વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોવા “રહસ્યો ખોલનાર” છે
    ચોકીબુરજ—૨૦૧૨ | જૂન ૧
    • યહોવા “રહસ્યો ખોલનાર” છે

      “હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”—દાની. ૨:૪૭, કોમન લેંગ્વેજ.

      તમે કેવો જવાબ આપશો?

      યહોવાએ ભવિષ્ય વિષે કઈ વિગતો આપણને જણાવી છે?

      જંગલી જાનવરનાં પહેલા છ માથાં શાને રજૂ કરે છે?

      જંગલી જાનવર અને નબૂખાદનેસ્સારે જોયેલી મૂર્તિ વચ્ચે શો સંબંધ છે?

      ૧, ૨. યહોવાએ આપણા માટે કયું રહસ્ય ખુલ્લું કર્યું છે અને શા માટે?

      ઈશ્વરનું રાજ્ય માનવ શાસનનો અંત લાવશે, એ સમયે પૃથ્વી પર કઈ સરકારો રાજ કરતી હશે? આપણે એનો જવાબ જાણીએ છીએ, કેમ કે “રહસ્યો ખોલનાર” યહોવા ઈશ્વરે એ જણાવ્યું છે. પ્રબોધક દાનીયેલ અને પ્રેરિત યોહાનનાં લખાણો દ્વારા તેમણે એ સરકારોને પારખવાનું આપણા માટે શક્ય બનાવ્યું છે.

      ૨ યહોવાએ તેઓને ઘણાં દર્શનો આપ્યાં હતાં, જેમાં એક પછી એક આવનાર જાનવરો વિષે જણાવ્યું હતું. સપનામાં દેખાયેલી એક મોટી મૂર્તિનો અર્થ પણ તેમણે દાનીયેલને જણાવ્યો હતો. યહોવાએ આપણા લાભ માટે એ બધા બનાવો લખાવી લઈને બાઇબલમાં સાચવી રાખ્યા છે. (રોમ. ૧૫:૪) એનાથી યહોવા આપણી આશા દૃઢ કરવા માગે છે કે તેમનું રાજ્ય જલદી જ બધી માનવ સરકારોનો નાશ કરશે.—દાની. ૨:૪૪.

      ૩. ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવવા આપણે સૌથી પહેલા શું સમજવાની જરૂર છે અને શા માટે?

      ૩ દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓ સાથે જોતા જાણવા મળે છે કે આઠ રાજાઓ કે માનવ સરકારો કોણ છે અને એ કયા ક્રમમાં દેખાશે. પરંતુ, એ ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવવા, આપણે બાઇબલમાં નોંધેલી સૌથી પહેલી ભવિષ્યવાણીનો અર્થ સમજવો પડશે. શા માટે? કારણ કે એ ભવિષ્યવાણી ફરતે બાઇબલનો આખો વિષય રચાયેલો છે. એ જાણે એવી દોરી છે, જેમાં બીજી ભવિષ્યવાણીઓ મણકાની જેમ પરોવાયેલી છે.

      સર્પનું સંતાન અને જંગલી જાનવર

      ૪. સ્ત્રીનું સંતાન કોણ છે? એ સંતાન શું કરશે?

      ૪ એદન બાગમાં બળવો થયો એ પછી તરત જ યહોવાએ વચન આપ્યું કે “સ્ત્રી” એક “સંતાન”ને જન્મ આપશે.a (ઉત્પત્તિ ૩:૧૫ વાંચો.) એ સંતાન છેવટે સર્પનું એટલે કે શેતાનનું માથું છૂંદશે. સમય જતાં, યહોવાએ રહસ્ય ખુલ્લું કર્યું કે એ સંતાન ઈબ્રાહીમથી આવશે, ઈસ્રાએલ પ્રજામાંથી હશે, યહુદાના કુળમાંથી આવશે અને રાજા દાઊદનું વંશજ હશે. (ઉત. ૨૨:૧૫-૧૮; ૪૯:૧૦; ગીત. ૮૯:૩, ૪; લુક ૧:૩૦-૩૩) એ સંતાનનો મુખ્ય ભાગ ખ્રિસ્ત ઈસુ છે. (ગલા. ૩:૧૬) એ સંતાનનો બીજો ભાગ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા ખ્રિસ્તી મંડળના સભ્યો છે. (ગલા. ૩:૨૬-૨૯) ઈસુ અને અભિષિક્તો મળીને ઈશ્વરનું રાજ્ય બને છે. ઈશ્વર એ રાજ્યથી શેતાનનો નાશ કરી નાખશે.—લુક ૧૨:૩૨; રોમ. ૧૬:૨૦.

      ૫, ૬. (ક) દાનીયેલ અને યોહાને કેટલી મહાસત્તાઓ વિષે ઓળખ આપી? (ખ) પ્રકટીકરણમાં જણાવેલાં જંગલી જાનવરનાં માથાં શાને બતાવે છે?

      ૫ એદન બાગમાં અપાયેલી પહેલી ભવિષ્યવાણીમાં એમ પણ જણાવ્યું હતું કે શેતાનને “સંતાન” થશે. તેનું સંતાન સ્ત્રીના સંતાન માટે વેરભાવ કે નફરત બતાવશે. શેતાનનું સંતાન કોણ છે? શેતાનની જેમ ઈશ્વરને નફરત કરનારા અને તેમના લોકોનો વિરોધ કરનારા બધા લોકો. ઇતિહાસ બતાવે છે કે શેતાને ધર્મો અને લશ્કરો ઉપરાંત, ઘણી સરકારો કે સત્તાઓને પણ એ સંતાનનો ભાગ બનાવ્યા છે. (લુક ૪:૫, ૬) જોકે, એમાંથી અમુક જ સત્તાઓએ ઈશ્વરના લોકો પર સીધેસીધી અસર કરી છે, પછી ભલે એ ઈસ્રાએલની પ્રજા હોય કે અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ હોય. આ જાણવું મહત્ત્વનું છે. એનાથી સમજાય છે કે દાનીયેલ અને યોહાનને થયેલાં દર્શનોમાં શા માટે ફક્ત આઠ જ મહા-સત્તાઓનું વર્ણન થયું છે.

      ૬ સજીવન થયેલા ઈસુએ ઈસવીસન ૯૬ની આસપાસ નવાઈ પમાડતાં ઘણાં દર્શનો પ્રેરિત યોહાનને આપ્યાં હતાં. (પ્રકટી. ૧:૧) એમાંનાં એક દર્શનમાં યોહાને અજગરને જોયો, જે શેતાનને રજૂ કરતો હતો. એ અજગર વિશાળ સમુદ્રને કિનારે ઊભો હતો. (પ્રકટીકરણ ૧૨:૧૭ખ–૧૩:૧, ૨ વાંચો.) યોહાને એ પણ જોયું કે એક અજાયબ શ્વાપદ, એટલે કે જંગલી જાનવર એ સમુદ્રમાંથી નીકળે છે અને શેતાન પાસેથી મોટો અધિકાર મેળવે છે. પછી એક સ્વર્ગદૂત યોહાનને એક કિરમજી કે ઘેરા લાલ રંગના જાનવર વિષે જણાવે છે, જે પ્રકટીકરણ ૧૩:૧માં જણાવેલા જાનવરની મૂર્તિને રજૂ કરે છે. એ જાનવરનાં સાત માથાં, ‘સાત રાજાઓ’ કે સરકારો છે. (પ્રકટી. ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૯, ૧૦) યોહાને લખ્યું એ સમયે, એમાંના પાંચ રાજાઓનું પતન થઈ ચૂક્યું હતું, એક સત્તા પર હતો અને બીજો એક “હજુ સુધી આવ્યો” ન હતો. એ સરકારો કે જગત સત્તાઓ કોણ છે? ચાલો આપણે પ્રકટીકરણમાં જણાવેલાં જાનવરનાં દરેક માથાં વિષે વિચાર કરીએ. આપણે એ પણ જોઈશું કે દાનીયેલનાં લખાણો કઈ રીતે આમાંની ઘણી સત્તાઓ વિષે વિગતવાર સમજણ પૂરી પાડે છે. અમુક સત્તાઓ હજી અસ્તિત્વમાં પણ ન હતી, એની સદીઓ પહેલાં એ વિષે જણાવવામાં આવ્યું હતું.

      ઇજિપ્ત અને આશ્શૂર—પહેલા બે માથાં

      ૭. પહેલું માથું શાને રજૂ કરે છે? શા માટે?

      ૭ જાનવરનું પહેલું માથું મિસર કે ઇજિપ્તને રજૂ કરે છે. શા માટે? ઈશ્વરના લોકો સામે વેરભાવ બતાવનાર પહેલી જગત સત્તા ઇજિપ્ત હતી. ઈબ્રાહીમનાં વંશજો, ઈસ્રાએલીઓની સંખ્યા ઇજિપ્તમાં ઘણી વધી હતી અને એમાંથી વચન આપ્યા પ્રમાણે સ્ત્રીનું સંતાન આવવાનું હતું. પછી, ઇજિપ્તે ઈસ્રાએલીઓ પર જુલમ ગુજાર્યો. એ સંતાન આવે એ પહેલાં જ શેતાને ઈશ્વરના લોકોને મિટાવી દેવાનો પ્રયત્ન કર્યો. કઈ રીતે? તેણે ફારૂનને ઈસ્રાએલીઓના બધા નાના છોકરાઓને મારી નાખવા ઉશ્કેર્યો. પરંતુ, યહોવાએ એમ થવા ન દીધું અને ઇજિપ્તની ગુલામીમાંથી પોતાના લોકોને છોડાવ્યા. (નિર્ગ. ૧:૧૫-૨૦; ૧૪:૧૩) પછી, તેમણે ઈસ્રાએલીઓને વતન તરીકે વચનનો દેશ આપ્યો.

      ૮. બીજા માથાની ઓળખ શું છે? તેણે શું કરવાનો પ્રયાસ કર્યો?

      ૮ જાનવરનું બીજું માથું આશ્શૂરને રજૂ કરે છે. આ શક્તિશાળી સત્તાએ પણ ઈશ્વરના લોકોનું નામનિશાન મિટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ખરું કે, દસ-કુળના રાજ્યએ જ્યારે મૂર્તિપૂજા કરી અને યહોવાનું માન્યું નહિ, ત્યારે તેઓને સજા કરવા યહોવાએ આશ્શૂરનો ઉપયોગ કર્યો હતો. પણ પછી આશ્શૂરે પોતે યરૂશાલેમ પર હુમલો કર્યો. કદાચ શેતાનનો હેતુ એ શાહી-વંશને મિટાવી દેવાનો હતો, જેમાંથી ઈસુ આવવાના હતા. પરંતુ એ હુમલો યહોવાના હેતુ મુજબ ન હતો. એટલે, તેમણે ચમત્કાર કરીને હુમલો કરનારાઓનો નાશ કર્યો અને પોતાના વફાદાર લોકોને બચાવ્યા.—૨ રાજા. ૧૯:૩૨-૩૫; યશા. ૧૦:૫, ૬, ૧૨-૧૫.

      બાબેલોન—ત્રીજું માથું

      ૯, ૧૦. (ક) યહોવાએ બાબેલોનીઓને શું કરવા દીધું? (ખ) ભવિષ્યવાણી પૂરી થાય એ માટે શું થવું જરૂરી હતું?

      ૯ યોહાને જોયેલાં જાનવરનું ત્રીજું માથું જે સત્તાને રજૂ કરતું હતું, એનું પાટનગર બાબેલોન હતું. યહોવાએ બાબેલોનીઓના હાથે યરૂશાલેમનો નાશ થવા દીધો અને પોતાના લોકોને ગુલામ બનાવીને લઈ જવા દીધા. જોકે એમ થવા દેતા પહેલાં, યહોવાએ બંડખોર ઈસ્રાએલીઓને ચેતવણી આપી હતી કે તેઓ પર આવી આફત આવી પડશે. (૨ રાજા. ૨૦:૧૬-૧૮) તેમણે પહેલેથી જણાવ્યું હતું કે યરૂશાલેમમાં “યહોવાના રાજ્યાસને” બેસતા રાજાઓનો તે અંત લાવશે. (૧ કાળ. ૨૯:૨૩) યહોવાએ એ વચન પણ આપ્યું કે રાજા દાઊદનો વારસ, જે “હકદાર” છે તે આવશે અને રાજગાદી પાછી મેળવશે.—હઝકી. ૨૧:૨૫-૨૭.

      ૧૦ બીજી એક ભવિષ્યવાણી જણાવતી હતી કે વચન આપ્યા પ્રમાણે, મસીહ કે અભિષિક્ત આવશે; એ સમયે યહુદીઓ હજી પણ યરૂશાલેમના મંદિરમાં ભક્તિ કરતા હશે. (દાની. ૯:૨૪-૨૭) ઈસ્રાએલીઓને બાબેલોનમાં ગુલામ બનાવીને લઈ જવાયા એ પહેલાં પણ એક ભવિષ્યવાણી લખાઈ હતી. એ જણાવતી હતી કે મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. (મીખા. ૫:૨) આ ભવિષ્યવાણીઓ પૂરી થાય એ માટે જરૂરી હતું કે યહુદીઓ ગુલામીમાંથી આઝાદ થાય, પોતાનાં વતન પાછા ફરે અને મંદિરને ફરીથી બાંધે. પરંતુ, બાબેલોનીઓ ક્યારેય ગુલામોને છોડતા ન હતા. તો પછી, એ કેવી રીતે શક્ય બન્યું? એનો જવાબ યહોવાએ પોતાના પ્રબોધકોને જણાવ્યો હતો.—આમો. ૩:૭.

      ૧૧. કઈ કઈ રીતે બાબેલોન સામ્રાજ્યની ઓળખ આપવામાં આવી? (ફૂટનોટ જુઓ.)

      ૧૧ બાબેલોનમાં લઈ જવાયેલા ગુલામોમાં પ્રબોધક દાનીયેલ પણ હતા. (દાની. ૧:૧-૬) યહોવાએ દાનીયેલ દ્વારા બાબેલોન પછી આવનાર જગત સત્તાઓ વિષે જણાવ્યું. યહોવાએ જુદી જુદી નિશાનીઓ દ્વારા એ રહસ્ય ખુલ્લું કર્યું. દાખલા તરીકે, તેમણે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને સપનામાં એક મોટી મૂર્તિ બતાવી, જે જુદી જુદી ધાતુની બનેલી હતી. (દાનીયેલ ૨:૧, ૧૯, ૩૧-૩૮ વાંચો.) દાનીયેલ દ્વારા યહોવાએ જણાવ્યું કે મૂર્તિનું સોનાનું માથું બાબેલોન સામ્રાજ્ય છે.b ચાંદીની છાતી અને હાથ, બાબેલોન પછીની જગત સત્તાને રજૂ કરતા હતા. એ જગત સત્તા કઈ હશે અને ઈશ્વરના લોકો સાથે કઈ રીતે વર્તશે?

      માદાય-ઈરાન—ચોથું માથું

      ૧૨, ૧૩. (ક) બાબેલોનની હાર વિષે યહોવાએ શું જણાવ્યું? (ખ) કઈ રીતે કહી શકાય કે માદાય-ઈરાન જંગલી જાનવરનું ચોથું માથું છે?

      ૧૨ દાનીયેલના સમયથી સોએક વર્ષ પહેલાં, યહોવાએ પ્રબોધક યશાયા દ્વારા વિગતવાર જણાવ્યું હતું કે કઈ જગત સત્તા બાબેલોનને જીતી લેશે. યહોવાએ ફક્ત એ જ કહ્યું ન હતું કે બાબેલોન શહેરને કઈ રીતે જીતી લેવામાં આવશે, તેમણે તો જીતનારનું નામ પણ જણાવ્યું હતું. એ આગેવાનનું નામ કોરેશ હતું, જે ઈરાનનો હતો. (યશા. ૪૪:૨૮–૪૫:૨) યહોવાએ દાનીયેલને માદાય-ઈરાનની જગત સત્તા વિષે બીજાં બે દર્શનો પણ આપ્યાં હતાં. એમાંનાં એકમાં, એ સત્તાને રીંછ જેવી બતાવવામાં આવી હતી, જેની એક બાજુનો પંજો ઊંચો હતો. તેને કહેવામાં આવ્યું કે ‘ઘણું માંસ ખા.’ (દાની. ૭:૫) બીજા એક દર્શનમાં દાનીયેલે આ બેવડી જગત સત્તાને રજૂ કરતો બે શિંગડાંવાળો એક મેંઢો જોયો.—દાની. ૮:૩, ૨૦.

      ૧૩ યહોવાએ ભવિષ્યવાણી કરી હતી તેમ, તેમણે માદાય-ઈરાન સામ્રાજ્ય દ્વારા બાબેલોનનું પતન કર્યું અને ઈસ્રાએલીઓને વતનમાં પાછા વસાવ્યા. (૨ કાળ. ૩૬:૨૨, ૨૩) પરંતુ, આ જ સત્તાએ સમય જતા ઈશ્વરના લોકોને મિટાવી દેવાની કોશિશ કરી. બાઇબલમાં એસ્તેરના પુસ્તકમાં નોંધેલો અહેવાલ એ વિષે જણાવે છે. હામાન નામે ઈરાનના એક મોટા અધિકારીએ કાવતરું રચ્યું. તેણે વિશાળ ઈરાન સામ્રાજ્યમાં વસતા સર્વ યહુદીઓનો સંહાર કરવાની ગોઠવણ કરી. તેઓની આખી કોમની કત્લેઆમ કરવા માટે તેણે એક તારીખ પણ નક્કી કરી. પરંતુ યહોવાએ એમ થવા દીધું નહિ. તેમણે ફરીથી પોતાના લોકોનું શેતાનના સંતાનના વેરભાવથી રક્ષણ કર્યું. (એસ્તે. ૧:૧-૩; ૩:૮, ૯; ૮:૩, ૯-૧૪) આમ, માદાય-ઈરાન યોગ્ય રીતે જ પ્રકટીકરણમાં જણાવેલા જાનવરનું ચોથું માથું છે.

      ગ્રીસ—પાંચમું માથું

      ૧૪, ૧૫. પ્રાચીન ગ્રીસ સામ્રાજ્ય વિષે યહોવાએ કઈ વિગતો જણાવી હતી?

      ૧૪ પ્રકટીકરણમાં જણાવેલ જંગલી જાનવરનું પાંચમું માથું ગ્રીસને રજૂ કરે છે. દાનીયેલે નબૂખાદનેસ્સારને સપનાનો અર્થ સમજાવ્યો હતો તેમ, મૂર્તિનું તાંબાનું પેટ અને જાંઘો આ જગત સત્તાને રજૂ કરતા હતા. યહોવાએ દાનીયેલને બીજાં બે દર્શનો પણ આપ્યાં હતાં. એમાં આ સામ્રાજ્ય કેવું હશે અને એના ખૂબ જ જાણીતા શાસક વિષે ધ્યાન ખેંચી લેતી વિગતો જણાવી હતી.

      ૧૫ એક દર્શનમાં દાનીયેલે ગ્રીસને દર્શાવતો ચાર પાંખોવાળો ચિત્તો જોયો. એ બતાવતું હતું કે આ સામ્રાજ્ય ઝડપથી એક પછી એક જીત મેળવતું જશે. (દાની. ૭:૬) બીજાં દર્શનમાં, દાનીયેલે જોયું કે એક મોટા શિંગડાંવાળો બકરો, બે શિંગડાંવાળા મેંઢાને એટલે કે માદાય-ઈરાનને આંખના પલકારામાં મારી નાંખે છે. યહોવાએ દાનીયેલને કહ્યું કે એ બકરો ગ્રીસ છે અને એનું મોટું શિંગડું, એના રાજાઓમાંના એકને બતાવે છે. દાનીયેલે આગળ લખ્યું કે એ મોટું શિંગડું તૂટી જશે અને એની જગ્યાએ ચાર નાનાં શિંગડાં ઊગશે. ખરું કે ગ્રીસ જગત સત્તા બન્યું એની સદીઓ પહેલાં આ ભવિષ્યવાણી લખવામાં આવી હતી, તોપણ એની એકેએક વિગત સાચી પડી. મોટું શિંગડું, મહાન સિકંદરને રજૂ કરતું હતું. પ્રાચીન ગ્રીસના આ ખૂબ જાણીતા રાજાએ માદાય-ઈરાન સામેની લડાઈમાં આગેવાની લીધી હતી. પરંતુ આ શિંગડું જલદી જ તૂટી ગયું, એટલે કે સિકંદર અચાનક મરણ પામ્યો. એ વખતે તે ફક્ત ૩૨ વર્ષનો હતો અને તેની તાકાત આકાશને આંબતી હતી. પછી તેનું સામ્રાજ્ય આખરે તેના ચાર સેનાપતિઓમાં વહેંચાઈ ગયું.—દાનીયેલ ૮:૨૦-૨૨ વાંચો.

      ૧૬. અંત્યોખસ ચોથાએ શું કર્યું?

      ૧૬ ઈરાનને જીતી લીધા પછી, ગ્રીસે ઈસ્રાએલ પર રાજ કર્યું. ત્યાં સુધીમાં યહુદીઓ વચન આપેલા દેશમાં ફરીથી વસી ગયા હતા અને તેઓએ યરૂશાલેમમાં ફરીથી મંદિર પણ બાંધી દીધું હતું. તેઓ હજી ઈશ્વરના પસંદ કરાયેલા લોકો હતા અને જે મંદિર ફરી બંધાયું હતું, એ હજી પણ સાચી ભક્તિનું સ્થાન હતું. પરંતુ, ઈ.સ. પૂર્વે બીજી સદીમાં જંગલી જાનવરના પાંચમા માથાં, ગ્રીસે ઈશ્વરના લોકો પર હુમલો કર્યો. કઈ રીતે? સિકંદરના ભાગલા પડેલા સામ્રાજ્યના એક વારસ, અંત્યોખસ ચોથાએ યરૂશાલેમના મંદિરમાં મૂર્તિપૂજા માટે એક વેદી બાંધી. તેણે જે કોઈ યહુદી ધર્મ પાળે તેને મોતની સજા ઠરાવી. શેતાનના સંતાને ધિક્કાર બતાવવા કરેલું કેવું નીચ કામ! જોકે, જલદી જ બીજી એક જગત સત્તાએ ગ્રીસનું સ્થાન લીધું. જંગલી જાનવરનું એ છઠ્ઠું માથું કોણ હતું?

      રોમ—છઠ્ઠું માથું, “ભયંકર, મજબૂત”

      ૧૭. ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી કરવા છઠ્ઠા માથાએ કયો મહત્ત્વનો ભાગ ભજવ્યો?

      ૧૭ યોહાનને જંગલી જાનવરનું દર્શન થયું ત્યારે રોમ જગત સત્તા હતું. (પ્રકટી. ૧૭:૧૦) આ છઠ્ઠા માથાએ ઉત્પત્તિ ૩:૧૫માં નોંધેલી ભવિષ્યવાણીને પૂરી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. શેતાને રોમન અધિકારીઓ દ્વારા સંતાનની ‘એડી છૂંદીને’ એને ઘાયલ કર્યું. કઈ રીતે? તેઓએ ઈસુ પર બળવાખોર હોવાના જૂઠા આરોપો મૂકીને ગુનેગાર ઠરાવ્યા અને તેમને મારી નાખ્યા. (માથ. ૨૭:૨૬) પરંતુ એ ઘા જલદી જ રુઝાઈ ગયો, કેમ કે યહોવાએ ઈસુને ફરીથી જીવતા કર્યા.

      ૧૮. (ક) યહોવાએ કઈ નવી પ્રજાને પસંદ કરી અને શા માટે? (ખ) સર્પનું સંતાન કઈ રીતે સ્ત્રીના સંતાન પ્રત્યે વેરભાવ બતાવતું રહ્યું?

      ૧૮ ઈસ્રાએલના ધર્મગુરુઓએ રોમ સાથે મળીને ઈસુ વિરુદ્ધ કાવતરું કર્યું. ઈસ્રાએલ દેશના મોટા ભાગના લોકોએ પણ ઈસુનો મસીહ તરીકે નકાર કર્યો. એટલે, યહોવાએ પણ ઈસ્રાએલનો પોતાના લોકો તરીકે નકાર કર્યો. (માથ. ૨૩:૩૮; પ્રે.કૃ. ૨:૨૨, ૨૩) તેમણે હવે નવી પ્રજા પસંદ કરી, જે પ્રજા ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ કહેવાઈ. (ગલા. ૩:૨૬-૨૯; ૬:૧૬) એ પ્રજા એટલે અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલું મંડળ, જેમાં યહુદીઓ અને બીજી પ્રજાઓના લોકોનો સમાવેશ થતો હતો. (એફે. ૨:૧૧-૧૮) ઈસુના મરણ અને સજીવન થયા પછી, સર્પનું સંતાન સ્ત્રીના સંતાન પ્રત્યે વેરભાવ બતાવતું રહ્યું. રોમે અનેક વાર સંતાનનો બીજો ભાગ, એટલે કે ખ્રિસ્તી મંડળને મિટાવી દેવાની કોશિશ કરી.c

      ૧૯. (ક) દાનીયેલ કઈ રીતે છઠ્ઠી જગત સત્તાનું વર્ણન કરે છે? (ખ) બીજો લેખ શાની ચર્ચા કરશે?

      ૧૯ દાનીયેલે નબૂખાદનેસ્સારને આવેલા સપનાનો અર્થ જણાવ્યો એ પ્રમાણે, લોઢાના પગ રોમની સત્તાને રજૂ કરતા હતા. (દાની. ૨:૩૩) દાનીયેલે જોયેલું બીજું એક દર્શન રોમન સામ્રાજ્ય વિષે જણાવે છે. રોમમાંથી ઊભી થતી એ પછીની જગત સત્તા વિષે પણ એ દર્શનમાં વર્ણન થયું છે. (દાનીયેલ ૭:૭, ૮ વાંચો.) સદીઓ સુધી રોમ એના દુશ્મનો માટે “ભયંકર, મજબૂત અને અતિશય બળવાન” જાનવર જેવું હતું. પરંતુ ભવિષ્યવાણી પ્રમાણે, આ સામ્રાજ્યમાંથી “દસ શિંગડાં” ફૂટી નીકળવાનાં હતાં અને એમાંથી ખાસ કરીને એક નાનું શિંગડું આગળ પડતું બનવાનું હતું. આ દસ શિંગડાં શું છે અને નાના શિંગડાંની ઓળખ શું છે? નબૂખાદનેસ્સારે જોયેલી મોટી મૂર્તિના કયા ભાગનું વર્ણન નાના શિંગડાં સાથે બંધબેસે છે? પાન ૧૬ ઉપરનો લેખ એના જવાબ આપશે. (w12-E 06/15)

      [ફુટનોટ્‌સ]

      a આ સ્ત્રી યહોવાની પત્ની જેવા સંગઠનને રજૂ કરે છે, જે સ્વર્ગના દૂતોનું બનેલું છે.—યશા. ૫૪:૧; ગલા. ૪:૨૬; પ્રકટી. ૧૨:૧, ૨.

      b દાનીયેલના પુસ્તકમાં જણાવેલી મૂર્તિનું માથું અને પ્રકટીકરણમાં વર્ણન કરેલા જંગલી જાનવરનું ત્રીજું માથું બાબેલોનને બતાવે છે. પાન ૧૪-૧૫ ઉપરનો ચાર્ટ જુઓ.

      c ખરું કે રોમે યરૂશાલેમનો ઈ.સ. ૭૦માં નાશ કર્યો હતો, પણ રોમના એ હુમલાને ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થવા સાથે કોઈ સંબંધ ન હતો. કારણ, ત્યાં સુધીમાં ઈસ્રાએલના લોકો ઈશ્વરની પસંદ કરેલી પ્રજા રહ્યા ન હતા.

  • “જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે” એનું રહસ્ય યહોવા ખોલે છે
    ચોકીબુરજ—૨૦૧૨ | જૂન ૧
    • “જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે” એનું રહસ્ય યહોવા ખોલે છે

      “ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કહી દેખાડવા માટે ઈશ્વરે તેને આપ્યું તે.”—પ્રકટી. ૧:૧.

      તમે કેવો જવાબ આપશો?

      મોટી મૂર્તિના કયા ભાગો એંગ્લો-અમેરિકન જગત સત્તાને રજૂ કરે છે?

      એંગ્લો-અમેરિકન જગત સત્તા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ વચ્ચેનો સંબંધ યોહાન કેવી રીતે દર્શાવે છે?

      દાનીયેલ અને યોહાન માનવ સરકારોના અંતનું કેવું વર્ણન કરે છે?

      ૧, ૨. (ક) દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓ આપણને શું સમજવા મદદ કરે છે? (ખ) જંગલી જાનવરનાં પહેલા છ માથાં શાને રજૂ કરે છે?

      દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓને એકસાથે જોઈએ તો, આપણે દુનિયામાં હમણાં બની રહેલા તેમ જ ભવિષ્યમાં બનનાર બનાવોનો અર્થ સમજી શકીશું. યોહાને દર્શનમાં જોયેલું જંગલી જાનવર, દાનીયેલના અહેવાલમાંનું દસ શિંગડાંવાળું ભયંકર જાનવર અને દાનીયેલે જેનો અર્થ સમજાવ્યો એ મોટી મૂર્તિ, આ ત્રણેયને એકબીજા સાથે સરખાવવાથી આપણે શું શીખી શકીએ? આ ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવવાથી આપણને શું કરવા પ્રેરણા મળશે?

      ૨ ચાલો આપણે દાનીયેલને થયેલા જંગલી જાનવરના દર્શન વિષે જોઈએ. (પ્રકટી., તેરમો અધ્યાય) અગાઉના લેખમાં જોઈ ગયા તેમ, જાનવરનાં પહેલા છ માથાં ઇજિપ્ત, આશ્શૂર, બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ અને રોમને રજૂ કરતા હતાં. આ બધી સત્તાઓએ સ્ત્રીના સંતાન માટે ધિક્કાર બતાવ્યો હતો. (ઉત. ૩:૧૫) યોહાને પોતાને થયેલા દર્શન વિષે લખ્યું એ પછી સદીઓ સુધી, છઠ્ઠું માથું રોમ એક મુખ્ય જગત સત્તા તરીકે ટકી રહ્યું. આખરે રોમનું સ્થાન સાતમું માથું લેવાનું હતું. એ કઈ જગત સત્તા હતી? સ્ત્રીના સંતાન સાથે એ કેવી રીતે વર્તવાની હતી?

      બ્રિટન અને અમેરિકા શક્તિશાળી બને છે

      ૩. દસ શિંગડાંવાળું ભયંકર જાનવર શાને રજૂ કરે છે? એનાં દસ શિંગડાં શાને રજૂ કરે છે?

      ૩ પ્રકટીકરણના તેરમા અધ્યાયમાં જણાવેલા, જંગલી જાનવરના સાતમા માથાની ઓળખ આપણે કઈ રીતે મેળવી શકીએ? યોહાનના દર્શનને દાનીયેલના દર્શનમાંના દસ શિંગડાંવાળા ભયંકર જાનવર સાથે સરખાવવાથી.a (દાનીયેલ ૭:૭, ૮, ૨૩, ૨૪ વાંચો.) દાનીયેલે જોયેલું જાનવર રોમન જગત સત્તાને રજૂ કરે છે. (પાન ૧૪-૧૫ ઉપર ચાર્ટ જુઓ.) પાંચમી સદીમાં રોમન સામ્રાજ્યના ભાગલા પડવા લાગ્યા. ભયંકર જાનવરના માથામાં ફૂટી નીકળતાં દસ શિંગડાં એ સામ્રાજ્યમાંથી નીકળતી બીજી સત્તાઓને રજૂ કરે છે.

      ૪, ૫. (ક) નાના શિંગડાંએ શું કર્યું? (ખ) જંગલી જાનવરના સાતમા માથાની ઓળખ શું છે?

      ૪ ભયંકર જાનવરના માથામાંથી નીકળતાં ચાર શિંગડાં કે સત્તાઓનો ખાસ અર્થ રહેલો છે. ત્રણ શિંગડાઓને એક “નાનું શિંગડું” ઉખેડી નાંખે છે. રોમન સામ્રાજ્યનો એક સમયનો ભાગ, બ્રિટન, સમય જતાં મોટી સત્તા બને છે ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થાય છે. સત્તરમી સદી સુધી બ્રિટન શક્તિશાળી સત્તા બન્યું ન હતું. એ સમયે જૂના રોમન સામ્રાજ્યના ત્રણ ભાગો સ્પેન, નેધરલૅન્ડ અને ફ્રાંસ ઘણા શક્તિશાળી હતા. બ્રિટને તેઓને એક પછી એક ઉથલાવી નાખ્યાં અને તેઓથી વધારે શક્તિશાળી બની ગયું. અઢારમી સદીના મધ્ય ભાગમાં બ્રિટન દુનિયામાં સૌથી શક્તિશાળી સત્તા બનવા જઈ રહ્યું હતું. તોપણ, એ હજી જંગલી જાનવરનું સાતમું માથું બન્યું ન હતું.

      ૫ ભલે બ્રિટન સૌથી શક્તિશાળી બન્યું, પણ ઉત્તર અમેરિકાની વસાહતોએ બળવો કર્યો અને અમેરિકા દેશ બન્યો. તેમ છતાં, બ્રિટને અમેરિકાને શક્તિશાળી બનતા અટકાવ્યું નહિ. અરે, પોતાના નૌકા સૈન્યથી એનું રક્ષણ પણ કર્યું. પ્રભુનો દિવસ ૧૯૧૪માં શરૂ થયો ત્યાં સુધીમાં, બ્રિટન ઇતિહાસનું સૌથી મોટું સામ્રાજ્ય બની ચૂક્યું હતું અને અમેરિકાના ઉદ્યોગોનો દુનિયાભરમાં ડંકો વાગતો હતો.b પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન, અમેરિકા બ્રિટનનું ખાસ જોડીદાર બન્યું. આમ, જંગલી જાનવરનું સાતમું માથું એંગ્લો-અમેરિકન જગત સત્તા બન્યું. આ સાતમું માથું સ્ત્રીના સંતાન સાથે કઈ રીતે વર્ત્યું?

      ૬. સાતમું માથું ઈશ્વરના લોકો સાથે કેવી રીતે વર્ત્યું?

      ૬ પ્રભુનો દિવસ શરૂ થયો એના થોડા સમય પછી, સાતમા માથાએ ઈશ્વરના લોકો પર હુમલો કર્યો. આ લોકો પૃથ્વી પર ખ્રિસ્તના ભાઈઓમાંથી બાકી રહેલા ઈશ્વરભક્તો હતા. (માથ. ૨૫:૪૦) ઈસુએ જણાવ્યું હતું કે પ્રભુના દિવસની શરૂઆતમાં, સંતાનનો બાકી રહેલો ભાગ પૃથ્વી પર તેમણે સોંપેલું કામ કરતો હશે. (માથ. ૨૪:૪૫-૪૭; ગલા. ૩:૨૬-૨૯) એંગ્લો-અમેરિકન જગત સત્તા આ પવિત્ર લોકો સામે લડી. (પ્રકટી. ૧૩:૩, ૭) આ સત્તાએ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઈશ્વરના લોકોની સતાવણી કરી, તેઓનાં અમુક સાહિત્ય પર પ્રતિબંધ મૂક્યો અને વિશ્વાસુ ચાકર વર્ગના આગેવાનોને જેલમાં પૂરી દીધા. સાતમા માથાએ થોડા સમય માટે પ્રચાર કાર્યને લગભગ બંધ કરી દીધું હતું. યહોવા જાણતા હતા કે આમ થશે અને તેમણે એ વિષે યોહાનને જણાવ્યું હતું. તેમણે યોહાનને એ પણ જણાવ્યું હતું કે સંતાનનો બીજો ભાગ જોરશોરથી પ્રચાર કામ કરવા ફરીથી ઊઠશે. (પ્રકટી. ૧૧:૩, ૭-૧૧) યહોવાના સેવકોનો આપણા સમયનો ઇતિહાસ જણાવે છે કે એ મુજબ જ બન્યું હતું.

      એંગ્લો-અમેરિકન જગત સત્તા તથા લોઢા અને માટીના પગના પંજા

      ૭. જંગલી જાનવરનું સાતમું માથું અને મોટી મૂર્તિ વચ્ચે શો સંબંધ છે?

      ૭ જંગલી જાનવરના સાતમા માથા અને મોટી મૂર્તિ વચ્ચે શો સંબંધ છે? અમેરિકા બ્રિટનમાંથી છૂટું પડ્યું હતું અને બ્રિટન રોમન સામ્રાજ્યમાંથી આવ્યું હતું. એટલે આપણે કહી શકીએ કે અમેરિકા પણ રોમન સામ્રાજ્યમાંથી આવ્યું હતું. મૂર્તિના પગની પાટલીઓ કે પંજા વિષે શું? એનું વર્ણન લોઢા અને માટીના મિશ્રણ તરીકે થયું છે. (દાનીયેલ ૨:૪૧-૪૩ વાંચો.) આ વર્ણન એ જ બનાવની વાત કરે છે, જ્યારે જંગલી જાનવરનું સાતમું માથું દેખાશે. સાતમું માથું એટલે એંગ્લો-અમેરિકન જગત સત્તા. એકલા લોઢાની બનેલી વસ્તુ કરતાં, લોઢા અને માટીના મિશ્રણની બનેલી વસ્તુ નબળી હોય છે. એ જ રીતે, એંગ્લો-અમેરિકન જગત સત્તા જે સત્તામાંથી નીકળી છે એના કરતાં નબળી છે. એમ કઈ રીતે?

      ૮, ૯. (ક) કેવી રીતે સાતમા માથાએ લોઢા જેવી તાકાત દેખાડી? (ખ) મૂર્તિના પગના પંજાની માટી શાને રજૂ કરે છે?

      ૮ અમુક વાર જાનવરના સાતમા માથાએ લોઢા જેવો સ્વભાવ બતાવ્યો. દાખલા તરીકે, એણે પહેલું વિશ્વયુદ્ધ જીતીને પોતાની તાકાતનો પરચો બતાવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાતમા માથાની લોઢા જેવી તાકાત પણ જોઈ શકાતી હતી.c એ યુદ્ધ પછી પણ સાતમા માથાએ કેટલીક વાર પોતાની લોઢા જેવી શક્તિ દેખાડી. જોકે, એ પહેલાંથી એ લોઢા સાથે માટી ભળી હતી.

      ૯ યહોવાના સેવકો લાંબા સમયથી એ મૂર્તિના પગના પંજાનો અર્થ જાણવા માગતા હતા. દાનીયેલ ૨:૪૧ વર્ણન કરે છે તેમ લોઢા અને માટીનું મિશ્રણ, અનેક નહિ પણ એક “રાજ્ય”ને રજૂ કરે છે. એટલે માટી એંગ્લો-અમેરિકન જગત સત્તામાં રહેલી એવી બાબતોને રજૂ કરે છે, જે એ સત્તાને લોઢા જેવા રોમન સામ્રાજ્યથી નબળી બનાવે છે. માટી “માણસોના સંતાન” એટલે કે સામાન્ય લોકોને રજૂ કરે છે. (દાની. ૨:૪૩) એંગ્લો-અમેરિકન જગત સત્તામાં લોકોએ પોતાના હક્કો મેળવવા અવાજ ઉઠાવ્યો છે. એ માટે તેઓએ નાગરિક હક્કોની ઝુંબેશો, મજૂર સંઘો અને આઝાદીની ચળવળોનો સહારો લીધો છે. સામાન્ય લોકોએ એંગ્લો-અમેરિકન જગત સત્તાની લોઢાની જેમ વર્તવાની શક્તિને નબળી પાડી દીધી છે. ઉપરાંત, રાજકારણમાં લોકોના અલગ અલગ વિચારો છે અને જાણીતા આગેવાનો ચૂંટણીમાં ખૂબ ઓછા મતોથી જીતે છે. એટલે તેઓ પાસે પોતે આપેલાં વચનો પાળવાનો પૂરતો અધિકાર નથી. દાનીયેલે જણાવ્યું: “તે રાજ્યનો એક ભાગ બળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે.”—દાની. ૨:૪૨; ૨ તીમો. ૩:૧-૩.

      ૧૦, ૧૧. (ક) પગના પંજાનું ભાવિ શું છે? (ખ) આપણે પગનાં આંગળાંની સંખ્યા વિષે શું સમજણ મેળવી?

      ૧૦ એકવીસમી સદીમાં પણ બ્રિટન અને અમેરિકા એકબીજાના જોડીદાર રહ્યા છે. તેઓ દુનિયાની મહત્ત્વની બાબતોમાં મોટા ભાગે એકબીજાને સાથ આપે છે. મોટી મૂર્તિ અને જંગલી જાનવર વિષેની ભવિષ્યવાણીઓ સાબિત કરે છે કે એંગ્લો-અમેરિકન જગત સત્તા પછી બીજી કોઈ જગત સત્તા આવશે નહિ. ભલે આ છેલ્લી જગત સત્તા, લોઢાના પગ દ્વારા રજૂ થતી અગાઉની જગત સત્તા, રોમ કરતાં નબળી હોય, પણ એનો પોતાની મેળે અંત નહિ આવે.

      ૧૧ શું મૂર્તિના પગનાં આંગળાંનો કોઈ ખાસ અર્થ રહેલો છે? વિચાર કરો કે બીજાં દર્શનોમાં, દાનીયેલે ચોક્કસ સંખ્યા જણાવી હતી. જેમ કે, જુદાં જુદાં જાનવરોનાં માથાંનાં શિંગડાંની સંખ્યા. એ સંખ્યા મહત્ત્વની છે. પરંતુ, દાનીયેલે મૂર્તિનું વર્ણન કર્યું ત્યારે પગનાં આંગળાંની સંખ્યા વિષે કંઈ જણાવ્યું ન હતું. એટલે, જેમ મૂર્તિને એક કરતાં વધારે હાથ-પગ, આંગળાં અને પગના પંજા હતા, પણ એની સંખ્યાનું કોઈ મહત્ત્વ નથી, તેમ પગનાં આંગળાંની સંખ્યાનું પણ કોઈ મહત્ત્વ નથી. પરંતુ, દાનીયેલે એ ચોક્કસ જણાવ્યું હતું કે પગના આંગળાં લોઢા અને માટીના હશે. તેમના વર્ણન પરથી આપણે આ સમજણ મેળવીએ છીએ: ઈશ્વરના રાજ્યને રજૂ કરતી “શિલા” મૂર્તિના પગના પંજા સાથે અથડાશે ત્યારે, એંગ્લો-અમેરિકન જગત સત્તા રાજ કરતી હશે.—દાની. ૨:૪૫.

      એંગ્લો-અમેરિકા અને બે શિંગડાંવાળું જંગલી જાનવર

      ૧૨, ૧૩. બે શિંગડાંવાળું જંગલી જાનવર શાને રજૂ કરે છે? એ શું કરે છે?

      ૧૨ એંગ્લો-અમેરિકન જગત સત્તા લોઢા અને માટીનું મિશ્રણ છે. તોપણ, ઈસુએ યોહાનને આપેલાં દર્શનો બતાવે છે કે છેલ્લા દિવસોમાં એ જગત સત્તા મહત્ત્વની ભૂમિકા ભજવતી રહેશે. કેવી રીતે? યોહાને દર્શનમાં બે શિંગડાંવાળું જંગલી જાનવર જોયું, જે અજગરની જેમ બોલતું હતું. એ અજાયબ જાનવર શાને રજૂ કરે છે? એનાં બે શિંગડાં બેવડી સત્તાને રજૂ કરે છે. આમ, એ દર્શનમાં યોહાન એંગ્લો-અમેરિકન જગત સત્તાને ખાસ ભૂમિકા ભજવતી જુએ છે.—પ્રકટીકરણ ૧૩:૧૧-૧૫ વાંચો.

      ૧૩ આ જાનવર, સાત માથાવાળા જંગલી જાનવરની મૂર્તિ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. યોહાને લખ્યું કે જાનવરની એ મૂર્તિ દેખાશે, ગાયબ થઈ જશે અને પાછી દેખાશે. બ્રિટન અને અમેરિકાએ જે સંસ્થા સ્થાપવા પાછળ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એની સાથે એવું જ થયું. એ સંસ્થા દુનિયાના દેશોને એક કરવા અને તેઓ વતી બોલવા માટે શરૂ કરવામાં આવી હતી.d એ સંસ્થા પહેલા વિશ્વયુદ્ધ પછી દેખાઈ અને લીગ ઓફ નેશન્સ તરીકે જાણીતી થઈ. પરંતુ, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે એ ગાયબ થઈ ગઈ. એ યુદ્ધ દરમિયાન, ઈશ્વરના લોકોએ જાહેર કર્યું કે પ્રકટીકરણની ભવિષ્યવાણી મુજબ, જંગલી જાનવરની એ મૂર્તિ પાછી દેખાશે. એ સંયુક્ત રાષ્ટ્રસંઘ તરીકે પાછી દેખાઈ!—પ્રકટી. ૧૭:૮.

      ૧૪. જંગલી જાનવરની મૂર્તિ કયા અર્થમાં “આઠમો” રાજા છે?

      ૧૪ જાનવરની મૂર્તિનું ‘આઠમા’ રાજા તરીકે યોહાન વર્ણન કરે છે. કયા અર્થમાં? જંગલી જાનવરના આઠમા માથા તરીકે એનું વર્ણન કરવામાં આવ્યું નથી. એ તો જાનવરની ફક્ત મૂર્તિ જ છે. જે કંઈ સત્તા એને મળે છે, એ એના સભ્ય દેશો પાસેથી આવે છે, ખાસ કરીને એને મુખ્ય ટેકો આપનાર, એંગ્લો-અમેરિકન જગત સત્તા પાસેથી. (પ્રકટી. ૧૭:૧૦, ૧૧) જોકે, એને એવી સત્તા મળે છે, જેથી એ રાજા તરીકે વર્તીને એક ખાસ કામ કરે. એ કામથી એવા બનાવોની હારમાળા શરૂ થશે, જે ઇતિહાસ બદલી નાખશે.

      જાનવરની મૂર્તિ દ્વારા વેશ્યાનો નાશ

      ૧૫, ૧૬. વેશ્યા શાને દર્શાવે છે અને તેને ટેકો આપનારાને શું થયું છે?

      ૧૫ યોહાનના જણાવ્યા પ્રમાણે, ઘેરા લાલ રંગના જંગલી જાનવર પર સવાર એક વેશ્યા એના પર અધિકાર ચલાવે છે. આ જાનવર, સાત માથાવાળા જંગલી જાનવરની મૂર્તિ છે. એના પર સવાર વેશ્યાનું નામ “મહાન બાબેલોન” છે. (પ્રકટી. ૧૭:૧-૬) આ વેશ્યા બધા જૂઠા ધર્મો, ખાસ કરીને કહેવાતા ખ્રિસ્તી ધર્મના બધા ચર્ચને બરાબર બંધબેસે છે. ધાર્મિક સંગઠનોએ જંગલી જાનવરની મૂર્તિને આશીર્વાદ આપ્યો છે અને એને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો છે.

      ૧૬ જોકે, પ્રભુના દિવસ દરમિયાન, મહાન બાબેલોને પાણીને ઝડપથી સૂકાઈ જતા જોયું છે; આ પાણી એને ટેકો આપતા લોકો છે. (પ્રકટી. ૧૬:૧૨; ૧૭:૧૫) દાખલા તરીકે, જાનવરની મૂર્તિ પહેલી વાર દેખાઈ ત્યારે મહાન બાબેલોનનો મહત્ત્વનો ભાગ, એટલે કે કહેવાતા ખ્રિસ્તી ધર્મના બધા ચર્ચની પશ્ચિમના દેશો પર ભારે પકડ હતી. આજે, ચર્ચ અને એના પાદરીઓ લોકોની નજરમાંથી ઊતરી ગયા છે. અરે, તેઓએ લોકોનો ટેકો પણ ગુમાવી દીધો છે. ઘણા લોકો માને છે કે લડાઈઓ પાછળ ધર્મોનો હાથ છે અથવા બધી તકલીફોનું મૂળ ધર્મો છે. બીજાઓ તો ખુલ્લેઆમ ત્યાં સુધી કહે છે કે દુનિયામાંથી બધા ધર્મોને મિટાવી દેવા જોઈએ.

      ૧૭. જૂઠા ધર્મોનું જલદી જ શું થવાનું છે? શા માટે?

      ૧૭ પરંતુ, જૂઠા ધર્મો કંઈ ધીરે ધીરે જતા નહિ રહે. જેઓ પાસે સત્તા છે તેઓના દિલમાં ઈશ્વર વિચાર મૂકશે ત્યાં સુધી, વેશ્યા શક્તિશાળી રહેશે અને દુનિયાના રાજાઓને પોતાની ઇચ્છા પ્રમાણે કરાવવાનો પ્રયત્ન કરશે. (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭ વાંચો.) સંયુક્ત રાષ્ટ્રસંઘ, જે શેતાનની દુનિયાની સત્તાઓને રજૂ કરે છે, એને યહોવા જલદી જ જૂઠા ધર્મો પર હુમલો કરવા પ્રેરશે. એ સત્તાઓ વેશ્યાની અસર મિટાવી દેશે અને તેની ધનદોલતને ખેદાનમેદાન કરી નાખશે. વીસ-ત્રીસ વર્ષો પહેલાં એવું લાગતું હતું કે આવું નહિ થાય. પણ આજે ઘેરા લાલ રંગના જંગલી જાનવરની પીઠ પર બેઠેલી વેશ્યા ડગમગી રહી છે. તોપણ, એ ધીમેથી ગબડી નહિ પડે. તે અચાનક ગબડી પડશે અને નાશ પામશે.—પ્રકટી. ૧૮:૭, ૮, ૧૫-૧૯.

      જાનવરોનો આખરે વિનાશ!

      ૧૮. (ક) જંગલી જાનવર શું કરશે? એનું શું પરિણામ આવશે? (ખ) દાનીયેલ ૨:૪૪ મુજબ, ઈશ્વરનું રાજ્ય કઈ સરકારોનો નાશ કરશે? (પાન ૧૯ ઉપરનું બૉક્સ જુઓ.)

      ૧૮ જૂઠા ધર્મોનો નાશ થયા પછી, દેખીતી રીતે જ ઈશ્વરના રાજ્ય પર હુમલો કરવા જંગલી જાનવરને, એટલે કે શેતાનની પૃથ્વી પરની રાજકીય ગોઠવણને પ્રેરવામાં આવશે. પૃથ્વીના રાજાઓ સ્વર્ગ સુધી પહોંચી શકતા નથી. એટલે તેઓ પૃથ્વી પર ઈશ્વરના રાજ્યને ટેકો આપતા લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવશે. એનું જે પરિણામ આવશે એ ચોક્કસ છે. (પ્રકટી. ૧૬:૧૩-૧૬; ૧૭:૧૨-૧૪) દાનીયેલ છેલ્લી લડાઈના એક ભાગ વિષે વર્ણન કરે છે. (દાનીયેલ ૨:૪૪ વાંચો.) પ્રકટીકરણ ૧૩:૧માં જણાવેલા જંગલી જાનવર, એની મૂર્તિ અને બે શિંગડાંવાળા જંગલી જાનવરનો નાશ કરવામાં આવશે.

      ૧૯. આપણે કેવો ભરોસો રાખી શકીએ? આપણે હમણાં શું કરવું જોઈએ?

      ૧૯ આપણે સાતમા માથાના સમયમાં જીવી રહ્યા છીએ. આ જાનવરનો નાશ થાય એ પહેલાં એના પર કોઈ નવું માથું દેખાશે નહિ. જૂઠા ધર્મો નાબૂદ થશે એ સમયે, એંગ્લો-અમેરિકન જગત સત્તા દુનિયાની શક્તિશાળી સત્તા હશે. દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓની નાનામાં નાની વિગતો પૂરી થઈ છે. આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે જલદી જ જૂઠા ધર્મોનો નાશ અને આર્માગેદનની લડાઈ થશે. ઈશ્વરે આ બધી વિગતો અગાઉથી જણાવી છે. ભવિષ્યવાણીમાં આપેલી ચેતવણીઓને શું આપણે ધ્યાન આપીશું? (૨ પીત. ૧:૧૯) આ જ સમય છે કે આપણે યહોવાના પક્ષે ઊભા રહીએ અને તેમના રાજ્યને ટેકો આપીએ.—પ્રકટી. ૧૪:૬, ૭. (w12-E 06/15)

      [ફુટનોટ્‌સ]

      a બાઇબલમાં દસનો આંકડો મોટા ભાગે પૂરેપૂરી સંખ્યાને દર્શાવે છે. આ કિસ્સામાં, રોમન સામ્રાજ્યમાંથી નીકળતી બધી સત્તાઓને રજૂ કરે છે.

      b બ્રિટન અને અમેરિકા બંને અઢારમી સદીથી હતા. તોપણ, યોહાને જોયેલું દર્શન બતાવે છે કે પ્રભુના દિવસની શરૂઆતમાં એ બંને દેશો એક જગત સત્તા બનશે. પ્રકટીકરણનાં દર્શનો ‘પ્રભુના દહાડા’ વિષેની ભવિષ્યવાણીઓ હતી. (પ્રકટી. ૧:૧૦) પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટન અને અમેરિકાએ એક જગત સત્તા તરીકે સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું.

      c દાનીયેલે પહેલેથી જણાવ્યું હતું કે આ રાજા ભયંકર વિનાશ લાવશે. તેમણે એ વિષે લખ્યું: “તે અદ્‍ભુત [ભયાનક] રીતે નાશ કરશે.” (દાની. ૮:૨૪) દાખલા તરીકે, બેવડી જગત સત્તાના દુશ્મન પર અમેરિકાએ બે અણુબૉમ્બ ફેંકીને, પહેલાં કદી થયો ન હોય એવો ભારે વિનાશ કર્યો હતો.

      d પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પાન ૨૪૦, ૨૪૧, ૨૫૩ જુઓ.

      [પાન ૧૯ પર બોક્સ]

      “આ સઘળાં રાજ્યો” શાને બતાવે છે?

      દાનીયેલ ૨:૪૪ની ભવિષ્યવાણી જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય ‘આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે.’ આ ભવિષ્યવાણી ફક્ત મૂર્તિના જુદા જુદા ભાગો દ્વારા રજૂ થતી સત્તાઓ વિષે જ વાત કરે છે.

      બીજી બધી માનવ સરકારો વિષે શું? પ્રકટીકરણમાં એના જેવી જ ભવિષ્યવાણી એ વિષે વધારે જણાવે છે. એ જણાવે છે કે “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” માટે ‘આખા જગતના રાજાઓને’ યહોવા વિરુદ્ધ એકઠા કરાશે. (પ્રકટી. ૧૬:૧૪; ૧૯:૧૯-૨૧) એટલે, મૂર્તિ દ્વારા રજૂ થયેલાં રાજ્યો જ નહિ, પણ બધી માનવ સરકારોનો આર્માગેદનમાં નાશ થશે.

  • આઠ રાજાઓની ઓળખ થઈ
    ચોકીબુરજ—૨૦૧૨ | જૂન ૧
    • આઠ રાજાઓની ઓળખ થઈ

      દાનીયેલ અને પ્રકટીકરણનાં પુસ્તકો એકસાથે જોતા જાણવા મળે છે કે આઠ રાજાઓ કે માનવ સત્તાઓ કોણ છે અને એ કયા ક્રમમાં દેખાશે. આપણે બાઇબલમાં નોંધેલી સૌથી પહેલી ભવિષ્યવાણી સમજીએ તેમ, એ ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવી શકીશું.

      ઇતિહાસ બતાવે છે કે શેતાને ધર્મો અને લશ્કરો ઉપરાંત ઘણી સરકારો કે સત્તાઓને પોતાના સંતાનનો ભાગ બનાવ્યા છે. (લુક ૪:૫, ૬) જોકે, એમાંથી અમુક જ સત્તાઓએ ઈશ્વરના લોકો પર ઊંડી અસર કરી છે, પછી ભલે એ ઈસ્રાએલની પ્રજા હોય કે અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ હોય. દાનીયેલ અને યોહાનને થયેલાં દર્શનોમાં એવી ફક્ત આઠ મહા-સત્તાઓનું વર્ણન થયું છે. (w12-E 06/15)

      [પાન ૧૪, ૧૫ પર ચાર્ટ/ચિત્રો]

      (લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

      દાનીયેલની પ્રકટીકરણની

      ભવિષ્યવાણીઓ ભવિષ્યવાણીઓ

      ૧. ઇજિપ્ત

      ૨. આશ્શૂર

      ૩. બાબેલોન

      ૪. માદાય-ઈરાન

      ૫. ગ્રીસ

      ૬. રોમ

      ૭. બ્રિટન અને અમેરિકાa

      ૮. લીગ ઓફ નેશન્સ

      અને સંયુક્ત રાષ્ટ્રસંઘb

      ઈશ્વરના લોકો

      ઈ.સ. પૂર્વે ૨૦૦૦

      ઈબ્રાહીમ

      ૧૫૦૦

      ઈસ્રાએલ પ્રજા

      ૧૦૦૦

      દાનીયેલ ૫૦૦

      ઈ.સ. પૂર્વે/ઈ.સ.

      યોહાન

      ઈશ્વરનું ઈસ્રાએલ ૫૦૦

      ૧૦૦૦

      ૧૫૦૦

      ઈ.સ. ૨૦૦૦

      [ફુટનોટ્‌સ]

      a અંતના સમયે એ બંને રાજાઓ હશે.

      b અંતના સમયે એ બંને રાજાઓ હશે.

      [ચિત્રો]

      મોટી મૂર્તિ (દાની. ૨:૩૧-૪૫)

      સમુદ્રમાંથી નીકળેલાં ચાર જાનવરો (દાની. ૭:૩-૮, ૧૭, ૨૫)

      મેંઢો અને બકરો (દાની., અધ્યાય ૮)

      સાત માથાંવાળું જંગલી જાનવર (પ્રકટી. ૧૩:૧-૧૦, ૧૬-૧૮)

      બે શિંગડાંવાળું જાનવર, જંગલી જાનવરની મૂર્તિ બનાવવા પ્રોત્સાહન આપે છે (પ્રકટી. ૧૩:૧૧-૧૫)

      [ક્રેડીટ લાઈન્સ]

      Photo credits: Egypt and Rome: Photograph taken by courtesy of the British Museum; Medo-Persia: Musée du Louvre, Paris

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો