વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 નવેમ્બર પાન ૨૬-૩૦
  • “હું તન-મનથી યહોવાનું કામ કરવા માંગતો હતો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “હું તન-મનથી યહોવાનું કામ કરવા માંગતો હતો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • સારા દોસ્તોની સારી અસર
  • અમુક મહત્ત્વના બોધપાઠ
  • વધારે જવાબદારીઓ મળી
  • ત્રણ દોરાથી ગૂંથેલી દોરી
  • એકસાથે ત્રણ જવાબદારીઓ
  • વીતેલી કાલ પર એક નજર
  • અપેક્ષા કરતાં વધારે મળ્યું
    સજાગ બનો!—૧૯૯૯
  • પૂરા સમયના સેવકોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 નવેમ્બર પાન ૨૬-૩૦

જીવન સફર

“હું તન-મનથી યહોવાનું કામ કરવા માંગતો હતો”

ડેનિયલ વાન મરુલના જણાવ્યા પ્રમાણે

ડેનિયલ વાન મરુલ.

અમુક લોકોને આવજો કહીને અમે હોડીમાં બેઠા. એ લોકો ગ્રાનબૂરી ગામ નજીક રહેતા હતા. એ સુરીનામનાં જંગલોની બહુ અંદર હતું. અમે અમારી લાકડાની હોડીમાં તાપાનાહોની નદીની મુસાફરી શરૂ કરી. પછી હોડી એવી જગ્યાએ આવી જ્યાં પાણીનું વહેણ બહુ વધારે હતું. હોડીનો પંખો મોટા પથ્થર સાથે અફળાયો. તરત જ હોડીનો આગળનો ભાગ પાણીમાં જતો રહ્યો અને અમે ડૂબવા લાગ્યા. મારા તો ધબકારા વધી ગયા. આમ તો હું સરકીટ નિરીક્ષક તરીકે વર્ષોથી હોડીમાં મુસાફરી કરતો હતો, પણ મને તરતા ન’તું આવડતું!

શું તમારે જાણવું છે કે આગળ શું થયું? પણ ઊભા રહો, પહેલા હું તમને જણાવું કે મેં પૂરા સમયની સેવા કઈ રીતે શરૂ કરી.

મારો જન્મ ૧૯૪૨માં ક્યુરાસાઓ ટાપુ પર થયો હતો. એ સુંદર ટાપુ કૅરિબિયન ટાપુઓમાંનો એક છે. મારા પપ્પા સુરીનામના હતા. પણ કામ કરવા તે આ ટાપુ પર આવ્યા હતા. મારો જન્મ થયો એના થોડા વર્ષો પહેલાં તે યહોવાના સાક્ષી બન્યા. તે ક્યુરાસાઓ ટાપુ પર પહેલ-વહેલા યહોવાના સાક્ષીઓમાંના એક હતા.a તે દર અઠવાડિયે મને અને મારાં ભાઈ-બહેનોને બાઇબલમાંથી શીખવતા. અમુક વાર અમે અભ્યાસથી છટકવાની કોશિશ કરતા, પણ તે અમારો અભ્યાસ અચૂક લેતા. હું ૧૪ વર્ષનો હતો ત્યારે અમે પાછા સુરીનામ રહેવા ગયા. કેમ કે દાદીની ઘણી ઉંમર થઈ હતી અને તેમની સંભાળ રાખવી પડે એવું હતું.

દક્ષિણ અમેરિકા અને કૅરિબિયન ટાપુઓનો નકશો. નકશામાં એવી જગ્યાઓ બતાવી છે, જ્યાં ડેનિયલ વાન મરુલ રહ્યા અને સેવા આપી. જેમ કે, ક્યુરાસાઓ, સુરીનામ, તાપાનાહોની નદી, ગોડો હોલો અને ગ્રાનબૂરી ગામ.

સારા દોસ્તોની સારી અસર

સુરીનામમાં હું અમુક યુવાનો સાથે હળવા-મળવા લાગ્યો. તેઓ મારાથી ઉંમરમાં થોડાક જ મોટા હતા. તેઓ પૂરા તન-મનથી યહોવાની ભક્તિ કરતા હતા. તેઓ નિયમિત પાયોનિયર તરીકે સેવા આપતા હતા. પ્રચારમાં થયેલા સારા અનુભવ વિશે તેઓ વાત કરતા ત્યારે તેઓના ચહેરા પર ખુશી દેખાઈ આવતી. સભા પછી હું અને મારા દોસ્તો બાઇબલના અમુક વિષયો પર વાતચીત કરતા. અમુક વાર અમે ખુલ્લા આકાશમાં ટમટમતા તારાઓ નીચે બેસીને વાતચીત કરતા. આ દોસ્તોએ મને દિલમાં ડોકિયું કરવા મદદ કરી. મને સમજાયું કે હું તન-મનથી યહોવાનું કામ કરવા માંગતો હતો. એટલે ૧૬ વર્ષે મેં બાપ્તિસ્મા લીધું અને ૧૮ વર્ષે પાયોનિયરીંગ શરૂ કર્યું.

અમુક મહત્ત્વના બોધપાઠ

ડેનિયલભાઈ સાઇકલ પર છે.

પારામારીબામાં પાયોનિયરીંગ કરતી વખતે

પાયોનિયરીંગ કરતાં કરતાં મને ઘણા બોધપાઠ શીખવા મળ્યા. એનાથી હું પૂરા સમયની સેવા સારી રીતે કરી શક્યો. પહેલો બોધપાઠ શીખ્યો કે બીજાઓને તાલીમ આપવી ખૂબ જરૂરી છે. મેં પાયોનિયરીંગ શરૂ કર્યું ત્યારે એક મિશનરી ભાઈએ મને સરસ તાલીમ આપી. એ ભાઈનું નામ હતું વિલ્યમ વાન સજે.b તેમણે મને શીખવ્યું કે હું કઈ રીતે મંડળની જવાબદારીઓ સારી રીતે ઉપાડી શકું. એ તાલીમ એકદમ સમયસરની હતી. કેમ કે બીજા જ વર્ષે મને ખાસ પાયોનિયર તરીકે સોંપણી મળી. હું સુરીનામના વરસાદી જંગલોમાં છૂટાછવાયા વૃંદોને મદદ આપવા લાગ્યો. એ વૃંદો જંગલની એકદમ અંદર હતા. ભાઈઓની તાલીમ ખરેખર કામ લાગી. હું તેઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેઓની જેમ હું પણ સમય કાઢીને બીજાઓને તાલીમ આપવાની કોશિશ કરું છું.

હું બીજો બોધપાઠ શીખ્યો કે જીવન સાદું રાખવાની સાથે સાથે સારું પ્લાનિંગ કરવું પણ જરૂરી છે. મારી સાથે એક ખાસ પાયોનિયર ભાઈ પણ રહેતા હતા. આખા મહિના દરમિયાન અમને શાની જરૂર પડશે એનું અમે એક લિસ્ટ બનાવતા. પછી અમારા બંનેમાંથી કોઈ એક લાંબી મુસાફરી કરીને પાટનગર જતું અને એ બધી વસ્તુઓ લઈને આવતું. અમને દર મહિને જે ખિસ્સા ખર્ચ મળતો, એને સમજી-વિચારીને વાપરતા. અમારું રાશન આખો મહિનો ચાલે એનું પણ ધ્યાન રાખતા. કેમ કે કશુંક ખૂટી જાય તો જંગલમાં ક્યાં અમને એ મળવાનું હતું. મેં મારી યુવાનીમાં જ શીખી લીધું હતું કે જીવન કઈ રીતે સાદું રાખવું અને પ્લાનિંગ કરવું. એનો ફાયદો એ થયો કે હું જીવનભર તન-મનથી યહોવાએ સોંપેલું કામ કરી શક્યો.

ત્રીજો બોધપાઠ હું એ શીખ્યો કે લોકોને તેઓની ભાષામાં સંદેશો જણાવવો જોઈએ. મને ડચ, અંગ્રેજી, પાપીઆમેંટો અને સ્રાનનટોંગો (આ ભાષાને સ્રાનન પણ કહેવામાં આવે છે) ભાષા બોલતા આવડતી હતી. સ્રાનનટોંગો સુરીનામમાં વધારે બોલાતી ભાષા છે. પણ વરસાદી જંગલોમાં પ્રચાર કરતી વખતે મને અહેસાસ થયો કે ત્યાંના લોકોને તેઓની ભાષામાં ખુશખબર જણાવીએ છીએ ત્યારે એ તેઓનાં દિલને સ્પર્શી જાય છે. પણ અમુક ભાષાઓ શીખવી મને અઘરી લાગી, જેમ કે સારામાકન. એ ભાષા ઘણા ચઢાવ-ઉતાર સાથે બોલવી પડે એવી છે. તોપણ હું એ ભાષા બોલવાનું શીખ્યો. મારી મહેનત પાણીમાં ન ગઈ. આટલાં વર્ષોમાં હું ઘણા બધા લોકોને તેઓની ભાષામાં બાઇબલ વિશે શીખવી શક્યો.

હું ભાષા બોલવામાં અમુક વાર લોચા પણ મારતો. એકવાર હું સારામાકન બોલતી બાઇબલ વિદ્યાર્થીને મળ્યો. એ બહેનને થોડા સમયથી પેટમાં દુખતું હતું. હું તેમને પૂછવા માંગતો હતો કે તેમને કેવું છે. પણ મારાથી ભૂલમાં પૂછાય ગયું કે શું તે પ્રેગ્‍નન્ટ છે. પાકું, મારા આ સવાલથી તે શરમમાં મુકાય ગયાં હશે. આવા લોચા વાગતા હતા તોપણ લોકો સાથે તેઓની ભાષામાં બોલવાનો પૂરો પ્રયત્ન કરતો.

વધારે જવાબદારીઓ મળી

૧૯૭૦માં મને સરકીટ નિરીક્ષકની સોંપણી મળી. એ જ વર્ષે અમે જંગલમાં છૂટાછવાયા ઘણાં વૃંદોને સ્લાઇડ શો બતાવ્યો. એમાં ઘણા ફોટા હતા. એનો વિષય હતો: “વિઝિટિંગ ધ વર્લ્ડ હેડક્વાટર્સ ઑફ જેહોવાઝ વિટનેસીસ.” ભાઈ-બહેનો સુધી પહોંચવા હું અને અમુક ભાઈઓ એક લાંબી અને લાકડાની હોડીમાં મુસાફરી કરતા. નદીઓ પાર કરીને જતા. અમે હોડીમાં ઘણો બધો સામાન લઈ જતા. જેમ કે, જનરેટર, પેટ્રોલનો નાનો ડબ્બો, ફાનસ અને સ્લાઇડ શોનો સામાન. જે જગ્યાએ કાર્યક્રમ રાખ્યો હોય, ત્યાં સુધી અમે બધો સામાન ઊંચકીને લઈ જતા અને બધું ગોઠવતા. મને આજેય યાદ છે કે લોકોને આ કાર્યક્રમ જોવાની બહુ મજા આવતી. મને ખુશી છે કે હું લોકોને યહોવા અને તેમના સંગઠનના પૃથ્વી પરના ભાગ વિશે શીખવા મદદ કરી શક્યો. કાર્યક્રમની ગોઠવણ કરવામાં અથાક મહેનત લાગતી. પણ મને જે આશીર્વાદો મળ્યા એની સામે તો મારી મહેનત કંઈ જ નથી.

ત્રણ દોરાથી ગૂંથેલી દોરી

ડેનિયલ અને એથેલ વાન મરુલ.

સપ્ટેમ્બર ૧૯૭૧માં મેં અને એથેલે લગ્‍ન કર્યા

કુંવારા રહીને પણ હું પૂરા સમયની સેવા સારી રીતે કરી શકતો હતો. પણ મને અહેસાસ થયો કે મારે એક જીવનસાથીની જરૂર છે. એટલે મેં યહોવાને પ્રાર્થનામાં મારી ઇચ્છા જણાવી. મને એવી પત્ની જોઈતી હતી, જે મારી સાથે સુરીનામનાં આ જંગલોમાં કદમથી કદમ મિલાવીને ચાલે. અહીંના અઘરા સંજોગોમાં મને ખુશી ખુશી સાથ આપે. એકાદ વર્ષ પછી મેં એથેલ સાથે કોર્ટીંગ શરૂ કર્યું. તે ખાસ પાયોનિયર હતી. પડકારોમાં પણ તે યહોવાની ભક્તિને જીવનમાં પહેલા રાખતી હતી. તેણે નાનપણથી પ્રેરિત પાઉલને પોતાની નજર સામે રાખ્યા હતા. તેમની જેમ તે પણ સેવાકાર્યમાં પૂરેપૂરી ખર્ચાય જવા તૈયાર હતી. સપ્ટેમ્બર ૧૯૭૧માં અમે લગ્‍ન કર્યા. પછી અમે બંને સરકીટ કામમાં જોડાઈ ગયાં.

એથેલનું કુટુંબ પૈસાદાર ન હતું. તેઓ ઓછામાં ગુજરાન ચલાવતા હતા. એટલે સરકીટ કામમાં તેને કોઈ વાંધો ના આવ્યો. અમે જંગલના દૂર દૂરના વિસ્તારોમાં કોઈ મંડળની મુલાકાતે જતાં ત્યારે થોડો જ સામાન લઈ જતાં. અમે નદીએ નહાવા જતાં અને ત્યાં કપડાં ધોતાં. ભાઈ-બહેનો અમને જે કંઈ ખાવાનું આપતાં એ અમે ખુશી ખુશી ખાઈ લેતાં. તેઓને જંગલમાંથી જે શિકાર મળ્યો હોય કે પછી નદીમાંથી કંઈ પકડ્યું હોય એ બનાવીને આપતાં, જેમ કે ઇગવાના ગરોળી કે પછી પિરાન્હા માછલી. જમવા માટે થાળીઓ ના હોય તો અમે કેળનાં પાન પર ખાવાનું ખાતાં. ચમચી ના હોય તો હાથથી ખાતાં. યહોવાએ સોંપેલા કામમાં અમે ભેગાં મળીને જે પડકારોનો સામનો કર્યો એનાથી અમે એકબીજાની નજીક આવ્યાં અને યહોવા સાથે અમારો સંબંધ પાકો થયો. આમ ત્રણ દોરાથી ગૂંથેલી અમારી દોરી વધારે મજબૂત થઈ. (સભા. ૪:૧૨) ખરેખર એ બધા અનુભવો અમારા માટે ખજાનાથી ઓછા નથી!

એક વખત અમે જંગલના દૂરના વિસ્તારનાં ભાઈ-બહેનોને મળીને પાછાં આવતાં હતાં. મેં શરૂઆતમાં પેલા બનાવ વિશે જણાવ્યું હતું ને, એ ત્યારે બન્યો હતો. અમારી હોડી એવી જગ્યાએ આવી જ્યાં પાણીનું વહેણ બહુ વધારે હતું. થોડી વાર માટે હોડી પાણીમાં જતી રહી. પછી એ તરત બહાર આવી ગઈ. સારું થયું કે અમે બધાએ લાઇફ જૅકેટ પહેર્યાં હતાં અને કોઈ બહાર ફંગોળાઈ ન ગયું. પણ હોડીમાં પાણી ભરાઈ ગયું. અમારી પાસે અમુક વાસણોમાં ખાવાનું હતું. એ ખાલી કરીને અમે વાસણોથી પાણી બહાર કાઢવા લાગ્યા.

અમે બધું ખાવાનું બહાર ફેંકી દીધું હતું. એટલે માછલી પકડવાનું શરૂ કર્યું. પણ એકેય માછલી હાથમાં ન આવી. એટલે અમે યહોવાને પ્રાર્થના કરી કે તે અમને દિવસનું ખાવાનું પૂરું પાડે. પ્રાર્થના પછી એક ભાઈએ ગલ નાખ્યો અને તરત એક મોટી માછલી પકડાઈ. એ રાતે અમે પાંચેયે ધરાઈને ખાધું.

એકસાથે ત્રણ જવાબદારીઓ

સરકીટ કામનાં પાંચ વર્ષ પૂરાં થયાં, પછી એવું કંઈક બન્યું જે અમે ધાર્યું ન હતું. અમે મમ્મી-પપ્પા બનવાનાં હતાં! હું ખુશ તો હતો, પણ જાણતો ન હતો કે આગળ શું થશે. મારા અને એથેલનાં દિલની તમન્‍ના હતી કે અમે કોઈક રીતે પૂરા સમયની સેવા ચાલુ રાખીએ. ૧૯૭૬માં અમારો પહેલો દીકરો એથનિયેલ થયો. અઢી વર્ષ પછી બીજો દીકરો જીઓવાની થયો.

૧૯૮૩માં પૂર્વ સુરીનામમાં ગોડો હોલો નજીક તાપાનાહોની નદીમાં બાપ્તિસ્મા આપવામાં આવી રહ્યું હતું ત્યારનો ફોટો

સુરીનામમાં ભાઈઓની ઘણી જરૂર હતી. એટલે શાખા કચેરીએ મને જણાવ્યું કે હું સરકીટ નિરીક્ષકનું કામ ચાલુ રાખું. અમારાં બાળકો નાનાં હતાં ત્યારે મને એવી સરકીટ સોંપવામાં આવતી જેમાં ઓછાં મંડળો હોય. એટલે મહિનાનાં અમુક અઠવાડિયાં હું મંડળોની મુલાકાતે જતો અને બાકીનાં અઠવાડિયાં હું મારા જ મંડળમાં પાયોનિયર તરીકે સેવા આપતો. જો મારે નજીકના મંડળમાં જવાનું થાય તો એથેલ અને બાળકો મારી સાથે આવતાં. પણ જંગલમાં દૂર દૂરનાં મંડળોમાં મુલાકાત લેવાની હોય કે સંમેલનો હોય તો હું એકલો જ જતો.

હું સરકીટ નિરીક્ષક હતો ત્યારે ઘણી વાર હોડીમાં બેસીને દૂર દૂરનાં મંડળોની મુલાકાતે જતો

હું બધી જવાબદારીઓ સારી રીતે ઉપાડી શકું માટે પ્લાનિંગ કરતો. હું ધ્યાન રાખતો કે દર અઠવાડિયે અમે કુટુંબ તરીકે અભ્યાસ કરીએ. જો મારે જંગલમાં દૂરનાં મંડળોની મુલાકાતે જવાનું થાય તો એથેલ બાળકો સાથે અભ્યાસ કરતી. અમે કુટુંબ તરીકે જેટલો થઈ શકે એટલો સમય સાથે વિતાવવાની કોશિશ કરતા. બાળકોને મજા આવે એટલે અવાર-નવાર તેઓ સાથે ગેમ રમતાં અથવા નજીકમાં ક્યાંક ફરવા જતાં. ઘણી વાર મને મંડળનાં કામો પતાવતાં પતાવતાં મોડી રાત થઈ જતી. એથેલ નીતિવચનો ૩૧:૧૫માં જણાવેલી સારી પત્નીની જેમ સવારે વહેલી ઊઠી જતી. સૂરજ ઊગે એ પહેલાં ઊઠી જતી. તે અમારા બધા માટે નાસ્તો બનાવતી, જેથી બાળકો સ્કૂલે જાય એ પહેલાં અમે દરરોજનું વચન વાંચી શકીએ અને સાથે નાસ્તો કરી શકીએ. એથેલ હંમેશાં પોતાના કરતાં બીજાઓનો પહેલા વિચાર કરે છે. એના લીધે હું મારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકું છું. ખરેખર તે મારા માટે અનમોલ આશીર્વાદ છે!

બાળકો યહોવાને પ્રેમ કરી શકે અને સેવાકાર્યમાં પોતાનું દિલ રેડી શકે એ માટે હું અને એથેલ તેઓને મદદ કરતા. અમારાં દિલની તમન્‍ના હતી કે તેઓ પૂરા સમયની સેવામાં જોડાય. એમાં પોતાનું આખું જીવન વિતાવે. પણ અમે ચાહતા હતા કે તેઓ એ નિર્ણય અમે કહીએ છીએ એટલે નહિ, પણ જાતે લે. અમે તેઓને હંમેશાં કહેતાં કે પૂરા સમયની સેવા કરવાથી અમને કેટલી ખુશી મળી છે. કેવી મુશ્કેલીઓ આવી, એ વિશે પણ અમે તેઓને જણાવતાં. પણ અમે હંમેશાં એ વાત પર ભાર મૂકતાં કે યહોવાએ કુટુંબને કઈ રીતે મદદ કરી અને કેવા આશીર્વાદ આપ્યા. અમે એવી ગોઠવણ કરતા કે બાળકો એવાં ભાઈ-બહેનો સાથે સમય પસાર કરી શકે, જેઓએ યહોવાની ભક્તિને જીવનમાં પહેલા રાખી હોય.

કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા હું મારાથી બનતું બધું કરતો હતો. હું કુંવારો હતો અને ખાસ પાયોનિયર તરીકે સેવા આપતો હતો ત્યારે શીખ્યો કે પ્લાનિંગ કરવું કેટલું જરૂરી છે. એટલે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા હું પૈસા બચાવતો અને બધું પહેલેથી પ્લાન કરતો. અમે પૂરી કોશિશ કરતા, પણ અમુક વાર સંજોગો સામે હારી જતાં. એવા સમયે યહોવાએ અમારી મદદ કરી. જેમ કે, ૧૯૮૬-૧૯૯૨માં સુરીનામમાં ઘણી ઊથલ-પાથલ મચી હતી. એટલે જીવન-જરૂરી વસ્તુઓ મેળવવી અઘરી થઈ ગઈ હતી. પણ એ વખતે યહોવા અમારી મદદે આવ્યા. તેમણે અમારી જરૂરિયાતો પૂરી કરી.—માથ. ૬:૩૨.

વીતેલી કાલ પર એક નજર

ડાબેથી જમણે: મારી પત્ની એથેલ સાથે

મોટો દીકરો એથનિયેલ અને તેની પત્ની નેટલી

બીજો દીકરો જીઓવાની અને તેની પત્ની ક્રિસ્ટલ

અમારું આખું જીવન યહોવાએ અમારી સંભાળ રાખી છે. તેમણે અમને ખુશ રહેવા અને અમારી પાસે જે છે એમાં સંતોષ રાખવા મદદ કરી છે. અમારાં બાળકો યહોવા તરફથી ખાસ ભેટ છે. તેમની મદદથી અમે બાળકોનો સારો ઉછેર કરી શક્યા, તેઓને યહોવા વિશે શીખવી શક્યા. અમને એ વાતની ખુશી છે કે તેઓએ પૂરા સમયની સેવા કરવાનું નક્કી કર્યું છે. અમારા બંને દીકરા એથનિયેલ અને જીઓવાનીને બાઇબલ શાળામાં જવાની તક મળી. આજે તેઓ પોતાની પત્નીઓ સાથે સુરીનામ શાખા કચેરીમાં સેવા આપે છે.

હું ને એથેલ હવે ઘરડાં થયાં છીએ. પણ અમે યહોવાએ સોંપેલું કામ પડતું મૂક્યું નથી. આજે પણ ખાસ પાયોનિયર તરીકે અમે ઘણાં વ્યસ્ત રહીએ છીએ. અમે એટલા વ્યસ્ત રહીએ છીએ કે મને તરવાનું શીખવાનો સમય જ નથી મળ્યો. પણ મને કોઈ અફસોસ નથી. વીતેલી કાલ યાદ કરું છું ત્યારે ખુશી થાય છે કે નાની ઉંમરમાં મેં પૂરા સમયની સેવા કરવાનું નક્કી કર્યું. એ મારા જીવનનો સૌથી સારો નિર્ણય હતો.

a ૨૦૦૨ યરબુક ઑફ જેહોવાઝ વિટનેસીસ પાન ૭૦ જુઓ.

b વિલ્યમ વાન સજેની જીવન સફર વાંચવા નવેમ્બર ૮, ૧૯૯૯ સજાગ બનો! મૅગેઝિનમાં આપેલો આ લેખ જુઓ: “અપેક્ષા કરતાં વધારે મળ્યું.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો