વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • મોટા ઝાડ વિશેનું સપનું
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • રાજા નબૂખાદનેસ્સાર સપનામાં જુએ છે કે ઝાડ કાપી નાખવામાં આવે છે

      પાઠ ૬૨

      મોટા ઝાડ વિશેનું સપનું

      એક રાતે નબૂખાદનેસ્સારને એવું સપનું આવ્યું કે તે ડરી ગયા. એ સપનાનો અર્થ જાણવા તેમણે પોતાના જ્ઞાનીઓને બોલાવ્યા. પણ તેઓ એનો અર્થ જણાવી શક્યા નહિ. આખરે રાજાએ દાનિયેલ સાથે વાત કરી.

      નબૂખાદનેસ્સારે દાનિયેલને કહ્યું: ‘મેં સપનામાં એક મોટું ઝાડ જોયું. એ એટલું ઊંચું હતું કે એની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. પૃથ્વીની કોઈ પણ જગ્યાએથી એ ઝાડ દેખાતું હતું. એનાં પાંદડાં ખૂબ સુંદર હતાં અને એના પર ઘણાં ફળ લાગેલાં હતાં. એની છાયામાં જાનવરો આરામ કરતા હતાં. એની ડાળીઓ પર પક્ષીઓ માળા બનાવતાં હતાં. પછી સ્વર્ગમાંથી એક દૂત આવ્યો. એ દૂતે મોટેથી કહ્યું: “એ ઝાડ અને એની ડાળીઓને કાપી નાખો. પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં જ રહેવા દો. એને લોખંડ અને તાંબાના બંધનથી બાંધી દો. એ ઝાડનું હૃદય બદલાઈ જશે. એનું હૃદય માણસનું નહિ રહે, પણ જાનવરનું હૃદય થઈ જશે અને સાત સમયો વીતશે. બધા લોકો જાણશે કે સર્વોચ્ચ ઈશ્વર જ રાજા છે અને તે ચાહે તેને એ રાજ્ય આપી શકે છે.”’

      યહોવાએ દાનિયેલને એ સપનાનો અર્થ જણાવ્યો. જ્યારે દાનિયેલ એ સપનાનો અર્થ સમજ્યા, ત્યારે તે ખૂબ ડરી ગયા. તેમણે કહ્યું: ‘હે રાજા! કાશ આ સપનું તમારા દુશ્મનો વિશે હોત, પણ એ તમારા વિશે છે. જે મોટું ઝાડ કાપી નાખવામાં આવ્યું એ તમે છો. તમે પોતાનું રાજ ગુમાવી દેશો અને જંગલી જાનવરની જેમ મેદાનમાં ઘાસ ખાશો. પણ દૂતે કહ્યું હતું ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં જ રહેવા દો. એનો અર્થ થાય તમે ફરીથી રાજા બનશો.’

      એ સપનાને એક વર્ષ વીતી ગયું હતું. એક દિવસ નબૂખાદનેસ્સાર પોતાના મહેલના ધાબા પર લટાર મારી રહ્યા હતા. તેમણે બાબેલોન શહેર વિશે બડાઈ મારતા કહ્યું: ‘જુઓ, આ શહેર કેટલું ભવ્ય છે! મેં એને કેટલું જોરદાર બનાવ્યું છે. હું કેટલો મહાન છું!’ જ્યારે તેમણે એમ કહ્યું કે તરત, સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો: ‘નબૂખાદનેસ્સાર! હવે તું તારું રાજ્ય ગુમાવી દઈશ.’

      એ જ સમયે નબૂખાદનેસ્સાર પાગલ થઈ ગયા. તે જંગલી જાનવરની જેમ વર્તવા લાગ્યા. તેમને મહેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તે મેદાનોમાં જંગલી જાનવરો સાથે રહેવા લાગ્યા. તેમના વાળ ગરુડનાં પીંછાં જેવા થઈ ગયા અને નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.

      સાત વર્ષ પછી નબૂખાદનેસ્સાર પહેલાના જેવા સાજા થઈ ગયા. યહોવાએ ફરી તેમને બાબેલોનના રાજા બનાવ્યા. પછી નબૂખાદનેસ્સારે કહ્યું: ‘હું સ્વર્ગના રાજા યહોવાનો જયજયકાર કરું છું. હવે મને ખબર છે, યહોવા જ મહાન રાજા છે! તે ઘમંડી લોકોને નીચા પાડે છે અને તે ચાહે તેને રાજ્ય આપી શકે છે.’

      “અભિમાન વિનાશ લાવે છે અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.”—નીતિવચનો ૧૬:૧૮

      સવાલ: નબૂખાદનેસ્સારના સપનાનો અર્થ શું હતો? નબૂખાદનેસ્સાર શું શીખ્યા?

      દાનિયેલ ૪:૧-૩૭

  • દીવાલ પર લખેલા શબ્દો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
    • એક હાથ દીવાલ પર કંઈક લખે છે

      પાઠ ૬૩

      દીવાલ પર લખેલા શબ્દો

      અમુક વર્ષો પછી, બેલ્શાસ્સાર બાબેલોનનો રાજા બન્યો. એક રાતે તેણે દેશના સૌથી ખાસ લોકોને જમવા બોલાવ્યા. ત્યાં એક હજાર મહેમાન આવ્યા હતા. તેણે પોતાના સેવકોને હુકમ આપ્યો કે સોનાના પ્યાલા લઈ આવે, જે નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી લાવ્યા હતા. બેલ્શાસ્સાર અને તેના મહેમાનો એ પ્યાલામાં દારૂ પીવા લાગ્યા અને તેઓ પોતાના દેવોનો જયજયકાર કરવા લાગ્યા. તેઓ જમતા હતા ત્યાં, અચાનક એક હાથ દેખાયો. એ હાથ દીવાલ પર કંઈક લખવા લાગ્યો, પણ એ શબ્દો કોઈ સમજી શક્યું નહિ.

      બેલ્શાસ્સાર ખૂબ ડરી ગયો. તેણે જાદુગરોને બોલાવ્યા અને તેઓને વચન આપ્યું: ‘જો કોઈ મને આ શબ્દોનો અર્થ જણાવશે, તો હું તેને બાબેલોનનો ત્રીજો ખાસ માણસ બનાવીશ. તેઓએ પ્રયત્નો કર્યા પણ કોઈ એનો અર્થ જણાવી શક્યું નહિ.’ પછી રાણીએ આવીને બેલ્શાસ્સારને કહ્યું: ‘દાનિયેલ નામનો એક માણસ છે, જે નબૂખાદનેસ્સારને આવી વાતોનો અર્થ જણાવતો હતો. તે તને પણ આ શબ્દોનો અર્થ જણાવી શકે છે.’

      પછી દાનિયેલ રાજા પાસે આવ્યા. બેલ્શાસ્સારે તેમને કહ્યું: ‘જો તું મને એ શબ્દો વાંચીને એનો અર્થ જણાવીશ, તો હું તને સોનાનો હાર આપીશ અને બાબેલોનનો ત્રીજો ખાસ માણસ બનાવીશ.’ દાનિયેલે કહ્યું: ‘મને તમારી ભેટ નથી જોઈતી, પણ હું તમને એ શબ્દોનો અર્થ જણાવીશ. તમારા પિતા નબૂખાદનેસ્સાર ઘમંડી હતા અને યહોવાએ તેમને નીચા કર્યા હતા. તમારા પિતા સાથે શું થયું એ બધું તમે જાણતા હતા, તોપણ તમે યહોવાના મંદિરના સોનાના પ્યાલામાં દારૂ પીને તેમનું અપમાન કર્યું. એટલા માટે યહોવાએ આ શબ્દો લખ્યા છે: મેને, મેને, તકેલ અને પાર્સિન. એનો અર્થ છે કે માદીઓ અને ઈરાનીઓ બાબેલોનને જીતી લેશે અને તમે રાજા નહિ રહો.’

      રાજા કોરેશના સૈનિકો નદી પાર કરીને બાબેલોનના દરવાજા સુધી જાય છે

      બાબેલોન વિશે લોકોને લાગતું હતું કે એને કોઈ જીતી નહિ શકે. એ શહેરની ચારે બાજુ ઊંડી નદી વહેતી હતી અને મોટી મોટી દીવાલો હતી. પણ મહેમાનો ભેગા થયા હતા એ રાતે, માદીઓ અને ઈરાનીઓએ શહેર પર હુમલો કરી દીધો. ઈરાનના રાજા કોરેશે નદીનું વહેણ બદલી નાખ્યું. એટલે તેમના સૈનિકો નદી પાર કરીને શહેરના દરવાજા સુધી પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેઓએ જોયું કે દરવાજા ખુલ્લા જ છે. સૈનિકો શહેરની અંદર ઘૂસી ગયા અને કબજો કરી લીધો. તેઓએ રાજાને મારી નાખ્યા. પછી કોરેશ રાજા બની ગયા.

      એક વર્ષની અંદર કોરેશ રાજાએ જાહેર કર્યું: ‘યહોવાએ મને જણાવ્યું છે કે હું યરૂશાલેમનું મંદિર ફરી બાંધું. તેમના લોકોમાંથી જેઓ એ કામમાં મદદ કરવા માંગતા હોય, તેઓ યરૂશાલેમ જઈ શકે છે.’ યહોવાએ વચન આપ્યું હતું કે યરૂશાલેમના નાશના ૭૦ વર્ષ પછી, તેમના લોકો પોતાના વતન પાછા જઈ શકશે અને એવું જ બન્યું. લોકો પાછા યરૂશાલેમ જઈ શક્યા. નબૂખાદનેસ્સાર મંદિરમાંથી સોના-ચાંદીનાં જે વાસણો લાવ્યા હતા, એ પણ કોરેશે પાછા મોકલ્યા. તમે જોયું, યહોવાએ કોરેશ દ્વારા કઈ રીતે પોતાના લોકોને મદદ કરી?

      “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન પડ્યું! એ દુષ્ટ દૂતોનું રહેઠાણ બન્યું છે.”—પ્રકટીકરણ ૧૮:૨

      સવાલ: દીવાલ પર લખેલા શબ્દોનો શું અર્થ થતો હતો? યહોવાએ કોરેશને શું કરવાનું કહ્યું?

      એઝરા ૧:૧-૧૧; દાનિયેલ ૫:૧-૩૦; યશાયા ૪૪:૨૭–૪૫:૨; યર્મિયા ૨૫:૧૧, ૧૨

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો