પહેલો શમુએલ
૨૮ એ દિવસોમાં પલિસ્તીઓએ ઇઝરાયેલ સામે લડાઈ કરવા પોતાનાં લશ્કરો ભેગાં કર્યાં.+ આખીશે દાઉદને કહ્યું: “તને ખબર તો છે ને કે તારે અને તારા માણસોએ લડાઈમાં મારી સાથે આવવાનું છે?”+ ૨ દાઉદે આખીશને કહ્યું: “તમારો સેવક જે કરશે એ તમે સારી રીતે જાણો છો.” આખીશે તેને કહ્યું: “એટલા માટે તો હું તને હંમેશ માટે મારો અંગરક્ષક* બનાવું છું.”+
૩ હવે શમુએલ તો મરણ પામ્યો હતો. આખા ઇઝરાયેલે તેના માટે શોક પાળીને તેને તેના શહેર રામામાં દફનાવી દીધો હતો.+ શાઉલે આખા દેશમાંથી મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને જોષ જોનારાઓને કાઢી મૂક્યાં હતાં.+
૪ પલિસ્તીઓ ભેગા થઈને શૂનેમ+ ગયા અને ત્યાં છાવણી નાખી. શાઉલે પણ ઇઝરાયેલના બધા માણસોને ભેગા કર્યા અને ગિલ્બોઆમાં+ છાવણી નાખી. ૫ પલિસ્તીઓની છાવણી જોઈને શાઉલ ડરી ગયો. તેના દિલમાં ફફડાટ પેસી ગયો.+ ૬ શાઉલ યહોવાની સલાહ તો માંગતો,+ પણ યહોવા તેને કોઈ જવાબ આપતા નહિ, ન સપનાઓથી, ન ઉરીમથી,*+ ન પ્રબોધકોથી. ૭ આખરે શાઉલે પોતાના સેવકોને કહ્યું: “મરેલા સાથે વાત કરનાર કોઈ સ્ત્રીને શોધી કાઢો+ કે હું તેની પાસે જઈને પૂછી જોઉં.” શાઉલના સેવકોએ જવાબ આપ્યો: “જુઓ, એન-દોરમાં+ એક સ્ત્રી છે, જે મરેલા સાથે વાત કરે છે.”
૮ એટલે શાઉલે વેશપલટો કરવા અલગ કપડાં પહેર્યાં. તે રાતના સમયે બે માણસો લઈને એ સ્ત્રીને મળવા ગયો. શાઉલે કહ્યું: “મહેરબાની કરીને ભવિષ્ય જણાવ. જેને હું કહું તેને, મરેલા સાથે વાત કરવાની તારી શક્તિથી+ મારી આગળ લઈ આવ.” ૯ પણ સ્ત્રીએ શાઉલને કહ્યું: “શાઉલે જે કર્યું છે, એ તું જાણતો જ હોઈશ. તેમણે મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને જોષ જોનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા છે.+ તો પછી તું કેમ મને ફસાવીને મોતને ઘાટ ઉતારવા માંગે છે?”+ ૧૦ શાઉલે તેની આગળ યહોવાના સોગંદ ખાઈને કહ્યું: “યહોવાના સમ* કે આના લીધે તારા માથે કોઈ દોષ નહિ આવે.” ૧૧ એટલે સ્ત્રીએ પૂછ્યું: “હું તારી આગળ કોને લઈ આવું?” શાઉલે કહ્યું: “મારા માટે શમુએલને લઈ આવ.” ૧૨ સ્ત્રીએ “શમુએલને”* જોયો+ અને તેણે મોટા અવાજે બૂમ પાડીને શાઉલને કહ્યું: “તમે મને કેમ છેતરી? તમે પોતે શાઉલ છો!” ૧૩ રાજાએ તેને કહ્યું: “ડરીશ નહિ. તને શું દેખાય છે?” સ્ત્રીએ જવાબ આપ્યો: “મને ઈશ્વર જેવો એક માણસ ભૂમિમાંથી નીકળતો દેખાય છે.” ૧૪ શાઉલે તરત તેને પૂછ્યું: “તે કેવો દેખાય છે?” સ્ત્રીએ કહ્યું: “તેનો દેખાવ વૃદ્ધ માણસ જેવો છે. તેણે બાંય વગરનો ઝભ્ભો પહેર્યો છે.”+ એ સાંભળતા જ શાઉલને ખબર પડી ગઈ કે એ “શમુએલ” છે. તેણે ઘૂંટણિયે પડીને જમીન સુધી પોતાનું માથું નમાવ્યું અને નમન કર્યું.
૧૫ પછી “શમુએલે” શાઉલને પૂછ્યું: “તમે મને બોલાવીને કેમ હેરાન કર્યો?” શાઉલે જવાબ આપ્યો: “મારા પર ભારે આફત આવી પડી છે. પલિસ્તીઓ મારી સામે લડવા ચઢી આવ્યા છે. ઈશ્વરે મારો સાથ છોડી દીધો છે અને તે મને પ્રબોધકોથી કે સપનાઓથી કોઈ જવાબ આપતા નથી.+ મારે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.”+
૧૬ “શમુએલે” કહ્યું: “જો યહોવાએ તમારો સાથ છોડી દીધો હોય+ અને તમારા દુશ્મન બન્યા હોય, તો પછી તમે મને શું કામ પૂછો છો? ૧૭ યહોવાએ અગાઉથી મારા દ્વારા જે જણાવ્યું હતું, એ ચોક્કસ પૂરું કરશે: યહોવા તમારા હાથમાંથી રાજ લઈ લેશે અને તમારા સાથીદાર દાઉદને આપશે.+ ૧૮ તમે યહોવાની આજ્ઞા પાળી નહિ અને તેમનો ક્રોધ અમાલેકીઓ+ પર વરસાવવા તેઓને સજા કરી નહિ. એટલે યહોવાએ આજે તમારા આવા હાલ કર્યા છે. ૧૯ યહોવા ઇઝરાયેલને અને તમને પલિસ્તીઓના+ હાથમાં સોંપી દેશે. આવતી કાલે તમે+ અને તમારા દીકરાઓ+ મારી સાથે હશો. યહોવા ઇઝરાયેલના લશ્કરને પણ પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે.”+
૨૦ એ સાંભળીને શાઉલ જમીન પર ઢળી પડ્યો. “શમુએલની” વાતથી તે ખૂબ ગભરાઈ ગયો હતો. તેણે આખો દિવસ અને આખી રાત કંઈ ખાધું ન હોવાથી, તેનામાં જરાય શક્તિ ન હતી. ૨૧ પેલી સ્ત્રીએ શાઉલ પાસે આવીને જોયું કે તે હેરાન-પરેશાન થઈ ગયો છે. તેણે શાઉલને કહ્યું: “તમારી દાસીએ પોતાનો જીવ દાવ પર લગાવીને+ તમારું કહેવું માન્યું છે. તમે જેમ કહ્યું, એમ જ મેં કર્યું છે. ૨૨ કૃપા કરીને તમારી દાસીનું કહેવું માનો. હું તમારા માટે રોટલી લઈ આવું. તમે થોડું ખાઓ, જેથી તમારા રસ્તે પાછા જવા તમારામાં શક્તિ આવે.” ૨૩ શાઉલે ના પાડી અને કહ્યું: “હું કંઈ ખાવાનો નથી.” પણ તેના સેવકોએ અને પેલી સ્ત્રીએ ખૂબ આગ્રહ કર્યો. તેઓનું સાંભળીને તે જમીન પરથી ઊભો થયો અને પલંગ પર બેઠો. ૨૪ એ સ્ત્રી પાસે તાજું-માજું વાછરડું હતું, જે તેણે ફટાફટ કાપ્યું.* તેણે લોટ બાંધીને ખમીર* વગરની રોટલી શેકી કાઢી. ૨૫ તેણે એ બધું શાઉલ અને તેના સેવકો આગળ પીરસ્યું. તેઓ જમીને ઊભા થયા અને પછી રાતે જ ત્યાંથી નીકળી ગયા.+