વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt નીતિવચનો ૧:૧-૩૧:૩૧
  • નીતિવચનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નીતિવચનો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો

નીતિવચનો

૧ દાઉદના દીકરા,+ ઇઝરાયેલના રાજા+ સુલેમાનનાં+ નીતિવચનો.*

 ૨ આ નીતિવચનો એટલે લખવામાં આવ્યાં, જેથી માણસ બુદ્ધિ*+ મેળવે,* શિસ્ત* સ્વીકારે,

બુદ્ધિથી ભરેલી વાતો સમજે;

 ૩ જેથી તે શિસ્ત+ સ્વીકારીને ઊંડી સમજણ મેળવે,

નેક બને,+ યોગ્ય નિર્ણય લે*+ અને ઈમાનદાર બને;*

 ૪ જેથી ભોળો* માણસ સમજદાર બને,+

યુવાનોને જ્ઞાન અને વિવેકબુદ્ધિ* મળે.+

 ૫ શાણો માણસ ધ્યાનથી સાંભળે છે અને વધારે શીખે છે,+

સમજુ માણસ ખરું માર્ગદર્શન* મેળવે છે,+

 ૬ જેથી તે કહેવતો અને ઉદાહરણો,*

જ્ઞાની માણસોની વાતો અને તેઓનાં ઉખાણાં સમજી શકે.+

 ૭ યહોવાનો* ડર* જ્ઞાનની શરૂઆત છે.+

મૂર્ખ લોકો બુદ્ધિ અને શિસ્તને* તુચ્છ ગણે છે.+

 ૮ મારા દીકરા, તારા પિતાની શિખામણ* ધ્યાન દઈને સાંભળ+

અને તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.+

 ૯ એ તારા માથા માટે સુંદર મુગટ જેવી છે+

અને તારા ગળા માટે કીમતી હાર જેવી છે.+

૧૦ મારા દીકરા, જો પાપીઓ તને ફોસલાવે તો તેઓની વાતમાં આવી ન જતો.+

૧૧ કદાચ તેઓ કહે: “અમારી સાથે આવ.

ચાલ, ખૂન કરવા માટે લાગ જોઈને બેસી રહીએ,

મજા માટે કોઈ નિર્દોષ પર હુમલો કરવા સંતાઈને બેસી રહીએ.

૧૨ કબરની* જેમ આપણે તેઓને જીવતા ને જીવતા ગળી જઈશું,

હા, તેઓને* આખા ને આખા ગળી જઈશું.

૧૩ તેઓનો કીમતી ખજાનો લૂંટી લઈશું

અને લૂંટેલા માલથી આપણાં ઘરો ભરીશું.

૧૪ તું અમારી સાથે ચાલ તો ખરો,*

આપણે ચોરીનો માલ સરખે ભાગે વહેંચી લઈશું.”*

૧૫ મારા દીકરા, તેઓની પાછળ જઈશ નહિ.

તેઓના રસ્તે પગ મૂકીશ નહિ.+

૧૬ કેમ કે તેઓના પગ દુષ્ટ કામો કરવા દોડી જાય છે,

તેઓ લોહી વહેવડાવવા ઉતાવળા બને છે.+

૧૭ પક્ષીના દેખતાં જાળ પાથરવી સાવ નકામું છે.

૧૮ એટલે તેઓ ખૂન કરવા ટાંપીને બેસી રહે છે,

બીજાઓનો જીવ લેવા સંતાઈ રહે છે.

૧૯ બેઈમાનીથી કમાણી કરનારા આવા માર્ગે ચાલે છે,

પણ તેઓની જ કમાણી તેઓનો જીવ લઈ લે છે.+

૨૦ ખરી બુદ્ધિ+ ગલીએ ગલીએ પોકાર કરે છે.+

એના અવાજના પડઘા આખા ચોકમાં સંભળાય છે.+

૨૧ ભીડભાડવાળી શેરીઓના નાકે એ મોટેથી બૂમ પાડે છે.

એ શહેરના દરવાજે કહે છે:+

૨૨ “હે મૂર્ખ લોકો, તમે ક્યાં સુધી મૂર્ખાઈને વળગી રહેશો?

હે મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી મશ્કરી કરવાની મજા માણશો?

હે અક્કલ વગરના લોકો, તમે ક્યાં સુધી જ્ઞાનનો તિરસ્કાર કરશો?+

૨૩ મારા ઠપકા પર ધ્યાન આપો અને સુધારો કરો.*+

હું તમને બુદ્ધિ* આપીશ

અને મારા શબ્દો સમજવા મદદ કરીશ.+

૨૪ મેં તમને વારંવાર બોલાવ્યા, પણ તમે મારું સાંભળ્યું નહિ,

મેં મારો હાથ લંબાવ્યો, પણ કોઈએ ધ્યાન આપ્યું નહિ.+

૨૫ તમે મારી સલાહ કાને ધરી નહિ,

મેં તમને ઠપકો આપ્યો ત્યારે, તમે એને ઠોકર મારી દીધી.

૨૬ તમારા પર મુસીબત તૂટી પડશે ત્યારે, હું તમારી મજાક ઉડાવીશ,

તમારા પર ભયંકર આફત આવી પડશે ત્યારે, હું તમારી હાંસી ઉડાવીશ.+

૨૭ જ્યારે તોફાનની જેમ તમારા પર ભયાનક વિપત્તિ આવશે,

વાવાઝોડાની જેમ તમારા પર સંકટ ઝઝૂમશે,

દુઃખો અને મુસીબતો તમને ઘેરી લેશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.

૨૮ એ સમયે તમે* મને બોલાવશો, પણ હું જવાબ આપીશ નહિ,

તમે મને ખંતથી શોધશો, પણ હું તમને મળીશ નહિ,+

૨૯ કેમ કે તમે જ્ઞાનનો તિરસ્કાર કર્યો છે+

અને યહોવાનો ડર રાખવાનો નકાર કર્યો છે.+

૩૦ તમે મારી સલાહ માની નથી

અને મારા ઠપકાની કદર કરી નથી.

૩૧ તમારે* પોતાનાં કામોનું પરિણામ ભોગવવું પડશે,+

પોતે ઘડેલાં કાવતરાંની ભારે કિંમત ચૂકવવી પડશે.*

૩૨ મારાથી મોં ફેરવીને ભોળો* માણસ પોતાનો જીવ ગુમાવશે

અને મૂર્ખ પોતાની બેદરકારીને લીધે માર્યો જશે.

૩૩ પણ મારું સાંભળનાર સહીસલામત રહેશે+

અને આફતના ડર વગર નિરાંતે જીવશે.”+

૨ મારા દીકરા, જો તું મારી વાતો માને

અને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખે;+

 ૨ જો તું બુદ્ધિ* તરફ તારો કાન ધરે+

અને ખરું-ખોટું પારખવામાં તારું દિલ લગાવે;+

 ૩ જો તું સમજણ મેળવવા પોકાર કરે+

અને પારખશક્તિ મેળવવા બૂમ પાડે;+

 ૪ જો તું ચાંદીની જેમ એ બધું શોધતો રહે+

અને દાટેલા ખજાનાની જેમ એની ખોજ કરતો રહે,+

 ૫ તો યહોવાનો ડર* તને સમજાશે+

અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.+

 ૬ કેમ કે યહોવા બુદ્ધિ આપે છે,+

તેમના મોંમાંથી જ્ઞાન અને સમજણની વાતો નીકળે છે.

 ૭ તે નેક માણસ માટે બુદ્ધિનો* ખજાનો રાખી મૂકે છે,

પ્રમાણિક* રીતે ચાલતા લોકો માટે તે ઢાલ છે.+

 ૮ તે સારા લોકોના રસ્તા પર નજર રાખે છે,

તે વફાદાર ભક્તોના માર્ગનું રક્ષણ કરે છે.+

 ૯ તને એ પણ સમજાશે કે ખરાં ધોરણો, ન્યાય અને સચ્ચાઈ કોને કહેવાય,

તને ખ્યાલ આવશે કે સાચો માર્ગ કોને કહેવાય.+

૧૦ જ્યારે બુદ્ધિ તારા દિલમાં ઊતરશે+

અને જ્ઞાન તારા જીવને* વહાલું લાગશે,+

૧૧ ત્યારે સમજશક્તિ તારી ચોકી કરશે+

અને પારખશક્તિ તારું રક્ષણ કરશે.

૧૨ તેઓ તને ખોટા માર્ગથી બચાવશે,

એવા માણસોથી બચાવશે, જેઓ ખરાબ વાતો કરે છે;+

૧૩ જેઓ અંધકારના રસ્તે ચાલવા

સત્યનો માર્ગ છોડી દે છે;+

૧૪ જેઓ ખોટાં કામોથી ખુશ થાય છે

અને દુષ્ટતા તેમજ છળ-કપટથી હરખાય છે;

૧૫ જેઓ આડા રસ્તે ચાલે છે

અને જેઓનો જીવનમાર્ગ કપટથી ભરેલો છે.

૧૬ બુદ્ધિ તને પાપી* સ્ત્રીથી બચાવશે,

એ તને વ્યભિચારી* સ્ત્રીની મીઠી મીઠી* વાતોથી બચાવશે.+

૧૭ તે સ્ત્રીએ યુવાનીના વહાલા સાથીને* છોડી દીધો છે+

અને તે પોતાના ઈશ્વરનો કરાર* ભૂલી ગઈ છે.

૧૮ એવી સ્ત્રીના ઘરે જવું તો મોતના મોંમાં જવા બરાબર છે,

તેના ઘરનો રસ્તો કબરમાં લઈ જાય છે.+

૧૯ તેની પાસે જતો માણસ* ક્યારેય પાછો આવશે નહિ,

તેને જીવનનો માર્ગ ફરી મળશે નહિ.+

૨૦ એટલે સારા લોકોના માર્ગે ચાલ

અને નેક લોકોનો રસ્તો પકડી રાખ.+

૨૧ કેમ કે સાચા માર્ગે ચાલનાર* લોકો પૃથ્વી પર રહેશે

અને પ્રમાણિક* લોકો એમાં કાયમ માટે જીવશે.+

૨૨ પણ દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે+

અને કપટીઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.+

૩ મારા દીકરા, મારી શીખવેલી વાતો ભૂલીશ નહિ

અને મારી આજ્ઞાઓ પૂરા દિલથી પાળજે,

 ૨ જેથી તને લાંબું જીવન મળે

અને તારા જીવનમાં સુખ-શાંતિ આવે.+

 ૩ અતૂટ પ્રેમ* અને વફાદારી* બતાવવાનું છોડતો નહિ.+

એને હારની જેમ તારા ગળે બાંધી દે

અને તારા દિલ પર લખી લે.+

 ૪ ત્યારે તું ઈશ્વરની અને લોકોની કૃપા મેળવીશ

અને તેઓની નજરમાં સમજુ ગણાઈશ.+

 ૫ તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ+

અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.+

 ૬ તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર+

અને તે તને ખરો માર્ગ બતાવશે.+

 ૭ તું પોતાને બહુ બુદ્ધિમાન ન ગણ.+

પણ યહોવાનો ડર રાખ અને ખોટા માર્ગેથી પાછો ફર.

 ૮ એવું કરીશ તો તારું શરીર* તંદુરસ્ત રહેશે

અને તારાં હાડકાંને તાજગી મળશે.

 ૯ તારી કીમતી વસ્તુઓથી,

તારી ફસલની* ઉત્તમ વસ્તુઓથી* યહોવાનું સન્માન કર.+

૧૦ ત્યારે તારી વખારો અનાજથી ભરેલી રહેશે+

અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષદારૂથી છલકાતા રહેશે.

૧૧ મારા દીકરા, યહોવાની શિસ્તને* તુચ્છ ન ગણતો+

અને તેમના ઠપકાનો નકાર ન કરતો.+

૧૨ કેમ કે જેમ પિતા પોતાના વહાલા દીકરાને ઠપકો આપે છે,+

તેમ યહોવા જેને પ્રેમ કરે છે, તેને ઠપકો આપે છે.+

૧૩ સુખી છે એ માણસ, જે બુદ્ધિ* મેળવે છે.+

સુખી છે એ માણસ, જે ઊંડી સમજણ મેળવે છે.

૧૪ ચાંદી કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું.

ચોખ્ખા સોના કરતાં બુદ્ધિ હોવી* વધારે સારું.+

૧૫ બુદ્ધિ કીમતી પથ્થરો* કરતાં પણ વધારે અનમોલ છે.

તને ગમતી કોઈ પણ વસ્તુ બુદ્ધિની તોલે ન આવી શકે.

૧૬ એના જમણા હાથમાં લાંબું જીવન છે,

એના ડાબા હાથમાં સમૃદ્ધિ અને વૈભવ છે.

૧૭ એના માર્ગે ચાલવાથી સુખચેન મળે છે,

એના રસ્તે ચાલવાથી શાંતિ મળે છે.+

૧૮ એને પકડી રાખનાર લોકો માટે એ જીવનનું ઝાડ છે,

અને એને વળગી રહેનાર લોકો સુખી છે.+

૧૯ યહોવાએ પોતાની બુદ્ધિથી પૃથ્વીનો પાયો નાખ્યો.+

તેમણે પોતાની સમજણથી આકાશોને સ્થિર કર્યાં.+

૨૦ તેમના જ્ઞાનથી ઊંડા પાણીના બે ભાગ થઈ ગયા

અને વાદળોમાંથી ઝરમર વરસાદ પડ્યો.*+

૨૧ બેટા, એને* તારી નજરથી દૂર થવા ન દેતો.

તું બુદ્ધિ* અને સમજશક્તિને* પકડી રાખ.

૨૨ એ તને જીવન આપશે

અને સુંદર હારની જેમ તારી શોભા વધારશે.

૨૩ પછી તું તારા માર્ગમાં સહીસલામત ચાલીશ

અને તારો પગ કદી ઠોકર નહિ ખાય.+

૨૪ તું ડર્યા વગર નિરાંતે ઊંઘી જઈશ+

અને પથારીમાં પડતાં જ તને મીઠી ઊંઘ આવશે.+

૨૫ અચાનક આવી પડતાં સંકટથી તને ડર નહિ લાગે,+

દુષ્ટો પર આવનાર તોફાનથી તને બીક નહિ લાગે,+

૨૬ કેમ કે તારો ભરોસો યહોવા પર હશે,+

તે તારા પગને જાળમાં ફસાવા નહિ દે.+

૨૭ જો કોઈને મદદની જરૂર હોય અને તું કંઈ કરી શકતો હોય,*

તો તેને ના પાડીશ નહિ.+

૨૮ જો તું તારા પડોશીને હમણાં કંઈક આપી શકતો હોય,

તો એવું કહીશ નહિ: “જા, કાલે આવજે, કાલે આપીશ!”

૨૯ જો તારો પડોશી તારા પર ભરોસો રાખીને પોતાને સલામત માનતો હોય,

તો તેની વિરુદ્ધ કાવતરું ઘડીશ નહિ.+

૩૦ જો કોઈ માણસે તારું કંઈ બગાડ્યું ન હોય,

તો કારણ વગર તેની સાથે ઝઘડીશ નહિ.+

૩૧ હિંસક માણસની અદેખાઈ કરીશ નહિ,+

તેના પગલે ચાલીશ નહિ.

૩૨ કેમ કે યહોવા આડા માણસને ધિક્કારે છે,+

પણ સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.+

૩૩ દુષ્ટના ઘરને યહોવા શ્રાપ આપે છે,+

પણ નેકના ઘરને તે આશીર્વાદ આપે છે.+

૩૪ મશ્કરી કરનારની તે મજાક ઉડાવે છે,+

પણ દીન લોકો પર તે કૃપા બતાવે છે.+

૩૫ બુદ્ધિમાનને માન-મહિમા મળશે,

પણ મૂર્ખનું અપમાન થશે.+

૪ મારા દીકરાઓ, તમારા પિતાની શિખામણ* સાંભળો,+

એના પર ધ્યાન આપો, જેથી તમને સમજણ મળે.

 ૨ હું તમને સારી સલાહ આપીશ,

મારી શીખવેલી વાતોનો ત્યાગ કરશો નહિ.+

 ૩ હું મારા પિતાનો ડાહ્યો* દીકરો હતો,+

હું મારી માનો લાડકો દીકરો હતો.+

 ૪ મારા પિતાએ મને શીખવ્યું અને કહ્યું:

“બેટા, મારી વાતો તારા દિલ પર છાપી લે.+

મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે.+

 ૫ બુદ્ધિ* મેળવ, સમજણ મેળવ,+

મારી વાતો ભૂલીશ નહિ, એનાથી મોં ફેરવીશ નહિ.

 ૬ બુદ્ધિને ત્યજીશ નહિ, એ તારું રક્ષણ કરશે.

એને પ્રેમ કરજે, એ તારી સંભાળ રાખશે.

 ૭ બુદ્ધિ સૌથી મહત્ત્વની છે,+ એટલે એ પ્રાપ્ત કર,

ભલે તું ગમે એ મેળવે, પણ સમજણ મેળવવાનું ચૂકતો નહિ.+

 ૮ બુદ્ધિને ખૂબ અનમોલ ગણજે, એ તને મહાન બનાવશે.+

તું એને વળગી રહેજે,* એ તારું ગૌરવ વધારશે.+

 ૯ એ તારા માથા પર ફૂલોનો તાજ મૂકશે

અને સુંદર મુગટથી તારી શોભા વધારશે.”

૧૦ બેટા, મારી વાતો સાંભળ અને એ પ્રમાણે કર,

તો તારું આયુષ્ય ઘણું લાંબું થશે.+

૧૧ હું તને બુદ્ધિના માર્ગે ચાલવાનું શીખવીશ,+

હું તને સાચા માર્ગે દોરી જઈશ.+

૧૨ તું ચાલીશ ત્યારે કોઈ નડતર તને રોકશે નહિ,

તું દોડીશ ત્યારે તને ઠોકર વાગશે નહિ.

૧૩ શિસ્તનો* સ્વીકાર કરજે, એને છોડતો નહિ,+

તું જે શીખ્યો છે એને યાદ રાખજે, કેમ કે એ તારું જીવન છે.+

૧૪ દુષ્ટોના માર્ગમાં પગ મૂકતો નહિ,

ખરાબ લોકોના રસ્તે ચાલતો નહિ.+

૧૫ એ રસ્તાથી દૂર રહેજે, ત્યાં ફરકતો પણ નહિ,+

એ રસ્તે જતો નહિ અને તારા માર્ગે ચાલ્યો જા.+

૧૬ કેમ કે દુષ્ટતા કર્યા વગર દુષ્ટોને ઊંઘ આવતી નથી.

કોઈનું નુકસાન કર્યા વગર તેઓની ઊંઘ ઊડી જાય છે.

૧૭ તેઓ દુષ્ટતાની રોટલીથી પોતાનું પેટ ભરે છે

અને હિંસાનો દ્રાક્ષદારૂ પીએ છે.

૧૮ નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે,

જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.+

૧૯ દુષ્ટોનો માર્ગ ઘોર અંધકાર જેવો છે,

તેઓ શાનાથી ઠેસ ખાય છે, એ પણ તેઓ જાણતા નથી.

૨૦ બેટા, મારા શબ્દો પર ધ્યાન આપ,

મારી વાતો કાને ધર.

૨૧ એને તારી નજર આગળથી દૂર થવા ન દે,

એને તારા દિલમાં સંઘરી રાખ.+

૨૨ એનો સ્વીકાર કરનાર માણસ જીવશે,+

તેનું આખું શરીર તંદુરસ્ત રહેશે.

૨૩ સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ,+

કેમ કે એમાંથી જીવનનો ઝરો વહે છે.

૨૪ તારા મોંમાંથી ખરાબ શબ્દો ન નીકળે,+

તારા હોઠોમાંથી છળ-કપટની વાતો ન નીકળે.

૨૫ તારી નજર તારા માર્ગ પર રાખ,

તારી આંખો રસ્તા પરથી ફંટાવા ન દે.+

૨૬ તારા માર્ગમાંથી નડતરો દૂર કર,*+

એટલે તારા બધા માર્ગો સલામત થશે.

૨૭ ડાબે કે જમણે વળતો નહિ,+

બૂરાઈના માર્ગમાં પગ મૂકતો નહિ.

૫ મારા દીકરા, હું તને બુદ્ધિની જે વાતો કહું છું, એના પર ધ્યાન આપ,

સમજશક્તિ વિશે જે કંઈ શીખવું છું, એ કાને ધર.+

 ૨ એમ કરવાથી તું તારી પારખશક્તિ સાચવી શકીશ

અને તારા હોઠે હંમેશાં સત્યની વાતો નીકળશે.+

 ૩ પાપી* સ્ત્રીના શબ્દો* મધ જેવા મીઠા છે,+

તેની વાતો* તેલ જેવી લીસી છે.+

 ૪ પણ આખરે તો તે સ્ત્રી કડવા છોડ* જેવી કડવી છે+

અને બેધારી તલવાર જેવી ધારદાર છે.+

 ૫ તેના પગ મરણ તરફ જાય છે,

તેનાં પગલાં કબરમાં* જાય છે.

 ૬ તે જીવનના માર્ગ વિશે જરાય વિચારતી નથી.

તે આમતેમ ભટક્યા કરે છે,

પણ જાણતી નથી કે ક્યાં જઈ રહી છે.

 ૭ મારા દીકરા,* મારું સાંભળ,

મારી વાતોથી મોં ન ફેરવ.

 ૮ તું એ સ્ત્રીથી દૂર રહેજે,

તેના ઘરના બારણે ફરકતો પણ નહિ,+

 ૯ નહિતર તું તારું માન-સન્માન ગુમાવીશ+

અને તારા દિવસો દુઃખ-તકલીફોમાં વીતશે;+

૧૦ પારકાઓ તારી ધનદોલતથી લીલાલહેર કરશે,+

મહેનત તું કરીશ, પણ ઘર બીજાનાં* ભરાશે.

૧૧ એવું થશે તો તારા જીવનના છેલ્લા દિવસોમાં,

જ્યારે તારું બળ ઘટી જશે અને તારું શરીર કમજોર થઈ જશે, ત્યારે તું નિસાસા નાખીશ.+

૧૨ તું કહીશ: “મેં કેમ શિસ્તનો* નકાર કર્યો?

મારા દિલે કેમ ઠપકો ન સ્વીકાર્યો?

૧૩ મેં કેમ મારા સલાહકારોનું માન્યું નહિ?

મેં કેમ મારા શિક્ષકોનું સાંભળ્યું નહિ?

૧૪ હું વિનાશને આરે આવી ગયો છું

અને આખા સમાજની સામે* હું શરમમાં મુકાયો છું.”+

૧૫ તારા પોતાના ટાંકામાંથી પાણી પી

અને તારા પોતાના કૂવામાંથી તાજું* પાણી પી.+

૧૬ તારા ઝરાઓનું પાણી કેમ બહાર વહી જાય?

તારી નદીઓનું પાણી કેમ ચોકમાં વહી જાય?+

૧૭ એ ફક્ત તારા માટે જ રહે,

બીજા લોકો માટે નહિ.+

૧૮ તારા ઝરા પર ઈશ્વરનો આશીર્વાદ રહે,

તારી યુવાનીની પત્ની સાથે તું ખુશ રહે.+

૧૯ તે પ્રેમાળ હરણી જેવી અને સુંદર પહાડી બકરી જેવી છે.+

તેનાં સ્તનોથી તને હંમેશાં સંતોષ મળે.

તું તેના પ્રેમમાં કાયમ ડૂબેલો રહે.+

૨૦ બેટા, તું પાપી* સ્ત્રીની પ્રેમજાળમાં ફસાતો નહિ,

વ્યભિચારી* સ્ત્રીને ગળે લગાવતો નહિ.+

૨૧ માણસના બધા માર્ગો પર યહોવાની નજર છે,

તે તેના રસ્તાઓ ધ્યાનથી તપાસે છે.+

૨૨ દુષ્ટના અપરાધો તેના માટે ફાંદા જેવા છે,

તે પોતાનાં જ પાપના દોરડાથી બંધાઈ જશે.+

૨૩ શિસ્ત ન સ્વીકારવાને લીધે તે માર્યો જશે,

અતિશય મૂર્ખાઈને લીધે તે માર્ગથી ભટકી જશે.

૬ મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય,*+

જો તેં અજાણ્યા સાથે હાથ મિલાવીને કરાર કર્યો હોય,*+

 ૨ જો તું વચન આપીને ફસાઈ ગયો હોય

અને તારા મુખના શબ્દોથી બંધાઈ ગયો હોય,+

 ૩ તો બેટા, તું પોતાને છોડાવવા આમ કર:

તું નમ્ર બનીને તારા પડોશી પાસે જા અને તેની આગળ કાલાવાલા કર,

કેમ કે તું તારા પડોશીના હાથમાં આવી પડ્યો છે.+

 ૪ તારી આંખો ઘેરાવા દેતો નહિ,

તારાં પોપચાં ઢળી પડવા દેતો નહિ.

 ૫ જેમ હરણ* પોતાને શિકારીના હાથમાંથી છોડાવે છે

અને પક્ષી પોતાને પારધીના હાથમાંથી છોડાવે છે, તેમ તું પોતાને છોડાવજે.

 ૬ હે આળસુ માણસ,+ તું કીડી પાસે જા.

તેનાં કામો પર ધ્યાન આપ અને બુદ્ધિમાન બન.

 ૭ તેનો કોઈ સેનાપતિ નથી, કોઈ અધિકારી કે શાસક નથી,

 ૮ છતાં તે ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે+

અને કાપણીની મોસમમાં અન્‍ન ભેગું કરે છે.

 ૯ હે આળસુ માણસ, તું ક્યાં સુધી પડ્યો રહીશ?

તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?

૧૦ જા, હજી થોડું સૂઈ જા, એકાદ ઝોકું મારી લે,

ટૂંટિયું વાળીને થોડો આરામ કરી લે!+

૧૧ એવું કરીશ તો લુટારાની જેમ અચાનક ગરીબી આવી પડશે,

હથિયાર લઈને આવેલા ચોરની જેમ તંગી તારા પર હુમલો કરશે.+

૧૨ નકામો અને દુષ્ટ માણસ જૂઠી વાતો ફેલાવે છે.+

૧૩ તે આંખ મારે છે,+ પગથી સંકેત આપે છે અને આંગળીઓથી ઇશારા કરે છે.

૧૪ તેનું દિલ કપટથી ભરેલું છે,

તે હંમેશાં કાવતરાં ઘડે છે+ અને ઝઘડાનાં બી રોપે છે.+

૧૫ એટલે તેના પર અચાનક આફત આવી પડશે,

પળભરમાં તેનો એવો નાશ થશે કે તેના બચવાની કોઈ આશા નહિ રહે.+

૧૬ યહોવા છ બાબતોને નફરત કરે છે,

હા, તે સાત બાબતોને ધિક્કારે છે:

૧૭ ઘમંડી આંખો,+ જૂઠું બોલતી જીભ,+ નિર્દોષનું ખૂન કરતા હાથ,+

૧૮ કાવતરાં ઘડતું હૃદય,+ દુષ્ટ કામ કરવા દોડી જતા પગ,

૧૯ વાતે વાતે જૂઠું બોલતો સાક્ષી+

અને ભાઈઓમાં ભાગલા પડાવતો માણસ.+

૨૦ મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓ પાળ

અને તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ.+

૨૧ એને તારા દિલ પર છાપી દે

અને તારા ગળે બાંધી રાખ.

૨૨ તું ચાલીશ ત્યારે એ તને માર્ગ બતાવશે,

તું સૂઈ જઈશ ત્યારે એ તારી રક્ષા કરશે,

તું જાગીશ ત્યારે એ તારી સાથે વાત કરશે.*

૨૩ કેમ કે આજ્ઞા દીવા જેવી છે,+

નિયમ પ્રકાશ જેવો છે,+

ઠપકો અને શિસ્ત* જીવનના માર્ગ જેવાં છે.+

૨૪ ખરાબ સ્ત્રીથી એ તારું રક્ષણ કરશે+

અને વ્યભિચારી* સ્ત્રીની મોહક વાતોથી તને બચાવશે.+

૨૫ એ સ્ત્રીની સુંદરતા જોઈને તારા દિલમાં લાલસા ન જગાડતો,+

તેની મોહક આંખો પર ફિદા ન થઈ જતો.

૨૬ વેશ્યા પાછળ જતો માણસ રોટલીના એક ટુકડા માટે તલપે છે,+

પણ બીજાની પત્ની પાછળ જતો માણસ પોતાનું કીમતી જીવન ગુમાવે છે.

૨૭ જો કોઈ માણસ પોતાના ખોળામાં* અગ્‍નિ મૂકે, તો શું તેનાં કપડાં બળ્યાં વગર રહે?+

૨૮ જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?

૨૯ જે માણસ બીજાની પત્ની પાસે જાય છે, તેને અડકે છે,

તેના એવા જ હાલ થશે, તેને સજા થયા વગર રહેશે નહિ.+

૩૦ જો ચોર ભૂખ્યો હોય અને પોતાનું પેટ ભરવા ચોરી કરે,

તો લોકો તેને ધિક્કારતા નથી.

૩૧ પણ જો તે ચોરી કરતા પકડાય, તો તેણે સાત ગણું પાછું આપવું પડે છે,

તેણે પોતાના ઘરની બધી કીમતી વસ્તુઓ આપવી પડે છે.+

૩૨ સ્ત્રી સાથે વ્યભિચાર* કરનાર અક્કલ વગરનો છે,

તે પોતાના પર આફત નોતરે છે.+

૩૩ તેને દર્દ* અને અપમાન જ મળશે,+

તેની નામોશી કદી દૂર થશે નહિ.+

૩૪ ઈર્ષાને લીધે પતિનો ગુસ્સો ભડકી ઊઠે છે,

તે વેર વાળશે ત્યારે જરાય દયા બતાવશે નહિ.+

૩૫ ભલે તેને મોટી કિંમત* ચૂકવો કે મોંઘી મોંઘી ભેટ આપો,

તે એને સ્વીકારશે નહિ, તેનો ગુસ્સો શાંત પડશે નહિ.

૭ મારા દીકરા, મારું કહેવું માન

અને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખ.+

 ૨ મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે,+

મારી શીખવેલી વાતોને આંખની કીકીની જેમ સાચવી રાખ.

 ૩ એને તારી આંગળીઓ પર બાંધી દે

અને તારા દિલ પર લખી લે.+

 ૪ બુદ્ધિને કહે, “તું મારી બહેન છે,”

સમજણને કહે, “તું મારી સગી છે,”

 ૫ જેથી પાપી* સ્ત્રીથી તારું રક્ષણ થાય,+

વ્યભિચારી* સ્ત્રી અને તેની મીઠી મીઠી* વાતોથી તું બચી જાય.+

 ૬ મારા ઘરની બારીમાંથી,

મારા ઘરના ઝરૂખામાંથી મેં નીચે જોયું.

 ૭ ત્યારે મારું ધ્યાન અમુક ભોળા* લોકો પર ગયું.

મારી નજર એક યુવાન પર પડી.

તેનામાં જરાય અક્કલ ન હતી.+

 ૮ તે એક રસ્તા પર થઈને જતો હતો,

જેના નાકે એક સ્ત્રી રહેતી હતી.

એ સ્ત્રીના ઘર તરફ તે આગળ વધ્યો.

 ૯ સાંજનો સમય હતો, દિવસ આથમી રહ્યો હતો,+

અંધારું ઘેરાવા લાગ્યું હતું, રાત પડવાની તૈયારી હતી.

૧૦ પછી મેં જોયું તો એ સ્ત્રી પેલા યુવાનને મળવા આવી,

તેણે વેશ્યા જેવાં* કપડાં પહેર્યાં હતાં,+ તેનું દિલ કપટથી ભરેલું હતું.

૧૧ તે બોલકણી, બેશરમ અને નફ્ફટ હતી.+

તેના પગ બે ઘડી પણ ઘરમાં ટકતા ન હતા.

૧૨ ક્યારેક તે બહાર હોય, તો ક્યારેક ચોકમાં.

શિકારની શોધમાં તે ખૂણે ખૂણે ભટકતી.+

૧૩ તેણે પેલા યુવાનને પકડ્યો અને તેને ચુંબન કર્યું.

તે સ્ત્રીએ બેશરમ બનીને કહ્યું:

૧૪ “મારે શાંતિ-અર્પણો* ચઢાવવાનાં હતાં.+

આજે મેં મારી માનતા પૂરી કરી.

૧૫ એટલે હું તને મળવા આવી.

હું તને જ શોધતી હતી અને તું મળી ગયો!

૧૬ મેં મારા પલંગ પર સુંદર ચાદર બિછાવી છે,

ઇજિપ્તથી* મંગાવેલી શણની રંગીન ચાદર પાથરી છે.+

૧૭ મેં બોળ,* અગર* અને તજમાંથી બનાવેલાં અત્તર છાંટીને મારા પલંગને ખુશબોદાર કર્યો છે.+

૧૮ ચાલ, સવાર સુધી પ્રેમના પ્યાલામાંથી પીતાં રહીએ,

એકબીજાના પ્રેમમાં ડૂબી જઈએ.

૧૯ મારો પતિ ઘરે નથી,

તે લાંબી મુસાફરીએ ગયો છે.

૨૦ તે પૈસાની થેલી લઈને ગયો છે,

છેક પૂનમ સુધી પાછો આવવાનો નથી.”

૨૧ એ સ્ત્રીએ મોહક વાતોથી પેલા યુવાનને ફસાવ્યો,+

મીઠી મીઠી વાતોથી તેને લલચાવ્યો.

૨૨ કતલખાનામાં જતા બળદની* જેમ,

અને હેડની* સજા ભોગવવા જતા મૂર્ખની જેમ

એ યુવાન તરત પેલી સ્ત્રી પાછળ ગયો.+

૨૩ આખરે એ યુવાનનું કાળજું તીરથી વીંધાશે.

ફાંદામાં ફસાતા પક્ષીની જેમ તે પોતાનો જીવ ગુમાવશે અને તેને એની ખબર પણ નહિ પડે.+

૨૪ મારા દીકરા,* મારું સાંભળ,

મારી વાત પર ધ્યાન આપ.

૨૫ તારા દિલને એ સ્ત્રીના રસ્તે ભટકવા દેતો નહિ,

ફંટાઈને તું તેના માર્ગે જતો નહિ.+

૨૬ તેણે ઘણાને મોતના મોંમાં ધકેલ્યા છે.+

તેના લીધે ઘણા લોકો માર્યા ગયા છે.+

૨૭ તેનું ઘર કબરમાં* લઈ જાય છે,

છેક મોતના ઓરડા* સુધી પહોંચાડે છે.

૮ બુદ્ધિ* પોકાર કરે છે

અને સમજશક્તિ મોટા સાદે બોલાવે છે.+

 ૨ રસ્તાની કોરે ઊંચી ટેકરીઓ પર+

અને ચાર રસ્તા પર એ ઊભી છે.

 ૩ શહેરના પ્રવેશદ્વાર પાસે,

દરવાજે ઊભી રહીને એ મોટેથી બૂમ પાડે છે:+

 ૪ “હે લોકો, સાંભળો, હું તમને બોલાવું છું,

હું તમને બધાને* કંઈક કહું છું.

 ૫ હે ભોળા* માણસો, તમે સમજદારીથી કામ કરવાનું શીખો,*+

હે મૂર્ખ માણસો, તમે સમજણ* મેળવો.

 ૬ મારું સાંભળો, કેમ કે હું મહત્ત્વની વાત કહું છું,

મારા હોઠ સાચી વાત બોલે છે.

 ૭ હું ધીમે ધીમે સત્યની વાત કહું છું,

મારા હોઠ ખરાબ વાતો ધિક્કારે છે.

 ૮ મારા મુખમાંથી નીકળતી બધી વાતો સાચી છે,

એકેય વાત જૂઠી કે કપટી નથી.

 ૯ સમજુ લોકો માટે એ વાતો સ્પષ્ટ છે,

જેઓને જ્ઞાન મળ્યું છે, તેઓ માટે એ વાતો સાચી છે.

૧૦ ચાંદીને બદલે મારી શિસ્ત* સ્વીકારો,

ઉત્તમ સોનાને બદલે મારું જ્ઞાન સ્વીકારો,+

૧૧ કેમ કે કીમતી પથ્થરો* કરતાં બુદ્ધિ વધારે સારી,

મૂલ્યવાન વસ્તુઓ પણ એની તોલે ન આવી શકે.

૧૨ હું બુદ્ધિ છું અને સમજણ* મારી જોડે રહે છે,

મને જ્ઞાન મળ્યું છે, વિવેકબુદ્ધિ* મળી છે.+

૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+

હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+

૧૪ મારી પાસે સારી સલાહ અને ડહાપણ* છે,+

મારી પાસે સમજણ+ અને તાકાત છે.+

૧૫ મારી મદદથી રાજાઓ રાજ કરે છે

અને મોટા મોટા પ્રધાનો યોગ્ય કાયદા ઘડે છે.+

૧૬ મારી મદદથી અધિકારીઓ અધિકાર ચલાવે છે

અને આગેવાનો અદ્દલ ઇન્સાફ કરે છે.

૧૭ જેઓ મને પ્રેમ કરે છે, તેઓને હું પ્રેમ કરું છું,

જેઓ મને શોધે છે, તેઓને હું મળું છું.+

૧૮ મારી પાસે સંપત્તિ અને મહિમા છે,

મારી પાસે નેકી અને અવિનાશી ધન* છે.

૧૯ મારી ભેટ સોના કરતાં, હા, ચોખ્ખા સોના કરતાં વધારે સારી છે,

મારી બક્ષિસ ઉત્તમ ચાંદી કરતાં વધારે સારી છે.+

૨૦ હું સાચા માર્ગમાં ચાલું છું,

હું ન્યાયના માર્ગમાં વચ્ચોવચ ચાલું છું.

૨૧ મને પ્રેમ કરનારાઓને હું કીમતી વારસો આપું છું

અને તેઓના ભંડારો ભરી દઉં છું.

૨૨ ઘણા સમય પહેલાં યહોવાએ મારું સર્જન કર્યું,+

તેમણે સૃષ્ટિમાં સૌથી પહેલા મને બનાવી,

હું તેમના હાથની સૌથી પહેલી કારીગરી છું.+

૨૩ યુગોના યુગો પહેલાં,* પૃથ્વીની રચના થઈ એ પહેલાં,+

શરૂઆતથી મને ઊંચા સ્થાને મૂકવામાં આવી.+

૨૪ મારો જન્મ થયો* ત્યારે ઊંડા સમુદ્રો ન હતા,+

પાણીથી ઊભરાતા ઝરા ન હતા.

૨૫ પર્વતોને એની જગ્યાએ મૂકવામાં આવ્યા એ પહેલાં,

ટેકરીઓને સ્થિર કરવામાં આવી એ પહેલાં મારો જન્મ થયો હતો.

૨૬ એ સમયે તેમણે પૃથ્વી અને મેદાનો બનાવ્યાં ન હતાં,

અરે, માટીનું ઢેફું પણ બનાવ્યું ન હતું!

૨૭ તેમણે આકાશો બનાવ્યાં+ ત્યારે હું ત્યાં હતી.

જ્યારે તેમણે પાણીની સપાટી પર ક્ષિતિજ બનાવી,*+

૨૮ જ્યારે તેમણે ઉપર વાદળો મૂક્યાં*

અને ઊંડા પાણીનાં ઝરણાં બનાવ્યાં,

૨૯ જ્યારે તેમણે સમુદ્ર માટે નિયમ ઠરાવ્યો,

જેથી એનાં મોજાં હદ* ઓળંગે નહિ,+

જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા,

૩૦ ત્યારે હું કુશળ કારીગર તરીકે તેમની સાથે હતી.+

મારા લીધે તેમને રોજ અપાર ખુશી મળતી,+

આખો વખત હું તેમની આગળ આનંદ કરતી.+

૩૧ જ્યારે તેમણે માણસો માટે પૃથ્વી બનાવી, ત્યારે હું ખૂબ ખુશ થઈ,

મનુષ્યોને* હું ખૂબ ચાહતી હતી.

૩૨ મારા દીકરાઓ, મારું સાંભળો,

કેમ કે મારા માર્ગો પર ચાલનાર લોકો સુખી છે.

૩૩ મારી શિસ્ત* સ્વીકારો+ અને બુદ્ધિમાન બનો,

એનો કદી ત્યાગ કરશો નહિ.

૩૪ સુખી છે એ માણસ, જે મારું સાંભળે છે,

જે રોજ મારા દરવાજે આવીને વહેલી સવારે ઊભો રહે છે

અને મારા ઘરના બારણે મારી રાહ જુએ છે.

૩૫ કેમ કે જેને હું મળું છું, તેને જીવન મળે છે,+

તેને યહોવાની કૃપા મળે છે.

૩૬ પણ જે મારો નકાર કરે છે, તે પોતાનું જ નુકસાન કરે છે.

જે મને નફરત કરે છે, તે મોતને ચાહે છે.”+

૯ સાચી બુદ્ધિએ* પોતાનું ઘર બાંધ્યું છે,

તેણે પોતાના માટે સાત સ્તંભ ઊભા કર્યા* છે.

 ૨ તેણે માંસ કાપીને તૈયાર રાખ્યું છે,*

તેણે સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ બનાવ્યો છે,

તેણે મેજ સજાવીને રાખી છે.

 ૩ તેણે પોતાની દાસીઓને મોકલી છે,

જેથી તેઓ શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે:+

 ૪ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”

તે અક્કલ વગરના લોકોને કહે છે:

 ૫ “આવો, મેં બનાવેલી રોટલી ખાઓ,

મેં બનાવેલો સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ પીઓ.

 ૬ સમજુ બનો અને જીવતા રહો,+

સમજણના માર્ગે આગળ વધતા રહો.”+

 ૭ જે મશ્કરી કરનારને સુધારે છે, તેની ફજેતી થાય છે,+

જે દુષ્ટને ઠપકો આપે છે, તેનું પોતાનું જ નુકસાન થાય છે.

 ૮ મશ્કરી કરનારને ઠપકો આપીશ નહિ, નહિતર તે તને નફરત કરશે.+

બુદ્ધિમાનને ઠપકો આપ અને તે તને પ્રેમ કરશે.+

 ૯ બુદ્ધિમાનને સલાહ આપ અને તે વધારે બુદ્ધિમાન બનશે.+

નેક માણસને શીખવ અને તે શીખીને વધારે જ્ઞાની બનશે.

૧૦ યહોવાનો ડર* બુદ્ધિની* શરૂઆત છે,+

પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું+ એ સમજણ છે.

૧૧ બુદ્ધિથી તારું આયુષ્ય લાંબું થશે+

અને તારા જીવનનાં વર્ષો વધશે.

૧૨ જો તું બુદ્ધિમાન બનીશ, તો તારું ભલું થશે,

પણ જો તું મશ્કરી કરીશ, તો તારે જ એનું ફળ ભોગવવું પડશે.

૧૩ મૂર્ખ સ્ત્રી બોલકણી અને બેશરમ છે.+

તે અજ્ઞાન છે, તે કશું જાણતી નથી.

૧૪ શહેરની ઊંચી જગ્યાએ, પોતાના ઘરના ઉંબરા પર

તે આસન મૂકીને બેસે છે.+

૧૫ તે આવતાં-જતાં લોકોને બોલાવે છે

અને પોતાના માર્ગે સીધા ચાલ્યા જતા લોકોને કહે છે:

૧૬ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”

તે અક્કલ વગરના લોકોને કહે છે:+

૧૭ “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે,

સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”+

૧૮ તેઓ જાણતા નથી કે એ સ્ત્રીનું ઘર મડદાઓનું ઘર છે

અને તેના મહેમાનો કબરના* ઊંડાણમાં પડ્યા છે.+

૧૦ સુલેમાનનાં નીતિવચનો:*+

બુદ્ધિશાળી દીકરો પોતાના પિતાને આનંદ આપે છે,+

પણ મૂર્ખ દીકરો પોતાની માતાને દુઃખી કરે છે.

 ૨ દુષ્ટ કામોથી ભેગો કરેલો ખજાનો કંઈ કામનો નથી,

પણ નેક કામો મોતના મોંમાંથી બચાવે છે.+

 ૩ યહોવા નેક* માણસને કદી ભૂખે મરવા નહિ દે,+

પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.

 ૪ આળસુ હાથ માણસને ગરીબ બનાવે છે,+

પણ મહેનતુ હાથ તેને અમીર બનાવે છે.+

 ૫ ઉનાળામાં ફસલ ભેગી કરનાર દીકરો સમજુ છે,

પણ કાપણીના સમયમાં ઊંઘી રહેનાર દીકરો શરમમાં મુકાય છે.+

 ૬ નેકના માથે આશીર્વાદ વરસે છે,+

પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.

 ૭ સારા* માણસને યાદ કરીને* આશીર્વાદ આપવામાં આવે છે,+

પણ દુષ્ટનું નામ ભૂંસાઈ જાય છે.*+

 ૮ શાણો માણસ સલાહ* સ્વીકારશે,+

પણ મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થશે.+

 ૯ ઈમાનદારીથી ચાલતો માણસ સલામત રહેશે,+

પણ બેઈમાની કરનાર પકડાઈ જશે.+

૧૦ દગો કરવા આંખ મારનાર દુઃખ લાવે છે+

અને મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થાય છે.+

૧૧ નેક માણસની વાતો જીવનનો ઝરો છે,+

પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.+

૧૨ નફરતથી ઝઘડા ઊભા થાય છે,

પણ પ્રેમ બધા અપરાધો ઢાંકી દે છે.+

૧૩ સમજુ માણસના હોઠે બુદ્ધિની વાતો નીકળે છે,+

પણ અણસમજુની પીઠ પર સોટી પડે છે.+

૧૪ બુદ્ધિશાળી લોકો જ્ઞાનનો સંગ્રહ કરે છે,+

પણ દુષ્ટનું મોં આફત નોતરે છે.+

૧૫ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,

પણ ગરીબની ગરીબાઈ તેને બરબાદ કરી દે છે.+

૧૬ નેકનાં કામો જીવન તરફ લઈ જાય છે,

પણ દુષ્ટનાં કામો પાપ તરફ લઈ જાય છે.+

૧૭ શિસ્ત* સ્વીકારનાર બીજાઓને જીવનના માર્ગે દોરે છે,*

પણ ઠપકો ન સ્વીકારનાર બીજાઓને ગેરમાર્ગે દોરે છે.

૧૮ નફરત ભરી રાખનાર જૂઠું બોલે છે+

અને બીજાઓની નિંદા કરનાર* મૂર્ખ છે.

૧૯ ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે,+

પણ જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.+

૨૦ નેકની વાતો ઉત્તમ ચાંદી જેવી છે,+

પણ દુષ્ટના વિચારોની* કોઈ કિંમત નથી.

૨૧ નેક માણસની વાતો ઘણાનું પોષણ કરે છે,*+

પણ મૂર્ખ માણસ અબુધ હોવાથી માર્યો જાય છે.+

૨૨ યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન* બનાવે છે+

અને એની સાથે તે કોઈ દુઃખ* આપતા નથી.

૨૩ મૂર્ખ માટે શરમજનક કામો રમત જેવાં છે,

પણ સમજુ માણસ બુદ્ધિ શોધે છે.+

૨૪ દુષ્ટને જેનો ડર હોય છે, એ જ તેના માથે આવી પડશે,

પણ નેકની ઇચ્છાઓ પૂરી કરવામાં આવશે.+

૨૫ વાવાઝોડું આવશે ત્યારે દુષ્ટનો સફાયો થઈ જશે,+

પણ નેક માણસ મજબૂત પાયાની જેમ કાયમ ટકી રહેશે.+

૨૬ જેમ સરકો* દાંતને અને ધુમાડો આંખને હેરાન કરે છે,

તેમ આળસુ માણસ પોતાના માલિકને* હેરાન કરે છે.

૨૭ યહોવાનો ડર આયુષ્ય વધારે છે,+

પણ મૂર્ખનાં વર્ષો ઓછાં કરવામાં આવશે.+

૨૮ નેક માણસની આશા* ખુશી લાવે છે,+

પણ મૂર્ખની આશા મરી પરવારશે.+

૨૯ સાચા* માણસ માટે યહોવાનો માર્ગ મજબૂત કિલ્લો છે,+

પણ દુષ્ટ માટે એ વિનાશ છે.+

૩૦ નેક માણસ કાયમ ટકી રહેશે,*+

પણ દુષ્ટ માણસ પૃથ્વી પર કાયમ ટકશે નહિ.+

૩૧ નેક માણસના મુખે બુદ્ધિની વાતો નીકળે છે,

પણ કપટી જીભને કાપી નાખવામાં આવશે.

૩૨ નેક માણસના હોઠો ખુશી આપવાનું જાણે છે,

પણ દુષ્ટના મોઢે કપટી વાતો નીકળે છે.

૧૧ ખોટાં* ત્રાજવાંને યહોવા ધિક્કારે છે,

પણ સાચાં વજનિયાંથી* તે ખુશ થાય છે.+

 ૨ અહંકારની પાછળ પાછળ અપમાન પણ આવે છે,+

પણ મર્યાદામાં રહેતા* લોકો પાસે ડહાપણ હોય છે.+

 ૩ સીધા લોકોની ઈમાનદારી તેઓને રસ્તો બતાવે છે,+

પણ કપટી લોકોની બેઈમાની તેઓનો નાશ કરે છે.+

 ૪ કોપના દિવસે માલ-મિલકત કંઈ કામ નહિ આવે,+

પણ માણસની નેકી* તેને મોતથી બચાવશે.+

 ૫ પ્રમાણિક* માણસની સચ્ચાઈ તેનો માર્ગ સીધો કરે છે,

પણ દુષ્ટ પોતાનાં દુષ્ટ કામોને લીધે પડી જશે.+

 ૬ સારા લોકોની નેકી તેઓને બચાવશે,+

પણ કપટી લોકોની લાલસા તેઓ માટે ફાંદો બની જશે.+

 ૭ કોઈ દુષ્ટ મરે ત્યારે તેની આશાનો અંત આવે છે,

તેની તાકાતનો પણ અંત આવે છે, જેના પર તેનો ભરોસો છે.+

 ૮ નેક માણસને મુસીબતમાંથી બચાવવામાં આવે છે

અને દુષ્ટ એ જ મુસીબતમાં ફસાય છે.+

 ૯ ઈશ્વરની નિંદા કરનાર* માણસ પોતાની વાતોથી પડોશીને બરબાદ કરે છે,

પણ નેક માણસ જ્ઞાનને લીધે બચી જાય છે.+

૧૦ નેક માણસની ભલાઈથી શહેર આનંદ-ઉલ્લાસ કરે છે

અને દુષ્ટનો અંત આવે ત્યારે હર્ષનો પોકાર થાય છે.+

૧૧ નેક માણસના આશીર્વાદથી શહેર આબાદ થાય છે,+

પણ દુષ્ટની વાતોથી એ બરબાદ થાય છે.+

૧૨ અણસમજુ માણસ પોતાના પડોશીને નીચો દેખાડે છે,

પણ સમજુ* માણસ ચૂપ રહે છે.+

૧૩ નિંદાખોર માણસ ખાનગી વાતો કહેતો ફરે છે,+

પણ વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.

૧૪ ખરું માર્ગદર્શન* ન હોય તો લોકોએ ઘણું ભોગવવું પડે છે,

પણ ઘણા સલાહકાર હોય તો સફળતા* મળે છે.+

૧૫ પારકાનો જામીન થનાર* મુસીબતમાં આવી પડે છે,+

પણ કરાર કરવા હાથ મિલાવતો નથી તે નિશ્ચિંત રહે છે.

૧૬ સંસ્કારી* સ્ત્રી પ્રશંસા મેળવે છે,+

પણ જુલમી માણસ ધનદોલત લૂંટે છે.

૧૭ દયાળુ* માણસ પોતાનું ભલું કરે છે,+

પણ ક્રૂર માણસ પોતાના પર આફત* નોતરે છે.+

૧૮ દુષ્ટની કમાણી નકામી છે,+

પણ નેકીનું બીજ વાવનાર ખરું ઇનામ મેળવે છે.+

૧૯ સાચા માર્ગને વળગી રહેનારને જીવન મળશે,+

પણ દુષ્ટતા પાછળ ભાગનારને મોત મળશે.

૨૦ જેનું દિલ ભ્રષ્ટ છે, તેને યહોવા ધિક્કારે છે,+

પણ જે સાચા માર્ગે ચાલે છે, તેનાથી તે ખુશ થાય છે.+

૨૧ ખાતરી રાખજે, દુષ્ટ માણસ સજાથી નહિ બચે+

અને નેક માણસનાં બાળકોને સજાની જરૂર નહિ પડે.

૨૨ સુંદર પણ અક્કલ વગરની સ્ત્રી,

ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે.

૨૩ નેક માણસને પોતાની ઇચ્છાનું સારું પરિણામ મળે છે,+

પણ દુષ્ટની અપેક્ષા ઈશ્વરનો ક્રોધ ભડકાવે છે.

૨૪ જે માણસ ઉદારતાથી આપે છે,* તેને ઘણું મળે છે,+

પણ જે માણસ આપવું જોઈએ એટલુંય આપતો નથી, તે કંગાળ થાય છે.+

૨૫ ઉદાર માણસ સમૃદ્ધ* થશે+

અને બીજાને તાજગી આપનાર* પોતે પણ તાજગી મેળવશે.+

૨૬ અનાજ સંઘરી રાખનારને લોકો શ્રાપ આપશે,

પણ અનાજ વેચનારને લોકો આશીર્વાદ આપશે.

૨૭ જે માણસ ભલું કરવા તત્પર રહે છે, તે કૃપા મેળવશે,+

પણ જે ભૂંડું કરવા લાગ શોધે છે, તેના જ માથે ભૂંડાઈ આવી પડશે.+

૨૮ પોતાની ધનદોલત પર ભરોસો રાખનાર પડી જશે,+

પણ નેક માણસ લીલાછમ ઝાડની જેમ ખીલી ઊઠશે.+

૨૯ પોતાના કુટુંબ પર આફત* લાવનાર માણસને હાથ કંઈ નહિ લાગે*+

અને મૂર્ખ માણસ બુદ્ધિમાનનો ચાકર બનશે.

૩૦ નેક માણસના કામનું ફળ જીવનનું ઝાડ છે+

અને જે બીજાનું જીવન* જીતી લે છે, તે બુદ્ધિમાન છે.+

૩૧ જો નેક માણસને આ પૃથ્વી પર પોતાનાં કામનો બદલો મળતો હોય,

તો દુષ્ટ અને પાપી કઈ રીતે છટકી શકે?+

૧૨ જે શિસ્તને ચાહે છે, તે જ્ઞાનને ચાહે છે,+

પણ જે ઠપકાને ધિક્કારે છે, તે મૂર્ખ છે.*+

 ૨ સારો માણસ યહોવાની કૃપા મેળવે છે,

પણ કાવતરાં ઘડનારને ઈશ્વર ધિક્કારે છે.+

 ૩ દુષ્ટતા કરીને કોઈ માણસ સલામત રહી શકતો નથી,+

પણ નેક માણસને કદી ઉખેડી નાખવામાં નહિ આવે.

 ૪ સારી* પત્ની પતિના માથાનો મુગટ છે,+

પણ પતિને શરમમાં મૂકતી પત્ની તેનાં હાડકાં સડાવી દે છે.+

 ૫ સજ્જનના વિચારો સાચા છે,

પણ દુર્જનની સલાહ કપટથી ભરેલી છે.

 ૬ દુષ્ટની વાતો જીવલેણ ફાંદા જેવી છે,*+

પણ નેક માણસના શબ્દો બચાવી લે છે.+

 ૭ દુષ્ટોનો નાશ થાય ત્યારે તેઓનું નામનિશાન ભૂંસાઈ જાય છે,

પણ નેક માણસનું ઘર કાયમ ટકે છે.+

 ૮ સમજી-વિચારીને બોલનારની પ્રશંસા થાય છે,+

પણ કપટી દિલના માણસનો તિરસ્કાર થાય છે.+

 ૯ જેને ખાવાના ઠેકાણા નથી, છતાં બડાઈ મારે છે

એના કરતાં તો સામાન્ય માણસ સારો, જેની પાસે એકાદ નોકર છે.+

૧૦ ભલો માણસ પોતાનાં જાનવરોની સંભાળ રાખે છે,+

જ્યારે કે દુષ્ટની તો દયા પણ ક્રૂર હોય છે.

૧૧ પોતાની જમીન ખેડનાર પેટ ભરીને ખાશે,+

પણ નકામી વસ્તુઓ પાછળ દોડનાર મૂર્ખ છે.

૧૨ દુષ્ટ માણસ તો ખરાબ લોકોએ પકડેલા શિકારની ઈર્ષા કરે છે,

પણ નેક માણસનાં મૂળ ઊંડાં હોવાથી સારાં ફળ આપે છે.

૧૩ નીચ માણસ પોતાની જ પાપી વાતોમાં ફસાઈ જાય છે,+

પણ સારો માણસ મુશ્કેલીમાંથી બચી જાય છે.

૧૪ માણસના શબ્દો તેનું ભલું કરશે+

અને તેના હાથનાં કામોનું તેને ઇનામ મળશે.

૧૫ મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે,+

પણ બુદ્ધિમાન માણસ સલાહ સ્વીકારે છે.+

૧૬ મૂર્ખ તરત ગુસ્સે થઈ જાય છે,+

પણ સમજુ માણસ અપમાન ગળી જાય છે.

૧૭ વિશ્વાસુ સાક્ષી સાચું બોલે છે,

પણ જૂઠો સાક્ષી કપટથી બોલે છે.

૧૮ વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે,

પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.+

૧૯ સાચું બોલતા હોઠ કાયમ ટકશે,+

પણ જૂઠું બોલતી જીભ બહુ નહિ ટકે.+

૨૦ કાવતરું ઘડનારના દિલમાં કપટ હોય છે,

પણ શાંતિ ફેલાવનાર* ખુશ રહે છે.+

૨૧ સજ્જનને કદી આંચ આવતી નથી,+

પણ દુર્જનનું જીવન સંકટથી ભરાયેલું રહે છે.+

૨૨ જૂઠા હોઠોને યહોવા ધિક્કારે છે,+

પણ વફાદાર લોકોથી તે ખુશ થાય છે.

૨૩ શાણો માણસ માહિતી છૂપી રાખે છે,

પણ મૂર્ખ છાપરે ચઢીને પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.+

૨૪ મહેનતુ માણસ રાજ કરશે,+

પણ આળસુ માણસે કાળી મજૂરી કરવી પડશે.+

૨૫ માણસના મનની ચિંતા તેને નિરાશ કરી દે છે,*+

પણ ઉત્તેજન આપતા શબ્દોથી તેનું દિલ ખુશ થાય છે.+

૨૬ નેક માણસ પોતાના માટે ઉત્તમ ગૌચર* શોધે છે,

પણ દુષ્ટો પોતાના માર્ગે ચાલ્યા જાય છે અને ભટકી જાય છે.

૨૭ આળસુ માણસ પોતાના શિકાર પાછળ પડતો નથી,+

પણ મહેનત તો માણસનો કીમતી ખજાનો છે.

૨૮ સત્યનો માર્ગ જીવન તરફ લઈ જાય છે,+

એ માર્ગમાં મરણ નથી.

૧૩ ડાહ્યો દીકરો પોતાના પિતાની શિસ્ત* સ્વીકારે છે,+

પણ નફ્ફટ દીકરો ઠપકાને* ગણકારતો નથી.+

 ૨ માણસ પોતાના શબ્દોને લીધે સારી વસ્તુઓનો આનંદ માણશે,+

પણ દગાખોર તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

 ૩ જીભ પર લગામ રાખનાર પોતાના જીવનું રક્ષણ કરે છે,+

પણ જે પોતાનું મોઢું બંધ કરતો નથી, તે બરબાદ થાય છે.+

 ૪ ભલે આળસુ માણસ ઘણી ઇચ્છા રાખે, તે કશું મેળવતો નથી,+

પણ મહેનતુ માણસની ઇચ્છાઓ પૂરી થાય છે.*+

 ૫ નેક માણસ જૂઠને ધિક્કારે છે,+

પણ દુષ્ટનાં કામો શરમ અને અપમાન લાવે છે.

 ૬ નેકી પ્રમાણિક માણસનું રક્ષણ કરે છે,+

પણ દુષ્ટતા પાપીને ખાડામાં નાખે છે.

 ૭ કોઈ માણસ અમીર હોવાનો દેખાડો કરે છે, પણ તે કંગાળ હોય છે,+

કોઈ ગરીબ હોવાનો દેખાડો કરે છે, પણ તે માલદાર હોય છે.

 ૮ ધનવાન માણસે પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે,+

પણ ગરીબ માણસે એવી કોઈ ધમકી સાંભળવી પડતી નથી.+

 ૯ નેક માણસનો પ્રકાશ ઝળહળે છે,*+

પણ દુષ્ટનો દીવો હોલવાઈ જશે.+

૧૦ અભિમાનથી ઝઘડા ઊભા થાય છે,+

પણ બીજાની સલાહ લેનાર* પાસે બુદ્ધિ હોય છે.+

૧૧ રાતોરાત* મેળવેલી દોલત ઘટી જશે,+

પણ ધીરે ધીરે ભેગી કરેલી દોલત વધતી ને વધતી જશે.

૧૨ આશા* પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે,+

પણ ઇચ્છા પૂરી થવી એ તો જીવનનું ઝાડ છે.+

૧૩ જે સલાહને* ગણકારતો નથી, તેણે દંડ ભરવો પડશે,+

પણ જે આજ્ઞાને માન આપે છે, તેને ઇનામ મળશે.+

૧૪ બુદ્ધિમાને શીખવેલી વાતો જીવનનો ઝરો છે,+

જે માણસને મોતના ફાંદાથી બચાવે છે.

૧૫ જેની પાસે ઊંડી સમજણ છે, તે કૃપા મેળવે છે,

પણ કપટી લોકોનો જીવનમાર્ગ મુસીબતોથી ભરેલો છે.

૧૬ ચતુરનાં કામોમાં જ્ઞાન દેખાઈ આવે છે,+

પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ બતાવી આપે છે.+

૧૭ દુષ્ટ સંદેશવાહક મુસીબતમાં આવી પડે છે,+

પણ વિશ્વાસુ સંદેશવાહક તાજગી લાવે છે.+

૧૮ શિસ્ત ન માનનાર પર ગરીબી અને ફજેતી આવે છે,

પણ ઠપકો સ્વીકારનારને માન-મહિમા મળે છે.+

૧૯ ઇચ્છા પૂરી થાય ત્યારે દિલ ખુશ થઈ જાય છે,+

પણ મૂર્ખને દુષ્ટતા છોડવી જરાય ગમતું નથી.+

૨૦ બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે,+

પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.+

૨૧ આફત પાપી માણસનો પીછો કરે છે,+

પણ સમૃદ્ધિ નેક માણસને ઇનામ આપે છે.+

૨૨ ભલો માણસ પોતાનાં પૌત્ર-પૌત્રીઓ માટે વારસો મૂકી જાય છે,

પણ પાપીની મિલકત નેક* લોકો માટે સંઘરી રાખવામાં આવે છે.+

૨૩ ગરીબ માણસના ખેતરમાં ઘણું અનાજ પાકે છે,

પણ અન્યાયને લીધે એ* બરબાદ થઈ જાય છે.

૨૪ જે પોતાના દીકરાને શિક્ષા કરતો નથી,* તે તેને ધિક્કારે છે,+

પણ જે પોતાના દીકરાને પ્રેમ કરે છે, તે તેને શિક્ષા* કરવાથી અચકાતો નથી.*+

૨૫ સારો માણસ પેટ ભરીને ખાય છે,+

પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું જ રહે છે.+

૧૪ સમજદાર સ્ત્રી પોતાનું ઘર બાંધે છે,+

પણ મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથે એ તોડી પાડે છે.

 ૨ સત્યના રસ્તે ચાલનાર માણસ યહોવાનો ડર રાખે છે,

પણ અવળે રસ્તે ચાલનાર માણસ ઈશ્વરને ધિક્કારે છે.

 ૩ મૂર્ખની ઘમંડી વાતો સોટીના માર જેવી છે,

પણ બુદ્ધિમાનના હોઠો તેનું રક્ષણ કરે છે.

 ૪ ઢોરઢાંક ન હોય ત્યાં તબેલો સાફ રહે છે,

પણ બળદની તાકાતથી ભરપૂર ફસલ પાકે છે.

 ૫ વિશ્વાસુ સાક્ષી ક્યારેય જૂઠું બોલતો નથી,

પણ જૂઠો સાક્ષી વાતે વાતે જૂઠું બોલે છે.+

 ૬ ઉદ્ધત માણસ બુદ્ધિ માટે ફાંફાં મારે છે, પણ તેને એ મળતી નથી,

પણ સમજુ માણસને સહેલાઈથી જ્ઞાન મળે છે.+

 ૭ મૂર્ખથી દૂર રહે,

કેમ કે તેના મોઢે જ્ઞાનની વાતો સાંભળવા નહિ મળે.+

 ૮ હોશિયાર માણસ બુદ્ધિથી પોતાનો માર્ગ પારખે છે,

પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈથી છેતરાઈ જાય છે.*+

 ૯ મૂર્ખ પોતાની ભૂલને* મજાકમાં ઉડાવી દે છે,+

પણ સીધો માણસ સુલેહ-શાંતિ કરવા તૈયાર હોય છે.*

૧૦ દિલની વેદના* તો દિલ જ જાણે

અને દિલની ખુશી કોઈ પારકો સમજી ન શકે.

૧૧ દુષ્ટનું ઘર જમીનદોસ્ત થઈ જશે,+

પણ સીધા માણસનો તંબુ સ્થિર* થશે.

૧૨ એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે,+

પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.+

૧૩ એવું પણ બને કે હસતા ચહેરા પાછળ દિલની વેદના છુપાયેલી હોય

અને આનંદ-ઉલ્લાસનો અંત વિલાપમાં આવે.

૧૪ જેનું મન ઈશ્વરથી દૂર છે તે પોતાનાં કામનું પરિણામ ભોગવશે,+

પણ ભલો માણસ પોતાનાં સારાં કામનું ઇનામ મેળવશે.+

૧૫ ભોળો* માણસ દરેક શબ્દ ખરો માની લે છે,

પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.+

૧૬ બુદ્ધિમાન માણસ સાવધ હોય છે અને દુષ્ટતાથી દૂર રહે છે,

પણ મૂર્ખ માણસ બેદરકાર* હોય છે અને પોતાના પર વધુ પડતો ભરોસો રાખે છે.

૧૭ જે જલદી ગુસ્સે થઈ જાય છે, તે મૂર્ખાઈ કરે છે,+

પણ જે સમજશક્તિ વાપરે છે, તેને લોકો ધિક્કારે છે.

૧૮ ભોળા* માણસને વારસામાં મૂર્ખાઈ મળશે,

પણ ચતુરને જ્ઞાનનો મુગટ પહેરાવવામાં આવશે.+

૧૯ ખરાબ લોકોએ સારા લોકો આગળ નમવું પડશે

અને દુષ્ટ માણસે સારા માણસના બારણે નમવું પડશે.

૨૦ ગરીબને તેના પડોશીઓ પણ ધિક્કારે છે,+

પણ અમીરના ઘણા મિત્રો હોય છે.+

૨૧ જે પોતાના પડોશીને તુચ્છ ગણે છે, તે પાપ કરે છે,

પણ જે દીન-દુખિયાને દયા બતાવે છે, તે સુખી છે.+

૨૨ શું કાવતરું ઘડનાર સાચા રસ્તેથી ભટકી નહિ જાય?

પણ ભલું કરવા ઇચ્છે છે, તેને અતૂટ પ્રેમ* અને વફાદારી બતાવવામાં આવશે.+

૨૩ મહેનતના દરેક કામથી ફાયદો થાય છે,

પણ બસ વાતો કરવાથી માણસ કંગાળ બને છે.+

૨૪ બુદ્ધિમાનની સંપત્તિ તેનો મુગટ છે,

પણ મૂર્ખની મૂર્ખાઈ કાયમ તેની જોડે જ રહે છે.+

૨૫ સાચો સાક્ષી જીવન બચાવે છે,

પણ કપટી માણસની રગેરગમાં જૂઠાણું વહે છે.

૨૬ યહોવાનો ડર રાખનાર તેમનામાં અડગ ભરોસો રાખે છે+

અને તેનાં બાળકોને આશરો મળશે.+

૨૭ યહોવાનો ડર* જીવનનો ઝરો છે,

એ માણસને મોતના ફાંદાથી બચાવે છે.

૨૮ મોટી પ્રજા એ રાજાનો વૈભવ છે,+

પણ પ્રજા વગર રાજાની પડતી થાય છે.

૨૯ જે જલદી ગુસ્સે થતો નથી, તેનામાં ઊંડી સમજણ છે,+

પણ ઉતાવળિયો માણસ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.+

૩૦ શાંત મનથી શરીર તંદુરસ્ત રહે છે,*

પણ ઈર્ષા તો હાડકાંનો સડો છે.+

૩૧ જે દીન-દુખિયાને ઠગે છે, તે તેના સર્જનહારનું અપમાન કરે છે,+

પણ જે ગરીબને દયા બતાવે છે, તે ઈશ્વરને મહિમા આપે છે.+

૩૨ અધર્મી માણસ તેની દુષ્ટતાને લીધે પડી જશે,

પણ ધાર્મિક માણસ તેની પ્રમાણિકતાને લીધે સલામત રહેશે.+

૩૩ સમજુ માણસ બુદ્ધિનો દેખાડો કરતો નથી,*+

પણ મૂર્ખ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે.

૩૪ નેકીથી દેશનો માન-મોભો વધે છે,+

પણ પાપથી આખી પ્રજા બદનામ થાય છે.

૩૫ સમજદાર સેવક પર રાજા ખુશ થાય છે,+

પણ નામોશી લાવનાર સેવક પર રાજાનો ગુસ્સો ભડકી ઊઠે છે.+

૧૫ નમ્ર* જવાબ ક્રોધને શાંત કરે છે,+

પણ કઠોર* શબ્દો ગુસ્સો ભડકાવે છે.+

 ૨ બુદ્ધિમાનની જીભ જ્ઞાનનો સારો ઉપયોગ કરે છે,+

પણ મૂર્ખના મોઢે મૂર્ખાઈની વાતો નીકળે છે.

 ૩ યહોવાની આંખો બધું જુએ છે,

તે સારા અને ખરાબ લોકો પર નજર રાખે છે.+

 ૪ માયાળુ શબ્દો* જીવનનું ઝાડ છે,+

પણ કપટી વાતો લાગણી દુભાવે છે.*

 ૫ મૂર્ખ દીકરો પિતાની શિસ્ત* ગણકારતો નથી,+

પણ શાણો માણસ ઠપકો સ્વીકારે છે.+

 ૬ નેક માણસનું ઘર ધનદોલતથી ભરેલું હોય છે,

પણ દુષ્ટની કમાણી* તેને મુશ્કેલીમાં મૂકે છે.+

 ૭ બુદ્ધિમાનના હોઠ જ્ઞાન ફેલાવે છે,+

પણ મૂર્ખનું હૃદય એવું કરતું નથી.+

 ૮ દુષ્ટના બલિદાનને યહોવા ધિક્કારે છે,+

પણ સારા માણસની પ્રાર્થનાથી તે ખુશ થાય છે.+

 ૯ દુષ્ટના માર્ગને યહોવા ધિક્કારે છે,+

પણ સત્યના માર્ગે ચાલનાર પર તે પ્રેમ રાખે છે.+

૧૦ સાચો માર્ગ છોડી દેનાર માણસ શિસ્તને ધિક્કારે છે*+

અને ઠપકાને ધિક્કારનાર પોતાનું જીવન ગુમાવે છે.+

૧૧ જો કબર* અને વિનાશની જગ્યા* પણ યહોવા આગળ ખુલ્લી હોય,+

તો માણસનું દિલ કઈ રીતે છૂપું રહી શકે?+

૧૨ ઘમંડી માણસને ઠપકો આપનાર ગમતો નથી.+

તે બુદ્ધિમાનની સલાહ લેતો નથી.+

૧૩ દિલ ખુશ હોય તો ચહેરો ખીલી ઊઠે છે.

પણ દિલ ગમગીન હોય તો માણસ પડી ભાંગે છે.+

૧૪ સમજુ માણસ* આખી વાત જાણવાની કોશિશ કરે છે,+

પણ મૂર્ખ પોતાનું મોં મૂર્ખતાથી ભરે છે.*+

૧૫ દુઃખી માણસના બધા દિવસો દુઃખમાં વીતે છે,+

પણ ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.+

૧૬ પુષ્કળ માલ-મિલકત સાથે ઘણી ચિંતા* હોય એના કરતાં,+

થોડામાં ગુજરાન ચલાવવું અને યહોવાનો ડર રાખવો વધારે સારું.+

૧૭ નફરત હોય ત્યાં પકવાન* ખાવા કરતાં,+

પ્રેમ હોય ત્યાં સાદું ભોજન* ખાવું વધારે સારું.+

૧૮ ગરમ મિજાજનો માણસ તકરાર ઊભી કરે છે,+

પણ શાંત સ્વભાવનો માણસ ઝઘડો શાંત પાડે છે.+

૧૯ આળસુનો રસ્તો કાંટાથી ભરેલો હોય છે,*+

પણ નેકનો રસ્તો રાજમાર્ગ જેવો છે.+

૨૦ ડાહ્યો દીકરો પોતાના પિતાને ખુશ કરે છે,+

પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.+

૨૧ અક્કલ વગરનો માણસ મૂર્ખાઈથી ખુશ થાય છે,+

પણ સમજુ માણસ સીધા રસ્તે ચાલ્યો જાય છે.+

૨૨ સલાહ લીધા વગરની* યોજનાઓ નિષ્ફળ જાય છે,

પણ ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.+

૨૩ યોગ્ય જવાબ આપીને માણસ ખુશ થાય છે+

અને ખરા સમયે કહેલો શબ્દ કેટલો સારો લાગે છે!+

૨૪ સમજુ માણસ જીવન તરફ લઈ જતા રસ્તે ઉપર ચઢે છે,+

તે નીચે કબરમાં* લઈ જતો રસ્તો ટાળે છે.+

૨૫ યહોવા ઘમંડી માણસનું ઘર તોડી નાખશે,+

પણ તે વિધવાની જમીનનું* રક્ષણ કરશે.+

૨૬ દુષ્ટનાં કાવતરાંને યહોવા ધિક્કારે છે,+

પણ તાજગી આપતા શબ્દો તેમની નજરમાં શુદ્ધ છે.+

૨૭ બેઈમાનીથી કમાણી કરનાર માણસ કુટુંબ પર આફત* લાવે છે,+

પણ લાંચને ધિક્કારનાર જીવતો રહે છે.+

૨૮ નેક માણસ વિચાર કરીને જવાબ આપે છે,*+

પણ મૂર્ખના મોંમાંથી નકામી વાતો નીકળે છે.

૨૯ યહોવા દુષ્ટ માણસથી દૂર છે,

પણ તે સારા માણસની પ્રાર્થના સાંભળે છે.+

૩૦ આંખોની ચમક જોઈને* દિલ ખુશ થાય છે

અને સારા સમાચાર હાડકાંમાં જોમ ભરી દે છે.*+

૩૧ જે માણસ જીવન આપતો ઠપકો સાંભળે છે,

તેની ગણતરી બુદ્ધિમાન લોકોમાં થાય છે.+

૩૨ જે માણસ શિસ્તને ગણકારતો નથી, તે જીવનને તુચ્છ ગણે છે,+

પણ જે ઠપકો સ્વીકારે છે, તે સમજણ* મેળવે છે.+

૩૩ યહોવાનો ડર બુદ્ધિથી કામ કરવાનું શીખવે છે+

અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+

૧૬ માણસ મનમાં વિચારો તો ગોઠવે છે,

પણ તેનો જવાબ* યહોવા પાસેથી હોય છે.+

 ૨ માણસને પોતાના બધા માર્ગો સાચા* લાગે છે,+

પણ યહોવા દિલના ઇરાદા તપાસે છે.+

 ૩ તારાં કામો યહોવાના હાથમાં સોંપી દે,+

એટલે તારી યોજનાઓ પાર પડશે.

 ૪ યહોવા પોતાનો હેતુ પૂરો કરવા પોતે રચેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે,

તેમણે દુષ્ટોને પણ આફતના દિવસ માટે રાખી મૂક્યા છે.*+

 ૫ જેના દિલમાં ઘમંડ છે, તેને યહોવા ધિક્કારે છે.+

ખાતરી રાખજે, એવો માણસ સજાથી છટકી નહિ શકે.

 ૬ અતૂટ પ્રેમ* અને વફાદારીથી પાપ માફ થાય છે*+

અને યહોવાનો ડર રાખવાને લીધે માણસ બૂરાઈથી દૂર રહે છે.+

 ૭ યહોવા કોઈ માણસના માર્ગોથી ખુશ થાય ત્યારે,

તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિમાં રહેવા દે છે.+

 ૮ ખોટા રસ્તે ચાલીને ઘણું મેળવવા કરતાં,+

સાચા રસ્તે ચાલીને થોડું મેળવવું વધારે સારું.+

 ૯ માણસ મનમાં યોજના તો ઘડે છે,

પણ તેનાં પગલાં યહોવા ગોઠવે છે.+

૧૦ રાજાના હોઠો પર ઈશ્વરનો ચુકાદો હોવો જોઈએ,+

તેણે કદી અન્યાય કરવો ન જોઈએ.+

૧૧ અદ્દલ ત્રાજવાં અને સાચા વજનકાંટા યહોવા તરફથી છે,

થેલીનાં બધાં વજનિયાં પણ તેમના તરફથી છે.+

૧૨ રાજાઓ દુષ્ટ કામોને ધિક્કારે છે,+

કેમ કે તેઓની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહે છે.+

૧૩ સાચી વાતોથી* રાજાઓ પ્રસન્‍ન થાય છે

અને સાચું બોલનાર પર તેઓ પ્રેમ રાખે છે.+

૧૪ રાજાનો ગુસ્સો મરણના સંદેશવાહક જેવો છે,+

પણ બુદ્ધિમાન માણસ રાજાનો ગુસ્સો શાંત પાડવાનું જાણે છે.*+

૧૫ રાજાની કૃપાથી માણસનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે,

તેની મહેરબાની વસંતના વરસાદનાં* વાદળો જેવી છે.+

૧૬ સોના કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું.+

ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે સારું.+

૧૭ નેક માણસ બૂરાઈના રસ્તાથી દૂર રહે છે.

પોતાના માર્ગ પર ધ્યાન આપનાર પોતાનો જીવ બચાવે છે.+

૧૮ અભિમાન વિનાશ લાવે છે

અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.+

૧૯ અહંકારીની સાથે લૂંટ વહેંચવા કરતાં,

દીન સાથે નમ્રતાથી રહેવું વધારે સારું.+

૨૦ ઊંડી સમજ બતાવનાર સફળ* થાય છે

અને યહોવા પર ભરોસો રાખનાર સુખી છે.

૨૧ બુદ્ધિમાન માણસ સમજુ કહેવાશે+

અને માણસના માયાળુ શબ્દોથી* વાત ગળે ઊતરી જાય છે.+

૨૨ જેઓ પાસે સમજણ છે, તેઓ માટે એ જીવનનો ઝરો છે,

પણ મૂર્ખોને તેઓની મૂર્ખાઈથી સજા* થાય છે.

૨૩ શાણો માણસ સમજી-વિચારીને પોતાના શબ્દો પસંદ કરે છે+

અને તેની વાત સહેલાઈથી ગળે ઊતરી જાય છે.

૨૪ પ્રેમાળ શબ્દો મધપૂડામાંથી ટપકતાં મધ જેવા છે,

એ મનને* મીઠા લાગે છે અને હાડકાંને મજબૂત કરે છે.+

૨૫ એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે,

પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.+

૨૬ મજૂરનું પેટ તેની પાસે મજૂરી કરાવે છે,

તેની ભૂખ* તેને એમ કરવા મજબૂર કરે છે.+

૨૭ નકામો માણસ ખણખોદ કરીને ખરાબ વાતો બહાર કાઢે છે,+

તેના શબ્દો ધગધગતી આગ જેવા છે.+

૨૮ કાવતરાખોર* માણસ ઝઘડા કરાવે છે+

અને નિંદાખોર માણસ જિગરી દોસ્તોમાં ફૂટ પાડે છે.+

૨૯ ક્રૂર માણસ પોતાના પડોશીને લલચાવે છે

અને તેને ખોટા માર્ગે લઈ જાય છે.

૩૦ તે કાવતરું ઘડતી વખતે આંખ મારે છે

અને ખોટું કામ કરતી વખતે લુચ્ચાઈથી હસે છે.*

૩૧ જો માણસ સાચા માર્ગે ચાલતો હોય,+

તો તેના ધોળા વાળ મહિમાનો* મુગટ છે.+

૩૨ શૂરવીર યોદ્ધા કરતાં શાંત મિજાજનો માણસ વધારે સારો+

અને શહેર જીતનાર કરતાં ગુસ્સો કાબૂમાં રાખનાર* વધારે સારો.+

૩૩ ભલે ચિઠ્ઠીઓ* ખોળામાં નાખવામાં આવે,+

પણ દરેક નિર્ણય યહોવા તરફથી હોય છે.+

૧૭ ઝઘડાના ઘરમાં મિજબાની માણવા* કરતાં,+

શાંતિના ઘરમાં સૂકો રોટલો ખાવો વધારે સારું.+

 ૨ સમજુ ચાકર માલિકના બેશરમ દીકરા પર રાજ કરશે,

તે તેના વારસામાંથી ભાઈની જેમ હિસ્સો મેળવશે.

 ૩ ચાંદી ગાળવા કુલડી* અને સોનું ગાળવા ભઠ્ઠી હોય છે,+

પણ હૃદયને પારખનાર તો યહોવા છે.+

 ૪ દુષ્ટ માણસ દુઃખ પહોંચાડતી વાતો પર ધ્યાન આપે છે

અને કપટી માણસને નિંદા સાંભળવી ગમે છે.+

 ૫ ગરીબની મજાક ઉડાવનાર તેના સર્જનહારનું અપમાન કરે છે+

અને બીજાની બરબાદી પર ખુશ થનારને સજા થયા વગર રહેશે નહિ.+

 ૬ વૃદ્ધોનો મુગટ તેઓનાં પૌત્ર-પૌત્રીઓ છે

અને બાળકોનું* ગૌરવ તેઓના પિતા* છે.

 ૭ જો મૂર્ખના મોંએ સારી* વાતો શોભતી ન હોય,+

તો શાસકના મોંએ જૂઠી વાત કઈ રીતે શોભે?+

 ૮ માલિકની નજરમાં ભેટ કીમતી પથ્થર* જેવી છે,+

તે જે કંઈ કરે છે, એ સફળ થાય છે.+

 ૯ જે અપરાધ માફ કરે છે,* તે પ્રેમ બતાવે છે,+

પણ જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.+

૧૦ મૂર્ખ માણસ સો ફટકા ખાય તોય સુધરતો નથી,+

પણ સમજુને એક ટકોર પણ બસ છે.+

૧૧ ખરાબ માણસ વિરોધ કરવાનું બહાનું શોધે છે,

પણ ક્રૂર સંદેશવાહક આવશે અને તેને સજા કરશે.+

૧૨ મૂર્ખની મૂર્ખાઈનો સામનો કરવા કરતાં,+

બચ્ચાં છીનવાઈ ગયેલી રીંછડીનો સામનો કરવો વધારે સારું.

૧૩ જે ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે,

તેના ઘરમાંથી બૂરાઈ હટશે નહિ.+

૧૪ ઝઘડાની શરૂઆત તો બંધમાંથી પાણી છોડવા જેવું છે,*

તકરાર વધી જાય એ પહેલાં ત્યાંથી નીકળી જા.+

૧૫ દુષ્ટને નિર્દોષ ઠરાવનાર અને નેકને દોષિત ઠરાવનાર,+

એ બંનેને યહોવા ધિક્કારે છે.

૧૬ ભલે મૂર્ખ પાસે બુદ્ધિ મેળવવાનો કોઈ રસ્તો હોય,

પણ તેને એમ કરવાનું મન* જ ન હોય તો શો ફાયદો?+

૧૭ સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે+

અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.+

૧૮ અક્કલ વગરનો માણસ હાથ મિલાવીને કરાર કરે છે

અને પડોશીની હાજરીમાં જામીન બને* છે.+

૧૯ જેને ઝઘડા ગમે છે, તેને અપરાધ ગમે છે.+

જે પોતાનો દરવાજો મોટો બનાવે છે, તે વિનાશ નોતરે છે.+

૨૦ જેના દિલમાં કપટ છે, તેનું ભલું થતું નથી*+

અને જે છેતરામણી વાતો કરે છે, તેની બરબાદી થાય છે.

૨૧ મૂર્ખ દીકરાને જન્મ આપનાર પિતા દુઃખી દુઃખી થઈ જશે

અને અણસમજુ બાળકના પિતાને ખુશી મળશે નહિ.+

૨૨ આનંદી હૃદય ઉત્તમ દવા છે,*+

પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.*+

૨૩ ન્યાય ઊંધો વાળવા+

દુષ્ટ માણસ ખાનગીમાં* લાંચ લે છે.

૨૪ સમજુ માણસની નજર બુદ્ધિ પર જ લાગેલી હોય છે,

પણ મૂર્ખની આંખો પૃથ્વીના ખૂણે ખૂણે ભટકે છે.+

૨૫ મૂર્ખ દીકરો પિતાને દુઃખ પહોંચાડે છે

અને માતાનું દિલ દુભાવે છે.*+

૨૬ નેક માણસને સજા કરવી* યોગ્ય નથી

અને આગેવાનને કોરડા મારવા નિયમ વિરુદ્ધ છે.

૨૭ જ્ઞાની માણસ જીભ પર દાબ રાખે છે+

અને સમજુ માણસ ચૂપ રહે છે.+

૨૮ મૂર્ખ પણ ચૂપ રહે તો, તે બુદ્ધિમાન ગણાશે

અને જે પોતાનું મોં સીવી લે, તે સમજુ ગણાશે.

૧૮ જે પોતાને એકલો પાડે છે, તે સ્વાર્થી ઇચ્છાઓ પાછળ ભાગે છે,

તે બુદ્ધિનો* નકાર કરે છે.*

 ૨ મૂર્ખ માણસને બીજાઓ પાસેથી શીખવું ગમતું નથી,

તેને બસ પોતાની જ વાતો કહેવામાં રસ હોય છે.+

 ૩ દુષ્ટ માણસ તિરસ્કાર લાવે છે,

અપમાનની સાથે સાથે ફજેતી પણ આવે છે.+

 ૪ માણસના મોંના શબ્દો ઊંડા પાણી જેવા છે.+

બુદ્ધિનો ઝરો ખળખળ વહેતી નદી જેવો છે.

 ૫ ન્યાય કરતી વખતે દુષ્ટનો પક્ષ લેવો+

અથવા નિર્દોષ સાથે અન્યાય કરવો યોગ્ય નથી.+

 ૬ મૂર્ખની વાતો ઝઘડા કરાવે છે,+

તે માંગી માંગીને ફટકા ખાય છે.+

 ૭ મૂર્ખનું મોં તેને વિનાશ તરફ લઈ જાય છે,+

તેની વાતો તેનો જીવ જોખમમાં મૂકે છે.*

 ૮ કાન ભંભેરણી કરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે,+

એ તરત પેટમાં ઊતરી જાય છે.+

 ૯ કામચોર અને લુટારો,

એ બંને ભાઈ-ભાઈ.+

૧૦ યહોવાનું નામ મજબૂત કિલ્લો છે.+

નેક માણસ એમાં દોડી જઈને રક્ષણ મેળવે છે.*+

૧૧ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,

તેને મન એ રક્ષણ આપતો કોટ છે.+

૧૨ દિલ ઘમંડી બને ત્યારે આફત આવે છે+

અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+

૧૩ સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ છે,

એનાથી માણસ શરમમાં મુકાય છે.+

૧૪ માણસની હિંમત તેને બીમારીમાં ટકાવી રાખે છે,+

પણ જો તે નાહિંમત થઈ જાય,* તો તે કઈ રીતે ટકી શકે?+

૧૫ સમજુ માણસનું હૃદય જ્ઞાન હાંસલ કરે છે+

અને બુદ્ધિમાનના કાન જ્ઞાનની વાતો સાંભળવા મથે છે.

૧૬ માણસની ભેટ તેના માટે રસ્તો ખોલે છે+

અને તેને મોટા મોટા લોકો સુધી પહોંચાડે છે.

૧૭ અદાલતમાં જે માણસ પહેલો બોલે છે, તે સાચો લાગે છે,+

પણ જ્યારે બીજો આવીને સવાલો પૂછે છે,* ત્યારે હકીકત બહાર આવે છે.+

૧૮ ચિઠ્ઠીઓ* નાખવાથી તકરારનો અંત આવે છે+

અને બે કટ્ટર વિરોધીઓ વચ્ચે સમાધાન થાય છે.

૧૯ નારાજ ભાઈને મનાવવો કોટવાળું શહેર જીતવા કરતાંય અઘરું છે,+

કિલ્લાના બંધ દરવાજાની જેમ મતભેદો લોકોને જુદા પાડે છે.+

૨૦ માણસના શબ્દો ખોરાક જેવા છે, જે તેનું પેટ ભરે છે,+

તેના હોઠોની વાતથી તેને સંતોષ મળે છે.

૨૧ જીવન અને મરણ જીભની સત્તામાં છે,+

માણસ જેવો એનો ઉપયોગ કરશે, એવું ફળ ભોગવશે.+

૨૨ જેને સારી પત્ની મળી છે, તેને અનમોલ ખજાનો મળ્યો છે,+

તેને યહોવાની કૃપા* મળે છે.+

૨૩ ગરીબ કાલાવાલા કરે છે,

પણ અમીર તેને તોછડાઈથી જવાબ આપે છે.

૨૪ એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે,+

પણ એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.*+

૧૯ જૂઠું બોલનાર મૂર્ખ કરતાં,+

પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.+

 ૨ માણસ અજ્ઞાન રહે એ સારું નથી+

અને ઉતાવળે પગલાં ભરનાર પાપમાં પડે છે.

 ૩ માણસની મૂર્ખાઈ તેને ખોટા માર્ગે દોરી જાય છે

અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ રોષે ચઢે છે.

 ૪ ધનદોલત ઘણા મિત્રો ખેંચી લાવે છે,

પણ ગરીબનો એકનો એક મિત્ર પણ તેને છોડીને જતો રહે છે.+

 ૫ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ+

અને વાતે વાતે જૂઠું બોલનાર છટકી શકશે નહિ.+

 ૬ બધા લોકો મોટા* માણસોની કૃપા મેળવવા માંગે છે

અને સૌ કોઈ ભેટ આપનારનો મિત્ર બનવા માંગે છે.

 ૭ જો ગરીબને તેના બધા ભાઈઓ ધિક્કારતા હોય,+

તો શું તેના મિત્રો પણ તેને નહિ ધિક્કારે?+

તે આજીજી કરતો કરતો તેઓની પાછળ ભાગે છે, પણ કોઈ તેનું સાંભળતું નથી.

 ૮ જે બુદ્ધિ* મેળવે છે, તેને પોતાનો જીવ વહાલો હોય છે,+

જે સમજણને અનમોલ ગણે છે, તેને સફળતા મળે છે.*+

 ૯ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ

અને વાતે વાતે જૂઠું બોલનારનો નાશ થશે.+

૧૦ જો મૂર્ખને એશઆરામમાં રહેવું શોભતું ન હોય,

તો શાસકો પર ગુલામ રાજ કરે એ કઈ રીતે શોભે?+

૧૧ માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે+

અને અપરાધ નજરઅંદાજ* કરવામાં તેનો મહિમા છે.+

૧૨ રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે,+

પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.

૧૩ મૂર્ખ દીકરો પિતા પર મુસીબત લાવે છે+

અને ઝઘડાળુ* પત્ની સતત ટપકતી છત જેવી છે.+

૧૪ ઘર અને સંપત્તિનો વારસો પિતા પાસેથી મળે છે,

પણ સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે.+

૧૫ આળસ ભરઊંઘમાં નાખે છે

અને સુસ્ત માણસ ભૂખે મરે છે.+

૧૬ ઈશ્વરની આજ્ઞાઓ પાળનારનો જીવ સલામત રહે છે,+

પણ બેદરકાર* માણસ જીવ ગુમાવે છે.+

૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+

તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+

૧૮ સુધરવાની આશા હોય ત્યાં સુધી તારા દીકરાને શિક્ષણ* આપ,+

તેના મોત માટે તું જવાબદાર ન બન.*+

૧૯ ગરમ મિજાજના માણસે દંડ ભરવો પડશે,

જો તું તેને એક વાર બચાવીશ, તો વારંવાર બચાવવો પડશે.+

૨૦ સલાહ સાંભળ અને શિસ્ત* સ્વીકાર,+

એટલે ભાવિમાં તું બુદ્ધિમાન બનીશ.+

૨૧ માણસ પોતાના દિલમાં ઘણી યોજનાઓ બનાવે છે,

પણ હેતુ* તો યહોવાનો જ પૂરો થાય છે.+

૨૨ બીજાઓને સાચો પ્રેમ* બતાવીને માણસ સારો બને છે.+

જૂઠું બોલનાર કરતાં ગરીબ વધારે સારો લાગે છે.

૨૩ યહોવાનો ડર જીવન તરફ લઈ જાય છે,+

એવો ડર રાખનાર માણસ પર કોઈ આફત નહિ આવે, તે નિરાંતે રહેશે.+

૨૪ આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,

પણ મોંમાં કોળિયો મૂકવાની જરાય તસ્દી લેતો નથી.+

૨૫ મશ્કરી કરનારને શિક્ષા કર,+ જેથી એ જોઈને ભોળો* માણસ હોશિયાર બને+

અને સમજુને ઠપકો આપ, જેથી તેના જ્ઞાનમાં વધારો થાય.+

૨૬ પિતા સાથે ખરાબ વર્તન કરનાર અને માતાને કાઢી મૂકનાર દીકરો

શરમ અને અપમાન લાવે છે.+

૨૭ મારા દીકરા, જો તું શિખામણ* સાંભળવાનું છોડી દઈશ,

તો તું જ્ઞાનના માર્ગથી ભટકી જઈશ.

૨૮ નકામો સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે+

અને દુષ્ટો મજેદાર ભોજનની જેમ દુષ્ટતાની મજા માણે છે.+

૨૯ મશ્કરી કરનાર માટે સજા+

અને મૂર્ખની પીઠ માટે ફટકા તૈયાર છે.+

૨૦ દ્રાક્ષદારૂ મજાક ઉડાવે છે+ અને શરાબ ધાંધલ-ધમાલ મચાવે છે,+

એના લીધે ભટકી જનાર માણસ બુદ્ધિમાન નથી.+

 ૨ રાજાનો ડર* સિંહની ગર્જના જેવો છે,+

તેનો ગુસ્સો ભડકાવનાર પોતાનો જીવ જોખમમાં મૂકે છે.+

 ૩ તકરારથી દૂર રહેનાર માણસ માનયોગ્ય છે,+

પણ મૂર્ખ માણસ ઝઘડો કર્યા વગર રહેતો નથી.+

 ૪ આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી,

અને કાપણીના સમયે કંઈ ન હોવાથી તે ભીખ માંગતો ફરશે.*+

 ૫ દિલના વિચારો* ઊંડા પાણી જેવા છે,

પણ સમજુ માણસ એને બહાર કાઢી લાવે છે.

 ૬ પ્રેમાળ* હોવાનો ઢોંગ તો ઘણા કરે છે,

પણ વફાદાર માણસ બહુ મુશ્કેલીથી મળે છે.

 ૭ નેક માણસ પ્રમાણિક* રસ્તે ચાલે છે,+

તેનાં બાળકો* સુખી છે.+

 ૮ રાજા ન્યાય કરવા રાજગાદીએ બેસે છે ત્યારે,+

તેની નજર દુષ્ટતાને પારખી લે છે.*+

 ૯ કોણ કહી શકે, “મેં મારું દિલ શુદ્ધ કર્યું છે,+

મેં મારાં પાપ ધોઈ નાખ્યાં છે”?+

૧૦ ખોટાં વજનિયાં અને જૂઠાં માપ,*

એ બંનેને યહોવા ધિક્કારે છે.+

૧૧ બાળક* પણ પોતાનાં કામોથી બતાવે છે કે

તેનાં વાણી-વર્તન સારાં અને શુદ્ધ છે કે નહિ.+

૧૨ સાંભળવા માટે કાન અને જોવા માટે આંખ,

એ બંને યહોવાએ જ બનાવ્યાં છે.+

૧૩ ઊંઘને વહાલી ન ગણ, નહિતર તું કંગાળ થઈ જઈશ.+

તારી આંખો ખુલ્લી રાખ, એટલે તું પેટ ભરીને રોટલી ખાઈશ.+

૧૪ વસ્તુ ખરીદનાર કહે છે, “એ એકદમ બેકાર છે! સાવ નકામી છે!”

પછી ત્યાંથી નીકળીને તે પોતાની ખરીદી વિશે બડાઈ હાંકે છે.+

૧૫ સોનું અને કીમતી પથ્થરો* મૂલ્યવાન છે,

પણ જ્ઞાની હોઠો વધારે મૂલ્યવાન છે.+

૧૬ જો કોઈ માણસ અજાણ્યાનો જામીન બને,* તો તું તેનું વસ્ત્ર ગીરવે લે,+

પણ જો તે વ્યભિચારી સ્ત્રીને* લીધે કશું ગીરવે મૂકે, તો તેને એ પાછું ન આપ.+

૧૭ કપટથી મેળવેલી રોટલી માણસને સ્વાદિષ્ટ લાગે છે,

પણ પછી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.+

૧૮ સલાહ લેવાથી* યોજનાઓ સફળ* થાય છે+

અને ખરું માર્ગદર્શન* લઈને તું યુદ્ધ લડવા જા.+

૧૯ નિંદાખોર બીજાની ખાનગી વાતો બધાને કહેતો ફરે છે,+

જે બીજાઓ વિશે વાતો કર્યા કરતો હોય,* એની તું સંગત ન રાખ.

૨૦ જે પોતાનાં માબાપને શ્રાપ આપે છે,

તેનો દીવો ઘોર અંધકારમાં હોલવાઈ જશે.+

૨૧ ભલે કોઈ માણસ લાલચ કરીને વારસો મેળવે,

પણ ભાવિમાં તેને આશીર્વાદ નહિ મળે.+

૨૨ તું એવું ન કહે, “હું બૂરાઈનો બદલો લઈશ!”+

યહોવા પર ભરોસો રાખ,+ તે તને બચાવશે.+

૨૩ ખોટાં વજનિયાંને* યહોવા ધિક્કારે છે

અને જૂઠા વજનકાંટા વાપરવા યોગ્ય નથી.

૨૪ યહોવા જ માણસનાં પગલાં ખરા માર્ગે દોરી જાય છે.+

માણસને ક્યાં ખબર છે કે કયા માર્ગે જવું?*

૨૫ ઉતાવળે કહેવું કે આ વસ્તુ અર્પણ કરેલી છે+

અને માનતા લીધા પછી ફરી વિચાર કરવો એ માણસ માટે ફાંદો છે.+

૨૬ જેમ કણસલાં પર પૈડું ફેરવીને ફોતરાં છૂટાં પાડવામાં આવે છે,+

તેમ બુદ્ધિમાન રાજા દુષ્ટોને છૂટા પાડીને દૂર કરે છે.+

૨૭ માણસનો શ્વાસ યહોવાનો દીવો છે,

એ દીવો માણસના અંતરમાં શું છે એની તપાસ કરે છે.

૨૮ અતૂટ પ્રેમ* અને વફાદારી રાજાનું રક્ષણ કરે છે,+

અતૂટ પ્રેમથી તેની રાજગાદી સ્થિર રહે છે.+

૨૯ યુવાનોની શાન તેઓની તાકાત છે+

અને વૃદ્ધોનું ગૌરવ તેઓના સફેદ વાળ છે.+

૩૦ જખમ અને ઘા* દુષ્ટતા દૂર કરે છે+

અને ફટકા માણસના અંતરને શુદ્ધ કરે છે.

૨૧ રાજાનું દિલ યહોવાના હાથમાં પાણીની ધારા જેવું છે,+

તે* પોતાની ઇચ્છા પ્રમાણે એને વાળે છે.+

 ૨ માણસને પોતાના બધા માર્ગો સાચા લાગે છે,+

પણ યહોવા દિલ* તપાસે છે.+

 ૩ યહોવાને બલિદાનો કરતાં

ખરાં અને ન્યાયી કામોથી વધારે ખુશી મળે છે.+

 ૪ અહંકારી આંખો અને ઘમંડી હૃદય પાપ છે,

એ દીવાની જેમ દુષ્ટના માર્ગમાં પ્રકાશ પાથરે છે.+

 ૫ મહેનતુ માણસની યોજનાઓ સફળ* થાય છે,+

પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.+

 ૬ જૂઠું બોલીને ભેગી કરેલી સંપત્તિ,

ઝાકળની જેમ ઊડી જાય છે અને એ જીવલેણ ફાંદા જેવી છે.*+

 ૭ દુષ્ટોની હિંસા જ તેઓનો સફાયો કરી દેશે,+

કેમ કે તેઓ ન્યાયથી વર્તવાની ના પાડે છે.

 ૮ દોષિત માણસનો રસ્તો વાંકો હોય છે,

પણ નિર્દોષનો રસ્તો સીધો હોય છે.+

 ૯ ઝઘડાળુ* પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+

ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું.

૧૦ દુષ્ટનું મન બૂરાઈ કરવામાં ડૂબેલું રહે છે,+

તે પોતાના પડોશીને દયા બતાવતો નથી.+

૧૧ મશ્કરી કરનારને સજા થતી જોઈને ભોળો* માણસ હોશિયાર બને છે,

બુદ્ધિમાન માણસને ઊંડી સમજણ મળે ત્યારે તે જ્ઞાન મેળવે છે.*+

૧૨ ન્યાયી ઈશ્વરની નજર દુષ્ટના ઘર પર રહે છે,

તે દુષ્ટને ઊથલાવીને તેનો નાશ કરે છે.+

૧૩ જે માણસ ગરીબનો પોકાર સાંભળીને કાન બંધ કરે છે,

તે માણસનો પણ પોકાર સાંભળવામાં નહિ આવે.+

૧૪ ખાનગીમાં આપેલી ભેટ ગુસ્સો શાંત પાડે છે+

અને છૂપી રીતે આપેલી લાંચ* ક્રોધ શમાવી દે છે.

૧૫ નેક માણસને ન્યાયી રીતે વર્તવામાં ખુશી મળે છે,+

પણ દુષ્ટો ન્યાયી કામોને ધિક્કારે છે.

૧૬ જે માણસ સમજણનો માર્ગ છોડી દે છે,

તે મરેલા લોકોની સાથે રહેશે.+

૧૭ મોજશોખનો* પ્રેમી કંગાળ થઈ જશે,+

દ્રાક્ષદારૂ અને તેલનો શોખીન ધનવાન થશે નહિ.

૧૮ નેકનો* જીવ બચાવવા દુષ્ટ માણસ ખંડણી* તરીકે અપાય છે

અને સજ્જનને બદલે દુર્જન અપાય છે.+

૧૯ ઝઘડાળુ* અને ચિડિયલ પત્ની સાથે રહેવા કરતાં+

વેરાન પ્રદેશમાં જઈને રહેવું વધારે સારું.

૨૦ બુદ્ધિશાળીના ઘરે કીમતી ખજાનો અને તેલ હોય છે,+

પણ મૂર્ખ પોતાનું સર્વસ્વ વેડફી નાખે છે.+

૨૧ જે કોઈ ખરું કરવા મહેનત કરે છે અને અતૂટ પ્રેમ* બતાવે છે,

તેને જીવન, નેકી અને સન્માન મળે છે.+

૨૨ બુદ્ધિશાળી માણસ શૂરવીરોના શહેરને જીતી લે છે*

અને જે તાકાત પર તેઓ ભરોસો રાખતા હતા, એને તોડી પાડે છે.+

૨૩ જે પોતાનાં મોં અને જીભ પર કાબૂ રાખે છે,

તે મુસીબતથી દૂર રહે છે.+

૨૪ જે ઉતાવળો બનીને પોતાની મર્યાદા ઓળંગે છે,+

તે અહંકારી, ઘમંડી અને બડાઈખોર કહેવાય છે.

૨૫ આળસુ માણસની લાલસા તેનો જીવ લઈ લેશે,

કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.+

૨૬ તે આખો દિવસ કંઈક મેળવવાની લાલચ રાખે છે,

પણ નેક માણસ ઉદારતાથી આપે છે અને હાથ પાછો રાખતો નથી.+

૨૭ જો દુષ્ટના બલિદાનને ઈશ્વર ધિક્કારતા હોય,+

તો ખરાબ ઇરાદાથી* ચઢાવેલા તેના બલિદાનને તે કેટલું વધારે ધિક્કારશે!

૨૮ જૂઠા સાક્ષીનો નાશ થશે,+

પણ જે ધ્યાનથી સાંભળીને બોલે છે, તેની સાક્ષી ટકી રહેશે.

૨૯ દુષ્ટના ચહેરા પર જરાય લાજ-શરમ હોતી નથી,+

પણ સીધા માણસનો રસ્તો સલામત હોય છે.*+

૩૦ યહોવા વિરુદ્ધ કોઈ ડહાપણ, સમજણ કે સલાહ ટકી શકતી નથી.+

૩૧ યુદ્ધના દિવસ માટે ઘોડા તૈયાર કરવામાં આવે છે,+

પણ ઉદ્ધાર તો યહોવા પાસેથી જ મળે છે.+

૨૨ પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ* વધારે સારું+

અને સોના-ચાંદી કરતાં માન* વધારે સારું.

 ૨ અમીર અને ગરીબમાં એક વાત સામાન્ય છે,*

એ બંનેના સર્જનહાર યહોવા છે.+

 ૩ શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે,

પણ ભોળો* માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો* ભોગવે છે.

 ૪ નમ્ર બનવાથી અને યહોવાનો ડર* રાખવાથી

ધન, આદર અને જીવન મળે છે.+

 ૫ કપટી માણસનો રસ્તો કાંટા અને ફાંદાથી ભરેલો છે,

પણ જેને પોતાનો જીવ વહાલો છે, તે એનાથી દૂર રહે છે.+

 ૬ બાળકે* જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ,*+

એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.+

 ૭ અમીર માણસ ગરીબ પર હુકમ ચલાવે છે

અને ઉધાર લેનાર ઉધાર આપનારનો ચાકર છે.+

 ૮ અન્યાયનું બી વાવનાર આફત લણશે+

અને તેના ક્રોધની સોટી ભાંગી નાખવામાં આવશે.+

 ૯ ઉદાર માણસ પર આશીર્વાદ વરસશે,

કેમ કે તે પોતાના ખોરાકમાંથી ગરીબને આપે છે.+

૧૦ બીજાને ઉતારી પાડનાર* માણસને કાઢી મૂક,

એટલે ઝઘડો શમી જશે,

અને તકરાર* તથા અપમાનનો અંત આવશે.

૧૧ જેનું હૃદય સાફ છે અને જેના શબ્દો માયાળુ છે,

તે રાજાનો મિત્ર બનશે.+

૧૨ યહોવાની આંખો જ્ઞાનીનું* રક્ષણ કરે છે,

પણ તે કપટી માણસની વાતોને ખોટી સાબિત કરે છે.+

૧૩ આળસુ કહે છે, “બહાર તો સિંહ છે!

હું ચોકમાં જઈશ તો તે મને ફાડી ખાશે!”+

૧૪ પાપી* સ્ત્રીનું મોં ઊંડી ખાઈ છે.+

યહોવા જે માણસને ધિક્કારે છે, તે એમાં પડી જશે.

૧૫ બાળકના* દિલમાં મૂર્ખાઈ વસે છે,+

પણ કડક ઠપકો* તેની મૂર્ખાઈ દૂર કરશે.+

૧૬ જે માણસ ધનવાન બનવા ગરીબને ઠગે છે+

અને જે માણસ અમીરને ભેટ-સોગાદો આપે છે,

એ બંને કંગાળ થઈ જશે.

૧૭ બુદ્ધિમાનની વાતો પર કાન ધર અને એને ધ્યાનથી સાંભળ,+

જેથી તું પૂરા દિલથી મારું જ્ઞાન સ્વીકારી શકે.+

૧૮ એ વાતોને તારા અંતરમાં રાખ, એટલે તને ખુશી મળશે+

અને એ હંમેશાં તારા હોઠો પર રહેશે.+

૧૯ મેં આજે તને આ વાતો જણાવી છે,

જેથી તારો ભરોસો યહોવા પર રહે.

૨૦ મેં તને પહેલાં પણ ઘણી સલાહ

અને જ્ઞાનની વાતો લખીને આપી હતી,

૨૧ જેથી તું સાચી અને ભરોસાપાત્ર વાતો જાણે

અને તને મોકલનાર પાસે સચોટ માહિતી લઈ આવે.

૨૨ ગરીબ માણસને ગરીબ જાણીને લૂંટી ન લે+

અને દીન-દુખિયાને શહેરના દરવાજે* કચડી ન નાખ.+

૨૩ કેમ કે યહોવા પોતે તેઓનો મુકદ્દમો લડશે+

અને જે તેઓને છેતરે છે, તેને જીવતો નહિ છોડે.

૨૪ ગરમ મિજાજના માણસ સાથે દોસ્તી ન કર

અને વાતે વાતે ગુસ્સે થનાર સાથે સંગત ન રાખ,

૨૫ નહિતર તું તેના પગલે ચાલવા લાગીશ

અને ફાંદામાં ફસાઈ જઈશ.+

૨૬ તું એવા માણસ જેવો ન બન,

જે હાથ મિલાવીને બીજાનું દેવું ચૂકવવા જામીન બને છે.*+

૨૭ જો તારી પાસે એ દેવું ચૂકવવા પૈસા નહિ હોય,

તો તેઓ તારી નીચેથી બિછાનું પણ ખેંચી જશે!

૨૮ વર્ષો પહેલાં તારા બાપદાદાઓએ જે હદની નિશાની મૂકી હતી,

એને તું ખસેડીશ નહિ.+

૨૯ શું તેં એવા માણસને જોયો છે, જે પોતાના કામમાં હોશિયાર હોય?

તે સામાન્ય માણસો આગળ નહિ,

પણ રાજા-મહારાજાઓ આગળ ઊભો રહેશે.+

૨૩ જ્યારે તું રાજા સાથે જમવા બેસે,

ત્યારે ધ્યાન રાખજે કે તારી આગળ શું પીરસવામાં આવ્યું છે.

 ૨ જો તને ઠૂંસી ઠૂંસીને ખાવાનું મન થાય,

તો પોતાના પર કાબૂ રાખજે.*

 ૩ તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ,

નહિતર એ તારા માટે ફાંદો બની જશે.

 ૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+

એવું ન કર, પણ સમજણથી કામ લે.*

 ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+

પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+

 ૬ કંજૂસને* ત્યાં જમીશ નહિ,

તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ.

 ૭ તે કહે છે ખરો, “ખાઓ, પીઓ,” પણ તે દિલથી કહેતો નથી.

તે તો એકેએક દાણાનો હિસાબ રાખે છે.

 ૮ તેં ખાધેલો કોળિયો તારે ઓકી કાઢવો પડશે,

તેં કરેલાં વખાણ નકામાં જશે.

 ૯ મૂર્ખ સાથે વાત ન કર,+

કેમ કે તે તારી બુદ્ધિની વાતોને તુચ્છ ગણશે.+

૧૦ વર્ષો પહેલાં જે હદની નિશાની મૂકી હતી, એને તું ખસેડીશ નહિ+

અથવા કોઈ અનાથની* જમીન પચાવી પાડીશ નહિ.

૧૧ કેમ કે તેઓને બચાવનાર* શક્તિશાળી છે,

તે તારી વિરુદ્ધ તેઓનો મુકદ્દમો લડશે.+

૧૨ શિસ્ત* પર તારું દિલ લગાડ

અને જ્ઞાનની વાતોને કાન ધર.

૧૩ બાળકને* શિક્ષા* કરવાથી તારો હાથ પાછો ન રાખ.+

જો તું તેને સોટી* મારીશ, તો તે કંઈ મરી નહિ જાય.

૧૪ તું તેને સોટીથી ફટકાર,

જેથી તેને કબરમાં* જતાં બચાવી શકે.

૧૫ બેટા, જો તું બુદ્ધિમાન બનીશ,

તો મારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે.+

૧૬ તારા હોઠો સત્ય વાતો કહેશે ત્યારે,

મારું દિલ* આનંદથી ઊભરાઈ જશે.

૧૭ તારું દિલ પાપી લોકોની ઈર્ષા ન કરે,+

પણ તું આખો દિવસ યહોવાનો ડર રાખીને ચાલ.+

૧૮ એવું કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે+

અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.

૧૯ બેટા, મારું સાંભળ અને બુદ્ધિમાન બન.

તારા દિલને સત્યના માર્ગે દોરી જા.

૨૦ જેઓ વધારે પડતો દારૂ પીએ છે+

અને માંસના ખાઉધરા છે,+ તેઓના જેવો બનીશ નહિ.*

૨૧ કેમ કે દારૂડિયા અને ખાઉધરા કંગાળ થઈ જશે+

અને ઘેન તેઓને ચીંથરાં પહેરાવશે.

૨૨ તને જન્મ આપનાર તારા પિતાનું સાંભળ

અને તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.+

૨૩ સત્ય ખરીદ,* એને વેચી ન દે.+

બુદ્ધિ,* શિસ્ત અને સમજણ પણ ખરીદ, એને વેચી ન દે.+

૨૪ નેક દીકરાનો પિતા ચોક્કસ ખુશ થશે

અને બુદ્ધિમાન દીકરાનો પિતા હરખાઈ ઊઠશે.

૨૫ તારાં માતા-પિતા પ્રસન્‍ન થશે

અને તારી જનેતાની ખુશીનો પાર નહિ રહે.

૨૬ મારા દીકરા, તારું દિલ મને સોંપી દે

અને મારા માર્ગો પર ચાલવાનો આનંદ માણ.+

૨૭ કેમ કે વેશ્યા ઊંડી ખાઈ જેવી છે

અને વ્યભિચારી* સ્ત્રી સાંકડા કૂવા જેવી છે.+

૨૮ તે લુટારાની જેમ લાગ જોઈને બેસી રહે છે,+

તે બેવફા માણસોની સંખ્યા વધારે છે.

૨૯ કોણ અફસોસ કરે છે? કોણ ચિંતામાં છે?

કોણ ઝઘડો કરે છે? કોણ ફરિયાદ કરે છે?

કોને વિના કારણ ઘા પડ્યા છે? કોની આંખો લાલચોળ* છે?

૩૦ એવા લોકો, જેઓ કલાકો સુધી દ્રાક્ષદારૂ પીધે રાખે છે+

અને વધારે નશો ચઢે એવો દારૂ શોધે છે.*

૩૧ દ્રાક્ષદારૂના લાલ રંગ સામે જોઈશ નહિ,

એ પ્યાલામાં ચમકે છે અને સહેલાઈથી ગળે ઊતરી જાય છે.

૩૨ છેવટે તે સાપની જેમ ડંખ મારે છે

અને ઝેરી સાપની જેમ ઝેર ઓકે છે.

૩૩ તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે

અને તારું દિલ આડી વાતો કહેશે.+

૩૪ તને લાગશે કે તું સમુદ્રની વચ્ચોવચ પડ્યો છે,

જાણે વહાણના સઢની ટોચે ઝોલાં ખાય છે.

૩૫ તું કહીશ: “તેઓએ મને ફટકાર્યો, પણ મને કંઈ થયું નહિ.*

તેઓએ મને માર માર્યો, પણ મને તો યાદ પણ નથી.

હું ક્યારે હોશમાં આવીશ,+

જેથી હજી એક પ્યાલો દારૂ પી* શકું?”

૨૪ દુષ્ટ લોકોની અદેખાઈ કરીશ નહિ

અને તેઓની સંગત કરવાની ઇચ્છા રાખીશ નહિ.+

 ૨ તેઓનું દિલ હિંસાના વિચારોમાં ડૂબેલું રહે છે

અને તેઓના હોઠ નુકસાન કરવાની વાતો કરે છે.

 ૩ બુદ્ધિથી ઘર* બંધાય છે+

અને સમજણથી એ સ્થિર થાય છે.

 ૪ જ્ઞાનથી એના ઓરડા ભરાય છે

અને દરેક પ્રકારના અનમોલ અને સુંદર ખજાનાથી ઊભરાય છે.+

 ૫ બુદ્ધિમાન માણસ શક્તિશાળી છે+

અને જ્ઞાનથી તે પોતાની શક્તિ વધારે છે.

 ૬ ખરું માર્ગદર્શન* લઈને તું યુદ્ધ લડવા જા+

અને ઘણા સલાહકાર હોય ત્યાં જીત* મળશે.+

 ૭ સાચી બુદ્ધિ મેળવવી મૂર્ખ માટે ગજા બહાર છે,+

તે શહેરના દરવાજે મોં ખોલી શકતો નથી.

 ૮ જે માણસ કાવતરું ઘડે છે,

તે કાવતરાં ઘડવામાં ઉસ્તાદ કહેવાશે.+

 ૯ મૂર્ખની યોજનાઓ* પાપ તરફ દોરી જાય છે

અને મશ્કરી કરનારને લોકો ધિક્કારે છે.+

૧૦ જો તું મુસીબતના દિવસે* હિંમત હારી જઈશ,

તો તારું બળ થોડું જ ગણાશે.

૧૧ જેઓને મોતના મોંમાં ધકેલવામાં આવે છે તેઓને બચાવ,

જેઓ કતલ થવાની તૈયારીમાં છે તેઓને છોડાવ.+

૧૨ પણ જો તું કહે, “અમને એ વિશે કંઈ ખબર નથી,”

તો જે ઈશ્વર દિલ* તપાસે છે, તે શું તારા વિચારો જાણતા નથી?+

હા, એ ઈશ્વર તારા પર નજર રાખે છે અને તારા વિચારો જાણે છે,

તે દરેકને પોતાના કામનો બદલો વાળી આપશે.+

૧૩ બેટા, તું મધ ખા, એ સારું છે.

મધપૂડાના મધનો સ્વાદ મીઠો છે.

૧૪ એવી જ રીતે, બુદ્ધિ પણ તારા માટે સારી છે.*+

જો તને એ મળશે, તો તારું ભાવિ ઉજ્જવળ થશે

અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.+

૧૫ નેક માણસના ઘર આગળ દુષ્ટ ઇરાદાથી ટાંપીને બેસી રહીશ નહિ,

તેના રહેઠાણનો નાશ કરીશ નહિ.

૧૬ નેક માણસ સાત વાર પડીને પણ પાછો ઊભો થશે,+

પણ દુષ્ટ માણસ આફતથી ઠોકર ખાઈને પડી જશે.+

૧૭ તારો દુશ્મન પડે ત્યારે તું હરખાઈશ નહિ,

તે ઠોકર ખાય ત્યારે તું મનમાં મલકાઈશ નહિ,+

૧૮ નહિતર યહોવા એ જોઈને તારાથી નારાજ થશે

અને તારા દુશ્મન પરથી તેમનો ગુસ્સો શમી જશે.+

૧૯ ખરાબ માણસથી ચિડાઈશ નહિ*

અને દુષ્ટ લોકોની ઈર્ષા કરીશ નહિ.

૨૦ કેમ કે ખરાબ માણસનું કોઈ ભવિષ્ય નથી+

અને દુષ્ટનો દીવો હોલવાઈ જશે.+

૨૧ મારા દીકરા, યહોવાનો અને રાજાનો ડર રાખ+

અને બળવો કરનારાઓ સાથે દોસ્તી ન કર.+

૨૨ કેમ કે તેઓ પર અચાનક આફત આવી પડશે.+

એ બંને* તરફથી આવતા વિનાશની કોને ખબર?+

૨૩ આ વાતો પણ બુદ્ધિમાનોની છે:

ન્યાયમાં પક્ષપાત કરવો સારું નથી.+

૨૪ જે માણસ દુષ્ટને કહે છે, “તું નેક છે,”+

તેને લોકો શ્રાપ આપશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.

૨૫ પણ દુષ્ટને ઠપકો આપનારનું ભલું થશે+

અને તેને ઘણા આશીર્વાદો મળશે.+

૨૬ પ્રમાણિક રીતે જવાબ આપનારને લોકો આદર આપશે.*+

૨૭ પહેલા તારું બહારનું કામ કર અને તારું ખેતર તૈયાર કર,

પછી તારું ઘર બાંધ.*

૨૮ કોઈ સાબિતી વગર તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન આપ.+

તારા હોઠોથી બીજાઓને છેતરીશ નહિ.+

૨૯ તું એવું ન કહે, “જેવું તેણે કર્યું, એવું જ હું તેને કરીશ,

હું એકેએક વાતનો બદલો લઈશ.”+

૩૦ હું આળસુના ખેતર આગળથી પસાર થયો,+

અક્કલ વગરના માણસની દ્રાક્ષાવાડી પાસેથી ગયો.

૩૧ મેં જોયું કે ત્યાં જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું,

આખી જમીન ઝાડી-ઝાંખરાંથી* ઢંકાઈ ગઈ હતી

અને પથ્થરની દીવાલ તૂટી ગઈ હતી.+

૩૨ મેં એ બધું જોયું, એના પર વિચાર કર્યો.

એના પરથી મેં આ બોધપાઠ લીધો:

૩૩ જા, હજી થોડું સૂઈ જા, એકાદ ઝોકું મારી લે,

ટૂંટિયું વાળીને થોડો આરામ કરી લે!

૩૪ એવું કરીશ તો લુટારાની જેમ અચાનક ગરીબી આવી પડશે,

હથિયાર લઈને આવેલા ચોરની જેમ તંગી તારા પર હુમલો કરશે.+

૨૫ યહૂદાના રાજા હિઝકિયાના+ માણસોએ નકલ કરેલાં* સુલેમાનનાં બીજાં નીતિવચનો:*+

 ૨ કોઈ વાતને ગુપ્ત રાખવામાં ઈશ્વરનો મહિમા છે+

અને કોઈ વાતને શોધી કાઢવામાં રાજાઓનું ગૌરવ છે.

 ૩ જેમ આકાશોની ઊંચાઈ અને પૃથ્વીની ઊંડાઈ માપી શકાતી નથી,

તેમ રાજાઓના દિલમાં શું છે એ જાણી શકાતું નથી.

 ૪ જ્યારે ચાંદીમાંથી અશુદ્ધિ દૂર થાય છે,

ત્યારે એ પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે.+

 ૫ રાજા આગળથી દુષ્ટ માણસને દૂર કર

અને તેની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહેશે.+

 ૬ રાજા આગળ બડાઈઓ ન હાંક+

અને મોટા મોટા લોકો વચ્ચે બેસીશ નહિ.+

 ૭ અધિકારી આગળ રાજા તારું અપમાન કરે એના કરતાં,+

તે તને કહે કે “અહીં ઉપર આવીને બેસ,” એ વધારે સારું.

 ૮ પડોશી પર મુકદ્દમો કરવામાં ઉતાવળ ન કર.

તે તને જૂઠો સાબિત કરશે તો તું શું કરીશ?+

 ૯ તારા પડોશી સાથે તું ભલે વાદવિવાદ કરે,+

પણ તને જણાવેલી ખાનગી વાત* ઉઘાડી ન પાડ,+

૧૦ નહિતર તારા મોઢે ખરાબ વાત* ફેલાશે, તું શબ્દો પાછા ખેંચી નહિ શકે

અને તારી વાત સાંભળનાર તને શરમમાં મૂકશે.

૧૧ યોગ્ય સમયે બોલેલો શબ્દ

ચાંદીની ટોપલીમાં* મૂકેલા સોનાના સફરજન જેવો છે.+

૧૨ બુદ્ધિમાનનો ઠપકો એના સાંભળનાર માટે

સોનાની બુટ્ટી અને શુદ્ધ સોનાનાં ઘરેણાં જેવો છે.+

૧૩ વફાદાર સંદેશવાહક તેના મોકલનાર માટે

કાપણીના ગરમ દિવસોમાં ઠંડા બરફ જેવો છે,

તે પોતાના માલિકને તાજગી આપે છે.+

૧૪ જે માણસ ભેટ આપવાની બડાઈ મારે છે પણ આપતો નથી,+

તે એવાં પવન અને વાદળાં જેવો છે, જે વરસાદ લાવતાં નથી.

૧૫ ધીરજથી અધિકારીનું દિલ જીતી લેવાય છે

અને માયાળુ શબ્દો* હાડકું ભાંગે છે.+

૧૬ જો તને મધ મળે, તો જરૂર હોય એટલું જ ખા.

જો તું વધારે ખાઈશ, તો તારે એ ઓકી કાઢવું પડશે.+

૧૭ કોઈકના* ઘરે વારંવાર ન જા,

નહિતર તે તારાથી કંટાળી જશે અને તને ધિક્કારશે.

૧૮ પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર માણસ

યુદ્ધમાં વપરાતા દંડા, તલવાર અને તીક્ષ્ણ તીર જેવો છે.+

૧૯ આફતના સમયે અવિશ્વાસુ* પર ભરોસો રાખવો

તૂટેલા દાંત અને લથડતા પગ પર ભરોસો રાખવા જેવું છે.

૨૦ ઉદાસ માણસ આગળ ગીતો ગાવાં+

ઠંડીમાં પોતાનાં કપડાં કાઢી નાખવા જેવું

અને ખાર* પર સરકો રેડવા જેવું છે.

૨૧ જો તારો દુશ્મન* ભૂખ્યો હોય, તો તેને ખાવા રોટલી આપ,

જો તે તરસ્યો હોય, તો તેને પીવા પાણી આપ.+

૨૨ આમ તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ*+

અને યહોવા તને ઇનામ આપશે.

૨૩ ઉત્તરનો પવન ધોધમાર વરસાદ લાવે છે

અને બીજાની પંચાત કરતી જીભ ગુસ્સો ભડકાવે છે.+

૨૪ ઝઘડાળુ* પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+

ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું.

૨૫ દૂર દેશથી આવેલા સારા સમાચાર+

થાકેલા જીવ* માટે ઠંડા પાણી જેવા છે.

૨૬ દુષ્ટ આગળ નમતું જોખનાર* નેક માણસ

કાદવથી ભરેલા ઝરા અને ગંદા પાણીના કૂવા જેવો છે.

૨૭ જેમ વધારે પડતું મધ ખાવું સારું નથી,+

તેમ પોતાનો જ મહિમા શોધવો પણ સારું નથી.+

૨૮ ગુસ્સા પર કાબૂ ન રાખનાર માણસ+

તૂટેલા કોટવાળા શહેર જેવો છે.

૨૬ જેમ ઉનાળામાં બરફ અને કાપણીમાં વરસાદ શોભતો નથી,

તેમ મૂર્ખને આદર શોભતો નથી.+

 ૨ જેમ પક્ષીને અને અબાબીલને ઊડી જવાનું કારણ હોય છે,

તેમ શ્રાપ આપવા માટે પણ કોઈ ને કોઈ કારણ હોય છે.*

 ૩ ઘોડા માટે ચાબુક અને ગધેડા માટે લગામ હોય છે+

અને મૂર્ખની પીઠ માટે સોટી હોય છે.+

 ૪ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ,

નહિતર તારામાં અને તેનામાં શો ફરક રહેશે?*

 ૫ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ આપ,

જેથી તે પોતાને બહુ બુદ્ધિશાળી ન સમજે.+

 ૬ જે માણસ મૂર્ખને કોઈ કામ સોંપે છે,

તે પોતાના જ પગ પર કુહાડી મારે છે.*

 ૭ મૂર્ખનાં સુવાક્યો લંગડાના પગની* જેમ નકામાં હોય છે.+

 ૮ મૂર્ખને માન આપવું

ગોફણ સાથે પથ્થર બાંધવા જેવું છે.+

 ૯ મૂર્ખનાં સુવાક્યો દારૂડિયાના હાથમાં કાંટાની ઝાડી જેવાં છે.

૧૦ મૂર્ખને કે રાહદારીને મજૂરીએ રાખનાર માણસ

આડેધડ તીર ચલાવનાર* તીરંદાજ જેવો છે.

૧૧ જેમ કૂતરો પોતાની ઊલટી ચાટવા પાછો જાય છે,

તેમ મૂર્ખ એકની એક મૂર્ખાઈ વારંવાર કરે છે.+

૧૨ શું તેં એવો કોઈ માણસ જોયો છે, જે પોતાને બહુ બુદ્ધિશાળી સમજે છે?+

એના કરતાં તો મૂર્ખને સુધારવો વધારે સહેલું છે.*

૧૩ આળસુ કહે છે, “રસ્તા પર સિંહ છે,

ચોકમાં સિંહ ઊભો છે!”+

૧૪ જેમ બારણું મિજાગરાં પર ફર્યા કરે છે,

તેમ આળસુ માણસ પથારીમાં આળોટ્યા કરે છે.+

૧૫ આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,

પણ મોંમાં કોળિયો મૂકતાંય તેને થાક લાગે છે.+

૧૬ આળસુને લાગે છે કે તે બહુ બુદ્ધિશાળી છે,

યોગ્ય જવાબ આપતા સાત માણસો કરતાં પણ બુદ્ધિશાળી છે.

૧૭ જે માણસ* પારકાનો ઝઘડો જોઈને ઊકળી ઊઠે છે,*+

તે કૂતરાના કાન પકડનાર જેવો છે.

૧૮ ગાંડો માણસ સળગતાં તીર અને જીવલેણ ભાલા ફેંકે છે

૧૯ અને જે માણસ પોતાના પડોશીને છેતરીને કહે છે, “હું તો મજાક કરતો હતો!” તે પેલા ગાંડા જેવો જ છે.+

૨૦ લાકડું ન હોય તો આગ બુઝાઈ જાય છે

અને નિંદાખોર ન હોય તો ઝઘડો શમી જાય છે.+

૨૧ જેમ કોલસો અંગારાને અને લાકડું આગને ભડકાવે છે,

તેમ કજિયાખોર માણસ ઝઘડાની આગ ચાંપે છે.+

૨૨ કાન ભંભેરણી કરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે,

એ તરત પેટમાં ઊતરી જાય છે.+

૨૩ દુષ્ટના દિલમાંથી નીકળેલા પ્રેમાળ શબ્દો,

ચાંદીનું પાણી ચઢાવેલા ઠીકરા જેવા છે.+

૨૪ બીજાઓને ધિક્કારતો માણસ માયાળુ શબ્દો તો બોલે છે,

પણ દિલમાં કપટ ભરી રાખે છે.

૨૫ ભલે તે મીઠી મીઠી વાતો કરે, પણ તેનો ભરોસો ન કર,

કેમ કે તેનું દિલ સાત દુષ્ટ વાતોથી ભરેલું છે.*

૨૬ ભલે તે જૂઠું બોલીને નફરત છુપાવે,

પણ તેની દુષ્ટતા લોકો* આગળ ખુલ્લી પડશે.

૨૭ જે બીજા માટે ખાડો ખોદે છે, તે પોતે જ એમાં પડશે.

જે માણસ પથ્થર ગબડાવે છે, તેના પર જ એ પથ્થર આવી પડશે.+

૨૮ જૂઠાબોલી જીભ એનો ભોગ બનનારને ધિક્કારે છે

અને ખુશામત કરનાર મોં બરબાદી લાવે છે.+

૨૭ તું કાલે શું કરીશ એ વિશે ડંફાસ ન માર.

કેમ કે કાલે શું થશે એ તું જાણતો નથી.+

 ૨ ભલે લોકો* તારી પ્રશંસા કરે, તું તારા મોઢે પોતાની પ્રશંસા ન કર,

ભલે લોકો* તારી વાહ વાહ કરે, તું તારા હોઠે પોતાની વાહ વાહ ન કર.+

 ૩ પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે,

પણ એ બંને કરતાં મૂર્ખનો ત્રાસ વધારે ભારે હોય છે.+

 ૪ ક્રોધ ક્રૂર હોય છે અને ગુસ્સો પૂર જેવો વિનાશક હોય છે,

પણ ઈર્ષા* સામે કોણ ટકી શકે?+

 ૫ છુપાયેલા પ્રેમ કરતાં મોઢા પર આપેલો ઠપકો વધારે સારો.+

 ૬ દુશ્મનનાં ઘણાં* ચુંબનો કરતાં

વફાદાર દોસ્તે આપેલા જખમો વધારે સારા.+

 ૭ ધરાયેલો માણસ તાજું મધ પણ ખાવાની ના પાડે છે,

જ્યારે ભૂખ્યા માણસને કડવો ખોરાક પણ મીઠો લાગે છે.

 ૮ ઘર છોડીને જતો રહેલો માણસ

માળો છોડીને ઊડી ગયેલા પક્ષી જેવો છે.

 ૯ જેમ તેલ અને ધૂપથી* દિલ ખુશ થાય છે,

તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.+

૧૦ તારા મિત્રને કે તારા પિતાના મિત્રને ત્યજીશ નહિ,

તારા પર આફત આવે ત્યારે તારા ભાઈના ઘરે પગ મૂકીશ નહિ.

દૂર રહેતા ભાઈ કરતાં નજીક રહેતો પડોશી વધારે સારો.+

૧૧ મારા દીકરા, બુદ્ધિમાન થા અને મારા દિલને ખુશ કર,+

જેથી મને મહેણાં મારનારને* હું જવાબ આપી શકું.+

૧૨ શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે,+

પણ ભોળો* માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો* ભોગવે છે.

૧૩ જો કોઈ માણસ અજાણ્યાનો જામીન બને,* તો તું તેનું વસ્ત્ર ગીરવે લે,

પણ જો તે વ્યભિચારી સ્ત્રીને* લીધે કશું ગીરવે મૂકે, તો તેને એ પાછું ન આપ.+

૧૪ જો કોઈ માણસ સવાર સવારમાં પોતાના સાથીને મોટા અવાજે આશીર્વાદ આપે,

તો એ આશીર્વાદ પણ તેને શ્રાપ જેવો લાગશે.

૧૫ ઝઘડાળુ* પત્ની ચોમાસામાં સતત ટપકતી છત જેવી છે.+

૧૬ જે કોઈ તેને કાબૂમાં રાખી શકે છે,

તે પવનને રોકી શકે છે અને જમણા હાથમાં તેલ પકડી શકે છે.

૧૭ જેમ લોઢું લોઢાને તેજદાર બનાવે છે,

તેમ એક મિત્ર બીજા મિત્રને* તેજદાર બનાવે છે.+

૧૮ અંજીરીની સંભાળ રાખનાર એનાં ફળ ખાશે+

અને માલિકની કાળજી રાખનાર માન મેળવશે.+

૧૯ જેમ માણસ પાણીમાં પોતાનો ચહેરો જુએ છે,

તેમ એક માણસ બીજાના દિલમાં પોતાનું દિલ જુએ છે.

૨૦ જેમ કબર અને વિનાશની જગ્યા* કદી ધરાતી નથી,+

તેમ માણસની આંખો પણ કદી ધરાતી નથી.

૨૧ ચાંદી ગાળવા કુલડી* અને સોનું ગાળવા ભઠ્ઠી હોય છે,+

પણ માણસની પરખ તેને મળતી પ્રશંસાથી થાય છે.

૨૨ જો તું મૂર્ખને અનાજની જેમ સાંબેલાથી ખાંડે,

તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી નહિ પડે.

૨૩ તારાં ઘેટાંનું ટોળું કેવી હાલતમાં છે એની ખબર રાખ.*

તારાં ઘેટાંની સારી સંભાળ રાખ.*+

૨૪ ધનદોલત હંમેશાં રહેતી નથી+

અને મુગટ પેઢી દર પેઢી ટકતો નથી.

૨૫ લીલું ઘાસ જતું રહે છે અને નવું ઘાસ આવે છે,

પહાડ પરની લીલોતરી ચારા માટે ભેગી કરવામાં આવે છે.

૨૬ ઘેટાંના ઊનથી તને કપડાં મળશે

અને બકરાંની કિંમતથી તું ખેતર ખરીદી શકીશ.

૨૭ તારી બકરીઓ ઘણું દૂધ આપશે,

તને, તારા કુટુંબને અને તારી દાસીઓને પોષણ મળશે.

૨૮ કોઈ પીછો કરતું ન હોય તોપણ દુષ્ટ લોકો ભાગે છે,

પણ નેક લોકો સિંહ જેવા હિંમતવાન હોય છે.+

 ૨ ગુનાથી* ભરેલા દેશમાં અધિકારીઓ બદલાતા રહે છે,+

પણ સમજુ અને જ્ઞાની સલાહકારની મદદથી અધિકારી* લાંબો સમય ટકે છે.+

 ૩ લાચારને છેતરનાર ગરીબ માણસ+

ફસલને તાણી જનાર વરસાદ જેવો છે.

 ૪ નિયમ તોડનાર લોકો દુષ્ટની પ્રશંસા કરે છે ત્યારે,

તેઓ પર નિયમ પાળનારા ગુસ્સે ભરાય છે.+

 ૫ દુષ્ટ લોકો ન્યાય સમજતા નથી,

પણ યહોવાનું માર્ગદર્શન શોધનાર લોકો બધું સમજી શકે છે.+

 ૬ અવળે માર્ગે ચાલનાર ધનવાન કરતાં+

પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.

 ૭ સમજુ દીકરો નિયમ પાળે છે,

પણ ખાઉધરાનો મિત્ર પિતાનું અપમાન કરે છે.+

 ૮ બેઈમાનીથી અને ઊંચું વ્યાજ લઈને ધનવાન થયેલો માણસ,+

ગરીબને કૃપા બતાવનાર માણસ માટે પોતાનું ધન ભેગું કરે છે.+

 ૯ જે નિયમ પાળવાનો નકાર કરે છે,

તેની પ્રાર્થના પણ ધિક્કારને લાયક છે.+

૧૦ નેકને ખોટા માર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડે છે,+

પણ નિર્દોષને* વારસામાં સારી વસ્તુઓ મળે છે.+

૧૧ અમીર પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે,+

પણ તે ખરેખર કેવો છે એ સમજુ ગરીબ પારખી લે છે.+

૧૨ નેક માણસ જીતે ત્યારે લોકો આનંદ-ઉલ્લાસ કરે છે,*

પણ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે.+

૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+

પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+

૧૪ સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે,*

પણ હૃદય કઠોર કરનાર પર આફત આવી પડશે.+

૧૫ લાચાર લોકો પર રાજ કરતો દુષ્ટ શાસક,+

ગર્જના કરનાર સિંહ અને હુમલો કરનાર રીંછ જેવો છે.

૧૬ અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+

પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+

૧૭ ખૂની માણસ* કબરમાં* જતા સુધી નાસતો ફરે છે,+

તેને કોઈએ મદદ કરવી નહિ.

૧૮ સીધા માર્ગે ચાલનારને* બચાવવામાં આવશે,+

પણ અવળે માર્ગે ચાલનાર અચાનક પડી જશે.+

૧૯ ખેતર ખેડનારને પુષ્કળ ખોરાક મળશે,

પણ નકામી વસ્તુઓ પાછળ ભાગનાર પર ગરીબી આવી પડશે.+

૨૦ વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે,+

પણ જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.+

૨૧ ભેદભાવ કરીને કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,+

પણ રોટલીના એક ટુકડા માટે માણસ ખોટું કામ કરે છે.

૨૨ ઈર્ષાળુ* માણસ સંપત્તિ પાછળ ભાગે છે,

પણ પોતાના પર ગરીબી આવી પડશે એ તે જાણતો નથી.

૨૩ ખુશામત કરનાર માણસ કરતાં

ઠપકો આપનાર+ છેવટે વધારે વહાલો લાગશે.+

૨૪ જે પોતાનાં માબાપને લૂંટીને કહે છે, “એમાં કંઈ ખોટું નથી!”+

તે બરબાદી લાવનારનો સાથીદાર છે.+

૨૫ લાલચુ* માણસ ઝઘડા ઊભા કરે છે,

પણ યહોવા પર ભરોસો રાખનાર આબાદ* થશે.+

૨૬ પોતાના હૃદય પર ભરોસો રાખનાર માણસ મૂર્ખ છે,+

પણ બુદ્ધિના માર્ગે ચાલનાર બચી જશે.+

૨૭ જે માણસ ગરીબને કંઈક આપે છે, તેને કશાની ખોટ પડશે નહિ,+

પણ જે તેનાથી મોં ફેરવી લે છે, તેને લોકો શ્રાપ આપશે.

૨૮ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે,

પણ તેનો અંત આવે ત્યારે નેક લોકો આબાદ થાય છે.+

૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,*+

તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+

 ૨ નેક લોકો વધે ત્યારે લોકો આનંદ કરે છે,

પણ દુષ્ટના રાજમાં લોકો નિસાસા નાખે છે.+

 ૩ બુદ્ધિને ચાહનાર માણસ પિતાને ખુશ કરે છે,+

પણ વેશ્યાની સંગત રાખનાર બધી સંપત્તિ ઉડાવી દે છે.+

 ૪ ન્યાયથી રાજા દેશને સ્થિર કરે છે,+

પણ લાંચ લેનાર માણસ દેશને બરબાદ કરે છે.

 ૫ જે માણસ પડોશીની ખુશામત કરે છે,

તે પડોશીના પગ માટે જાળ પાથરે છે.+

 ૬ ખરાબ માણસના ગુનાઓ તેને ફાંદામાં ફસાવે છે,+

પણ નેક માણસ ખુશીનો પોકાર કરે છે અને નાચી ઊઠે છે.+

 ૭ નેક માણસને ગરીબના કાનૂની હકની ચિંતા હોય છે,+

પણ દુષ્ટને એની કંઈ પડી હોતી નથી.+

 ૮ બડાઈ હાંકનારા લોકો આખા ગામમાં આગ ચાંપે છે+

પણ બુદ્ધિમાન લોકો ગુસ્સો શાંત પાડે છે.+

 ૯ મૂર્ખ પર મુકદ્દમો કરીને બુદ્ધિમાન પોતાની શાંતિ ગુમાવે છે,

કેમ કે મૂર્ખ ગુસ્સે ભરાય છે અને મજાક ઉડાવે છે.+

૧૦ લોહીના તરસ્યા લોકો નિર્દોષને* ધિક્કારે છે,+

તેઓ નેક માણસનો જીવ લેવા મથે છે.*

૧૧ મૂર્ખ પોતાના મનની ભડાસ બહાર કાઢે છે,+

પણ બુદ્ધિમાન ગુસ્સા પર કાબૂ રાખે છે.+

૧૨ જ્યારે અધિકારી જૂઠાણાં પર ધ્યાન આપે છે,

ત્યારે તેના બધા સેવકો દુષ્ટ બને છે.+

૧૩ ગરીબ અને તેના પર જુલમ કરનારમાં એક વાત સામાન્ય છે,*

યહોવા એ બંનેની આંખોને રોશની આપે છે.*

૧૪ જે રાજા ગરીબનો સાચો ન્યાય કરે છે,+

તેની રાજગાદી હંમેશાં સલામત રહેશે.+

૧૫ સોટી* અને ઠપકો બુદ્ધિ આપે છે,+

પણ જે બાળક પર કોઈ રોકટોક ન હોય,

તે પોતાની માને શરમમાં મૂકે છે.

૧૬ દુષ્ટો વધે ત્યારે ગુના વધે છે,

પણ નેક લોકો તેઓની બરબાદી જોશે.+

૧૭ તારા દીકરાને શિસ્ત આપ, એટલે તે તને તાજગી આપશે

અને તારા દિલને ખુશ કરશે.+

૧૮ ઈશ્વરનું માર્ગદર્શન* ન હોય તો લોકો મનમાની કરે છે,+

પણ નિયમ પાળનારા લોકો સુખી છે.+

૧૯ ચાકર ફક્ત શબ્દોથી સુધરતો નથી,

કેમ કે તે સમજે તો છે, પણ કંઈ માનતો નથી.+

૨૦ શું તેં એવો કોઈ માણસ જોયો છે, જે વિચાર્યા વગર બોલે છે?+

એના કરતાં તો મૂર્ખને સુધારવો વધારે સહેલું છે.*+

૨૧ જો ચાકરને બાળપણથી માથે ચઢાવવામાં આવે,

તો સમય જતાં તે ઉપકાર ભૂલી જશે.

૨૨ ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે+

અને વાતે વાતે ગુસ્સે થનાર ઘણા અપરાધ કરી બેસે છે.+

૨૩ માણસનું ઘમંડ તેને નીચે પાડશે,+

પણ નમ્ર માણસને ઊંચો કરવામાં આવશે.*+

૨૪ ચોરનો ભાગીદાર પોતે આફત વહોરી લે છે.

સાક્ષી આપવા બોલાવો તોપણ* તે મોં ખોલતો નથી.+

૨૫ માણસોનો ડર એક ફાંદો છે,+

પણ યહોવા પર ભરોસો રાખનારનું રક્ષણ થશે.+

૨૬ અધિકારી પાસે જવા* ઘણા લોકો પ્રયત્નો કરે છે,

પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળે છે.+

૨૭ નેક માણસ અન્યાય કરનારને ધિક્કારે છે,+

પણ દુષ્ટ માણસ સાચા માર્ગે ચાલનારને ધિક્કારે છે.+

૩૦ યાકેહના દીકરા આગૂરનો મહત્ત્વનો સંદેશો. એ સંદેશો તેણે ઇથીએલ અને ઉક્કાલને આપ્યો હતો.

 ૨ હું બીજાઓ કરતાં વધારે અજ્ઞાની છું,+

લોકોમાં જે સમજણ હોવી જોઈએ એ મારામાં નથી.

 ૩ હું બુદ્ધિની વાતો શીખ્યો નથી,

પરમ પવિત્ર ઈશ્વર પાસે છે એટલું જ્ઞાન મારી પાસે નથી.

 ૪ કોણ સ્વર્ગમાં ચઢ્યું છે અને ત્યાંથી નીચે ઊતર્યું છે?+

કોણે પોતાના ખોબામાં પવન ભર્યો છે?

કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી રાખ્યું છે?+

કોણે પૃથ્વીની સીમાઓ ઠરાવી છે?*+

તેનું નામ શું છે? તેના દીકરાનું નામ શું છે?

તને ખબર હોય તો એનો જવાબ આપ.

 ૫ ઈશ્વરનો એકેએક શબ્દ શુદ્ધ* છે.+

તેમની શરણે જનાર લોકો માટે તે ઢાલ છે.+

 ૬ તેમની વાતોમાં એકેય શબ્દ ઉમેરીશ નહિ,+

નહિતર તે તને ઠપકો આપશે

અને તું જૂઠો સાબિત થઈશ.

 ૭ હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન માંગું છું,

મારા જીવતેજીવ મારી અરજ પૂરી કરો.

 ૮ અસત્ય અને જૂઠ મારાથી દૂર કરો.+

મને ગરીબી ન આપો કે અમીરી પણ ન આપો.

મને ફક્ત મારા હિસ્સાનું ભોજન આપો,+

 ૯ જેથી એવું ન થાય કે હું ધરાઈ જાઉં અને તમારો નકાર કરું અને કહું, “યહોવા કોણ છે?”+

એવું પણ ન થાય કે હું ગરીબ થઈ જાઉં અને ચોરી કરું અને મારા ઈશ્વરના નામને બદનામ કરું.

૧૦ * તું માલિક આગળ તેના ચાકરની ચાડી ન કર,

નહિતર ચાકર તને શ્રાપ આપશે અને તું અપરાધી ઠરીશ.+

૧૧ એક એવી પેઢી છે જે પિતાને શ્રાપ આપે છે

અને માતાને આશીર્વાદ આપતી નથી.+

૧૨ એક એવી પેઢી છે જે પોતાને બહુ શુદ્ધ ગણે છે,+

પણ તેની ગંદકી* સાફ કરવામાં આવી નથી.

૧૩ એક એવી પેઢી છે જેની આંખો ઘમંડી છે

અને જે બીજાને તિરસ્કારની નજરે જુએ છે.+

૧૪ એક એવી પેઢી છે જેના દાંત તલવાર જેવા છે

અને જડબાં ધારદાર છરી જેવાં છે.

તે પૃથ્વીના દીન-દુખિયાને ફાડી ખાય છે

અને ગરીબોને ભરખી જાય છે.+

૧૫ જળોને* બે દીકરીઓ છે, જે રડીને કહે છે, “મને આપ! મને આપ!”

ત્રણ બાબતો એવી છે જે કદી ધરાતી નથી,

હા, ચાર એવી છે જે કદી કહેતી નથી, “બસ થયું!”

૧૬ કબર,*+ વાંઝણી સ્ત્રીની કૂખ,

પાણી વગરની સૂકી જમીન,

અને આગ જે કદી કહેતી નથી, “બસ થયું!”

૧૭ જે માણસ પિતાની મજાક ઉડાવે છે અને માતાની આજ્ઞાને ગણકારતો નથી,+

તેની આંખોને ખીણના કાગડા કોચી ખાશે

અને ગરુડનાં બચ્ચાં એ ખાઈ જશે.+

૧૮ ત્રણ બાબતો એવી છે જે મારી સમજશક્તિની બહાર છે,*

હા, ચાર એવી છે જે હું સમજતો નથી:

૧૯ આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ,

પથ્થર પર સરકતા સાપની ચાલ,

દરિયો ખેડતા વહાણનો રસ્તો

અને યુવતી સાથે યુવાનનો વ્યવહાર.

૨૦ વ્યભિચારી સ્ત્રીનો માર્ગ આવો છે:

તે ખાય છે અને મોં લૂછી નાખે છે,

પછી કહે છે, “મેં કંઈ ખોટું કર્યું નથી.”+

૨૧ ત્રણ બાબતો એવી છે જેના લીધે પૃથ્વી ધ્રૂજે છે,

હા, ચાર એવી છે જેને એ સહન કરી શકતી નથી:

૨૨ ગુલામનું રાજા બનવું,+

મૂર્ખનું પેટ ભરીને ખાવું,

૨૩ લોકો નફરત કરતા હોય* એવી સ્ત્રીનું પરણવું

અને દાસીએ શેઠાણીનું સ્થાન લેવું.+

૨૪ પૃથ્વી પર ચાર જીવો ખૂબ નાના છે,

પણ અતિશય બુદ્ધિશાળી છે:*+

૨૫ કીડીઓ શક્તિશાળી* નથી,

છતાં ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે.+

૨૬ ખડકોમાં રહેતાં સસલાં*+ બળવાન* નથી,

છતાં પથ્થરોની બખોલમાં પોતાનું ઘર બનાવે છે.+

૨૭ તીડોનો+ કોઈ રાજા નથી,

છતાં તેઓ સેનાની જેમ આગળ વધે છે.+

૨૮ ગરોળી*+ પંજાના સહારે દીવાલને ચોંટી રહે છે

અને તે રાજાના મહેલમાં ફરે છે.

૨૯ ત્રણ જીવો એવા છે જેઓ વટથી ચાલે છે,

હા, ચાર એવા છે જેઓ શાનથી ચાલે છે:

૩૦ સિંહ, જે પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી છે,

ભલે કોઈ પણ સામે આવે, તે પાછો હટતો નથી;+

૩૧ શિકારી કૂતરો; બકરો;

અને સેના આગળ ચાલતો રાજા.

૩૨ જો તેં પોતાને ઊંચો કરવાની મૂર્ખતા કરી હોય+

અથવા એમ કરવાનું કાવતરું ઘડ્યું હોય,

તો તારા મોં પર હાથ મૂકીને ચૂપ થઈ જા.+

૩૩ કેમ કે જેમ દૂધ વલોવવાથી માખણ નીકળે છે,

જેમ નાક મચકોડવાથી લોહી નીકળે છે,

તેમ ગુસ્સો ભડકાવવાથી ઝઘડો ઊભો થાય છે.+

૩૧ આ મહત્ત્વની વાતો રાજા લમુએલની છે, જે તેની માતાએ તેને શીખવી હતી:+

 ૨ હે મારા દીકરા, હું તને શું કહું?

મારી કૂખે જન્મેલા દીકરા, તને શું જણાવું?

મારી માનતાઓના દીકરા, તને શું સમજાવું?+

 ૩ સ્ત્રીઓ પાછળ તારી શક્તિ વેડફીશ નહિ,+

રાજાઓને બરબાદ કરતા રસ્તા પર તું ચાલીશ નહિ.+

 ૪ લમુએલ, દ્રાક્ષદારૂ પીવો રાજાઓને શોભતું નથી,

“મારો દારૂ ક્યાં છે?” એવું પૂછવું અધિકારીઓને શોભતું નથી.+

 ૫ એવું ન થાય કે તેઓ દ્રાક્ષદારૂ પીએ અને કાયદા-કાનૂન ભૂલી જાય

અને દીન-દુખિયાને અન્યાય કરે.*

 ૬ જે મરવાની અણીએ હોય તેને શરાબ આપ,+

જેનું મન બહુ દુઃખી હોય તેને દ્રાક્ષદારૂ આપ.+

 ૭ તેઓને પીવા દે, જેથી તેઓ પોતાની ગરીબી ભૂલી જાય

અને પોતાની મુશ્કેલીઓ યાદ ન કરે.

 ૮ જેઓ અવાજ ઉઠાવી શકતા નથી તેઓ વતી બોલ

અને જેઓ મરવાની અણીએ છે તેઓના હક માટે લડ.+

 ૯ ચૂપ રહીશ નહિ, સાચો ન્યાય કર,

લાચાર અને ગરીબના હક માટે લડ.+

א [આલેફ]

૧૦ સારી* પત્ની કોને મળે?+

તેનું મૂલ્ય કીમતી રત્નો* કરતાં પણ ઘણું વધારે છે.

ב [બેથ]

૧૧ તેનો પતિ પૂરા દિલથી તેના પર ભરોસો રાખે છે,

તેના પતિને કશાની ખોટ પડતી નથી.

ג [ગિમેલ]

૧૨ તે જીવનભર પોતાના પતિનું ભલું કરે છે,

તે કદી તેનું ખરાબ કરતી નથી.

ד [દાલેથ]

૧૩ તે ઊન અને શણ ભેગું કરે છે,

તે ખુશી ખુશી પોતાના હાથે કામ કરે છે.+

ה [હે]

૧૪ તે વેપારીનાં વહાણો જેવી છે.+

તે દૂરથી ખાવા-પીવાની વસ્તુઓ લાવે છે.

ו [વાવ]

૧૫ વહેલી સવારે, હજી તો અંધારું હોય એવામાં તે ઊઠી જાય છે,

તે ઘરના લોકોને ખાવાનું આપે છે

અને દાસીઓને પણ તેઓનો હિસ્સો વહેંચી આપે છે.+

ז [ઝાયિન]

૧૬ તે જમીનનો ટુકડો ખરીદવાનું વિચારે છે અને એ ખરીદી લે છે,

તે પોતાની મહેનતથી* દ્રાક્ષાવાડી રોપે છે.

ח [હેથ]

૧૭ તે મહેનતનું કામ કરવા કમર કસે છે+

અને પોતાના હાથ મજબૂત કરે છે.

ט [ટેથ]

૧૮ તે વેપારમાં નફો થાય એનું ધ્યાન રાખે છે

અને તેનો દીવો રાતે હોલવાતો નથી.

י [યોદ]

૧૯ તે એક હાથમાં તકલી પકડે છે

અને બીજા હાથથી તરાક ફેરવે છે.*+

כ [કાફ]

૨૦ તે લાચારને મદદ કરવા હાથ લંબાવે છે

અને મુઠ્ઠી ખોલી ગરીબને સહાય કરે છે.+

ל [લામેદ]

૨૧ હિમ પડે ત્યારે તેને કુટુંબની ચિંતા હોતી નથી,

કેમ કે બધાએ પૂરતાં ગરમ* કપડાં પહેર્યાં હોય છે.

מ [મેમ]

૨૨ તે પોતાની ચાદરો જાતે બનાવે છે.

તેનાં કપડાં કીમતી શણ અને જાંબુડિયા રંગના ઊનથી બનેલાં છે.

נ [નૂન]

૨૩ શહેરના દરવાજે તેના પતિને બધા ઓળખે છે,+

તેનો પતિ પોતાના વિસ્તારના વડીલો સાથે બેસે છે.

ס [સામેખ]

૨૪ તે સ્ત્રી શણનાં વસ્ત્રો* બનાવીને વેચે છે,

તે વેપારીઓને જથ્થામાં કમરબંધ વેચે છે.

ע [આયિન]

૨૫ શક્તિ અને વૈભવ તેનો પોશાક છે,

તેને ભવિષ્યની ચિંતા સતાવતી નથી.*

פ [પે]

૨૬ તે બુદ્ધિની વાતો કહે છે,+

તે માયાળુ શબ્દોથી શિખામણ આપે છે.*

צ [સાદે]

૨૭ તે ઘરનાં બધાં કામકાજ પર ધ્યાન રાખે છે,

તે આળસની રોટલી ખાતી નથી.+

ק [કોફ]

૨૮ તેનાં બાળકો ઊભા થઈને તેના વખાણ કરે છે,

તેનો પતિ પણ ઊભો થઈને તેની પ્રશંસા કરે છે.

ר [રેશ]

૨૯ સારી* સ્ત્રીઓ તો ઘણી છે,

પણ તું એ બધા કરતાં ઉત્તમ છે.

ש [શીન]

૩૦ આકર્ષણ છેતરામણું* હોય શકે અને સૌંદર્ય પળ બે પળનું હોય શકે,+

પણ યહોવાનો ડર* રાખનાર સ્ત્રી પ્રશંસા મેળવે છે.+

ת [તાવ]

૩૧ તેની મહેનતનું તેને ઇનામ આપ*+

અને તેનાં કામોને લીધે શહેરના દરવાજે તેની વાહ વાહ થાય.+

અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “ડહાપણ.”

અથવા, “શીખે.” મૂળ, “જાણે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાય કરે; ખરું હોય એ કરે.”

અથવા, “સીધા રસ્તે ચાલે.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “સમજવાની અને વિચારવાની આવડત.”

અથવા, “કુશળ વ્યક્તિ પાસેથી સલાહ.”

અથવા, “વિચારવા પ્રેરે એવી કહેવતો; બોધપાઠ શીખવતી વાર્તાઓ.”

વધારે માહિતી ક-૪ જુઓ.

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખાડામાં જનારની જેમ તેઓને.”

અથવા, “અમારી સાથે તારી ચિઠ્ઠી નાખીને અમારો ભાગીદાર થા.”

અથવા, “બધા વચ્ચે આપણે એક થેલી રાખીશું.”

અથવા, “હું ઠપકો આપું ત્યારે પાછા ફરો.”

મૂળ, “મારી શક્તિ.” એ કદાચ ઈશ્વરની શક્તિથી મળતી બુદ્ધિને બતાવે છે.

મૂળ, “તેઓ.” ની ૧:૨૮-૩૦માં લાગુ પડે છે.

મૂળ, “તેઓએ.”

અથવા, “તમે પોતાની જ સલાહથી ધરાઈ જશો.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “ડહાપણ.”

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

અથવા, “વ્યવહારુ બુદ્ધિનો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

મૂળ, “અજાણી.” દેખીતું છે, એ સ્ત્રી ઈશ્વરે આપેલાં નૈતિક ધોરણો પાળતી નથી.

મૂળ, “પરદેશી.” દેખીતું છે, એ સ્ત્રી ઈશ્વરે આપેલાં નૈતિક ધોરણોથી દૂર છે.

અથવા, “લોભામણી.”

અથવા, “પતિને.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેની સાથે સંબંધ રાખતો માણસ.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “નિર્દોષ.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સત્ય.”

મૂળ, “તારી ડૂંટી.”

અથવા, “કમાણીની.”

મૂળ, “પ્રથમ ફળથી.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ડહાપણ.”

અથવા, “નફામાં બુદ્ધિ મેળવવી.”

અથવા, “પરવાળાં.”

અથવા, “આકાશમાંથી ઝાકળ પડ્યું.”

દેખીતું છે, એ અગાઉની કલમોમાં જણાવેલા ઈશ્વરના ગુણોને બતાવે છે.

અથવા, “વ્યવહારુ બુદ્ધિ.”

અથવા, “સમજવાની અને વિચારવાની આવડતને.”

અથવા, “તેને મદદ કરવાની તારામાં શક્તિ હોય.”

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

અથવા, “પિતાનું કહેવું માનનાર; કહ્યાગરો.”

અથવા, “ડહાપણ.”

અથવા, “બાથમાં ભરી લેજે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “તારા માર્ગનો ધ્યાનથી વિચાર કર.”

મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

મૂળ, “પાપી સ્ત્રીના હોઠ.”

મૂળ, “તેનું મોં.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારા દીકરાઓ.”

અથવા, “પરદેશીઓનાં.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “સમાજ અને મંડળની વચ્ચે.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.

અથવા, “વહેતું.”

મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

અથવા, “પડોશીને બાંહેધરી આપી હોય.”

એટલે કે, તેને મદદ કરવાનું વચન આપ્યું હોય.

અથવા, “સાબર.”

અથવા, “એ તને સલાહ આપશે.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

અથવા, “પોતાની છાતી પર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જખમ.”

અથવા, “છુટકારાની કિંમત; નુકસાની.”

મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

અથવા, “લોભામણી.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “વેશ્યાનાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મિસરથી.”

શબ્દસૂચિ જુઓ.

આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.

મૂળ, “આખલાની.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારા દીકરાઓ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “અંદરના ઓરડા.”

“બુદ્ધિ” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે. અહીં બુદ્ધિને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.

મૂળ, “માણસોના દીકરાઓને.”

અથવા, “બિનઅનુભવી.”

મૂળ, “તમે શાણપણ શીખો.”

અથવા, “સમજુ હૃદય.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પરવાળાં.”

મૂળ, “શાણપણ.”

અથવા, “સમજવાની અને વિચારવાની આવડત.”

અથવા, “વ્યવહારુ બુદ્ધિ.”

અથવા, “કીમતી વારસો.”

અથવા, “અનાદિકાળથી.”

અથવા, “પ્રસવપીડા સાથે મારો જન્મ થયો.”

મૂળ, “વર્તુળ દોર્યું.”

મૂળ, “મજબૂત કર્યાં.”

અથવા, “તેમનો હુકમ.”

અથવા, “માણસોના દીકરાઓને.”

શબ્દસૂચિ જુઓ.

“બુદ્ધિ” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે. અહીં બુદ્ધિને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.

અથવા, “કોતરી કાઢ્યા.”

મૂળ, “તેણે પ્રાણી કાપ્યું છે.”

અથવા, “મસાલેદાર.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “મસાલેદાર.”

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

અથવા, “ડહાપણની.”

અથવા, “બિનઅનુભવી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “માણસની શાખને.”

મૂળ, “નામ સડી જાય છે.”

મૂળ, “આજ્ઞાઓ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “પોતે જીવનના માર્ગ પર છે.”

અથવા, “અફવા ફેલાવનાર.”

મૂળ, “હૃદયની.”

અથવા, “ઘણાને માર્ગદર્શન આપે છે.”

અથવા, “સમૃદ્ધ.”

અથવા, “વેદના; મુશ્કેલી.”

એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.

અથવા, “મોકલનારને.”

અથવા, “અપેક્ષા.”

અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “કદી પડશે નહિ.”

અથવા, “બેઈમાન.”

અથવા, “પણ પથ્થરનાં પૂરાં વજનિયાંથી.”

અથવા, “નમ્ર.”

અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઈશ્વર-વિરોધી; અધર્મી.” શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.

અથવા, “ઊંડી સમજણવાળો.”

અથવા, “કુશળ વ્યક્તિની સલાહ.”

અથવા, “ઉદ્ધાર.”

અથવા, “બાંહેધરી આપનાર.”

અથવા, “સુંદર; સુશીલ.”

અથવા, “અતૂટ પ્રેમ બતાવતો.”

અથવા, “નામોશી.”

મૂળ, “વેરી નાખે છે.”

અથવા, “તગડો.”

મૂળ, “પાણી પાનાર.”

અથવા, “અપમાન.”

મૂળ, “પવનનો વારસો મળશે.”

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

અથવા, “તેનામાં સમજ નથી.”

અથવા, “સદ્‍ગુણી; સક્ષમ.”

મૂળ, “લોહી વહેવડાવવા ટાંપીને બેસે છે.”

મૂળ, “શાંતિની સલાહ આપનાર.”

અથવા, “તેના દિલને કચડી નાખે છે.”

અથવા, “ચરાવવાની જગ્યા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સુધારાને.”

મૂળ, “મહેનતુ માણસ તગડો થાય છે.”

મૂળ, “આનંદ કરે છે.”

અથવા, “સાથે મળીને ચર્ચા-વિચારણા કરનારા.”

અથવા, “બેઈમાનીથી.”

અથવા, “અપેક્ષા.”

અથવા, “વચનને; નિયમને.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “ગરીબ માણસ.”

અથવા, “શિસ્ત આપતો નથી.” મૂળ, “સોટી મારતો નથી.”

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

અથવા કદાચ, “તે તેને તરત શિક્ષા કરે છે.”

અથવા કદાચ, “બીજાઓને છેતરે છે.”

અથવા, “ભૂલ સુધારવાની વાતને.”

અથવા, “સીધા માણસો એકબીજાનું ભલું ચાહે છે.”

અથવા, “કડવાશ.”

મૂળ, “સમૃદ્ધ.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “ઉગ્ર મિજાજનો.”

અથવા, “બિનઅનુભવી.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

અથવા, “શાંત દિલ શરીરને જીવન આપે છે.”

મૂળ, “સમજુ માણસના દિલમાં બુદ્ધિ ચૂપચાપ રહે છે.”

અથવા, “કોમળ.”

અથવા, “દુઃખ પહોંચાડતા.”

અથવા, “રૂઝ લાવનાર જીભ.”

મૂળ, “મન કચડી નાખે છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઊપજ.”

અથવા, “માણસને શિસ્ત આકરી લાગે છે.”

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.

મૂળ, “સમજુ દિલ.”

અથવા, “મૂર્ખનું મોં મૂર્ખાઈ પાછળ ભાગે છે.”

અથવા, “મૂંઝવણ.”

મૂળ, “તાજો-માજો બળદ.”

મૂળ, “થોડી શાકભાજી.”

અથવા, “કાંટાની વાડ જેવો છે.”

અથવા, “ખુલ્લા મને ચર્ચા કર્યા વગરની.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “સરહદનું.”

અથવા, “અપમાન.”

અથવા, “કઈ રીતે જવાબ આપવો એ વિચારે છે; મનન કરીને જવાબ આપે છે.”

અથવા, “મહેરબાનીથી.”

મૂળ, “હાડકાંને પુષ્ટ કરે છે.”

મૂળ, “હૃદય.”

અથવા, “પણ ખરો જવાબ.”

મૂળ, “શુદ્ધ.”

અથવા, “બનાવ્યા છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે.”

અથવા, “નેક વાણીથી.”

અથવા, “રાજા ગુસ્સે થાય ત્યારે ત્યાંથી નીકળી જાય છે.”

વધારે માહિતી ખ-૧૫ જુઓ.

મૂળ, “બતાવનારનું ભલું.”

અથવા, “દિલને સ્પર્શે એવા શબ્દોથી.”

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

અથવા, “સ્વાદમાં.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

મૂળ, “તેનું મોં.”

અથવા, “મુશ્કેલી ઊભી કરનાર.”

મૂળ, “હોઠ દબાવે છે.”

અથવા, “સુંદરતાનો.”

મૂળ, “પોતાના પર રાજ કરનાર.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “બલિદાનો ખાવા.”

ચાંદી ઓગાળવા અને શુદ્ધ કરવા વપરાતું માટીનું હાંડલું.

અથવા, “દીકરાઓનું.”

અથવા, “માતા-પિતા.”

અથવા, “નેક.”

અથવા, “બરકત લાવતા પથ્થર.”

મૂળ, “ઢાંકે છે.”

અથવા, “નદી પરના બંધના દરવાજા ખોલવા જેવું છે.”

અથવા, “દિલ; અક્કલ.”

અથવા, “બાંહેધરી આપે.”

અથવા, “તે સફળ થતો નથી.”

અથવા, “ઘા રૂઝવે છે.”

અથવા, “હાડકાં સૂકવી નાખે છે; તાકાત ચૂસી લે છે.”

મૂળ, “ખોળામાંથી.”

મૂળ, “કડવાશથી ભરી દે છે.”

અથવા, “દંડ કરવો.”

મૂળ, “વ્યવહારુ બુદ્ધિનો.”

અથવા, “તુચ્છ ગણે છે.”

મૂળ, “તેના હોઠ તેના જીવ માટે ફાંદો છે.”

મૂળ, “નેક માણસને ઊંચો કરવામાં આવે છે.” એટલે કે, તે સહીસલામત છે અને તેના સુધી કોઈ પહોંચી શકતું નથી.

અથવા, “ભારે નિરાશામાં ડૂબી જાય.”

અથવા, “તેની ઊલટતપાસ કરે છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મહેર; મંજૂરી.”

અથવા, “જે નજીકનો સંબંધ રાખે છે; જે વફાદારી નિભાવે છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઉદાર.”

મૂળ, “હૃદય.”

મૂળ, “તેનું ભલું થાય છે.”

અથવા, “દરગુજર; માફ.”

અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

અથવા, “પોતાના માર્ગો પર ધ્યાન ન આપનાર.”

અથવા, “બદલો વાળી આપશે.”

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

અથવા, “તેના મોતની ઇચ્છા ન રાખ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઇચ્છા; સલાહ.”

અથવા, “અતૂટ પ્રેમ.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

અથવા, “આતંક.”

અથવા કદાચ, “તે કાપણીના સમયે શોધશે, પણ તેને કંઈ નહિ મળે.”

અથવા, “ઇરાદા.” મૂળ, “સલાહ.”

અથવા, “અતૂટ પ્રેમ.” શબ્દસૂચિમાં “અતૂટ પ્રેમ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “દીકરાઓ.”

અથવા, “જુદી પાડે છે.”

અથવા, “એક જ માપ માટે પથ્થરનાં બે અલગ અલગ વજનિયાં અને બે અલગ અલગ વાસણ.”

અથવા, “છોકરો.”

અથવા, “પરવાળાં.”

અથવા, “અજાણ્યા માટે બાંહેધરી આપે.”

અથવા, “પરદેશીને.”

અથવા, “ચર્ચા-વિચારણા કરવાથી.”

અથવા, “દૃઢ.”

અથવા, “કુશળ વ્યક્તિની સલાહ.”

અથવા, “જે બીજાઓને પોતાની વાતોમાં ફસાવે છે.”

અથવા, “એક જ માપ માટે પથ્થરનાં બે અલગ અલગ વજનિયાંને.”

અથવા, “પોતાના માર્ગની ક્યાં ખબર છે?”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ચાબખા.”

એટલે કે, યહોવા.

અથવા, “ઇરાદા.”

અથવા, “યોજનાઓથી ફાયદો.”

અથવા કદાચ, “મોત શોધનારાઓ માટે ઊડી જતા ઝાકળ જેવી છે.”

અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “ત્યારે તેને ખ્યાલ આવે છે કે શું કરવું.”

મૂળ, “ખોળામાં આપેલી લાંચ.”

અથવા, “સારા સમયનો.”

અથવા, “ન્યાયીનો.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “છુટકારાની કિંમત.”

અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શહેર પર ચઢાઈ કરે છે.”

અથવા, “શરમજનક કામો સાથે.”

અથવા, “પણ સીધો માણસ પોતાનો રસ્તો સલામત રાખે છે.”

અથવા, “સારી શાખ.”

મૂળ, “કૃપા.”

મૂળ, “અમીર અને ગરીબ ભેગા મળે છે.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “દંડ.”

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

અથવા, “દીકરાએ; યુવાને.”

અથવા, “તાલીમ આપ.”

અથવા, “મશ્કરી કરનાર.”

અથવા, “મુકદ્દમા.”

મૂળ, “જ્ઞાનનું.”

મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

અથવા, “દીકરાના; યુવાનના.”

મૂળ, “શિસ્તની સોટી.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

એ મુકદ્દમાને રજૂ કરે છે.

અથવા, “બાંહેધરી આપે છે.”

મૂળ, “તો તારી ગરદન પર છરી મૂકજે.”

અથવા કદાચ, “પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરવાનું બંધ કર.”

અથવા, “દુષ્ટ આંખવાળા માણસને.”

અથવા, “પિતા વગરના બાળકની.”

મૂળ, “છોડાવનાર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “દીકરાને; યુવાનને.”

અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

અહીં “સોટી” સુધારા કે અધિકારને રજૂ કરે છે.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારાં મૂત્રપિંડો.”

અથવા, “તેઓની સંગત કરીશ નહિ.”

અથવા, “મેળવ.”

અથવા, “ડહાપણ.”

મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

અથવા, “ઝાંખી.”

અથવા, “એવો દારૂ પીવા ભેગા થાય છે.”

અથવા, “પણ મને પીડા થઈ નહિ.”

અથવા, “શોધી.”

અથવા, “ઘર-સંસાર.”

અથવા, “કુશળ વ્યક્તિની સલાહ.”

અથવા, “સફળતા; ઉદ્ધાર.”

અથવા, “મૂર્ખ યોજનાઓ.”

અથવા, “મુશ્કેલ ઘડીમાં; આફતના સમયે.”

અથવા, “ઇરાદા.”

અથવા, “તારા જીવને મીઠી લાગશે.”

અથવા, “તપી જઈશ નહિ.”

એટલે કે, યહોવા અને રાજા.

અથવા કદાચ, “સીધેસીધો જવાબ આપવો ચુંબન આપવા જેવું છે.” મૂળ, “લોકો હોઠ પર ચુંબન કરશે.”

અથવા, “ઘર-સંસાર માંડ.”

અથવા, “કુવેચથી; કૌવચથી.”

અથવા, “ભેગાં કરેલાં અને નકલ ઉતારેલાં.”

અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “બીજાની ખાનગી વાત.”

અથવા, “બદનામ કરતી અફવા.”

અથવા, “નકશીકામ કરેલી ટોપલીમાં.”

મૂળ, “કોમળ જીભ.”

અથવા, “તારા પડોશીના.”

અથવા કદાચ, “કપટી.”

અથવા, “ધોવાના સોડા.”

મૂળ, “તને નફરત કરનાર.”

એટલે કે, વ્યક્તિને નરમ પાડવી અને તેનું કઠણ દિલ પિગાળવું.

અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

અથવા, “તડજોડ કરનાર.” મૂળ, “લથડિયાં ખાનાર.”

અથવા કદાચ, “કારણ વગર આપેલો શ્રાપ સાચો પડતો નથી.”

અથવા, “નહિતર તું તેની સમાન થઈશ.”

મૂળ, “તે પોતાના જ પગ કાપી નાખે છે અને હિંસા પીએ છે.”

અથવા, “લટકતા પગની.”

અથવા, “તીર ચલાવીને બધાને ઘાયલ કરનાર.”

અથવા, “મૂર્ખ માટે વધારે આશા છે.”

અથવા, “રાહદારી.”

અથવા કદાચ, “જે માણસ પારકાના ઝઘડામાં માથું મારે છે.”

અથવા, “તેનું દિલ એકદમ દુષ્ટ છે.”

મૂળ, “મંડળ.”

મૂળ, “અજાણ્યાઓ.”

મૂળ, “પરદેશીઓ.”

અથવા, “શંકા.”

અથવા કદાચ, “અધૂરા મને આપેલાં; પરાણે આપેલાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારી નિંદા કરનારને; મારી સામે પડકાર ફેંકનારને.”

અથવા, “બિનઅનુભવી.”

અથવા, “દંડ.”

અથવા, “બાંહેધરી લે.”

અથવા, “પરદેશીને.”

અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

મૂળ, “મિત્રના ચહેરાને.”

હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.

ચાંદી ઓગાળવા અને શુદ્ધ કરવા વપરાતું માટીનું હાંડલું.

અથવા, “સારી રીતે માહિતગાર રહે.”

અથવા, “ઘેટાંનું ધ્યાન રાખ.”

અથવા, “બંડથી.”

મૂળ, “તે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “ત્યારે મહિમા થાય છે.”

અથવા, “જે હંમેશાં ઈશ્વરનો ડર રાખે છે.”

અથવા, “જેના માથે લોહીનો દોષ છે, તે માણસ.”

અથવા, “ખાડામાં.”

અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “લાલચુ.”

અથવા કદાચ, “ઘમંડી.”

મૂળ, “તગડો.”

અથવા, “પોતાની જીદ પર અડી રહે છે.”

અથવા, “નિષ્કલંક માણસને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા કદાચ, “નેક માણસ પોતાનો જીવ બચાવવા મથે છે.”

મૂળ, “ગરીબ અને તેના પર જુલમ કરનાર ભેગા મળે છે.”

એટલે કે, તે તેઓને જીવન આપે છે.

અથવા, “શિસ્ત; સજા.”

અથવા, “પ્રબોધકને મળતું દર્શન; ખુલાસો.”

અથવા, “મૂર્ખ માટે વધારે આશા છે.”

અથવા, “મહિમા મળશે.”

અથવા, “સાક્ષી ન આપનાર પર શ્રાપ આવશે એવા સમ સાંભળે તોપણ.”

અથવા કદાચ, “શાસકની કૃપા મેળવવા.”

અથવા, “કોણે પૃથ્વીના ચારે ખૂણા ઊભા કર્યા છે?”

અથવા, “અગ્‍નિથી પરખાયેલો.”

આગૂર આ કલમથી ઇથીએલ અને ઉક્કાલને સંબોધીને વાત કરે છે.

અથવા, “તેનું મળ.”

પાણીમાં રહેતો કીડો, જે માણસો કે પ્રાણીઓનાં શરીરે ચોંટીને લોહી ચૂસે છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જે મને બહુ અજાયબ લાગે છે.”

અથવા, “જેને કોઈ પ્રેમ કરતું નથી.”

અથવા, “જન્મજાત બુદ્ધિશાળી છે; જેઓમાં સ્વયંસ્ફૂરણા છે.”

મૂળ, “બળવાન પ્રજા.”

સસલા જેવું પૂંછડી વગરનું એક પ્રાણી, જે ખડકોમાં રહે છે.

મૂળ, “બળવાન પ્રજા.”

અથવા, “ગેકો ગરોળી.”

અથવા, “દીન-દુખિયાને તેનો હક ન આપે.”

અથવા, “સદ્‍ગુણી; સક્ષમ.”

અથવા, “પરવાળાં.”

અથવા, “કમાણીથી.” મૂળ, “હાથના ફળથી.”

તકલી અને તરાક એવી લાકડીઓ છે, જેની મદદથી દોરો વણવામાં અથવા કાંતવામાં આવે છે.

મૂળ, “બબ્બે.”

અથવા, “અંદરનાં વસ્ત્રો.”

અથવા, “તે ભવિષ્યને હસી કાઢે છે.”

મૂળ, “તેની જીભ પર કરુણાનો નિયમ છે; તેની જીભ પર અતૂટ પ્રેમનો નિયમ છે.”

અથવા, “સદ્‍ગુણી; સક્ષમ.”

અથવા, “જૂઠું.”

શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

મૂળ, “તેના હાથનાં ફળમાંથી તેને આપ.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો