યહોવાહ કઈ રીતે તમને યાદ કરશે?
‘હે મારા દેવ, મારું સ્મરણ કર.’ નહેમ્યાહે ઘણી વાર આ શબ્દોથી દેવને વિનંતી કરી. (નહેમ્યાહ ૫:૧૯; ૧૩:૧૪, ૩૧) મોટે ભાગે, લોકો ઘણી જ મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે તેઓ એ પ્રમાણે દેવને પોકારી ઊઠે છે.
જોકે, લોકો દેવને પ્રાર્થના કરે કે તે તેઓને યાદ કરે, એનો અર્થ શું થાય? ખરેખર, તેઓ આશા રાખે છે કે દેવ ફક્ત તેઓનાં નામ યાદ કરે, એટલું જ નહિ, પણ તેઓ માટે કંઈક કરે. ઈસુની બાજુમાં વધસ્થંભે જડાયેલા એક ગુનેગારની જેમ તેઓ પણ આશા રાખે છે. તેનું વલણ બીજા ગુનેગારથી અલગ હતું, તેણે વિનંતી કરીને ઈસુને કહ્યું: “તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે”. તે એવું ઇચ્છતો ન હતો કે ઈસુ ફક્ત તેને યાદ કરે, પણ તેની માટે કંઈક, એટલે કે તેનું પુનરુત્થાન કરે.—લુક ૨૩:૪૨.
બાઇબલમાં વારંવાર જણાવવામાં આવે છે કે, દેવ “સ્મરણ” કરશે, એટલે તે કંઈક ચોક્કસ કરશે. દાખલા તરીકે, પૃથ્વી પર જળપ્રલયના પાણીનું ૧૫૦ દિવસ જોર રહ્યું ત્યારે, નુહને “દેવે સંભાર્યાં; અને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઊતરી ગયાં.” (ઉત્પત્તિ ૮:૧) સદીઓ પછી, પલિસ્તીઓએ શામશૂનને આંધળો કરીને બેડીઓ પહેરાવી, ત્યારે તેણે પ્રાર્થના કરી: “યહોવાહ, કૃપા કરીને મને સંભાર; હે દેવ, કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કર.” યહોવાહ દેવે શામશૂનને પુષ્કળ શક્તિ આપીને સંભાર્યા, જેથી તે દેવના દુશ્મનો પર વેર વાળી શકે. (ન્યાયાધીશો ૧૬:૨૮-૩૦) નહેમ્યાહના કિસ્સામાં પણ, યહોવાહ દેવે તેની મહેનતનાં ફળ આપ્યાં અને યરૂશાલેમમાં ફરીથી સાચી ઉપાસના શરૂ થઈ.
પ્રેષિત પાઊલે લખ્યું કે, “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) તેથી, તેમના અગાઉના વિશ્વાસુ સેવકોની જેમ, આપણે પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરીને, યહોવાહને યાદ કરીએ. જો એમ કરીશું તો, આપણે ખાતરી રાખી શકીએ કે, યહોવાહ આપણું સ્મરણ કરશે. તે આપણી જરૂરિયાતો મેળવવા, અને આપણી કસોટીઓમાં ટકી રહેવા મદદ કરશે. તેમ જ, તે દુષ્ટોનો ન્યાય કરશે ત્યારે આપણને બચાવશે.—માત્થી ૬:૩૩; ૨ પીતર ૨:૯.