દેશો અને લોકો
કેમેરુનની મુલાકાત
બાકા નામની જાતિ પિગમીઝ એટલે ઠીંગણા લોકો તરીકે ઓળખાય છે. તેઓને કેમેરુનમાં આવી વસેલા સૌથી પહેલાં રહેવાસીઓ માનવામાં આવે છે. પછી, ૧૬મી સદીમાં પોર્ટુગીઝ લોકો આવ્યા. એની અમુક સદીઓ પછી, ફુલાની નામની મુસ્લિમ પ્રજાએ ઉત્તરીય કેમેરુનનો કબજો લીધો. આજે, કેમેરુનના રહેવાસીઓમાં ૪૦ ટકા લોકો પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, ૨૦ ટકા મુસ્લિમ છે અને બાકીના ૪૦ ટકા આફ્રિકાના પ્રાચીન ધર્મો પાળે છે.
કેમેરુનના ખાસ કરીને ગામડાંઓમાં રહેતા લોકો મહેમાનગતિ બતાવનારા હોય છે. મહેમાનોને દિલથી આવકાર આપી, ઘરમાં બોલાવી નાસ્તો-પાણી આપવામાં આવે છે. તેમના આમંત્રણને નકારવું અપમાન ગણાય છે. પરંતુ, એને સ્વીકારવું વખાણ ગણાય છે.
વાતચીતની શરૂઆત કુટુંબના સભ્યોની ખબર-અંતર પૂછીને કરાય છે. અરે, પાળેલાં ઢોરઢાંક વિશે પૂછવાનો પણ રિવાજ છે! કેમેરુનનો એક રહેવાસી જોસેફ કહે છે: “મહેમાન જાય ત્યારે ફક્ત ‘આવજો’ કહેવું પૂરતું નથી. ઘરની એકાદ વ્યક્તિ તેમની સાથે વાત કરતા કરતા થોડે સુધી મૂકવા જશે. પછી, ‘આવજો’ કહીને ઘરે આવશે. જો આવું ન કરવામાં આવે તો મહેમાનને ખોટું લાગી જાય.”
અમુક વાર, સાથે જમતી વખતે મિત્રો એક જ થાળીમાંથી ખાય છે. કેમેરુનમાં આ રિવાજ એકતાનું ખાસ પ્રતિક ગણાય છે. કોઈ કારણોને લીધે નબળી પડી ગયેલી દોસ્તીને મજબૂત કરવા દોસ્તો સાથે જમતા હોય છે. આમ, સાથે જમવું બતાવે છે કે “હવે અમે સુલેહ-શાંતિ કરી લીધી છે.” (g13-E 01)
[પાન ૧૨ પર ચિત્ર]
[પાન ૧૨ પર નકશો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
કેમેરુન
સાનાગા નદી
યાઉંડે
જા નદી
ગિનીનો અખાત
[પાન ૧૩ પર ચિત્ર]
મોટા ભાગે પિગમીઝ લોકોની ઉંચાઈ ૪થી ૪.૮ ફૂટ હોય છે
[પાન ૧૩ પર ચિત્ર]
આ મૅગેઝિન બહાર પાડનાર યહોવાના સાક્ષીઓના કેમેરુનમાં ૩૦૦ મંડળો છે. આ દેશમાં તેઓ ૬૫,૦૦૦ બાઇબલ અભ્યાસ ચલાવે છે
[પાન ૧૩ પર ચિત્ર]
સામાન્ય રીતે, સાનાગા નદીમાં થડને કોતરીને બનાવેલી હોડી જોવા મળે છે. હોડીનું સઢ જે કંઈ મળે એનાથી બનાવવામાં આવે છે
[પાન ૧૩ પર ચિત્ર]
યહોવાના સાક્ષીઓએ બાઇબલ આધારિત સાહિત્ય બાસામાં બહાર પાડ્યું છે, જે કેમેરુનની એક ભાષા છે
[પાન ૧૩ પર બોક્સ]
અમુક વિગતો
વસ્તી: આશરે બે કરોડ
રાજધાની: યાઉંડે
હવામાન: ઉત્તરી વિસ્તાર ગરમ અને ભેજ વગરનો, દરિયાઈ કાંઠો ભેજવાળો
નિકાસ: તેલ, કોકો, કૉફી, કપાસ, લાકડું અને ઍલ્યુમિનિયમ
બોલાતી ભાષા: અંગ્રેજી, ફ્રેંચ અને ૨૭૦ આફ્રિકન ભાષાઓ તેમ જ બોલીઓ