વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 જૂન પાન ૨૬-૨૯
  • બધી મુશ્કેલીઓમાં મને દિલાસો મળ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બધી મુશ્કેલીઓમાં મને દિલાસો મળ્યો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • યહોવા સાથે મિત્રતા પાછી બંધાઈ
  • પાયોનિયર સેવાનાં આનંદભર્યાં વર્ષો
  • ઘા પર રૂઝ આવવા લાગી
  • હચમચાવી નાખનારી ઘટના
  • બીજાઓને મદદ કરવામાં ખુશી અનુભવી
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 જૂન પાન ૨૬-૨૯
એડવર્ડ અને લેને બેઝલી

જીવન સફર

બધી મુશ્કેલીઓમાં મને દિલાસો મળ્યો

એડવર્ડ બેઝલીના જણાવ્યા પ્રમાણે

સિંધુ નદીના પશ્ચિમ કિનારે, પ્રાચીન શહેર સક્કરમાં મારો જન્મ થયો હતો. આજે એ શહેર પાકિસ્તાનમાં છે. હું ૯ નવેમ્બર, ૧૯૨૯ના રોજ જન્મ્યો હતો. આશરે એ જ સમયે, મારાં માતા-પિતાએ અંગ્રેજ મિશનરી પાસેથી રંગીન પુસ્તકોનો સેટ લીધો હતો. યહોવાના સાક્ષી તરીકે મારું જીવન ઘડાયું, એમાં આ પુસ્તકોનો ઘણો ફાળો છે.

એ પુસ્તકો રેઇનબો સેટ તરીકે ઓળખાતાં. એ પુસ્તકોનાં ચિત્રોની મારા મન પર ઊંડી છાપ પડી. હું તો કલ્પનાના ઘોડા દોડાવવા લાગ્યો. પરિણામે, એ પુસ્તકોમાં જણાવેલા બાઇબલ સત્ય વિશે વધુ જાણવાની નાની ઉંમરથી જ મારામાં તાલાવેલી જાગી હતી.

એ દિવસોમાં બીજા વિશ્વયુદ્ધના ભણકારા ભારતમાં સંભળાવવા લાગ્યા અને મારા જીવનનો કપરો સમય શરૂ થયો. મારાં માતા-પિતા અલગ રહેવાં લાગ્યાં અને પછીથી તેઓએ છૂટાછેડા લઈ લીધાં. મને સમજાતું ન હતું કે, જેઓને હું સૌથી વધારે પ્રેમ કરું છું એ બંને કેમ સાથે નથી રહી શકતા. મારી લાગણીઓ મરી પરવારી અને મને લાગ્યું કે હું ત્યજી દેવાયો છું. મારાં માતા-પિતાનું હું એકનું એક સંતાન હતો. એટલે, મને દિલાસો કે ટેકો આપનાર કોઈ ન હતું.

એ સમયે હું અને મારી મમ્મી કરાંચીમાં રહેતાં હતાં, જે એ પ્રાંતનું પાટનગર હતું. એક દિવસે, ફ્રેડ હાર્ડાકેર નામના વૃદ્ધ ડોક્ટર અમારા ઘરે આવ્યા, તે યહોવાના સાક્ષી હતા. થોડા સમય પહેલાં મારાં માતા-પિતાને પુસ્તકો આપનાર મિશનરી પણ યહોવાના સાક્ષી હતા. ભાઈ હાર્ડાકેરે મારી મમ્મીને બાઇબલ અભ્યાસનું આમંત્રણ આપ્યું. મમ્મીએ ના પાડી પણ, તેમણે ભાઈને જણાવ્યું કે કદાચ મને એ જાણવામાં રસ હશે. બીજા જ અઠવાડિયાથી મેં ભાઈ હાર્ડાકેર સાથે અભ્યાસ શરૂ કર્યો.

થોડાં અઠવાડિયાં પછી, હું ભાઈ હાર્ડાકેરના દવાખાને થતી સભાઓમાં જવા લાગ્યો. ત્યાં બારેક યહોવાના સાક્ષીઓ ભેગા થતા, જેઓ વૃદ્ધ હતા. તેઓ મારું ધ્યાન રાખતા અને દીકરાની જેમ મને સાચવતા. મને હજી યાદ છે, તેઓ મારી બાજુમાં બેસતા અને સાચા મિત્રોની જેમ મારી સાથે વાત કરતા. એ સમયે મને એવા સહારાની જરૂર હતી.

થોડા સમય પછી ભાઈ હાર્ડાકેરે મને પોતાની સાથે સેવાકાર્યમાં જવાનું આમંત્રણ આપ્યું. તેમણે મને નાનો ફોનોગ્રાફ ચલાવતા શીખવાડ્યો, જેથી અમે બાઇબલનાં નાનાં પ્રવચનોની રેકોર્ડ વગાડી શકીએ. અમુક પ્રવચનોમાં કડક સંદેશો જણાવવામાં આવ્યો હતો, તેથી કેટલાક ઘરમાલિકોને એ પ્રવચનો ગમતાં ન હતાં. પણ, મને તો ખુશખબર જણાવવાની ઘણી મજા આવતી. બાઇબલ સત્ય માટેનો મારો ઉત્સાહ સાતમા આસમાને હતો. મને એ વિશે બીજાઓ સાથે વાત કરવી ગમતું હતું.

જાપાનનું લશ્કર ભારત તરફ ધપી રહ્યું હતું, એટલે બ્રિટિશ અધિકારીઓ યહોવાના સાક્ષીઓને ઘણું દબાણ કરી રહ્યા હતા. જુલાઈ ૧૯૪૩માં મારે પણ એ દબાણનો સામનો કરવો પડ્યો. એન્જલિક ચર્ચના પાદરી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. તેમણે મને “અયોગ્ય વર્તણૂક” માટે સ્કૂલમાંથી કાઢી મૂક્યો. તેમણે મારી મમ્મીને જણાવ્યું કે, યહોવાના સાક્ષીઓ સાથે સંગત રાખીને, તમારો દીકરો બીજા બાળકો માટે ખરાબ દાખલો બેસાડે છે. મારી મમ્મી એકદમ ગભરાઈ ગઈ, તેણે યહોવાના સાક્ષીઓ સાથે હળવા-મળવાનું બંધ કરાવી દીધું. પછી, ૧૩૭૦ કિ.મી. દૂર ઉત્તરમાં આવેલા પેશાવર શહેરમાં મારા પપ્પા પાસે તેણે મને મોકલી દીધો. ત્યાં મને યહોવા વિશે શીખવા નહોતું મળતું અને યહોવાના સાક્ષીઓનો સાથ પણ છૂટી ગયો હતો. એટલે, યહોવા સાથેનો મારો સંબંધ સાવ કમજોર પડી ગયો.

યહોવા સાથે મિત્રતા પાછી બંધાઈ

૧૯૪૭માં નોકરી શોધવા હું કરાંચી પાછો ફર્યો. ત્યાં હું ડોક્ટર હાર્ડાકેરના દવાખાને ગયો. તેમણે મને દિલથી આવકાર્યો.

તેમને લાગ્યું કે હું તબિયત વિશે સલાહ લેવા આવ્યો છું, એટલે તેમણે પૂછ્યું, “શું તકલીફ છે?”

મેં જવાબ આપ્યો, “ડોક્ટર, મારું શરીર તો બરાબર છે, પણ ભક્તિમાં હું માંદો પડી ગયો છું, મને બાઇબલ અભ્યાસની જરૂર છે.”

તેમણે પૂછ્યું, “ક્યારથી શરૂ કરવું છે?”

મેં જવાબ આપ્યો, “શક્ય હોય તો હમણાંથી જ.”

એ આખી સાંજ અમે બાઇબલ અભ્યાસ કર્યો. મને દિલાસો મળ્યો અને યહોવાના સાક્ષીઓની સંગત મળવાને લીધે દિલમાં ઠંડક વળી. મારી મમ્મીએ સાક્ષીઓની સંગત છોડાવવાના ભરપૂર પ્રયાસ કર્યા. પણ આ વખતે, સત્યને વળગી રહેવાની મેં મનમાં ગાંઠ વાળી હતી. ૩૧ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે મેં પાણીનું બાપ્તિસ્મા લીધું અને મારું જીવન યહોવાને સમર્પિત કર્યું. થોડા સમય પછી, સત્તર વર્ષની ઉંમરે મેં નિયમિત પાયોનિયર તરીકે સેવા આપવાનું શરૂ કર્યું.

પાયોનિયર સેવાનાં આનંદભર્યાં વર્ષો

મને પાયોનિયર તરીકે પહેલી સોંપણી ક્વેટા શહેરમાં મળી હતી, જે અગાઉ બ્રિટિશ લશ્કરનું મથક હતું. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું.a એના લીધે ધાર્મિક રમખાણો ફાટી નીકળ્યાં. પરિણામે લાખો લોકોએ ઘર છોડી દેવા પડ્યા. એ બનાવ ઇતિહાસના મોટા સ્થળાંતરોમાંનો એક છે. આશરે ૧ કરોડ ૪૦ લાખ લોકોએ શરણાર્થી બનવું પડ્યું. ભારતના મુસ્લિમો પાકિસ્તાનમાં આવ્યા અને પાકિસ્તાનના હિંદુ અને શીખ ભારતમાં ગયા. અફરાતફરીના એ માહોલમાં હું કરાંચીથી ભરચક ટ્રેનમાં ચઢ્યો. ક્વેટા સુધીના મોટાભાગના રસ્તે હું ટ્રેનની બહારની પાઇપ પર લટકી રહ્યો હતો, ગમે તે ઘડીએ એ પાઇપ છૂટે એવી હાલત હતી.

૧૯૪૮માં એડવર્ડ બેઝલી અને બીજા ભાઈ-બહેનો ભારતના સરકીટ સંમેલનમાં

૧૯૪૮માં હું ભારતના સરકીટ સંમેલનમાં ગયો હતો

ક્વેટામાં હું જ્યોર્જ સિંઘને મળ્યો. તેમની ઉંમર પચ્ચીસેક વર્ષ હતી અને તે ખાસ પાયોનિયર હતા. જ્યોર્જે મને જૂની સાયકલ આપી, જેથી પર્વતવાળા એ વિસ્તારમાં હું અવરજવર કરી શકું. મોટાભાગે તો હું એકલો જ પ્રચાર કરતો. છ મહિનામાં મારી પાસે ૧૭ બાઇબલ અભ્યાસો હતા. અમુકે સત્ય સ્વીકાર્યું હતું. એમાંથી એકનું નામ સાદિક મસીહ હતું, તે લશ્કરમાં અધિકારી હતો. પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા ઉર્દુમાં હું અને જ્યોર્જ અમુક સાહિત્ય ભાષાંતર કરી શકીએ, એ માટે સાદિકે અમને મદદ કરી હતી. સમય જતાં, સાદિક પણ ઉત્સાહથી ખુશખબર જણાવવા લાગ્યો.

એડવર્ડ બેઝલી અને બીજા ભાઈ-બહેનો ગિલયડ શાળામાં જતી વખતે ક્વિન એલિઝાબેથ જહાજ પર

ગિલયડ શાળામાં જતી વખતે ક્વિન એલિઝાબેથ જહાજ પર

કેટલાક સમય પછી, હું કરાંચી પાછો આવ્યો. હેન્રી ફિન્ચ અને હેરી ફોરેસ્ટ નામના બે ભાઈઓ ગિલયડ શાળામાંથી આવ્યા હતા. મને એ મિશનરી ભાઈઓ સાથે કામ કરવાનો લહાવો મળ્યો. તેઓએ મને આપેલી તાલીમ હું કદી નહિ ભૂલું! એકવાર હું ભાઈ ફિન્ચ સાથે ઉત્તર પાકિસ્તાનમાં સેવાકાર્ય માટે ગયો હતો. પર્વતોની તળેટીમાં અમને ઘણા નમ્ર લોકો મળ્યા હતા. ઉર્દુ બોલતા એ લોકો બાઇબલ સત્ય જાણવા આતુર હતા. બે વર્ષ પછી, મને ગિલયડ શાળામાં જવાનો મોકો મળ્યો. એ પછી પાકિસ્તાનમાં મને પાર્ટ ટાઇમ સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી હતી. લાહોરમાં આવેલા મિશનરી હોમમાં હું બીજા ત્રણ મિશનરી ભાઈઓ સાથે રહેતો હતો.

ઘા પર રૂઝ આવવા લાગી

દુઃખની વાત છે કે, ૧૯૫૪માં લાહોરમાંના મિશનરી ભાઈઓના સ્વભાવને લીધે તેઓ વચ્ચે કેટલાક મતભેદ ઊભા થયા હતા. એટલે, શાખા કચેરીએ તેઓને નવી સોંપણી આપવી પડી. એ બધા મતભેદમાં મેં પણ વગર વિચાર્યે અમુક લોકોનો પક્ષ લીધો, એટલે મને કડક ઠપકો આપવામાં આવ્યો. મારું દિલ ભાંગી પડ્યું, મને લાગ્યું કે સોંપણીમાં હું સાવ નિષ્ફળ ગયો છું. હું પાછો કરાંચી જતો રહ્યો અને ત્યાંથી લંડન, જેથી નવી શરૂઆત કરી શકું.

મારા મંડળમાં લંડન બેથેલ કુટુંબના ઘણા સભ્યો હતા, જેમાંના એક પ્રાઇસ હ્યુસ હતા. તે શાખા સેવક હતા. એ પ્રેમાળ ભાઈએ મને પોતાની છત્રછાયામાં રાખ્યો. એક દિવસ તેમણે મને એક પ્રસંગ જણાવ્યો. તેમને જોસેફ એફ. રધરફર્ડ તરફથી કડક ઠપકો મળ્યો હતો. ભાઈ રધરફર્ડ એ સમયે દુનિયાભરમાં ચાલી રહેલા ખુશખબરના કામની દેખરેખ રાખતા હતા. ભાઈ હ્યુસે પોતાને સાચા સાબિત કરવાની કોશિશ કરી તો, ભાઈ રધરફર્ડે તેમને બરાબર ઠપકો આપ્યો. મને તો એ વાતનું આશ્ચર્ય થયું કે, આ પ્રસંગ જણાવતી વખતે ભાઈ હ્યુસના ચહેરા પર સ્મિત હતું. તેમણે આગળ કહ્યું, પહેલા તો તે નિરાશ થઈ ગયા હતા. પણ, પછીથી તેમને સમજાયું કે, તેમને કડક ઠપકાની જરૂર હતી અને એ તો યહોવાના પ્રેમની સાબિતી હતી. (હિબ્રૂ. ૧૨:૬) તેમનો અનુભવ મારા દિલને અસર કરી ગયો. એનાથી મને ફરી પાછા આનંદસહિત યહોવાની સેવા કરવા મદદ મળી.

આશરે એ સમયગાળામાં, મારી મમ્મી લંડન રહેવા આવી. તેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. તેનો અભ્યાસ લેનાર ભાઈ જોન ઇ. બાર પછીથી નિયામક જૂથના સભ્ય બન્યા હતા. મમ્મીએ પ્રગતિ કરી અને ૧૯૫૭માં બાપ્તિસ્મા લીધું. પછીથી મને જાણ થઈ કે પપ્પા મરણ પામ્યા એ પહેલાં, તે પણ યહોવાના સાક્ષીઓ સાથે અભ્યાસ કરતા હતા.

૧૯૫૮માં મેં લેને સાથે લગ્‍ન કર્યા. લેને ડેન્માર્કની હતી, પણ વર્ષોથી લંડનમાં રહેતી હતી. એ પછીના વર્ષે અમારી દીકરી જેનનો જન્મ થયો. અમને પાંચ બાળકોનો આશીર્વાદ મળ્યો છે. એ સમયે મને ફુલેમ મંડળમાં સેવા આપવાનો મોકો મળ્યો. સમય જતાં, લેનેની ખરાબ તબિયતને લીધે અમારે ગરમ આબોહવા હોય એવી જગ્યાએ જવું પડ્યું. એટલે, ૧૯૬૭માં અમે એડિલેડ, ઑસ્ટ્રેલિયા રહેવા ગયા.

હચમચાવી નાખનારી ઘટના

એડિલેડના અમારા મંડળમાં ૧૨ વૃદ્ધ અભિષિક્ત ભાઈ-બહેન હતાં. તેઓ ખુશખબર ફેલાવવાના કામમાં આગળ પડતાં હતાં. નવા દેશમાં ભક્તિની બાબતો શરૂ કરવા અમને બહુ સમય ન લાગ્યો.

૧૯૭૯માં અમારા પાંચમા બાળક, ડેનિયલનો જન્મ થયો. તેને ડાઉન સિન્ડ્રોમb હતો, તે લાંબું જીવે એમ લાગતું ન હતું. એ દિવસોને યાદ કરું છું તો, અત્યારે પણ મારી આંખો ભીની થઈ જાય છે. તેની સંભાળ રાખવા અમે બનતું બધું કર્યું. સાથે સાથે બાકીનાં ચાર બાળકોની સંભાળ રાખવામાં કોઈ કચાશ ન રહી જાય, એનું અમે ધ્યાન રાખ્યું. ડેનિયલના હૃદયમાં બે કાણાં હોવાથી કેટલીક વાર પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે તે એકદમ ભૂરો પડી જતો. અમે તેને લઈને હૉસ્પિટલ દોડી જતા. તેની નાજુક તબિયત છતાં, તે ઘણું સમજતો હતો અને તે ઘણો પ્રેમાળ હતો. તેને યહોવા માટે પણ પ્રેમ હતો. જમતા પહેલાં કુટુંબ તરીકે પ્રાર્થના કરીએ ત્યારે, તે પોતાના નાના હાથ બંધ કરતો, માથું નમાવતો અને દિલથી ‘આમેન!’ બોલતો. અમે પ્રાર્થના ન કરાવીએ ત્યાં સુધી તે જમવાનું શરૂ કરતો નહિ.

ડેનિયલ ચાર વર્ષનો હતો, ત્યારે તેને લોહીની એક બીમારી (અક્યૂટ લ્યુકેમિયા) થઈ. લેને અને હું શારીરિક અને લાગણીમય રીતે સાવ પડી ભાંગ્યા. એક દિવસ અમે સાવ નિરાશ થઈ ગયા હતા ત્યારે, અમારા સરકીટ નિરીક્ષક નેવિલ બ્રોમીચ ઘરે મળવા આવ્યા. એ રાતે તેમણે પોતાના હાથ ફેલાવીને અમને બાથમાં લીધા, તેમની આંખમાં આંસુ હતા. અમે બધા રડ્યા. તેમના પ્રેમાળ અને દયાળુ શબ્દોથી અમને ઘણો દિલાસો મળ્યો. તે આશરે એક વાગ્યે ઘરે ગયા. પછી, ડેનિયલ મરણની ઊંઘમાં પોઢી ગયો. તેનું મરણ અમારા જીવનનો સૌથી દુઃખદ પ્રસંગ હતો. અમે એ ભરોસા સાથે દુઃખ સહન કર્યું કે યહોવાના પ્રેમથી ડેનિયલને કંઈ પણ દૂર કરી શકશે નહિ, મરણ પણ નહિ. (રોમ. ૮:૩૮, ૩૯) અમે એ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે ઈશ્વરની નવી દુનિયામાં ડેનિયલને ઉઠાડવામાં આવશે.—યોહા. ૫:૨૮, ૨૯.

બીજાઓને મદદ કરવામાં ખુશી અનુભવી

અત્યાર સુધી મને બે વખત સ્ટ્રોકનો હુમલો થયો છે, હું હજુ વડીલ તરીકે સેવા આપું છું. મારા જીવનમાં બનેલી ઘટનાઓથી હું બીજાઓ માટે, ખાસ કરીને તકલીફમાં હોય એવાં ભાઈ-બહેનો માટે દયા અને કરુણા બતાવી શકું છું. તેઓ સાચા છે કે ખોટા, એ નક્કી કરવા હું બેસી જતો નથી. એના બદલે, હું પોતાને પૂછું છું: ‘તેઓના જીવનમાં બનેલી ઘટનાઓની તેમનાં વિચારો અને લાગણીઓ પર કેવી અસર પડી છે? મને તેમની ચિંતા છે, એ કેવી રીતે બતાવી શકું? યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા તેઓને કઈ રીતે ઉત્તેજન આપી શકું?’ ભાઈ-બહેનોને ઉત્તેજન આપતી મુલાકાત લેવાનું મને ખૂબ ગમે છે! જ્યારે હું બીજાઓને દિલાસો આપું છું, ભક્તિમાં તાજગી આપું છું, ત્યારે મને પણ દિલાસો અને તાજગી મળે છે.

એડવર્ડ બેઝલી અને બીજા ભાઈ એક કુટુંબની ઉત્તેજન આપતી મુલાકાત દરમિયાન

ઉત્તેજન આપતી મુલાકાત લેવામાં મને ખુશી મળે છે

હું ગીતના લેખક જેવું અનુભવું છું: ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે [યહોવાના] દિલાસાઓ મને ખુશ કરે છે.’ (ગીત. ૯૪:૧૯) કુટુંબની તકલીફો, ધાર્મિક વિરોધ, નિષ્ફળતા અને નિરાશાની લાગણી છતાં, પણ યહોવાએ મને ટકાવી રાખ્યો છે. ખરેખર, યહોવા મારા પિતા સાબિત થયા છે!

a એ સમયના પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાન (અત્યારનું પાકિસ્તાન) પૂર્વ પાકિસ્તાન (અત્યારનું બાંગ્લાદેશ)નો સમાવેશ થતો હતો.

b જૂન ૨૦૧૧ સજાગ બનો!માં આ લેખ જુઓ: “રેઇઝીંગ અ ચાઇલ્ડ વિથ ડાઉન સિન્ડ્રોમ—ધ ચૅલેન્જ એન્ડ ધ રીવોર્ડ.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો