મુખ્ય વિષય
ગુનાખોરીથી પોતાનું રક્ષણ કરો!
“અંધારું થઈ ગયા પછી, મોટા ભાગે મારા મિત્રો મને ઘર સુધી ચાલતા મૂકી જતા. પણ એક સાંજે હું એટલી થાકી ગઈ હતી કે મેં ટૅક્સી બોલાવી.
“ડ્રાઇવર મને ઘરે લઈ જવાને બદલે ઉજ્જડ જગ્યાએ લઈ ગયો. પછી, તેણે મારા પર બળાત્કાર કરવાની કોશિશ કરી. મેં બધી તાકાત લગાવીને જોશથી ચીસ પાડી, એટલે તે પાછો ખસ્યો. તે ફરીથી મારી તરફ આવવા લાગ્યો ત્યારે, મેં ચીસાચીસ કરી મૂકી અને ત્યાંથી ભાગી ગઈ.
“હું હંમેશાં વિચારતી કે, ‘ચીસાચીસ કરવાથી શું ફાયદો થવાનો?’ પણ મને શીખવા મળ્યું કે એનો પણ ઘણો ફાયદો છે!”—કેરનa
ઘણા દેશોમાં ગુનાખોરી હંમેશાં મોટો મુદ્દો રહ્યો છે. દાખલા તરીકે, એક દેશના ન્યાયાધીશ જણાવે છે: “દુઃખદ હકીકત તો એ છે કે કદાચ નહિ, પણ ચોક્કસ તમે ગુનાખોરીનો ભોગ બનશો.” કદાચ બીજી જગ્યાઓએ ગુનાખોરીનું પ્રમાણ બહુ નથી; તોપણ, બધું બરાબર છે એમ માની લેવું મૂર્ખામી ગણાશે, કેમ કે એમ માનવાથી સહેલાઈથી ગુનાનો ભોગ બની જવાય.
ભલેને તમે વધારે કે ઓછી ગુનાખોરીવાળા વિસ્તારમાં રહેતા હો, તમે પોતાનું અને સગાં-વહાલાંનું જીવન કેવી રીતે સલામત બનાવી શકો? તમે બાઇબલના આ મહત્ત્વના સિદ્ધાંત પર ધ્યાન આપી શકો: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.” (નીતિવચનો ૨૨:૩) વધુમાં, પોલીસ અધિકારીઓ ખાસ ભલામણ કરે છે કે શરૂઆતથી યોગ્ય પગલાં ભરીશું તો, ગુનાનો શિકાર નહિ બનીએ.
ગુનાખોરીથી શારીરિક ઇજા થાય અને માલ-મિલકત પણ છીનવાઈ જાય. એટલું જ નહિ, એનાથી ઘણા લોકોને માનસિક અને લાગણીમય રીતે ઊંડી અસર પણ થાય છે. એટલે, એ ખૂબ મહત્ત્વનું છે કે આપણી સલામતી વધારવા આપણાથી થઈ શકે, એટલા બધા પ્રયત્નો કરીએ! એ ધ્યાનમાં રાખીને, ચાલો જોઈએ કે તમે કઈ રીતે આ ચાર ગુનાઓથી બચવા પગલાં લઈ શકો: લૂંટ, જાતીય હુમલો, સાઇબર ક્રાઇમ અને ઓળખની ચોરી (આઇડેન્ટીટી થેફ્ટ).
લૂંટ
શાને કહેવાય? બળજબરી અથવા ધમકીથી પડાવી લેવું.
લોકોને એ કઈ રીતે અસર કરે છે? બ્રિટનમાં થયેલી સંખ્યાબંધ હિંસક લૂંટ પછી, ફરિયાદી પક્ષના વકીલે નોંધ્યું કે, એનો ભોગ બનેલાઓને શારીરિક ઇજા નહોતી થઈ, પણ બધા માનસિક રીતે હેરાન-પરેશાન થયા હતા. વકીલ જણાવે છે, “એમાંના ઘણાને સતત ચિંતા રહેતી અને ઊંઘવામાં તકલીફ પડતી. મોટા ભાગે બધાએ જણાવ્યું કે આ અનુભવ થયા પછી તેઓના રોજ-બ-રોજના જીવન પર ગંભીર અસર પડી છે.”
તમે શું કરી શકો?
• સાવચેત રહો. ચોરો ટાંપીને જ બેઠા હોય છે. વાતમાં સહેલાઈથી આવી જાય એવી વ્યક્તિને તેઓ શિકાર બનાવે છે. એટલા માટે, ધ્યાન આપો કે તમારા પર કોણ નજર રાખી રહ્યું છે, આજુબાજુનું પણ ધ્યાન રાખો અને ડ્રગ્સ (કેફી પદાર્થ) કે વધારે પડતો દારૂ ન લો, નહિતર શું થઈ રહ્યું છે એનું ભાન નહિ રહે અને તમે યોગ્ય નિર્ણય નહિ લઈ શકો. “ડ્રગ્સ કે દારૂ લેવાને લીધે વ્યક્તિ બરાબર વિચારી શકતી નથી અને ખતરો ક્યાંથી આવી રહ્યો છે એ પારખી શકતી નથી.”—હેલ્થ ઍન્સાઇક્લોપીડિયા.
• તમારી માલ-મિલકત સાચવો. તમારાં વાહન અને ઘરનાં બારી-બારણાં બંધ રાખો. અજાણી વ્યક્તિને અંદર આવવા દેશો નહિ. કીમતી વસ્તુઓ દેખાય એમ ન રાખો, દેખાડો ન કરો. નીતિવચનો ૧૧:૨ કહે છે: “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” જે લોકો મોંઘાં ઘરેણાં અને ઇલેકટ્રોનિક્સ વસ્તુઓનો દેખાડો કરે છે તેઓને લાલચું બાળકો અને ચોરો મોટા ભાગે શિકાર બનાવે છે.
• સલાહ લો. “મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે; પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.” (નીતિવચનો ૧૨:૧૫) જો તમે મુસાફરી કરતા હો, તો ભરોસાપાત્ર સ્થાનિક સંસ્થાઓ અને લોકોની સલાહ પર ધ્યાન આપો. તેઓ તમને જણાવી શકે કે કેવી જગ્યાએ ન જવું અને કઈ રીતે પોતાનું અને પોતાની વસ્તુઓનું રક્ષણ કરવું.
જાતીય હુમલો
શાને કહેવાય? જાતીય હુમલો એટલે ફક્ત બળાત્કાર જ નહિ, પણ બળજબરી, દબાણ અથવા ધાકધમકીથી કરવામાં આવતું જાતીય શોષણ.
લોકોને એ કઈ રીતે અસર કરે છે? બળાત્કારનો ભોગ બનેલી એક વ્યક્તિ જણાવે છે, “ખરું કે હુમલો થાય ત્યારે એની તમારા પર અસર પડે છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે એ કડવો અનુભવ તમારી સાથે રહે છે અને લાંબા સમય સુધી તમને સતાવે છે. એ જીવન તરફનું તમારું વલણ બદલી નાખે છે. ઉપરાંત, આપણાં સગાં-વહાલાંનું જીવન પણ બદલી નાખે છે.” જાતીય હુમલાના કિસ્સામાં ભોગ બનનારનો નહિ, પણ જુલમ ગુજારનારનો દોષ હોય છે.
તમે શું કરી શકો?
• તમારા મનને અવગણશો નહિ. “જો કોઈ જગ્યા કે વ્યક્તિને લીધે તમારું મન મૂંઝાતું હોય અથવા અજુગતું લાગતું હોય તો ત્યાંથી નીકળી જાઓ. કોઈના કહેવાથી નહિ, પણ પોતાનું મન કહે તો જ ત્યાં રોકાઓ.”—નૉર્થ કેરોલિના, અમેરિકાના પોલીસખાતા તરફથી સૂચન.
• આત્મવિશ્વાસથી વર્તો, બેધ્યાન ન રહો. જાતીય હુમલો કરનાર ભોળી અને સહેલાઈથી કાબૂમાં કરી શકાય, એવી વ્યક્તિની શોધમાં હોય છે. એટલા માટે, આત્મવિશ્વાસથી ચાલો અને સાવચેત રહો.
• તરત જ પગલાં લો. બૂમો પાડો. (પુનર્નિયમ ૨૨:૨૫-૨૭) ભાગી છૂટો અથવા હુમલો કરનાર ચોંકી જાય, એ રીતે સામા થાઓ. જો શક્ય હોય, તો સલામત જગ્યાએ નાસી જાઓ અને પોલીસને બોલાવો.b
સાઇબર ક્રાઇમ
શાને કહેવાય? ઓનલાઇન થતા ગુનાઓને સાઇબર ક્રાઇમ કહે છે. એમાં ટૅક્સ અને વેલ્ફેરની છેતરપિંડી, ક્રેડિટ કાર્ડની છેતરપિંડી અને પૈસા લઈને વેચેલી વસ્તુઓ ન મોકલવી વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત, પૈસા રોકવા માટે છેતરવું અને ઓનલાઇન હરાજીનો પણ સમાવેશ થાય છે.
લોકોને એ કઈ રીતે અસર કરે છે? સાઇબર ક્રાઇમ વ્યક્તિઓ અને સમાજને કરોડો ડૉલરનું નુકસાન પહોંચાડે છે. એક દાખલો જોઈએ: સાન્ડ્રાને એક ઈ-મેલ મળ્યો, તેને લાગ્યું કે તેની બૅન્ક પોતાની ઓનલાઇન માહિતી અપડેટ કરવા જણાવી રહી છે. પોતાની અંગત માહિતી ઈ-મેલમાં મોકલ્યાની થોડી જ મિનિટોમાં તેને ખ્યાલ આવ્યો કે તેના ખાતામાંથી ૪,૦૦૦ અમેરિકન ડૉલર વિદેશના કોઈ ખાતામાં જતા રહ્યા છે. સાન્ડ્રાને તરત જ ભાન થયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
તમે શું કરી શકો?
• સાવધ રહો! અસલી જેવી દેખાતી વેબ સાઇટ્સથી છેતરાશો નહિ. હંમેશાં યાદ રાખો કે કાયદેસરની આર્થિક સંસ્થાઓ તમને ઈ-મેલથી અંગત માહિતી આપવાનું જણાવશે નહિ. કંઈ ખરીદતા કે ઓનલાઇન પૈસાનું રોકાણ કરતા પહેલાં, કંપનીની શાખ વિશે પૂરી ખાતરી કરી લો. બાઇબલ જણાવે છે, “ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઈ જોઈને પગ મૂકે છે.” (સુભાષિતો [નીતિવચનો] ૧૪:૧૫, સંપૂર્ણ) વિદેશમાં આવેલી કંપની સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખો, કેમ કે જો કોઈ સમસ્યા ઊભી થઈ, તો એને ઉકેલવી ખૂબ અઘરું થશે.
• કંપની અને એની પોલિસી તપાસો. પોતાને પૂછો: ‘કંપનીનું ખરું સરનામું શું છે? શું ફોન નંબર સાચો છે? મેં જે ખરીદી કરી છે, શું એમાં કોઈ છૂપા ખર્ચા સમાયેલા છે? મંગાવેલી વસ્તુ ક્યારે મળશે? શું હું એને પાછી આપી શકું અથવા મને એના પૈસા પાછા મળશે?’
• માનવામાં ન આવે એવી ઑફર હોય તો ચેતીને રહો. ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ માટે લોભી અને મફતમાં વસ્તુ મેળવવા ઇચ્છનારા સહેલો શિકાર હોય છે. તેઓ કદાચ આવી લાલચ મૂકે: થોડી મહેનતમાં અઢળક પૈસા કમાઓ; તમને લોન મળી શકે એમ ન હોય તોપણ લોન કે ક્રેડિટ કાર્ડની ઑફર; અથવા “ઓછા જોખમવાળા” રોકાણમાંથી પુષ્કળ ફાયદો. યુ.એસ. ફેડરલ ટ્રેડ કમિશન જણાવે છે, “રોકાણની કોઈ પણ તક આવે ત્યારે, પૂરતો સમય લઈને એ બરાબર છે કે નહિ એની તપાસ કરો. જેટલા વધારે પૈસા આપવાનું વચન એટલું વધારે પૈસા જવાનું જોખમ. રોકાણ કરવાનું ઉત્તેજન આપનારાઓના દબાણમાં આવી ન જશો. કંપની બરાબર છે કે નહિ, એની ખાતરી કર્યા વગર પૈસા રોકવાનું વચન આપશો નહિ.”
ઓળખની ચોરી (આઇડેન્ટીટી થેફ્ટ)
શાને કહેવાય? છેતરપિંડી કે કોઈ ગુના માટે, બીજાની અંગત માહિતી ગેરકાયદે મેળવવી અને વાપરવી.
લોકોને એ કઈ રીતે અસર કરે છે? ક્રેડિટ કાર્ડ કે લોન મેળવવા અથવા બૅન્કમાં નવું ખાતું ખોલાવવા ચોરો તમારી ઓળખનો ઉપયોગ કરી શકે. પછી, તેઓ તમારા નામે મોટું દેવું કરી નાખી શકે. ભલે તમે દેવું માફ કરાવી દો, પણ કેટલાક સમય માટે તમને બૅન્ક અમુક સવલતો આપવાનું બંધ કરી શકે. એનો ભોગ બનેલી એક વ્યક્તિ જણાવે છે, “તમારી શાખ બગડે એનાથી ખરાબ તો બીજું કંઈ નહિ, અરે પૈસા જાય એનાથી પણ એ વધારે ખરાબ કહેવાય.”
તમે શું કરી શકો?
• અંગત માહિતી સાચવીને રાખો. જો તમે ઓનલાઇન ખરીદી કરતા હો કે બૅન્કનું ખાતુ વાપરતા હો, તો નિયમિત રીતે પાસવર્ડ બદલતા રહો. જો બીજાનું કૉમ્પ્યુટર વાપરતા હો તો એમ ચોક્કસ કરવું જ જોઈએ. અને જેમ આગળ જોઈ ગયા, તેમ જો કોઈ ઈ-મેલથી તમારી અંગત માહિતી માંગે તો જલદીથી વિશ્વાસ કરશો નહિ.
ઓળખની ચોરી કરનારાઓ ફક્ત કૉમ્પ્યુટર જ વાપરતા નથી. તેઓ કોઈ પણ રીતે બૅન્ક સ્ટેટમેન્ટ, ચેકબુક, ક્રેડિટ કાર્ડ અને સોશિયલ સિક્યુરીટી નંબર જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવા માંગતા હોય છે. એટલા માટે, આ બધા દસ્તાવેજો સાચવીને રાખો અને અંગત માહિતી ધરાવતા કાગળના નાના નાના ટુકડા કર્યા પછી જ કચરામાં નાંખવા જોઈએ. જો તમને લાગે કે મહત્ત્વનું કાગળ ખોવાયું કે ચોરાયું છે, તો તરત જ એના વિશે રિપોર્ટ કરો.
• તમારા ખાતાની વિગતો તપાસતા રહો. યુ.એસ. ફેડરલ ટ્રેડ કમિશન જણાવે છે, “ઓળખની ચોરી સામે લડવા સજાગ રહેવું ઘણું મહત્ત્વનું છે. જો ઓળખની ચોરીને તરત જ પારખી લેવામાં આવે તો એનાથી ઘણો લાભ થશે.” એટલે, તમારા બૅન્ક સ્ટેટમેન્ટ નિયમિત જુઓ અને ખાતામાંથી તમારી જાણ બહાર લેવડ-દેવડ થઈ તો નથી ને, એ તપાસો.
ખરું કે આજની દુનિયામાં કંઈ પણ થઈ શકે છે. અરે, સૌથી વધારે સાવચેત હોય એવી વ્યક્તિ પણ ગુનાનો ભોગ બની શકે છે. એટલે, બાઇબલમાં આપેલા જ્ઞાન અને સમજણમાંથી આપણે લાભ મેળવવો જોઈએ. ‘એને તું ન તજ, એટલે એ તારું રક્ષણ કરશે; એના પર પ્રીતિ કર, ને એ તને સંભાળશે.’ (નીતિવચનો ૪:૬) એટલું જ નહિ, બાઇબલ એ પણ વચન આપે છે કે કાયમ માટે ગુનાનો અંત આવશે.
ગુનાનો જલદી જ અંત આવશે
આપણે કઈ રીતે કહી શકીએ કે ઈશ્વર ગુનાનો અંત લાવશે જ? નીચે આપેલી કલમો તપાસો:
• ઈશ્વર ગુનાખોરીને નાબૂદ કરવા માંગે છે. ‘હું યહોવા ઇન્સાફ ચાહું છું, અન્યાય અને લૂંટફાટનો હું ધિક્કાર કરું છું.’—યશાયા ૬૧:૮.
• ઈશ્વર પાસે ગુનાઓ અટકાવવાની શક્તિ છે. “સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; તેમની પાસે અદલ ઇન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી.”—અયૂબ ૩૭:૨૩, કોમન લેંગ્વેજ.
• ઈશ્વરે દુષ્ટોનો નાશ કરવાનું અને નેક લોકોને બચાવવાનું વચન આપ્યું છે. ‘દુષ્ટ કામો કરનારાઓનો સંહાર થશે.’ ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૨૯.
• ઈશ્વરે પોતાના વફાદાર ભક્તોને શાંતિપૂર્ણ નવી દુનિયા લાવવાનું વચન આપ્યું છે. ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.
શું એ શબ્દો તમારા દિલને સ્પર્શી ગયા? જો એમ હોય, તો થોડો સમય કાઢીને બાઇબલમાંથી શીખો કે માણસજાત માટે ઈશ્વરનો હેતુ શું છે. એમાં આપેલું જીવનને લગતું માર્ગદર્શન બીજા કોઈ પુસ્તકમાં નથી. ઉપરાંત, બીજું કોઈ એવું પુસ્તક નથી જે ગુના વિનાની આવતી કાલ વિશે આશા આપતું હોય.c ◼ (g13-E 05)
[ફુટનોટ્સ]
a નામો બદલ્યાં છે.
b મોટા ભાગના જાતીય હુમલાનો ભોગ બનનારાઓ હુમલો કરનારને જાણતા હોય છે. ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક્સ, વૉલ્યુમ ૧, પાન ૨૨૮ “હાઉ કેન આઇ પ્રોટેક્ટ માયસેલ્ફ ફ્રોમ સેક્સયુઅલ પ્રેડિટર્સ?” જુઓ. આ પુસ્તક www.pr418.com પર પ્રાપ્ય છે.
c બાઇબલના મહત્ત્વના શિક્ષણ વિશે વધારે માહિતી પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી મેળવી શકો. એ યહોવાના સાક્ષીઓ પાસેથી મફત મેળવી શકો અથવા ઓનલાઇન વાંચી શકો: www.pr418.com
[પાન ૬ પર ચિત્ર]
[પાન ૭ પર ચિત્ર]
[પાન ૭ પર ચિત્ર]
ચોરો તકની રાહ જોઈને બેઠા હોય છે; આજુબાજુનું ધ્યાન રાખો
[પાન ૭ પર ચિત્ર]
[પાન ૮ પર ચિત્ર]
[પાન ૮ પર ચિત્ર]
[પાન ૯ પર ચિત્ર]
ઈશ્વર શાંતિભરી નવી દુનિયાનું વચન આપે છે, જ્યાં ગુનાઓ નહિ હોય