-
શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?સજાગ બનો!—૨૦૧૭
-
-
મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?
શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?
૨૦૧૭ના વર્ષની શરૂઆત એક નિરાશાજનક જાહેરાતથી થઈ હતી. અમુક વૈજ્ઞાનિકોએ જાન્યુઆરી મહિનામાં જણાવ્યું હતું કે, ઇતિહાસના સૌથી ભયાનક વિનાશ તરફ દુનિયાએ એક ડગ આગળ માંડ્યું છે. પૃથ્વીનો વિનાશ કેટલો નજીક આવી પહોંચ્યો છે, એ દર્શાવવા વૈજ્ઞાનિકોએ એક ઘડિયાળ બનાવી છે, જે ડૂમ્સ-ડે ક્લૉક તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોએ એ ઘડિયાળનો કાંટો ૩૦ સેકન્ડ આગળ વધાર્યો છે. હવે, ડૂમ્સ-ડે ક્લૉકમાં વિનાશક કાળી રાત થવામાં ફક્ત અઢી મિનિટની વાર છે. પાછલા ૬૦ વર્ષોમાં આવું પહેલી વાર બન્યું છે!
૨૦૧૮માં વૈજ્ઞાનિકો ફરીથી ગણતરી કરશે કે દુનિયાના વિનાશ પહેલાં કેટલો સમય બાકી છે. શું ડૂમ્સ-ડે ક્લૉકનો કાંટો ઝઝૂમી રહેલા ભયાનક વિનાશ તરફ હજીયે આગળ વધશે? તમને શું લાગે છે? શું આ દુનિયા ખતમ થવાને આરે છે? કદાચ જવાબ આપવો તમને અઘરો લાગે. અરે, નિષ્ણાતો પણ હજી એકમત થયા નથી! હા, ઘણા લોકો પૃથ્વીના સર્વનાશ વિશેની માન્યતાને ટેકો આપતા નથી.
હકીકતમાં, લાખો લોકો એક ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે. તેઓ માને છે કે, માનવજાત અને પૃથ્વી કાયમ માટે ટકી રહેશે અને આપણું જીવન સુધરશે. શું તેઓની એ માન્યતા ભરોસાપાત્ર છે? શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?
-
-
જવાબની શોધ ચાલુ છેસજાગ બનો!—૨૦૧૭
-
-
મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?
જવાબની શોધ ચાલુ છે
એક પછી એક આઘાતજનક સમાચારો સાંભળીને તમને ચિંતા કે ડરની લાગણી સતાવતી હશે. ઘણા લોકો તમારા જેવું જ અનુભવે છે. ૨૦૧૪માં, અમેરિકાના એ સમયના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, વારંવાર આવા સમાચાર કાને પડવાને લીધે ઘણા લોકોને ભાવિ અંધકારમય લાગે છે. તેઓને લાગે છે કે ‘દુનિયા એટલી ઝડપે આગળ વધી રહી છે કે, કોઈ પણ એને કાબૂમાં રાખી શકતું નથી.’
જોકે, પછી તેમણે ઉત્સુકતાથી એવી યોજનાઓ તરફ ધ્યાન દોર્યું, જે દુનિયાની ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકતી હતી. તેમણે સરકારની અમુક નીતિઓનો “ખુશખબર” તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમને એના પર પૂરી “આશા” છે અને એ ‘સફળ થશે એવો મક્કમ ભરોસો છે.’ બીજા શબ્દોમાં, તેમણે જણાવ્યું કે જો મનુષ્યો સારા ઇરાદાથી મહેનત કરે, તો દુનિયાની બગડતી હાલત પર કાબૂ મેળવી શકાય છે અને પૃથ્વીને ભયાનક વિનાશથી બચાવી શકાય છે.
તેમના આશાવાદી વિચારો સાથે ઘણા લોકો સહમત થાય છે. દાખલા તરીકે, ઘણા લોકોને વિજ્ઞાન પર ભરોસો છે. ટૅક્નોલૉજીમાં થઈ રહેલી પ્રગતિમાં તેઓને આશાનું કિરણ દેખાય છે. તેઓ દાવો કરે છે કે, ટૅક્નોલૉજીમાં દુનિયાની બધી મુશ્કેલીઓનો હલ લાવવાની ક્ષમતા છે. ડિજિટલ ટૅક્નોલૉજીના એક નિષ્ણાતને પૂરી ખાતરી છે કે, ૨૦૩૦ સુધીમાં “આપણી ટૅક્નોલૉજી આજની સરખામણીએ હજાર ગણી શક્તિશાળી બનશે અને ૨૦૪૫ સુધીમાં તો એ લાખો ગણી શક્તિશાળી બની જશે.” તેમણે આગળ જણાવ્યું: “આમ તો આપણે સારું કરી રહ્યા છીએ. આપણી મુશ્કેલીઓ ક્યારેય હાથ બહાર ગઈ નથી. હકીકતમાં તો પડકારોને હલ કરવાની આપણી ક્ષમતા વધતી ને વધતી જાય છે.”
તો સવાલ થાય કે, આ દુનિયાની હાલત સારી થઈ રહી છે કે ખરાબ? શું ખરેખર આ દુનિયા વિનાશને આરે આવી ગઈ છે? અમુક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓ લોકોને ધોળા દિવસે સપનાં દેખાડે છે, પણ ઘણા લોકોને હજીયે ભાવિની ચિંતા છે. શા માટે?
ચોક્કસ, તમે પણ એવાં અનેક જોખમો વિશે જાણતા હશો, જે જીવલેણ સાબિત થઈ શકે છે. છતાં, આવી ખરાબ પરિસ્થિતિ પર સંશોધન કરવાથી તમને ભાવિ વિશે સંતોષકારક જવાબો નહિ મળે. ખરું કે, રાજનેતાઓ અને વૈજ્ઞાનિકો બધી સમસ્યાઓનો હલ લાવવાનો દાવો કરે છે. પણ અમુક લોકોનું કહેવું છે કે તેઓની વાતોમાં જરાય દમ નથી. જોકે, પાછલા લેખમાં જોઈ ગયા તેમ, લાખો લોકોને દુનિયાની હાલત અને ભાવિ વિશે સંતોષકારક જવાબો મળ્યા છે. પણ, તેઓને એ જવાબો ક્યાંથી મળ્યા?
વિનાશક શસ્ત્રો. ઘણી કોશિશ કર્યા છતાં, સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) અને બીજાં સંગઠનો અણુશસ્ત્રો પર રોક લગાવી શક્યાં નથી. અરે, કેટલાક નેતાઓ તો રોક લગાવવા માટેના નિયમોની મશ્કરી કરે છે. અમુક દેશોએ અગાઉ અણુશસ્ત્રો વાપર્યા છે. તેઓ જૂના અણુબૉમ્બને વધુ ઘાતક બનાવવા અને નવા અણુબૉમ્બ તૈયાર કરવા રાત-દિવસ એક કરી રહ્યા છે. બીજા ઘણા દેશો પાસે અગાઉ આવા વિનાશક હથિયારો ન હતા. હવે તેઓ પણ મિનિટોમાં હજારો ને લાખો લોકોનો વિનાશ કરવા માટે સક્ષમ બની ગયા છે.
મોટાભાગના દેશો અણુયુદ્ધ માટે સજ્જ થઈ ગયા છે. એના લીધે, “શાંતિના” સમયોમાં પણ આપણે ભયાનક કાળાં વાદળોથી ઘેરાયેલા રહીએ છીએ. ધ બુલેટિન ઑફ ધી એટોમિક સાયન્ટિસ્ટ્સ ચેતવે છે: “સ્વયં સંચાલિત વિનાશક શસ્ત્રોને માણસોના હુકમની જરૂર નથી, એ આપોઆપ હુમલા માટે તૈયાર થઈ જાય છે. એ ઘણી ચિંતાજનક બાબત છે.”
સ્વાસ્થ્ય પર લટકતી તલવાર. સ્વાસ્થ્ય માટે વિજ્ઞાને ઘણું કર્યું છે. જોકે એની પણ એક સીમા છે. આજે, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, હવાનું પ્રદૂષણ અને ડ્રગ્સના દુરુપયોગને લીધે થતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા લોકો કેન્સર, હૃદય રોગો અને ડાયાબિટીસ જેવી બીમારીઓના શિકાર બની રહ્યા છે. અનેક લોકો બીમારીઓને લીધે અશક્ત બની ગયા છે, એમાં માનસિક રોગોથી પીડાતા લોકો પણ છે. તાજેતરના વર્ષોમાં ઇબોલા અને ઝિકા જેવા વાઇરસે મનુષ્યો પર અણધાર્યો હુમલો કર્યો છે. નિષ્કર્ષ: મનુષ્યો બીમારીઓને કાબૂમાં લાવી શકતા નથી અને એનો અંત લાવવો મનુષ્યોના હાથ બહારની વાત છે!
મનુષ્યોનો કુદરત પર હુમલો. કારખાનાઓ પૃથ્વીના વાતાવરણને વધારે ને વધારે દૂષિત બનાવી રહ્યા છે. દૂષિત હવાને લીધે દર વર્ષે લાખો ને કરોડો લોકો મરી રહ્યા છે.
ઘણાં લોકો, સમાજો અને સરકારી સંસ્થાઓ પ્રદુષણ ફેલાવતા પદાર્થો સમુદ્રમાં નાખે છે. જેમ કે, ગટરની ગંદકી, દવાની ફેક્ટરીનો કચરો, પ્લાસ્ટિક, કૃષિ સંબંધી કચરો તેમજ પ્રદૂષણ ફેલાવતા બીજા પદાર્થો. દરિયાઈ વિજ્ઞાન પરનો એક જ્ઞાનકોષ સમજાવે છે કે એ “ઝેરી પદાર્થોને લીધે દરિયાઈ પ્રાણીઓ અને વનસ્પતિમાં ઝેર ફેલાયું છે. પરિણામે, માછલી-ઝીંગા જેવો ખોરાક ખાનારા લોકોમાં એની આડઅસરો જોવા મળી રહી છે.”
રોજબરોજના વપરાશ માટે પાણીની અછત વર્તાઈ રહી છે. બ્રિટનના રૉબીન મેકકાઇ નામના લેખક વિજ્ઞાન આધારિત લેખો લખે છે. તે ચેતવે છે: “એ દિવસ દૂર નથી જ્યારે દુનિયાના ખૂણે ખૂણે પાણીની સમસ્યા હશે.” રાજનેતાઓ કબૂલ કરે છે કે પાણીની તંગીનું મુખ્ય કારણ માણસો પોતે છે. હવે, હાથના કર્યા હૈયે વાગશે! મનુષ્યોને માથે ભયંકર સમસ્યા ઝઝૂમી રહી છે!
કુદરતનો મનુષ્યો પર વળતો પ્રહાર. વાવાઝોડા, વંટોળિયા, દરિયાઈ તોફાનો અને ભૂકંપોને લીધે પૂર આવે છે અને ભેખડો ધસી પડે છે. પરિણામે, મોટા પાયે બધું નષ્ટ થઈ જાય છે. આવા કુદરતી પરિબળોને લીધે આજે સેંકડો લોકો મરણ પામે છે અથવા મોટું નુકસાન ભોગવે છે. અમેરિકાના નાસાએ (NASA) જણાવ્યું હતું કે ભાવિમાં “મોટા મોટા વાવાઝોડા, જીવલેણ લૂ, મહાપૂર અને દુકાળ જેવી આફતો આવવાની શક્યતા વધી ગઈ છે.” શું કુદરત આખી માનવજાત પર વળતો પ્રહાર કરશે?
-
-
શાસ્ત્ર શું જણાવે છે?સજાગ બનો!—૨૦૧૭
-
-
ડૂમ્સ-ડે ઘડિયાળની ભવિષ્યવાણી ક્યારેય સાચી નહિ પડે, કારણ કે ઈશ્વરે એક ઉજ્જવળ ભાવિનું વચન આપ્યું છે
મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?
શાસ્ત્ર શું જણાવે છે?
આજની દુનિયાની ભયાનક હાલત વિશે શાસ્ત્રમાં સદીઓ અગાઉ ભાખવામાં આવ્યું હતું. જોકે, એમાં ખાસ જણાવ્યું છે કે મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હશે. શાસ્ત્રમાં જણાવેલી ભવિષ્યવાણીઓને આપણે નજરઅંદાજ નથી કરી શકતા, કારણ કે મોટાભાગની ભવિષ્યવાણીઓ શબ્દેશબ્દ પૂરી થઈ છે.
દાખલા તરીકે, શાસ્ત્રમાં આપેલી આ ભવિષ્યવાણીનો વિચાર કરો:
“એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે, એક પછી એક જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે.”—માથ્થી ૨૪:૭.
“છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફૂલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા” હશે.—૨ તિમોથી ૩:૧-૪.
એ ભવિષ્યવાણીઓમાં એવી દુનિયા વિશે અગાઉથી જણાવ્યું હતું જેમાં દુષ્ટતા કાબૂ બહાર થઈ ગઈ હશે. એક રીતે જોવા જઈએ તો, આપણી દુનિયા કાબૂ બહાર થઈ ચૂકી છે—મનુષ્યોના કાબૂ બહાર. શાસ્ત્ર જણાવે છે કે, કાયમી ઉકેલ લાવવા માણસો પાસે ડહાપણ અને શક્તિ નથી. એ વિશે શાસ્ત્ર આમ જણાવે છે:
“એક એવો માર્ગ છે કે, જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.”—નીતિવચનો ૧૪:૧૨.
એક “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.
“પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયા ૧૦:૨૩.
જો મનુષ્યોને પોતાની મરજી પ્રમાણે કરવાની આઝાદી આપવામાં આવે, તો આ દુનિયાનો સર્વનાશ થઈ જશે. પરંતુ, એવું ક્યારેય નહિ થાય! શા માટે? કારણ કે શાસ્ત્ર આમ જણાવે છે:
“કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે [ઈશ્વરે] નાખ્યો છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૫.
“એક પેઢી જાય છે, અને બીજી આવે છે; પણ પૃથ્વી સદા ટકી રહે છે.”—સભાશિક્ષક ૧:૪.
‘ન્યાયીઓ ધરતીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
“પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.
આ શાસ્ત્રવચનોમાંથી સ્પષ્ટ જવાબ મળે છે: પ્રદુષણ, બીમારીઓ તેમજ ખોરાક અને પાણીની અછતને લીધે મનુષ્યોનો સર્વનાશ થશે નહિ. અણુશસ્ત્રોથી પણ પૃથ્વીનો વિનાશ નહિ થાય. શા માટે? કારણ કે, પૃથ્વીનું ભાવિ ઈશ્વરના હાથમાં છે. ખરું કે, ઈશ્વરે મનુષ્યોને પોતાની ઇચ્છા પ્રમાણે કરવાની આઝાદી આપી છે, પણ યાદ રાખીએ કે આપણે જે વાવીશું એ જ લણીશું. (ગલાતીઓ ૬:૭) આ દુનિયા બ્રેક ફેઈલ થઈ ગયેલી કાર જેવી નથી, જે વિનાશ તરફ આગળ દોડી રહી હોય. માણસજાત પોતાના પર કેટલી હદ સુધી નુકસાન લાવી શકે છે એની ઈશ્વરે મર્યાદા બાંધી છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; હિબ્રૂઓ ૪:૧૩.
પરંતુ, ઈશ્વર મનુષ્યો માટે કંઈક અદ્ભુત કરવાના છે. તે પૃથ્વી પર “પુષ્કળ શાંતિ” લાવવાના છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) આ લેખમાં આપણને ઉજ્જવળ ભાવિની એક સુંદર ઝલક જોવા મળી. યહોવાના લાખો ઈશ્વરભક્તોને શાસ્ત્રમાંથી અભ્યાસ કરીને એ વિશે જાણવા મળ્યું છે.
યહોવાના સાક્ષીઓનો સમાજ, પૃથ્વીના ખૂણે ખૂણેથી આવેલાં વિવિધ સંસ્કૃતિના લોકોથી બનેલો છે. તેઓ એકમાત્ર સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરે છે, જે નામ બાઇબલમાં જોવા મળે છે. તેઓને ભાવિનો કોઈ ડર નથી કારણ કે શાસ્ત્ર જણાવે છે: “આકાશોને ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારું એને ઉત્પન્ન કરી નથી, તેણે વસ્તીને સારું તેને બનાવી; તે એવું કહે છે, કે હું યહોવા છું; અને બીજો કોઈ નથી.”—યશાયા ૪૫:૧૮.
આ લેખમાં પૃથ્વી અને માણસજાતના ભાવિ વિશે શાસ્ત્રમાંથી અમુક બાબતો જણાવી છે. વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી ઈશ્વર પાસેથી ખુશખબર! ચોપડીનો પાઠ ૫ જુઓ. એ www.pr418.com/gu પર પ્રાપ્ય છે
www.pr418.com/gu પર આ વીડિયો પણ જુઓ: ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? (સાહિત્ય > વીડિયો)
-