યહોશુઆ
૧૮ પછી બધા ઇઝરાયેલીઓ શીલોહમાં ભેગા થયા.+ તેઓએ ત્યાં મુલાકાતમંડપ* ઊભો કર્યો,+ કેમ કે તેઓએ આખો દેશ જીતી લીધો હતો.+ ૨ ઇઝરાયેલમાં હજુ સાત કુળો એવાં હતાં, જેઓએ પોતાનો વારસો વહેંચી લીધો ન હતો. ૩ યહોશુઆએ ઇઝરાયેલીઓને કહ્યું: “તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ આપેલા દેશનો કબજો લેવામાં તમે ક્યાં સુધી ઢીલ કરશો?+ ૪ દરેક કુળમાંથી ત્રણ માણસો પસંદ કરીને મને આપો, જેથી હું તેઓને એ દેશમાં મોકલું. તેઓ ત્યાં ફરીને પોતાના વારસા માટે દેશની બધી જાણકારી ભેગી કરે. પછી તેઓ મારી પાસે પાછા ફરે. ૫ તેઓએ પોતાના માટે દેશના સાત ભાગ કરવા.+ યહૂદાના લોકો દક્ષિણમાં પોતાના વિસ્તારમાં રહેશે+ અને યૂસફના ઘરના લોકો ઉત્તરમાં પોતાના વિસ્તારમાં રહેશે.+ ૬ તમે દેશમાં ફરીને જાણકારી ભેગી કરો અને દેશના સાત ભાગ કરો. પછી એ જાણકારી મારી પાસે લાવો અને આપણા ઈશ્વર યહોવા આગળ હું તમારા માટે ચિઠ્ઠીઓ નાખીશ.+ ૭ લેવીઓને તમારામાં કોઈ ભાગ આપવામાં નહિ આવે,+ કારણ કે યહોવાના યાજકો તરીકે સેવા આપવી, એ તેઓનો વારસો છે.+ ગાદ અને રૂબેને તેમજ મનાશ્શાના અડધા કુળે+ તો યર્દનની પૂર્વ તરફ પોતાનો વારસો લઈ લીધો છે, જે યહોવાના સેવક મૂસાએ આપ્યો હતો.”
૮ એ માણસો જવા તૈયાર થયા. દેશની જાણકારી ભેગી કરવા જતાં માણસોને યહોશુઆએ કહ્યું: “જાઓ અને દેશમાં ફરો ને જાણકારી ભેગી કરીને મારી પાસે પાછા આવો. હું અહીં શીલોહમાં યહોવા આગળ તમારા માટે ચિઠ્ઠીઓ નાખીશ.”+ ૯ પછી એ માણસો નીકળ્યા અને આખા દેશમાં ફર્યા. તેઓએ જાણકારી ભેગી કરીને દેશના સાત ભાગ પાડ્યા અને શહેરો પ્રમાણે નોંધ કરી. તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા ફર્યા. ૧૦ યહોશુઆએ શીલોહમાં યહોવા આગળ તેઓ માટે ચિઠ્ઠીઓ નાખી.+ તેણે ત્યાં ઇઝરાયેલીઓને તેઓના હિસ્સા પ્રમાણે દેશ વહેંચી આપ્યો.+
૧૧ ચિઠ્ઠીઓ નાખવામાં આવી ત્યારે બિન્યામીનનું કુળ પસંદ થયું. તેઓનાં કુટુંબો પ્રમાણે મળેલો વિસ્તાર, યહૂદાના+ વિસ્તાર અને યૂસફના+ વિસ્તાર વચ્ચે હતો. ૧૨ તેઓની હદ ઉત્તર તરફ યર્દનથી શરૂ થઈને ઉત્તરે યરીખોના ઢોળાવ સુધી હતી.+ એ પશ્ચિમે પહાડ પર જતી હતી. એ બેથ-આવેનના વેરાન પ્રદેશ સુધી ફેલાયેલી હતી.+ ૧૩ એ હદ ત્યાંથી આગળ વધીને લૂઝ સુધી, લૂઝના દક્ષિણ ઢોળાવ પાસે, એટલે કે બેથેલ+ સુધી હતી. એ પહાડ પર આવેલા અટારોથ-આદ્દાર+ તરફ નીચે જતી હતી, જે નીચલા બેથ-હોરોનની+ દક્ષિણ તરફ આવેલું છે. ૧૪ બેથ-હોરોનની સામેના પહાડથી એ હદ દક્ષિણ તરફ વળતી હતી; એ આગળ વધીને કિર્યાથ-બઆલ, એટલે કે યહૂદાના શહેર કિર્યાથ-યઆરીમ+ સુધી જઈને ત્યાં પૂરી થતી હતી. આ પશ્ચિમ તરફની હદ હતી.
૧૫ દક્ષિણ તરફની હદ કિર્યાથ-યઆરીમના છેડાથી પશ્ચિમ સુધી ફેલાયેલી હતી; એ નેફતોઆહના પાણીના ઝરા સુધી હતી.+ ૧૬ એ હદ પહાડની તળેટી સુધી નીચે જતી હતી. એ પહાડ હિન્નોમની ખીણની*+ સામે અને ઉત્તરમાં રફાઈમની ખીણમાં+ આવેલો છે. એ હદ નીચે દક્ષિણમાં હિન્નોમની ખીણમાં, યબૂસીઓના+ ઢોળાવ સુધી જઈને એન-રોગેલમાં+ જતી હતી. ૧૭ એ હદ ઉત્તરે એન-શેમેશ સુધી ફેલાયેલી હતી. પછી એ અદુમ્મીમના ચઢાણ+ આગળ આવેલા ગલીલોથ સુધી જઈને છેક નીચે રૂબેનના દીકરા બોહાનના+ પથ્થર+ સુધી હતી. ૧૮ એ ત્યાંથી ઉત્તર તરફ આગળ વધીને અરાબાહની સામેના ઢોળાવ પર થઈને નીચે અરાબાહ સુધી ઊતરતી હતી. ૧૯ એ હદ ત્યાંથી ઉત્તરના ઢોળાવ પર બેથ-હોગ્લાહ+ સુધી હતી. એ ખારા સમુદ્રના*+ ઉત્તરના અખાત પાસે, યર્દનના દક્ષિણ છેડાએ પૂરી થતી હતી. આ દક્ષિણ તરફની હદ હતી. ૨૦ યર્દન નદી એની પૂર્વ તરફની સરહદ હતી. બિન્યામીનના વંશજોની ચારે બાજુની આ સરહદ હતી. તેઓનાં કુટુંબો પ્રમાણે એ વિસ્તાર તેઓનો વારસો થયો.
૨૧ બિન્યામીન કુળને કુટુંબો પ્રમાણે આ શહેરો મળ્યાં: યરીખો, બેથ-હોગ્લાહ, એમેક-કસીસ, ૨૨ બેથ-અરાબાહ,+ સમારાઈમ, બેથેલ,+ ૨૩ આવ્વીમ, પારાહ, ઓફ્રાહ, ૨૪ કફાર-આમ્મોની, ઓફની અને ગેબા,+ કુલ ૧૨ શહેરો અને એનાં ગામડાઓ.
૨૫ ગિબયોન,+ રામા, બએરોથ, ૨૬ મિસ્પેહ, કફીરાહ, મોસાહ, ૨૭ રેકેમ, યિર્પએલ, તારઅલાહ, ૨૮ સેલાહ,+ એલેફ, યબૂસી, એટલે કે યરૂશાલેમ,+ ગિબયાહ+ અને કિર્યાથ, કુલ ૧૪ શહેરો અને એનાં ગામડાઓ.
બિન્યામીનના વંશજોનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો.