લેવીય
૨૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “તું ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ દીવા માટે પીલેલાં જૈતૂનનું શુદ્ધ તેલ લાવે જેથી દીવા સળગતા રહે.+ ૩ મુલાકાતમંડપની અંદર પડદા આગળ, પવિત્ર સ્થાનમાં દીવી છે. હારુન સાંજથી સવાર સુધી યહોવા આગળ એના દીવા સળગતા રાખે. એ નિયમ તમારી પેઢી દર પેઢી હંમેશ માટે છે. ૪ તે યહોવા સામેની ચોખ્ખા સોનાની દીવી પરના દીવાઓની+ હંમેશાં કાળજી રાખે.
૫ “તમે મેંદો લો અને એમાંથી ૧૨ રોટલી* બનાવો. એક રોટલી બે ઓમેર* મેંદાની બનેલી હોય. ૬ યહોવા સામે મૂકેલી ચોખ્ખા સોનાની મેજ+ પર તમે એને બે થપ્પીમાં મૂકો. દરેક થપ્પીમાં છ છ રોટલી હોય.+ ૭ દરેક થપ્પી પર તમે શુદ્ધ લોબાન* મૂકો. પછી યાદગીરી તરીકે+ તમે લોબાન બાળો, જે રોટલીને રજૂ કરે છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે. ૮ દરેક સાબ્બાથના દિવસે એ રોટલીઓ નિયમિત રીતે યહોવા આગળ મૂકવામાં આવે.+ એ કરાર મેં ઇઝરાયેલીઓ સાથે હંમેશ માટે કર્યો છે. ૯ એ રોટલીઓ હારુન અને તેના દીકરાઓને મળે+ અને તેઓ એને પવિત્ર જગ્યામાં ખાય,+ કેમ કે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણોમાંથી એ ખૂબ પવિત્ર હિસ્સો છે, જે યાજકને મળે છે. એ નિયમ હંમેશ માટે છે.”
૧૦ હવે ઇઝરાયેલીઓમાં એક પુરુષ હતો, જેની મા ઇઝરાયેલી હતી પણ પિતા ઇજિપ્તનો હતો.+ એક દિવસ તે છાવણીમાં ગયો અને ત્યાં એક ઇઝરાયેલી પુરુષ સાથે તેની મારામારી થઈ. ૧૧ તે ઇઝરાયેલી સ્ત્રીનો દીકરો ઈશ્વરના નામની* નિંદા કરવા લાગ્યો અને ઈશ્વરના નામને શ્રાપ આપવા લાગ્યો.+ તેથી લોકો તેને મૂસા પાસે લઈ ગયા.+ તે સ્ત્રીનું નામ શલોમીથ હતું અને તે દાન કુળના દિબ્રીની દીકરી હતી. ૧૨ યહોવાનો ચુકાદો ન આવે ત્યાં સુધી, તેઓએ તે માણસને પહેરા હેઠળ રાખ્યો.+
૧૩ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૪ “મારા નામની નિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ જા. જે લોકોએ તેના મોંએ નિંદા સાંભળી હતી, તેઓ તેના માથા પર હાથ મૂકે અને પછી બધા ઇઝરાયેલીઓ તેને પથ્થરે મારી નાખે.+ ૧૫ તું ઇઝરાયેલીઓને કહે, ‘જે માણસ પોતાના ઈશ્વરને શ્રાપ આપે, તેણે પોતાના પાપની સજા ભોગવવી પડશે. ૧૬ તેથી યહોવાના નામની નિંદા કરનારને ચોક્કસ મારી નાખો.+ બધા ઇઝરાયેલીઓ તેને પથ્થરે મારી નાખે. જે કોઈ ઈશ્વરના નામની નિંદા કરે તેને મારી નાખો, પછી ભલે એ તમારી વચ્ચે રહેતો પરદેશી હોય કે ઇઝરાયેલી.
૧૭ “‘જો કોઈ માણસ બીજા માણસનો જીવ લે,* તો તેને ચોક્કસ મારી નાખો.+ ૧૮ જો કોઈ માણસ બીજા માણસના પાલતુ પ્રાણી પર હુમલો કરીને એને મારી નાખે, તો તે માણસ એની નુકસાની ભરી આપે. એટલે કે જીવને બદલે જીવ.* ૧૯ જો કોઈ માણસ બીજા માણસને ઈજા પહોંચાડે, તો તેણે જે કર્યું છે, એ જ તેની સાથે કરવામાં આવે.+ ૨૦ હાડકાને બદલે હાડકું,* આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત. તેણે બીજાને જે ઈજા પહોંચાડી છે, એવી જ ઈજા તેને કરવામાં આવે.+ ૨૧ જો કોઈ માણસ પ્રાણી પર હુમલો કરીને એને મારી નાખે, તો તે એની નુકસાની ભરી આપે.+ પણ જો કોઈ માણસ બીજા માણસ પર હુમલો કરીને તેને મારી નાખે, તો તે માણસને પણ મારી નાખો.+
૨૨ “‘ઇઝરાયેલીઓ અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે એકસરખો જ નિયમ છે,+ કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.’”
૨૩ પછી મૂસાએ ઇઝરાયેલીઓ સાથે વાત કરી. તેઓ ઈશ્વરના નામની નિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો.+ આમ, યહોવાએ મૂસાને કહ્યું હતું એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું.