વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૪/૧૫ પાન ૮-૧૩
  • વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • શીખનારના દિલમાં યહોવા માટે પ્રેમ વધારો
  • ધ્યેયો અને એનાં કારણો આપો
  • બીજો એક પડકાર
  • શીખનારાઓ તમારી વફાદારી સાબિત કરો
  • તમારા શિક્ષકને માન આપો
  • એલીશાએ અગ્‍નિ-રથો જોયા—શું તમે જુઓ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • શું તમે વૃદ્ધ ભાઈબહેનોને માન આપો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૪/૧૫ પાન ૮-૧૩
એલીયા પોતાનો ઝભ્ભો લઈને યરદન નદીના બે ભાગ પાડે છે ત્યારે, એલીશા એ જોઈ રહ્યા છે

વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?

‘જે વાતો તેં મારી પાસેથી સાંભળી છે, એને વિશ્વાસુ માણસોને સોંપી દે.’—૨ તીમો. ૨:૨.

તમારો જવાબ શો છે?

  • ભાઈઓ યહોવાની સેવામાં વધુ કરી શકે માટે વડીલો કઈ રીતોથી તેઓને મદદ આપી શકે?

  • મંડળમાં વધુ કરવામાં રસ ન ધરાવતા ભાઈઓને કઈ કલમોથી મદદ આપી શકાય?

  • શીખનાર ભાઈઓ, એલીશાને કઈ રીતે અનુસરી શકે?

૧. (ક) તાલીમ વિશે ઈશ્વરના લોકોને હંમેશાંથી શું ખબર છે અને આજે આપણને એ કઈ રીતે લાગુ પડે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ઈશ્વરના લોકો પ્રાચીન સમયથી જ જાણતા હતા કે સફળતા માટે તાલીમ જરૂરી છે. દાખલા તરીકે, ઈબ્રામ પોતાના “શીખેલા નોકરો લઈને” લોતને છોડાવવા નીકળ્યા ત્યારે તેઓ સફળ થયા. (ઉત. ૧૪:૧૪-૧૬) રાજા દાઊદના સમયમાં ગાયકો તાલીમ મળવાથી “યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ” હતા. (૧ કાળ. ૨૫:૭) એ બંને અહેવાલ આપણને કઈ રીતે લાગુ પડે છે? આજે આપણે પણ શેતાન અને તેની દુનિયા વિરુદ્ધ લડીએ છીએ. (એફે. ૬:૧૧-૧૩) તેમજ, લોકોને યહોવાનું નામ જણાવવા સખત મહેનત કરીએ છીએ, જેથી તેમની સ્તુતિ કરી શકીએ. (હિબ્રૂ ૧૩:૧૫, ૧૬) પ્રાચીન સમયના ઈશ્વરભક્તોની જેમ સફળ થવા તાલીમ મેળવવી બહુ જરૂરી છે. મંડળમાં યહોવાએ તાલીમ આપવાની જવાબદારી વડીલોને સોંપી છે. (૨ તીમો. ૨:૨) કેટલાક વડીલોએ બીજા ભાઈઓની તાલીમ માટે અમુક રીતો અપનાવી છે, જેથી એ ભાઈઓ યહોવાના લોકોની સંભાળ રાખી શકે. આ લેખમાં જોઈશું કે એ રીતો કઈ છે.

શીખનારના દિલમાં યહોવા માટે પ્રેમ વધારો

૨. નવી આવડતો શીખવતા પહેલાં એક વડીલ શું કરી શકે?

૨ એક વડીલને માળી સાથે સરખાવી શકાય. બીજ રોપતા પહેલાં માળીને જમીનમાં ખાતર નાખવાની જરૂર દેખાઈ શકે. એમ કરવાથી, છોડ પોષણ પામીને વૃદ્ધિ અને મજબૂતાઈ મેળવશે. એવી જ રીતે, નવી આવડતો શીખવતા પહેલાં શીખનારને બાઇબલના સિદ્ધાંતો બતાવવાની વડીલને જરૂર દેખાય શકે. એમ કરવાથી, શીખેલી બાબતો લાગુ પાડવા શીખનાર તૈયાર થશે.—૧ તીમો. ૪:૬.

૩. (ક) શીખનાર સાથેની વાતચીતમાં માર્ક ૧૨:૨૯, ૩૦માંના ઈસુના શબ્દો કઈ રીતે વાપરી શકાય? (ખ) વડીલની પ્રાર્થનાથી શીખનાર ભાઈ શું જોઈ શકશે?

૩ એ જાણવું મહત્ત્વનું છે કે બાઇબલના સત્યની અસર શીખનારનાં વિચારો અને લાગણીઓ પર કઈ રીતે થઈ રહી છે. એ જાણવા શીખનારને વડીલ પૂછી શકે કે યહોવાને સમર્પણ કર્યા પછી, હવે તેના જીવનમાં શો ફરક આવ્યો છે. એ સવાલથી તેઓ એ વિશે વાતચીત કરી શકશે કે યહોવાની સેવા કઈ રીતે પૂરા દિલથી કરી શકાય. (માર્ક ૧૨:૨૯, ૩૦ વાંચો.) વડીલ કદાચ એ ભાઈ સાથે પ્રાર્થના પણ કરી શકે. અને ભાઈને તાલીમમાં મદદ મળે માટે પવિત્ર શક્તિ માંગી શકે. શીખનાર જોશે કે વડીલ તેના માટે પ્રાર્થના કરે છે, ત્યારે તેને કેટલું ઉત્તેજન મળશે!

૪. (ક) શીખનારને પ્રગતિ કરવામાં મદદ કરતા બાઇબલના અમુક અહેવાલો જણાવો. (ખ) બીજાઓને તાલીમ આપતી વખતે વડીલોનો ધ્યેય શો હોવો જોઈએ?

૪ તાલીમની શરૂઆતમાં સારું રહેશે કે તમે બાઇબલના અમુક અહેવાલોની ચર્ચા શીખનાર સાથે કરો. એમ કરવાથી શીખનાર સમજી શકશે કે મદદરૂપ, ભરોસાપાત્ર અને નમ્ર બનવું મહત્ત્વનું છે. (૧ રાજા. ૧૯:૧૯-૨૧; નહે. ૭:૨; ૧૩:૧૩; પ્રે.કૃ. ૧૮:૨૪-૨૬) એ ગુણો જાણે માટીમાં રહેલાં પોષક તત્ત્વો જેવાં છે. એ ગુણોને લીધે શીખનારને વૃદ્ધિ પામવા મદદ મળશે, એટલે કે ઝડપથી શીખવા મદદ મળશે. ફ્રાંસમાં રહેતા જીન ક્લોડ નામના વડીલ જણાવે છે કે શીખનારને તાલીમ આપતી વખતે તે એક ધ્યેય રાખે છે. તે શીખનારને બાઇબલના સિદ્ધાંતોના આધારે સારા નિર્ણયો લેવા મદદ કરે છે. ભાઈ કહે છે, “શીખનાર સાથે હું એવી કલમ વાંચવાની તક શોધતો હોઉં છું, જેનાથી ‘નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતો પ્રત્યે તેની આંખો ઊઘડે.’” (ગીત. ૧૧૯:૧૮) એ ઉપરાંત, યહોવા પ્રત્યે શીખનારનો પ્રેમ વધારવાની બીજી અમુક રીતો કઈ છે?

ધ્યેયો અને એનાં કારણો આપો

૫. (ક) યહોવાની સેવામાં ધ્યેયો રાખવા વિશે શીખનાર સાથે વાત કરવી કેમ જરૂરી છે? (ખ) શા માટે વડીલોએ તરુણ ભાઈઓની તાલીમ હમણાંથી જ શરૂ કરી દેવી જોઈએ? (ફૂટનોટ જુઓ.)

૫ શીખનારને પૂછો કે યહોવાની સેવામાં તેના કયા ધ્યેયો છે. જો તેણે એવો કોઈ ધ્યેય રાખ્યો ન હોય તો હાંસલ કરી શકાય એવો ધ્યેય બાંધવા તેને મદદ કરો. યહોવાની સેવામાં તમે રાખેલા કોઈ ધ્યેય વિશે અને એને હાંસલ કર્યા પછીની ખુશી વિશે તેને ઉત્સાહથી જણાવો. આ એક સરળ અને ઘણી અસરકારક રીત છે. આફ્રિકામાં રહેતા વિક્ટર, એક વડીલ અને પાયોનિયર છે, તે કહે છે: ‘મારી યુવાનીમાં એક વડીલે મારા ધ્યેયો વિશે મને અમુક પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નોને લીધે મને મારા પ્રચારકાર્ય વિશે વિચારવા મદદ મળી.’ અનુભવી વડીલો કહેતા હોય છે કે ભાઈઓને યુવાનીથી જ તાલીમ આપવી જોઈએ. કદાચ તેઓ તરુણ વયના હોય ત્યારથી જ શરૂઆત કરવી જોઈએ. તેઓની ઉંમરને ધ્યાનમાં રાખીને મંડળમાં કોઈ નાનું કામ સોંપી શકો. જો તેઓને નાની ઉંમરથી જ તાલીમ મળશે, તો આગળ જતાં તેઓ એમાંથી ફંટાશે નહિ. અરે, ઘણી લાલચો આવે તોપણ તેઓ પોતાના ધ્યેયોને વળગી રહેશે.—ગીતશાસ્ત્ર ૭૧:૫, ૧૭ વાંચો.a

રાજ્યગૃહમાં એક વડીલ એક યુવાન ભાઈને સમજાવી રહ્યા છે કે કોઈ કામ શા માટે કરવું જરૂરી છે

શીખનારને કામ સોંપો ત્યારે, એનું કારણ સમજાવો અને તેની મહેનત માટે શાબાશી આપો (ફકરા ૫-૮ જુઓ)

૬. બીજાઓને તાલીમ આપવા ઈસુએ કઈ મહત્ત્વની રીત અપનાવી?

૬ શીખનારના મનમાં સેવા આપવાની ઇચ્છા જગાડવા, ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે તેણે શું કરવું જોઈએ. તમારે તેને કારણ પણ જણાવવું જોઈએ કે એમ કરવું શા માટે જરૂરી છે. મહાન શિક્ષક ઈસુએ પોતાના પ્રેરિતોને સંદેશો ફેલાવવાની આજ્ઞા આપી. પરંતુ, પહેલાં તેમણે શિષ્યોને કારણ જણાવ્યું કે શા માટે એ આજ્ઞા પાળવી જોઈએ. તેમણે કહ્યું: “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” (માથ. ૨૮:૧૮, ૧૯) તાલીમ આપવાની ઈસુની એ રીતને તમે કઈ રીતે અનુસરી શકો?

૭, ૮. (ક) તાલીમ આપવાની ઈસુની રીતને વડીલો આજે કઈ રીતે અનુસરી શકે? (ખ) શીખનારને શાબાશી આપવી શા માટે ખૂબ જરૂરી છે? (ગ) ભાઈઓને તાલીમ આપવામાં વડીલોને કયાં સૂચનો મદદ કરી શકે? (પાન ૮ ઉપર આ બૉક્સ જુઓ: “ભાઈઓને તાલીમ કઈ રીતે આપવી.”)

૭ તમે કોઈ ભાઈને કામ સોંપો ત્યારે બાઇબલમાંથી સમજાવો કે એ કામ શા માટે મહત્ત્વનું છે. એમ કરવાથી તમે તેમને શીખવો છો કે નિયમોને લીધે નહિ પણ બાઇબલના સિદ્ધાંતોને લીધે એ કામ કરવું જરૂરી છે. દાખલા તરીકે, તમે કોઈ ભાઈને રાજ્યગૃહના આંગણાને સ્વચ્છ અને સલામત રાખવાનું કામ સોંપો ત્યારે, તેમને તીતસ ૨:૧૦ બતાવી શકો. તેમને સમજાવો કે કઈ રીતે તેમનું કામ ‘આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવશે.’ તેમના એ કામથી કઈ રીતે મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનોને પણ ફાયદો થશે, એ વિચારવા મદદ કરો. એવી વાતચીતથી એ ભાઈને નિયમો કરતાં લોકોની વધુ ચિંતા કરવાની તાલીમ મળશે. તે જ્યારે જોશે કે તેમના કામથી ભાઈ-બહેનોને ફાયદો થાય છે, ત્યારે તેમને બીજાઓની સેવા કરવામાં આનંદ મળશે.

૮ તમારાં સૂચનો પ્રમાણે ભાઈ કરે ત્યારે તેમને શાબાશી આપવાનું ચૂકશો નહિ. એમ કરવું શા માટે ખૂબ જરૂરી છે? જેમ છોડમાં પાણી સિંચવાથી એની સારી વૃદ્ધિ થાય છે, તેમ શાબાશી આપવાથી શીખનારની સારી પ્રગતિ થાય છે.—વધુ માહિતી: માથ્થી ૩:૧૭.

બીજો એક પડકાર

૯. (ક) અમીર દેશોમાં રહેતા વડીલો માટે ભાઈઓને તાલીમ આપવી શા માટે મુશ્કેલ બની શકે? (ખ) અમુક યુવાન ભાઈઓના જીવનમાં યહોવાની સેવા શા માટે પ્રથમ સ્થાને આવી નથી?

૯ અમીર દેશોમાં રહેતા વડીલો માટે બીજો એક પડકાર ઊભો થઈ શકે. તેઓને બાપ્તિસ્મા પામેલા ૨૦ કે ૩૦ વર્ષની ઉંમરના ભાઈઓને મંડળમાં વધુ કરવાનું ઉત્તેજન આપવું મુશ્કેલ લાગી શકે. લગભગ ૨૦ દેશોમાંના વડીલોએ જણાવ્યું છે કે શા માટે કેટલાક યુવાન ભાઈઓ મંડળમાં વધુ કરતા નથી. મોટા ભાગના વડીલોએ કહ્યું કે, કેટલાક માબાપે પોતાના તરુણોને યહોવાની સેવામાં ધ્યેયો બાંધવાનું ઉત્તેજન આપ્યું નથી. અરે, અમુક યુવાનો એમ કરવા ચાહતા હતા, પણ તેઓનાં માબાપે તેઓને જગતનાં ઉચ્ચ ભણતર અને કારકિર્દી તરફ વાળ્યા છે! તેથી, તેઓના જીવનમાં યહોવાની સેવા કદીયે પ્રથમ સ્થાને આવી નથી.—માથ. ૧૦:૨૪.

૧૦, ૧૧. (ક) વડીલ કઈ રીતે કોઈ ભાઈના વલણને ધીમે ધીમે સુધારી શકે? (ખ) વડીલ કોઈ ભાઈને ઉત્તેજન આપવા બાઇબલની કઈ કલમો વાપરી શકે અને શા માટે? (ફૂટનોટ જુઓ.)

૧૦ જો કોઈ ભાઈ મંડળમાં વધુ કરવામાં રસ ન લે, તો તેમના વલણમાં સુધારો લાવવો, મહેનત અને ધીરજ માંગી લેશે. પણ, એ શક્ય છે. એક છોડ યોગ્ય દિશામાં વધે એ માટે માળી એને ધીમે ધીમે વળાંક આપશે. એવી જ રીતે, કોઈ ભાઈને તમે ધીમે ધીમે મદદ આપી શકો. તેમને એ જોવા મદદ કરતા રહો કે મંડળમાં વધુ જવાબદારીઓ સ્વીકારવા વિશે, તેમણે પોતાનું વલણ સુધારવાની જરૂર છે. પરંતુ, એ મદદ કઈ રીતે કરવી જોઈએ?

૧૧ શીખનાર ભાઈ સાથે મિત્રતા કેળવવા સમય આપો. તેમને અહેસાસ કરાવો કે મંડળને તેમની જરૂર છે. પછી, સમય જતાં તમે તેમની સાથે બાઇબલની કલમો પર વિચાર કરી શકો, જે તેમને યહોવા પ્રત્યેના પોતાના સમર્પણ વિશે વિચારવા મદદ કરે. (સભા. ૫:૪; યશા. ૬:૮; માથ. ૬:૨૪, ૩૩; લુક ૯:૫૭-૬૨; ૧ કોરીં. ૧૫:૫૮; ૨ કોરીં. ૫:૧૫; ૧૩:૫) તમે આવા પ્રશ્નો પૂછીને તેમના દિલ સુધી પહોંચી શકો. જેમ કે, “તમે યહોવાને સમર્પણ કરતી વખતે શું વચન આપ્યું હતું? તમે બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાને કેવું લાગ્યું હશે, એ વિશે તમારું શું માનવું છે?” (નીતિ. ૨૭:૧૧) “અને શેતાનને કેવું લાગ્યું હશે?” (૧ પીત. ૫:૮) બાઇબલની એવી કલમો ઘણી અસરકારક છે, એ ભાઈના દિલને સ્પર્શી જશે.—હિબ્રૂ ૪:૧૨ વાંચો.b

શીખનારાઓ તમારી વફાદારી સાબિત કરો

૧૨, ૧૩. (ક) શીખનાર તરીકે એલીશાએ કેવું વલણ બતાવ્યું? (ખ) યહોવાએ એલીશાની વફાદારીનું શું ઇનામ આપ્યું?

૧૨ યુવાન ભાઈઓ, મંડળને તમારી મદદની જરૂર છે! યહોવાની સેવામાં સફળ થવા તમને કેવું વલણ મદદ કરશે? એનો જવાબ તમને, પ્રાચીન સમયના ઈશ્વરભક્ત એલીશાના જીવનના કેટલાક બનાવોમાંથી મળશે.

૧૩ આશરે ૩,૦૦૦ વર્ષો પહેલાં, એલીયા પ્રબોધકે એલીશા નામના યુવાનને પોતાનો સહાયક બનવા આમંત્રણ આપ્યું. એલીશાએ તરત એ આમંત્રણ સ્વીકારી લીધું અને તે સાવ નજીવાં કામો પણ ઈમાનદારીથી કરવા લાગ્યા. (૨ રાજા. ૩:૧૧) એલીયાએ લગભગ ૬ વર્ષ સુધી એલીશાને તાલીમ આપી. એ પછી, ઈસ્રાએલમાં એલીયા પોતાનું કામ સમાપ્ત કરવાના હતા ત્યારે, તેમણે એલીશાને પોતાની પાછળ ન આવવાની અરજ કરી. પરંતુ, એલીશાએ ત્રણેય વાર કહ્યું: ‘હું તમને છોડીશ નહિ!’ તે શક્ય હોય ત્યાં સુધી પોતાના શિક્ષક સાથે રહેવા મક્કમ હતા. એલીયા વંટોળિયા દ્વારા લઈ લેવાયા ત્યારે એલીશાને એ અદ્‍ભુત દૃશ્ય જોવાની યહોવાએ તક આપી. એ તો જાણે એલીશાની વફાદારી અને ઈમાનદારીનું ઇનામ હતું.—૨ રાજા. ૨:૧-૧૨.

૧૪. (ક) શીખનાર ભાઈઓ આજે કઈ રીતે એલીશાને અનુસરી શકે? (ખ) શીખનાર ભાઈનું ઈમાનદાર હોવું શા માટે મહત્ત્વનું છે?

૧૪ શીખનાર તરીકે તમે કઈ રીતે એલીશાને અનુસરી શકો? કોઈ પણ કામ સ્વીકારવા હંમેશાં તૈયાર રહો, ભલેને એ નાનું કેમ ન હોય! યાદ રાખો, તમારા શિક્ષક એ તમારા મિત્ર છે. તેમને જણાવો કે, તમે તેમની મહેનતની કદર કરો છો અને વધુ શીખવા ચાહો છો. સૌથી મહત્ત્વનું તો એ છે કે તમારું કામ ઈમાનદારીથી કરો. શા માટે? તમે પોતાને ઈમાનદાર અને ભરોસાપાત્ર સાબિત કરશો ત્યારે, વડીલોને ખાતરી થશે કે તમે મંડળમાં વધુ જવાબદારી ઉપાડો એવું યહોવા ચાહે છે.—ગીત. ૧૦૧:૬; ૨ તીમોથી ૨:૨ વાંચો.

તમારા શિક્ષકને માન આપો

૧૫, ૧૬. (ક) એલીશાએ કઈ રીતે પોતાના શિક્ષક માટે માન બતાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) શા માટે બીજા પ્રબોધકો એલીશામાં ભરોસો મૂકી શક્યા?

૧૫ એલીશાના અહેવાલ પરથી એ પણ જોઈ શકાય કે શીખનાર ભાઈએ અનુભવી વડીલોને માન આપવું ખૂબ જરૂરી છે. એલીયા અને એલીશા યરેખોમાં પ્રબોધકોના એક સમૂહને મળ્યા. એ પછી, તેઓ યરદન નદી પાસે આવ્યા. ત્યાં, ‘એલીયાએ પોતાનો ઝભ્ભો લઈને એને વીંટાળીને પાણી પર અફાળ્યો, જેથી પાણીના બે ભાગ થઈ ગયા.’ ત્યાર બાદ, તેઓએ સૂકી ભૂમિ પર થઈને યરદન નદી પાર કરી. ‘તેઓ વાત કરતા કરતા આગળ ચાલતા ગયા.’ એ દરમિયાન એલીશાએ પોતાના શિક્ષકની બધી વાતો ખૂબ ધ્યાનથી સાંભળી અને શીખતા રહ્યા. એલીશાએ ક્યારેય એમ ન વિચાર્યું કે હવે તે બધું જાણે છે. પછી, જ્યારે એલીયાને વંટોળિયામાં લઈ લેવામાં આવ્યા ત્યારે એલીશા યરદન નદી તરફ પાછા ફર્યા. ત્યાં તેમણે એલીયાનો ઝભ્ભો અફાળીને કહ્યું, “એલીયાનો ઈશ્વર યહોવા ક્યાં છે?” ફરી એકવાર નદીનાં પાણીના બે ભાગ થઈ ગયા.—૨ રાજા. ૨:૮-૧૪.

૧૬ શું તમે ધ્યાન આપ્યું કે એલીશાએ કરેલો પહેલો ચમત્કાર, એલીયાએ કરેલા છેલ્લા ચમત્કાર જેવો જ હતો? એ બનાવ પરથી આપણે શું શીખી શકીએ? એલીશાએ એમ ન ધાર્યું કે હવે અધિકાર તેમની પાસે છે માટે તેમણે એલીયા કરતાં અલગ રીતે કામ કરવું જોઈએ. એના બદલે, તેમણે એલીયાની રીત અપનાવી. એમ કરીને તેમણે પોતાના શિક્ષકને માન આપ્યું. પરિણામે, બીજા પ્રબોધકો પણ એલીશા પર ભરોસો મૂકી શક્યા. (૨ રાજા. ૨:૧૫) એલીશાએ ૬૦ વર્ષ સુધી પ્રબોધક તરીકે સેવા આપી. યહોવાએ એલીશાને શક્તિ આપી અને તે એલીયા કરતાં પણ વધારે ચમત્કારો કરી શક્યા. ભાઈઓ, તમે એ અહેવાલ પરથી શું શીખી શકો?

૧૭. (ક) ભાઈઓ, તમે એલીશા જેવું વલણ કઈ રીતે બતાવશો? (ખ) સમય જતાં, યહોવા કઈ રીતે વફાદાર ભાઈઓનો ઉપયોગ કરી શકે છે?

૧૭ મંડળમાં તમને વધુ જવાબદારી આપવામાં આવે ત્યારે, એમ ન ધારો કે તમારે સાવ જુદી રીત અપનાવી જોઈએ. યાદ રાખો કે, સંગઠન દ્વારા સૂચના મળે ત્યારે અથવા જરૂરી હોય ત્યારે જ મંડળમાં ફેરફાર કરવામાં આવે છે. તમે ચાહો છો માટે એમાં ફેરફાર ન થઈ શકે. પોતાના શિક્ષક એલીયાની રીત અપનાવીને એલીશાએ તેમને માન આપ્યું. એના લીધે, બીજા પ્રબોધકો એલીશા પર ભરોસો મૂકી શક્યા. એવી જ રીતે, તમે પણ તમારા શિક્ષકની બાઇબલ આધારિત રીતો અપનાવશો તો, તમે તેમને માન બતાવશો અને બીજાં ભાઈ-બહેનોનો ભરોસો જીતી શકશો. (૧ કોરીંથી ૪:૧૭ વાંચો.) તમારો અનુભવ વધશે તેમ, તમે મંડળમાં યોગ્ય ફેરફાર લાગુ પાડી શકશો. એના લીધે, મંડળને ઝડપથી આગળ વધી રહેલા યહોવાના સંગઠનની સુમેળમાં ચાલવા મદદ મળશે. એલીશાના કિસ્સામાં થયું તેમ, યહોવાની મદદથી કદાચ તમે તમારા શિક્ષક કરતાં પણ મોટાં કામો કરો.—યોહા. ૧૪:૧૨.

૧૮. આજે, મંડળોમાં ભાઈઓને તાલીમ આપવી શા માટે ખૂબ અગત્યની છે?

૧૮ અમારી આશા છે કે આ અને અગાઉના લેખમાં આપેલાં સૂચનોથી ઘણા વડીલોને ભાઈઓની તાલીમ માટે સમય કાઢવા ઉત્તેજન મળશે. અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે, વધુ ભાઈઓ તાલીમ લેવા તૈયાર થાય અને શીખેલી વાતોની મદદથી તેઓ યહોવાના લોકોની સંભાળ રાખે. એનાથી દુનિયા ફરતેનાં બધાં મંડળો મજબૂત બનશે અને આવનાર રોમાંચક સમયો દરમિયાન શ્રદ્ધામાં અડગ રહેશે.

a જો કોઈ તરુણ ભાઈ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે સારા નિર્ણય લઈ શકતો હોય, નમ્ર હોય અને મંડળમાં સેવા આપવા તેનામાં બીજા સારા ગુણો હોય તો વડીલો તેને સેવકાઈ ચાકર બનાવવા ભલામણ કરી શકે. ભલે, પછી તે ૨૦ વર્ષથી ઓછી ઉંમરનો કેમ ન હોય!—૧ તીમો. ૩:૮-૧૦, ૧૨; જુલાઈ ૧, ૧૯૮૯ના અંગ્રેજી ચોકીબુરજમાં પાન ૨૯ જુઓ.

b તમે ચર્ચા કરવા આ જોઈ શકો: એપ્રિલ ૧, ૨૦૧૨ના ચોકીબુરજમાં પાન ૨૦થી ૨૨ ઉપર ફકરા ૮-૧૩ અને ઈશ્વરના પ્રેમની છાયામાં રહો, પુસ્તકના પ્રકરણ ૧૬માં ફકરા ૧-૩.

ભાઈઓને તાલીમ કઈ રીતે આપવી

તાલીમ આપવામાં સફળ થયેલા વડીલો પાસેથી આ સૂચનો મળ્યાં છે:

  1. તમે જે કહો એ પ્રમાણે કરવામાં પોતે સારો દાખલો બેસાડો.

  2. યહોવા સાથેની ભાઈની મિત્રતા મજબૂત બને માટે, તેમને ઉત્તેજન આપો કે એક વર્ષમાં આખું બાઇબલ વાંચી જાય.

    એક વડીલ મંડળના સેવકાઈ ચાકરને જાહેરના પ્રચારકાર્યની તાલીમ આપી રહ્યા છે
  3. પ્રચારમાં સાથે કામ કરો. (અંકના પહેલાં પાનનું ચિત્ર જુઓ.)

  4. ભાઈ-બહેનોને શીખવાં મળે એવી રીતે પ્રચારની સભા ચલાવતા એ ભાઈને શીખવો.

    ૧. એક વડીલ જાહેર પ્રવચન આપી રહ્યા છે; ૨. એક વડીલ એક સેવકાઈ ચાકરને મદદ કરી રહ્યા છે; ૩. એક સેવકાઈ ચાકર જાહેર પ્રવચન આપી રહ્યા છે
  5. તમે જ્યારે જાહેર પ્રવચન આપો ત્યારે શીખનાર ભાઈને પણ એની આઉટલાઈન આપી રાખો, જેથી તે જોઈ શકે કે એમાં આપેલા વિચારો તમે કઈ રીતે વિકસાવો છે.

  6. અમુક વાર, તેમને અને તેમના કુટુંબને તમારી સાથે કુટુંબ તરીકેની ભક્તિમાં જોડાવવા આમંત્રણ આપો.

  7. તેમનું અને તમારું કુટુંબ સાથે મળીને એવા વિસ્તારમાં પ્રચાર કરવા જાઓ, જ્યાં સાક્ષીઓ ઓછા છે અથવા નથી.c

c આ સૂચનો અજમાવીને આફ્રિકા, અમેરિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપમાં રહેતા વડીલો સારાં પરિણામો મેળવી શક્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો