વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt યોએલ ૧:૧-૩:૨૧
  • યોએલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યોએલ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યોએલ

યોએલ

૧ પથુએલના દીકરા યોએલને* યહોવાનો* આ સંદેશો મળ્યો:

 ૨ “હે વડીલો, તમે સાંભળો,

હે પૃથ્વીના રહેવાસીઓ, તમે કાન ધરો.

શું તમારા કે તમારા બાપદાદાઓના દિવસોમાં

ક્યારેય આવું કંઈક બન્યું છે?+

 ૩ એ વિશે તમે તમારા દીકરાઓને જણાવો,

તમારા દીકરાઓ તેઓના દીકરાઓને જણાવે

અને એ દીકરાઓ આવનાર પેઢીને જણાવે.

 ૪ ભરખી જનાર તીડોએ જે બાકી રાખ્યું હતું, એ ઝુંડમાં રહેતા તીડો ખાઈ ગયા,+

ઝુંડમાં રહેતા તીડોએ જે બાકી રાખ્યું હતું, એ પાંખ વગરના તીડો ખાઈ ગયા

અને પાંખ વગરના તીડોએ જે બાકી રાખ્યું હતું, એ ખૂંખાર તીડો ખાઈ ગયા.+

 ૫ હે દારૂડિયાઓ,+ તમે ઊઠો અને વિલાપ કરો!

દ્રાક્ષદારૂ પીનારાઓ, તમે શોક કરો,

કેમ કે નવો દ્રાક્ષદારૂ તમારા હોઠોથી દૂર કરવામાં આવ્યો છે.+

 ૬ મારા દેશ પર એક સેના ચઢી આવી છે, એ શક્તિશાળી છે, એના લોકો અસંખ્ય છે.+

એના દાંત સિંહના દાંત જેવા+ અને જડબાં સિંહનાં જડબાં જેવાં છે.

 ૭ એણે મારો દ્રાક્ષાવેલો નષ્ટ કરી દીધો છે, મારી અંજીરીનું બસ ઠૂંઠું જ રહેવા દીધું છે,

છાલ છોલીને ડાળીઓ સફેદ કરી દીધી છે

અને આમતેમ ફેંકી દીધી છે.

 ૮ જેમ એક યુવતી* પોતાના વરરાજાના* મોત પર કંતાન પહેરીને વિલાપ કરે છે,

તેમ તમે વિલાપ કરો.

 ૯ યહોવાના મંદિરમાં હવે અનાજ-અર્પણ*+ કે દ્રાક્ષદારૂ-અર્પણ*+ કોઈ લાવતું નથી.

યહોવાની સેવા કરતા યાજકો શોક કરે છે.

૧૦ ખેતર ખેદાન-મેદાન થઈ ગયું છે, ધરતી નિસાસો નાખે છે,+

કેમ કે અનાજ સડી ગયું છે, નવો દ્રાક્ષદારૂ સુકાઈ ગયો છે અને તેલ ખૂટી ગયું છે.+

૧૧ ખેડૂતો નિરાશામાં ગરક થઈ ગયા છે,

દ્રાક્ષાવાડીના માળીઓ પોક મૂકીને રડે છે,

કેમ કે ઘઉં અને જવ નષ્ટ થઈ ગયાં છે

અને ખેતરનો ઊભો પાક નાશ પામ્યો છે.

૧૨ દ્રાક્ષાવેલો સુકાઈ ગયો છે,

અંજીરી કરમાઈ ગઈ છે.

દાડમ, ખજૂર, સફરજન

અને સીમનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે.+

લોકોની ખુશી શરમમાં ફેરવાઈ ગઈ છે.

૧૩ યાજકો, તમે કંતાન પહેરીને છાતી કૂટો.

વેદીએ* સેવા કરનારાઓ, તમે પોક મૂકીને રડો.+

મારા ઈશ્વરના સેવકો, તમે મંદિરમાં આવો અને કંતાન પહેરીને રાત વિતાવો,

કેમ કે તમારા ઈશ્વરના મંદિરમાં હવે અનાજ-અર્પણ+ કે દ્રાક્ષદારૂ-અર્પણ+ લાવનાર કોઈ નથી.

૧૪ ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+

બધા વડીલો અને પૃથ્વીના રહેવાસીઓને ભેગા કરો,

તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં તેઓને એકઠા કરો,+

મદદ માટે યહોવાને પોકાર કરો.

૧૫ અફસોસ! એ દિવસ ખૂબ ભયંકર હશે!

યહોવાનો દિવસ નજીક છે,+

એ દિવસ સર્વશક્તિમાન ઈશ્વર તરફથી વિનાશની જેમ આવી પડશે!

૧૬ શું આપણી નજર સામે આપણો ખોરાક છીનવાઈ નથી ગયો?

શું આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ-ઉલ્લાસ લૂંટાઈ નથી ગયો?

૧૭ પાવડા નીચે બી* સુકાઈ ગયાં છે,

કોઠારો ખાલી પડ્યા છે.

વખારો તોડી પાડવામાં આવી છે, કેમ કે ખેતરનો પાક નિષ્ફળ ગયો છે.

૧૮ ઢોરઢાંક પણ કણસે છે!

ટોળાં આમતેમ ફાંફાં મારે છે, જરાય ઘાસચારો રહ્યો નથી!

ઘેટાંનાં ટોળાં પણ પાપની સજા ભોગવે છે.

૧૯ હે યહોવા, હું તમને પોકાર કરીશ,+

કેમ કે અગ્‍નિએ વેરાન પ્રદેશનો ઘાસચારો ભસ્મ કરી દીધો છે,

આગની જ્વાળાએ ખેતરનાં બધાં વૃક્ષો બાળી નાખ્યાં છે.

૨૦ અરે, જંગલી જાનવર પણ તમને હાંક મારે છે!

કેમ કે નદીઓ સુકાઈ ગઈ છે

અને અગ્‍નિએ વેરાન પ્રદેશનો ઘાસચારો ભસ્મ કરી દીધો છે.”

૨ “સિયોનમાં રણશિંગડું વગાડો!+

મારા પવિત્ર પર્વત પર યુદ્ધનું એલાન કરો.

દેશના* બધા રહેવાસીઓ તમે થરથર કાંપો,

કેમ કે યહોવાનો દિવસ આવી રહ્યો છે!+ હા, એ નજીક છે!

 ૨ એ ઘોર અંધકારનો દિવસ છે,+

એ ઘનઘોર વાદળોનો દિવસ છે,+

જાણે પર્વતોએ સવારનો પ્રકાશ રોકી લીધો હોય.

એક પ્રજા શક્તિશાળી છે, એના લોકો અસંખ્ય છે,+

એના જેવી કોઈ થઈ નથી

અને પેઢી દર પેઢી કોઈ થશે પણ નહિ.

 ૩ એની આગળ ભરખી જનાર અગ્‍નિ છે

અને પાછળ ભસ્મ કરનાર જ્વાળાઓ છે.+

એની આગળ એદન બાગ+ જેવો પ્રદેશ છે

અને પાછળ વેરાન પ્રદેશ છે,

એની સામે કશું જ બચતું નથી.

 ૪ એનો દેખાવ ઘોડાઓ જેવો છે.

તેઓ યુદ્ધના ઘોડાઓની જેમ દોડે છે.+

 ૫ પર્વતોનાં શિખરો પર તેઓ ઠેકડા મારે છે ત્યારે, રથોના ગડગડાટ જેવો અવાજ આવે છે,+

સળગતા સૂકા ઘાસની જેમ તડતડ અવાજ આવે છે.

એ સેના તો યુદ્ધ માટે તૈયાર ઊભેલી બળવાન પ્રજા જેવી છે.+

 ૬ તેઓના લીધે લોકો થરથર કાંપશે,

દરેક ચહેરો ફિક્કો પડી જશે.

 ૭ તેઓ યોદ્ધાઓની જેમ ધસી આવે છે,

સૈનિકોની જેમ કોટ પર ચઢી જાય છે,

તેઓ હારબંધ આગેકૂચ કરે છે

અને પોતાના માર્ગથી ફંટાતા નથી.

 ૮ તેઓ ધક્કામુક્કી કરતા નથી,

પોતાના રસ્તે આગળ વધતા રહે છે.

ભલે હથિયારના ઘાને લીધે અમુક પડી જાય,

તોપણ બીજાઓ પોતાની હરોળ તોડતા નથી.

 ૯ તેઓ શહેરમાં ધસી આવે છે, કોટ ઉપર દોડે છે.

ઘરો પર ચઢી જાય છે અને ચોરની જેમ બારીમાંથી ઘૂસી જાય છે.

૧૦ તેઓની સામે પૃથ્વી થરથર કાંપે છે અને આકાશો ધ્રૂજે છે.

સૂર્ય અને ચંદ્ર પર અંધારું છવાઈ જાય છે+

અને તારાઓની ચમક ખોવાઈ જાય છે.

૧૧ યહોવા પોતાની સેના+ આગળ મોટેથી ઘોષણા કરે છે, કેમ કે તેમની સેના ખૂબ વિશાળ છે.+

ઈશ્વર પોતાનું વચન પાળે છે,* તે ખૂબ શક્તિશાળી છે.

યહોવાનો દિવસ મહાન અને ખૂબ ભયાનક છે.+

એનાથી કોણ બચી શકે?”+

૧૨ યહોવા જાહેર કરે છે: “હજી મોડું થયું નથી, પૂરા દિલથી મારી પાસે પાછા ફરો.+

ઉપવાસ કરીને,+ આંસુઓ વહાવીને અને વિલાપ કરીને પાછા ફરો.

૧૩ તમારાં વસ્ત્રો નહિ,+ પણ દિલ ચીરી નાખો,+

તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરો.

તે કરુણા* અને દયા બતાવનાર, જલદી ગુસ્સે ન થનાર+ અને અતૂટ પ્રેમના* સાગર છે,+

તે જે આફત લાવવાના છે, એના પર ફરી વિચાર* કરશે.

૧૪ શું ખબર, કદાચ તે મન બદલે અને પોતે જે નક્કી કર્યું છે એના પર ફરી વિચાર* કરે,+

કદાચ તમને આશીર્વાદ* આપે,

જેથી તમે તમારા ઈશ્વર યહોવા માટે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવી શકો!

૧૫ સિયોનમાં રણશિંગડું વગાડો!

ઉપવાસનો ઢંઢેરો પિટાવો,* ખાસ સંમેલન રાખો.+

૧૬ લોકોને એકઠા કરો, સમાજને* પવિત્ર કરો.+

વૃદ્ધોને* એકત્ર કરો, બાળકોને અને ધાવણાં બાળકોને ભેગાં કરો.+

વરરાજા અને નવવધૂ, અંદરની ઓરડીમાંથી બહાર આવો.

૧૭ પરસાળ અને વેદીની વચ્ચે રહીને+

યહોવાની સેવા કરતા યાજકો વિલાપ કરો અને કહો:

‘હે યહોવા, તમારા લોકો પર દયા કરો;

બીજી પ્રજાઓને તેઓ પર રાજ કરવા ન દો,

તેઓને તમારા લોકોની* મજાક ઉડાવવા ન દો.

લોકો કેમ એવું કહી જાય, “ક્યાં છે તેઓનો ઈશ્વર?”’+

૧૮ પછી યહોવા પૂરા ઉત્સાહથી પોતાના દેશનું રક્ષણ કરશે,

પોતાના લોકો પર કરુણા બતાવશે.+

૧૯ યહોવા પોતાના લોકોને કહેશે:

‘હું તમને અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ આપું છું,

તમે ધરાશો અને તૃપ્ત થશો.+

હું તમને ક્યારેય બીજી પ્રજાઓમાં બદનામ થવા નહિ દઉં.+

૨૦ ઉત્તરથી ચઢી આવનાર સેનાને હું હાંકી કાઢીશ;

એને સૂકા અને વેરાન પ્રદેશમાં આમતેમ વિખેરી નાખીશ,

એના આગલા ભાગને પૂર્વ સમુદ્રમાં*

અને પાછલા ભાગને પશ્ચિમ સમુદ્રમાં* ફેંકી દઈશ.

એની ગંધ ઉપર ચઢશે,

એની દુર્ગંધ ઉપર ચઢતી રહેશે;+

કેમ કે ઈશ્વર મહાન કામો કરશે.’

૨૧ હે દેશ, ગભરાઈશ નહિ.

તું આનંદ અને ઉલ્લાસ કર, કેમ કે યહોવા મહાન કામો કરશે.

૨૨ હે વનચર પશુઓ, ડરશો નહિ,

ઉજ્જડ ધરતી લીલીછમ થઈ જશે,+

વૃક્ષો પર ફળ આવશે,+

અંજીરી અને દ્રાક્ષાવેલા ફળોથી લચી પડશે.+

૨૩ હે સિયોનના દીકરાઓ, હરખાઓ અને તમારા ઈશ્વર યહોવાને લીધે આનંદ કરો,+

કેમ કે તે તમને પૂરતા પ્રમાણમાં પાનખરનો વરસાદ* આપશે,

તે તમારા પર ધોધમાર વરસાદ વરસાવશે,

પહેલાંની જેમ તમને પાનખરનો વરસાદ અને વસંતનો વરસાદ* આપશે.+

૨૪ ખળીઓ* અનાજથી ઊભરાઈ જશે,

કુંડો નવા દ્રાક્ષદારૂ અને તેલથી છલકાઈ જશે.+

૨૫ મેં મોકલેલી મહાન સેનાએ,

ઝુંડમાં રહેતાં તીડોએ, પાંખ વગરનાં તીડોએ, ખૂંખાર તીડોએ અને ભરખી જનાર તીડોએ

આ વર્ષો દરમિયાન જે નુકસાન કર્યું છે,+ એની હું ભરપાઈ કરી આપીશ.

૨૬ તમે ધરાઈને ખાશો અને તૃપ્ત થશો,+

તમે તમારા ઈશ્વર યહોવાના નામની સ્તુતિ કરશો,+

કેમ કે તેમણે તમારા માટે અદ્‍ભુત કામો કર્યાં છે.

મારા લોકોએ ફરી ક્યારેય શરમાવું નહિ પડે.+

૨૭ તમારે સ્વીકારવું પડશે કે હું ઇઝરાયેલમાં છું,+

હું યહોવા તમારો ઈશ્વર છું+ અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી!

મારા લોકોએ ફરી ક્યારેય શરમાવું નહિ પડે.

૨૮ પછી હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ,+

તમારાં દીકરા-દીકરીઓ ભવિષ્યવાણી કરશે,

તમારા વૃદ્ધો સપનાં જોશે,

તમારા જુવાનોને દર્શનો થશે.+

૨૯ એ દિવસોમાં હું મારી પવિત્ર શક્તિ

મારાં દાસ-દાસીઓ પર પણ રેડીશ.

૩૦ હું આકાશમાં અને પૃથ્વી પર અદ્‍ભુત કામો* બતાવીશ,

લોહી, આગ, ધુમાડાના ગોટેગોટા હશે.+

૩૧ યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે એ પહેલાં+

સૂર્ય પર અંધારું છવાઈ જશે અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે.+

૩૨ જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે,+

યહોવાએ કહ્યું છે તેમ બચી ગયેલા લોકો સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં હશે,+

હા, એ લોકો જેઓને યહોવા બોલાવે છે.”

૩ “જુઓ! એ દિવસોમાં અને એ સમયે

જ્યારે હું યહૂદાના અને યરૂશાલેમના ગુલામોને પાછા લાવીશ,+

 ૨ ત્યારે હું બીજી પ્રજાઓને પણ ભેગી કરીશ

અને તેઓને યહોશાફાટની* ખીણમાં દોરી લાવીશ.

ત્યાં મારા લોકો અને મારા વારસા ઇઝરાયેલ વતી

હું એ પ્રજાઓનો ન્યાય કરીશ,+

કેમ કે તેઓએ મારા લોકોને બીજી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે

અને મારો દેશ અંદરોઅંદર વહેંચી લીધો છે.+

 ૩ તેઓએ ચિઠ્ઠીઓ* નાખીને+ મારા લોકોને વહેંચી લીધા છે.

તેઓએ વેશ્યાને વેતન ચૂકવવા છોકરાઓને વેચી દીધા છે,

અને દ્રાક્ષદારૂ પીવા છોકરીઓને વેચી દીધી છે.

 ૪ હે તૂર અને સિદોન, હે પલિસ્તના બધા વિસ્તારો,

મારી સાથે આ રીતે વર્તવાની તમારી હિંમત કેવી રીતે થઈ?

શું તમે કશાનો બદલો લઈ રહ્યા છો?

જો તમે બદલો લઈ રહ્યા હો,

તો હું જરાય મોડું કર્યા વગર, જલદી જ તમારા પર બદલો વાળીશ.+

 ૫ કેમ કે તમે મારું સોનું-ચાંદી છીનવી લીધું છે,+

તમે મારો ઉત્તમ ખજાનો ઉપાડીને તમારાં મંદિરોમાં લઈ ગયા છો.

 ૬ યહૂદા અને યરૂશાલેમના લોકોને પોતાના વતનથી દૂર કરવા,

તમે તેઓને ગ્રીક લોકોને વેચી દીધા છે.+

 ૭ પણ તમે જ્યાં તેઓને વેચી દીધા છે, ત્યાંથી હું તેઓને પાછા લાવીશ,+

તમારો બદલો હું તમારા જ માથે વાળી આપીશ.

 ૮ હું તમારાં દીકરા-દીકરીઓને યહૂદાને વેચી* દઈશ,+

યહૂદા તેઓને શેબા દેશના માણસોને વેચી દેશે,

હા, દૂર દેશના એ માણસોને વેચી દેશે,

કેમ કે યહોવાએ પોતે એવું કહ્યું છે.

 ૯ પ્રજાઓમાં જાહેર કરો:+

‘યુદ્ધ માટે તૈયાર થાઓ! શૂરવીરોમાં જોશ ભરો!

બધા લડવૈયાઓ ભેગા થઈને હુમલો કરો!+

૧૦ તમારા હળની કોશો* ટીપીને તલવારો બનાવો અને દાતરડાંના ભાલા* બનાવો.

કમજોર માણસ ભલે કહે: “હું બહુ તાકતવર છું.”

૧૧ હે આસપાસની સર્વ પ્રજાઓ, ભેગી થાઓ+ અને એકબીજાને મદદ કરો!’”

હે યહોવા, તમારા યોદ્ધાઓને* એ જગ્યાએ નીચે ઉતારો.

૧૨ “ઓ પ્રજાઓ, ઊઠો અને યહોશાફાટની ખીણમાં આવો,

કેમ કે ત્યાં બેસીને હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરીશ.+

૧૩ દાતરડું ચલાવો, કેમ કે ફસલ પાકી ચૂકી છે.

નીચે આવો અને દ્રાક્ષો ખૂંદો, કેમ કે દ્રાક્ષાકુંડો દ્રાક્ષોથી ભરાઈ ગયા છે.+

કુંડો છલકાઈ ગયા છે, કેમ કે પ્રજાઓની દુષ્ટતા વધી ગઈ છે.

૧૪ ન્યાયચુકાદાની ખીણમાં લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં છે,

કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ નજીક છે.+

૧૫ સૂર્ય અને ચંદ્ર પર અંધારું છવાઈ જશે,

અને તારાઓની ચમક ખોવાઈ જશે.

૧૬ યહોવા સિયોનમાંથી ગર્જના કરશે,

તે યરૂશાલેમમાંથી ઊંચા અવાજે પોકાર કરશે.

આકાશ અને પૃથ્વી ધ્રૂજી ઊઠશે,

પણ યહોવા પોતાના લોકો માટે આશરો બનશે,+

તે ઇઝરાયેલના લોકો માટે કિલ્લો બનશે.

૧૭ તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા તમારો ઈશ્વર છું,

હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહું છું.+

યરૂશાલેમ પવિત્ર જગ્યા બનશે,+

અને પરદેશીઓ* એમાં ક્યારેય પગ મૂકશે નહિ.+

૧૮ એ દિવસે પહાડોમાંથી મીઠો દ્રાક્ષદારૂ ટપકશે,+

ટેકરીઓ પર દૂધની ધારા વહેશે,

યહૂદાના ઝરાઓ પાણીથી ખળખળ વહેશે.

યહોવાના મંદિરમાંથી ઝરણું ફૂટી નીકળશે,+

અને શિટ્ટીમની* ખીણને પાણી સિંચશે.

૧૯ પણ ઇજિપ્ત* ખંડેર બની જશે+

અને અદોમ ઉજ્જડ થઈ જશે,+

કેમ કે તેઓએ યહૂદાના લોકો પર જુલમ ગુજાર્યો છે+

અને તેઓના દેશમાં નિર્દોષ લોકોનું ખૂન કર્યું છે.+

૨૦ પણ યહૂદામાં કાયમ માટે વસ્તી રહેશે,

યરૂશાલેમમાં પેઢી દર પેઢી આબાદી રહેશે.+

૨૧ તેઓના માથે જે લોહીનો દોષ હતો, એ હું દૂર કરીશ+

અને હું યહોવા સિયોનમાં રહીશ.”+

અર્થ, “યહોવા ઈશ્વર છે.”

વધારે માહિતી ક-૪ જુઓ.

એવી સ્ત્રી જેણે પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.

અથવા, “પતિના.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પેયાર્પણ.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ઉપવાસને પવિત્ર ઠરાવો.”

અથવા કદાચ, “સૂકાં અંજીર.”

અથવા, “પૃથ્વીના.”

અથવા કદાચ, “જે માણસ ઈશ્વરનું વચન પાળે છે.”

અથવા, “કૃપા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પસ્તાવો.”

અથવા, “પસ્તાવો.”

એટલે કે, “ઊપજ.”

મૂળ, “ઉપવાસને પવિત્ર ઠરાવો.”

મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.

અથવા, “વડીલોને.”

મૂળ, “વારસાની.”

એટલે કે, મૃત સરોવર.

એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

વધારે માહિતી ખ-૧૫ જુઓ.

વધારે માહિતી ખ-૧૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “નિશાનીઓ.”

અર્થ, “યહોવા ન્યાયાધીશ છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “યહૂદાના હાથમાં સોંપી.”

એટલે કે, જમીન ખેડવાનું લોઢાનું સાધન.

અથવા, “બરછીઓ.”

અથવા, “શક્તિશાળી જનોને.”

અથવા, “અજાણ્યાઓ.”

અર્થ, “બાવળનાં વૃક્ષો.”

અથવા, “મિસર.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો