વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 ઑગસ્ટ પાન ૩૧-૩૨
  • પોર્ટુગલમાં પહોંચ્યો રાજ્યનો સંદેશો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પોર્ટુગલમાં પહોંચ્યો રાજ્યનો સંદેશો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 ઑગસ્ટ પાન ૩૧-૩૨

આપણો ઇતિહાસ

પોર્ટુગલમાં પહોંચ્યો રાજ્યનો સંદેશો

ઍટલૅન્ટિક મહાસાગરના મોજાંઓ વીંધીને એક જહાજ યુરોપ તરફ આગળ ધપી રહ્યું છે. એ જહાજના એક યાત્રી જ્યોર્જ યંગ બ્રાઝિલમાં કરેલા સેવાકાર્ય વિશે વિચારી રહ્યા છે.a જહાજ આગળ વધે છે તેમ તેમના વિચારો પણ નવી સોંપણી તરફ વળે છે. એ છે સ્પેન અને પોર્ટુગલનો એવો વિસ્તાર, જ્યાં ખુશખબર પહોંચી નથી. ત્યાં પહોંચીને ભાઈ જે. એફ. રધરફર્ડનું પ્રવચન ગોઠવવાની અને ત્રણ લાખ પત્રિકાઓ વહેંચવાની તેમની ઇચ્છા છે.

જ્યોર્જ યંગ જહાજમાં મુસાફરી કરી રહ્યા છે

જ્યોર્જ યંગે ખુશખબર ફેલાવવા ઘણા સમુદ્રો પાર કર્યા

૧૯૨૫ની વસંત ૠતુમાં લિસ્બન પહોંચ્યા પછી તેમણે જોયું કે, ત્યાં અશાંત માહોલ હતો. ૧૯૧૦માં થયેલી પ્રજાસત્તાક ક્રાંતિને લીધે રાજાશાહીનો અંત આવ્યો અને કૅથલિક ચર્ચની લોકો પરની પકડ ઢીલી પડી ગઈ. ત્યાંના લોકોને આઝાદી તો મળી પણ આખા દેશમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ.

ભાઈ રધરફર્ડના પ્રવચનની ભાઈ જ્યોર્જે બધી ગોઠવણો કરી લીધી ત્યારે, સરકાર સામે ઊભા થયેલા બળવાને લીધે સરકારે અમુક નિયંત્રણ મૂક્યાં હતાં. બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીના સેક્રેટરીએ ભાઈ જ્યોર્જને ચેતવ્યા કે તેમણે મોટા વિરોધનો સામનો કરવો પડશે. છતાં, ભાઈ જ્યોર્જે કેમોશ માધ્યમિક શાળાના જીમમાં પ્રવચન યોજવાની પરવાનગી માંગી અને એની મંજૂરી મળી પણ ગઈ!

હવે એ દિવસ આવી ગયો, જ્યારે ભાઈ રધરફર્ડના પ્રવચનની ગોઠવણ કરવામાં આવી હતી. મે ૧૩ના દિવસે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો! “હાઉ ટુ લીવ ઓન ધ અર્થ ફોરએવર” નામના પ્રવચનના પોસ્ટર દીવાલો પર લગાડવામાં આવ્યા હતા અને છાપામાં એની જાહેરાત કરવામાં આવી હતી. વિરોધીઓએ પણ તરત જ લોકોને ચેતવવા છાપામાં ‘જૂઠા પ્રબોધકો’ નામનો લેખ આપ્યો હતો. ઘણાં વિરોધીઓએ જીમના દરવાજે ઊભા રહીને ભાઈ રધરફર્ડના શિક્ષણ વિરુદ્ધ માહિતી આપતી હજારો પુસ્તિકાઓ વહેંચી હતી.

આટલા વિરોધ છતાં આખી જગ્યા આશરે ૨૦૦૦ લોકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી અને બીજા એટલા જ લોકોને અંદર આવવાની ના પાડવી પડી હતી. અમુક રસ ધરાવનારા લોકો તો દોરડે લટકીને પણ સાંભળવાનો પ્રયત્ન કરતા હતા. કેટલાક તો કસરતના સાધનો પર પણ ચઢી ગયા હતા.

ધાર્યું હતું એવું થયું નહિ! વિરોધીઓએ બૂમબરાડા પાડ્યા અને ખુરશીઓ તોડી નાખી. પણ ભાઈ રધરફર્ડે મન શાંત રાખ્યું અને બધા તેમને સાંભળી શકે એ માટે ટેબલ પર ચઢ્યા. તેમણે પ્રવચન પૂરું કર્યું ત્યારે મધરાત થવાને આરે હતી. ૧,૨૦૦થી પણ વધારે રસ ધરાવનારા લોકોએ બાઇબલ સાહિત્ય મેળવવા પોતાનાં નામ અને સરનામાં લખાવ્યાં. બીજા જ દિવસે યુસિક્યૂલો નામના છાપામાં ભાઈ રધરફર્ડના પ્રવચન વિશે એક લેખ છપાયો હતો.

પોર્ટુગલમાં સપ્ટેમ્બર ૧૯૨૫થી ધ વૉચ ટાવર પોર્ટુગીઝ ભાષામાં છપાવવા લાગ્યું. (પોર્ટુગીઝ ભાષામાં એ મૅગેઝિન પહેલાં બ્રાઝિલમાં છપાતું હતું.) એ જ સમયે, બ્રાઝિલના ભાઈ વરઝેલીયો ફરગ્યુસન રાજ્યના કામ માટે પોર્ટુગલ આવવાની યોજના બનાવી રહ્યા હતા. અગાઉ તેમણે ભાઈ જ્યોર્જ સાથે બ્રાઝિલમાં બાઇબલ વિદ્યાર્થીઓની નાની શાખા કચેરીમાં કામ કર્યું હતું. થોડા જ સમયમાં ભાઈ વરઝેલીયો અને તેમની પત્ની લિઝી, ભાઈ જ્યોર્જ સાથે કામ કરવા આવી પહોંચ્યા. ભાઈ વરઝેલીયોનું આવવું સમયસરનું હતું, કારણ કે ભાઈ જ્યોર્જ સોવિયેટ સંઘ અને બીજા દેશોમાં મળેલી સોંપણીઓ માટે જવાના હતા.

ભાઈ વરઝેલીયો અને લિઝી ફરગ્યુસનને ૧૯૨૮માં મળેલી રહેવા માટેની પરવાનગી

ભાઈ વરઝેલીયો અને લિઝી ફરગ્યુસનને ૧૯૨૮માં મળેલી રહેવા માટેની પરવાનગી

જ્યારે લશ્કરી બળવાને લીધે પોર્ટુગલમાં સરમુખત્યારશાહી શરૂ થઈ, ત્યારથી આપણા કામ પર વિરોધનું જોખમ તોળાતું હતું. છતાં, ભાઈ વરઝેલીયો હિંમત રાખીને એ દેશમાં રોકાયા. તેમણે ભાઈ-બહેનોનું રક્ષણ કરવા અને તેઓના કાર્યને આગળ વધારવા પગલાં ભર્યાં. તેમણે પોતાના ઘરમાં સભા ચલાવવા પરવાનગી માંગી. ઑક્ટોબર ૧૯૨૭માં તેમને એ પરવાનગી મળી ગઈ.

સરમુખત્યાર શાસનના પહેલા વર્ષે આશરે ૪૫૦ લોકોએ ધ વૉચ ટાવરનું લવાજમ ભર્યું હતું. ઉપરાંત, પત્રિકાઓ અને પુસ્તિકાઓ દ્વારા પોર્ટુગીઝ સામ્રાજ્યની આ જગ્યાઓએ પણ સત્ય પહોંચ્યું: અંગોલા, ધ એઝોર્સ, કેપ વર્ડ, પૂર્વ તિમોર, ગોવા, મદઇરા, મોઝામ્બિક.

૧૯૨૦ના દાયકાની અંતે, મેન્યુએલ ડી સિલ્વા જોરડાઓ નામના પોર્ટુગીઝ ભાઈ લિસ્બન આવ્યા. બ્રાઝિલમાં હતા ત્યારે તેમણે ભાઈ જ્યોર્જનું પ્રવચન સાંભળ્યું હતું. તેમણે તરત સત્યનો રણકાર પારખી લીધો. ખુશખબરના કામને આગળ ધપાવવા ભાઈ જ્યોર્જને તે મદદ કરવા માંગતા હતા. એટલે ભાઈ મેન્યુએલ કોલ્પોર્ચર (પાયોનિયર) બન્યા. બાઇબલ સાહિત્યનું છાપકામ અને વિતરણ વ્યવસ્થિત રીતે થવા લાગ્યું અને લિસ્બનનું નવું મંડળ સારી રીતે કામ કરવા લાગ્યું.

સાલ ૧૯૩૪માં ભાઈ વરઝેલીયો અને તેમના પત્નીએ બ્રાઝિલ પાછા જવું પડ્યું. જોકે, સત્યના બી તો રોપાઈ ગયા હતા. યુરોપમાં થયેલા આંતરવિગ્રહ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોર્ટુગલનું એ નાનું જૂથ ભક્તિમાં ટકી શક્યું હતું. એ ભાઈ-બહેનો તો જાણે ઓલવાઈ ગયેલા કોલસા જેવાં હતાં, જે અંદરથી હજુ પણ ગરમ હતા. ગિલયડ સ્નાતક પ્રથમ મિશનરી ભાઈ જોન કૂક ૧૯૪૭માં ત્યાં આવી પહોંચ્યા, પછી રાજ્ય પ્રચારકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા લાગી. ૧૯૬૨માં સરકારે યહોવાના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ મૂક્યો તોપણ, વધારો થતો ગયો. ડિસેમ્બર ૧૯૬૨માં યહોવાના સાક્ષીઓને કાયદેસરની ઓળખ મળી. એ સમયે દેશમાં ૧૩,૦૦૦ કરતાં વધુ પ્રકાશકો હતા.

આજે ત્યાં અને પોર્ટુગીઝ ભાષા બોલતા ટાપુઓમાં ૫૦,૦૦૦ કરતાં વધુ પ્રકાશકો છે, જેમાં એઝોર્સ અને મદઇરા ટાપુઓનો પણ સમાવેશ થાય છે. ૧૯૨૫માં ભાઈ રધરફર્ડનું ઐતિહાસિક પ્રવચન સાંભળનાર અમુક લોકોની ત્રીજી પેઢીનો પણ એ પ્રકાશકોમાં સમાવેશ થાય છે.

અમે યહોવાનો ખૂબ આભાર માનીએ છીએ. અમે શરૂઆતના એ વફાદાર ભાઈ-બહેનોની પણ કદર કરીએ છીએ, જેઓએ હિંમતથી ‘બીજી પ્રજાઓ માટે ખ્રિસ્ત ઈસુના સેવકો’ બનવામાં આગેવાની લીધી હતી.—રોમ. ૧૫:૧૫, ૧૬.—પોર્ટુગલના આપણા ઇતિહાસમાંથી.

a મે ૧૫, ૨૦૧૪ ચોકીબુરજ પાન ૩૧-૩૨ ઉપર આપેલો આ લેખ જુઓ: “હજુ ઘણી કાપણી બાકી છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો