બાઇબલ શું કહે છે?
સહનશીલતા
માફી આપવાથી, ચલાવી લેવાથી અને સહન કરવાથી સંબંધોમાં શાંતિ જળવાઈ રહે છે. પરંતુ, આપણે કેટલી હદે સહન કરવું જોઈએ?
સહનશીલ બનવામાં શું સમાયેલું છે?
આજની હકીકત શું છે?
નાત-જાતના ભેદભાવ, રાષ્ટ્રવાદ અને ધર્મઝનૂની લોકોને લીધે દુનિયામાં આજે ચારેબાજુ ભેદભાવ જોવા મળે છે.
બાઇબલ શું કહે છે?
ઈસુ પૃથ્વી પર હતા એ સમયમાં પણ ભેદભાવ જોવા મળતો હતો. યહુદીઓ અને સમરૂનીઓ એકબીજાને સખત નફરત કરતા હતા. (યોહાન ૪:૯) સ્ત્રીઓને પુરુષો કરતાં નીચી ગણવામાં આવતી. યહુદી ધર્મગુરુઓ સામાન્ય લોકોને પાપી ગણતા. (યોહાન ૭:૪૯) પરંતુ, ઈસુ તેઓથી સાવ જુદા હતા. તેમના વિશે વિરોધીઓએ કહ્યું: ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ખાય છે.’ (લુક ૧૫:૨) ઈસુ નમ્ર, ધીરજ રાખનારા અને સહનશીલ હતા. તે લોકોનો ન્યાય કરવા નહિ પણ, તેઓનો યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા આવ્યા હતા. ઈસુ એ બધું પ્રેમને લીધે કરી શક્યા.—યોહાન ૩:૧૭; ૧૩:૩૪.
ઈસુ સહનશીલ હતા. તે લોકોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા આવ્યા હતા
આપણામાં પ્રેમ હશે તો, વધુ સહનશીલ બની શકીશું. બીજા લોકોનાં પાપી વલણ અને અલગ આદતો છતાં, તેઓને સ્વીકારી શકીશું. કોલોસી ૩:૧૩ જણાવે છે: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”
“વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો; કેમ કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.”—૧ પીતર ૪:૮.
શા માટે સહનશીલતાની હદ હોવી જોઈએ?
હકીકત શું છે?
ઘણા સમાજમાં કાયદા-કાનૂન હોય છે જેથી, લોકો પોતાના વર્તનમાં હદબહાર ન જાય.
બાઇબલ શું કહે છે?
‘પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી.’ (૧ કોરીંથી ૧૩:૫) ઈસુએ સહનશીલતા બતાવવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો હતો. તેમ છતાં, તેમણે લોકોનાં અયોગ્ય વલણ, ઢોંગ અને બીજાં ખરાબ કામો ચલાવી લીધા નહિ. એના બદલે, તેમણે હિંમતથી એનો વિરોધ કર્યો. (માથ્થી ૨૩:૧૩) તેમણે કહ્યું: “ભૂંડું કરે છે તે અજવાળાનો [સત્યનો] દ્વેષ કરે છે.”—યોહાન ૩:૨૦.
પ્રેરિત પાઊલે લખ્યું: ‘ભૂંડું છે તેને ધિક્કારો, સારું છે તેને વળગી રહો.’ (રોમનો ૧૨:૯) તે એ શબ્દો પ્રમાણે જીવ્યા હતા. દાખલા તરીકે, કેટલાક યહુદી ખ્રિસ્તીઓએ પોતાને બિનયહુદીઓથી જુદા પાડી દીધા હતા. પોતે યહુદી હોવા છતાં, પાઊલે એવા લોકોને હિંમતથી પણ નમ્રતાથી ઠપકો આપ્યો. (ગલાતી ૨:૧૧-૧૪) તે જાણતા હતા કે “ઈશ્વર પક્ષપાતી નથી” અને પોતાના લોકોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ચલાવી લેશે નહિ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪.
યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી સારા સંસ્કારો શીખે છે. (યશાયા ૩૩:૨૨) તેથી, તેઓ પોતાના લોકોમાં જરાય દુષ્ટતા ચલાવી લેતા નથી. મંડળમાં શુદ્ધતા જાળવવા, યહોવાના સિદ્ધાંતો પ્રમાણે ચાલતા નથી તેઓને દૂર કરવામાં આવે છે. એ માટે સાક્ષીઓ બાઇબલની આ સલાહ પાળે છે: ‘તમારામાંથી દુષ્ટને દૂર કરો.’—૧ કોરીંથી ૫:૧૧-૧૩.
“યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો.”—ગીતશાસ્ત્ર ૯૭:૧૦.
શું ઈશ્વર કાયમ માટે દુષ્ટતા ચાલવા દેશે?
ઘણા લોકો શું માને છે?
માણસોના સ્વભાવને લીધે દુષ્ટતા હંમેશાં ચાલ્યા કરશે.
બાઇબલ શું કહે છે?
હબાક્કૂક પ્રબોધકે યહોવાને પ્રાર્થનામાં કહ્યું: ‘તમે શા માટે આવાં દુષ્ટ કાર્યો સહી લો છો? મારી આંખ સામે જ વિનાશ અને હિંસા અને લડાઈ-ઝઘડાં થઈ રહ્યાં છે.’ (હબાક્કૂક ૧:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાએ હબાક્કૂકની વાત ફક્ત સાંભળી ન લીધી પણ, ખાતરી આપી કે તે દુષ્ટોનો ન્યાય કરશે. ઈશ્વરે કહ્યું કે, એ વચન “નક્કી” પૂરું થશે, અને એમાં “વિલંબ” થશે નહિ.—હબાક્કૂક ૨:૩.
એ ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી ખોટાં કામ કરનારાઓને સુધરવાની તક છે. પ્રભુ યહોવા કહે છે: ‘શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એનાથી હું વિશેષ રાજી થાઉં છું.’ (હઝકીએલ ૧૮:૨૩) જેઓ ખરાબ માર્ગો છોડીને યહોવા તરફ ફરે છે, તેઓ સુંદર ભાવિની આશા રાખી શકે છે. નીતિવચનો ૧:૩૩ કહે છે: “જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” (g15-E 08)
‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.