વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૮ ફેબ્રુઆરી પાન ૧
  • ફેબ્રુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૮
mwbr૧૮ ફેબ્રુઆરી પાન ૧

ફેબ્રુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

ફેબ્રુઆરી ૫-૧૧

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૨-૧૩

“ઘઉં અને કડવા છોડનું ઉદાહરણ”

(માથ્થી ૧૩:૨૪-૨૬) ઈસુએ તેઓને બીજું એક ઉદાહરણ આપતા કહ્યું: “સ્વર્ગના રાજ્યને એક માણસ સાથે સરખાવી શકાય, જેણે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં. ૨૫ રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવીને ચાલ્યો ગયો. ૨૬ ઘઉંના છોડ ઊગ્યા અને એને દાણા આવ્યા ત્યારે, કડવા છોડ પણ દેખાવા લાગ્યા.

w૧૩ ૭/૧૫ ૯ ¶૨-૩

‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’

દૃષ્ટાંતમાંના બનાવો બતાવે છે કે ઈસુ કઈ રીતે અને ક્યારે મનુષ્યોમાંથી અભિષિક્ત ખ્રિસ્તીઓને ભેગા કરશે, જે તેમની સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે. તેઓને એક સમૂહ તરીકે ઘઉં જેવો વર્ગ કહેવામાં આવ્યા છે. સાલ ૩૩માં પેન્તેકોસ્તના દિવસે ઈસુએ બી વાવવાનું શરૂ કર્યું. ઘઉં જેવા વર્ગને ભેગા કરવાનું કામ ક્યારે પૂરું થશે? દુનિયાના અંતના વખતે પૃથ્વી પર જીવતા અભિષિક્તોને આખરી મુદ્રા મળશે અને પછી તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે, ત્યારે એ કામ પૂરું થશે. (માથ. ૨૪:૩૧; પ્રકટી. ૭:૧-૪) પહાડ પર ચઢીને જોવાથી વ્યક્તિને આખું દૃશ્ય જોવા મદદ મળે છે. એ જ રીતે, આ દૃષ્ટાંત આપણને આશરે ૨,૦૦૦ વર્ષના સમયગાળામાં બનેલા બનાવોની સારી સમજણ મેળવવા મદદ કરે છે. દૃષ્ટાંતના એ બનાવો કયા છે? બીનું વાવેતર, વૃદ્ધિ અને કાપણી. આ લેખમાં ખાસ કરીને કાપણીના સમયની ચર્ચા કરીશું.

ઈસુની દેખરેખ નીચે

બીજી સદીની શરૂઆતમાં “કડવા દાણા” જેવા નકલી ખ્રિસ્તીઓ પણ દેખાવા લાગ્યા. (માથ. ૧૩:૨૬) ચોથી સદી સુધી, તેઓ અભિષિક્ત ખ્રિસ્તીઓ કરતાં ખૂબ વધી ગયા. યાદ કરો કે, દૃષ્ટાંતમાં કડવા દાણાને ઉખેડી કાઢવા ચાકરોએ માલિકને પૂછ્યું હતું. (માથ. ૧૩:૨૮) પણ માલિકે શું કહ્યું?

(માથ્થી ૧૩:૨૭-૨૯) એટલે, માલિકના ચાકરોએ આવીને તેને કહ્યું: ‘માલિક, શું તમે તમારા ખેતરમાં સારાં બી વાવ્યાં ન હતાં? તો એમાં કડવા છોડ ક્યાંથી ઊગ્યા?’ ૨૮ માલિકે તેઓને કહ્યું, ‘દુશ્મને આ કર્યું છે.’ તેઓએ તેને કહ્યું: ‘તો પછી, શું તમે ચાહો છો કે અમે જઈને એ છોડ ભેગા કરીએ?’ ૨૯ તેણે કહ્યું: ‘ના, ક્યાંક એવું ન થાય કે તમે કડવા છોડ ભેગા કરો ત્યારે એની સાથે ઘઉં પણ ઉખેડી નાખો.”

w૧૩ ૭/૧૫ ૧૦ ¶૪

‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’

ઘઉં અને કડવા દાણા વિશે જણાવતા ઈસુએ કહ્યું: “કાપણી સુધી બંનેને સાથે વધવા દો.” એ શબ્દો પરથી જોઈ શકાય છે કે, પહેલી સદીથી આજ સુધી પૃથ્વી પર હંમેશાં અમુક અભિષિક્તો રહ્યા છે. આપણને એ તારણ પર આવવા, ઈસુએ શિષ્યોને પછીથી કહેલા શબ્દો મદદ કરે છે. તેમણે કહ્યું હતું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) આમ, કહી શકાય કે અભિષિક્ત ખ્રિસ્તીઓને અંતના સમય સુધી ઈસુનું રક્ષણ હંમેશાં મળતું રહેશે. છતાં, એ વખતે કડવા દાણા એટલે કે નકલી ખ્રિસ્તીઓ સંખ્યામાં અભિષિક્તોથી વધી ગયા હતા, એટલે એ લાંબા સમયગાળામાં ઘઉં જેવા વર્ગમાં કોનો સમાવેશ થતો હતો, એ આપણે ખાતરીથી કહી શકતા નથી. જોકે, કાપણીની મોસમ શરૂ થઈ એના આશરે ૩૦ વર્ષ પહેલાં, એ પારખવું શક્ય બન્યું કે “ઘઉં” જેવા અભિષિક્તો કોણ છે. એ કઈ રીતે શક્ય બન્યું?

(માથ્થી ૧૩:૩૦) કાપણી સુધી એ બંનેને ઊગવા દો અને કાપણીનો સમય આવે ત્યારે, હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા કડવા છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો; પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.’ ”

w૧૩ ૭/૧૫ ૧૨ ¶૧૦-૧૨

‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’

પ્રથમ, કડવા દાણા એકઠા કરાશે. ઈસુએ જણાવ્યું હતું, “કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ, કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો,” વર્ષ ૧૯૧૪ પછી, સ્વર્ગદૂતોએ કડવા દાણા એકઠા કરવાનું શરૂ કર્યું. કઈ રીતે? તેઓએ નકલી ખ્રિસ્તીઓને અભિષિક્તોથી એટલે કે ‘રાજ્યના દીકરાઓથી’ જુદા પાડ્યા.—માથ. ૧૩:૩૦, ૩૮, ૪૧.

એકઠા કરવાનું કામ વધવા લાગ્યું તેમ, ઘઉં અને કડવા દાણા વચ્ચેનો ભેદ સ્પષ્ટ થતો ગયો. (પ્રકટી. ૧૮:૧, ૪) વર્ષ ૧૯૧૯ સુધીમાં, સાફ દેખાઈ આવ્યું કે મહાન બાબેલોન પડ્યું છે, એટલે કે સાચા ખ્રિસ્તીઓ એના બંધનમાંથી આઝાદ થયા છે. ખાસ શાના લીધે સાચા ખ્રિસ્તીઓ નકલી ખ્રિસ્તીઓથી જુદા દેખાઈ આવ્યા? પ્રચારકાર્યને લીધે. બાઇબલ વિદ્યાર્થીઓમાં આગેવાની લેતા ભાઈઓ ભાર મૂકવા લાગ્યા કે, મંડળમાં દરેકે રાજ્યનો પ્રચાર કરવો જરૂરી છે. દાખલા તરીકે, વર્ષ ૧૯૧૯માં ટુ હુમ ધ વર્ક ઇઝ ઍન્ટ્રસ્ટેડ નામની પુસ્તિકા બહાર પાડવામાં આવી. એમાં, દરેક અભિષિક્ત ખ્રિસ્તીને ઘર ઘરનો પ્રચાર કરવા અરજ કરવામાં આવી હતી. પુસ્તિકામાં લખ્યું હતું: ‘ભલે એ કામ અશક્ય લાગતું હોય, પ્રભુ તેમના લોકોને એ કામ કરવા હિંમત આપશે. એમાં ભાગ લેવાનો તમારી પાસે લહાવો છે.’ પરિણામ શું આવ્યું? વર્ષ ૧૯૨૨નું ધ વૉચ ટાવર જણાવે છે કે, એ સમયથી બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચારકાર્યમાં વધારો કર્યો. થોડા જ સમયમાં, ઘર ઘરનું પ્રચારકાર્ય એ વફાદાર ખ્રિસ્તીઓની ઓળખ બની ગયું. આજે પણ, એ કામ આપણી ઓળખ છે.

બીજું, ઘઉંને એકઠા કરાશે. ઈસુએ સ્વર્ગદૂતોને આજ્ઞા કરી, “ઘઉં મારી વખારમાં ભરો.” (માથ. ૧૩:૩૦) વર્ષ ૧૯૧૯થી અભિષિક્ત ખ્રિસ્તીઓને શુદ્ધ થયેલાં મંડળમાં ભેગા કરવામાં આવ્યા છે. દુનિયાના અંત પહેલાં, જે અભિષિક્તો જીવતા હશે તેઓનું છેલ્લીવાર એકઠા થવું ત્યારે બનશે, જ્યારે તેઓને સ્વર્ગનું ઈનામ મળશે.—દાની. ૭:૧૮, ૨૨, ૨૭.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૧૨:૨૦) તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.

nwtsty માથ ૧૨:૨૦ અભ્યાસ માહિતી

મંદ મંદ સળગતી દિવેટ: ઘરમાં અજવાળા માટે માટીના નાનકડા દીવામાં જૈતુનનું તેલ રેડી શણની દિવેટ મૂકવામાં આવતી. આ દિવેટ દ્વારા તેલ ધીમે ધીમે જ્યોત તરફ જતું અને એને બળતી રાખતું. ગ્રીક વાક્યાંશ ‘મંદ મંદ સળગતી દિવેટ’ એવી દિવેટને દર્શાવી શકે જેની જ્યોત હોલવાઈ જવાની આરે છે અથવા હોલવાઈ ગઈ છે, પણ બાકી રહેલા નાનકડા તણખાને લીધે ધુમાડો નીકળે છે. યશા ૪૨:૩માં ઈસુના કરુણાના ગુણ વિશે ભાખવામાં આવ્યું હતું. તે નમ્ર અને કચડાયેલા લોકોની આશાના છેલ્લા કિરણને હોલવશે નહિ.

(માથ્થી ૧૩:૨૫) રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવીને ચાલ્યો ગયો.

w૧૬.૧૦ ૩૨

શું તમે જાણો છો?

શું એ સાચું છે કે પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જઈને કડવા દાણા વાવી આવતી હતી?

ઈસુએ માથ્થી ૧૩:૨૪-૨૬માં એક દૃષ્ટાંત આપ્યું. તેમણે કહ્યું: “સ્વર્ગના રાજ્યને એક માણસ સાથે સરખાવી શકાય, જેણે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં. રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવીને ચાલ્યો ગયો. ઘઉંના છોડ ઊગ્યા અને એને દાણા આવ્યા ત્યારે, કડવા છોડ પણ દેખાવા લાગ્યા.” ઘણા લેખકોએ એ દૃષ્ટાંત પર સવાલ ઉઠાવ્યો છે. તેઓને લાગે છે કે આ એક કાલ્પનિક ઘટના છે. પરંતુ, પ્રાચીન રોમના કાયદાકીય લખાણો બતાવે છે કે, એવી ઘટના બનતી હતી.

બાઇબલ પરનો એક શબ્દકોશ જણાવે છે કે, બદલો લેવાના આશયથી જો કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જંગલી બિયારણ રોપી દે, તો રોમન કાયદા હેઠળ એ ગુનો હતો. એવો કાયદો હોવો સાબિત કરે છે કે, એવા કિસ્સા બનતા હતા. એલેસ્ટેર કેર નામના એક વિદ્વાન જણાવે છે કે, ઈ.સ. ૫૩૩માં રોમન સમ્રાટ જસ્ટિનિયને કાયદાનો સંગ્રહ બહાર પાડ્યો હતો. એમાં તેમણે રોમન કાયદાઓ અને ઈ.સ. ૧૦૦-૨૫૦ સુધી જે કાયદાઓ અમલમાં હતા એ વિશે કાયદાશાસ્ત્રીઓના વિચારો જણાવ્યા હતા. એમાંના એક કાયદાશાસ્ત્રી અલપિયન હતા, જેમણે બીજી સદીમાં થયેલા એવા એક બનાવનો ઉલ્લેખ કર્યો હતો. એક વ્યક્તિએ બીજાના ખેતરમાં જંગલી બિયારણ રોપી દીધું હતું, જેના લીધે આખો પાક બરબાદ થઈ ગયો હતો. એ કાયદા સંગ્રહમાં એ પણ જણાવ્યું હતું કે, ખેડૂતને થયેલા નુકસાનની ભરપાઈ ગુનેગાર પાસેથી કઈ રીતે વસૂલી શકાય.

બીજાના ખેતરમાં કડવા દાણા વાવવાની ઘટના રોમન સામ્રાજ્યમાં થઈ હતી. એ બતાવે છે કે, ઈસુએ વાપરેલું દૃષ્ટાંત એ સમયમાં બનતા કિસ્સાઓને આધારે હતું.

બાઇબલ વાંચન

(માથ્થી ૧૨:૧-૨૧) એ સમયે ઈસુ સાબ્બાથના દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ભૂખ્યા થયા અને અનાજનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા. ૨ એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરી રહ્યા છે, જે નિયમ પ્રમાણે કરવું ન જોઈએ.” ૩ તેમણે તેઓને કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઊદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે તેમણે શું કર્યું? ૪ તે ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણ કરેલી રોટલી તેઓએ ખાધી. નિયમ પ્રમાણે તેમને કે તેમના માણસોને એ રોટલી ખાવાની મનાઈ હતી, ફક્ત યાજકો જ એ ખાઈ શકતા હતા. ૫ અથવા શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે? ૬ પણ, હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં મહાન કોઈક છે. ૭ ‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ આનો અર્થ તમે સમજ્યા હોત તો, નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત. ૮ કેમ કે માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પ્રભુ છે.” ૯ એ જગ્યાએથી નીકળ્યા પછી તે તેઓના સભાસ્થાનમાં ગયા, ૧૦ અને જુઓ! ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો. ઈસુ પર આરોપ મૂકવા કંઈ મળી રહે એ માટે તેઓએ પૂછ્યું, “શું સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે?” ૧૧ તેમણે તેઓને કહ્યું: “તમારામાં એવો કયો માણસ છે, જેની પાસે એક ઘેટું હોય અને સાબ્બાથના દિવસે એ ખાડામાં પડી જાય તો, એને પકડીને બહાર નહિ કાઢે? ૧૨ ઘેટાં કરતાં માણસ કેટલો વધારે મૂલ્યવાન છે! એટલે, સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” ૧૩ પછી, તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે એ લાંબો કર્યો અને એ બીજા હાથ જેવો સાજો થઈ ગયો. ૧૪ પણ, ફરોશીઓ બહાર જઈને ઈસુને મારી નાખવાનું કાવતરું રચવા લાગ્યા. ૧૫ એ જાણીને ઈસુ ત્યાંથી નીકળી ગયા. ઘણા લોકો પણ તેમની પાછળ ગયા અને જેઓ બીમાર હતા એ બધાને તેમણે સાજા કર્યા. ૧૬ પણ, તેમણે તેઓને સખત ચેતવણી આપી કે પોતાના વિશે વાત ન ફેલાવે, ૧૭ જેથી યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થાય: ૧૮ “જુઓ! મારો સેવક જેને મેં પસંદ કર્યો છે. મારો વહાલો, જેના પર હું પ્રસન્‍ન છું! હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ અને તે પ્રજાઓને દેખાડશે કે સાચો ન્યાય કેવો હોય છે. ૧૯ તે ઝઘડો કરશે નહિ, મોટેથી બૂમ પાડશે નહિ; મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભાળશે નહિ. ૨૦ તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ. ૨૧ સાચે જ, તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.”

ફેબ્રુઆરી ૧૨-૧૮

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૪-૧૫

“થોડાકના હાથે ઘણાને જમાડવા”

(માથ્થી ૧૪:૧૬, ૧૭) પણ, ઈસુએ શિષ્યોને કહ્યું: “તેઓએ જવાની જરૂર નથી, તમે તેઓને કંઈક ખાવાનું આપો.” ૧૭ શિષ્યોએ તેમને કહ્યું: “અહીં અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી સિવાય કંઈ નથી.”

w૧૩ ૭/૧૫ ૧૫ ¶૨

થોડાકના હાથે ઘણાને જમાડવા

ટોળાને જોઈને ઈસુને તેઓ પર દયા આવી. તેથી, તેઓમાંના માંદાઓને ઈસુએ સાજા કર્યાં અને ઈશ્વરના રાજ્ય વિશે ઘણી બાબતો શીખવવા લાગ્યા. સાંજ પડવા લાગી તેમ શિષ્યોએ ઈસુને અરજ કરી કે લોકોને જવા દે, જેથી એ લોકો નજીકના ગામમાં જઈ ખાવા માટે કંઈક ખરીદી શકે. પરંતુ, ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે તેઓને ખાવાનું આપો.” એ શબ્દોએ કદાચ શિષ્યોને મૂંઝવણમાં મૂકી દીધા હશે. કારણ, તેઓ પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી.

(માથ્થી ૧૪:૧૮, ૧૯) ઈસુએ કહ્યું: “એ મારી પાસે લાવો.” ૧૯ ત્યાર બાદ, તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા કરી. પછી, તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો; પછી, રોટલી ભાંગીને શિષ્યોને વહેંચી આપી અને શિષ્યોએ લોકોને આપી.

w૧૩ ૭/૧૫ ૧૫ ¶૩

થોડાકના હાથે ઘણાને જમાડવા

લોકો પર દયા આવી હોવાથી ઈસુએ એક ચમત્કાર કર્યો. એ જ એક એવો ચમત્કાર છે, જે સુવાર્તાનાં ચારેય પુસ્તકોમાં નોંધાયેલો છે. (માર્ક ૬:૩૫-૪૪; લુક ૯:૧૦-૧૭; યોહા. ૬:૧-૧૩) ઈસુએ શિષ્યોને જણાવ્યું કે ટોળાને ૫૦ અને ૧૦૦ના સમૂહમાં બેસવાનું કહે. પ્રાર્થના કર્યા પછી, ઈસુએ માછલીઓના અને રોટલીઓના ભાગ કર્યા. એ ખોરાક સીધેસીધો લોકોને આપવાને બદલે, ઈસુએ ‘શિષ્યોને આપ્યો અને શિષ્યોએ લોકોને આપ્યો.’ હવે, ખોરાક એટલો હતો કે બધા ધરાઈને ખાઈ શકે. કેટલું અદ્‍ભુત કે, થોડાકના હાથે ઈસુએ હજારોને જમાડ્યા!

(માથ્થી ૧૪:૨૦, ૨૧) એટલે, બધાએ ધરાઈને ખાધું અને શિષ્યોએ ૧૨ ટોપલીઓ ભરીને વધેલા ટુકડા ભેગા કર્યા. ૨૧ હવે, ખાનારાઓમાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં.

nwtsty માથ ૧૪:૨૧ અભ્યાસ માહિતી

સ્ત્રીઓ અને બાળકો તો જુદાં: આ ચમત્કાર વિશેના અહેવાલમાં ફક્ત માથ્થીએ સ્ત્રીઓ અને બાળકો વિશે ઉલ્લેખ કર્યો છે. બની શકે કે એ વખતે જમનાર લોકોની કુલ સંખ્યા ૧૫,૦૦૦ હજારથી વધુ હતી.

w૧૩ ૭/૧૫ ૧૫ ¶૧

થોડાકના હાથે ઘણાને જમાડવા

એક બનાવનો વિચાર કરો. (માથ્થી ૧૪:૧૪-૨૧ વાંચો.) એ બનાવ સાલ ૩૨ના પાસ્ખાપર્વ પહેલા બન્યો હતો. ઈસુ અને તેમના શિષ્યોની સાથે ૫,૦૦૦ પુરુષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો એક વેરાન જગ્યાએ ભેગાં થયાં હતાં. એ જગ્યા ગાલીલ સમુદ્રના ઉત્તરીય કાંઠે આવેલાં બેથસૈદા ગામ પાસે હતી.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૧૫:૭-૯) ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે એકદમ ખરી ભવિષ્યવાણી કરતા કહ્યું હતું: ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. ૯ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓને ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.’ ”

nwtsty માથ ૧૫:૭ અભ્યાસ માહિતી

ઢોંગીઓ: આ શબ્દ માટે ગ્રીક શબ્દ છે હાઈપૉક્રાઇટ્‌સ. એ મૂળ રીતે ગ્રીક સમાજમાં (અને પછીથી રોમન સમાજમાં) રંગમંચ પરના એવાં પાત્રોને દર્શાવતો, જેઓ પોતાનો અવાજ મોટેથી સંભળાય માટે એક ખાસ પ્રકારનો મોટો મુખવટો પહેરતા. સમય જતાં એ શબ્દનો રૂપક તરીકે વપરાશ થવા લાગ્યો. જે કોઈ પોતાનો અસલી ઇરાદો કે સ્વભાવ છુપાવવા કોઈ ડોળ કરે એને આ બિરુદ આપવામાં આવતું. ઈસુ અહીં યહુદી ધર્મગુરુઓને “ઢોંગીઓ” કહે છે.—માથ ૬:૫, ૧૬.

(માથ્થી ૧૫:૨૬) જવાબમાં તેમણે કહ્યું: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી એ બરાબર નથી.”

nwtsty માથ ૧૫:૨૬ અભ્યાસ માહિતી

બાળકોની . . . ગલૂડિયાંને: મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે કૂતરું એક અશુદ્ધ પ્રાણી હતું. તેથી, શાસ્ત્રવચનો ઘણી વાર એ શબ્દનો ઉપયોગ તુચ્છતાના અર્થમાં થયો છે. (લેવી ૧૧:૨૭; માથ ૭:૬; ફિલિ ૩:૨; પ્રક ૨૨:૧૫) જોકે, માર્કે (૭:૨૭) અને માથ્થીએ ઈસુની એ વાતચીતના અહેવાલમાં જે શબ્દ વાપર્યો છે, એ “ગલૂડિયાને” કે પછી “પાળતું કૂતરા”ને દર્શાવે છે. એ વાક્યમાંની સરખામણીને માનવાચક બનાવે છે. એ સૂચવે છે કે ઈસુ કદાચ બિનયહુદીઓના ઘરોમાં વહાલાં પાળતું પ્રાણી માટે વપરાતા શબ્દનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ઈસ્રાએલીઓને “બાળકો” અને બિનયહુદીઓને “ગલૂડિયાં” જોડે સરખામણી કરીને ઈસુ દેખીતી રીતે ભાર મૂકવા માગતા હતા કે પહેલાં કોને મહત્ત્વ આપવામાં આવશે. કુટુંબમાં બાળકો અને પાળતું પ્રાણી બંને હોય તો સ્વાભાવિક છે કે પહેલાં બાળકોને જમવાનું પીરસવામાં આવશે.

બાઇબલ વાંચન

(માથ્થી ૧૫:૧-૨૦) પછી, યરૂશાલેમથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું: ૨ “તમારા શિષ્યો બાપદાદાના રિવાજો કેમ તોડે છે? દાખલા તરીકે, તેઓ જમતા પહેલાં પોતાના હાથ ધોતા નથી.” ૩ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું: “તમે કેમ તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞા તોડો છો? ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતાપિતાને માન આપો,’ અને ‘જે કોઈ પોતાની માતા કે પિતાનું ખરાબ બોલીને અપમાન કરે છે તે માર્યો જાય.’ ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માતાને કહે છે: “તમને ફાયદો થાય એવું જે કંઈ મારી પાસે છે, એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે,” ૬ તેણે પોતાનાં માબાપને આદર બતાવવાની કોઈ જરૂર નથી.’ એટલે, તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરે જે કહ્યું છે એને નકામું બનાવી દીધું છે. ૭ ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે એકદમ ખરી ભવિષ્યવાણી કરતા કહ્યું હતું: ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. ૯ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓને ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.’” ૧૦ ત્યાર પછી, તેમણે ટોળાને નજીક બોલાવીને તેઓને કહ્યું, “સાંભળો અને આનો અર્થ સમજો: ૧૧ માણસના મોંમાં જે જાય છે એનાથી તે ભ્રષ્ટ થતો નથી, પણ તેના મોંમાંથી જે નીકળે છે એનાથી તે ભ્રષ્ટ થાય છે.” પછી, શિષ્યોએ આવીને તેમને કહ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, એ તમને ખબર છે?” જવાબમાં તેમણે કહ્યું: “સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.” પીતરે કહ્યું: “અમને એ ઉદાહરણનો અર્થ સમજાવો.” ત્યારે ઈસુએ કહ્યું: “શું તમને પણ હજુ સમજ ન પડી? તમે શું જાણતા નથી કે મોં દ્વારા જે કંઈ અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? પણ, જે વાતો મોંમાંથી નીકળે છે એ હૃદયમાંથી આવે છે અને એ વાતો માણસને ભ્રષ્ટ કરે છે. દાખલા તરીકે, દુષ્ટ વિચારો, હત્યાઓ, લગ્‍ન બહાર જાતીય સંબંધો, વ્યભિચાર, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે. આ બધું માણસને ભ્રષ્ટ કરે છે, પણ હાથ ધોયા વગર જમવું માણસને ભ્રષ્ટ કરતું નથી.”

ફેબ્રુઆરી ૧૯-૨૫

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૬-૧૭

“તમે કોના વિચારો પર મન લગાડો છો?”

(માથ્થી ૧૬:૨૧, ૨૨) એ સમયથી ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરૂશાલેમ જવું અને વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તરફથી ઘણી સતાવણી સહેવી જરૂરી છે; તેમને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે જીવતા કરાશે. ૨૨ ત્યારે પીતરે તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું: “પોતાના પર દયા કરો પ્રભુ, તમને એવું કંઈ પણ નહિ થાય.”

w૦૭ ૩/૧ ૧૨ ¶૧૭

પતિઓ, ઈસુને પગલે ચાલો

બીજી એક વાર ઈસુએ શિષ્યોને જણાવ્યું કે “હું યરૂશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દહાડે પાછો ઊઠું, એ જરૂરનું છે.” પીતર ‘એક બાજુએ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો, ને કહ્યું, કે અરે પ્રભુ, એવું તને કદી થશે નહિ.’ અહીં પીતર ઉશ્કેરાઈ ગયો હોવાથી, તેને સુધારવાની જરૂર હતી. ઈસુએ તેને કહ્યું: ‘અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું મન લગાડે છે.’—માત્થી ૧૬:૨૧-૨૩.

(માથ્થી ૧૬:૨૩) પણ, ઈસુએ પીતરથી મોં ફેરવી લઈને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માટે ઠોકરરૂપ છે, કેમ કે તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”

w૧૫ ૫/૧૫ ૧૩ ¶૧૬-૧૭

સાવચેત રહો, શેતાન તમને ગળી જવા ચાહે છે!

અરે, યહોવાની ભક્તિમાં ઉત્સાહી સેવકોને પણ શેતાન છેતરી શકે છે. દાખલા તરીકે, પોતાનું મરણ નજીક છે એ વાત ઈસુએ શિષ્યોને જણાવી પછી શું બન્યું એનો વિચાર કરો. તેમના મરણ વિશે સાંભળીને ઈસુને પ્રેમ કરનાર પીતર બોલી ઊઠ્યા: “પોતાના પર દયા કરો પ્રભુ, તમને એવું કંઈ પણ નહિ થાય.” ત્યારે ઈસુએ પીતરને કહ્યું, “મારી પાછળ જા, શેતાન!” (માથ. ૧૬:૨૨, ૨૩, NW) ઈસુએ શા માટે પીતરને “શેતાન” કહ્યા? કેમ કે ઈસુ જાણતા હતા કે, જલદી જ પોતાના જીવનનું બલિદાન આપીને શેતાનને તે જૂઠો સાબિત કરવાના છે. એ સમય આખા માનવ ઇતિહાસ માટે સૌથી મહત્ત્વનો હતો. એ સમય ઈસુ માટે પોતાના પર દયા કરવાનો ન હતો. જો ઈસુ સજાગ ન રહ્યા હોત, તો શેતાનને ઘણી મજા આવી હોત.

આ દુષ્ટ જગતનો અંત નજીક હોવાથી, આપણે પણ કપરા સમયમાં જીવી રહ્યા છીએ. શેતાન ચાહે છે કે આપણે “પોતાના પર દયા” કરીએ અને આ દુનિયામાં સફળ બનવા પર ધ્યાન આપીએ. તે આપણને ભૂલાવી દેવા માંગે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. તેમજ, આપણે સજાગ ન રહીએ એવી તેની ઇચ્છા છે. ધ્યાન રાખો કે, તમારી સાથે એવું ન થાય! તમે “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨) શેતાન જૂઠાણાં ફેલાવે છે કે, આ જગતનો અંત ઘણો દૂર છે અથવા અંત ક્યારેય આવશે નહિ. આપણે એમાં ક્યારેય ફસાઈએ નહિ!

(માથ્થી ૧૬:૨૪) પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.

w૦૬ ૪/૧ ૨૩ ¶૯

શિષ્ય બનાવો અને બાપ્તિસ્મા આપો

ઈસુના પગલે ચાલી પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવામાં શાનો સમાવેશ થાય છે? ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” (માત્થી ૧૬:૨૪) અહીં ઈસુએ આપણને ત્રણ બાબતો કરવાની કહી. પહેલું, આપણે “પોતાનો નકાર” કરવો જોઈએ. એનો શું અર્થ થાય? એનો અર્થ પોતાની સ્વાર્થી ઇચ્છાઓને જતી કરીને યહોવાહની સલાહને ધ્યાન આપવી અને તેમના માર્ગમાં ચાલવું. બીજી બાબત છે, ‘પોતાનો વધસ્તંભ ઊંચકવો.’ ઈસુના સમયમાં વધસ્તંભ શું બતાવતો હતો? એ બતાવતો હતો કે જેઓ ઈસુના પગલે ચાલતા હતા તેઓએ સહન કરવું પડ્યું. બીજાઓ તેઓની મજાક કરતા હતા. આપણે યહોવાહના ભક્તો છે. તેથી તેમના રાજ્યના સુસમાચાર જણાવવા આપણે પણ ઘણું સહન કરવું પડે. (૨ તીમોથી ૧:૮) ભલે દુનિયા આપણી મજાક ઉડાવે, પણ આપણે ઈસુની જેમ ‘શરમને તુચ્છ ગણીશું.’ કેમ કે આપણે જાણીએ છીએ કે દુઃખો સહીને આપણે પરમેશ્વરને ખુશ કરીએ છીએ. (હેબ્રી ૧૨:૨) ત્રીજી બાબત આપણે ઈસુની “પાછળ” ચાલવાનું છે. એટલે કે હંમેશા ઈસુના પગલે ચાલવાનું છે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૬; ૧૧૯:૪૪; ૧૪૫:૨.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૧૬:૧૮) તેમ જ, હું તને કહું છું કે તું પીતર છે અને આ ખડક પર હું મારું મંડળ બાંધીશ અને એના પર મરણની સત્તાનું જોર ચાલશે નહિ.

nwtsty માથ ૧૬:૧૮ અભ્યાસ માહિતી

તું પીતર છે અને આ ખડક પર: ગ્રીક શબ્દ પૅટ્રૉસના પુરૂષવાચક રૂપનો અર્થ થાય “ખડકનો ટુકડો, પથ્થર”. અહીં એ શબ્દ એક નામ (પીતર) તરીકે વાપરવામાં આવ્યો છે. એ ગ્રીક નામ ઈસુએ સીમોનને આપ્યું. (યોહ ૧:૪૨) એ નામનું સ્ત્રીવાચક રૂપ છે પૅટ્રા. એનો અર્થ થાય આધાર ખડક, દરિયાકાંઠા પરની કરાડ અથવા મોટો ખડક. એ શબ્દ આ બધી કલમોમાં પણ જોવા મળે છે: માથ ૭:૨૪, ૨૫; ૨૭:૬૦; લુક ૬:૪૮; ૮:૬; રોમ ૯:૩૩; ૧કો ૧૦:૪; ૧પી ૨:૮. પ્રેરિત પીતરે ૧પી ૨:૪-૮માં જણાવ્યું કે ઈસુ તો અગાઉથી ભાખેલા અને ઈશ્વરે પોતે પસંદ કરેલા “પાયાના ખૂણાનો મૂલ્યવાન પથ્થર” છે. તેથી દેખીતું છે કે પીતર પોતાને એવો ખડક ગણતા ન હતા જેના પર ઈસુ મંડળ બાંધવાના હતા. ઉપરાંત, પ્રેરિત પાઊલે પણ ઈસુને “પાયો” અને ઈશ્વરનો “ખડક” કહ્યા હતા. (૧કો ૩:૧૧; ૧૦:૪) એટલે કહી શકાય કે ઈસુએ એ શબ્દનો ઉપયોગ કરી વાક્યને રસપ્રદ બનાવ્યું. તે જાણે કહી રહ્યા હતા કે, ‘તેં, જેને મેં પીતર કહ્યો છે, ખડકનો ટૂકડો, તેં, “આ ખડક”ની એટલે કે ખ્રિસ્તની ખરી ઓળખ જાણી છે, જે ખ્રિસ્તી મંડળનો પાયો બનવાનો છે!’

મંડળ: ગ્રીક શબ્દ ઍક્લૅસિયા પ્રથમ વાર અહીં જોવા મળે છે. એ શબ્દ બે ગ્રીક શબ્દોની સંધિ છે. ઍક્નો અર્થ થાય “બહાર” અને કૅલિઓનો અર્થ છે “બોલાવવું.” આમ આ શબ્દ એવા લોકોના સમૂહને રજૂ કરે છે, જેઓને કોઈ ખાસ હેતુસર બોલાવવામાં આવ્યા છે અથવા ભેગા કરવામાં આવ્યા છે. (શબ્દસૂચિ જુઓ.) આ સંદર્ભમાં ઈસુએ ખ્રિસ્તી મંડળની સ્થાપના વિશે ભાખ્યું કે એ મંડળ અભિષિક્તોથી બનેલું હશે. તેઓ “જીવંત પથ્થરો” છે, જેઓને ‘પવિત્ર શક્તિથી એક ઘર તરીકે ચણવામાં આવે છે.’ (૧પી ૨:૪, ૫) “મંડળ” માટેનો હેબ્રી શબ્દ મોટાભાગે ઈશ્વરની પ્રજાના આખા રાષ્ટ્રને દર્શાવે છે. (પુન ૨૩:૩; ૩૧:૩૦) એ હેબ્રી શબ્દની જગ્યાએ સેપ્ટુઆજીંટમાં ગ્રીક શબ્દ ઍક્લૅસિયાનો અવારનવાર ઉપયોગ થયો છે. બાઇબલમાં પ્રેકા ૭:૩૮ની કલમ ઇજિપ્તમાંથી બહાર બોલાવેલા ઈસ્રાએલીઓને “મંડળ” તરીકે દર્શાવ્યું છે. એ જ રીતે, ‘અંધકારમાંથી પ્રકાશમાં’ બોલાવેલા અને ‘દુનિયામાંથી પસંદ કરાયેલા’ ખ્રિસ્તીઓથી ‘ઈશ્વરનું મંડળ’ બનેલું છે.—૧પી ૨:૯; યોહ ૧૫:૧૯; ૧કો ૧:૨.

(માથ્થી ૧૬:૧૯) હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ અને તું પૃથ્વી પર જે કંઈ બાંધશે એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે અને તું પૃથ્વી પર જે કંઈ છોડશે એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે.”

nwtsty માથ ૧૬:૧૯ અભ્યાસ માહિતી

સ્વર્ગના રાજ્યની ચાવીઓ: બાઇબલના અહેવાલમાં જ્યારે કોઈ વ્યક્તિને ખરેખર અથવા રૂપક રીતે ચાવી આપવામાં આવી હોય, તો એ તેને આપવામાં આવેલા અધિકારને દર્શાવે છે. (૧કા ૯:૨૬, ૨૭; યશા ૨૨:૨૦-૨૨) એટલે સમય જતાં “ચાવી” શબ્દ અધિકાર કે જવાબદારીનું ચિહ્‍ન બની ગયો. પીતરને સોંપાયેલી “ચાવીઓ”થી તેમણે યહુદીઓ (પ્રેકા ૨:૨૨-૪૧), સમરૂનીઓ (પ્રેકા ૮:૧૪-૧૭), અને બીજી જાતિના લોકોને (પ્રેકા ૧૦:૩૪-૩૮) યહોવાની પવિત્ર શક્તિ મેળવવાની તક પૂરી પાડી, અને સ્વર્ગના રાજ્યમાં જવાનો જાણે દરવાજો ખોલ્યો.

બાઇબલ વાંચન

(માથ્થી ૧૬:૧-૨૦) ત્યાં ફરોશીઓ અને સાદુકીઓ ઈસુ પાસે આવ્યા અને તેમની કસોટી કરવા તેઓએ કહ્યું કે આકાશમાંથી કોઈ નિશાની તેઓને દેખાડે. ૨ જવાબમાં ઈસુએ તેઓને કહ્યું: “સાંજ પડે છે ત્યારે તમે કહેતા હો છો કે, ‘હવામાન સારું હશે, કેમ કે આકાશ લાલ રંગનું છે;’ ૩ અને સવારે કહો છો, ‘આજે ઠંડી હશે અને વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ રંગનું પણ વાદળોથી ઘેરાયેલું છે.’ તમે આકાશ તરફ જોઈને હવામાન પારખી શકો છો, પણ તમે સમયની નિશાનીઓને પારખી શકતા નથી. ૪ દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની શોધે છે, પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.” આમ કહ્યા પછી, તે તેઓને મૂકીને ચાલ્યા ગયા. ૫ હવે, શિષ્યો પેલે પાર ગયા ત્યારે, પોતાની સાથે રોટલી લેવાનું ભૂલી ગયા. ૬ ઈસુએ તેઓને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો અને ફરોશીઓ તથા સાદુકીઓના ખમીરથી સાવચેત રહો.” ૭ એટલે, તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “અરે, આપણે રોટલી લાવવાનું તો ભૂલી જ ગયા!” ૮ એ જાણીને ઈસુએ કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળાઓ, તમે અંદરોઅંદર એવી વાત કરી રહ્યા છો કે તમારી પાસે રોટલી નથી? ૯ શું તમે હજી પણ સમજતા નથી? શું તમને યાદ નથી કે ૫,૦૦૦ વચ્ચે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલીઓ ભરીને ઉઠાવી હતી? ૧૦ અથવા ૪,૦૦૦ વચ્ચે સાત રોટલી હતી અને તમે કેટલા ટોપલા ભરીને ઉઠાવ્યા હતા? ૧૧ તમે કેમ નથી સમજતા કે હું તમારી સાથે રોટલી વિશે વાત નથી કરતો? પણ હું તમને કહું છું કે ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહો.” ૧૨ ત્યારે તેઓને સમજ પડી કે ઈસુ ફરોશીઓ અને સાદુકીઓના શિક્ષણથી સાવચેત રહેવાનું કહેતા હતા, રોટલીના ખમીરથી નહિ. ૧૩ ઈસુ કાઈસારીઆ ફિલિપીના પ્રદેશમાં આવ્યા ત્યારે, તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું: “માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે?” ૧૪ તેઓએ કહ્યું: “કોઈ કહે છે યોહાન બાપ્તિસ્મા આપનાર, તો કોઈ એલિયા, તો કોઈ યર્મિયા કે પ્રબોધકોમાંનો એક કહે છે.” ૧૫ તેમણે તેઓને કહ્યું: “પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” ૧૬ સિમોન પીતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો, જીવતા ઈશ્વરના દીકરા.” ૧૭ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “સિમોન, યૂનાના દીકરા, ધન્ય છે તને! કેમ કે આ વાત કોઈ માણસે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને પ્રગટ કરી છે. ૧૮ તેમ જ, હું તને કહું છું કે તું પીતર છે અને આ ખડક પર હું મારું મંડળ બાંધીશ અને એના પર મરણની સત્તાનું જોર ચાલશે નહિ. ૧૯ હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ અને તું પૃથ્વી પર જે કંઈ બાંધશે એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે અને તું પૃથ્વી પર જે કંઈ છોડશે એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે.” ૨૦ પછી, તેમણે શિષ્યોને કડક શબ્દોમાં જણાવ્યું કે પોતે ખ્રિસ્ત છે એ કોઈને કહેવું નહિ.”

ફેબ્રુઆરી ૨૬-​માર્ચ ૪

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૮-૧૯

“સાવધ રહો! પોતાને અને બીજાઓને ઠોકરરૂપ બનવાનું ટાળો”

(માથ્થી ૧૮:૬, ૭) પણ, જે કોઈ મારામાં શ્રદ્ધા રાખનાર આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે તો એ વધારે સારું થાય કે, તેને ગળે ઘંટીનો મોટો પથ્થર લટકાવીને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેવામાં આવે. ૭ “દુનિયાને અફસોસ કે એ ઠોકર ખવડાવે છે! ખરું કે ઠોકરરૂપ બનતી બાબતો જરૂર આવશે, પણ જે મનુષ્ય ઠોકરરૂપ બને છે એને અફસોસ!”

nwtsty માથ ૧૮:૬, ૭ અભ્યાસ માહિતી

ઘંટીનો મોટો પથ્થર: અથવા “જે ઘંટીનો પથ્થર ગધેડું ફેરવે છે.” મૂળ અર્થ, “ગધેડાનો ઘંટી પથ્થર”. એવો પથ્થર ૪થી ૫ ફૂટના વ્યાસમાં (પહોળાઈમાં) હોય શકે. એ વજનમાં ખૂબ ભારે હોવાથી એને ગધેડા દ્વારા ફેરવવામાં આવતો.

ઠોકરરૂપ: અહીં મૂળ ગ્રીક શબ્દ સ્કાનડેલૉન વપરાયો છે. એવું માનવામાં આવે છે કે એ શબ્દ અમુક ફાંદાને દર્શાવતો હતો. અમુકનું એવું પણ માનવું છે કે એ એવી લાકડીને દર્શાવતો જેના પર શિકારને આકર્ષવા કંઈક મૂકવામાં આવે. પછીથી, એ શબ્દનો ઉપયોગ એવા કોઈ પણ નડતરને દર્શાવવા થવા લાગ્યો, જેના લીધે વ્યક્તિ ઠોકર ખાય. રૂપક તરીકે, એ શબ્દ એવા કાર્ય કે સંજોગને દર્શાવે છે, જે વ્યક્તિને ખોટા માર્ગે લઈ જાય, નૈતિક રીતે ઠોકરરૂપ બને કે પછી પાડી નાખે, અથવા પાપમાં સપડાવે. માથ ૧૮:૮, ૯માં જોવા મળતો ગ્રીક શબ્દ સ્કાનડેલીઝો જેનો અનુવાદ “ઠોકરરૂપ બનવું” થયો છે, એનો બીજો અનુવાદ “ફાંદારૂપ બનવું; પાપ કરાવડાવું” પણ થઈ શકે.

nwtsty ચિત્ર/વીડિયો

ઘંટીનો પથ્થર

અનાજ દળવા અને જૈતુનનું તેલ કાઢવા માટે ઘંટીના પથ્થર વપરાતા. અમુક પથ્થર હાથથી ફેરવી શકાય એટલા નાના હતા, જ્યારે કે અમુક એટલા મોટા હતા કે એને ફેરવવા કોઈ પ્રાણીની જરૂર પડે. પલિસ્તીઓએ સામસૂનને જે ઘંટીનો પથ્થર ફેરવવાના કામે લગાડ્યો, એ કદાચ અહીં બતાવેલા પથ્થર જેવો કોઈ મોટો પથ્થર હતો. (ન્યા ૧૬:૨૧) પ્રાણીઓથી ફેરવવામાં આવતી આવી ઘંટીઓ ફક્ત ઈસ્રાએલમાં જ નહિ, મોટાભાગના રોમન સામ્રાજ્યમાં પણ જોવા મળતી.

ઘંટીમાં ઉપરનો અને નીચેનો પથ્થર

અહીં ચિત્રમાં બતાવવામાં આવેલો ઘંટીના ઉપરનો પથ્થર ફેરવવા વાડાના જાનવર, જેમ કે ગધેડાનો ઉપયોગ થતો. જૈતુનમાંથી તેલ કાઢવા કે પછી અનાજ દળવા માટે આવી ઘંટી વપરાતી. ઉપરનો પથ્થર ૫ ફૂટ જેટલો પહોળો (વ્યાસ) પણ હોય શકે, જેની નીચે એના કરતાંય મોટો પથ્થર રાખવામાં આવતો.

(માથ્થી ૧૮:૮, ૯) તેથી, જો તારો હાથ કે પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બંને હાથ અને બંને પગ સાથે હંમેશ માટેની આગમાં નંખાવા કરતાં, લૂલા કે લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે. ૯ તેમ જ, જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને કાઢી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બે આંખ સાથે ગેહેન્‍નાની આગમાં નંખાવા કરતાં, તારા માટે એક આંખ સાથે જીવન મેળવવું વધારે સારું છે.

nwtsty માથ ૧૮:૯ અભ્યાસ માહિતી

ગેહેન્‍ના: હિબ્રૂ શબ્દ ગે હિન્‍નોમ પરથી આ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય “હિન્‍નોમની ખીણ”, જે પ્રાચીન યરૂશાલેમના પશ્ચિમ અને દક્ષિણ દિશામાં હતી. (sgd ૧૬, “યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર” નકશો જુઓ.) ઈસુના સમય સુધીમાં આ ખીણ નકામી વસ્તુઓ બાળીને નાશ કરવા માટેની જગ્યા બની ગઈ હતી. તેથી પૂરેપૂરા નાશને દર્શાવવા “ગેહેન્‍ના” શબ્દ એકદમ બરાબર હતો.

nwtsty શબ્દસૂચિ

ગેહેન્‍ના

હિન્‍નોમની ખીણનું ગ્રીક નામ છે, જે પ્રાચીન યરૂશાલેમના દક્ષિણ-પશ્ચિમમાં આવેલી હતી. (યિર્મે ૭:૩૧) ભવિષ્યવાણીમાં એનો એવી જગ્યા તરીકે ઉલ્લેખ થયો છે, જ્યાં શબને કાપીને ફેંકી દેવામાં આવે. (યિર્મે ૭:૩૨; ૧૯:૬) એવો કોઈ પુરાવો નથી જે બતાવે કે માણસો અથવા જાનવરોને જીવતાં બાળવાં કે રિબાવવાં ગેહેન્‍નામાં ફેંકવામાં આવતાં. તેથી, આ જગ્યા એવી કોઈ અદૃશ્ય જગ્યાને ન દર્શાવી શકે, જ્યાં માણસોના આત્માને અનંતકાળ સુધી અગ્‍નિમાં રિબાવવામાં આવે. ઈસુ અને તેમના શિષ્યોએ એ શબ્દનો ઉપયોગ હંમેશ માટેની સજા એટલે કે “બીજું મરણ” દર્શાવવા કર્યો હતો, જેને હંમેશ માટેનો નાશ કે પૂરેપૂરો ખાતમો કહી શકાય.—પ્રક ૨૦:૧૪; માથ ૫:૨૨; ૧૦:૨૮.

(માથ્થી ૧૮:૧૦) ધ્યાન રાખજો કે આ નાનાઓમાંના એકને તમે ધિક્કારો નહિ, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂતો હંમેશાં મારા સ્વર્ગમાંના પિતાના મોં આગળ ઊભા રહે છે.”

nwtsty માથ ૧૮:૧૦ અભ્યાસ માહિતી

મારા સ્વર્ગમાંના પિતાના મોં આગળ ઊભા રહે છે: અથવા “મારા પિતા સામે હાજર થઈ શકે.” દૂતો ઈશ્વરની હાજરીમાં ઊભા રહી શકે એટલે ફક્ત તેઓ જ ઈશ્વરનું મુખ જોઈ શકે છે.—નિર્ગ ૩૩:૨૦.

w૧૦-E ૧૧/૧ ૧૬

દૂતો આપણને કઈ રીતે અસર કરે છે

ઈસુએ જણાવ્યું કે યહોવાના સેવકોને ભક્તિમાં પ્રગતિ કરવા મદદ મળતી રહે એની દેખરેખ રાખવાની જવાબદારી દૂતોને આપવામાં આવી છે. તેથી, બીજાઓને ઠોકર ન ખવડાવવા વિશે ઈસુએ શિષ્યોને ચેતવણી આપી ત્યારે, તેમણે કહ્યું: “ધ્યાન રાખજો કે આ નાનાઓમાંના એકને તમે ધિક્કારો નહિ, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂતો હંમેશાં મારા સ્વર્ગમાંના પિતાના મોં આગળ ઊભા રહે છે.” (માથ્થી ૧૮:૧૦) અહીં, ઈસુનો કહેવાનો એવો અર્થ ન હતો કે, દરેક અનુયાયીનું રક્ષણ કરવા માટે એક દૂત નીમવામાં આવ્યો છે. પરંતુ, ઈસુએ દર્શાવ્યું કે, ઈશ્વર સાથે કામ કરતા દૂતોને મંડળના સભ્યોમાં ઊંડો રસ છે.

કીમતી રત્નો શોધીએ

(માથ્થી ૧૮:૨૧, ૨૨) પછી, પીતર આવ્યો અને તેમને કહ્યું: “પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર પાપ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર?” ૨૨ ઈસુએ તેને કહ્યું, “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ સિત્તોતેર વાર.

nwtsty માથ ૧૮:૨૨ અભ્યાસ માહિતી

સિત્તોતેર વાર: મૂળ અર્થ, “સિત્તેર ગુણ્યા સાત વાર.” ગ્રીકનો આ વાક્યાંશ બે રીતે સમજી શકાય, “૭૦ અને ૭” (૭૭ વાર) અથવા “૭૦ ગુણ્યા ૭” (૪૯૦ વાર). પરંતુ, સેપ્ટુઆજીંટમાં એ જ વાક્યાંશને ઉત ૪:૨૪માં “૭૭ વખત” માટેના હિબ્રૂ વાક્યાંશથી દર્શાવવામાં આવ્યો છે. એટલે અહીં “૭૭ વાર” એ અર્થ કાઢી શકાય. જોકે, વધુ મહત્ત્વનું તો એ છે કે, ૭નો આંકડો એકથી વધુ વાર હોય તો એ “અસંખ્ય” અથવા “પાર વગર”ના અર્થમાં લેવાતો હતો. પીતરે જ્યારે પૂછ્યું “૭ વાર” ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો “૭૭ વાર”. ઈસુ પોતાના શિષ્યોને કહેવા માંગતા હતા કે માફી આપવાની કોઈ હદ નક્કી ન કરે. જ્યારે કે, બાબેલોનનો તાલ્મુડ (યોમા ૮૬ખ) તો કહે છે કે, ‘કોઈ વ્યક્તિ પહેલી, બીજી કે ત્રીજી વાર ભૂલ કરે તો માફી મળી શકે, પણ ચોથી વાર એને માફી નહિ મળે.’

(માથ્થી ૧૯:૭) તેઓએ તેમને કહ્યું: “તો પછી, મુસાએ કેમ છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની આજ્ઞા કરી હતી?”

nwtsty માથ ૧૯:૭ અભ્યાસ માહિતી

છૂટાછેડા લખી આપીને: અથવા “તલાકનામું આપીને”. મુસાનો નિયમ છૂટાછેડા લેવા કાયદેસરનું તલાકનામું લખવાની ફરજ પાડતો. આમ, વ્યક્તિને વડીલોની સલાહ લેવા અને છૂટાછેડા જેવો ગંભીર નિર્ણય લેતા પહેલાં વિચારવાનો સમય મળી રહે. દેખીતું છે કે વિના વાતે ઝનૂનમાં આવી કોઈ છૂટાછેડા ન આપે, એવો એ નિયમનો હેતુ હતો. એના લીધે સ્ત્રીઓને અમુક હદે કાયદાકીય રક્ષણ મળી રહેતું. (પુન ૨૪:૧) પરંતુ, ઈસુના સમયમાં ધર્મગુરુઓએ છૂટાછેડા લેવું સાવ સહેલું બનાવી દીધું હતું. પ્રથમ સદીના ઇતિહાસકાર જોસેફસનો વિચાર કરો. તે ફરોશી હતા અને તેમણે પોતે પણ છૂટાછેડા લીધેલા હતા. તેમણે કહ્યું કે છૂટાછેડા લઈ શકાય પછી ‘કોઈ પણ કારણ કેમ ન હોય (અને પુરુષોને એવાં ઘણાં કારણો મળી રહે છે)’.

nwtsty ચિત્રો/વીડિયો

તલાકનામું

આ તલાકનામું સાલ ૭૧ અથવા ૭૨નું છે, જેને અરામિક ભાષામાં લખવામાં આવ્યું હતું. યહુદિયાના રણમાં વાદી મુરાબબાત નામના સુકાયેલા નદીકાંઠાના ઉત્તરમાંથી એ મળી આવ્યું છે. એમાં લખ્યું છે કે, યહુદી બળવાના છઠ્ઠા વર્ષે, જોસેફ, નાકસાનના દીકરાએ, મરિયમને છૂટાછેડા આપ્યા, જે મસાદા શહેરના રહેવાસી યોનાથાનની દીકરી હતી.

બાઇબલ વાંચન

(માથ્થી ૧૮:૧૮-૩૫) “હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જે કંઈ બાંધશો, એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે અને તમે પૃથ્વી પર જે કંઈ છોડશો, એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે. ૧૯ ફરીથી, હું તમને સાચે જ કહું છું: પૃથ્વી પર તમારામાંના બે જણ કોઈ મહત્ત્વની વાત પર એક મનના થઈને વિનંતી કરે તો, સ્વર્ગમાંના મારા પિતા એ પૂરી કરશે. ૨૦ કેમ કે જ્યાં પણ મારા નામમાં બે કે ત્રણ જણ ભેગા થાય છે, ત્યાં હું તેઓની વચમાં છું.” ૨૧ પછી, પીતર આવ્યો અને તેમને કહ્યું: “પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર પાપ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર?” ૨૨ ઈસુએ તેને કહ્યું, “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ સિત્તોતેર વાર. ૨૩ “એટલે, સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જે પોતાના ચાકરો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતો હતો. ૨૪ જ્યારે તે હિસાબ લેવા બેઠો, ત્યારે એક માણસને તેની સામે લાવવામાં આવ્યો, જેણે ૧૦,૦૦૦ તાલંત ઉધાર લીધા હતા. ૨૫ પરંતુ, એ દેવું તે કોઈ પણ રીતે ચૂકવી શકે એમ ન હતો. એટલે તેને, તેની પત્નીને, તેનાં બાળકોને અને તેની પાસે જે કંઈ હતું, એ બધુંય વેચીને દેવું ચૂકતે કરવાનો તેના માલિકે હુકમ કર્યો. ૨૬ તેથી, ચાકર માલિકને પગે પડ્યો અને કહેવા લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૨૭ એ જોઈને માલિકને દયા આવી અને તેણે એ ચાકરને જવા દીધો અને તેનું બધું દેવું માફ કર્યું. ૨૮ પરંતુ, એ ચાકર બહાર નીકળ્યો અને સાથી ચાકરોમાંના એકને શોધી કાઢ્યો, જેણે તેની પાસેથી ૧૦૦ દીનાર ઉછીના લીધા હતા; તેને પકડીને તેનું ગળું દબાવતા તેણે કહ્યું, ‘બધું દેવું મને ચૂકવી દે.’ ૨૯ તેથી, તેનો સાથી ચાકર પગે પડ્યો અને કાલાવાલા કરતા કહેવા લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૩૦ જોકે, તે જરાય સાંભળવા તૈયાર ન હતો; તેણે જઈને ચાકર બધું દેવું ન ચૂકવે ત્યાં સુધી તેને કેદમાં નંખાવ્યો. ૩૧ બીજા ચાકરોએ આ જોયું ત્યારે, તેઓ બહુ જ દુઃખી થયા; અને જે કંઈ બન્યું હતું એ બધું તેઓએ જઈને પોતાના માલિકને કહ્યું. ૩૨ પછી, તેના માલિકે તેને હુકમ કરીને બોલાવ્યો અને કહ્યું: ‘દુષ્ટ ચાકર, તેં મને આજીજી કરી ત્યારે મેં તારું બધું જ દેવું માફ કરી દીધું. ૩૩ મેં તને દયા બતાવી તેમ, શું તારે પણ તારા સાથી ચાકરને દયા બતાવવી જોઈતી ન હતી?’ ૩૪ એમ કહીને તેનો માલિક એટલો ક્રોધે ભરાયો કે તે બધું જ દેવું ચૂકવી ન દે ત્યાં સુધી, તેને કેદખાનાના ઉપરીઓને સોંપી દીધો. ૩૫ જો તમે દરેક તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો