ગણના
૨૭ સલોફહાદ+ હેફેરનો દીકરો હતો, જે ગિલયાદનો, જે માખીરનો, જે મનાશ્શાનો દીકરો હતો. સલોફહાદ યૂસફના દીકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી હતો. સલોફહાદની દીકરીઓ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતી. તેઓ આવી અને ૨ મૂસા, એલઆઝાર યાજક, મુખીઓ+ અને બધા ઇઝરાયેલીઓ સામે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહી. તેઓએ કહ્યું: ૩ “અમારા પિતા વેરાન પ્રદેશમાં મરણ પામ્યા હતા. પણ કોરાહ સાથે મળીને+ યહોવા વિરુદ્ધ બળવો કરનાર ટોળામાં તે ન હતા. તે તો પોતાના પાપને લીધે મરણ પામ્યા હતા અને તેમને કોઈ દીકરો ન હતો. ૪ તો શું દીકરો ન હોવાને લીધે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જવું જોઈએ? અમારા પિતાના ભાઈઓ સાથે અમને પણ વારસો આપો.” ૫ તેથી મૂસાએ એ કિસ્સો યહોવા આગળ રજૂ કર્યો.+
૬ યહોવાએ મૂસાને કહ્યું: ૭ “સલોફહાદની દીકરીઓની વાત સાચી છે. તું તેઓના પિતાના ભાઈઓ સાથે તેઓને પણ વારસો આપ. હા, તેઓના પિતાનો વારસો તું તેઓને આપ.+ ૮ તું ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ માણસ મરણ પામે અને તેને દીકરો ન હોય, તો તેનો વારસો તેની દીકરીને આપો. ૯ જો તેને દીકરી ન હોય, તો એ વારસો તેના ભાઈઓને આપો. ૧૦ જો તેને ભાઈઓ ન હોય, તો એ વારસો તેના પિતાના ભાઈઓને આપો. ૧૧ જો તેના પિતાને કોઈ ભાઈ ન હોય, તો એ વારસો તેના કુટુંબના સૌથી નજીકના સગાને આપો અને તે એનો વારસો મેળવે. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે, એ કાનૂન ઇઝરાયેલીઓ માટે નિયમ છે.’”
૧૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: “અબારીમ પર્વત પર જા+ અને ત્યાંથી એ દેશ જો, જે હું ઇઝરાયેલીઓને આપવાનો છું.+ ૧૩ એ દેશ જોયા પછી તારા ભાઈ હારુનની જેમ તું પણ મરણ પામશે અને તારા બાપદાદાઓની જેમ તને પણ દફનાવવામાં આવશે,*+ ૧૪ કેમ કે ઝીનના વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓ મારી સાથે ઝઘડો કરતા હતા ત્યારે, પાણી વિશેની મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તમે બંનેએ બળવો કર્યો હતો અને તેઓ આગળ તમે મને પવિત્ર ઠરાવ્યો ન હતો.”+ (આ મરીબાહનું પાણી+ છે, જે ઝીનના વેરાન પ્રદેશના+ કાદેશમાં+ છે.)
૧૫ મૂસાએ યહોવાને કહ્યું: ૧૬ “હે યહોવા, સર્વ લોકોને જીવન* આપનાર ઈશ્વર, આ લોકો પર એક માણસ નિયુક્ત કરો. ૧૭ તે માણસ લોકોની આગેવાની લેશે અને તેઓને માર્ગદર્શન આપશે. તે તેઓને દોરશે અને તેઓ તેની પાછળ પાછળ જશે. આમ, યહોવાના લોકો પાળક વગરનાં ઘેટાં જેવા નહિ થાય.” ૧૮ તેથી યહોવાએ મૂસાને કહ્યું: “નૂનના દીકરા યહોશુઆને બોલાવીને તેના પર તારો હાથ મૂક,* કેમ કે તે બીજાઓ કરતાં એકદમ અલગ છે.+ ૧૯ તેને એલઆઝાર યાજક અને બધા ઇઝરાયેલીઓ આગળ ઊભો રાખ અને તેઓના દેખતાં તેને આગેવાન તરીકે નિયુક્ત કર.+ ૨૦ તારો થોડો અધિકાર* તેને સોંપ,+ જેથી ઇઝરાયેલીઓ તેનું સાંભળે.+ ૨૧ યહોશુઆએ કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે, તે એલઆઝાર યાજક પાસે જાય. એલઆઝાર તેના વતી યહોવા આગળ જઈને ઉરીમ*+ દ્વારા તેમની ઇચ્છા જાણે. પછી જે પણ માર્ગદર્શન મળે એ પ્રમાણે તેઓ, એટલે કે યહોશુઆ અને બધા ઇઝરાયેલીઓ ચાલે.”
૨૨ મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે એલઆઝાર યાજક અને બધા ઇઝરાયેલીઓ આગળ યહોશુઆને ઊભો રાખ્યો. ૨૩ પછી યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે,+ તેણે યહોશુઆ પર પોતાના હાથ મૂક્યા અને તેને આગેવાન તરીકે નિયુક્ત કર્યો.+