વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જૂન પાન ૨૨-૨૬
  • સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ સવાલ શા માટે મહત્ત્વનો છે?
  • આપણા તારણ કરતાં સવાલનો જવાબ વધારે મહત્ત્વનો
  • અયૂબે પોતાના વિચારો બદલ્યા
  • ધ્યાન ફંટાવા ન દઈએ
  • ઈશ્વરને વળગી રહેતા અયૂબ
    બાઇબલનો સંદેશો શું છે?
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • યહોવાની સત્તાને ટેકો આપો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જૂન પાન ૨૨-૨૬
શેતાને ઈશ્વર પર મૂકેલા ખોટા આરોપોને સાબિત કરવા તે અયૂબ પર આકરી સતાવણી લાવે છે; તે અયૂબ પર ગંભીર બીમારી લાવે છે અને જૂઠા મિત્રના દંભી દિલાસાથી સતાવણી કરે છે

સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ

“જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવા છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે.”—ગીત. ૮૩:૧૮.

ગીતો: ૪૬, ૧૩૬

તમને શું શીખવા મળ્યું?

  • યહોવાના રાજ સામે શેતાને ઉઠાવેલો સવાલ શા માટે દરેક મનુષ્ય માટે મહત્ત્વનો છે?

  • અયૂબે કઈ રીતે યહોવાની સત્તાને ટેકો આપ્યો? અયૂબને શા માટે પોતાના વિચારોમાં સુધારો કરવાની જરૂર હતી?

  • યહોવાની સત્તાને ટેકો આપવાની અમુક રીતો કઈ છે?

૧, ૨. (ક) માણસજાતને કયો સવાલ અસર કરે છે? (ખ) એ સવાલને મનમાં રાખવો શા માટે મહત્ત્વનું છે?

ઘણા લોકો માટે પૈસા એટલા મહત્ત્વના છે કે તેઓ દિવસ-રાત બસ પૈસા પૈસા જ કરે છે. તેઓનું પૂરું ધ્યાન પૈસા કમાવા અને એનું રોકાણ કરવામાં હોય છે. બીજા અમુક માટે કુટુંબ, તંદુરસ્તી અથવા જીવનમાં અમુક ધ્યેયો હાંસલ કરવા સૌથી મહત્ત્વનાં હોય છે.

૨ પરંતુ, એક સવાલ આખી માણસજાતને અસર કરે છે. એ છે, યહોવાના રાજ કરવાના હક સામે ઉઠાવેલો સવાલ. એ સવાલ સૌથી મહત્ત્વનો છે, એને ભૂલી ન જઈએ. જો કાળજી નહિ રાખીએ, તો રોજબરોજની ચિંતાઓમાં એટલા ડૂબી જઈશું કે એ મહત્ત્વના સવાલ પરથી આપણું ધ્યાન ફંટાઈ જશે. પણ યહોવાની સત્તાને નજર સામે રાખીશું, તો આપણી સમસ્યાઓનો સારી રીતે સામનો કરી શકીશું અને યહોવાની વધુ નજીક જઈ શકીશું.

એ સવાલ શા માટે મહત્ત્વનો છે?

૩. ઈશ્વરના રાજ વિશે શેતાને કેવો દાવો કર્યો છે?

૩ શેતાને યહોવાના રાજ કરવાના હક સામે સવાલ ઉઠાવ્યો છે. તે એવું સાબિત કરવા ચાહે છે કે, યહોવા ભ્રષ્ટ રાજા છે અને તે આપણું ભલું ચાહતા નથી. તેનો દાવો છે કે, મનુષ્યોના રાજમાં આપણે વધુ સુખી રહીશું. (ઉત. ૩:૧-૫) તે એવું પણ કહેવા માંગે છે કે, કોઈ પણ મનુષ્ય પૂરી રીતે ઈશ્વરને વફાદાર નથી; જો મનુષ્યનું જીવન જોખમમાં હોય, તો તે ઈશ્વરની સત્તાને ઠોકર મારશે. (અયૂ. ૨:૪, ૫) યહોવાએ સમય આપ્યો છે, જેથી સાબિત થાય કે શેતાને કરેલો દાવો કેટલો પોકળ છે.

૪. શેતાને ઊભો કરેલો સવાલ શા માટે થાળે પડવો જોઈએ?

૪ યહોવા જાણે છે કે શેતાનના આરોપો હડહડતાં જૂઠાણાં છે. તો પછી, એ આરોપો સાબિત કરવા તેમણે શા માટે શેતાનને સમય આપ્યો છે? કારણ કે, એ આરોપોને જૂઠા સાબિત કરવામાં માણસો અને દૂતોની પણ મહત્ત્વની ભૂમિકા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચો.) આદમ અને હવાએ યહોવાની સત્તાને નકારી, અને બીજા ઘણા લોકો એ જ રસ્તે ચાલ્યા છે. તેથી, અમુકને લાગી શકે કે શેતાન સાચો છે. જ્યાં સુધી એ સવાલ થાળે નહિ પડે ત્યાં સુધી માણસો અને દૂતોના મનમાં એ ગડમથલ ચાલ્યા કરશે. પણ એક વાર એ થાળે પડી જશે, પછી આખી સૃષ્ટિ યહોવાના ન્યાયી રાજને કાયમ માટે આધીન રહેશે, બધે જ શાંતિ છવાઈ જશે.—એફે. ૧:૯, ૧૦.

૫. ઈશ્વર સામે ઉઠાવેલા સવાલમાં આપણે કઈ રીતે સામેલ છીએ?

૫ ઈશ્વરને જ રાજ કરવાનો હક છે એ ચોક્કસ સાબિત થશે. શેતાન અને માણસોની સરકારો નિષ્ફળ જશે, એને કાઢી નાખવામાં આવશે. ઈશ્વર પોતે રાજ કરશે અને તેમનું રાજ્ય સફળ થશે. વફાદાર લોકોએ સાબિત કરી દીધું હશે કે, માણસો ઈશ્વરને વળગી રહી શકે છે અને તેમની સત્તાને ટેકો આપી શકે છે. (યશા. ૪૫:૨૩, ૨૪) શું આપણે પણ એ વફાદાર ભક્તોમાંના એક બનવા માંગીએ છીએ? ચોક્કસ. તો પછી, એ સવાલ કેટલો મહત્ત્વનો છે એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે.

આપણા તારણ કરતાં સવાલનો જવાબ વધારે મહત્ત્વનો

૬. યહોવાની સત્તા સામે ઉઠાવેલા સવાલનો જવાબ મળે એ કેટલું મહત્ત્વનું છે?

૬ જીવનમાં સુખનું મહત્ત્વ છે. પણ યહોવાની સત્તા સામે ઉઠાવેલા સવાલનો જવાબ મળે, એ સૌથી મહત્ત્વનું છે. જોકે, એનો અર્થ એવો નથી કે યહોવાને આપણા સુખની ચિંતા નથી અથવા આપણા તારણની કંઈ પડી નથી. એ આપણે કઈ રીતે જાણી શકીએ?

૭, ૮. યહોવા સર્વોપરી છે, એ સાબિત થવાથી આપણને કઈ રીતે ફાયદો થશે?

૭ યહોવા માણસોને ખૂબ ચાહે છે. તેમની નજરે આપણે એટલા કીમતી છીએ કે, તેમણે પોતાનો એકનોએક દીકરો આપી દીધો, જેથી આપણને હંમેશ માટેનું જીવન મળે. (યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૯) જો યહોવા પોતાનાં વચનો પૂરાં ન કરે, તો શેતાન અને બીજા વિરોધીઓ સાચા સાબિત થશે. શેતાનનો દાવો છે કે, યહોવા જૂઠા છે. તેમની રાજ કરવાની રીત યોગ્ય નથી અને તે માણસોને સારી બાબતોથી વંચિત રાખે છે. વિરોધીઓ યહોવાનાં વચનોની મજાક ઉડાવે છે અને કહે છે: “તેમણે વચન આપ્યું હતું કે તે આવશે, એ વચનનું શું થયું? આપણા બાપદાદાઓ મરણ પામ્યા એ સમયથી કંઈ જ બદલાયું નથી, દુનિયાનું સર્જન થયું ત્યારથી બધું એમનું એમ ચાલે છે.” (૨ પીત. ૩:૩, ૪) જોકે, યહોવાનાં વચનો એટલે પથ્થરની લકીર, એ જરૂર પૂરાં થશે. યહોવાની સત્તા સાથે વફાદાર ભક્તોનું તારણ જોડાયેલું છે. યહોવા ખાતરી કરશે કે તેમની સત્તા સામે ઉઠાવેલો સવાલ થાળે પડે અને વફાદાર ભક્તો તારણ પામે. (યશાયા ૫૫:૧૦, ૧૧ વાંચો.) યહોવા પ્રેમથી પ્રેરાઈને રાજ કરે છે. આપણે ખાતરી રાખી શકીએ કે, તે પોતાના વફાદાર ભક્તોને હંમેશાં પ્રેમ કરશે અને તેઓને અનમોલ ગણશે.—નિર્ગ. ૩૪:૬.

૮ ખરું કે, યહોવાની સત્તા સામે ઉઠાવેલા સવાલનો જવાબ મળે એ ખૂબ મહત્ત્વનું છે. પણ, એનો અર્થ એવો નથી કે તેમની નજરે આપણું તારણ કીમતી નથી. યહોવા આપણી ખૂબ કાળજી રાખે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે, સૌથી મહત્ત્વનું શું છે અને યહોવાની સત્તાને વફાદારીથી ટેકો આપવો જોઈએ.

અયૂબે પોતાના વિચારો બદલ્યા

૯. શેતાને અયૂબ વિશે શું કહ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૯ યહોવાના રાજ પ્રત્યે યોગ્ય વલણ રાખવું ખૂબ જરૂરી છે. એ સમજવા અયૂબનું પુસ્તક આપણને મદદ કરે છે, જે સૌપ્રથમ લખાયેલાં બાઇબલ પુસ્તકોમાંનું એક છે. એ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે શેતાને દાવો કર્યો હતો કે, જો અયૂબ પર દુઃખ-તકલીફો આવે તો તે ઈશ્વરનો નકાર કરશે. અરે, શેતાને તો યહોવાને અયૂબ પર તકલીફો લાવવાનું કહ્યું. જોકે, યહોવાએ એમ ન કર્યું, પણ શેતાનને અયૂબ પર તકલીફો લાવવાની પરવાનગી આપી અને કહ્યું: “તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું.” (અયૂબ ૧:૭-૧૨ વાંચો.) પછી, શેતાન અયૂબ પર સતાવણી લાવ્યો. અયૂબે પોતાના ચાકરો અને માલમિલકત ગુમાવ્યાં. તેમને જાણવા મળ્યું કે એક દુર્ઘટનામાં તેમના દસેય સંતાનોનું કરુણ મોત નીપજ્યું છે. શેતાન એવી રીતે તકલીફો લાવ્યો, જેથી એવું લાગે કે એ બધા પાછળ ઈશ્વરનો હાથ છે. (અયૂ. ૧:૧૩-૧૯) પછી, શેતાન અયૂબ પર પીડાદાયક અને ચીતરી ચઢે એવી બીમારી લાવ્યો. (અયૂ. ૨:૭) અધૂરામાં પૂરું, તેમની પત્ની અને ત્રણ જૂઠા મિત્રોએ કડવા અને નિરાશાજનક શબ્દોથી તેમને વીંધી નાખ્યા.—અયૂ. ૨:૯; ૩:૧૧; ૧૬:૨.

૧૦. (ક) અયૂબે કઈ રીતે યહોવા પ્રત્યે વફાદારી બતાવી? (ખ) અયૂબને શા માટે પોતાના વિચારોમાં સુધારો કરવાની જરૂર હતી?

૧૦ શું શેતાનનો દાવો સાચો હતો? ના, જરાય નહિ. અયૂબ પર આકરા સંજોગો આવી પડ્યા તોપણ તે યહોવાને વળગી રહ્યા. (અયૂ. ૨૭:૫) જોકે, એવો સમય આવ્યો, જ્યારે તે પોતાનો જ વિચાર કરતા રહ્યા અને ભૂલી ગયા કે સૌથી મહત્ત્વનું શું છે. તે એવું જ કહેતા રહ્યા કે, પોતે કશું ખોટું કર્યું નથી. તેમને એવું પણ લાગ્યું કે, મુશ્કેલીઓનું કારણ જાણવાનો તેમને પૂરો હક છે. (અયૂ. ૭:૨૦; ૧૩:૨૪) આપણને પણ કદાચ લાગે કે અયૂબની લાગણીઓ વાજબી હતી. પણ, યહોવા જાણતા હતા કે અયૂબના વિચારો ખોટા છે અને તેમણે એ સુધાર્યા. કઈ રીતે?

૧૧, ૧૨. યહોવાએ અયૂબને શું જોવા મદદ કરી? અયૂબે કેવું વલણ બતાવ્યું?

૧૧ અયૂબ અધ્યાય ૩૮થી ૪૧માં યહોવાના શબ્દો જોવા મળે છે. યહોવાએ અયૂબને દુઃખ-તકલીફોનું કારણ ન જણાવ્યું, પણ એ સમજવા મદદ કરી કે યહોવાની સરખામણીમાં તે માટીનાં કણ સમાન છે. તેમણે અયૂબને શીખવ્યું કે, તેમની તકલીફો કરતાં બીજું કંઈક વધારે મહત્ત્વનું છે. (અયૂબ ૩૮:૧૮-૨૧ વાંચો.) યહોવાના શબ્દોથી અયૂબને પોતાના વિચારો સુધારવા મદદ મળી.

૧૨ અયૂબે આ બધું સહ્યું પછી, યહોવાએ જે રીતે તેની સાથે વાત કરી, શું એ અયોગ્ય ન કહેવાય? જરાય નહિ અને અયૂબને પણ એવું લાગ્યું નહિ. અયૂબે યહોવાની સલાહ ધ્યાનમાં લીધી અને એને કીમતી ગણી. અયૂબે તો કહ્યું: “મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે અને ધૂળ તથા રાખમાં બેસીને હું શોક કરું છું.” (યોબ [અયૂબ] ૪૨:૧-૬, કોમન લેંગ્વેજ) અગાઉ, અલીહૂ નામના યુવાને પણ અયૂબને પોતાના વિચારોમાં ફેરફાર કરવા મદદ કરી હતી. (અયૂ. ૩૨:૫-૧૦) અયૂબે એ ડહાપણભરી સલાહ કાને ધરી અને પોતાના વિચારોમાં ફેરફાર કર્યા. એ જોઈને યહોવાએ જાહેર કર્યું કે તે અયૂબની વફાદારીથી ખુશ છે.—અયૂ. ૪૨:૭, ૮.

૧૩. યહોવાની સલાહ પાળવાથી અયૂબને કઈ રીતે આજીવન ફાયદો થયો હશે?

૧૩ અયૂબની મુસીબતોનો અંત આવ્યો, પણ યહોવાની સલાહથી તેમને આજીવન ફાયદો થયો. બાઇબલ જણાવે છે: “યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો.” સમય જતાં તેમને “સાત પુત્ર તથા ત્રણ પુત્રીઓ થયાં.” (અયૂ. ૪૨:૧૨-૧૪) ખરું કે અયૂબને ફરીથી સંતાનનું સુખ મળ્યું, પરંતુ મરણમાં ગુમાવેલાં બાળકોની યાદ તેમને સતાવતી હશે. તેમની જોડે અને તેમના કુટુંબ જોડે જે કરુણ બનાવો બન્યાં હતાં, એને કદાચ તે ક્યારેય ભૂલ્યા નહિ હોય. એટલું જ નહિ, સમય જતાં જો તેમને પોતાની દુઃખ-તકલીફોનું કારણ સમજાયું હશે, તોપણ તેમને કદાચ થયું હશે કે ઈશ્વરે શા માટે આટલી બધી તકલીફો ચાલવા દીધી. અયૂબના મનમાં એવા વિચારો આવ્યા હશે, ત્યારે ચોક્કસ તેમણે યહોવાના શબ્દો યાદ કર્યા હશે. એનાથી તેમને દિલાસો મળ્યો હશે અને યોગ્ય વલણ રાખવા મદદ મળી હશે.—ગીત. ૯૪:૧૯.

હૉસ્પિટલમાં દાખલ એક બહેન સાક્ષી આપે છે; એક ભાઈ ફોટો છાતીએ રાખીને સ્નેહીજનને યાદ કરે છે; કુદરતી આફત પછી એક માતા પોતાની દીકરીને ગળે મળે છે

આપણું ધ્યાન શાના પર છે, પોતાની મુશ્કેલીઓ પર કે મહત્ત્વના સવાલ પર? (ફકરો ૧૪ જુઓ)

૧૪. અયૂબના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ અયૂબ જોડે જે બન્યું એના પર મનન કરવાથી આપણને દિલાસો મળી શકે અને પોતાના વિચારોમાં ફેરફાર કરવા મદદ મળી શકે. હકીકતમાં, યહોવાએ અયૂબનો કિસ્સો ‘આપણા શિક્ષણને માટે લખાવ્યો હતો. પવિત્ર શાસ્ત્ર આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.” (રોમ. ૧૫:૪) અયૂબના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ? પોતાના રોજિંદા જીવનમાં એટલા ડૂબી ન જઈએ કે, સૌથી મહત્ત્વના સવાલને સાવ ભૂલી જઈએ. એને બદલે, અયૂબની જેમ આકરા સંજોગોમાં પણ યહોવાને વફાદાર રહીને તેમના રાજને ટેકો આપતા રહીએ.

૧૫. મુશ્કેલીઓના સમયમાં વફાદાર રહેવાથી કેવા ફાયદા થાય છે?

૧૫ અયૂબના દાખલામાંથી એક વાત સ્પષ્ટ છે: મુશ્કેલીઓ આવે તો એવું નથી કે યહોવા આપણા પર ગુસ્સે છે. એ હકીકત જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! મુશ્કેલીઓ આપણને યહોવાની સત્તાને ટેકો આપવાની તક પૂરી પાડે છે. (નીતિ. ૨૭:૧૧) આપણે વફાદાર રહીને ધીરજથી સહન કરીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે અને ભાવિની આપણી આશા મક્કમ થાય છે. (રોમનો ૫:૩-૫ વાંચો.) અયૂબના દાખલા પરથી જોઈ શકાય કે, “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.” (યાકૂ. ૫:૧૧) જો યહોવાની સત્તાને ટેકો આપીશું, તો તે આપણને ઇનામ આપશે. એ સચ્ચાઈ જાણવાથી આપણને “ધીરજ અને આનંદથી બધું સહન” કરવા મદદ મળશે.—કોલો. ૧:૧૧.

ધ્યાન ફંટાવા ન દઈએ

૧૬. આપણે શા માટે પોતાને નિરંતર યાદ અપાવવું જોઈએ કે, યહોવાની સત્તાને ટેકો આપવો ખૂબ મહત્ત્વનું છે?

૧૬ એ સાચું છે કે, મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે આપણું પૂરું ધ્યાન એના પર જ હોય છે. એવા સમયે યહોવાના રાજ સામે ઉઠાવેલા સવાલને મનમાં રાખવો અઘરું થઈ શકે. જો મુશ્કેલીઓ વિશે જ વિચાર્યા કરીશું, તો નાની નાની મુશ્કેલીઓ પણ પહાડ જેવી લાગશે. તેથી, આપણે નિરંતર પોતાને યાદ અપાવવું જોઈએ કે, યહોવાની સત્તાને ટેકો આપવો કેટલું મહત્ત્વનું છે, પછી ભલે આપણા સંજોગો ગમે એટલા કપરા હોય.

૧૭. યહોવાના કામમાં વ્યસ્ત રહેવાથી, જે સૌથી મહત્ત્વનું છે એ યાદ રાખવા કઈ રીતે મદદ મળી શકે?

૧૭ યહોવાના કામમાં વ્યસ્ત રહેવાથી જે સૌથી મહત્ત્વનું છે, એ યાદ રાખવા મદદ મળી શકે. રીની નામના બહેનનો વિચાર કરો. તેમને લકવો (સ્ટ્રોક) થયો, દિવસ-રાત પીડા થતી અને તેમને કેન્સર પણ હતું. તે હૉસ્પિટલમાં દાખલ હતાં ત્યારે, ત્યાંના કર્મચારીઓને, દર્દીઓને અને મળવા આવનાર લોકોને પ્રચાર કરતાં. એક વખત, તે વીસેક દિવસ સુધી હૉસ્પિટલમાં હતા. એ દરમિયાન તેમણે પ્રચારમાં ૮૦ કલાક વિતાવ્યાં. જોકે, રીનીને ખબર હતી કે તેમનું જીવન લાંબું નહિ ટકે. પણ તે ક્યારેય ભૂલ્યાં નહિ કે સૌથી મહત્ત્વનું શું છે. યહોવાની સત્તાને માન આપવાથી તેમને મનની શાંતિ મળી.

૧૮. યહોવાની સત્તાને ટેકો આપવા વિશે જેનિફરનો દાખલો આપણને શું શીખવે છે?

૧૮ રોજિંદા જીવનની નાની-મોટી મુશ્કેલીઓમાં પણ આપણે યહોવાની સત્તાને ટેકો આપી શકીએ છીએ. બહેન જેનિફરનો દાખલો લો. એકવાર તે ત્રણ દિવસ સુધી ઍરપોર્ટ પર અટવાઈ ગયાં. એક પછી એક ફ્લાઇટ રદ થવાને કારણે તે કંટાળી ગયાં અને પોતાને એકલા મહેસૂસ કરવાં લાગ્યાં. તે પોતાના સંજોગો પર તરસ ખાઈને બેસી રહી શક્યા હોત. એને બદલે તેમણે યહોવાને પ્રાર્થના કરી, જેથી બીજા મુસાફરોને ખુશખબર જણાવી શકે. તેમણે ઘણા લોકોને ખુશખબર જણાવી અને ઘણું સાહિત્ય આપ્યું. બહેને કહ્યું: ‘મેં મહેસૂસ કર્યું કે, એ અઘરા સંજોગોમાં યહોવાએ મારા પર કૃપા બતાવી અને તેમનું નામ મહિમાવંત કરવા જરૂરી તાકાત આપી.’

૧૯. સાચા ભક્તોની ઓળખ શું છે?

૧૯ ફક્ત યહોવાના લોકો જ સમજે છે કે, યહોવાની સત્તાને ટેકો આપવો કેટલું મહત્ત્વનું છે. એ સાચા ભક્તોની ઓળખ છે. તેથી, યહોવાની સત્તાને ટેકો આપવા આપણે દરેકે બનતું બધું કરવું જોઈએ.

૨૦. યહોવાની સત્તાને ટેકો આપવા તમે જે પ્રયત્ન કરો છો, એ વિશે યહોવાને કેવું લાગે છે?

૨૦ યહોવાની વફાદારીથી સેવા કરીને અને મુશ્કેલીઓમાં ટકી રહીને, તેમની સત્તાને ટેકો આપીએ છીએ એ તેમના ધ્યાન બહાર જતું નથી. તે આપણા પ્રયત્નોની ખૂબ કદર કરે છે. (ગીત. ૧૮:૨૫) આવતા લેખમાં ચર્ચા કરીશું કે, આપણે શા માટે અને કઈ રીતે યહોવાની સત્તાને માન આપી શકીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો