્રીક હસ્તપ્રતો આને ‘ઈશ્વરનું રાજ્ય’ એમ લખે છે.

તેમનું: ઈશ્વરને એટલે કે ‘સ્વર્ગમાંના પિતાને’ દર્શાવે છે, જેમના વિશે માથ ૬:૩૨માં ઉલ્લેખ થયો છે.

જે ખરું છે: ઈશ્વરની નજરે શું ખરું છે, એ શોધનાર વ્યક્તિ તેમની ઇચ્છા મુજબ કરવા તત્પર રહે છે. ઈશ્વરનાં ધોરણોને આધારે તે ખરું-ખોટું નક્કી કરે છે. આ શિક્ષણ ફરોશીઓના શિક્ષણ કરતાં સાવ જુદું હતું, જેઓ પોતાને ઠીક લાગે એમ ખરું કે ખોટું ઠરાવતા હતા.—માથ ૫:૨૦.

w૧૬.૦૭ ૧૨ ¶૧૮

રાજ્યને શોધો, બીજી વસ્તુઓને નહિ

૧૮ માથ્થી ૬:૩૩ વાંચો. જો આપણે રાજ્યને જીવનમાં પ્રથમ મૂકીશું, તો યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે. ઈસુએ સમજાવ્યું કે શા માટે એ વચન પર ભરોસો રાખવાની જરૂર છે. તેમણે કહ્યું: ‘તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.’ (ફિલિ. ૪:૧૯) કોઈ વસ્તુની આપણને જરૂર છે એવો આપણને અહેસાસ થાય એના પહેલાં યહોવાને એની જાણ હોય છે. તે જાણે છે કે આપણું કયું કપડું હવે ફાટવાની તૈયારીમાં છે. તે એ પણ જાણે છે કે તમને કયા ખોરાકની જરૂર પડશે. તેમને એ પણ ખબર છે કે, તમને અને તમારા કુટુંબને રહેવા માટે જગ્યાની જરૂર છે. યહોવા ખાતરી કરશે કે, આપણને જેની ખરેખર જરૂર છે એ વસ્તુ આપણને મળી રહે.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૭:૧૨) “એટલે, જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો. નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.

w૧૪ ૫/૧૫ ૧૪-૧૫ ¶૧૪-૧૬

સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ

૧૪ એક દૃશ્યની કલ્પના કરો. તમને એક ફોન આવે છે અને તે વ્યક્તિ પૂછે કે, “ખાવામાં તમને શું ભાવે છે?” તમને થશે કે, “આ વ્યક્તિ કોણ છે અને ખરેખર શું ચાહે છે?” તેથી, તમે વાત કરતા અચકાશો. પરંતુ, તેને તોડી ન પાડવા કદાચ થોડી ઘણી વાત કરશો અને ફોન કટ કરવાનો સંકેત આપશો. હવે, બીજા દૃશ્યની કલ્પના કરો. કોઈ ફોન કરીને તમને પહેલા પોતાની ઓળખ આપે છે. તેમ જ, કહે કે તેનું કામ બધાને ફોન કરીને એ માહિતી આપવાનું છે કે તંદુરસ્ત રહેવા કેવો ખોરાક લેવો. એ માહિતી તમારા ભલા માટે છે, એવું સાંભળ્યા પછી હવે તમે તેની વાત પર ધ્યાન આપશો. સ્વાભાવિક છે કે, પોતાની ઓળખ છુપાવે નહિ એવી વ્યક્તિ સાથે વાત કરવી ગમે. એવી જ રીતે, પ્રચારમાં મળતી વ્યક્તિઓને માન બતાવવા, આપણે શું કરી શકીએ?

૧૫ ઘણા વિસ્તારોમાં ઘરમાલિકને આપણા આવવાનો હેતુ સાફ જણાવવો પડે. ખરું કે, આપણે ઘરમાલિક માટે મહત્ત્વનો સંદેશો લાવ્યા છીએ. પરંતુ, જરા વિચારો કે આવવાનો હેતુ જણાવ્યા વગર સીધો આ સવાલ પૂછીએ કે, “જો તમારી પાસે શક્તિ હોય તો તમે દુનિયામાંથી કઈ મુશ્કેલીને દૂર કરવા માંગશો?” તો તેને કેવું લાગશે. ખરું કે, એવા સવાલો પૂછવાનો આપણો હેતુ, તેના વિચારો જાણવાનો અને પછી બાઇબલમાંથી તેને મદદ આપવાનો છે. પરંતુ, ઘરમાલિકને કદાચ થશે: “આ અજાણી વ્યક્તિ કોણ છે અને મને કેમ આવો સવાલ પૂછે છે? આ બધું શું ચાલી રહ્યું છે?” જ્યારે કે, આપણે તો ચાહીએ છીએ કે વ્યક્તિને આપણી સાથે વાત કરવાનું ગમે. (ફિલિ. ૨:૩, ૪) એ માટે આપણે શું કરી શકીએ?

૧૬ એક પ્રવાસી નિરીક્ષકને આ રીતે રજૂઆત કરવાથી ફાયદો થયો છે. ઘરમાલિકને “કેમ છો?” કહ્યા પછી તે સાચો માર્ગ કયો છે? પત્રિકા આપે છે. એ પછી તે કહે છે, “આજે, અમે દરેકને આ પત્રિકા આપીએ છીએ. ઘણા લોકોને થતાં છ સવાલોની એમાં ચર્ચા કરવામાં આવી છે. આ તમારા માટે છે.” ભાઈ જણાવે છે કે આવવાનો હેતુ પહેલા જ જણાવી દેવાથી લોકો સારી રીતે સાંભળે છે. પછી, ભાઈ એ પત્રિકા તરફ ધ્યાન દોરતા પૂછે છે, ‘આ છ સવાલોમાંથી તમને કયો સવાલ થયો છે?’ ઘરમાલિક જે સવાલ પસંદ કરે એના પર ભાઈ બાઇબલમાંથી ચર્ચા કરે છે. જો ઘરમાલિક અચકાતો હોય તો ભાઈ જાતે જ સવાલ પસંદ કરીને ચર્ચા ચાલુ રાખે છે. એમાં કોઈ શંકા નથી કે વાતચીત શરૂ કરવાના બીજા પણ ઘણા રસ્તા છે. કેટલાક વિસ્તારોમાં રજૂઆત શરૂ કરતા પહેલા “કેમ છો?” કહ્યાં ઉપરાંત કંઈક વધારે વાતચીત કરવી પડે. તેથી સારું રહેશે કે વિસ્તારના લોકો પ્રમાણે આપણી રજૂઆતમાં ફેરફાર કરીએ.

(માથ્થી ૭:૨૮, ૨૯) હવે, ઈસુએ ઉપદેશ પૂરો કર્યો ત્યારે, તેમની શીખવવાની રીત જોઈને ટોળાં પર એવી અસર પડી કે તેઓ દંગ રહી ગયા; ૨૯ કારણ કે તે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય એ રીતે શીખવતા હતા.

nwtsty માથ ૭:૨૮, ૨૯ અભ્યાસ માહિતી

દંગ રહી ગયા: અહીં જે ગ્રીક ક્રિયાપદ વપરાયો છે એને “આશ્ચર્યની લાગણીમાં ગળાડૂબ થઈ જવું” એમ વર્ણવી શકાય. અહીં સતત થતી ક્રિયાને માટે વપરાતા શબ્દનો ઉપયોગ થયો છે, જે બતાવે છે કે ઈસુના શબ્દોની લોકોના ટોળા પર લાંબા સમય સુધી અસર રહેતી હતી.

તેમની શીખવવાની રીત: આ શબ્દો બતાવે છે કે ઈસુએ લોકોને કઈ રીતે શીખવ્યું. તેમની શીખવવાની ઢબમાં તેમણે જે કંઈ શીખવ્યું એનો અને પહાડ પરના ઉપદેશમાં જણાવેલ દરેક સૂચનનો સમાવેશ થાય છે.

શાસ્ત્રીઓની જેમ નહિ: શાસ્ત્રીઓમાં રિવાજ હતો કે તેઓ પોતાના રાબ્બીઓને (ગુરુઓને) ઈશ્વર સમાન ગણતા. દરેક વાતે એ ગુરુઓને અધિકાર હોય એ રીતે તેઓનો ઉલ્લેખ કરતા. જ્યારે કે ઈસુ તો ઈશ્વર યહોવાના પ્રતિનિધિ તરીકે, જેને અધિકાર હોય એવી વ્યક્તિ તરીકે વાત કરતા. તેમનું શિક્ષણ હંમેશાં ઈશ્વરનાં વચનોને આધારે હતું.—યોહ ૭:૧૬.

બાઇબલ વાંચન

(માથ્થી ૬:૧-૧૮) “ધ્યાન રાખો! તમે લોકોને દેખાડવા માટે તેઓ સામે સારાં કાર્યો ન કરો; નહિતર સ્વર્ગમાંના તમારા પિતા પાસેથી તમને કોઈ બદલો નહિ મળે. ૨ એટલે, જ્યારે તમે દાન કરો ત્યારે તમારી આગળ ઢંઢેરો ન પીટાવો. એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પોતાનો પૂરો બદલો મળી ચૂક્યો છે. ૩ પરંતુ, જ્યારે તમે દાન કરો ત્યારે તમારો ડાબો હાથ ન જાણે કે તમારો જમણો હાથ શું કરે છે, ૪ જેથી તમારું દાન ગુપ્ત રહે. પછી, ગુપ્ત કામોને જોનાર તમારા પિતા તમને એનો બદલો આપશે. ૫ “વળી, તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી લોકો જેવા ન બનો, કેમ કે તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, જેથી લોકો તેઓને જોઈ શકે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પૂરી રીતે પોતાનો બદલો મેળવી ચૂક્યા છે. ૬ પરંતુ, તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ; દરવાજો બંધ કરીને તમારા પિતાને પ્રાર્થના કરો, જેમને કોઈ જોઈ શકતું નથી. પછી, તમારા ગુપ્ત કામોને જોનાર તમારા પિતા તમને બદલો આપશે. ૭ પ્રાર્થના કરતી વખતે દુનિયાના લોકોની જેમ એકની એક વાતનું રટણ ન કરો, કેમ કે તેઓ ધારે છે કે ઘણા શબ્દો વાપરવાથી ઈશ્વર તેઓનું સાંભળશે. ૮ પણ, તમે તેઓ જેવા ન બનો, કેમ કે તમે માંગો એ પહેલાં તમારા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે. ૯ “એટલે, તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: “‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. ૧૦ તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. ૧૧ આજ માટે જરૂરી રોટલી અમને આજે આપો. ૧૨ અમારાં પાપ માફ કરો, જેમ અમે પણ અમારી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કર્યા છે. ૧૩ અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને દુષ્ટથી અમારો છુટકારો કરો.’ ૧૪ “જો તમે લોકોના અપરાધો માફ કરશો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમને માફ કરશે. ૧૫ પરંતુ, જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે. ૧૬ “જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની જેમ ચહેરો ઉદાસ ન રાખો. તેઓ તો પોતાનો ચહેરો પણ સાફ રાખતા નથી, જેથી તેઓએ ઉપવાસ કર્યો છે એવી લોકોને ખબર પડે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પૂરી રીતે પોતાનો બદલો મેળવી ચૂક્યા છે. ૧૭ પરંતુ, તમે ઉપવાસ કરો ત્યારે તમારા માથા પર તેલ ચોળો અને તમારો ચહેરો ધુઓ; ૧૮ જેથી, તમે ઉપવાસ કરો છો એની માણસોને નહિ પણ તમારા પિતાને ખબર પડે, જેમને કોઈ જોઈ શકતું નથી. પછી, તમારા ગુપ્ત કામોને જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

જાન્યુઆરી ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૮-૯

“ઈસુએ લોકોને પ્રેમ કર્યો”

(માથ્થી ૮:૧-૩) ઈસુ પહાડ પરથી નીચે ઊતરી આવ્યા ત્યારે, લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ જવાં લાગ્યાં. ૨ અને જુઓ! એક રક્તપિત્તિયો માણસ તેમની પાસે આવ્યો અને ઘૂંટણે પડીને કહેવા લાગ્યો: “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” ૩ એટલે, ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ, તેનો રક્તપિત્ત મટી ગયો.

nwtsty માથ ૮:૩ અભ્યાસ માહિતી

ઈસુ તેને અડક્યા: મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે રક્તપિત્તિયાઓએ બીજાઓને ચેપ ન લાગે માટે પોતાને જુદા રાખવાના હતા, સૂતક પાળવાનું હતું. (લેવી ૧૩:૪૫, ૪૬; ગણ ૫:૧-૪) જોકે, યહુદી ધર્મગુરુઓએ એમાં વધારાના નિયમો ઉમેરી દીધા હતા. દાખલા તરીકે, તેઓએ નિયમ બનાવ્યો હતો કે આવા રોગીથી લોકોએ ૪ હાથ, એટલે કે ૬ ફૂટનું અંતર રાખવાનું હતું. પરંતુ, વધુ હવા હોય એવા દિવસોમાં ૧૦૦ હાથ, એટલે કે ૧૫૦ ફૂટનું અંતર રાખવું. આવા નિયમોને લીધે રોગીઓ કઠોર વર્તનનો ભોગ બનતા. રોગીઓને જોઈ જે રાબ્બીઓ સંતાઈ જાય કે પછી તેઓને દૂર રાખવા પથ્થર મારે તેઓને સારા ગણવામાં આવતા. જ્યારે કે, ઈસુ સાવ જુદા હતા. તે રક્તપિત્તિયાઓની શારીરિક અને માનસિક વેદના જોઈ ખૂબ જ દુઃખી થયા. ઈસુ પેલા માણસને અડક્યા વગર પણ સાજો કરી શક્યા હોત, છતાં તે તેને અડક્યા. તેમણે એ કર્યું જેનો બીજા યહુદીઓ વિચાર પણ ન કરી શકે.—માથ ૮:૫-૧૨.

હું ચાહું છું: ઈસુએ પેલા રોગીની વિનંતી પર ધ્યાન આપ્યું એટલું જ નહિ, એ વિનંતી પૂરી કરવા પોતે ઘણા આતુર છે એવી ભાવના પણ વ્યક્ત કરી. તેમણે બતાવી આપ્યું કે તે દિલથી મદદ કરવા ચાહે છે, કોઈ ફરજ ગણીને નહિ

(માથ્થી ૯:૯-૧૩) પછી ત્યાંથી આગળ જતાં, ઈસુએ માથ્થી નામના માણસને કર ભરવાની કચેરીમાં બેઠેલો જોઈને કહ્યું: “મારો શિષ્ય થા.” ત્યારે તે ઊભો થયો અને તેમની પાછળ ગયો. ૧૦ પછી, માથ્થીના ઘરમાં તે જમવા બેઠા હતા ત્યારે, જુઓ! ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ આવ્યા. તેઓ ઈસુ અને તેમના શિષ્યો સાથે જમવા બેઠા. ૧૧ પણ, એ જોઈને ફરોશીઓએ તેમના શિષ્યોને કહ્યું: “તમારા ગુરુ કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?” ૧૨ એ સાંભળીને ઈસુએ કહ્યું: “વૈદની જરૂર સાજા લોકોને નથી હોતી, પણ જેઓ માંદા છે તેઓને હોય છે. ૧૩ એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ કેમ કે હું નેક લોકોને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”

nwtsty માથ ૯:૧૦ અભ્યાસ માહિતી

જમવા બેઠા: અથવા “મેજને અઢેલીને બેઠા હતા.” એ રીતે બેસવું બતાવતું કે જમવા બેસનાર એકબીજાના ગાઢ મિત્ર છે. એટલે બની શકે કે ઈસુના સમયમાં યહુદીઓ કોઈ બિનયહુદી સાથે એક મેજ પર એ રીતે ક્યારે બેઠા નહિ હોય અથવા ભેગા જમ્યા જ નહિ હોય.

કર ઉઘરાવનારાઓ: ઘણા યહુદીઓ રોમન અધિકારીઓ માટે કર ઉઘરાવતા. આ યહુદીઓ એવી સત્તાની જોડે હાથ મિલાવીને કામ કરી રહ્યા હતા, જેના પ્રત્યે સામાન્ય નાગરિકોને અણગમો અને ખાર હતો. એટલું જ નહિ, પણ તેઓ કાયદેસરના કર કરતાં ઘણી વધારે રકમ વસૂલતા. આ કર ઉઘરાવનારાઓને બીજા યહુદીઓ નફરતની નજરે જોતા. તેઓની ગણતરી પાપીઓ અને વેશ્યાઓમાં થતી.​—માથ ૧૧:૧૯; ૨૧:૩૨.

(માથ્થી ૯:૩૫-૩૮) ઈસુ બધાં શહેરોમાં તથા ગામોમાં ગયા અને લોકોનાં સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો; તેમણે રાજ્યની ખુશખબર જણાવી, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી. ૩૬ લોકોનાં ટોળાં જોઈને ઈસુને કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ સતાવાયેલા અને નિરાધાર હતા. ૩૭ અને તેમણે શિષ્યોને કહ્યું: “સાચે જ ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે. ૩૮ એ માટે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.”

nwtsty માથ ૯:૩૬ અભ્યાસ માહિતી

કરુણા આવી: એ માટે ગ્રીક ક્રિયાપદ સ્પ્‌લેગખ્નીઝોમઈ વપરાયો છે, જે આંતરડા માટે વપરાતા ગ્રીક શબ્દ સ્પ્‌લેગખ્નાનું એક રૂપ છે. એ મનના ઊંડાણથી નીકળતી તીવ્ર ભાવનાને દર્શાવે છે. ખૂબ જ દયા આવવાની ઊંડી લાગણીને દર્શાવતા ગ્રીક શબ્દોમાંનો એક છે.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૮:૮-૧૦) લશ્કરી અધિકારીએ જવાબમાં કહ્યું: “સાહેબ, તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. બસ, તમે કહી દો એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૯ કારણ કે હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે; એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે; બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે; મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૧૦ આ સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી અને પોતાની પાછળ આવનારાઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે આખા ઇઝરાયેલમાં મેં કોઈનામાં પણ આટલી શ્રદ્ધા જોઈ નથી.

w૦૨ ૮/૧૫ ૧૩ ¶૧૬

“મેં તમને નમૂનો આપ્યો છે”

૧૬ રોમન લશ્કરના એક અફસરનો વિચાર કરો, જે પોતે યહુદી ન હતો. તે ઈસુ પાસે ગયો અને તેના એક બીમાર નોકરને સાજો કરવા વિનંતી કરી. ઈસુ એ અફસરના ખરાબ કામો જાણતા હતા. તેણે તો કેટલાયના ખૂન-ખરાબા કર્યા હશે અને ખોટા ધર્મમાં પણ માનતો હશે. તોપણ ઈસુ જોઈ શક્યા કે તેને પૂરી શ્રદ્ધા હતી. (માત્થી ૮:૫-૧૩) છેલ્લે ઈસુ વધસ્તંભ પર મોતની અણીએ હતા ત્યારે, એક ગુનેગાર સાથે વાત કરી. શું ઈસુએ તેણે કરેલા ગુનાઓ બદલ ઠપકો આપ્યો? ના. તેમણે તેને ભવિષ્યની આશા વિષે ઉત્તેજન આપ્યું. (લુક ૨૩:૪૩) ઈસુને ખબર હતી કે બીજાઓનું ખરાબ જોવાથી કંઈ ફાયદો થતો નથી. એનાથી તો તેઓ હિંમત હારી જાય છે. ઈસુએ બીજા લોકોના સારા ગુણો જોયા. એનાથી તેઓને ઉત્તેજન મળ્યું અને વધારે સારા બનતા ગયા.

(માથ્થી ૯:૧૬, ૧૭) જૂના કપડા પર કોઈ નવા કપડાનું થીંગડું મારતું નથી, કારણ કે એ થીંગડું તો સંકોચાઈને જૂના કપડાને ફાડશે અને એ વધારે ફાટશે. ૧૭ વળી, જૂની મશકોમાં લોકો નવો દ્રાક્ષદારૂ ભરતા નથી. જો તેઓ એમ કરે, તો મશકો ફાટી જશે અને દ્રાક્ષદારૂ ઢોળાઈ જશે અને મશકો નાશ પામશે. પણ, લોકો નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરે છે અને એનાથી બંને સચવાય છે.”

jy ૭૦ ¶૬

ઈસુના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી?

યોહાન બાપ્તિસ્મા આપનારના શિષ્યોને ઈસુએ સમજાવ્યું. ઈસુએ તેઓને એ સમજવા મદદ કરી કે પોતાના શિષ્યો ઉપવાસની માન્યતા જેવા જૂના યહુદી રિવાજો પાળે, એવી કોઈએ પણ આશા ન રાખવી. ઈસુ જાણે ભક્તિના જુનવાણી, ઘસાઈ ગયેલા રીત-રિવાજોને થીંગડું મારીને સાંધવા આવ્યા ન હતા. ભક્તિની એ ગોઠવણનો જલદી જ નાશ થવાનો હતો. ઈસુ જે ભક્તિ વિશે વાત કરતા હતા, એને માણસોના રિવાજોવાળા એ સમયના યહુદી ધર્મ સાથે કોઈ લેવાદેવા ન હતી. તેમણે ન તો જૂના કપડાં પર નવું થીંગડું મારવાની કોશિશ કરી, ન તો જૂની, કડક મશકમાં નવો દારૂ ભરવાની કોશિશ કરી.

બાઇબલ વાંચન

(માથ્થી ૮:૧-૧૭) ઈસુ પહાડ પરથી નીચે ઊતરી આવ્યા ત્યારે, લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ જવાં લાગ્યાં. ૨ અને જુઓ! એક રક્તપિત્તિયો માણસ તેમની પાસે આવ્યો અને ઘૂંટણે પડીને કહેવા લાગ્યો: “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” ૩ એટલે, ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ, તેનો રક્તપિત્ત મટી ગયો. ૪ પછી, ઈસુએ તેને કહ્યું: “જોજે, કોઈને કશું કહેતો નહિ. પણ, યાજક પાસે જઈને પોતાને બતાવ અને મુસાએ જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ, જેથી તેઓને પુરાવો મળી રહે.” ૫ ઈસુ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, એક લશ્કરી અધિકારી તેમની પાસે આવ્યો અને વિનંતી કરીને ૬ કહેવા લાગ્યો: “સાહેબ, મારા ચાકરને લકવો થયો છે અને તે ઘરે પથારીમાં પડ્યો છે તથા ખૂબ પીડાય છે.” ૭ ઈસુએ તેને કહ્યું: “હું ત્યાં આવીશ ત્યારે તેને સાજો કરીશ.” ૮ લશ્કરી અધિકારીએ જવાબમાં કહ્યું: “સાહેબ, તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. બસ, તમે કહી દો એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૯ કારણ કે હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે; એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે; બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે; મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૧૦ આ સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી અને પોતાની પાછળ આવનારાઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે આખા ઇઝરાયેલમાં મેં કોઈનામાં પણ આટલી શ્રદ્ધા જોઈ નથી. ૧૧ પણ, હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમથી ઘણા આવશે અને તેઓ સ્વર્ગના રાજ્યમાં ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબની સાથે મેજને ટેકવીને બેસશે; ૧૨ જ્યારે કે રાજ્યના દીકરાઓને બહાર અંધકારમાં ફેંકી દેવામાં આવશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.” ૧૩ પછી, ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું: “જા, તેં જેવી શ્રદ્ધા બતાવી છે એવું જ થાઓ.” એ જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો. ૧૪ ઈસુ પીતરના ઘરે આવ્યા ત્યારે, તેની સાસુને તાવને લીધે પથારીમાં પડેલી જોઈ. ૧૫ એટલે, ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઊતરી ગયો અને તે ઊઠીને તેમની સેવા કરવા લાગી. ૧૬ પછી સાંજ પડી ત્યારે, લોકો તેમની પાસે દુષ્ટ દૂતો વળગેલા ઘણાને લઈને આવ્યા. ઈસુએ હુકમ કરીને એ દુષ્ટ દૂતોને બહાર કાઢ્યા. જેઓ બીમાર હતા એ સર્વને પણ સાજા કર્યા, ૧૭ જેથી યશાયા પ્રબોધકે કહ્યું હતું એ પૂરું થાય: “તેમણે પોતે આપણી બીમારીઓ લઈ લીધી અને આપણાં દર્દ માથે લીધાં.”

જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૪

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૦-૧૧

“ઈસુએ લોકોને તાજગી આપી”

(માથ્થી ૧૦:૨૯, ૩૦) શું બે ચકલીઓ એક પૈસે વેચાતી નથી? તોપણ, એમાંની એકેય તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડશે નહિ. ૩૦ તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.

nwtsty માથ ૧૦:૨૯, ૩૦ અભ્યાસ માહિતી

ચકલીઓ: એ માટે ગ્રીક શબ્દ સ્ટ્રાઉથિયન વપરાયો છે, જે કોઈ પણ નાનકડા પક્ષીને દર્શાવી શકે છે. પરંતુ, મોટાભાગે એ એવી ચકલીના અર્થમાં વપરાતો હતો, જે ખોરાક તરીકે વેચાતા પક્ષીઓમાં સૌથી સસ્તી હતી.

એક પૈસે: મૂળ અર્થ, “એક અસારિયન” સિક્કો જે ૪૫ મિનિટના કામની મજૂરી હતી. (sgd ૧૮ખ જુઓ.) ઈસુ ગાલીલની ત્રીજી મુસાફરી પર હતા ત્યારે, તેમણે જણાવ્યું કે બે ચકલીઓની કિંમત એક અસારિયન છે. બીજા એક પ્રસંગે, યહુદિયામાં પોતાના પ્રચારકાર્યના આશરે એક વર્ષ પછી, ઈસુએ કહ્યું કે પાંચ ચકલીઓ બે અસારિયન સિક્કામાં વેચાય છે. (લુક ૧૨:૬) આ બંને અહેવાલોની સરખામણી કરીએ તો દેખાઈ આવે છે કે વેપારીઓની નજરે આ ચકલીઓનું મૂલ્ય એટલું નજીવું હતું કે તેઓ પાંચમી ચકલી મફતમાં આપી દેતા.

તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે: સરેરાશ જોઈએ તો એક વ્યક્તિના માથા પર ૧,૦૦,૦૦૦થી વધુ વાળ હોય છે. યહોવા આપણા વિશે આવી ઝીણામાં ઝીણી વિગતની પણ ખબર રાખે છે, જે બતાવી આપે છે કે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલનાર દરેક વ્યક્તિમાં યહોવા રસ લે છે અને તેની ઘણી પરવા કરે છે.

nwtsty ચિત્ર/વીડિયો

ચકલી

ખોરાક તરીકે વેચાતાં પક્ષીઓમાં ચકલી સૌથી સસ્તી હતી. ફક્ત ૪૫ મિનિટની મજૂરી માટે મળતી રકમમાં એવી બે ચકલીઓ ખરીદી શકાતી. ચકલી માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એ વિવિધ પ્રકારનાં નાનકડાં પંખીને દર્શાવી શકે. એમાં આપણા ઘરઆંગણે જોવા મળતી ચકલી (Passer domesticus biblicus) અને સ્પેન દેશની ચકલીનો (Passer hispaniolensis) પણ સમાવેશ થાય છે. આ બંને જાતની ચકલીઓ ઈસ્રાએલમાં આજે પણ ઘણી સંખ્યામાં જોવા મળે છે.

(માથ્થી ૧૧:૨૮) ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.

nwtsty માથ ૧૧:૨૮ અભ્યાસ માહિતી

બોજથી દબાયેલાઓ: અહીં, ઈસુએ ચિંતા અને થકવી નાંખે એવા “બોજથી દબાયેલાઓ” વિશે વાત કરી રહ્યા છે. યહોવાની ભક્તિ તેઓ માટે બોજરૂપ બની ગઈ હતી, કેમ કે મુસાના નિયમોમાં બિનજરૂરી રીતરિવાજોનો બોજો ઉમેરવામાં આવ્યો હતો. (માથ ૨૩:૪) અરે, તાજગી અને રાહત માટે ઠરાવેલા સાબ્બાથને પણ તેઓએ બોજરૂપ બનાવી દીધો હતો.—નિર્ગ ૨૩:૧૨; માર્ક ૨:૨૩-૨૮; લુક ૬:૧-૧૧.

હું તમને વિસામો આપીશ: “વિસામો” માટેનો મૂળ ગ્રીક શબ્દ આરામને (માથ ૨૬:૪૫; માર્ક ૬:૩૧) અને રાહતને (૨કો ૭:૧૩; ફિલે ૭) દર્શાવી શકે. આ શબ્દ, કાળી મજૂરી પછી તાજગી અને તાકાત પાછી મેળવવાને દર્શાવે છે. સંદર્ભ પ્રમાણે જોતા, ઈસુની “ઝૂંસરી” (માથ ૧૧:૨૯) ઉપાડવાનો અર્થ થાય કે સેવામાં લાગુ રહેવું, મંદ ન પડવું. સતત ક્રિયાને દર્શાવતો એ ગ્રીક શબ્દ, ઈસુ તરફથી મળતી તાજગી અને બળનો વિચાર આપે છે, જેથી થાકેલાઓ ઈસુની હળવી અને પ્રેમાળ ઝૂંસરી ઉપાડવા તૈયાર થઈ શકે.

(માથ્થી ૧૧:૨૯, ૩૦) મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો, કેમ કે હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું અને તમને વિસામો મળશે. ૩૦ કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.”

nwtsty માથ ૧૧:૨૯ અભ્યાસ માહિતી

મારી ઝૂંસરી તમારા પર લો: ઈસુએ “ઝૂંસરી” શબ્દને રૂપક તરીકે વાપર્યો છે, જે અધિકાર અને માર્ગદર્શનને આધીન રહેવાને દર્શાવે છે. જો ઈસુ અહીં ઈશ્વર તરફથી મળેલી એવી ઝૂંસરી વિશે વાત કરતા હોય, જેને ઉપાડવા બે જણની જરૂર પડે, તો તે શિષ્યોને પોતાની સાથે એ ઝૂંસરી નીચે આવવા જણાવી રહ્યા હતા, જેમાં તે તેઓને ટેકો આપશે. એ કિસ્સામાં આ વાક્યાંશ આવું થઈ શકે: “મારી સાથે મારી ઝૂંસરી હેઠળ આવો.” પણ જો એ ઝૂંસરી ઈસુ તરફથી હોય, તો તે કહેવા માંગે છે કે શિષ્યો તરીકે તેઓ ખ્રિસ્તના અધિકાર અને માર્ગદર્શનને આધીન થાય.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૧૧:૨, ૩) યોહાને ખ્રિસ્તનાં કામો વિશે કેદખાનામાં સાંભળીને પોતાના શિષ્યોને મોકલ્યા ૩ અને તેમને પૂછાવ્યું: “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”

jy ૯૬ ¶૨-૩

ઈસુ પાસેથી યોહાન જાણવા માંગે છે

શું એ સવાલ અયોગ્ય લાગે છે? યોહાન પાકા ઈશ્વરભક્ત હતા. લગભગ બે વર્ષ પહેલાં, તેમણે ઈસુને બાપ્તિસ્મા આપતી વખતે તેમના પર ઈશ્વરની શક્તિ ઊતરતી જોઈ હતી અને સંમતિ આપતો ઈશ્વરનો અવાજ સાંભળ્યો હતો. આપણી પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે યોહાનની શ્રદ્ધા કમજોર થઈ હતી. નહિતર, ઈસુએ આ પ્રસંગે યોહાનના વખાણ કર્યા ન હોત. પરંતુ, જો યોહાનને કોઈ શંકા ન હોય, તો તેમણે ઈસુ વિશે આવો સવાલ કેમ પૂછ્યો?

કદાચ યોહાનને ઈસુના મોઢે સાંભળવું હતું કે ઈસુ પોતે જ મસીહ છે. કેદખાનાની દુઃખી હાલતમાં યોહાનને એનાથી હિંમત મળી શકે. યોહાનના સવાલ પાછળ બીજું એક કારણ પણ હતું. તે બાઇબલની ભવિષ્યવાણીઓથી જાણકાર હતા; ભવિષ્યવાણીઓ બતાવતી હતી કે જે ઈશ્વરથી અભિષિક્ત કરાયેલા હશે, તે રાજા અને ઉદ્ધાર કરનાર બનશે. ઈસુએ બાપ્તિસ્મા લીધાને ઘણા મહિના થયા, છતાં પણ યોહાન કેદમાં હતા. તેથી, યોહાનને જાણવું હતું કે ઈસુ પછી બીજું કોઈ આવશે કે કેમ, જે મસીહ વિશેની બધી ભવિષ્યવાણીઓ પૂરી કરશે.

(માથ્થી ૧૧:૧૬-૧૯) “આ પેઢીને હું કોની સાથે સરખાવું? એ તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ પોતાના સાથીઓને બૂમ પાડીને ૧૭ કહે છે: ‘અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’ ૧૮ એ જ રીતે, યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેને દુષ્ટ દૂત વળગ્યો છે.’ ૧૯ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’ ખરેખર, ડહાપણ પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.”

jy ૯૮ ¶૧-૨

કઠણ દિલની પેઢીને હાય હાય!

બાપ્તિસ્મા આપનાર યોહાન માટે ઈસુને ઘણું માન હતું, પણ મોટા ભાગના લોકો યોહાન વિશે શું માનતા હતા? ઈસુએ જણાવ્યું: ‘આ પેઢી તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ પોતાના સાથીઓને બૂમ પાડીને કહે છે: “અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.”’—માથ્થી ૧૧:૧૬, ૧૭.

ઈસુના કહેવાનો મતલબ શું હતો? તેમણે એની ચોખવટ કરતા કહ્યું: “યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેને દુષ્ટ દૂત વળગ્યો છે.’ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’” (માથ્થી ૧૧:૧૮, ૧૯) એક બાજુ, નાઝારી તરીકે યોહાન સાદું જીવન જીવતા અને દ્રાક્ષદારૂ પણ ન પીતા. તોપણ, એ પેઢીએ કહ્યું કે તેમને દુષ્ટ દૂત વળગ્યો હતો. (ગણના ૬:૨, ૩; લુક ૧:૧૫) બીજી બાજુ, ઈસુ બધા માણસોની જેમ જીવતા અને યોગ્ય રીતે ખાતા-પીતા. તોપણ, તેમને ખાઉધરા અને દારૂડિયા કહેવામાં આવ્યા. લોકોને કદીયે ખુશ કરી શકાય નહિ.

બાઇબલ વાંચન

(માથ્થી ૧૧:૧-૧૯) ઈસુ પોતાના ૧૨ શિષ્યોને માર્ગદર્શન આપી રહ્યા પછી, બીજાં શહેરોમાં શીખવવા અને પ્રચાર કરવા ગયા. ૨ યોહાને ખ્રિસ્તનાં કામો વિશે કેદખાનામાં સાંભળીને પોતાના શિષ્યોને મોકલ્યા ૩ અને તેમને પૂછાવ્યું: “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” ૪ જવાબમાં ઈસુએ તેઓને કહ્યું, “જાઓ અને તમે જે જુઓ છો તથા સાંભળો છો, એ વિશે યોહાનને જણાવો: ૫ આંધળા હવે જુએ છે અને લંગડા ચાલે છે, રક્તપિત્તિયાને શુદ્ધ કરવામાં આવે છે અને બહેરા સાંભળે છે, મરણ પામેલા પાછા ઉઠાડાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે. ૬ જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.” ૭ તેઓ ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે, ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા? પવનથી ડોલતા બરુને? ૮ તો પછી, તમે શું જોવા ગયા હતા? શું રેશમી કપડાં પહેરેલા માણસને? જેઓ રેશમી કપડાં પહેરે છે, તેઓ તો રાજાઓના મહેલોમાં છે. ૯ તો તમે શા માટે ગયા હતા? શું પ્રબોધકને જોવા? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ મહાન છે તેને. ૧૦ આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો, હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’ ૧૧ હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાન બાપ્તિસ્મા આપનારથી મહાન બીજું કોઈ થયું નથી; પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે તેના કરતાં મહાન છે. ૧૨ યોહાન બાપ્તિસ્મા આપનારના દિવસોથી તે આજ સુધી, લોકો જે ધ્યેય સુધી પહોંચવા સખત પ્રયત્ન કરે છે એ સ્વર્ગનું રાજ્ય છે; જેઓ સખત પ્રયત્ન કરતા રહે છે તેઓ એ મેળવે છે. ૧૩ કારણ કે પ્રબોધકો અને નિયમશાસ્ત્ર, એ બધાએ યોહાન સુધી ભવિષ્યવાણી કરી હતી; ૧૪ તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’ ૧૫ હું જે કહું છું એ કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. ૧૬ “આ પેઢીને હું કોની સાથે સરખાવું? એ તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ પોતાના સાથીઓને બૂમ પાડીને ૧૭ કહે છે: ‘અમે તમારા માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’ ૧૮ એ જ રીતે, યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેને દુષ્ટ દૂત વળગ્યો છે.’ ૧૯ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’ ખરેખર, ડહાપણ પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો