વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ia પ્રકરણ ૫ પાન ૪૨-૫૦
  • “સદ્‍ગુણી સ્ત્રી”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “સદ્‍ગુણી સ્ત્રી”
  • તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મથાળાં
  • સરખી માહિતી
  • કુટુંબ કોને કહેવાય?
  • “તે આપણો નજીકનો સગો છે”
  • રૂથ ખળીમાં જાય છે
  • રૂથ માટે ઘર
  • રૂથ પુસ્તકના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • બોઆઝ અને રૂથનું લગ્‍ન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • રૂથ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ia પ્રકરણ ૫ પાન ૪૨-૫૦
રૂથ

પ્રકરણ પાંચ

“સદ્‍ગુણી સ્ત્રી”

૧, ૨. (ક) રૂથનું કામ કેવું હતું? (ખ) ઈશ્વરના નિયમો અને તેમના લોકો વિશે રૂથને કેવી સારી વાતો જાણવા મળી?

રૂથ જવનાં કણસલાંના ઢગલા પાસે ઘૂંટણિયે બેઠી છે, જે તેણે આખા દિવસમાં ભેગાં કર્યાં છે. બેથલેહેમનાં ખેતરો પર સાંજનો પડછાયો પથરાઈ રહ્યો છે. ઘણા મજૂરો કામ પૂરું કરીને ટેકરીઓ પર આવેલા એ નાનકડા શહેરના દરવાજા તરફ ધીમે ધીમે જઈ રહ્યા છે. રૂથના હાથપગ તેને સાથ આપતા નથી, કેમ કે તેણે સવારથી સાંજ સુધી આખો દિવસ તનતોડ મહેનત કરી છે. તોપણ, તે કામ કરતી રહે છે, કણસલાંમાંથી દાણા છૂટા પાડવા લાકડીથી એને ઝૂડતી રહે છે. આમ જોઈએ તો, આજનો દિવસ તેના માટે ઘણો સારો ગયો, જેની તેણે કોઈ આશા પણ રાખી ન હતી.

૨ શું આ યુવાન વિધવા માટે સુખના દિવસો આવી રહ્યા હતા? અગાઉના પ્રકરણમાં જોઈ ગયા કે તેણે પોતાની સાસુ નાઓમીને સાથ આપવાનું નક્કી કર્યું હતું. તેણે નાઓમીને વળગી રહેવાનો અને તેના ઈશ્વર યહોવાને પોતાના ઈશ્વર માનવાનો નિર્ણય લીધો હતો. આ બંને વિધવાઓ મોઆબથી બેથલેહેમ સાથે આવી હતી. મોઆબી રૂથને જલદી જ જાણવા મળ્યું કે યહોવાના નિયમોમાં ઇઝરાયેલના ગરીબો, અરે, પરદેશીઓ માટે ઘણી સારી અને તેઓનું સ્વમાન જાળવી રાખતી ગોઠવણો હતી. હવે, તેણે જોયું કે આ નિયમોને ચાહતા અને એ પ્રમાણે જીવતા યહોવાના લોકો તેના પ્રત્યે કેટલા માયાળુ હતા. તેઓએ તેના જખમી દિલને રુઝાવે એવો પ્રેમ બતાવ્યો હતો.

૩, ૪. (ક) બોઆઝે રૂથને કઈ રીતે ઉત્તેજન આપ્યું? (ખ) આજે પૈસાની તાણના સમયમાં રૂથનો દાખલો કઈ રીતે મદદ કરી શકે?

૩ એવા લોકોમાં એક બોઆઝ હતા. રૂથ એ મોટી ઉંમરના ધનવાન માણસનાં ખેતરોમાં કણસલાં વીણવાં ગઈ હતી. એ દિવસે બોઆઝે તેની સાથે એક પિતા જેવો વર્તાવ કર્યો હતો. તેમણે કહેલા પ્રેમાળ શબ્દોને યાદ કરીને તે મનમાં ને મનમાં મલકાતી હતી. રૂથે નાઓમીની સંભાળ રાખી અને સાચા ઈશ્વર યહોવાની પાંખો નીચે આશરો લેવાનું પસંદ કર્યું, એ માટે બોઆઝે તેના ખૂબ વખાણ કર્યા હતા.—રૂથ ૨:૧૧-૧૪ વાંચો.

૪ તેમ છતાં, રૂથને પોતાની આગળ રહેલા જીવનનો વિચાર સતાવતો હશે. તે એક ગરીબ પરદેશી હતી, તેને ન તો પતિ હતો, ન કોઈ બાળક. તો પછી, તે પોતાની અને નાઓમીની સંભાળ કઈ રીતે રાખી શકશે? શું કણસલાં વીણવાંથી તેઓનું ભરણપોષણ થશે? અને તે પોતે વૃદ્ધ થશે ત્યારે તેની સંભાળ કોણ રાખશે? સમજી શકાય કે આ બધાની ચિંતા તેને રાત-દિવસ સતાવતી હોય શકે. આજે પૈસાની તાણ હોવાથી ઘણાને એવી ચિંતાઓ કોરી ખાય છે. રૂથની શ્રદ્ધાએ એવા પડકારોમાં તેને કઈ રીતે મદદ કરી? ચાલો આપણે એ જોઈએ અને રૂથને પગલે ચાલીએ.

કુટુંબ કોને કહેવાય?

૫, ૬. (ક) બોઆઝના ખેતરમાં કણસલાં વીણવાંમાં રૂથનો પહેલો દિવસ કેટલો સફળ રહ્યો? (ખ) રૂથને જોઈને નાઓમીને કેવું લાગ્યું?

૫ રૂથે કણસલાં ઝૂડીને દાણા કાઢ્યા અને એને ભેગા કર્યા. તેણે જોયું તો આશરે એક એફાહ જવ ભેગા થયા હતા. એ લગભગ ૧૪ કિલો જેટલા હતા! તેણે કપડામાં એનું પોટલું બાંધ્યું અને માથે ચઢાવ્યું. પછી સૂરજ આથમવા લાગ્યો તેમ તે બેથલેહેમ તરફ ચાલવા માંડી.—રૂથ ૨:૧૭.

૬ નાઓમી પોતાની વહાલી વહુને જોઈને રાજી થઈ ગઈ. રૂથને માથે જવનું મોટું પોટલું જોઈને કદાચ નવાઈથી તેનું મોં ખુલ્લું રહી ગયું હશે. બોઆઝે પોતાના મજૂરો સાથે રૂથને પણ ભોજન આપ્યું હતું; એમાંથી બચેલું જે ખાવાનું રૂથ લાવી હતી, એ તેઓએ ખાધું. નાઓમીએ પૂછ્યું: “આજ તેં ક્યાં સળો કર્યો? અને તેં ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપાદૃષ્ટિ કરી તે આશીર્વાદિત હો.” (રૂથ ૨:૧૯) નાઓમીની નજર તેજ હતી; રૂથના માથા પર મોટું પોટલું જોઈને તેને ખ્યાલ આવી ગયો હતો કે કોઈએ તો આ યુવાન વિધવાને મદદ કરી છે અને તેની સાથે ભલાઈથી વર્ત્યું છે.

૭, ૮. (ક) બોઆઝની ભલાઈ કોની પાસેથી આવતી હોય એવું નાઓમીને લાગ્યું? શા માટે? (ખ) રૂથે પોતાની સાસુ માટે હજુ કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો?

૭ પછી બંને વાતો કરવા માંડી અને રૂથે બોઆઝની ભલાઈ વિશે નાઓમીને જણાવ્યું. ગદ્‍ગદિત થઈ ઊઠેલી નાઓમીએ કહ્યું: “જેણે જીવતાં તથા મૂએલાં ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદિત થાઓ.” (રૂથ ૨:૨૦) નાઓમીએ બોઆઝની ભલાઈને યહોવાની ભલાઈ જેવી ગણી. યહોવા પોતાના સેવકોને ઉદાર બનવા ઉત્તેજન આપે છે અને તેઓ ભલાઈ બતાવે ત્યારે, એનો બદલો આપવાનું પણ વચન આપે છે.a—નીતિવચનો ૧૯:૧૭ વાંચો.

૮ નાઓમીએ રૂથને અરજ કરી કે બોઆઝના કહેવા પ્રમાણે તેમનાં ખેતરોમાં જ કણસલાં વીણવાં જાય. તેમ જ, તેમના કુટુંબની યુવતીઓ સાથે જ રહે, જેથી બીજા લણનારા તેને હેરાન ન કરે. રૂથે એ સલાહ માની. ઉપરાંત, ‘તે પોતાની સાસુની સાથે રહી.’ (રૂથ ૨:૨૨, ૨૩) આ શબ્દોમાં પણ આપણે તેનો અતૂટ પ્રેમ જોઈ શકીએ છીએ, જેના માટે તે જાણીતી હતી. રૂથનો દાખલો આ સવાલો પર વિચારવા મદદ કરે છે: શું આપણે કુટુંબમાં એકબીજાને માન આપીએ છીએ? જરૂર પડે તેમ, શું આપણાં વહાલાં કુટુંબીજનોને મદદ આપીએ છીએ? આવો અતૂટ પ્રેમ યહોવાની નજર બહાર જતો નથી.

રૂથ અને નાઓમીનો દાખલો શીખવે છે કે આપણે પોતાના કુટુંબની કદર કરીએ

૯. કુટુંબ વિશે રૂથ અને નાઓમી પાસેથી શું શીખી શકીએ?

૯ શું રૂથ અને નાઓમીનું કુટુંબ, ખરેખર કુટુંબ ન કહેવાય? અમુકને લાગે છે કે કુટુંબમાં પતિ, પત્ની, દીકરો, દીકરી, દાદાદાદી, વગેરે હોય તો જ એને કુટુંબ કહેવાય. પરંતુ, રૂથ અને નાઓમીનો દાખલો આપણને બતાવે છે કે યહોવાના ભક્તો એકબીજાની આગળ દિલ ખોલીને વાત કરી શકે છે. એકદમ નાનું કુટુંબ હોવા છતાં તેઓ એને હૂંફ, માયા અને પ્રેમથી ધબકતું રાખી શકે છે. શું તમે તમારા કુટુંબની કદર કરો છો? ઈસુએ પોતાના શિષ્યોને યાદ કરાવ્યું કે જેઓને કુટુંબ નથી તેઓ માટે પણ આપણું મંડળ એક કુટુંબ બની શકે છે.—માર્ક ૧૦:૨૯, ૩૦.

રૂથ અને નાઓમી સાદું ભોજન કરી રહ્યા છે

રૂથ અને નાઓમીએ એકબીજાને મદદ કરી અને ઉત્તેજન આપ્યું

“તે આપણો નજીકનો સગો છે”

૧૦. નાઓમી કઈ રીતે રૂથને મદદ કરવા ચાહતી હતી?

૧૦ એપ્રિલમાં જવની કાપણીથી જૂનમાં ઘઉંની કાપણી સુધી, રૂથ બોઆઝનાં ખેતરોમાં કણસલાં વીણતી રહી. અઠવાડિયાં વીતતાં ગયાં તેમ, નાઓમીએ હજુ વધારે વિચાર કર્યો કે પોતાની વહાલી વહુ માટે પોતે શું કરી શકે. મોઆબમાં નાઓમીને ખાતરી હતી કે રૂથને બીજો પતિ શોધવા પોતે કદીયે મદદ નહિ કરી શકે. (રૂથ ૧:૧૧-૧૩) પરંતુ, હવે તેના વિચારો બદલાયા હતા. તેણે રૂથને કહ્યું: ‘મારી પુત્રી, તારું ભલું થાય માટે હું તારે માટે કોઈ સારું ઘર ન શોધું શું?’ (રૂથ ૩:૧) એ સમયમાં એવો રિવાજ હતો કે માબાપ પોતાનાં બાળકો માટે લગ્‍નસાથી શોધી આપે; રૂથ તો હવે નાઓમીની સગી દીકરી જેવી હતી. તે રૂથ માટે “સારું ઘર,” એટલે કે, પતિ અને ઘર શોધવા ચાહતી હતી, જેથી તેને સલામતી અને રક્ષણ મળે. પણ, નાઓમી શું કરી શકે?

૧૧, ૧૨. (ક) બોઆઝ ‘નજીકના સગા’ છે, એમ કહીને નાઓમી ઈશ્વરના નિયમની કઈ પ્રેમાળ ગોઠવણની વાત કરતી હતી? (ખ) રૂથે પોતાની સાસુની સલાહ સાંભળીને શું કર્યું?

૧૧ રૂથે પહેલી વાર બોઆઝની વાત કરી ત્યારે, નાઓમીએ કહ્યું: “એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે, એટલે તે આપણો નજીકનો સગો છે.” (રૂથ ૨:૨૦) એનો શો અર્થ થાય? ગરીબી અથવા કોઈ ગુજરી જવાને લીધે કુટુંબ તકલીફમાં આવી પડતું ત્યારે, ઈશ્વરે ઇઝરાયેલને આપેલા નિયમોમાં તેઓ માટે પ્રેમાળ ગોઠવણો હતી. જો કોઈ સ્ત્રીને બાળકો ન હોય અને વિધવા બને, તો તેનું જીવન દુઃખી દુઃખી થઈ જતું, કેમ કે ભાવિ પેઢીઓમાંથી તેના પતિનું નામ અને વંશવેલો ભૂંસાઈ જતા. જોકે, ઈશ્વરના નિયમમાં છૂટ હતી કે એ માણસનો ભાઈ વિધવા સાથે પરણે; તેઓનું બાળક ગુજરી ગયેલા પતિનો વંશવેલો ચાલુ રાખે અને એ બાળક કુટુંબની માલમિલકતની સંભાળ રાખે.b—પુન. ૨૫:૫-૭.

૧૨ હવે શું કરવું, એ વિશે નાઓમીએ રૂથને સારી રીતે સમજાવ્યું. આપણે કલ્પના કરી શકીએ કે રૂથની સાસુએ તેને જણાવ્યું તેમ તેની નવાઈનો પાર રહ્યો નહિ હોય. રૂથ માટે હજુ ઇઝરાયેલના નિયમો નવા હતા અને એના ઘણા રિવાજોથી તે હજુ અજાણ હતી. છતાં પણ, તેને નાઓમી માટે ઘણું માન હોવાથી, તેનો દરેક શબ્દ તેણે ધ્યાનથી સાંભળ્યો. નાઓમીએ આપેલી સલાહ થોડી મુશ્કેલ કે શરમજનક લાગી હોય શકે. અરે, એમાં અપમાન પણ થઈ શકે એમ હતું. તોપણ, રૂથે એ સલાહ સ્વીકારી. નમ્રતાથી તેણે એટલું જ કહ્યું: “જે તું કહે છે તે સર્વ હું કરીશ.”—રૂથ ૩:૫.

૧૩. મોટી ઉંમરના લોકોની સલાહ સ્વીકારવા વિશે રૂથ પાસેથી આપણે શું શીખી શકીએ? (અયૂબ ૧૨:૧૨ પણ જુઓ.)

૧૩ કેટલીક વાર યુવાનોને મોટી ઉંમરના અને વધારે અનુભવી લોકોની સલાહ માનવાનું અઘરું લાગે છે. એમ માની લેવું સહેલું છે કે યુવાનોએ જે પડકારો કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એની મોટી ઉંમરના લોકોને શું ખબર પડે? રૂથની નમ્રતાનો દાખલો આપણને શીખવે છે કે મોટા લોકોનું કહેવું માનવામાં શાણપણ છે, કેમ કે તેઓ આપણને ચાહે છે અને આપણું ભલું જ ઇચ્છે છે. એનાથી ઘણા આશીર્વાદો મળી શકે છે. (ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮ વાંચો.) પરંતુ, નાઓમીએ શું સલાહ આપી હતી અને એ માનવાથી શું રૂથને ખરેખર લાભ થયો?

રૂથ ખળીમાં જાય છે

૧૪. ખળી શું હતી અને એમાં શું કરવામાં આવતું?

૧૪ એ મોડી સાંજે રૂથ ખળીમાં ગઈ. ખળી એટલે એવી જગ્યા જ્યાં ખેડૂતો અનાજ ઝૂડવા અને સાફ કરવા લઈ જતા. મોટા ભાગે એવી જગ્યા પસંદ કરવામાં આવતી, જે ટેકરીઓ પર કે ટેકરીવાળા વિસ્તારમાં હોય, જ્યાં મોડી બપોરે અને વહેલી સાંજે જોરથી પવન વાતો હોય. અનાજમાંથી ફોતરાં અને પરાળ છૂટાં પાડવાં મજૂરો પંજેટી કે પાવડા જેવાં સાધનો વાપરતા. એનાથી તેઓ પવનમાં અનાજ ઉછાળતા, જેથી ફોતરાં ઊડી જાય અને અનાજના દાણા પાછા જમીન પર પડે.

૧૫, ૧૬. (ક) મોડી સાંજે બોઆઝે કામ પૂરું કર્યું એ સમયના ખળીના દૃશ્યનું વર્ણન કરો. (ખ) બોઆઝને કઈ રીતે ખબર પડી કે રૂથ તેમના પગ પાસે સૂતી છે?

૧૫ મોડી સાંજે ખેતરનાં બધાં કામ પૂરાં થઈ રહ્યાં હતાં તેમ, છાનીછૂપી રીતે રૂથ બધું જોઈ રહી હતી. અનાજના દાણા છૂટા પાડવાના કામ પર બોઆઝ નજર રાખતા હતા. એ અનાજનો હવે મોટો ઢગલો થઈ ગયો હતો. પછી, ભોજનનો આનંદ માણીને તે ઢગલાની એક બાજુ સૂઈ ગયા. એ દિવસોમાં સામાન્ય રીતે આમ કરાતું, જેથી ચોર અને ધાડપાડુઓ અનમોલ ફસલ ચોરી ન જાય. રૂથે જોયું કે બોઆઝ આરામથી સૂઈ ગયા હતા. હવે, તેણે નાઓમીના કહેવા પ્રમાણે કરવાનું હતું.

૧૬ રૂથ ધીમેથી બોઆઝની નજીક ગઈ તેમ, તેનું હૈયું ફફડી રહ્યું હતું. તે જોઈ શકતી હતી કે બોઆઝ ભરઊંઘમાં છે. એટલે, નાઓમીના કહેવા પ્રમાણે, રૂથ ધીમેથી બોઆઝના પગ તરફ ગઈ અને તેમણે ઓઢેલું ખસેડીને પગ પાસે સૂઈ ગઈ. પછી તેણે રાહ જોઈ. સમય પસાર થતો ગયો. રૂથને માટે તો સમય જાણે ત્યાં જ થંભી ગયો હતો. આખરે, આશરે મધરાતે બોઆઝ સળવળ્યા. ઠંડીથી ધ્રૂજતા, તે કદાચ પોતાના પગ પાછા ઢાંકવા બેઠા થયા. પરંતુ, તેમણે જોયું કે ત્યાં કોઈક છે. અહેવાલ જણાવે છે તેમ, ‘તેમના પગ આગળ એક સ્ત્રી સૂતેલી હતી.’—રૂથ ૩:૮.

૧૭. રૂથનાં વાણી-વર્તનમાં કંઈક અયોગ્ય હતું એવું માનનારા કઈ બે સાદી હકીકત ધ્યાનમાં લેતા નથી?

૧૭ બોઆઝે પૂછ્યું, “તું કોણ છે?” કદાચ ગભરાતાં ગભરાતાં રૂથે કહ્યું: “હું તારી દાસી, રૂથ છું; તારો છેડો લંબાવીને આ તારી દાસી પર ઓઢાડ; કેમ કે તું નજીકનો સગો છે.” (રૂથ ૩:૯) આજના કેટલાક અનુવાદકો એમ કહેવા માંગે છે કે રૂથનાં વાણી-વર્તનમાં જાતીય સંબંધો તરફ ઇશારો હતો. પણ, બે સાદી હકીકતો તેઓ ધ્યાનમાં નથી લેતા. એક તો રૂથ એ જમાનાના રિવાજ પ્રમાણે કરી રહી હતી, જેમાંના ઘણા આજે આપણી સમજની બહાર છે. તેથી, તેના વર્તનને આજનાં હલકાં ધોરણોની નજરે જોવું ભૂલભરેલું ગણાશે. બીજું કે બોઆઝ જે રીતે વર્ત્યા, એના પરથી સાફ દેખાઈ આવે છે કે રૂથનાં વાણી-વર્તન એકદમ શુદ્ધ અને પ્રશંસાપાત્ર હતાં.

રૂથ રાતે બોઆઝ સાથે વાત કરી રહી છે

બોઆઝને મેળવવા પાછળ રૂથનો ઇરાદો શુદ્ધ હતો; એમાં કોઈ સ્વાર્થ ન હતો

૧૮. બોઆઝે રૂથને દિલાસો આપતા શું કહ્યું? રૂથના અતૂટ પ્રેમના કયા બે બનાવો વિશે તે જણાવે છે?

૧૮ બોઆઝ બોલ્યા અને તેમના ધીમા, રાહત આપતા અવાજથી રૂથને દિલાસો મળ્યો હશે. તેમણે કહ્યું: “મારી દીકરી, તું યહોવાથી આશીર્વાદિત હો; પ્રથમના કરતાં છેવટે તેં અધિક માયા બતાવી છે, કેમ કે ગરીબ કે તવંગર જુવાનિયાની પાછળ તું ગઈ નહિ.” (રૂથ ૩:૧૦) “પ્રથમના કરતાં” શબ્દો રૂથનો એ અતૂટ પ્રેમ બતાવતા હતા, જેના લીધે તે નાઓમી સાથે ઇઝરાયેલ આવી અને તેની સંભાળ રાખી. “છેવટે” શબ્દ હમણાંનો બનાવ બતાવતો હતો. બોઆઝે જોયું કે રૂથ જેવી યુવતી આસાનીથી યુવાન પતિ શોધી શકતી હતી, ભલે તે ધનવાન હોય કે ગરીબ. પણ રૂથે એમ ન કર્યું. તે નાઓમીનું જ નહિ, નાઓમીના ગુજરી ગયેલા પતિનું પણ ભલું ચાહતી હતી, જેથી તેમના વતનમાં તેમનું નામ કાયમ રહે. રૂથ જરાય સ્વાર્થી ન હતી, જેની બોઆઝ પર ઘણી અસર પડી.

૧૯, ૨૦. (ક) બોઆઝે કેમ રૂથ સાથે તરત જ લગ્‍ન કરી લીધા નહિ? (ખ) બોઆઝે કઈ રીતે રૂથ માટે અને તેનું નામ બદનામ ન થાય એ માટે ચિંતા બતાવી?

૧૯ બોઆઝ આગળ કહે છે: “તો હવે, મારી દીકરી, બી મા; તું કહે છે તે સઘળું તારા સંબંધમાં હું કરીશ; કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે, કે તું સદ્‍ગુણી સ્ત્રી છે.” (રૂથ ૩:૧૧) રૂથ સાથે લગ્‍ન કરવાની તક મળવાથી તે ઘણા ખુશ હતા. લગ્‍ન માટે પૂછવામાં આવ્યું એની તેમને કંઈ નવાઈ લાગી નહિ. તેમ છતાં, બોઆઝ ઈશ્વરનો ડર રાખનાર માણસ હતા. તે મન ફાવે એ રીતે વર્તનાર ન હતા. તેમણે રૂથને જણાવ્યું કે એક બીજો માણસ છે, જે નાઓમીના ગુજરી ગયેલા પતિના કુટુંબનો વધારે નજીકનો સગો છે. બોઆઝ પહેલા એ માણસને પૂછીને તેને રૂથનો પતિ બનવાની તક આપવા માગતા હતા.

બીજાઓ સાથે પ્રેમ અને આદરભાવથી વર્તીને, રૂથે સારી શાખ બનાવી હતી

૨૦ બોઆઝે રૂથને અરજ કરી કે તે સૂઈ જાય અને મળસકું થતા સુધી આરામ કરે; પછી, કોઈને ખબર ન પડે એમ તે પાછી ઘરે જાય, જેથી લોકો એવું ન ધારે કે તેઓ વચ્ચે કંઈક ખોટું થયું છે. બોઆઝ ચાહતા ન હતા કે રૂથનું કે પોતાનું નામ બદનામ થાય. રૂથ ફરીથી બોઆઝના પગ પાસે સૂઈ ગઈ; આ વખતે કદાચ તેને એટલો ગભરાટ થયો નહિ હોય, કેમ કે તેની વિનંતીનો બોઆઝે માયાળુ રીતે જવાબ આપ્યો હતો. પછી, હજુ તો અંધારું હતું એવામાં તે ઊઠી ગઈ. બોઆઝે ઉદારતાથી તેની ઓઢણીમાં ઘણા જવ બાંધી આપ્યા; ત્યાર બાદ રૂથ પાછી બેથલેહેમ જતી રહી.—રૂથ ૩:૧૩-૧૫ વાંચો.

૨૧. રૂથ “સદ્‍ગુણી સ્ત્રી” તરીકે જાણીતી થઈ, એનું કારણ શું હતું? આપણે કઈ રીતે તેના પગલે ચાલી શકીએ?

૨૧ બોઆઝે કહેલી વાતો પર વિચાર કરવાથી રૂથને કેટલો સંતોષ મળ્યો હશે! તેમણે કહ્યું કે રૂથ બધા લોકોમાં “સદ્‍ગુણી સ્ત્રી” તરીકે જાણીતી હતી! એમાં કોઈ શંકા નથી કે યહોવાને સારી રીતે જાણવા અને તેમની ભક્તિ કરવાની ધગશને લીધે તેને એવી શાખ મળી હતી. તેણે નાઓમી અને તેના લોકો માટે ઘણી માયા બતાવી અને સમજી-વિચારીને વર્તી. રૂથ જે રીતરિવાજોથી અજાણ હતી, એ પ્રમાણે જીવવા ખુશીથી તૈયાર હતી. જો રૂથની શ્રદ્ધાને પગલે ચાલીશું, તો આપણે બીજાઓને અને તેઓના રિવાજોને માન આપીશું. જો એમ કરીશું તો આપણે પણ સારી શાખ બનાવી શકીશું.

રૂથ માટે ઘર

૨૨, ૨૩. (ક) બોઆઝે રૂથને આપેલી ભેટનો શું અર્થ થઈ શકે? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) નાઓમીએ રૂથને કઈ અરજ કરી?

૨૨ રૂથ ઘરે આવી ત્યારે નાઓમીએ પૂછ્યું: “મારી પુત્રી, કેમ, ત્યાં શું થયું?” તે જાણવા માંગતી હતી કે રૂથ હજુ વિધવા જ રહેશે કે પછી ભાવિમાં તેનું ઘર બંધાશે. રૂથે તરત પોતાની અને બોઆઝની વચ્ચે જે કંઈ થયું એ બધું નાઓમીને જણાવી દીધું. રૂથે તેને જવની ભેટ પણ આપી, જે બોઆઝે ઉદારપણે નાઓમી માટે મોકલી હતી.c—રૂથ ૩:૧૬, ૧૭.

૨૩ નાઓમીએ રૂથને અરજ કરી કે એ દિવસે ખેતરોમાં કણસલાં વીણવાં જવાને બદલે તે ઘરે જ રહે. તેણે રૂથને જણાવ્યું કે, “એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ જંપવાનો નથી.”—રૂથ ૩:૧૮.

૨૪, ૨૫. (ક) બોઆઝનું દિલ કઈ રીતે નેક અને નિ:સ્વાર્થી સાબિત થયું? (ખ) રૂથને કઈ રીતે આશીર્વાદ મળ્યા?

૨૪ બોઆઝ વિશે નાઓમીનું કહેવું એકદમ સાચું હતું. બોઆઝ શહેરના દરવાજે ગયા, જ્યાં વડીલો ભેગા મળતા. નાઓમીના પતિનો નજીકનો સગો પસાર થયો ત્યાં સુધી તેમણે રાહ જોઈ. બીજા સાક્ષીઓની આગળ, બોઆઝે એ માણસને તક આપી કે તે રૂથને પરણીને સગા તરીકેની જવાબદારી નિભાવે. જોકે, એ માણસે ના પાડી, કેમ કે એનાથી તેનો પોતાનો વારસો જોખમમાં મુકાય એમ હતું. પછી, બોઆઝે શહેરના દરવાજે સાક્ષીઓની આગળ જણાવ્યું કે તે પોતે સગા તરીકેની ફરજ બજાવશે; તે નાઓમીના ગુજરી ગયેલા પતિ, અલીમેલેખની જમીન ખરીદશે; અને અલીમેલેખના દીકરા, માહલોનની વિધવા રૂથ સાથે લગ્‍ન કરશે. એમ કરીને બોઆઝે આશા રાખી કે “મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે.” (રૂથ ૪:૧-૧૦) બોઆઝનું દિલ કેટલું નેક અને નિ:સ્વાર્થી હતું!

૨૫ બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યા. પછી, આપણે વાંચીએ છીએ: “યહોવાની કૃપાથી તેને દહાડા રહ્યા, ને તેને પુત્રનો પ્રસવ થયો.” બેથલેહેમની સ્ત્રીઓએ નાઓમીને આશીર્વાદ આપ્યા. તેઓએ રૂથના વખાણ કર્યા કે નાઓમી માટે તે સાત દીકરાઓ કરતાં પણ વધારે સારી હતી. પછીથી આપણને જાણવા મળે છે કે રૂથનો દીકરો મહાન રાજા દાઊદનો પૂર્વજ બન્યો. (રૂથ ૪:૧૧-૨૨) દાઊદ તો ઈસુ ખ્રિસ્તના પૂર્વજ બન્યા.—માથ. ૧:૧.d

નાઓમીએ રૂથ અને બોઆઝનો દીકરો ઊંચક્યો છે, જ્ચારે કે બીજા લોકો જુએ છે

યહોવાએ રૂથને મસીહની પૂર્વજ બનવાનો આશીર્વાદ આપ્યો

૨૬. રૂથ અને નાઓમીનો દાખલો આપણને શું શીખવે છે?

૨૬ રૂથને સાચે જ આશીર્વાદ મળ્યા અને નાઓમીને પણ. તેણે જાણે પોતાનું જ બાળક હોય, એ રીતે તેના ઉછેરમાં મદદ કરી. આ બંને સ્ત્રીઓના જીવનથી આપણે શીખીએ છીએ કે યહોવા એ બધાની નોંધ લે છે જેઓ પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા સખત મહેનત કરતા શરમાતા નથી; તેમ જ, જેઓ તેમના ભક્તો સાથે મળીને વફાદારીથી યહોવાને ભજે છે, તેઓની પણ નોંધ લે છે. બોઆઝ, રૂથ અને નાઓમી જેવા શ્રદ્ધાળુ લોકોને તે ચોક્કસ બદલો આપે છે.

a નાઓમીએ જણાવ્યું તેમ, યહોવા ફક્ત જીવતાઓને જ ભલાઈ બતાવતા નથી; જેઓ મરી ગયા છે તેઓને પણ ભલાઈ બતાવે છે. નાઓમીએ પોતાના પતિને અને બે દીકરાઓને ગુમાવી દીધા હતા. રૂથે પોતાનો પતિ ગુમાવ્યો હતો. સાચે જ, આ બંને સ્ત્રીઓને એ ત્રણે પુરુષોની બહુ ખોટ સાલતી હતી. નાઓમી અને રૂથને બતાવવામાં આવેલી ભલાઈ, બીજા શબ્દોમાં આ ત્રણ પુરુષોને બતાવવામાં આવી હતી. કેમ નહિ, તેઓએ પણ આ વહાલી સ્ત્રીઓની આવી જ સંભાળ રાખવાનું ચાહ્યું હોત.

b આવી વિધવા સાથે લગ્‍ન કરવાનો પહેલો હક્ક ગુજરી ગયેલા માણસના ભાઈઓને હતો; પછી, વારસાના હક્કની જેમ, જે કોઈ પુરુષ તેના નજીકના સગામાં હોય તેનો એ હક્ક ગણાતો.—ગણ. ૨૭:૫-૧૧.

c બોઆઝે રૂથને છ માપ જવ આપ્યા હતા, જેના ચોક્કસ વજનની જાણ નથી. છ માપ એ બતાવવા હોય શકે કે જેમ મજૂરીના છ દિવસો પછી સાબ્બાથનો આરામ આવતો, તેમ વિધવા તરીકે રૂથનાં દુઃખ-તકલીફોના દિવસોનો પણ અંત આવશે. પછી, તેને પતિ આપી શકે એવું સલામત “ઘર” જલદી જ મળવાનું હતું. એમ પણ બની શકે કે છ માપ કે પાવડા જેટલું જ રૂથ ઉપાડી શકતી હોય.

d બાઇબલમાં આપેલી ઈસુની વંશાવળીમાં જે પાંચ સ્ત્રીઓના નામ છે, એમાંની એક રૂથ છે. બીજી સ્ત્રી રાહાબ છે, જે બોઆઝની મા હતી. (માથ. ૧:૩, ૫, ૬, ૧૬) રૂથની જેમ, તે પણ ઇઝરાયેલી ન હતી.

આનો વિચાર કરો:

  • રૂથે કઈ રીતે નાઓમીને અતૂટ પ્રેમ બતાવ્યો?

  • નાઓમીએ કઈ રીતે રૂથને અતૂટ પ્રેમ બતાવ્યો?

  • બોઆઝ, નાઓમી અને રૂથ જેવા ભક્તોને યહોવા કેમ કીમતી ગણે છે?

  • રૂથની શ્રદ્ધાને પગલે ચાલવા તમે શું કરશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો