વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr22 જાન્યુઆરી પાન ૧-૧૦
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૨
  • મથાળાં
  • જાન્યુઆરી ૩-૯
  • જાન્યુઆરી ૧૦-૧૬
  • જાન્યુઆરી ૧૭-૨૩
  • જાન્યુઆરી ૨૪-૩૦
  • જાન્યુઆરી ૩૧–ફેબ્રુઆરી ૬
  • ફેબ્રુઆરી ૭-૧૩
  • ફેબ્રુઆરી ૧૪-૨૦
  • ફેબ્રુઆરી ૨૧-૨૭
  • ફેબ્રુઆરી ૨૮–માર્ચ ૬
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૨
mwbr22 જાન્યુઆરી પાન ૧-૧૦

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

જાન્યુઆરી ૩-૯

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૧૫-૧૬

“દગો કરવો ખોટું છે”

w૧૨ ૪/૧ ૧૫ ¶૪

વિશ્વાસઘાત છેલ્લા સમયની એક નિશાની

૪ ચાલો પહેલા દગાબાજ દલીલાનો વિચાર કરીએ. શામશૂન તેના પ્રેમમાં હતા, તોપણ દલીલાએ તેમને દગો દીધો. કેવી રીતે? શામશૂન ઈશ્વરના લોકો વતી પલિસ્તીઓ સામે લડવા માંગતા હતા. પલિસ્તીઓના પાંચ અધિકારીઓને જાણ થઈ કે દલીલા નામની સ્ત્રી શામશૂનને પ્રેમ કરવાનો ઢોંગ કરે છે. એટલે તેઓએ શામશૂનના બળનું રહસ્ય શોધી કાઢવા માટે દલીલાને મોટી લાલચ આપી. તેઓ શામશૂનને મારી નાખવા ચાહતા હતા. દગાબાજ દલીલાએ તેઓની લાલચ સ્વીકારી લીધી. તેણે શામશૂનની તાકાતનું રહસ્ય જાણવા પ્રયાસ કર્યો, પણ ત્રણ વાર નિષ્ફળ ગઈ. પછી, ‘તેણે પોતાની બોલી વડે શામશૂનને દરરોજ આગ્રહ કર્યો.’ છેવટે, શામશૂનનો ‘જીવ મરણતોલ અકળાયો’ અને તેમણે દલીલાને પોતાનું રહસ્ય કહી દીધું: ‘જો મારા વાળ કાપી નાંખવામાં આવે તો મારી શક્તિ જતી રહેશે.’ એ જાણ્યા પછી, શામશૂન એક વાર દલીલાના ખોળામાં માથું નાંખીને ઊંઘતા હતા, ત્યારે દલીલાએ તેમના વાળ કપાવી નાખ્યા. પછી તેણે શામશૂનને દુશ્મનોના હાથમાં સોંપી દીધા. (ન્યા. ૧૬:૪, ૫, ૧૫-૨૧) તેણે કેટલો મોટો દગો કર્યો! લોભને કારણે દલીલાએ તેના પ્રેમીને દગો દીધો.

w૦૫ ૧/૧૫ ૨૭ ¶૫

ન્યાયાધીશોના મુખ્ય વિચારો

૧૪:૧૬, ૧૭; ૧૬:૧૬. વારંવાર રડીને અને કચકચ કરીને બીજા પર દબાણ લાવવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.—નીતિવચનો ૧૯:૧૩; ૨૧:૧૯.

w૧૨ ૪/૧ ૧૭-૧૮ ¶૧૫-૧૬

વિશ્વાસઘાત છેલ્લા સમયની એક નિશાની

૧૫ જેઓ પરિણીત છે, તેઓ કઈ રીતે પોતાના સાથી જોડે હંમેશા વિશ્વાસુ રહી શકે? બાઇબલ જણાવે છે: “તારી જુવાનીની પત્નીમાં [અથવા પતિમાં] આનંદ માન.” તેમ જ, પોતાના જીવનસાથી ‘જેને તું પ્રેમ કરે છે, તેની સાથે તારી જિંદગી’ પસાર કર. (નીતિ. ૫:૧૮; સભા. ૯:૯) જેમ જેમ ઉંમર વધે, તેમ તેમ પતિ-પત્નીએ એકબીજાની તન-મનની જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહિ. એકબીજાની સંભાળ રાખો. સાથે સમય પસાર કરો અને એકબીજાના દિલની નજીક રહો. પોતાનું લગ્‍ન ટકાવી રાખો અને યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવતા રહો. એ માટે સાથે બાઇબલનો અભ્યાસ કરો. નિયમિત રીતે પ્રચારમાં સાથે કામ કરો. તેમ જ, યહોવાના આશીર્વાદો માંગવા સાથે પ્રાર્થના કરો.

યહોવાને વિશ્વાસુ રહો

૧૬ એવા કેટલાક ભાઈ-બહેનો છે, જેઓએ ગંભીર પાપ કર્યા છે. એટલે તેઓને ‘સખત રીતે ધમકાવામાં આવ્યા, જેથી તેઓ વિશ્વાસમાં દૃઢ બને.’ (તીત. ૧:૧૩, ૧૪) પણ અમુકના વલણ એવા હતા કે તેઓને મંડળમાંથી કાઢવાં પડ્યાં છે. જેઓ એ “શિક્ષા”માંથી શીખ્યા છે, તેઓને ફરીથી ઈશ્વરની શુદ્ધ રીતે ભક્તિ કરવા મદદ મળી છે. (હિબ્રૂ ૧૨:૧૧) જો આપણા કોઈ નજીકના મિત્ર કે સગાંને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે, તો શું કરવું જોઈએ? એવા સમયે આપણે કોને વિશ્વાસુ રહીશું, એ વ્યક્તિને કે યહોવાને? યહોવાએ આજ્ઞા આપી છે કે કોઈ પણ બહિષ્કૃત વ્યક્તિ સાથે સંબંધ રાખવો નહિ. યહોવા જુએ છે કે આપણે તેમના નિયમો પાળીએ છીએ કે નહિ.—૧ કોરીંથી ૫: ૧૧-૧૩ વાંચો.

કીમતી રત્નો

w૦૫ ૩/૧૫ ૨૭ ¶૬

યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત

શામશૂને પછી પલિસ્તીઓ સામે લડવા પાક્કો ઇરાદો કર્યો. યહોવાહના દુશ્મનો સામે લડવા તે ગાઝાહમાં એક વેશ્યાને ઘરે રોકાયો. શું વેશ્યા સાથે મોજ માણવા રોકાયો? ના. એવો કોઈ ખરાબ વિચાર તેના મનમાં ન હતો. દુશ્મનોના શહેરમાં એક રાત કાઢવા તેણે વેશ્યાના ઘરે ઉતારો કર્યો. પછી મધરાતે ઊઠીને શામશૂને નગરના દરવાજાનાં કમાડ તથા બન્‍ને બારસાખો પકડીને ભૂંગળસહિત ખેંચી કાઢ્યા, ને એને ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો. એ ગાઝાથી કંઈક ૬૦ કિલોમીટર દૂર હતું. તોપણ અશક્ય લાગતું આ કામ તે પરમેશ્વરની શક્તિથી કરી શક્યો.—ન્યાયાધીશો ૧૬:૧-૩.

જાન્યુઆરી ૧૦-૧૬

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૧૭-૧૯

“ઈશ્વરની આજ્ઞા ન પાળવાથી આવતી મુશ્કેલીઓ”

it-૨-E ૩૯૦-૩૯૧

મીખાહ

૧. મીખાહ એફ્રાઈમ કુળના હતા. તેણે પોતાની માના પૈસા ચોરી લીધા. પણ પછી એ પૈસા પોતાની માને પાછા આપી દીધા. તેની માએ ૨૦૦ ટુકડા સોનીને આપ્યા. સોનીએ એમાંથી ‘એક કોતરેલી મૂર્તિ અને એક ધાતુની મૂર્તિ બનાવી,’ જે મીખાહના ઘરમાં મૂકવામાં આવી હતી. તેના ઘરમાં “એક મંદિર હતું.” તેણે એક એફોદ બનાવ્યો અને કુળદેવીઓની મૂર્તિઓ બનાવી. તેણે પોતાના એક દીકરાને યાજક બનાવ્યો. મીખાહ અને તેના કુટુંબનું માનવું હતું કે યહોવાને મહિમા આપવા માટે આ બધું કર્યું છે. પણ ખરું કહીએ તો, એ તેઓની મોટી ભૂલ હતી. યહોવાએ આપેલા નિયમની તેણે અવગણના કરી. નિયમમાં લખેલું હતું કે મૂર્તિપૂજા ન કરવી. (નિર્ગ ૨૦:૪-૬) તેણે મંડપ અને યાજકપદની પણ અવગણના કરી (ન્યા ૧૭:૧-૬; પુન ૧૨:૧-૧૪) પછી મીખાહે યોનાથાન નામના લેવીને યાજક બનાવ્યો. મીખાહ એનાથી બહુ ખુશ હતો. તેણે કહ્યું કે હવે “યહોવા ચોક્કસ મારું ભલું કરશે.” (ન્યા ૧૭:૭-૧૩; ૧૮:૪) પણ એમ માનવું એ તેની મોટી ભૂલ હતી. એ યુવાન લેવી મૂસાના દીકરા ગેર્શોમનો વંશજ હતો, નહિ કે હારુનના કુળમાંથી. એ કારણથી મીખાહે એક ભૂલ કરી હતી, સાથે સાથે તેણે બીજી ભૂલ પણ કરી. એ હતી કે તેણે યોનાથાનને યાજક બનાવ્યો.—ન્યા ૧૮:૩૦; ગણ ૩:૧૦.

it-૨-E ૩૯૧ ¶૨

મીખાહ

થોડા સમય પછી મીખાહ અને તેના માણસોએ દાનીઓનો પીછો કર્યો અને પછી તેઓ દાનીઓ પાસે પહોંચી ગયા. તેઓએ મીખાહને પૂછ્યું: “શું થયું?” મીખાહે કહ્યું: “મેં બનાવેલા દેવો તમે લઈ ગયા, મારા યાજકને પણ લઈ ગયા! હવે મારી પાસે કંઈ રહ્યું નથી.” એ સાંભળીને દાનીઓએ ધમકી આપી કે જો મીખાહ અને તેના માણસો તેઓની પાછળ આવશે અથવા ખોટી ફરિયાદ કરશે, તો દાનીઓ તેઓને મારી નાખશે. દાનીઓ બળવાન હોવાથી મીખાહ ચુપચાપ પોતાના ઘરે પાછો જતો રહ્યો.—ન્યા ૧૮:૨૨-૨૬.

કીમતી રત્નો

w૧૫ ૧૨/૧૫ ૧૦ ¶૬

બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો

૬ આજે, એવા ઘણા પુરાવા મળી રહે છે, જે બતાવે છે કે આપણે ઈશ્વરના નામનો ઉપયોગ કરવો જ જોઈએ. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિમાં ઈશ્વરનું નામ ૭,૨૧૬ વખત જોવા મળે છે. સાલ ૧૯૮૪ની આવૃત્તિ કરતાં ૨૦૧૩ની આવૃત્તિમાં વધુ ૬ જગ્યાઓએ ઈશ્વરનું નામ મૂકવામાં આવ્યું છે. એમાંની પાંચ જગ્યાએ ઈશ્વરનું નામ મૂકવાનું કારણ છે કે, હાલમાં બહાર પાડવામાં આવેલા મૃત સરોવરના વીંટાઓમાં એ જગ્યાઓએ ઈશ્વરનું નામ જોવા મળ્યું છે. એ નામ પહેલો શમૂએલ ૨:૨૫; ૬:૩; ૧૦:૨૬; ૨૩:૧૪, ૧૬ની કલમોમાં જોવા મળ્યું છે. ઉપરાંત, બાઇબલની પ્રાચીન હસ્તપ્રતો પર વધુ અભ્યાસ પછી જોવા મળ્યું કે ન્યાયાધીશો ૧૯:૧૮માં પણ ઈશ્વરનું નામ છે. તેથી, એ કલમમાં પણ ઈશ્વરનું નામ મૂકવામાં આવ્યું છે.

જાન્યુઆરી ૧૭-૨૩

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૨૦-૨૧

“હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ”

w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૨

શું તમે ફીનહાસની જેમ મુશ્કેલીઓનો સામનો કરશો?

બિન્યામીન કુળના ગિબયાહના પુરુષોએ એક લેવીની ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તેને મારી નાખી. એટલે બાકીના કુળો બિન્યામીનના માણસો વિરુદ્ધ લડવા તૈયાર થઈ ગયા. (ન્યા. ૨૦:૧-૧૧) લડવા જતાં પહેલાં તેઓએ યહોવાને પ્રાર્થના કરી હતી, છતાં તેઓ બે વાર હારી ગયા અને ભારે નુકસાન વેઠવું પડ્યું. (ન્યા. ૨૦:૧૪-૨૫) શું તેઓએ એવું માની લીધું કે યહોવાને પ્રાર્થના કરવાનો કોઈ મતલબ ન હતો? શું યહોવા એવું ચાહતા હતા કે તેઓ ખોટાં કામો સામે કંઈ પગલાં ન ભરે?

w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૪

શું તમે ફીનહાસની જેમ મુશ્કેલીઓનો સામનો કરશો?

આ બનાવમાંથી આપણને શું શીખવા મળે છે? અમુક વખત મંડળમાં એવું બને કે કોઈક મુશ્કેલી ઊભી થાય જે જલદીથી થાળે ન પડે. વડીલો ખૂબ જ પ્રાર્થના કરે અને એ દૂર કરવા સખત પ્રયત્ન કરે, તોપણ એ મુશ્કેલી જલદી દૂર થતી નથી. એવા સમયે વડીલોએ ઈસુના આ શબ્દો યાદ રાખવા જોઈએ: “માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.” (લૂક ૧૧:૯) જો કોઈ વખત એવું બને કે તમારી પ્રાર્થનાનો જવાબ જલદી ન મળે, તો હિંમત ન હારશો. યહોવા તેમના સમયે એનો જવાબ જરૂર આપશે.

કીમતી રત્નો

w૧૪-E ૫/૧ ૧૧ ¶૪-૬

શું તમે જાણો છો?

જૂના જમાનામાં ગોફણનો યુદ્ધમાં કઈ રીતે ઉપયોગ થતો હતો?

દાઉદે કદાવર ગોલ્યાથને ગોફણથી મારી નાખ્યો. દાઉદ ઘેટાં ચરાવવાનું કામ કરતાં હતાં ત્યારે, ગોફણ ચલાવતાં શીખ્યા હશે.—૧ શમુએલ ૧૭:૪૦-૫૦.

મધ્ય-પૂર્વના દેશોમાં વિદ્વાનોને ખોદકામથી ગોફણના પથ્થરો મળી આવ્યા. એ પથ્થરો પ્રાચીન સમયના યુદ્ધમાં વપરાયેલા હતા. ગોફણમાં પથ્થર મૂકીને એને માથા ઉપર ઝડપથી ફેરવવામાં આવતી. પછી એની એક દોરી છોડી દેવામાં આવતી. એટલે પથ્થર ૧૬૦-૨૪૦ કિલોમીટરની ઝડપે જતો. વિદ્વાનો એ જાણતા નથી કે ગોફણના પથ્થરની ઝડપ તીરના ઝડપ જેટલી હતી કે કેમ. પણ એ વાત તો નક્કી છે કે ગોફણ તીર જેટલી જ ખતરનાક હતી.—ન્યાયાધીશો ૨૦:૧૬.

જાન્યુઆરી ૨૪-૩૦

બાઇબલમાં રહેલો ખજાનો | રૂથ ૧-૨

“અતૂટ પ્રેમ બતાવીએ”

w૧૬.૦૨ ૧૪ ¶૫

યહોવાના ગાઢ મિત્રોને અનુસરો

૫ રૂથનું પીયર મોઆબ દેશમાં છે. તે ચાહે તો પોતાના લોકો પાસે પાછી જઈ શકે છે. તેઓ ખુશી ખુશી તેની સંભાળ રાખશે. ઉપરાંત, તે મોઆબનાં લોકો, ત્યાંની ભાષા અને સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે. જ્યારે કે, નાઓમી રૂથને એવું કોઈ વચન આપી શકતી નથી કે તેને એ બધું બેથલેહેમમાં પણ મળશે. અરે, નાઓમીને એ પણ ચિંતા છે કે પોતે રૂથ માટે બીજો પતિ કે ઠામઠેકાણું શોધી આપી શકશે કે કેમ. તેથી, તે રૂથને મોઆબ પાછી જવા કહે છે. હવે, રૂથ શો નિર્ણય લેશે? ઓર્પાહ “પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાઓની પાસે પાછી ગઈ” છે. (રૂથ ૧:૯-૧૫) શું રૂથ પણ એમ કરશે? ના, તે નક્કી કરે છે કે તે પોતાના લોકો અને તેઓના જૂઠા દેવો પાસે પાછી નહિ જાય!

w૧૬.૦૨ ૧૪ ¶૬

યહોવાના ગાઢ મિત્રોને અનુસરો

૬ રૂથને કદાચ પોતાના પતિ અથવા સાસુ નાઓમી પાસેથી યહોવા વિશે શીખવા મળ્યું હતું. તે સમજી શકી કે યહોવા કંઈ મોઆબના દેવો જેવા નથી. તે યહોવાને પ્રેમ કરતી હતી. તે જાણતી હતી કે ફક્ત યહોવા જ તેના પ્રેમ અને ભક્તિના હકદાર છે. તેથી, રૂથે એક સમજદારીભર્યો નિર્ણય લીધો. તેણે નાઓમીને કહ્યું: “તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે.” (રૂથ ૧:૧૬) ખરું કે, નાઓમી માટેનો રૂથનો પ્રેમ આપણા દિલને સ્પર્શી જાય છે! જોકે, એનાથી પણ વધુ નોંધપાત્ર તો યહોવા માટેનો તેનો પ્રેમ છે. એવો પ્રેમ જોઈને બોઆઝ પણ પ્રભાવિત થયા હતા. તેમણે રૂથના વખાણ કરતા કહ્યું હતું: “ઈશ્વર યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે.” (રૂથ ૨:૧૨ વાંચો.) બોઆઝના એ શબ્દો કદાચ આપણા મનમાં પંખીના એવા બચ્ચાનું ચિત્ર ઊભું કરે, જે પોતાની માની પાંખો તળે આશરો લે છે. (ગીત. ૩૬:૭; ૯૧:૧-૪) એવી જ રીતે, રૂથે યહોવાને પોતાનો આશરો બનાવ્યો. એટલે યહોવાએ તેને પ્રેમભર્યું રક્ષણ પૂરું પાડ્યું, તેની શ્રદ્ધાનું ઇનામ આપ્યું. રૂથને પોતાના નિર્ણયનો જરાય ખેદ ન થયો.

કીમતી રત્નો

w૦૫ ૩/૧ ૨૭ ¶૨

રૂથ પુસ્તકના મુખ્ય વિચારો

૧:૧૩, ૨૧–શું યહોવાહે નાઓમીનું જીવન કડવું કર્યું હતું? ના. નાઓમીએ ઈશ્વરને કંઈ દોષ આપ્યો ન હતો. તેના જીવનમાં જે કંઈ બન્યું એનાથી તેને એમ લાગ્યું કે યહોવાહ તેનાથી નારાજ થઈ ગયા છે. તે દુઃખી થઈ ગઈ ને હવે શું કરવું એની તેને ખબર પડતી ન હતી. એ જમાનામાં માની કૂખ કોરી રહે તો એને શાપ ગણતા. ખોળે બાળકો રમે એને આશીર્વાદ ગણવામાં આવતા હતા. નાઓમીની બંને વહુની કૂખ કોરી હતી. બંને દીકરા પણ મોતની સોડમાં સૂઈ ગયા હતા. આ દાઝ્યા પર ડામ નહિ તો બીજું શું! તેથી નાઓમીને થયું કે યહોવાહે તેની સામું જોયું નથી!

જાન્યુઆરી ૩૧–ફેબ્રુઆરી ૬

બાઇબલમાં રહેલો ખજાનો | રૂથ ૩-૪

“સારું નામ બનાવીએ”

ia ૪૭ ¶૧૮

“સદ્‍ગુણી સ્ત્રી”

૧૮ બોઆઝ બોલ્યા અને તેમના ધીમા, રાહત આપતા અવાજથી રૂથને દિલાસો મળ્યો હશે. તેમણે કહ્યું: “મારી દીકરી, તું યહોવાથી આશીર્વાદિત હો; પ્રથમના કરતાં છેવટે તેં અધિક માયા બતાવી છે, કેમ કે ગરીબ કે તવંગર જુવાનિયાની પાછળ તું ગઈ નહિ.” (રૂથ ૩:૧૦) “પ્રથમના કરતાં” શબ્દો રૂથનો એ અતૂટ પ્રેમ બતાવતા હતા, જેના લીધે તે નાઓમી સાથે ઇઝરાયેલ આવી અને તેની સંભાળ રાખી. “છેવટે” શબ્દ હમણાંનો બનાવ બતાવતો હતો. બોઆઝે જોયું કે રૂથ જેવી યુવતી આસાનીથી યુવાન પતિ શોધી શકતી હતી, ભલે તે ધનવાન હોય કે ગરીબ. પણ રૂથે એમ ન કર્યું. તે નાઓમીનું જ નહિ, નાઓમીના ગુજરી ગયેલા પતિનું પણ ભલું ચાહતી હતી, જેથી તેમના વતનમાં તેમનું નામ કાયમ રહે. રૂથ જરાય સ્વાર્થી ન હતી, જેની બોઆઝ પર ઘણી અસર પડી.

ia ૪૮ ¶૨૧

“સદ્‍ગુણી સ્ત્રી”

૨૧ બોઆઝે કહેલી વાતો પર વિચાર કરવાથી રૂથને કેટલો સંતોષ મળ્યો હશે! તેમણે કહ્યું કે રૂથ બધા લોકોમાં “સદ્‍ગુણી સ્ત્રી” તરીકે જાણીતી હતી! એમાં કોઈ શંકા નથી કે યહોવાને સારી રીતે જાણવા અને તેમની ભક્તિ કરવાની ધગશને લીધે તેને એવી શાખ મળી હતી. તેણે નાઓમી અને તેના લોકો માટે ઘણી માયા બતાવી અને સમજી-વિચારીને વર્તી. રૂથ જે રીતરિવાજોથી અજાણ હતી, એ પ્રમાણે જીવવા ખુશીથી તૈયાર હતી. જો રૂથની શ્રદ્ધાને પગલે ચાલીશું, તો આપણે બીજાઓને અને તેઓના રિવાજોને માન આપીશું. જો એમ કરીશું તો આપણે પણ સારી શાખ બનાવી શકીશું.

ia ૫૦ ¶૨૫

“સદ્‍ગુણી સ્ત્રી”

૨૫ બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યા. પછી, આપણે વાંચીએ છીએ: “યહોવાની કૃપાથી તેને દહાડા રહ્યા, ને તેને પુત્રનો પ્રસવ થયો.” બેથલેહેમની સ્ત્રીઓએ નાઓમીને આશીર્વાદ આપ્યા. તેઓએ રૂથના વખાણ કર્યા કે નાઓમી માટે તે સાત દીકરાઓ કરતાં પણ વધારે સારી હતી. પછીથી આપણને જાણવા મળે છે કે રૂથનો દીકરો મહાન રાજા દાઊદનો પૂર્વજ બન્યો. (રૂથ ૪:૧૧-૨૨) દાઊદ તો ઈસુ ખ્રિસ્તના પૂર્વજ બન્યા.—માથ. ૧:૧.

કીમતી રત્નો

w૦૫ ૩/૧ ૨૯ ¶૩

રૂથ પુસ્તકના મુખ્ય વિચારો

૪:૬–કઈ રીતે નજીકનો સગો જમીન ખરીદવાથી પોતાના વતનને “ખલેલ” અથવા ખોટ પહોંચાડી શકે? ગરીબાઈને લીધે જો કોઈને પોતાની જમીન વેચી દેવી પડી હોય તો નજીકના સગાંએ એને પાછી ખરીદવી પડે. એ યહોવાહે આપેલા નિયમ પ્રમાણે ભાવ આપીને ખરીદવી પડે. એ ભાવની ગણતરી કઈ રીતે કરવી એને લગતો નિયમ યહોવાહે આપ્યો હતો. (લેવીય ૨૫:૨૫-૨૭) આમ કરવાથી ખરીદનાર ખોટમાં જાય. તેમ જ, જો તે રૂથ સાથે લગ્‍ન કરે ને ઘરે દીકરો જનમે તો એ જમીન ખરીદનારના સગાંવહાલાંને નામે નહિ પણ તેના દીકરાને નામે થઈ જાય.

ફેબ્રુઆરી ૭-૧૩

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ શમુએલ ૧-૨

“દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરો”

ia ૫૫ ¶૧૨

તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું

૧૨ આમ, પ્રાર્થના વિશે હાન્‍નાએ બધા જ ઈશ્વરભક્તો માટે સારો દાખલો બેસાડ્યો છે. યહોવા પોતાના લોકોને પ્રેમથી અરજ કરે છે કે જેમ એક બાળક પોતાનાં પ્રેમાળ માતા-પિતામાં પૂરો ભરોસો મૂકે છે, તેમ તેઓ પણ કરે; ખુલ્લા દિલે તેમની સાથે વાત કરે; જરાય અચકાયા વગર પોતાની બધી ચિંતાઓ તેમને જણાવે. (ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭ વાંચો.) યહોવાને પ્રાર્થના કરવા વિશે પ્રેરિત પીતરને આ દિલાસો આપતા શબ્દો લખવાની પ્રેરણા મળી હતી: “તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીત. ૫:૭.

ia ૫૬ ¶૧૫

તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું

૧૫ હાન્‍નાએ મંદિરમાં યહોવા આગળ હૈયું ઠાલવ્યું અને તેમની ભક્તિ કરી, એની તેના પર કેવી અસર પડી? બાઇબલ જણાવે છે: “તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ ઉદાસરહ્યું નહિ.” (૧ શમૂ. ૧:૧૮) હાન્‍નાનું મન હળવું થઈ ગયું. તેણે જાણે પોતાની લાગણીનો ભારે બોજો પોતાના કરતાં અનેક ગણા શક્તિશાળી પિતા યહોવા પર નાખી દીધો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨ વાંચો.) શું યહોવાની નજરે કોઈ તકલીફ મોટી હોય શકે? ના. એવું થયું નથી અને કદી થશે પણ નહિ!

કીમતી રત્નો

w૦૫ ૩/૧૫ ૨૧ ¶૫

પહેલા શમૂએલના મુખ્ય વિચારો

૨:૧૦—હાન્‍નાહે શા માટે પ્રાર્થનામાં યહોવાહને “પોતાના રાજાને બળ” આપવાનું કહ્યું જ્યારે કે એ વખતે ઈસ્રાએલમાં તો કોઈ રાજા ન હતા? મુસાના નિયમમાં લખ્યું હતું કે ઈસ્રાએલમાં રાજા આવશે. (પુનર્નિયમ ૧૭:૧૪-૧૮) યાકૂબ ગુજરી ગયા એ પહેલા ભવિષ્યવાણી કરી કે, “શીલોહ નહિ આવે ત્યાં સુધી યહુદાહમાંથી રાજદંડ ખસશે નહિ.” (ઉત્પત્તિ ૪૯:૧૦) સારાહ વિષે યહોવાહે કહ્યું હતું કે, “તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.” (ઉત્પત્તિ ૧૭:૧૬) આથી, હાન્‍નાહે પ્રાર્થના કરી એ તો ભવિષ્યમાં આવનાર રાજા વિષે હતી.

ફેબ્રુઆરી ૧૪-૨૦

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ શમુએલ ૩-૫

“યહોવા આપણી લાગણી સમજે છે”

w૧૮.૦૯ ૨૪ ¶૩

વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે

૩ શમૂએલ નાના હતા ત્યારથી જ તે મંડપમાં કામ કરતા હતા. (૧ શમૂ. ૩:૧) એક રાતે તે સૂઈ ગયા ત્યારે કંઈક અજુગતું બન્યું. (૧ શમૂએલ ૩:૨-૧૦ વાંચો.) તેમને લાગ્યું કે કોઈ તેમને નામથી બોલાવી રહ્યું છે. શમૂએલને થયું કે પ્રમુખ યાજક એલી તેમને બોલાવી રહ્યા છે. એટલે તે દોડીને તેમની પાસે ગયા અને કહ્યું: ‘હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.’ પરંતુ, એલીએ જણાવ્યું કે ‘મેં તને બોલાવ્યો નથી.’ એવું બીજી બે વખત થયું, પછી એલીને સમજાયું કે શમૂએલને બોલાવનાર તો ઈશ્વર છે. એટલે ફરી એવું થાય ત્યારે શું બોલવું એ વિશે એલીએ શમૂએલને જણાવ્યું. શમૂએલે એવું જ કર્યું. યહોવાએ શરૂઆતમાં શમૂએલને જણાવ્યું નહિ કે પોતે બોલાવી રહ્યા છે. શા માટે યહોવાએ એવું કર્યું? બાઇબલ એ વિશે કંઈ જણાવતું નથી. પણ બની શકે કે યહોવા શમૂએલની લાગણીઓનો વિચાર કરીને એ રીતે વર્ત્યા હોઈ શકે.

w૧૮.૦૯ ૨૪ ¶૪

વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે

૪ ૧ શમૂએલ ૩:૧૧-૧૮ વાંચો. યહોવાના નિયમશાસ્ત્રમાં બાળકો માટે આજ્ઞા હતી કે તેઓએ વૃદ્ધ લોકોનો આદર કરવો જોઈએ, ખાસ કરીને જેઓ પાસે અધિકાર હોય. (નિર્ગ. ૨૨:૨૮; લેવી. ૧૯:૩૨) એટલે સમજી શકાય કે, સવારે એલી પાસે જઈને ડર્યા વગર ઈશ્વરનો કડક ન્યાયચુકાદો જણાવવો યુવાન શમૂએલ માટે કેટલું અઘરું હતું. બાઇબલ જણાવે છે કે ‘એલીને સંદર્શન જણાવતાં શમૂએલ ગભરાયો.’ પરંતુ, ઈશ્વરે એ રીતે બાબતો હાથ ધરી, જેથી એલીને ખબર પડે કે ઈશ્વર શમૂએલને બોલાવી રહ્યા છે. એટલે, એલીએ શમૂએલને આજ્ઞા કરી કે ઈશ્વરે કહેલી કોઈ પણ વાત છુપાવે નહિ. શમૂએલે એલીની વાત માની અને ‘એ સર્વ વાત તેમને કહી.’

કીમતી રત્નો

w૦૫ ૩/૧૫ ૨૧ ¶૬

પહેલા શમૂએલના મુખ્ય વિચારો

૩:૩—શું શમૂએલ મંદિરની પરમપવિત્ર જગ્યાએ સૂતો હતો? ના. શમૂએલ લેવીય હતો પણ યાજક કૂળનો ન હતો. તે કહાથી હતો. (૧ કાળવૃત્તાંત ૬:૩૩-૩૮) તેથી તેને ‘પરમપવિત્ર વસ્તુઓને જોવાને એક પળ પણ અંદર ન’ જવાની આજ્ઞા આપી હતી. (ગણના ૪:૧૭-૨૦) શમૂએલ ફક્ત મંડપના આંગણામાં જ જઈ શક્તો હતો. તે એલીની સાથે ત્યાં જ સૂતો હોય શકે. “જ્યાં ઈશ્વરનો કરાર કોષ” રાખવામાં આવે છે એ મંદિરના વિસ્તારને લાગુ પડે છે.

ફેબ્રુઆરી ૨૧-૨૭

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ શમુએલ ૬-૮

“તમારા રાજા કોણ છે?”

it-૨-E ૧૬૩ ¶૧

ઈશ્વરનું રાજ્ય

ઇઝરાયેલીઓએ રાજાની માંગ કરી. ઇઝરાયેલીઓ ચાહતા હતા કે બીજા દેશોની જેમ તેઓનો પણ એક રાજા હોય. એટલે તેઓએ રાજાની માંગ કરી. ઇઝરાયેલીઓ યહોવાને જોઈ શક્તા ન હતા એટલે યહોવાનો રાજા તરીકે નકાર કર્યો. (૧શ ૮:૪-૮) યહોવાએ વચન આપ્યું હતું કે તે પાતાનું રાજ્ય લાવશે, ખરું ને! તેમણે ઇબ્રાહિમ અને યાકૂબને એ વચન આપ્યું હતું. યાકૂબે મરણ પહેલાં યહૂદા વિશે ભવિષ્યવાણી કરતી વખતે ઈશ્વરના રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો. (ઉત ૪૯:૮-૧૦) ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ થયા એના થોડા સમય પછી, યહોવાએ એ રાજ્ય વિશે જણાવ્યું હતું. (નિર્ગ ૧૯:૩-૬) મૂસાને આપેલા નિયમમાં પણ યહોવાએ એ રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો. (પુન ૧૭:૧૪, ૧૫) યહોવાએ પ્રબોધક બાલામને સંદેશો આપ્યો હતો ત્યારે પણ એ રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો. (ગણ ૨૪:૨-૭, ૧૭) શમુએલની મા હાન્‍નાને ઈશ્વરના રાજ્યમાં ભરોસો હતો, એ તેમની પ્રાર્થનામાં દેખાઈ આવતું હતું. (૧શ ૨:૭-૧૦) ખરું કે યહોવાએ એ રાજ્ય વિશે વચન આપ્યું હતું, પણ એના “પવિત્ર રહસ્ય” વિશે જણાવ્યું ન હતું. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું ન હતું કે એ રાજ્ય ક્યારે આવશે, એમાં કોણ કોણ હશે અને એ ધરતી પર હશે કે સ્વર્ગમાં. પણ તેમનું રાજ્ય ચોક્કસ આવશે એ જણાવ્યું હતું. એટલે આપણે કહી શકીએ કે ઇઝરાયેલીઓએ રાજાની માંગ કરી એ ખોટું હતું. એવી માંગ કરવાનો તેઓને કોઈ અધિકાર ન હતો.

ia ૭૨ ¶૧૮

નિરાશાઓમાં પણ તે ટકી રહ્યા

૧૮ શમૂએલે એ વિશે યહોવાને પ્રાર્થના કરી. પણ, યહોવાએ આમ જણાવ્યું: “લોકો તને જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે.” શમૂએલને એનાથી ઘણો દિલાસો મળ્યો. પણ, લોકોએ સર્વશક્તિમાન ઈશ્વર પર કેવો કાદવ ઉછાળ્યો હતો! યહોવાએ શમૂએલને જણાવ્યું કે માનવ રાજા માંગવાની તેઓએ કેવી ભારે કિંમત ચૂકવવી પડશે, એ વિશે ઇઝરાયેલી લોકોને ચેતવે. શમૂએલે એ જણાવ્યું ત્યારે, લોકોએ જિદ્દ પકડી: “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઈએ જ.” શમૂએલ કાયમ પોતાના ઈશ્વરને આધીન રહેતા, એટલે તેમણે જઈને યહોવાએ પસંદ કરેલી વ્યક્તિને રાજા બનાવ્યા.—૧ શમૂ. ૮:૭-૧૯.

w૧૦ ૧/૧ ૨૮ ¶૯

યહોવાહના રાજની જીત થશે!

૯ ઇતિહાસ પુરાવો આપે છે કે યહોવાહે જે કહ્યું હતું એ સાચું પડ્યું. માણસોના રાજમાં ઈસ્રાએલીઓએ ઘણી મુશ્કેલીઓ સહન કરી, ખાસ કરીને જ્યારે રાજાઓ યહોવાહની વિરુદ્ધ જતા. માણસોની બધી સરકારોનું પણ આવું જ થાય છે. જેઓ યહોવાહને જાણતા નથી કે તેમની આજ્ઞા પાળતા નથી તેઓ લોકોનું ભલુ હંમેશ માટે કરી શકતા નથી. સુખ-શાંતિ લાવવા માટે અમુક નેતાઓ ઈશ્વર પાસે મદદ માંગે છે. પણ જો તેઓ ઈશ્વરના માર્ગદર્શનને સ્વીકારે નહિ તો તેઓને કઈ રીતે મદદ મળે!—ગીત. ૨:૧૦-૧૨.

કીમતી રત્નો

w૦૨ ૪/૧ ૧૨ ¶૧૩

શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?

૧૩ યહોવાહના એક સાક્ષી બનવા બાપ્તિસ્મા લેતા પહેલાં આપણે હૃદય પરિવર્તન કરવું જ જોઈએ. ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાનો પૂરા હૃદયથી નિર્ણય લેનારાઓ સ્વેચ્છાથી પોતાનામાં બદલાણ લાવે છે. તેઓ પોતાની અગાઉની રહેણીકરણીમાં ફેરફારો કરીને ખોટાં કામો છોડી દે છે અને યહોવાહની નજરમાં જે સાચું છે એ કરવાનો સંકલ્પ કરે છે. બાઇબલમાં પરિવર્તન માટેના હેબ્રી અને ગ્રીક ક્રિયાપદો, પાછા ફરવાને કે પાછા વળવાને દર્શાવે છે. એ ખોટા માર્ગેથી પરમેશ્વર તરફ પાછા ફરવાને બતાવે છે. (૧ રાજા ૮:૩૩, ૩૪) પરિવર્તન કરવામાં ‘પસ્તાવો કરનારને છાજે એવાં કૃત્યો કરવાંનો’ સમાવેશ થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦) એમાં જૂઠી ઉપાસનાને છોડી દઈને પરમેશ્વરની આજ્ઞાના સુમેળમાં કાર્ય કરવાની અને યહોવાહની અનન્ય ભક્તિ કરવાની જરૂર છે. (પુનર્નિયમ ૩૦:૨, ૮-૧૦; ૧ શમૂએલ ૭:૩) પરિવર્તન કર્યા પછી, આપણા વિચારો, વલણ અને વ્યક્તિત્વમાં ઘણા ફેરફારો જોવા મળે છે. (હઝકીએલ ૧૮:૩૧) આપણે ખરાબ બાબતોથી ‘ફરીને’ નવું માણસપણું પહેરીએ છીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯; એફેસી ૪:૨૦-૨૪; કોલોસી ૩:૫-૧૪.

ફેબ્રુઆરી ૨૮–માર્ચ ૬

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ શમુએલ ૯-૧૧

“શાઊલ પહેલાં નમ્ર હતા”

w૨૦.૦૮ ૧૦ ¶૧૧

ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલીએ

૧૧ ચાલો શાઊલ રાજાનો દાખલો જોઈએ. પહેલાં તે નમ્ર હતા. તે સારી રીતે જાણતા હતા કે પોતે કેટલું કરી શકે છે. જ્યારે એક મોટી જવાબદારી મળી, ત્યારે એને સ્વીકારવા તે અચકાતા હતા. (૧ શમૂ. ૯:૨૧; ૧૦:૨૦-૨૨) પણ રાજા બન્યા એના થોડા સમય પછી તે ઘમંડી બની ગયા. તે એવાં કામ કરવા લાગ્યા જે કરવાનો તેમને અધિકાર ન હતો. એકવાર, તેમણે બલિદાન ચઢાવવા શમુએલ પ્રબોધકની રાહ જોવાની હતી. શમુએલને મોડું થયું ત્યારે તે ધીરજ ગુમાવી બેઠા. અર્પણ ચઢાવવા યહોવા બીજી ગોઠવણ કરશે, એવો તેમણે ભરોસો રાખવાનો હતો. એને બદલે તેમણે પોતે બલિદાન ચઢાવી દીધું. એટલે તે યહોવાની કૃપા ગુમાવી બેઠા. એટલું જ નહિ, યહોવાએ તેમનો રાજા તરીકે નકાર કર્યો. (૧ શમૂ. ૧૩:૮-૧૪) એમાંથી શીખવા મળે છે કે, જે કરવાનો આપણને અધિકાર ન હોય એ આપણે ન કરવું જોઈએ.

w૧૪ ૩/૧૫ ૯ ¶૮

નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું?

૮ ઈસ્રાએલના રાજા શાઊલનો દાખલો બતાવે છે કે કઈ રીતે સ્વાર્થી વલણ આપણા નિઃસ્વાર્થ વલણને ખાઈ જઈ શકે. શાઊલે રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પોતાને ઉચ્ચ ગણ્યા નહિ અને તેમનું વલણ નમ્ર હતું. (૧ શમૂ. ૯:૨૧) ઈસ્રાએલીઓ શાઊલના રાજની વિરુદ્ધ બોલ્યા ત્યારે શાઊલ તેઓને શિક્ષા કરી શક્યા હોત, કારણ કે એ અધિકાર યહોવાએ તેમને આપ્યો હતો. પરંતુ, તેમણે તેઓને શિક્ષા ન કરીને નમ્રતા બતાવી. (૧ શમૂ. ૧૦:૨૭) રાજા શાઊલ ઈશ્વરની શક્તિના માર્ગદર્શનથી આમ્નોનીઓ વિરુદ્ધના યુદ્ધમાં સફળ થયા. પછીથી, તેમણે નિઃસ્વાર્થ વલણ બતાવતા એ જીતનો શ્રેય યહોવાને આપ્યો.—૧ શમૂ. ૧૧:૬, ૧૧-૧૩.

w૯૫ ૧૨/૧૫ ૮ ¶૭

આમ્મોનીઓ—લોકો જેઓએ માયાળુપણાનો બદલો વેરથી આપ્યો

ફરીથી આમ્મોનીઓએ યહોવાહના માયાળુપણાનો બદલો વૈરથી વાળ્યો હતો. યહોવાહે આ અધમ ધમકીની અવગણના કરી નહિ. “શાઊલે [નાહાશનાં] આ વચનો સાંભળ્યાં, ત્યારે તેના પર દેવનો આત્મા પરાક્રમસહિત આવ્યો, ને તે ઘણો કોપાયમાન થયો.” દેવના આત્માની દોરવણી હેઠળ, શાઊલે ૩,૩૦,૦૦૦ લડવૈયાઓનું લશ્કર એકત્ર કર્યું જેણે આમ્મોનીઓ પર એટલી પૂર્ણ રીતે હુમલો કર્યો કે ‘કોઈ ઠેકાણે બે ભેગા રહ્યા નહિ.’—૧ શમૂએલ ૧૧:૬, ૧૧.

કીમતી રત્નો

w૦૫ ૩/૧૫ ૨૨ ¶૮

પહેલા શમૂએલના મુખ્ય વિચારો

૯:૯—‘હમણાં પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો’ એટલે શું? એનો અર્થ એ થાય કે શમૂએલ અને ઈસ્રાએલીઓના રાજાઓના સમયમાં પ્રબોધકો બહુ પ્રખ્યાત હતા. એ સમયે, ‘દ્રષ્ટાના’ બદલે “પ્રબોધક” શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. શમૂએલ પ્રબોધકોની હરોળમાં સૌથી પહેલો પ્રબોધક હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો