જીવન સફર
ઉત્તર ધ્રુવવૃત્ત નજીક પૂરા સમયની સેવામાં પચાસ વર્ષ
અમારી એક મિત્ર પૂરા સમયની સેવામાં હતી. અમે તેને કહ્યું: “તારી માટે પાયોનિયરીંગ કરવું સહેલું છે. કારણ, તારાં મમ્મી-પપ્પા સત્યમાં છે, તેઓ તને સાથ આપી શકે છે.” તેણે જવાબ આપ્યો, “સાંભળો, આપણા બધાના પિતા એક છે!” તેના જવાબે અમને કંઈક મહત્ત્વનું શીખવ્યું. આપણા ઈશ્વર પિતા પોતાના બધા ભક્તોની સંભાળ રાખે છે અને હિંમત આપે છે. અમારાં જીવનમાં થયેલા અનુભવો, એ હકીકતની સાબિતી આપે છે.
ફિનલૅન્ડ દેશના ઑસ્ટ્રોબોથનીયા વિસ્તારના ઉત્તર ભાગમાં અમારો જન્મ થયો હતો. દસ ભાઈ-બહેનોવાળું અમારું કુટુંબ ખેતીકામ કરતું. બીજા વિશ્વયુદ્ધને લીધે અમારું બાળપણ ખોરવાઈ ગયું. સરહદથી અમે સેંકડો કિલોમીટર દૂર રહેતાં. છતાં, એ ભયંકર યુદ્ધ અમારાં પર ઊંડી અસર કરી ગયું. નજીકનાં શહેરો ઑઉલુ અને કાલાજોકી પર બૉમ્બ નાખવામાં આવ્યા ત્યારે, એના લાલ ધુમાડા અમે રાતના અંધારામાં જોઈ શકતાં હતાં. મમ્મી-પપ્પાએ અમને ખાસ જણાવ્યું હતું કે લડાકુ વિમાનો જુઓ તો, તરત સંતાઈ જજો. જ્યારે અમારાં મોટા ભાઈ ટાઉનૉએ અન્યાય વિનાની નવી દુનિયા વિશે જણાવ્યું, ત્યારે એ અમારાં દિલને સ્પર્શી ગયું.
ટાઉનૉ ૧૪ વર્ષની ઉંમરે બાઇબલ વિદ્યાર્થીઓનાં સાહિત્યમાંથી સત્ય શીખ્યા. બાઇબલથી કેળવાયેલા અંતઃકરણને લીધે, તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે લશ્કરમાં સેવા આપવાનો નકાર કર્યો. એટલે, તેમને કેદ કરવામાં આવ્યા અને તેમની સાથે ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો. એ બધાથી, યહોવાની ભક્તિ કરવાનો તેમનો નિર્ણય વધારે દૃઢ થયો. જેલમાંથી છૂટ્યા પછી, તે વધારે ઉત્સાહથી પ્રચાર કરવા લાગ્યા. અમારાં ભાઈના સારા ઉદાહરણને લીધે અમને સાક્ષીઓની સભામાં જવાનું ઉત્તેજન મળ્યું. અમે નજીકના ગામમાં થતી સભાઓમાં જવાં લાગ્યાં. અમે સંમેલનોમાં પણ જતાં. એ માટે પૈસા ભેગા કરવા અમે સખત મહેનત કરતાં. અમે ડુંગળી ઉગાવતાં, નાનાં નાનાં ફળો તોડતાં અને પડોશીઓનાં કપડાં સીવી આપતાં. ખેતરમાં ઘણું કામ હોવાને લીધે, અમે સંમેલનમાં બધા એક સાથે નહોતા જઈ શકતા. એટલા માટે અમે વારા બાંધતા.
ડાબી બાજુથી: મટ્ટી (પિતા), ટાઉનૉ, સાઇમી, મારિયા એમિલ્યા (માતા), વાયનો (બાળક), ઐલી અને અનિકી, વર્ષ ૧૯૩૫માં
યહોવા અને તેમના હેતુ વિશે સત્ય શીખવાથી, તેમના માટે અમારો પ્રેમ વધ્યો. અમે પોતાનું જીવન તેમને સમર્પણ કરવાનો નિર્ણય કર્યો. એની સાબિતી આપવા અમે બંનેએ વર્ષ ૧૯૪૭માં બાપ્તિસ્મા લીધું. એ વખતે, એનિકી ૧૫ વર્ષની અને ઐલી ૧૭ વર્ષની હતી. એ જ વર્ષે અમારાં મોટાં બહેન સાઇમીએ પણ બાપ્તિસ્મા લીધું. અમારાં બીજાં એક પરિણીત બહેનનું નામ લીનીયા છે. તેમની સાથે અમે બાઇબલ અભ્યાસ કર્યો. તે અને તેમનું કુટુંબ પણ યહોવાના સાક્ષી બન્યાં. બાપ્તિસ્મા પછી અમે પાયોનિયરીંગ કરવાનો ધ્યેય રાખ્યો. અમે સમયે સમયે સહાયક પાયોનિયરીંગ કરતાં.
પૂરા સમયની સેવાની શરૂઆત
ડાબી બાજુથી: ઈવા કૅલીઓ, સાઇમી મટ્ટીલા-સૈયરજલા, ઐલી, અનિકી અને સારા નોપોનેન, વર્ષ ૧૯૪૯માં
અમે રહેતાં હતાં એની ઉત્તરમાં કેમી નામનું શહેર છે, અમે ૧૯૫૫માં ત્યાં રહેવા ગયાં. આખો દિવસ નોકરી કરતાં તોપણ અમારે પાયોનિયરીંગ કરવું હતું. પણ, અમને ચિંતા હતી કે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવીશું. એટલે પહેલા, થોડાક પૈસાની બચત કરવાનું વિચાર્યું. એ સમય દરમિયાન, જે પાયોનિયર બહેન વિશે શરૂઆતમાં વાત કરી, તેમને મળ્યા. તેમની સાથેની ચર્ચામાં અમે એક મહત્ત્વની બાબત શીખ્યાં. એ જ કે, પૂરા સમયની સેવા કરવી ફક્ત પોતા પર કે કુટુંબના સાથ-સહકાર પર આધારિત નથી. સૌથી, મહત્ત્વનું છે કે આપણા ઈશ્વર પિતા પર ભરોસો રાખીએ.
વર્ષ ૧૯૫૨માં કૉયપૉયના સંમેલનમાં જતી વખતે. ડાબી બાજુથી: અનિકી, ઐલી, ઈવા કૅલીઓ
એ સમયે, બે મહિના ચાલે એટલી બચત અમારી પાસે હતી. તેથી, ૧૯૫૭ના મે મહિનામાં ડરતાં ડરતાં અમે બે મહિના પાયોનિયરીંગ કરવા ફોર્મ ભર્યું. ઉત્તર ધ્રુવવૃત્તની ઉપર આવેલા લૅપલૅન્ડ વિસ્તારની નગરપાલિકા પૅલોમાં અમે પાયોનિયરીંગ શરૂ કર્યું. બે મહિના પછી, અમારી એ બચત એવી જ હતી. માટે, બીજા બે મહિના પાયોનિયરીંગ કરવાનું નક્કી કર્યું. એ મહિનાઓ પછી પણ અમારી બચત જરાય ઓછી થઈ નહિ. હવે અમને પૂરી ખાતરી થઈ કે, યહોવા અમારી સંભાળ રાખે છે. ૫૦ વર્ષ પાયોનિયરીંગ કર્યાં પછી પણ, અમારી એ બચત હજુય એવી ને એવી જ છે! પાછલા દિવસોને યાદ કરતા અમને લાગે છે કે જાણે યહોવા અમારો હાથ પકડીને કહી રહ્યા છે, ‘તું બીશ નહિ, હું તને સહાય કરીશ.’—યશા. ૪૧:૧૩.
૫૦ વર્ષ પાયોનિયરીંગ કર્યાં પછી પણ, અમારી એ બચત હજુય એવી ને એવી જ છે!
કાઈસુ રૈકો અને ઐલી પ્રચાર વખતે
વર્ષ ૧૯૫૮માં સરકીટ નિરીક્ષકે અમને ખાસ પાયોનિયર તરીકે સેવા આપવાની સલાહ આપી. લૅપલૅન્ડ વિસ્તારના સોડાનકીલામાં જઈને સેવા આપવા ઉત્તેજન આપ્યું. એ સમયે, ત્યાં ફક્ત એક સાક્ષી બહેન હતાં. નવાઈ પમાડે એવી રીતે તેમને સત્ય મળ્યું હતું. હેલસિંકી જે ફિનલૅન્ડની રાજધાની છે, ત્યાં તેમનો દીકરો સ્કૂલના પ્રવાસે ગયો હતો. વિદ્યાર્થીઓ શહેરમાં ફરતા હતા ત્યારે, એક વૃદ્ધ સાક્ષી બહેને તે છોકરાને ચોકીબુરજ આપ્યું. તેમણે તે છોકરાને જણાવ્યું કે જઈને મમ્મીને આપે. તેણે એમ જ કર્યું અને મમ્મી તરત પારખી ગયાં કે એ જ સત્ય છે.
લાકડાં કાપવાનાં કારખાના ઉપર અમે રહેવા માટે એક રૂમ ભાડે લીધી. ત્યાં, અમે સભાઓ ભરતાં. શરૂઆતમાં, સભાઓમાં ફક્ત ચાર જ વ્યક્તિઓ હતી. અમે બે, પેલાં બહેન અને તેમની દીકરી. અમે સભાઓના શેડ્યુલ પ્રમાણે સાહિત્યમાંથી વાંચતા. સમય જતા, એવી એક વ્યક્તિ કારખાનામાં કામ કરવા આવી, જેણે સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કર્યો હતો. કુટુંબ સાથે તે સભાઓમાં આવવા લાગ્યો. અમુક સમય પછી, તેણે અને તેની પત્નીએ બાપ્તિસ્મા લીધું. તે ભાઈએ સભામાં આગેવાની લેવાનું શરૂ કર્યું. વધુમાં, કારખાનામાં કામ કરતા બીજા પુરુષો પણ સભામાં આવવા લાગ્યા. તેમ જ, બાઇબલ સત્ય સ્વીકારવા લાગ્યા. અમુક જ વર્ષોમાં, અમારું નાનું ગ્રૂપ મંડળ બની ગયું.
પડકારોનો સામનો
પ્રચાર માટે દૂર દૂર જવું એક પડકાર હતો. ઉનાળામાં પ્રચાર કરવા અમે ચાલીને, સાઇકલ પર અને અમુક વાર હોડીમાં જતાં. સાઇકલ અમને ઘણી જ મદદરૂપ થતી. સંમેલનમાં જવા અમે એનો ઉપયોગ કરતાં. તેમ જ, સેંકડો કિલોમીટર દૂર રહેતાં મમ્મી-પપ્પાને મળવા પણ અમે સાઇકલ પર જતાં. શિયાળામાં અમે વહેલી સવારે બસ પકડીને નજીકના ગામમાં જતાં અને પછી, ત્યાં ઘરે ઘરે જવા ચાલતાં. એક ગામ પતાવ્યા પછી, અમે ચાલીને બીજે ગામ જતાં. રસ્તા પર ઘણો જ બરફ રહેતો, જેને ઘણી વાર કોઈ સાફ નહોતું કરતું. બરફમાં ચાલનારી ઘોડાગાડી પસાર થયા પછી જે રસ્તો બને, એના પર અમે ચાલતાં. અમુક વાર તો, એટલો બરફ પડે કે એ રસ્તો પણ ઢંકાઈ જાય. વસંતઋતુની શરૂઆતમાં બરફ ઢીલો-પોચો થઈ જાય. તેથી, અમારે પગ ઘસડી ઘસડીને ચાલવું પડે.
કડકડતી ઠંડીમાં સાથે પ્રચાર વખતે
બરફ અને ઠંડીએ, અમને ગરમ કપડાં પહેરતાં કરી દીધાં. અમે બે ત્રણ જોડી ઊનનાં મોજાં અને ઘૂંટણ સુધીના લાંબા બૂટ પહેરતાં. તોપણ, અમારાં બૂટમાં બરફ ભરાઈ જતો. એટલે ઘરના દાદરા ચઢી બૂટ ખંખેરી દેતાં. અમારાં લાંબા કોટની કોર પણ બરફના લીધે ભીની થઈ જતી. ઠંડી વધે ત્યારે એ કોર થીજીને કડક થઈ જતી. એક સ્ત્રીએ કહ્યું, ‘તમે આવી કડકડતી ઠંડીમાં પોતાની ઇચ્છાથી કામ કરો છો તો, ચોક્કસ તમને ઘણી શ્રદ્ધા હશે.’ તેના ઘરે જવા, અમે ૧૧ કી.મી. ચાલ્યાં હતાં.
દૂર દૂર સુધી પ્રચારમાં જતાં હોવાથી, અમે ઘણી વાર ત્યાંના લોકોના ઘરે રાત રોકાઈ જતાં. સાંજ પડવા લાગે તેમ, અમે રોકાવાની જગ્યા માટે પૂછતાં. ભલે લોકોનાં ઘર નાનાં, પણ તેઓનાં દિલ મોટાં હતાં. તેઓ અમને ફક્ત સૂવાની જગ્યા જ નહિ, અમુક વાર જમવાનું પણ આપતા. ઘણી વાર અમે, હરણ કે રીંછ જેવાં પ્રાણીઓની રુંવાટાવાળી ખાલ પર સૂતાં. જોકે, અમુક વાર અમને સારી સગવડો પણ મળતી. જેમ કે, એક સ્ત્રીએ અમને તેનાં મોટા ઘરમાં ઉપરની રૂમ રોકાવા આપી. એ આલીશાન રૂમમાં સુંદર પલંગ પર સફેદ મુલાયમ ચાદર પાથરેલી હતી. ઘણી વાર, અમે જેઓ સાથે રહેતાં તેઓ સાથે મોડી રાત સુધી બાઇબલમાંથી ચર્ચા કરતાં. એક વખત, અમે જે યુગલને ત્યાં રહ્યાં, તેઓનું ઘર નાનું હતું. એટલે, એ રૂમના એક ખૂણામાં અમારી પથારી કરી અને બીજી બાજુ તેઓની. અમારી ચર્ચા છેક વહેલી સવાર સુધી ચાલી. એ યુગલે વારાફરતી અમને ઘણા સવાલો પૂછ્યા.
ઘણાં ફળ આપતું પ્રચારકાર્ય
લૅપલૅન્ડ એવી સુંદર જગ્યા છે, જેની સુંદરતા ઋતુ પ્રમાણે બદલાય છે. જોકે, અમારે મન તો એ લોકો વધારે સુંદર છે, જેઓ યહોવાની કદર કરે છે. ઝાડ કાપનારા કામદારો જે લૅપલૅન્ડમાં આવતા, તેઓ નમ્ર લોકો હતા. અમે તેઓને પણ સંદેશો જણાવતાં. અમુક વાર, એવું બનતું કે ઝૂંપડામાં ઘણા પુરુષો હોય અને અમે બે નાનકડી બહેનો અંદર જતી. એ કદાવર પુરુષો બાઇબલ સંદેશો સ્વીકારતા અને ખુશીથી સાહિત્ય લેતા.
ત્યાં અમને ઘણા સારા અનુભવ થયા. એક દિવસે બસ સ્ટોપની ઘડિયાળ પાંચ મિનિટ વહેલી હતી. એટલે, જ્યાં જવું હતું ત્યાંની બસ ચૂકી ગયાં. અમે બીજા ગામે જવાનું નક્કી કર્યું. ત્યાં અમે કદી પ્રચાર કર્યો નહોતો. પહેલા જ ઘરે અમને એક યુવાન સ્ત્રી મળી. તેણે કહ્યું, ‘અરે, તમે બંને આવી ગયાં! હું તમારી જ રાહ જોતી હતી.’ બીજા ગામમાં રહેતી તેની મોટી બહેન સાથે અમે બાઇબલ અભ્યાસ કરતા. એ મોટી બહેનને આ સ્ત્રીએ અરજ કરી હતી કે અમે તેને આજ દિવસે મળવા જઈએ. પણ, અમને તો એ સંદેશો મળ્યો જ નહોતો. એ સ્ત્રી અને તેના પડોશમાં રહેતા સગાંઓ સાથે અમે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. થોડાક જ વખતમાં, અમે એ બધાનો અલગ અલગ અભ્યાસ ચલાવવાને બદલે એક અભ્યાસ કરી દીધો. એમાં દસ-બાર લોકો બેસતા. એ પછી, તે સ્ત્રીના કુટુંબમાંથી ઘણી વ્યક્તિઓ સાક્ષી બન્યા.
ઉત્તર ધ્રુવવૃત્તની જરાક નીચે કૂસામો વિસ્તાર આવેલો છે. વર્ષ ૧૯૬૫માં અમને ત્યાંના મંડળમાં સેવા આપવાનું કહેવામાં આવ્યું. હાલમાં અમે એ જ મંડળમાં સેવા આપી રહ્યાં છીએ. એ સમયે, ખૂબ જ ઓછા પ્રકાશકો હતા. શરૂઆતમાં, આ નવા વિસ્તારમાં પ્રચાર કરવાનું અમને થોડુંક અઘરું લાગતું. લોકો ધર્મચુસ્ત હતા અને સાક્ષીઓ વિરુદ્ધ ખોટી માન્યતા રાખતા. જ્યારે કે, એવા ઘણા લોકો પણ હતા જેઓ બાઇબલને માન આપતા. તેથી, એ આધારે અમે લોકો સાથે વાતચીત કરતાં. ધીમે ધીમે અમે લોકોને ઓળખવાનો પ્રયત્ન કર્યો. આશરે બે વર્ષ પછી, બાઇબલ અભ્યાસ શરૂ કરવો અમારી માટે સહેલું બન્યું.
પ્રચારકાર્યમાં હજુ પણ ઉત્સાહી
અમુક વ્યક્તિઓ જેઓ સાથે અમે અભ્યાસ કર્યો
આખો દિવસ પ્રચારમાં આપી શકીએ એટલી શક્તિ હવે અમારામાં નથી. તોપણ, મોટે ભાગે અમે દરરોજ પ્રચારમાં જઈએ છીએ. અમારાં ભત્રીજાએ ઐલીને ગાડી શીખવાનું ઉત્તેજન આપ્યું. વર્ષ ૧૯૮૭માં ૫૬ની ઉંમરે ઐલીએ કાર ચલાવવાનું લાઇસન્સ લીધું. હવે, અમારી માટે દૂર દૂર જઈને પ્રચાર કરવાનું સહેલું બન્યું છે. અમને બીજી પણ એક મદદ મળી છે. અહીંયા, નવું રાજ્યગૃહ બનાવવામાં આવ્યું છે, જેના બાજુના રૂમમાં અમને રહેવા જગ્યા મળી છે.
અહીંયા થતો વધારો જોઈને અમારાં દિલ આનંદથી ભરાઈ જાય છે. ઉત્તર ફિનલૅન્ડમાં અમે પૂરા સમયની સેવા શરૂ કરી ત્યારે, અહીં છૂટા છવાયા અમુક જ પ્રકાશકો હતા. હવે, ઘણાં મંડળોથી બનેલી એક સરકીટ છે. સંમેલનોમાં એવું ઘણી વાર બને કે કોઈ આવીને પૂછે, “શું હું તમને યાદ છું?” અમુક કિસ્સાઓમાં, જ્યારે તેઓ નાનાં હતાં ત્યારે અમે તેઓનાં ઘરે અભ્યાસ ચલાવતાં. વર્ષો કે દાયકાઓ પહેલાં જે બીજ રોપ્યું એને હવે ફળ આવ્યાં છે!—૧ કોરીં. ૩:૬.
વરસાદમાં પણ અમે પ્રચારનો આનંદ માણીએ છીએ
વર્ષ ૨૦૦૮માં અમે ખાસ પાયોનિયરીંગ સેવાનાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં. આ અનમોલ કાર્યમાં ટકી રહેવા અમે એકબીજાને ઉત્તેજન આપી શક્યાં, એ માટે યહોવાનો ઘણો આભાર માનીએ છીએ! અમારું જીવન સાદું છે છતાં, અમને કદી કશાની ખોટ પડી નથી. (ગીત. ૨૩:૧) શરૂઆતમાં અમે વિના કારણ જ ડરતાં હતાં. આ બધાં વર્ષો દરમિયાન યહોવાએ અમને ઘણી હિંમત આપી છે. તેમણે પોતાનું વચન પૂરું કર્યું, જે યશાયા ૪૧:૧૦માં નોંધાયેલું છે: ‘મેં તને બળવાન કર્યો છે, મેં તને સહાય કરી છે અને મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.’