વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોવા યૂના સાથે ધીરજથી વર્ત્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • યૂના દરિયામાં ડૂબી રહ્યા છે અને પાસે જ એક મોટી માછલી તરી રહી છે

      પાઠ ૫૪

      યહોવા યૂના સાથે ધીરજથી વર્ત્યા

      આશ્શૂર દેશના નિનવેહ શહેરના લોકો ખૂબ દુષ્ટ હતા. યહોવાએ પ્રબોધક યૂનાને કહ્યું: ‘તું નિનવેહ જઈને લોકોને જણાવ કે તેઓ ખરાબ કામો છોડી દે.’ પણ યૂના નિનવેહની વિરુદ્ધ દિશામાં ભાગી ગયા. તે તાર્શીશ જતા વહાણમાં બેસીને દૂર ભાગી ગયા.

      વહાણ દરિયામાં હતું ત્યારે, એક મોટું તોફાન આવ્યું. વહાણ ચલાવતા લોકો ડરી ગયા. તેઓ પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરીને પૂછવા લાગ્યા: ‘આ તોફાન કેમ આવ્યું છે?’ આખરે યૂનાએ જણાવ્યું: ‘આ બધું મારા લીધે થાય છે. યહોવાએ મને એક કામ સોંપ્યું હતું. પણ એ કરવાને બદલે હું ભાગી રહ્યો છું. મને દરિયામાં ફેંકી દો. પછી તોફાન પણ શાંત પડી જશે.’ વહાણ ચલાવતા લોકો યૂનાને દરિયામાં ફેંકવા માંગતા ન હતા. પણ યૂના તેઓને વારંવાર એમ કરવાનું કહેવા લાગ્યા. એટલે તેઓએ યૂનાને દરિયામાં ફેંકી દીધા. તોફાન તરત શાંત થઈ ગયું.

      યૂનાને થયું હવે તો તે મરી જ જશે. તે દરિયામાં ડૂબતા હતા ત્યારે, તેમણે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ એક મોટી માછલી મોકલી. એ યૂનાને ગળી ગઈ, તોપણ તે મર્યા નહિ. માછલીના પેટમાંથી યૂનાએ યહોવાને પ્રાર્થના કરી: ‘હું વચન આપું છું કે હંમેશાં તમારી વાત માનીશ.’ યહોવાએ યૂનાને ત્રણ દિવસ સુધી માછલીના પેટમાં સાચવી રાખ્યા. પછી માછલીએ યૂનાને સૂકી જમીન પર ઓકી કાઢ્યા.

      યહોવાએ યૂનાને બચાવ્યા, પણ એનો અર્થ એ ન હતો કે હવે તેમણે નિનવેહ નહિ જવું પડે. યહોવાએ ફરી એક વાર યૂનાને નિનવેહ જવાનું કહ્યું. આ વખતે યૂનાએ યહોવાની વાત માની. તેમણે ત્યાં જઈને દુષ્ટ લોકોને કહ્યું: ‘૪૦ દિવસમાં નિનવેહ શહેરનો નાશ થશે.’ પણ તેમણે વિચાર્યું હતું, એનાથી સાવ અલગ થયું. લોકોએ તેમની વાત સાંભળી અને ખરાબ કામો કરવાનું છોડી દીધું. નિનવેહના રાજાએ લોકોને કહ્યું: ‘ઈશ્વરને પોકાર કરો અને પસ્તાવો કરો, તો કદાચ તે આપણો નાશ ન કરે.’ યહોવાએ જોયું કે લોકોએ પસ્તાવો કર્યો છે, એટલે તેમણે નિનવેહનો નાશ કર્યો નહિ.

      યૂના નિનવેહ પહોંચે છે

      શહેરનો નાશ ન થયો એ જોઈને યૂનાને બહુ ગુસ્સો આવ્યો. આનો વિચાર કરો: યહોવાએ યૂના સાથે ધીરજ રાખી અને દયા બતાવી. પણ યૂના નિનવેહના લોકો પર દયા બતાવી રહ્યા ન હતા. તે શહેરની બહાર જતા રહ્યા અને દૂધીના એક વેલા નીચે મોઢું ચઢાવીને બેસી ગયા. એ વેલો સુકાઈ ગયો, એટલે યૂનાને ગુસ્સો આવ્યો. એ જોઈને યહોવાએ યૂનાને કહ્યું: ‘શું નિનવેહના લોકો કરતાં તું આ વેલાની વધારે ચિંતા કરે છે? મેં તેઓ પર દયા બતાવી છે, એટલે તેઓ બચી ગયા છે.’ યહોવા શું કહેવા માંગતા હતા? એ જ કે, દૂધીના વેલા કરતાં નિનવેહના લોકો ઘણા કીમતી છે.

      “યહોવા . . . તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પિતર ૩:૯

      સવાલ: યહોવાએ યૂનાને કયા બોધપાઠ શીખવ્યા? યૂના સાથે જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

      યૂના ૧:૧–૪:૧૧

  • યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • એક દૂત આશ્શૂરીઓની છાવણી પર હુમલો કરે છે

      પાઠ ૫૫

      યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું

      આશ્શૂરના સામ્રાજ્યએ ઇઝરાયેલના દસ કુળના રાજ્ય પર કબજો મેળવી લીધો હતો. હવે આશ્શૂરનો રાજા સાન્હેરીબ બે કુળના યહૂદાના રાજ્ય પર કબજો મેળવવા ચાહતો હતો. તે એક પછી એક યહૂદાના શહેરો પર જીત મેળવવા લાગ્યો. તેની ખાસ ઇચ્છા હતી કે તે યરૂશાલેમ શહેર જીતે. પણ તે જાણતો ન હતો કે એ શહેરનું રક્ષણ યહોવા કરી રહ્યા છે.

      યહૂદાના રાજા હિઝકિયાએ સાન્હેરીબને સોના-ચાંદી મોકલ્યા, જેથી તે યરૂશાલેમ પર હુમલો ના કરે. સાન્હેરીબે એ બધું લઈ લીધું. તોપણ યરૂશાલેમ પર હુમલો કરવા પોતાની શક્તિશાળી સેના મોકલી. આશ્શૂરના સૈનિકો ધીરે ધીરે નજીક આવી રહ્યા હતા, એટલે શહેરના લોકો ખૂબ ડરી ગયા હતા. હિઝકિયાએ લોકોને કહ્યું: ‘તમે ડરશો નહિ! ભલે આશ્શૂરીઓ શક્તિશાળી હોય, યહોવા આપણને તેઓથી પણ વધારે શક્તિશાળી બનાવશે.’

      સાન્હેરીબે પોતાનો સંદેશો આપવા રાબશાકેહ નામના એક માણસને યરૂશાલેમ મોકલ્યો. તે ત્યાં જઈને લોકોની મજાક ઉડાવવા લાગ્યો. રાબશાકેહ શહેરની બહાર ઊભો રહ્યો અને બૂમો પાડીને કહેવા લાગ્યો: ‘યહોવા તમને મદદ નહિ કરી શકે. તમે હિઝકિયાની વાત માનશો નહિ. એવો કોઈ ઈશ્વર નથી જે તમને અમારા હાથમાંથી બચાવે.’

      હિઝકિયાએ યહોવાને પૂછ્યું કે હવે તેમણે શું કરવું જોઈએ. યહોવાએ કહ્યું: ‘રાબશાકેહની વાતોથી ડરીશ નહિ. સાન્હેરીબ યરૂશાલેમને જીતી નહિ શકે.’ એ પછી સાન્હેરીબે હિઝકિયાને અમુક પત્રો મોકલ્યા. પત્રોમાં લખ્યું હતું: ‘તમે લોકો હાર માની લો. યહોવા તમને નહિ બચાવી શકે.’ હિઝકિયાએ પ્રાર્થના કરી: ‘હે યહોવા, અમારા પર દયા કરો. અમને બચાવી લો, જેથી બધા લોકો જાણે કે તમે જ સાચા ઈશ્વર છો.’ યહોવાએ તેમને કહ્યું: ‘આશ્શૂરનો રાજા યરૂશાલેમમાં નહિ આવી શકે. હું મારા શહેરનું રક્ષણ કરીશ.’

      સાન્હેરીબને પૂરી ખાતરી હતી કે તે બહુ જલદી યરૂશાલેમને જીતી લેશે. આશ્શૂરના સૈનિકોએ યરૂશાલેમની બહાર છાવણી નાખી હતી. એક રાતે યહોવાએ એક દૂતને ત્યાં મોકલ્યો. એ દૂતે ૧,૮૫,૦૦૦ સૈનિકોને મારી નાખ્યા. સાન્હેરીબ રાજાના સૌથી શક્તિશાળી સૈનિકો માર્યા ગયા. હવે તેની પાસે કોઈ રસ્તો ન હતો. તે હાર માનીને પોતાના ઘરે પાછો જતો રહ્યો. યહોવાએ વચન આપ્યું હતું એ પ્રમાણે, તેમણે હિઝકિયા અને યરૂશાલેમનું રક્ષણ કર્યું. જો તમે યરૂશાલેમમાં હોત, તો શું તમે યહોવા પર ભરોસો રાખ્યો હોત?

      “યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે અને તે તેઓને બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૭

      સવાલ: યહોવાએ કઈ રીતે યરૂશાલેમનું રક્ષણ કર્યું? શું યહોવા તમારું પણ રક્ષણ કરશે?

      ૨ રાજાઓ ૧૭:૧-૬; ૧૮:૧૩-૩૭; ૧૯:૧-૩૭; ૨ કાળવૃત્તાંત ૩૨:૧-૨૩

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો