ભાગ ૬
બાળક આવવાથી જીવનમાં ફેરફારો આવે છે
‘બાળકો તો યહોવાએ આપેલું ધન છે.’—ગીતશાસ્ત્ર ૧૨૭:૩
બાળકના જન્મથી પતિ-પત્નીના જીવનમાં ખુશીની સાથે સાથે મોટી જવાબદારીઓ પણ આવે છે. માબાપ બનવાથી તમારો મોટા ભાગનો સમય અને શક્તિ બાળકની સંભાળ રાખવામાં જાય છે. પૂરતી ઊંઘ ન મળવાથી અને લાગણીઓમાં ઊતાર-ચઢાવ આવતા હોવાથી તમારા સંબંધ પર અસર પડી શકે છે. બાળકનો ઉછેર કરવા તેમ જ તમારો સંબંધ મજબૂત કરવા, તમારે બંનેએ અમુક ફેરફારો કરવા પડશે. આવા સંજોગોમાં બાઇબલની સલાહ તમને કઈ રીતે મદદ કરી શકે?
૧ બાળક આવવાથી જીવનમાં થતા ફેરફારોને સમજો
બાઇબલ શું કહે છે? ‘પ્રેમ સહનશીલ તથા માયાળુ છે; એ પોતાનો જ સ્વાર્થ જોતો નથી કે ચિડાતો નથી.’ (૧ કોરીંથી ૧૩:૪, ૫) મા બન્યા પછી તમારું ધ્યાન તમારા બાળકમાં હોય એ સ્વાભાવિક છે. એનાથી પતિને લાગી શકે કે તમે તેમની અવગણના કરો છો. તેથી, પતિનું પણ પૂરતું ધ્યાન રાખો. ધીરજ અને પ્રેમથી અહેસાસ કરાવો કે તે તમારે મન હજી પણ એટલા જ મહત્ત્વના છે. તેમ જ, બાળક ઉછેરવામાં તેમની મદદ ખૂબ જ જરૂરી છે.
‘પતિઓ તમારી પત્ની સાથે સમજદારીથી વર્તો.’ (૧ પીતર ૩:૭) તમારી પત્નીની મોટા ભાગની શક્તિ બાળકની કાળજી રાખવામાં વપરાય છે એ ધ્યાનમાં રાખો. નવી જવાબદારીને લીધે પત્ની કદાચ ચિડાઈ જાય, થાકી જાય કે પછી નિરાશ થઈ જાય. કોઈક વાર તે ગુસ્સે થઈ જાય તોપણ શાંત રહેવાનો પ્રયત્ન કરો. બાઇબલ કહે છે કે, ‘જે ક્રોધ કરવામાં ધીમો છે તે બળવાન કરતાં સારો છે.’ (નીતિવચનો ૧૬:૩૨) સમજદારીથી વર્તો અને તેને સાથ આપો.—નીતિવચનો ૧૪:૨૯.
તમે શું કરી શકો?
પિતાઓ: બાળકની સંભાળ રાખવામાં પત્નીને મદદ કરો. દિવસે જ નહિ રાત્રે પણ મદદ કરો. બીજી પ્રવૃત્તિઓ પાછળ ઓછો સમય આપો, જેથી પત્ની અને બાળક સાથે વધુ સમય વિતાવી શકો
માતાઓ: બાળકને સાચવવા પતિ તૈયાર હોય ત્યારે, મદદ લેતા અચકાશો નહિ. કોઈ કામ તે બરાબર ન કરે તો, કચકચ ન કરશો પણ પ્રેમથી શીખવો
૨ તમારો સંબંધ મજબૂત બનાવો
બાઇબલ શું કહે છે? “તેઓ એક દેહ થશે.” (ઉત્પત્તિ ૨:૨૪) ભલેને કુટુંબમાં નવું મહેમાન આવ્યું હોય, ભૂલશો નહિ કે તમે અને તમારા સાથી હજુ પણ “એક દેહ” છો. તમારો સંબંધ મજબૂત રાખવા બનતું બધું જ કરો.
પત્નીઓ, તમારા પતિના સાથ-સહકારની કદર કરો. કદર બતાવતા તમારા શબ્દો “આરોગ્યરૂપ” એટલે કે ખૂબ મહત્ત્વના છે. (નીતિવચનો ૧૨:૧૮) પતિઓ, તમારી પત્નીને જણાવો કે તમે તેને ખૂબ ચાહો છો અને તમારા માટે તે ખૂબ જ મહત્ત્વની છે. કુટુંબની તે સાર-સંભાળ રાખે છે માટે તેના વખાણ કરો.—નીતિવચનો ૩૧:૧૦, ૨૮.
‘દરેકે પોતાનું જ નહિ, પણ બીજાનું હિત જોવું જોઈએ.’ (૧ કોરીંથી ૧૦:૨૪) તમારા સાથી માટે જે સૌથી સારું હોય એ કરો. યુગલ તરીકે વાતચીત કરવા, એકબીજાના વખાણ કરવા અને વાત સાંભળવા સમય કાઢો. તમારા સાથી સાથે જાતીય સંબંધ બાંધવામાં સ્વાર્થી ન બનો. તેમની જરૂરિયાતનો પણ વિચાર કરો. બાઇબલ કહે છે: ‘એ અધિકારથી એકબીજાને વંચિત ન રાખો, માત્ર સંમતિથી થોડી વાર જુદા પડો.’ (૧ કોરીંથી ૭:૩-૫) એના વિશે દિલ ખોલીને સાથી જોડે વાત કરો. ધીરજ અને સમજદારી બતાવવાથી તમારો સંબંધ વધુ મજબૂત બનશે.
તમે શું કરી શકો?
તમે બંને એકબીજા સાથે સમય પસાર કરવાનું ક્યારેય ભૂલશો નહિ
નાની-નાની બાબતોથી તમારા સાથીને બતાવો કે તમે તેમને ખૂબ ચાહો છો. જેમ કે, સંદેશો મોકલીને અથવા ભેટ આપીને
૩ તમારા બાળકને શીખવો
બાઇબલ શું કહે છે? ‘તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, એ તને તારણને માટે જ્ઞાન આપશે.’ (૨ તીમોથી ૩:૧૫) પહેલેથી વિચારો કે બાળકને શીખવવા તમે શું કરશો. જન્મ પહેલાંથી જ બાળક પાસે શીખવાની અજોડ ક્ષમતા હોય છે. માતાના પેટમાં રહેલું બાળક તમારો અવાજ પારખી શકે છે. તેમ જ, માતાની લાગણીઓ પારખી શકે છે. બાળક જન્મે ત્યારથી જ તેને વાંચી સંભળાવો. તમે જે વાંચો છો, એ બાળક સમજતું ન હોય તોપણ વાંચો. એમ કરવાથી, બાળક મોટું થશે તેમ તેને વાંચવાનું ગમશે.
તમારું બાળક ગમે એટલું નાનું હોય, તોપણ તે તમારી પાસેથી ઈશ્વર વિશે શીખી શકે છે. તેને સંભળાય એ રીતે યહોવાને પ્રાર્થના કરો. (પુનર્નિયમ ૧૧:૧૯) તમે બાળક સાથે રમતા હો, ત્યારે પણ તેની સાથે વાત કરો કે યહોવાએ કઈ કઈ વસ્તુઓ બનાવી છે. (ગીતશાસ્ત્ર ૭૮:૩, ૪) તમારું બાળક મોટું થશે તેમ યહોવા માટેનો તમારો પ્રેમ જોઈ શકશે. પછી, તે પણ એમ કરવાનું શીખશે.
તમે શું કરી શકો?
બાળકને સારી રીતે શીખવી શકો માટે પ્રાર્થનામાં ખાસ મદદ માંગો
બાળકને જે શીખવવું છે, એ તેની સાથે વારંવાર બોલો