વિશ્વ પર નજર
વિશ્વ
વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, “સ્ત્રીઓ પર થતી હિંસાનું પ્રમાણ રોગચાળા જેટલું જ વધી રહ્યું છે. લગભગ ૩૫ ટકા સ્ત્રીઓ પર તેમના પતિ કે કુટુંબના સભ્યો હિંસા આચરે છે. પતિ તરફથી થતી હિંસા એકદમ સામાન્ય છે. આખી દુનિયામાં ૩૦ ટકા સ્ત્રીઓ એનો ભોગ બને છે.”
બ્રિટન
એક સર્વે પ્રમાણે ૬૪,૩૦૩ લોકોમાંથી ૭૯ ટકા લોકોનું માનવું છે કે, “દુનિયામાં આજે જોવા મળતાં દુઃખ-તકલીફો અને લડાઈ-ઝઘડા માટે ધર્મ જવાબદાર છે.” ૨૦૧૧માં, ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તીના ૫૯ ટકા લોકો પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે. આ દર ૨૦૦૧માં ૭૨ ટકા હતો. એ સમયગાળામાં, ધર્મ સાથે સંબંધ કાપી નાખનાર લોકોની સંખ્યા ૧૫ ટકાથી વધીને ૨૫ ટકા થઈ છે.
ચીન
અમુક અહેવાલ પ્રમાણે, ચીનના કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા છે. યુવાનો પોતાનાં વૃદ્ધ માબાપને વારંવાર મળવા જાય એટલું જ પૂરતું નથી. પરંતુ, તેઓની “લાગણીમય જરૂરિયાતોનું” પણ ધ્યાન રાખવું જોઈએ. ચીનના કાયદા ‘એવું જણાવતા નથી’ કે કોઈ યુવાન એમ કરવામાં નિષ્ફળ જાય તો, તેને ફરજિયાત સજા કરવામાં આવશે.
યુરોપ
ગુના કરતી ટોળકીઓ, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની ડુપ્લિકેટ વસ્તુઓ બનાવીને વેચી રહ્યા છે. જેમ કે, કૉસ્મેટિક્સ, ખાવાની અને સાફ સફાઈની ચીજવસ્તુઓ. ખોરાક સલામત છે કે નહિ એની તપાસ કરનાર એક કંપનીના પ્રેસિડેન્ટ કહે છે: “સસ્તામાં સસ્તી વસ્તુની નકલ કરીને લોકોને છેતરે છે.” અમુક નિષ્ણાતો માને છે કે વિકસિત દેશોમાં લાવવામાં આવતી ખાવાની ચીજવસ્તુઓમાંથી ૧૦ ટકા વસ્તુઓ નકલી હોય છે.(g14-E 09)