એપ્રિલ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
એપ્રિલ ૨-૮
બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૬
“પાસ્ખા અને પ્રભુભોજન—સમાનતા અને તફાવત”
(માથ્થી ૨૬:૧૭-૨૦) બેખમીર રોટલીના તહેવારના પહેલા દિવસે, શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરીએ?” ૧૮ તેમણે કહ્યું: “શહેરમાં ફલાણા-ફલાણાની પાસે જાઓ અને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો નક્કી કરેલો સમય પાસે આવ્યો છે; હું તારા ઘરે મારા શિષ્યો સાથે પાસ્ખાની ઉજવણી કરીશ.”’” ૧૯ તેથી, શિષ્યોએ ઈસુની સૂચના પ્રમાણે કર્યું અને પાસ્ખા માટે તૈયારી કરી. ૨૦ સાંજ ઢળી ત્યારે તે બાર શિષ્યો સાથે મેજને અઢેલીને જમવા બેઠા હતા.
nwtsty ચિત્ર/વીડિયો
પાસ્ખા ભોજન
પાસ્ખા ભોજનમાં આ વસ્તુઓ જરૂરી હતી: શેકેલું હલવાન (જેનું એક પણ હાડકું ભાંગવામાં ન આવ્યું હોય) (૧); બેખમીર રોટલી (૨); અને કડવી ભાજી (૩). (નિર્ગ ૧૨:૫, ૮; ગણ ૯: ૧૧) મિસનાહ તરીકે ઓળખાતા પ્રાચીન યહુદી લખાણો પ્રમાણે, આ કડવી ભાજી લેટ્યુસ, શિકોરી, પેપરવર્ટ, એન્ડીવ અથવા ડેન્ડિલીઅનમાંની કોઈ ભાજી હોય શકે, જેની કડવાશ ઈઝરાયેલીઓને ઇજિપ્તની કડવી ગુલામીની યાદ અપાવતી હતી. ઈસુએ બેખમીર રોટલીનો ઉપયોગ પોતાના સંપૂર્ણ શરીરને દર્શાવવા કર્યો હતો. (માથ ૨૬:૨૬) અને પ્રેરિત પાઊલે ઈસુને “પાસ્ખાનું ઘેટું” કહીને સંબોધ્યા. (૧કો ૫:૭) પહેલી સદી સુધીમાં, પાસ્ખા ભોજનમાં દ્રાક્ષદારૂનો (૪) સમાવેશ કરવામાં આવ્યો. ઈસુએ દ્રાક્ષદારૂનો ઉપયોગ પોતાના લોહીને દર્શાવવા કર્યો હતો, જે બલિદાન તરીકે વહેવડાવવામાં આવવાનું હતું.—માથ ૨૬:૨૭, ૨૮.
(માથ્થી ૨૬:૨૬) તેઓ હજી જમી રહ્યા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને આશીર્વાદ માંગ્યો; પછી, તેમણે એ તોડી તથા શિષ્યોને આપી અને તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.”
nwtsty માથ ૨૬:૨૬ અભ્યાસ માહિતી
રજૂ કરે છે: અહીં વપરાયેલો મૂળ ગ્રીક શબ્દ ઇ-સ્ટિન (શાબ્દિક અર્થ થાય, “છે”) “પ્રતીક હોવું, રજૂ કરવું, દર્શાવવું” અર્થમાં લેવાય છે. દેખીતું છે કે ઈસુના શિષ્યો પણ એ જ અર્થ સમજ્યા, કારણ કે એ સમયે ઈસુ તેઓની સામે જ હતા, તે જીવતા જાગતા સંપૂર્ણ શરીરમાં હાજર હતા અને એ બેખમીર રોટલી પણ તેઓ સામે હતી, જે તેઓ ખાવાના હતા. આમ, દેખીતું છે કે એ રોટલી કંઈ હકીકતમાં ઈસુનું શરીર બની ગઈ ન હતી. ઉપરાંત, નોંધવા જેવું છે કે આ જ શબ્દનો ઉપયોગ માથ ૧૨:૭માં પણ થયો છે. તેમ જ, ઘણા બાઇબલ અનુવાદકોએ એનું ભાષાંતર “રજૂ કરે છે” શબ્દોમાં કર્યું છે.
(માથ્થી ૨૬:૨૭, ૨૮) તેમણે પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માનીને તેઓને એ આપતા કહ્યું: “તમે બધા એમાંથી પીઓ, ૨૮ કારણ કે આ મારા લોહીને એટલે કે ‘કરારના લોહીʼને રજૂ કરે છે, જે ઘણા લોકોનાં પાપોની માફી માટે વહેવડાવવામાં આવશે.
nwtsty માથ ૨૬:૨૮ અભ્યાસ માહિતી
કરારનું લોહી: યહોવા અને અભિષિક્તો વચ્ચે જે નવો કરાર થયો હતો એ ઈસુના બલિદાનથી શરૂ થયો. (હિબ્રૂ ૮:૧૦) ઈસુ અહીં એ જ શબ્દો વાપરે છે, જે સિનાઈ પર્વત આગળ મુસાએ વાપર્યા હતા. એ પ્રસંગે મુસાએ મધ્યસ્થ બનીને ઈઝરાયેલ રાષ્ટ્ર જોડે થયેલા નિયમ કરારને કાર્યશીલ કર્યો હતો. (નિર્ગ ૨૪:૮; હિબ્રૂ ૯:૯-૨૧) એ પ્રસંગે જેમ બળદ અને બકરાના લોહીથી યહોવા અને ઈઝરાયેલ રાષ્ટ્ર વચ્ચેનો નિયમ કરાર માન્ય થયો, તેમ ઈસુના લોહીથી યહોવા અને ઈશ્વરના ઈઝરાયેલ વચ્ચેનો નવો કરાર માન્ય થયો છે. ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તના દિવસથી આ કરાર અમલમાં આવ્યો.—હિબ્રૂ ૯:૧૪, ૧૫.
કીમતી રત્નો શોધીએ
(માથ્થી ૨૬:૧૭) બેખમીર રોટલીના તહેવારના પહેલા દિવસે, શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરીએ?”
nwtsty માથ ૨૬:૧૭ અભ્યાસ માહિતી
બેખમીર રોટલીના તહેવારના પહેલા દિવસે: પાસ્ખાના તહેવાર (નીસાન ૧૪) પછી નીસાન ૧૫થી બેખમીર રોટલીનો તહેવાર શરૂ થતો અને સાત દિવસ ચાલતો. (sgd વિભાગ ૧૯ જુઓ.) બેખમીર રોટલીનો તહેવાર પાસ્ખાપર્વના બીજા જ દિવસથી શરૂ થતો હતો. તેથી, ઈસુના સમયમાં અમુક વખત નીસાન ૧૪નો દિવસ પણ “બેખમીર રોટલીનો તહેવાર” કહેવાતો અને ઉજવણીના આઠ દિવસોમાં ગણી લેવામાં આવતો. (લુક ૨૨:૧) અહીં આ સંદર્ભમાં “પહેલા દિવસે”નો અર્થ “એક દિવસ અગાઉ” થઈ શકે. (યોહ ૧:૧૫, ૩૦ સરખાવો, જ્યાં “પહેલા” માટે ગ્રીક શબ્દ પ્રોટોસનો અર્થ “અગાઉ” એમ થઈ શકે, જેમ કે “મારા પહેલાંથી [ proʹtos] તે જીવે છે.”) એટલે મૂળ ગ્રીક અને યહુદી રિવાજોના આધારે શિષ્યોએ ઈસુને ૧૩મી નીસાને સવાલ પૂછ્યો હોય શકે. નીસાન ૧૩ની સવારે શિષ્યોએ પાસ્ખાના તહેવારની તૈયારી કરી, જેને ‘સાંજ ઢળી ગયા પછી’ ઊજવવામાં આવ્યો અને જે નીસાન ૧૪ના દિવસની શરૂઆત હતી.—માર્ક ૧૪:૧૬, ૧૭.
(માથ્થી ૨૬:૩૯) અને જરાક આગળ જઈને તે ઘૂંટણે પડ્યા અને ભૂમિ સુધી માથું નમાવીને પ્રાર્થના કરી: “મારા પિતા, જો શક્ય હોય તો આ પ્યાલો મારી પાસેથી દૂર થવા દો. તોપણ, મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થવા દો.”
nwtsty માથ ૨૬:૩૯ અભ્યાસ માહિતી
આ પ્યાલો મારી પાસેથી દૂર થવા દો: બાઇબલમાં ઘણીવાર “પ્યાલો” શબ્દનો ઉપયોગ યહોવાની મરજી અથવા કોઈ વ્યક્તિને “સોંપેલા ભાગ”ને દર્શાવવા થયો છે. (માથ ૨૦:૨૨ પરની અભ્યાસ માહિતી જુઓ.) સાચે જ, ઈસુને ચિંતા હતી કે પોતાના મરણથી યહોવાની બદનામી થશે. કારણ કે, ઈશ્વરની નિંદા કરનાર અને બંડખોર જેવા ખોટા આરોપો મૂકીને તેમને મોતની સજા થવાની હતી. તેથી તે પ્રાર્થનામાં માંગે છે કે આ “પ્યાલો” તેમની પાસેથી દૂર થાય.
બાઇબલ વાંચન
(માથ્થી ૨૬:૧-૧૯) હવે, ઈસુએ આ બધી વાતો કહેવાની પૂરી કરી ત્યારે, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: ૨ “તમે જાણો છો કે આજથી બે દિવસ પછી, પાસ્ખાનો તહેવાર આવશે અને માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે સોંપી દેવામાં આવશે.” ૩ પછી, મુખ્ય યાજકો અને લોકોના વડીલો, પ્રમુખ યાજકના ઘરના આંગણામાં ભેગા થયા, જેનું નામ કાયાફાસ હતું; ૪ તેઓએ ઈસુને કપટથી પકડીને તેમને મારી નાખવાની અંદરોઅંદર વિચારણા કરી. ૫ જોકે, તેઓ કહેતા હતા કે, “તહેવારના સમયે નહિ, જેથી લોકોમાં ધાંધલ ઊભી ન થાય.” ૬ બેથનિયામાં સિમોન જે અગાઉ રક્તપિત્તિયો હતો, તેના ઘરમાં ઈસુ હતા ત્યારે, ૭ એક સ્ત્રી કીમતી, સુગંધી તેલ ભરેલી સંગેમરમરની શીશી લઈને તેમની પાસે આવી. તે જમતા હતા ત્યારે, એ તેલ તેમના માથા પર રેડવા લાગી. ૮ આ જોઈને શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું: “આવો બગાડ શા માટે? ૯ કેમ કે એ ઊંચા ભાવે વેચી શકાયું હોત અને એ પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત.” ૧૦ એ જાણીને ઈસુએ તેઓને કહ્યું: “તમે આ સ્ત્રીને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સારું કામ કર્યું છે. ૧૧ ગરીબો તો કાયમ તમારી સાથે હશે, પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં. ૧૨ જ્યારે તેણે મારા શરીર પર આ સુગંધી તેલ લગાડ્યું, ત્યારે તેણે મારા દફનની તૈયારી માટે એ કર્યું. ૧૩ હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.” ૧૪ પછી, બારમાંનો એક જે યહુદા ઇસ્કારિયોત કહેવાતો હતો, તે મુખ્ય યાજકો પાસે ગયો ૧૫ અને કહ્યું: “તેમને દગો દઈને તમને સોંપી દઉં તો તમે મને શું આપશો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા આપવાનું નક્કી કર્યું. ૧૬ એટલે, ત્યારથી તે ઈસુને દગો દેવાની સારી તક શોધવા લાગ્યો. ૧૭ બેખમીર રોટલીના તહેવારના પહેલા દિવસે, શિષ્યો ઈસુ પાસે આવીને કહેવા લાગ્યા: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરીએ?” ૧૮ તેમણે કહ્યું: “શહેરમાં ફલાણા-ફલાણાની પાસે જાઓ અને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો નક્કી કરેલો સમય પાસે આવ્યો છે; હું તારા ઘરે મારા શિષ્યો સાથે પાસ્ખાની ઉજવણી કરીશ.”’” ૧૯ તેથી, શિષ્યોએ ઈસુની સૂચના પ્રમાણે કર્યું અને પાસ્ખા માટે તૈયારી કરી.
એપ્રિલ ૯-૧૫
બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૭–૨૮
“જાઓ, શિષ્યો બનાવો—કેમ, ક્યાં અને કઈ રીતે?”
(માથ્થી ૨૮:૧૮) ઈસુ પાસે આવ્યા અને તેઓને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.
‘જાઓ અને શિષ્યો બનાવો’
૪ ઈસુને પોતાના શિષ્યોના મંડળ પર અધિકાર છે. ઈસુ ૧૯૧૪થી યહોવાહના રાજ્યના રાજા પણ બન્યા છે. (કોલોસી ૧:૧૩; પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુ લાખો ને કરોડો સ્વર્ગદૂતોના ઉપરી છે. (૧ થેસ્સાલોનીકી ૪:૧૬; ૧ પીતર ૩:૨૨; પ્રકટીકરણ ૧૯:૧૪-૧૬) જે કોઈ ‘રાજ્યસત્તા તથા અધિકાર તથા પરાક્રમ’ તેમના સાચા સિદ્ધાંતો ન પાળે, તેઓનું શું? યહોવાહે પોતે ઈસુને રજા આપી છે કે તે તેઓનો નાશ કરે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૬; એફેસી ૧:૨૦-૨૩) યહોવાહે ઈસુને ‘જીવતાં તથા મૂએલાંના ન્યાયાધીશ ઠરાવ્યા છે.’ મરણ પામેલાને ફરી જીવન આપવાની શક્તિ પણ તેમને આપવામાં આવી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨; યોહાન ૫:૨૬-૨૮) જેને આટલો બધો અધિકાર હોય, એની આજ્ઞા શું આપણે મહત્ત્વની નહિ ગણીએ? આપણે રાજી-ખુશીથી એ સાંભળીશું અને પાળીશું.
(માથ્થી ૨૮:૧૯) એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો; તેઓને પિતા અને પુત્ર અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો;
nwtsty માથ ૨૮:૧૯ અભ્યાસ માહિતી
શિષ્યો બનાવો: ગ્રીક ક્રિયાપદ મા-થે-તેઊનો (ma·the·teuʹo) અર્થ વિદ્યાર્થી અથવા શિષ્યો બનાવવાના હેતુથી “શીખવવું” થઈ શકે. (માથ ૧૩:૫૨ સરખાવો, જ્યાં આ શબ્દનો “શિક્ષણ” તરીકે અનુવાદ થયો છે.) ક્રિયાપદો “બાપ્તિસ્મા આપો” અને “શીખવો” દર્શાવે છે કે “શિષ્યો બનાવો”ની આજ્ઞામાં શું સમાયેલું છે.
સર્વ દેશના લોકો: “સર્વ દેશ” એનું શાબ્દિક ભાષાંતર છે. પરંતુ સંદર્ભ સૂચવે છે કે આ શબ્દો દરેક દેશોમાંથી આવતા લોકોને દર્શાવે છે. કારણ કે, તેઓને બાપ્તિસ્મા આપો એ શબ્દોમાં “તેઓ” માટેનું ગ્રીક સર્વનામ પુરુષવાચક રૂપમાં હોવાથી એ લોકોને દર્શાવે છે, ‘દેશોʼને નહીં. દેશો માટે ગ્રીક શબ્દ નાન્યતર જાતિમાં છે. “સર્વ દેશોના લોકો” સુધી પહોંચવાની આજ્ઞા નવી હતી. બાઇબલ પ્રમાણે, ઈસુના સેવાકાર્ય પહેલાંના સમયમાં પણ જો કોઈ યહુદી ન હોય પણ યહોવાની ભક્તિ કરવા માટે આવે તો ઇઝરાયેલમાં તેઓને આવકારવામાં આવતા. (૧રા ૮:૪૧-૪૩) જોકે, આ આજ્ઞાથી ઈસુ પોતાના શિષ્યોને યહુદીઓ સિવાયના બીજા લોકોને પણ પ્રચાર કરવાનો આગ્રહ કરે છે, જે શિષ્ય બનાવવાના જગતવ્યાપી કામ પર ભાર મૂકે છે.—માથ ૧૦:૧, ૫-૭; પ્રક ૭:૯; માથ ૨૪:૧૪ પરની અભ્યાસ માહિતી જુઓ.
(માથ્થી ૨૮:૨૦) મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો. અને જુઓ! આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”
nwtsty માથ ૨૮:૨૦ અભ્યાસ માહિતી
તેઓને શીખવો: “શીખવવા માટે” વપરાયેલ ગ્રીક શબ્દમાં સૂચના, સમજણ, દલીલો દ્વારા વસ્તુઓ દર્શાવવી અને સાબિતીઓ આપવાનો સમાવેશ થાય છે. (માથ ૩:૧; ૪:૨૩ પરની અભ્યાસ માહિતી જુઓ.) ઈસુએ જે આજ્ઞાઓ અને શિક્ષણ આપ્યું એ બધું જ પાળવાનું લોકોને શીખવતા રહેવું એક સતત ચાલતું કામ છે, જેમાં ઈસુએ શીખવેલી બાબતો બીજાઓને શીખવવી, તેમના શિક્ષણને જીવનમાં લાગુ પાડવું અને તેમના ઉદાહરણને અનુસરવાનું સમાયેલું છે.—યોહ ૧૩:૧૭; એફે ૪:૨૧; ૧પી ૨:૨૧.
કીમતી રત્નો શોધીએ
(માથ્થી ૨૭:૫૧) અને જુઓ! મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો અને ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા.
nwtsty માથ ૨૭:૫૧ અભ્યાસ માહિતી
પડદો: આ સુંદર રીતે શણગારેલો પડદો પરમપવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી અલગ પાડતો હતો. યહુદી પરંપરા જણાવે છે કે આ ભારે પડદો ૬૦ ફૂટ લાંબો, ૩૦ ફૂટ પહોળો અને ૨.૯ ઈંચ જાડો હતો. પડદાના બે ટુકડા કરીને, યહોવા પોતાના પુત્રના હત્યારાઓ સામે ગુસ્સો વ્યક્ત કરે છે. તેમ જ, તેમણે એમ પણ દર્શાવ્યું કે સ્વર્ગમાં પ્રવેશ હવે શક્ય બન્યો છે.—હિબ્રૂ ૧૦:૧૯, ૨૦; શબ્દસૂચિ જુઓ.
પવિત્ર સ્થાન: અહીં ગ્રીક શબ્દ નાઓસ વચ્ચેની ઇમારતને દર્શાવે છે, જેમાં પવિત્ર સ્થાન અને પરમપવિત્રસ્થાન હતાં.
(માથ્થી ૨૮:૭) જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો કે તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે; જુઓ! તે તમારી આગળ ગાલીલમાં જાય છે. ત્યાં તમે તેમને જોશો. મેં તમને કહ્યું એ યાદ રાખો.””
nwtsty માથ ૨૮:૭ અભ્યાસ માહિતી
તેમના શિષ્યોને કહો કે તેમને ઉઠાડવામાં આવ્યા છે: ઈસુના શિષ્યોમાં આ સ્ત્રીઓને સૌથી પહેલાં કહેવામાં આવ્યું હતું કે ઈસુ સજીવન થયા છે. એટલું જ નહિ, બીજા શિષ્યોને એ ખબર જણાવવાનું પણ તેઓને જ કહેવામાં આવ્યું હતું. (માથ ૨૮:૨, ૫, ૭) શાસ્ત્ર વિરુદ્ધના એક યહૂદી રિવાજ મુજબ, અદાલત સ્ત્રીઓને જુબાની આપવાની પરવાનગી આપતી ન હતી. જ્યારે કે, યહોવાના દૂતે સ્ત્રીઓને આવા આનંદના સમાચાર આપવાની સોંપણી આપીને તેઓ પ્રત્યે આદર બતાવ્યો.
બાઇબલ વાંચન
(માથ્થી ૨૭:૩૮-૫૪) ૩૮ પછી, તેમની સાથે બે લુટારાને વધસ્તંભે ચડાવવામાં આવ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ. ૩૯ ત્યાંથી પસાર થનારાઓ માથા હલાવીને તેમની મશ્કરી કરતા ૪૦ કહેવા લાગ્યા: “તું એ જ છે ને, જે મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં એને બાંધવાનો હતો, તું પોતાને બચાવ! જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે આવ!” ૪૧ એ જ રીતે, શાસ્ત્રીઓ અને વડીલો સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા: ૪૧ “તેણે બીજાઓને બચાવ્યા; પણ, પોતાને બચાવી શકતો નથી! તે ઇઝરાયેલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી નીચે આવે અને અમે તેના પર શ્રદ્ધા મૂકીશું. ૪૩ તેણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો છે; જો ઈશ્વર તેને ચાહતા હોય તો તેને બચાવે, કેમ કે તે કહેતો હતો, ‘હું ઈશ્વરનો દીકરો છું.’” ૪૪ એ જ રીતે, તેમની સાથે વધસ્તંભે ચડાવ્યા હતા એ લુટારા પણ તેમનું અપમાન કરતા હતા.
૪૫ બપોરના બારેક વાગ્યાથી ત્રણેક વાગ્યા સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું. ૪૬ બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એટલે કે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” ૪૭ એ સાંભળીને ત્યાં ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “આ માણસ એલિયાને બોલાવે છે.” ૪૮ તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી, અને લાકડી પર મૂકીને તેમને ચૂસવા માટે આપી. ૪૯ પણ તેઓમાંથી બાકીનાએ કહ્યું: “રહેવા દે! આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ.” ૫૦ ફરીથી ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા. ૫૧ અને જુઓ! મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો અને ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા. ૫૨ કબરો ખૂલી ગઈ અને મરણની ઊંઘમાં હતા એવા ઘણા પવિત્ર લોકોનાં શબ બહાર ફેંકાયાં ૫૩ અને ઘણા લોકોને એ દેખાયા. (ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા પછી, જેઓ કબરો પાસે ગયા હતા તેઓ પવિત્ર શહેરમાં આવ્યા.) ૫૪ પણ લશ્કરી અધિકારી અને એની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઈ બન્યું હતું એ જોયું ત્યારે તેઓ ઘણા ડરી ગયા અને કહ્યું: “ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો.”
એપ્રિલ ૧૬-૨૨
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧–૨
“તારાં પાપ માફ થયાં છે”
(માર્ક ૨:૩-૫) “અને લકવો થયેલા એક માણસને લોકો તેમની પાસે લાવ્યા, જેને ચાર માણસોએ ઊંચક્યો હતો. ૪ પણ, ટોળાને લીધે તેઓ તેને છેક ઈસુ પાસે લઈ જઈ શક્યા નહિ; એટલે, તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાં ઉપરથી છાપરું ખોલ્યું અને જગ્યા કરીને લકવો થયેલા માણસને પથારી સાથે નીચે ઉતાર્યો. ૫ જ્યારે ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈ, ત્યારે તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “દીકરા, તારાં પાપ માફ થયાં છે.”
“તારાં પાપ માફ થયાં છે”
લોકોથી ખીચોખીચ ભરેલા ઘરમાં ઈસુ શીખવતા હતા ત્યારે, ચાર માણસો લકવો થયેલા એક માણસને લઈ આવ્યા. તેઓ ચાહતા હતા કે ઈસુ તેઓના મિત્રને સાજો કરે. પણ, ઘણા લોકો હોવાને લીધે “તેઓ તેને છેક ઈસુ પાસે લઈ જઈ શક્યા નહિ.” (માર્ક ૨:૪) જરા વિચારો, તેઓ કેટલા નિરાશ થયા હશે! પરંતુ, તેઓ ઘરના સપાટ ધાબા પર ચઢી ગયા અને છાપરું ખોલ્યું. પછી તેઓએ લકવો થયેલા માણસને પથારી સાથે નીચે ઘરમાં ઉતાર્યો.
આવી ખલેલથી શું ઈસુ ગુસ્સે થયા? ના, જરાય નહિ. તેઓની શ્રદ્ધા જોઈને ઈસુ ઘણા ખુશ થયા અને લકવો થયેલા માણસને તેમણે કહ્યું, “તારાં પાપ માફ થયાં છે.” (માથ્થી ૯:૨) શું ઈસુ ખરેખર પાપ માફ કરી શકે? શાસ્ત્રીઓ અને ફરોશીઓએ મનોમન વિચાર્યું કે, “આ માણસ આવી રીતે કેમ વાત કરે છે? તે ઈશ્વરની નિંદા કરે છે. ઈશ્વર સિવાય બીજું કોણ પાપ માફ કરી શકે?”—માર્ક ૨:૭.
તેઓના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “તમારા હૃદયોમાં તમે આવું કેમ વિચારો છો? લકવો થયેલા માણસને શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે,’ કે પછી આમ કહેવું, ‘ઊઠ અને તારી પથારી ઉઠાવીને ચાલ’?” (માર્ક ૨:૮, ૯) સમય જતાં ઈસુ જે બલિદાન આપવાના હતા, એના આધારે એ માણસનાં પાપ તે માફ કરી શકતા હતા.
(માર્ક ૨:૬-૧૨) હવે, કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા અને તેઓ મનમાં વિચારતા હતા: ૭ “આ માણસ આવી રીતે કેમ વાત કરે છે? તે ઈશ્વરની નિંદા કરે છે. ઈશ્વર સિવાય બીજું કોણ પાપ માફ કરી શકે?” ૮ પણ, ઈસુ તરત જ સમજી ગયા કે તેઓ આવું વિચારે છે; એટલે, તેમણે તેઓને કહ્યું: “તમારા હૃદયોમાં તમે આવું કેમ વિચારો છો? ૯ લકવો થયેલા માણસને શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે,’ કે પછી આમ કહેવું, ‘ઊઠ અને તારી પથારી ઉઠાવીને ચાલ’? ૧૦ પણ, માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એની તમને ખબર પડે એટલા માટે . . .” તેમણે લકવો થયેલા માણસને કહ્યું: ૧૧ “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.” ૧૨ એટલે, તે ઊભો થયો અને તરત જ પોતાની પથારી ઉપાડી અને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. એથી, તેઓ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “અમે આવું ક્યારેય જોયું નથી!””
nwtsty માર્ક ૨:૯ અભ્યાસ માહિતી
વધારે સહેલું છે: કોઈ માટે એમ કહેવું સહેલું પડે કે તે પાપોને માફ કરી શકે છે, કારણ કે એ દાવાને સાબિત કરવા તેને કોઈ પુરાવો આપવો નહિ પડે. જ્યારે કે, ઈસુ માટે ઊઠ . . .અને ચાલ એમ કહેવું જ પૂરતું ન હતું. એ માટે ઈસુએ ચમત્કાર પણ કરવો પડે, જેથી બધા જોઈ શકે કે તેમની પાસે પાપોને માફ કરવાનો અધિકાર છે. આ અહેવાલ અને યશા ૩૩:૨૪ માણસજાતના પાપને બીમારીઓનું કારણ કહે છે.
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૧:૧૧) અને આકાશવાણી થઈ: “તું મારો વહાલો દીકરો છે; મેં તને પસંદ કર્યો છે.”
nwtsty માર્ક ૧:૧૧ અભ્યાસ માહિતી
આકાશવાણી થઈ: યહોવા મનુષ્યો સાથે સીધેસીધું બોલ્યા હોય એવા અહેવાલો સુવાર્તામાં ત્રણ જગ્યાએ જોવા મળે છે, જેમાંથી સૌપ્રથમ વાર અહીં એનો ઉલ્લેખ થયો છે.—માર્ક ૯:૭; યોહ ૧૨:૨૮.
તું મારો દીકરો છે: ઈસુનો માણસ તરીકે જન્મ થયો એ પહેલાં તે એક સ્વર્ગદૂત તરીકે ઈશ્વરના દીકરા હતા. (યોહ ૩:૧૬) માણસ તરીકે જન્મ્યા પછી પણ ઈસુ શરૂઆતના આદમની જેમ જ સંપૂર્ણ મનુષ્ય હતા અને “ઈશ્વરના દીકરા” હતા. (લુક ૧:૩૫; ૩:૩૮) જોકે, અહીં ઈશ્વરે કરેલી આકાશવાણીના શબ્દો ઈસુની ઓળખ વિશે ઘણું કહે છે. ઈશ્વરે જાહેરમાં આકાશવાણી કરીને તેમજ પવિત્ર શક્તિથી ઈસુનો અભિષેક કરીને કેટલીક બાબતો સૂચવી. તેમણે સૂચવ્યું કે માનવ ઈસુ તેમના એકનાએક દીકરા છે; તેમણે ‘ફરીથી જન્મ લીધો છે,’ એટલે કે તેમને સ્વર્ગના જીવનમાં પાછા ફરવાની આશા છે. (યોહ ૩:૩-૬; ૬:૫૧) ઈશ્વરે એ પણ સૂચવ્યું કે ઈસુને રાજા અને પ્રમુખ યાજક બનાવવા પવિત્ર શક્તિથી અભિષેક કરવામાં આવ્યા છે.—લુક ૧:૩૧-૩૩; હિબ્રૂ ૨:૧૭; ૫:૧, ૪-૧૦; ૭:૧-૩ સરખાવો.
મેં તને પસંદ કર્યો છે: અથવા “હું તારાથી ખુશ છું; હું તારામાં બહુ આનંદ કરું છું.” આવા જ શબ્દોનો ઉપયોગ માથ ૧૨:૧૮માં થયો છે, જે યશા ૪૨:૧માંથી ટાંકવામાં આવ્યા છે અને વચનના મસીહ અથવા ખ્રિસ્ત વિશે છે. ઈસુ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી અને જાહેરમાં ઈશ્વર દ્વારા પોતાના દીકરા હોવાની આકાશવાણી થવી, સ્પષ્ટ બતાવતું હતું કે ઈસુ વચન પ્રમાણે મોકલાયેલા મસીહ છે.—માથ ૩:૧૭; ૧૨:૧૮ પરની અભ્યાસ માહિતી જુઓ.
(માર્ક ૨:૨૭, ૨૮) પછી, તેમણે તેઓને કહ્યું: “સાબ્બાથ લોકો માટે છે, લોકો સાબ્બાથ માટે નથી. ૨૮ તેથી, માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પણ પ્રભુ છે.”
nwtsty માર્ક ૨:૨૮ અભ્યાસ માહિતી
સાબ્બાથના દિવસનો . . . પ્રભુ: આ શબ્દો ઈસુ પોતાના વિશે કહે છે. (માથ ૧૨:૮; લુક ૬:૫) એ બતાવતું હતું કે તેમના સ્વર્ગમાંના પિતાએ જે કામ કરવાની આજ્ઞા આપી છે, એને તે સાબ્બાથના દિવસે પણ કરી શકે એવો તેમને અધિકાર છે. (યોહ ૫:૧૯; ૧૦:૩૭, ૩૮ સરખાવો) ઈસુએ કરેલાં મોટા અને અદ્ભુત ચમત્કારોમાંના કેટલાક તેમણે સાબ્બાથના દિવસોએ કરેલાં, જેમાં બીમારોને સાજા કરવાના ચમત્કારો પણ હતા. (લુક ૧૩:૧૦-૧૩; યોહ ૫:૫-૯; ૯:૧-૧૪) એ દેખીતી રીતે ઝલક આપે છે કે ભાવિમાં રાજા તરીકે ઈસુ શું કરશે અને પૃથ્વી પર લોકો માટે કેવી રાહતનો માહોલ લાવશે. સાબ્બાથના દિવસે લોકો જે શાંતિ અને આરામ અનુભવતા એવું જ લોકો ત્યારે અનુભવશે.—હિબ્રૂ ૧૦:૧.
બાઇબલ વાંચન
(માર્ક ૧:૧-૧૫) ઈશ્વરના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિશે ખુશખબરની શરૂઆત: ૨ પ્રબોધક યશાયાએ લખેલું છે તેમ, “(જો, હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારો રસ્તો તૈયાર કરશે); ૩ કોઈ વેરાન પ્રદેશમાંથી પોકારી રહ્યું છે: ‘યહોવાનો માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’” ૪ યોહાન બાપ્તિસ્મા આપનાર વેરાન પ્રદેશમાં હતો અને પસ્તાવાની નિશાની તરીકે લોકોને બાપ્તિસ્મા લેવાનો પ્રચાર કરવા લાગ્યો, જેથી તેઓનાં પાપોની માફી મળે. ૫ અને યહુદિયાના આખા વિસ્તારમાંથી અને યરૂશાલેમમાંથી બધા રહેવાસીઓ તેની પાસે જવા લાગ્યા. તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાન દ્વારા યરદન નદીમાં બાપ્તિસ્મા લીધું. ૬ યોહાન ઊંટના વાળનાં કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો; તે તીડો અને જંગલી મધ ખાતો. ૭ તે પ્રચાર કરતો કે, “મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે; હું નીચો નમીને તેમના જોડાની દોરી છોડવા પણ યોગ્ય નથી. ૮ મેં તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ તે તમને પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપશે.” ૯ એ દિવસોમાં ઈસુ ગાલીલ પ્રદેશના નાઝરેથ શહેરમાંથી આવ્યા અને યોહાને તેમને યરદન નદીમાં બાપ્તિસ્મા આપ્યું. ૧૦ ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા અને તેમણે આકાશ ઊઘડી ગયેલું જોયું અને પોતાના પર કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ ઊતરી આવતી જોઈ ૧૧ અને આકાશવાણી થઈ: “તું મારો વહાલો દીકરો છે; મેં તને પસંદ કર્યો છે.” ૧૨ તરત જ પવિત્ર શક્તિ તેમને વેરાન પ્રદેશમાં દોરી ગઈ. ૧૩ ઈસુ વેરાન પ્રદેશમાં ૪૦ દિવસ રહ્યા, જ્યાં જંગલી પ્રાણીઓ હતાં અને શેતાને ત્યાં તેમનું પરીક્ષણ કર્યું. પછી, સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી. ૧૪ હવે, યોહાનને પકડવામાં આવ્યા પછી, ઈસુ ગાલીલ ગયા અને ઈશ્વરની ખુશખબર જણાવવા લાગ્યા; ૧૫ તેમણે કહ્યું: “નક્કી કરેલો સમય આવી ગયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને ખુશખબરમાં ભરોસો રાખો.””
એપ્રિલ ૨૩-૨૯
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૩–૪
“સાબ્બાથના દિવસે સાજા કરવું”
(માર્ક ૩:૧, ૨) “ઈસુ ફરીથી એક વાર સભાસ્થાનમાં ગયા અને ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો. ૨ ફરોશીઓ તેમના પર નજર રાખી રહ્યા હતા કે તે સાબ્બાથે માણસને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર આરોપ મૂકી શકે.”
સાબ્બાથે શું કરવું યોગ્ય છે?
બીજા એક સાબ્બાથે ઈસુ સભાસ્થાનમાં ગયા, જે કદાચ ગાલીલનું હતું. ત્યાં તેમણે જમણો હાથ સુકાઈ ગયેલા એક માણસને જોયો. (લુક ૬:૬) શાસ્ત્રીઓ અને ફરોશીઓની નજર ઈસુ પર હતી. શા માટે? તેઓએ પૂછેલા આ સવાલથી તેઓના દિલની વાત બહાર આવી: “શું સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે બરાબર છે?”—માથ્થી ૧૨:૧૦.
યહુદી ધર્મગુરુઓ માનતા કે જો જીવન જોખમમાં હોય, તો જ સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ પ્રમાણે યોગ્ય ગણાય. પણ, જો જીવન જોખમમાં ન હોય, તો સાબ્બાથના દિવસે સાજા કરવું નિયમ વિરુદ્ધ ગણાતું. જેમ કે, હાડકું બેસાડવું અથવા મચકોડાયેલા હાથ-પગ પર પાટો બાંધવો. શાસ્ત્રીઓ અને ફરોશીઓએ ઈસુ સામે એ માટે વાંધો ઉઠાવ્યો ન હતો કે તેઓને દુઃખી માણસની ચિંતા હતી. તેઓ તો ઈસુનો દોષ કાઢવાનો લાગ શોધતા હતા.
(માર્ક ૩:૩, ૪) “ઈસુએ સુકાયેલા હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.” ૪ પછી, તેમણે તેઓને કહ્યું: “નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવન બચાવવું કે મારી નાખવું?” પણ તેઓ ચૂપ રહ્યા.”
સાબ્બાથે શું કરવું યોગ્ય છે?
જોકે, ઈસુ તેઓની આડી-અવળી દલીલો જાણતા હતા. સાબ્બાથના દિવસે કયાં કામોની મનાઈ હતી, એ વિશે તેઓ શાસ્ત્રવચનોનો ખોટો અર્થ કાઢીને હદ બહાર જતા હતા, એ ઈસુ જાણતા હતા. (નિર્ગમન ૨૦:૮-૧૦) ઈસુએ અગાઉ પણ પોતાનાં સારાં કામો માટે ટીકા સહન કરી હતી. હવે, ઈસુએ તેઓને જવાબ આપવા માટે જાણે મંચ તૈયાર કર્યું. સુકાઈ ગયેલા હાથવાળા માણસને તેમણે કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.”—માર્ક ૩:૩.
(માર્ક ૩:૫) ઈસુએ તેઓ પર ગુસ્સે થઈને નજર નાખી અને તેઓનાં હૃદય કઠણ હોવાથી તે ઘણા દુઃખી થયા; તેમણે તે માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” એટલે, તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ સાજો થઈ ગયો.
nwtsty માર્ક ૩:૫ અભ્યાસ માહિતી
ગુસ્સે થઈને તે ઘણા દુઃખી થયા: ફક્ત માર્કે પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે આ બનાવમાં ધર્મગુરુઓ કઠોર હૃદયોથી વર્તે છે ત્યારે, એ જોઈ ઈસુને કેવું લાગે છે. (માથ ૧૨:૧૩; લુક ૬:૧૦) પીતર, જે પોતે ખૂબ લાગણીશીલ વ્યક્તિ હતા, કદાચ તેમણે ઈસુની આ લાગણીઓનું સચોટ વર્ણન કર્યું હોય શકે.—“માર્કની પ્રસ્તાવના” વીડિયો જુઓ.
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૩:૨૯) પરંતુ, જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે તેને ક્યારેય માફ કરવામાં આવશે નહિ, પણ તે સર્વકાળ માટે એ પાપનો દોષિત ઠરશે.”
nwtsty માર્ક ૩:૨૯ અભ્યાસ માહિતી
પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે: પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલવું આવી બાબતોને દર્શાવે છે, જેમ કે, ઈશ્વર અથવા ભક્તિને લગતી પવિત્ર બાબતો વિશે હાનિકારક, બદનામ કરનારી અથવા અપમાનજનક બોલી બોલવી. ઈશ્વર પવિત્ર શક્તિ આપનાર છે, તેથી જાણીજોઈને એના કામનો વિરોધ અથવા નકાર કરવો એ ઈશ્વરની નિંદા કરવા બરાબર છે. માથ ૧૨:૨૪, ૨૮ અને માર્ક ૩:૨૨માં બતાવ્યા પ્રમાણે, યહુદી ધર્મગુરુઓ સાફ જોઈ શકતા હતા કે ઈશ્વરની શક્તિથી ઈસુ ચમત્કારો કરે છે; છતાં, તેઓએ એ શક્તિ શેતાન તરફથી છે એવો દાવો કર્યો.
સર્વકાળ માટેના પાપનો દોષિત: અહીં કદાચ જાણીજોઈને પાપ કરવા વિશે ઉલ્લેખ થયો છે, જેના ખરાબ પરિણામો વ્યક્તિએ કાયમ માટે ભોગવવા પડશે; આવા પાપને ઢાંકવા માટે કોઈ બલિદાન નથી.—પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે પરની અને માથ ૧૨:૩૧ની અભ્યાસ માહિતી જુઓ, જેમાં સરખો અહેવાલ છે.
nwtsty માર્ક ૪:૯ અભ્યાસ માહિતી
કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો: વાવનારનું દૃષ્ટાંત જણાવતા પહેલાં ઈસુએ કહ્યું: “સાંભળો.” (માર્ક ૪:૩) દૃષ્ટાંતને અંતે તેમણે ભારપૂર્વક ઉત્તેજન આપ્યું કે, શિષ્યો તરીકે ઈસુની દરેક સલાહને આપણે ધ્યાનથી સાંભળીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ, એ ખૂબ મહત્ત્વનું છે. આવી જ અમુક સલાહ આ કલમોમાં પણ જોવા મળે છે: માથ ૧૧:૧૫; ૧૩:૯, ૪૩; માર્ક ૪:૨૩; લુક ૮:૮; ૧૪:૩૫; પ્રક ૨:૭, ૧૧, ૧૭, ૨૯; ૩:૬, ૧૩, ૨૨; ૧૩:૯.
(માર્ક ૪:૨૬-૨૯) પછી, તેમણે આગળ કહ્યું: “આમ, ઈશ્વરનું રાજ્ય કોઈ માણસ જમીનમાં બી વાવે એવું છે. ૨૭ તે રાત્રે ઊંઘી જાય છે અને સવારે ઊઠે છે; બીને ફણગો ફૂટે છે અને વધે છે, પણ એ કઈ રીતે થાય છે એ તે જાણતો નથી. ૨૮ જમીન પોતાની મેળે ધીમે ધીમે ફળ આપે છે; પહેલા છોડની દાંડી ફૂટે, પછી કણસલું નીકળે અને આખરે કણસલું દાણાથી ભરાઈ જાય છે. ૨૯ પણ, જેવો પાક તૈયાર થાય કે તરત તે માણસ દાતરડું ફેરવે છે, કેમ કે કાપણીનો સમય આવી ગયો છે.”
શું તમે ‘અર્થ સમજો’ છો?
એ દૃષ્ટાંત આપણને શું શીખવે છે? એ આપણને ત્રણ બાબતો શીખવે છે. પહેલી, આપણા બાઇબલ વિદ્યાર્થી વિશે સ્વીકારવું જોઈએ કે તેની પ્રગતિની ઝડપ આપણા હાથમાં નથી. ખરું કે, આપણે તેને મદદ અને ટેકો આપવા બનતું બધું કરીશું પણ તેને બાપ્તિસ્મા લેવા કદી દબાણ કરીશું નહિ. આપણે નમ્રતાથી સ્વીકારવું જોઈએ કે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય ફક્ત એ વ્યક્તિ જ લઈ શકે છે. સમર્પણ કરવા વ્યક્તિના દિલમાં યહોવા માટે પ્રેમ હોવો જોઈએ. એવા ખરાં દિલથી કરેલા સમર્પણને જ યહોવા સ્વીકારે છે.—ગીત. ૫૧:૧૨; ૫૪:૬; ૧૧૦:૩.
બીજી, દૃષ્ટાંત શીખવે છે કે સાક્ષીકાર્યમાં સારાં પરિણામો તરત ન દેખાય તો નિરાશ ન થવું જોઈએ. આપણે ધીરજ રાખવાની જરૂર છે. (યાકૂ. ૫:૭, ૮) આપણે વિદ્યાર્થીને શીખવવા બનતો પ્રયત્ન કરીએ છીએ. છતાં, જો વ્યક્તિના દિલમાં સત્ય ન ઊતરે તો એમ ન વિચારીએ કે આપણે સારી રીતે શીખવી શકતા નથી. કેમ કે, વ્યક્તિના દિલમાં સત્યના બીજને યહોવા વૃદ્ધિ આપે છે. જો તે વ્યક્તિ નમ્ર હશે તો પોતાના જીવનમાં બદલાણ લાવશે. (માથ. ૧૩:૨૩) તેથી, એવું ન માનીએ કે સારા શિક્ષક બનવા ઘણા લોકોને સત્યમાં લાવવા જ પડશે. યહોવા પણ એ નથી જોતા કે આપણે કેટલા લોકોને સત્યમાં લાવ્યા. યહોવા તો સાક્ષીકાર્યમાં દિલથી કરેલી આપણી મહેનતને જુએ છે.—લુક ૧૦:૧૭-૨૦; ૧ કોરીંથી ૩:૮ વાંચો.
ત્રીજી, વ્યક્તિના દિલમાં થઈ રહેલું બદલાણ હંમેશાં પારખી શકાતું નથી. એક મિશનરી ભાઈ સાથે અભ્યાસ કરતા પતિ-પત્નીનો દાખલો લઈએ. એ યુગલે ભાઈને જણાવ્યું કે તેઓ બાપ્તિસ્મા ન પામેલાં પ્રકાશકો બનવાં ઇચ્છે છે. ભાઈએ તેઓને યાદ અપાવ્યું કે એ પહેલા તેઓએ ધૂમ્રપાનની લત છોડવી પડશે. ભાઈને સાંભળીને નવાઈ લાગી કે તેઓએ અમુક મહિનાઓ અગાઉ એ લત છોડી દીધી છે. યુગલ જાણી ગયું હતું કે યહોવા તેઓને જોઈ શકે છે અને કોઈ પણ ઢોંગ ચલાવી લેતા નથી. તેથી, યુગલે ખાનગીમાં પણ ધૂમ્રપાન કરવાનું છોડી દીધું હતું. તેઓએ નિર્ણય લીધો હતો કે મિશનરી ભાઈ હોય કે ન હોય તેઓ ધૂમ્રપાન કરશે નહિ. યુગલના જીવનમાં આવેલા એ બદલાણની મિશનરી ભાઈને કોઈ જાણ ન હતી. પરંતુ, યહોવા માટે પ્રેમ વધવાને લીધે એ યુગલ યોગ્ય નિર્ણય લઈ શક્યું.
બાઇબલ વાંચન
(માર્ક ૩:૧-૧૯ક) ઈસુ ફરીથી એક વાર સભાસ્થાનમાં ગયા અને ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો. ૨ ફરોશીઓ તેમના પર નજર રાખી રહ્યા હતા કે તે સાબ્બાથે માણસને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર આરોપ મૂકી શકે. ૩ ઈસુએ સુકાયેલા હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.” ૪ પછી, તેમણે તેઓને કહ્યું: “નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવન બચાવવું કે મારી નાખવું?” પણ તેઓ ચૂપ રહ્યા. ૫ ઈસુએ તેઓ પર ગુસ્સે થઈને નજર નાખી અને તેઓનાં હૃદય કઠણ હોવાથી તે ઘણા દુઃખી થયા; તેમણે તે માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” એટલે, તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ સાજો થઈ ગયો. ૬ તેથી, ફરોશીઓ બહાર ગયા અને તરત જ હેરોદીઓ સાથે મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. ૭ પણ, ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાંથી નીકળીને સરોવર તરફ ગયા અને ગાલીલ તથા યહુદિયામાંથી ઘણા બધા લોકો તેમની પાછળ ગયા. ૮ એટલું જ નહિ, ઈસુનાં અનેક કામો વિશે સાંભળીને યરૂશાલેમથી, અદુમથી, યરદન પારથી તથા તૂર અને સિદોનથી મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવ્યા. ૯ પોતે ટોળાના ધસારાથી દબાઈ ન જાય, એ માટે તેમણે એક નાની હોડી તેમના માટે તૈયાર રાખવા પોતાના શિષ્યોને જણાવ્યું. ૧૦ તેમણે ઘણાને સાજા કર્યા હોવાથી, જેઓને ગંભીર બીમારી હતી તેઓ બધા તેમને અડકવા તેમના પર પડાપડી કરતા હતા. ૧૧ એટલે સુધી કે દુષ્ટ દૂત વળગેલા માણસો તેમને જોતા ત્યારે, તેમના પગ આગળ પડીને પોકારી ઊઠતા: “તું ઈશ્વરનો દીકરો છે.” ૧૨ પણ, તેમણે ઘણી વાર તેઓને સખત ચેતવણી આપી કે પોતાના વિશે વાત ન ફેલાવે. ૧૩ તે પહાડ પર ચઢ્યા અને પોતાના શિષ્યોમાંથી કેટલાકને તેમણે બોલાવ્યા અને તેઓ તેમની પાસે ગયા. ૧૪ તેમણે ૧૨ને પસંદ કર્યા, જેઓને પ્રેરિતો નામ પણ આપ્યું; તેઓ તેમની સાથે રહ્યા અને તેમણે તેઓને પ્રચાર કરવા મોકલ્યા ૧૫ અને તેઓને દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર પણ આપ્યો. ૧૬ જે ૧૨ને તેમણે પસંદ કર્યા હતા તેઓ આ હતા: સિમોન, જેને તેમણે પીતર નામ પણ આપ્યું, ૧૭ ઝબદીનો દીકરો યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન (તેમણે તેઓને બોઅનેરગેસ નામ પણ આપ્યું, જેનો અર્થ થાય, “ગર્જનાના દીકરાઓ”), ૧૮ આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની ૧૯ અને યહુદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.
એપ્રિલ ૩૦–મે ૬
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૫-૬
“ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે”
(માર્ક ૫: ૩૮) પછી, તેઓ સભાસ્થાનના અધિકારીના ઘરે આવ્યા અને ઈસુએ જોયું કે શોરબકોર થઈ રહ્યો છે અને લોકો રડારોળ તથા મોટેથી વિલાપ કરી રહ્યા છે.
(માર્ક ૫:૩૯-૪૧) તેમણે અંદર જઈને તેઓને કહ્યું: “તમે શા માટે શોરબકોર અને રડારોળ કરો છો? છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.” ૪૦ એ સાંભળીને તેઓ મશ્કરી કરતા તેમના પર હસવા લાગ્યા. પરંતુ, તેમણે બધાને બહાર મોકલી દીધા અને છોકરીનાં માબાપ તથા પોતાના શિષ્યોને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં અંદર ગયા. ૪૧ પછી, એ છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું: “તલિથા કુમી,” જેનો અનુવાદ આમ થાય: “નાની છોકરી, હું તને કહું છું, ઊઠ!”
nwtsty માર્ક ૫:૩૯ અભ્યાસ માહિતી
મરી નથી ગઈ પણ ઊંઘે છે: ઘણીવાર, બાઇબલમાં મરણને ઊંઘ સાથે સરખાવવામાં આવ્યું છે. (ગી ૧૩:૩; યોહ ૧૧:૧૧-૧૪; પ્રેકા ૭:૬૦; ૧કો ૭:૩૯; ૧૫:૫૧; ૧થે ૪:૧૩) ઈસુ છોકરીને પાછા જીવતી કરવાના હતા, એટલે તેમણે એવું કહ્યું હશે. તે બતાવવા માંગતા હતા કે જેમ લોકોને ભર ઊંઘમાંથી ઉઠાડી શકાય છે, તેમ મરણની ઊંઘમાંથી પણ લોકોને ઉઠાડવામાં આવશે. તે છોકરીને પાછી જીવતી કરવાની શક્તિ ઈસુને તેમના પિતા યહોવા ઈશ્વર તરફથી મળી હતી, “એ ઈશ્વર મરેલાઓને જીવતા કરે છે અને જે વસ્તુઓ નથી, એના વિશે જાણે એ હોય એમ વાત કરે છે.”—રોમનો ૪:૧૭.
(માર્ક ૫:૪૨) અને તરત જ, એ છોકરી ઊઠી અને ચાલવા લાગી. (તે ૧૨ વર્ષની હતી.) એ જોઈને તેઓની ખુશીનો પાર ન રહ્યો.
નાની છોકરી ફરીથી જીવી ઊઠે છે!
ઈસુએ અગાઉ જેઓને સાજા કર્યા હતા, તેઓને એ વિશે લોકોને જણાવવાની મના કરી હતી. તેમણે છોકરીનાં માતાપિતાને પણ એવું જ કહ્યું. તેમ છતાં, હરખ-ઘેલાં માતાપિતાએ અને બીજા લોકોએ આ વાત “એ આખા વિસ્તારમાં” ફેલાવી દીધી. (માથ્થી ૯:૨૬) જો તમે પોતાના સગા-વહાલાને મરણની ઊંઘમાંથી ઉઠાડાતા જુઓ, તો શું તમે પણ એ વિશે ખુશીથી બધાને નહિ જણાવો? ઈસુએ કોઈકને જીવતા કર્યા હોય એવો આ બીજો અહેવાલ છે.
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૫:૧૯, ૨૦) જોકે, ઈસુએ ના પાડીને તેને કહ્યું: “ઘરે તારાં સગાઓ પાસે જા અને યહોવાએ તારા માટે જે કંઈ કર્યું છે અને તારા પર જે દયા બતાવી છે, એ વિશે તેઓને જણાવ.” ૨૦ એ માણસ ગયો અને દકાપોલીસમાં જઈને ઈસુએ તેના માટે જે કંઈ કર્યું હતું, એ જાહેર કરવા લાગ્યો અને બધા લોકો નવાઈ પામ્યા.
nwtsty માર્ક ૫:૧૯ અભ્યાસ માહિતી
તેઓને જણાવ: સામાન્યપણે ઈસુ પોતાના ચમત્કારો વિશે બીજાઓ સામે જાહેરાત કરવાની બધાને મનાઈ કરતા હતા, પણ આ કિસ્સામાં ઈસુએ સાજી થનાર વ્યક્તિને બધી વિગતો તેના સગાંઓને જણાવવાનું કહ્યું. એનું એક કારણ એ હોય શકે કે, એ વિસ્તાર છોડી જવાનું કહેવામાં આવ્યું હોવાથી ઈસુ પોતે તેઓને સાક્ષી આપી શકવાના ન હતા. બીજું કે, ભૂંડોનાં ટોળાના નાશથી જે નુકસાન થયું હતું, એ બદલ લોકોને ખોટા અહેવાલો ફેલાવતા કે વાતનું વતેસર કરતા અટકાવી શકાય.
(માર્ક ૬:૧૧) અને જ્યાં પણ તમારો સ્વીકાર ન થાય કે લોકો તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતી વખતે તેઓને સાક્ષી મળે, એ માટે તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો.”
nwtsty માર્ક ૬:૧૧ અભ્યાસ માહિતી
તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો: એમ કરવું દર્શાવતું હતું કે હવે ઈશ્વર તરફથી જે પરિણામ મળે એ માટે શિષ્યો જવાબદાર નહિ ગણાય. માથ ૧૦:૧૪ અને લુક ૯:૫માં આવા જ શબ્દોનો ઉપયોગ થયો છે. ઉપરાંત, માર્ક અને લુકે એમાં તેઓની વિરુદ્ધ સાક્ષી માટે જેવા શબ્દો ઉમેર્યા છે. પાઊલ અને બાર્નાબાસે પીસીદીઆના અંત્યોખમાં આ સલાહને લાગુ પડી હતી. (પ્રેકા ૧૩:૫૧) એવું જ કંઈક પાઊલે કોરીંથમાં પોતાના કપડાં ખંખેરીને દર્શાવ્યું હતું અને વધુ સ્પષ્ટતા કરવા તેમણે આ શબ્દો વાપર્યા: “તમારું લોહી તમારે માથે. હું નિર્દોષ છું.” (પ્રેકા ૧૮:૬) એવા શબ્દો અને રિવાજથી શિષ્યો કદાચ પહેલેથી વાકેફ હતા. કારણ, બિનયહુદી દેશોમાંથી સફર કરીને આવતા ધર્મચુસ્ત યહુદીઓ યહુદામાં પ્રવેશ કરતા પહેલાં પોતાના ચંપલની ધૂળ ખંખેરતા, જે તેઓના મત પ્રમાણે અશુદ્ધ હતી. જોકે, ઈસુએ જ્યારે શિષ્યોને આ સલાહ આપી ત્યારે દેખીતું છે કે તેમના મનમાં એનો અલગ જ અર્થ હતો.
બાઇબલ વાંચન
(માર્ક ૬:૧-૧૩) “તે ત્યાંથી નીકળીને પોતાના વતનમાં આવ્યા અને તેમના શિષ્યો તેમની સાથે ગયા. ૨ સાબ્બાથનો દિવસ હતો ત્યારે, તે સભાસ્થાનમાં શીખવવા લાગ્યા અને સાંભળનારા લોકોમાંથી મોટા ભાગના નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ પાસે એ બધું આવ્યું ક્યાંથી? તે આ બધું શીખ્યો ક્યાંથી? તેના હાથે આવાં પરાક્રમી કામો કેવી રીતે થાય છે? ૩ એ તો સુથાર છે, શું તે મરિયમનો દીકરો અને યાકૂબ, યુસફ, યહુદા તથા સિમોનનો ભાઈ નથી? અને શું તેની બહેનો આપણી સાથે નથી?” આમ, તેઓ તેમના વિશે ઠોકર ખાવા લાગ્યા. ૪ પણ, ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન, પોતાનાં સગાઓ અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.” ૫ તેથી, તેમણે ત્યાં કોઈ શક્તિશાળી કામો કર્યાં નહિ, ફક્ત અમુક બીમાર લોકો પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. ૬ ખરેખર, તેઓમાં શ્રદ્ધાની ખામી જોઈને તે અચંબો પામ્યા. અને એ વિસ્તારનાં ગામોમાં ફરીને તે શીખવવા લાગ્યા. ૭ હવે, તેમણે બાર પ્રેરિતોને બોલાવ્યા અને તેઓને બે-બેની જોડમાં મોકલવા લાગ્યા અને તતેઓને લોકોમાંથી ખરાબ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો. ૮ ઉપરાંત, તેમણે તેઓને આજ્ઞા આપી કે મુસાફરી માટે એક લાકડી સિવાય બીજું કંઈ ન લો; રોટલી નહિ, ખોરાકની થેલી નહિ, તેઓના કમરબંધમાં નાણું નહિ, ૯ બે કપડાં પહેરવાં નહિ અને ચંપલ પહેરવાં. ૧૦ વધુમાં, તેમણે તેઓને કહ્યું: “જ્યાં તમે કોઈ ઘરમાં જાઓ, ત્યાં એ શહેરમાંથી નીકળતા સુધી રહો. ૧૧ અને જ્યાં પણ તમારો સ્વીકાર ન થાય કે લોકો તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતી વખતે તેઓને સાક્ષી મળે, એ માટે તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો.” ૧૨ પછી, તેઓએ જઈને પ્રચાર કર્યો, જેથી લોકો પસ્તાવો કરે. ૧૩ તેઓએ ઘણા દુષ્ટ દૂતો કાઢ્યા અને ઘણા બીમાર લોકોને તેલ ચોળ્યું તથા સાજા કર્યા.”