વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt આમોસ ૧:૧-૯:૧૫
  • આમોસ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આમોસ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
આમોસ

આમોસ

૧ આ આમોસનો* સંદેશો છે. તે તકોઆ+ નગરનો ઘેટાંપાળક હતો. તેને દર્શનમાં ઇઝરાયેલ વિશે સંદેશો મળ્યો. ધરતીકંપના+ બે વર્ષ પહેલાં તેને એ સંદેશો મળ્યો. એ દિવસોમાં યહૂદા પર રાજા ઉઝ્ઝિયા+ રાજ કરતો હતો અને ઇઝરાયેલ પર યોઆશનો+ દીકરો રાજા યરોબઆમ+ રાજ કરતો હતો. ૨ આમોસે કહ્યું:

“યહોવા* સિયોનમાંથી ગર્જના કરશે,

તે યરૂશાલેમમાંથી મોટો પોકાર કરશે.

ઘેટાંપાળકોનાં ગૌચરો* શોક પાળશે

અને કાર્મેલનું શિખર સુકાઈ જશે.”+

 ૩ “યહોવા કહે છે,

‘“દમસ્કે વારંવાર* ગુના કર્યા છે,* એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

તેણે અનાજ મસળવાના લોઢાનાં ઓજારોથી ગિલયાદને મસળી નાખ્યું છે.+

 ૪ હું હઝાએલના+ ઘર પર અગ્‍નિ મોકલીશ,

એ બેન-હદાદના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+

 ૫ હું દમસ્કના દરવાજાની ભૂંગળો ભાંગી નાખીશ,+

હું બિકાત-આવેનના રહેવાસીઓનો નાશ કરીશ,

બેથ-એદેનથી રાજ કરનારનો* પણ હું નાશ કરીશ

અને સિરિયાના લોકોને ગુલામ* બનાવીને કીર લઈ જવામાં આવશે,”+ એવું યહોવા કહે છે.’

 ૬ યહોવા કહે છે,

‘“ગાઝાએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

તેઓ ગુલામોના આખા સમૂહને લઈ ગયા છે+ અને અદોમના હાથમાં સોંપી દીધો છે.

 ૭ હું ગાઝાના કોટ પર અગ્‍નિ મોકલીશ,+

એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.

 ૮ હું આશ્દોદના રહેવાસીઓનો નાશ કરીશ,+

આશ્કલોનથી રાજ કરનારનો* પણ હું નાશ કરીશ,+

હું એક્રોન સામે મારો હાથ ઉગામીશ+

અને પલિસ્તના બાકી રહેલા લોકોનો નાશ થશે,”+ એવું વિશ્વના માલિક* યહોવા કહે છે.’

 ૯ યહોવા કહે છે,

‘તૂરે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

તેઓ ગુલામોના આખા સમૂહને અદોમ લઈ ગયા છે

અને ભાઈઓનો કરાર* ભૂલી ગયા છે.+

૧૦ હું તૂરના કોટ પર અગ્‍નિ મોકલીશ,

એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+

૧૧ યહોવા કહે છે,

‘અદોમે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

તે તલવાર લઈને પોતાના જ ભાઈની પાછળ પડ્યો+

અને તેણે દયા બતાવવાની ના પાડી દીધી.

તેણે ગુસ્સે થઈને પોતાના ભાઈઓને ક્રૂરતાથી ચીરી નાખ્યા

અને તેનો ક્રોધ હજી સુધી ઠંડો પડ્યો નથી.+

૧૨ હું તેમાન પર અગ્‍નિ મોકલીશ,+

એ બોસરાહના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+

૧૩ યહોવા કહે છે,

‘“આમ્મોનીઓએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેઓને સજા કર્યા વગર છોડીશ નહિ.

પોતાની સરહદ વધારવા+ તેઓએ ગિલયાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.

૧૪ હું રાબ્બાહના કોટ પર અગ્‍નિ મોકલીશ,+

એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે,

લડાઈના દિવસે યુદ્ધનો પોકાર થશે

અને વાવાઝોડાના દિવસે ભારે પવન ફૂંકાશે.

૧૫ તેઓનો રાજા તેના અધિકારીઓ સાથે ગુલામીમાં જશે,”+ એવું યહોવા કહે છે.’

૨ “યહોવા કહે છે,

‘“મોઆબે વારંવાર* ગુના કર્યા છે,*+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

ચૂનો મેળવવા તેણે અદોમના રાજાનાં હાડકાં બાળી નાખ્યાં છે.

 ૨ હું મોઆબ પર અગ્‍નિ મોકલીશ,

એ કરીયોથના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+

ભારે ઘોંઘાટ વચ્ચે,

યુદ્ધના પોકાર અને રણશિંગડાના અવાજ વચ્ચે મોઆબ માર્યો જશે.+

 ૩ હું તેના શાસકને* દૂર કરીશ,

તેની સાથે તેના બધા અધિકારીઓને* પણ મારી નાખીશ,”+ એવું યહોવા કહે છે.’

 ૪ યહોવા કહે છે,

‘યહૂદાએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

તેઓએ યહોવાના નિયમ* મુજબ ચાલવાની ના પાડી છે

અને તેમની આજ્ઞાઓ પાળી નથી,+

તેઓના બાપદાદાઓ જે જૂઠાણાં પાછળ ચાલ્યા હતા, એ જ જૂઠાણાં પાછળ ચાલીને તેઓ ભટકી ગયા છે.+

 ૫ હું યહૂદા પર અગ્‍નિ મોકલીશ,

એ યરૂશાલેમના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+

 ૬ યહોવા કહે છે,

‘ઇઝરાયેલે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

ચાંદી માટે તેઓ નિર્દોષને વેચી દે છે

અને ચંપલની જોડ માટે તેઓ ગરીબને વેચી દે છે.+

 ૭ તેઓ દીન-દુખિયાનું માથું ધૂળમાં રગદોળે છે+

અને નમ્ર લોકોનો માર્ગ રોકી દે છે.+

બાપ-દીકરો એક જ યુવતી સાથે જાતીય સંબંધ બાંધે છે,

આમ તેઓ મારા પવિત્ર નામનું અપમાન કરે છે.

 ૮ ગીરવે લીધેલાં વસ્ત્રને+ તેઓ વેદીઓ*+ આગળ પાથરે છે અને એના પર સૂઈ જાય છે,

દંડમાં મળેલા પૈસાથી તેઓ દ્રાક્ષદારૂ ખરીદે છે અને પોતાના દેવોના મંદિરમાં* એ પીએ છે.’

 ૯ ‘પણ મેં તમારી આગળથી અમોરીઓને હાંકી કાઢ્યા,+

જેઓ દેવદાર જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા મજબૂત હતા.

મેં ઉપરથી તેઓના ફળનો અને નીચેથી તેઓના મૂળનો નાશ કર્યો.+

૧૦ હું તમને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવ્યો,+

૪૦ વર્ષ સુધી મેં તમને વેરાન પ્રદેશમાં દોર્યા,+

જેથી તમે અમોરીઓનો દેશ કબજે કરી શકો.

૧૧ મેં તમારા દીકરાઓમાંથી અમુકને પ્રબોધક* બનાવ્યા,+

તમારા અમુક જુવાનોને નાઝીરી* બનાવ્યા.+

હે ઇઝરાયેલના લોકો, શું મેં એ બધું કર્યું ન હતું?’ એવું યહોવા કહે છે.

૧૨ ‘પણ તમે નાઝીરીઓને દ્રાક્ષદારૂ પિવડાવતા રહ્યા,+

તમે પ્રબોધકોને આજ્ઞા કરી, “તમારે ભવિષ્યવાણી કરવી નહિ.”+

૧૩ જેમ અનાજના પૂળાથી ભરેલું ગાડું જમીન કચડી નાખે છે,

તેમ હું તમને તમારી જ જગ્યાએ કચડી નાખીશ.

૧૪ તેજ દોડનાર ક્યાંય ભાગી શકશે નહિ,+

બળવાનનું બળ રહેશે નહિ,

એકેય યોદ્ધો પોતાનો જીવ બચાવી શકશે નહિ.

૧૫ ધનુષ્યધારી યુદ્ધમાં ટકી શકશે નહિ,

ઝડપથી દોડનાર છટકી શકશે નહિ,

ઘોડેસવાર પોતાનો જીવ બચાવી શકશે નહિ.

૧૬ અરે, સૌથી શૂરવીર યોદ્ધો પણ

એ દિવસે નગ્‍ન હાલતમાં નાસી છૂટશે,’+ એવું યહોવા કહે છે.”

૩ “હે ઇઝરાયેલના લોકો, તમારી આખી પ્રજાને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર યહોવા તમારા વિશે બોલ્યા છે. તેમનો આ સંદેશો સાંભળો:

 ૨ ‘પૃથ્વી પરની બધી પ્રજાઓમાંથી હું ફક્ત તમને ઓળખું છું.+

એટલે હું તમારા બધા અપરાધોનો હિસાબ તમારી પાસેથી માંગીશ.+

 ૩ જો બે માણસોએ અગાઉથી નક્કી કર્યું ન હોય, તો શું તેઓ સાથે મુસાફરી કરે?

 ૪ જો સિંહને શિકાર ન મળે, તો શું તે જંગલમાં ગર્જના કરે?

જો જુવાન સિંહ કંઈ ન પકડે, તો શું તે પોતાની ગુફામાં ત્રાડ પાડે?

 ૫ જો જમીન પર જાળ બિછાવી ન હોય,* તો શું કોઈ પક્ષી ફસાય?

જો ફાંદામાં કોઈ શિકાર ન ફસાય, તો શું એ ફાંદો ઉપર ખેંચાય?

 ૬ જો શહેરમાં રણશિંગડું વાગે, તો શું લોકો ધ્રૂજી નહિ ઊઠે?

જો શહેરમાં આફત આવે, તો શું એ યહોવા તરફથી નહિ હોય?

 ૭ કેમ કે વિશ્વના માલિક યહોવા

પોતાના સેવકોને, એટલે કે પ્રબોધકોને રહસ્ય* જણાવ્યા વગર કંઈ કરશે નહિ.+

 ૮ સિંહે ગર્જના કરી છે!+ એવું કોણ છે, જેને ડર નહિ લાગે?

વિશ્વના માલિક યહોવાએ આજ્ઞા કરી છે! એવું કોણ છે, જે ભવિષ્યવાણી નહિ કરે?’+

 ૯ ‘આશ્દોદના કિલ્લાઓ પર

અને ઇજિપ્તના કિલ્લાઓ પર એલાન કરો:

“સમરૂનના પર્વતો વિરુદ્ધ ભેગા થાઓ.+

જુઓ, ચારે બાજુ અંધાધૂંધી મચી છે

અને લોકો કપટથી વર્તે છે.+

૧૦ તેઓ સારાં કામો કરવાનું જાણતા નથી.

આમ, તેઓ પોતાના કિલ્લાઓમાં હિંસા અને વિનાશનો સંગ્રહ કરે છે,” એવું યહોવા કહે છે.’

૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે,

‘એક દુશ્મન આવીને શહેરને ઘેરી લેશે.+

એ દુશ્મન તારું બળ છીનવી લેશે

અને તારા કિલ્લાઓ લૂંટી લેશે.’+

૧૨ યહોવા કહે છે,

‘જુઓ, ઇઝરાયેલના લોકો સમરૂનમાં ભવ્ય પલંગ પર અને આલીશાન દીવાન* પર બિરાજે છે.+

પણ જેમ ઘેટાંપાળક સિંહના મોંમાંથી ઘેટાના બે પગ કે કાનનો ટુકડો જ બચાવી શકે છે,

તેમ ઇઝરાયેલના લોકોમાંથી પણ થોડા જ બચશે.’

૧૩ સૈન્યોના ઈશ્વર,* વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે: ‘સાંભળો અને યાકૂબના ઘરને ચેતવણી આપો.’*

૧૪ ‘જે દિવસે હું ઇઝરાયેલના બધા ગુનાનો* હિસાબ માંગીશ,+

એ દિવસે હું બેથેલની વેદીઓનો પણ હિસાબ માંગીશ.+

હું વેદીનાં શિંગડાં* તોડી નાખીશ અને એને જમીન પર ફેંકી દઈશ.+

૧૫ શિયાળા માટેનું ઘર અને ઉનાળા માટેનું ઘર હું તોડી પાડીશ.’

‘હાથીદાંતનાં મકાનો ભોંયભેગા થશે+

અને મોટાં મોટાં ઘરો જમીનદોસ્ત થશે,’+ એવું યહોવા કહે છે.”

૪ “હે સમરૂનના પર્વત પર રહેનારી સ્ત્રીઓ,+ મારો સંદેશો સાંભળો.

તમે બાશાનની ગાયો જેવી છો.

તમે દીન-દુખિયાને છેતરો છો+ અને ગરીબને કચડી નાખો છો.

તમે પોતાના પતિઓને* કહો છો, ‘અમને દારૂ આપો!’

 ૨ વિશ્વના માલિક યહોવા પોતાની પવિત્રતાના સમ ખાઈને કહે છે,

‘“જુઓ! એવા દિવસો આવી રહ્યા છે જ્યારે તમને કસાઈના આંકડાથી ઊંચકવામાં આવશે

અને બાકી રહેલી સ્ત્રીઓને માછીમારના ગલથી ઊંચકવામાં આવશે.

 ૩ દીવાલનાં બાકોરાંમાંથી તમે દરેક સીધેસીધી નીકળી જશો,

તમને હાર્મોનમાં તગેડી મૂકવામાં આવશે,” એવું યહોવા કહે છે.’

 ૪ ‘બેથેલ આવો અને અપરાધ* કરો,+

ગિલ્ગાલ આવો અને વધારે અપરાધ કરો!+

સવારે તમારું અર્પણ લાવો,+

અને ત્રીજા દિવસે તમારો દસમો ભાગ*+ લાવો.

 ૫ ખમીરવાળી* રોટલીનું આભાર-અર્પણ* બાળો,+

તમારાં સ્વેચ્છા-અર્પણોનો* ઢંઢેરો પીટો,

કેમ કે, હે ઇઝરાયેલના લોકો, એવું કરવું તમને બહુ ગમે છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

 ૬ ‘મેં તમારાં બધાં શહેરો પર અન્‍નનો દુકાળ મોકલ્યો,*

તમારાં ઘરોમાં ખોરાકની અછત ઊભી કરી,+

તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.

 ૭ ‘કાપણીના ત્રણ મહિના પહેલાં મેં વરસાદ અટકાવી દીધો,+

મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા શહેર પર નહિ.

જમીનના એક ભાગ પર વરસાદ પડતો, પણ બીજો ભાગ વરસાદ વગર સુકાઈ જતો.

 ૮ બે ત્રણ શહેરના લોકો લથડિયાં ખાતાં ખાતાં એક શહેરમાં પાણી પીવા ગયા,+

પણ તેઓની તરસ છિપાઈ નહિ,

તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.

 ૯ ‘મેં ધગધગતા તાપ અને ફૂગથી તમારી પેદાશનો નાશ કર્યો.+

તમે તમારાં બગીચાઓ અને દ્રાક્ષાવાડીઓમાં વધારો કર્યો,

પણ તીડો આવીને તમારી અંજીરીઓ અને તમારાં જૈતૂનનાં વૃક્ષો ખાઈ ગયાં,+

તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.

૧૦ ‘ઇજિપ્ત પર મોકલી હતી એવી આફત મેં તમારા પર મોકલી.+

મેં તમારા યુવાનોને તલવારે મારી નાખ્યા+ અને તમારા ઘોડાઓને કબજે કરી લીધા.+

મેં તમારી છાવણીઓમાં લાશોની ગંધ ફેલાવી દીધી,+

તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’ એવું યહોવા કહે છે.

૧૧ ‘જેમ મેં સદોમ અને ગમોરાહનો વિનાશ કર્યો હતો,+

તેમ તમારા દેશનો પણ વિનાશ કર્યો.

તમે આગમાંથી ખેંચી કાઢેલાં લાકડાં જેવા હતા,

તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.

૧૨ ‘હે ઇઝરાયેલ, હું તને ફરી સજા કરીશ.

હે ઇઝરાયેલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થઈ જા,

કેમ કે હું તારા પર સજા લાવવાનો છું.’

૧૩ જો! તે જ પર્વતોને બનાવનાર+ અને પવનને રચનાર છે,+

તે માણસોને પોતાના વિચારો જણાવે છે,

તે સવારના પ્રકાશને અંધકારમાં ફેરવી દે છે,+

તે પૃથ્વીની ઊંચી ઊંચી જગ્યાઓ પર ચાલે છે,+

તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.”

૫ “હે ઇઝરાયેલના લોકો, તમે આ સંદેશો સાંભળો, જે હું વિલાપગીત* તરીકે સંભળાવું છું:

 ૨ ‘કુંવારી ઇઝરાયેલ પડી ગઈ છે,

તે ફરી ઊભી થઈ શકતી નથી.

તેને પોતાના જ દેશમાં ત્યજી દેવામાં આવી છે,

તેને ઊભી કરનાર કોઈ નથી.’

૩ “વિશ્વના માલિક યહોવા કહે છે:

‘જો કોઈ શહેર હજાર સૈનિકો લઈને યુદ્ધમાં જાય, તો એમાંથી ફક્ત સો બચશે,

અને જો સો સૈનિકો લઈને યુદ્ધમાં જાય, તો ફક્ત દસ બચશે.

ઇઝરાયેલના ઘરના એવા જ હાલ થશે.’+

૪ “ઇઝરાયેલના લોકોને યહોવા કહે છે:

‘મારી પાસે પાછા ફરો અને જીવતા રહો.+

 ૫ બેથેલ ન જાઓ,*+

ગિલ્ગાલ ન જાઓ,+ સરહદ પાર કરીને બેર-શેબા ન જાઓ,+

કેમ કે ગિલ્ગાલ ચોક્કસ ગુલામીમાં જશે+

અને બેથેલનું નામનિશાન ભૂંસાઈ જશે.*

 ૬ યહોવા પાસે પાછા ફરો અને જીવતા રહો,+

નહિતર તે યૂસફના ઘર પર આગની જેમ સળગી ઊઠશે,

અને બેથેલને ભસ્મ કરી દેશે.

એ આગ હોલવનાર કોઈ નહિ હોય.

 ૭ તમે ન્યાયને એકદમ કડવો* બનાવી દો છો

અને નેકીને* પગ નીચે ખૂંદી નાખો છો.+

 ૮ જે ઈશ્વરે કીમાહ* અને કેસીલ* નક્ષત્ર બનાવ્યાં છે,+

જે ઈશ્વર ગાઢ અંધકારને સવારમાં ફેરવી દે છે,

જે ઈશ્વર દિવસને કાળી રાત બનાવી દે છે,+

જે ઈશ્વર સમુદ્રના પાણીને બોલાવે છે,

અને એને ધરતીની સપાટી પર વરસાવે છે,+

એ ઈશ્વરનું નામ યહોવા છે.

 ૯ તે બળવાનનો અચાનક નાશ કરી દેશે

અને કોટવાળી જગ્યાઓનો વિનાશ કરી દેશે.

૧૦ શહેરના દરવાજે ઠપકો આપનારને તમે નફરત કરો છો

અને સાચું બોલનારને* તમે ધિક્કારો છો.+

૧૧ તમે ગરીબ પાસેથી ખેતરનું ભાડું* માંગો છો

અને તેની પાસેથી અનાજ લઈને કર વસૂલો છો.+

ઘડેલા પથ્થરથી તમે ઘરો તો બાંધ્યાં છે, પણ એમાં રહી શકશો નહિ+

અને તમે ઉત્તમ દ્રાક્ષાવાડીઓ તો રોપી છે, પણ એનો દ્રાક્ષદારૂ પી શકશો નહિ.+

૧૨ હું જાણું છું કે તમે કેટલા ગુના કર્યા છે*

અને કેટલાં મોટાં પાપ કર્યાં છે.

તમે નેક માણસને હેરાન કરો છો,

તમે લાંચ* લો છો,

અને તમે શહેરના દરવાજે ગરીબનો હક છીનવી લો છો.+

૧૩ એ સમયે સમજુ માણસ ચૂપ રહેશે,

કેમ કે એ આફતનો સમય હશે.+

૧૪ ખરાબ નહિ, સારું કરો,+

જેથી તમે જીવતા રહો.+

પછી તમે દાવો કરો છો તેમ,

સૈન્યોના ઈશ્વર યહોવા કદાચ તમારી સાથે રહેશે.+

૧૫ બૂરાઈને ધિક્કારો અને ભલાઈને ચાહો,+

શહેરના દરવાજે ખરો ન્યાય તોળી આપો.+

એવું કરશો તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવા

યૂસફના બાકી રહેલાઓને કૃપા બતાવશે.’+

૧૬ “યહોવા, હા સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:

‘બધા ચોકમાં વિલાપનો પોકાર સંભળાશે,

ગલીએ ગલીએ તેઓ કહેશે, “હાય, હાય!”

શોક પાળવા તેઓ ખેડૂતોને બોલાવશે

અને વિલાપ કરવા લોકોને ભાડે રાખશે.’

૧૭ ‘દરેક દ્રાક્ષાવાડીમાં રડારોળ થશે,+

કેમ કે તમને સજા કરવા હું તમારી વચ્ચેથી પસાર થઈશ,’ એવું યહોવા કહે છે.

૧૮ ‘યહોવાના દિવસની આતુરતાથી રાહ જુએ છે, તેઓને અફસોસ!+

યહોવાનો દિવસ તમારા માટે કેવો હશે?+

એ અંધકારનો દિવસ હશે, અજવાળાનો નહિ.+

૧૯ એ દિવસે એવું બનશે કે એક માણસ સિંહથી બચીને ભાગી રહ્યો હશે, એવામાં રીંછ તેની સામે આવી જશે,

અને તે ઘરે પહોંચીને દીવાલે હાથ ટેકવશે, એવામાં સાપ તેને કરડી જશે.

૨૦ યહોવાનો દિવસ પ્રકાશનો નહિ, પણ અંધકારનો દિવસ હશે.

એ અજવાળાનો નહિ, પણ ગાઢ અંધકારનો દિવસ હશે.

૨૧ મને તમારા તહેવારો જરાય ગમતા નથી, હું એને ધિક્કારું છું.+

ખાસ સંમેલનોમાં* તમે જે અર્પણો ચઢાવો છો, એની સુવાસથી હું જરાય ખુશ થતો નથી.

૨૨ ભલે તમે મને ભેટ-અર્પણો કે આખેઆખાં અગ્‍નિ-અર્પણો* ચઢાવો,

હું એનાથી પ્રસન્‍ન થઈશ નહિ.+

શાંતિ-અર્પણોમાં* ચઢાવેલાં તાજાં-માજાં પ્રાણીઓનો હું સ્વીકાર કરીશ નહિ.+

૨૩ તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો.

તમારાં વાજિંત્રોના* સંગીતથી મારા કાન પાકી ગયા છે.+

૨૪ ન્યાયને પાણીની જેમ+

અને નેકીને કાયમ વહેતા ઝરણાની જેમ વહેવા દો.

૨૫ હે ઇઝરાયેલના લોકો, ૪૦ વર્ષ દરમિયાન વેરાન પ્રદેશમાં

શું તમે મારા માટે બલિદાનો કે ભેટ-અર્પણો લાવ્યા હતા?+

૨૬ હવે તમારે તમારા સિક્કૂથ રાજાને અને કીયૂનને,*

એટલે કે તમારા તારા-દેવતાને લઈ જવો પડશે, જેની તમે પોતાના માટે મૂર્તિઓ બનાવી છે.

૨૭ હું તમને દમસ્કથી પણ દૂર ગુલામીમાં મોકલીશ.’+ આ વાત તેમણે કહી છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.”+

૬ “હે સિયોનમાં એશઆરામથી રહેનારાઓ,*

સમરૂનના પર્વત પર સલામતીથી રહેનારાઓ,+ તમને અફસોસ!

તમે મુખ્ય પ્રજાઓના જાણીતા માણસો છો,

અને ઇઝરાયેલનું ઘર તમારા પર આધાર રાખે છે.

 ૨ કાલ્નેહ શહેર જાઓ અને જુઓ.

ત્યાંથી મોટા શહેર હમાથ જાઓ+

અને પલિસ્તીઓના શહેર ગાથ જાઓ.

શું તેઓ આ રાજ્યો* કરતાં વધારે સારાં છે?

અથવા શું તેઓનો વિસ્તાર તમારા કરતાં વધારે મોટો છે?

 ૩ શું તમે આફતના દિવસને મનમાંથી કાઢી નાખ્યો છે?+

શું તમે એવું ચાહો છો કે હિંસા તમારા પર રાજ કરે?+

 ૪ તમે હાથીદાંતના+ પલંગો પર આળોટો છો અને બિછાના પર ફેલાઈને+

ઘેટાનાં બચ્ચાંનું અને તાજાં-માજાં વાછરડાંનું માંસ ખાઓ છો.+

 ૫ તમે વીણાના* સૂર પર ગીતો રચો છો+

અને દાઉદની જેમ નવાં નવાં વાજિંત્રો બનાવો છો.+

 ૬ તમે મોટા મોટા પ્યાલામાં દ્રાક્ષદારૂ પીઓ છો+

અને ઉત્તમ તેલથી પોતાનો અભિષેક* કરો છો.

પણ યૂસફના લોકોની બરબાદીની તમને કંઈ પડી નથી.*+

 ૭ એટલે સૌથી પહેલા તમે ગુલામીમાં જશો,+

તમારી બેફામ મિજબાનીઓનો અને એશઆરામનો અંત આવશે.

 ૮ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,

‘વિશ્વના માલિક યહોવાએ પોતાના સમ ખાઈને કહ્યું છે,+

“હું યાકૂબના ગર્વને ધિક્કારું છું,+

હું તેના કિલ્લાઓને નફરત કરું છું.+

હું તેના શહેરને અને એમાં જે કંઈ છે એ બધું દુશ્મનના હાથમાં સોંપી દઈશ.+

૯ “‘“જો એક ઘરમાં દસ માણસો બચ્યા હશે, તો તેઓ પણ માર્યા જશે. ૧૦ તેઓનો સગો* આવશે અને તેઓની લાશોને એક પછી એક બહાર કાઢશે અને બાળશે. તે લાશોને* ઘરમાંથી બહાર લઈ જશે, પછી ઘરની અંદરની ઓરડીમાં જે કોઈ હશે તેને પૂછશે, ‘શું તારી સાથે બીજું કોઈ છે?’ તે કહેશે, ‘ના, કોઈ નથી.’ પછી તે સગો કહેશે, ‘ચૂપ રહે! યહોવાનું નામ લેવાનો આ સમય નથી.’”

૧૧ કેમ કે યહોવા આજ્ઞા આપશે ત્યારે,+

મોટાં મોટાં ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે

અને નાનાં નાનાં ઘરોને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે.+

૧૨ શું ઘોડાઓ ખડક પર દોડે?

શું ત્યાં કોઈ બળદથી* ખેતી કરે?

તમે ન્યાયને ઝેરી છોડ જેવો બનાવી દીધો છે,

અને નેકીના* ફળને કડવા છોડ* જેવું બનાવી દીધું છે.+

૧૩ તમે નકામી વસ્તુઓથી ખુશ થાઓ છો,

તમે કહો છો, “શું અમે અમારી તાકાતથી બળવાન નથી થયા?”*+

૧૪ હે ઇઝરાયેલના લોકો, હું તમારી સામે એક પ્રજા ઊભી કરીશ,+

તેઓ લીબો-હમાથથી*+ લઈને અરાબાહના વહેળા* સુધી તમારા પર જુલમ ગુજારશે,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

૭ વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે રાજાને હિસ્સો આપવા ઘાસની કાપણી થઈ ચૂકી હતી. એ પછી શિયાળાનો પાક* ઊગવાનો શરૂ જ થયો હતો, એવામાં ઈશ્વરે તીડોનું ઝુંડ મોકલ્યું. ૨ એ તીડો દેશની વનસ્પતિ ખાઈ ગયા પછી મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, તમારા લોકોને માફ કરો.+ યાકૂબ કઈ રીતે બચી શકશે?* તે કમજોર છે!”+

૩ એટલે પોતે જે નક્કી કર્યું હતું એના પર યહોવાએ ફરી વિચાર કર્યો.*+ યહોવાએ કહ્યું: “હવે એવું નહિ થાય.”

૪ વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે વિશ્વના માલિક યહોવાએ અગ્‍નિ દ્વારા દેશને સજા કરવાનો હુકમ આપ્યો. અગ્‍નિએ મહાસાગરોનું પાણી સૂકવી નાખ્યું અને જમીનનો અમુક ભાગ બાળીને ખાખ કરી દીધો. ૫ મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એવું ના કરો.+ યાકૂબ કઈ રીતે બચી શકશે?* તે કમજોર છે!”+

૬ એટલે પોતે જે નક્કી કર્યું હતું એના પર યહોવાએ ફરી વિચાર કર્યો.*+ વિશ્વના માલિક યહોવાએ કહ્યું: “એવું પણ નહિ થાય.”

૭ પછી તેમણે મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે યહોવા એક દીવાલ પર ઊભા હતા, જે ઓળંબાથી* સીધી બાંધેલી હતી. તેમના હાથમાં એક ઓળંબો હતો. ૮ યહોવાએ મને પૂછ્યું: “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું: “ઓળંબો.” યહોવાએ કહ્યું: “હું મારા ઇઝરાયેલી લોકોમાં એક ઓળંબો મૂકી રહ્યો છું. હું ક્યારેય તેઓને માફ કરીશ નહિ.+ ૯ ઇસહાકનાં ભક્તિ-સ્થળોને*+ ઉજ્જડ કરી દેવામાં આવશે. ઇઝરાયેલની પવિત્ર જગ્યાઓનો* નાશ કરવામાં આવશે.+ હું યરોબઆમના ઘર વિરુદ્ધ તલવાર લઈને આવીશ.”+

૧૦ બેથેલના યાજક* અમાઝ્યાએ+ ઇઝરાયેલના રાજા યરોબઆમને+ આ સંદેશો મોકલ્યો: “આમોસ ઇઝરાયેલમાં જ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે.+ લોકો હવે તેના શબ્દો સહી શકતા નથી.+ ૧૧ તે કહે છે, ‘યરોબઆમ તલવારે માર્યો જશે અને ઇઝરાયેલના લોકો પોતાના દેશમાંથી ગુલામીમાં જશે.’”+

૧૨ અમાઝ્યાએ આમોસને કહ્યું: “હે દર્શન જોનાર, જા, યહૂદા દેશમાં નાસી જા. ત્યાં તારી રોટલી કમાઈને ખા અને ત્યાં જ ભવિષ્યવાણી કર.+ ૧૩ પણ હવે તું ફરી કદી બેથેલમાં ભવિષ્યવાણી કરતો નહિ,+ કેમ કે એ રાજાની પવિત્ર જગ્યા+ અને રાજભવન છે.”

૧૪ આમોસે અમાઝ્યાને કહ્યું: “હું પ્રબોધક ન હતો કે પ્રબોધકનો દીકરો પણ ન હતો. હું તો એક ઘેટાંપાળક હતો+ અને અંજીરનાં ઝાડનો* રખેવાળ હતો.* ૧૫ હું ટોળાની રખેવાળી કરતો હતો ત્યારે યહોવાએ મને બોલાવી લીધો. યહોવાએ મને કહ્યું: ‘જા, જઈને મારા ઇઝરાયેલી લોકો આગળ ભવિષ્યવાણી કર.’+ ૧૬ હવે યહોવાનો સંદેશો સાંભળ: ‘તું કહે છે, “ઇઝરાયેલ વિરુદ્ધ ભવિષ્યવાણી કરીશ નહિ.+ ઇસહાકના ઘર વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.”+ ૧૭ એટલે યહોવા કહે છે: “તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે. તારાં દીકરા-દીકરીઓ તલવારે માર્યા જશે. માપવાની દોરીથી તારી મિલકતના ભાગલા પાડવામાં આવશે. તું અશુદ્ધ દેશમાં માર્યો જશે. ઇઝરાયેલના લોકો પોતાના દેશમાંથી જરૂર ગુલામીમાં જશે.”’”+

૮ વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે એક ટોપલીમાં ઉનાળાનાં ફળ* ભરેલાં હતાં. ૨ તેમણે પૂછ્યું: “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું: “ઉનાળાનાં પાકેલાં ફળોથી ભરેલી ટોપલી.” યહોવાએ મને કહ્યું: “મારા ઇઝરાયેલી લોકોનો અંત આવી પહોંચ્યો છે. હું ક્યારેય તેઓને માફ કરીશ નહિ.+ ૩ વિશ્વના માલિક યહોવા કહે છે, ‘એ દિવસે મંદિરનાં ગીતો વિલાપમાં ફેરવાઈ જશે.+ બધે જ લાશોના ઢગલા હશે+ અને એકદમ સન્‍નાટો છવાઈ જશે.’

 ૪ ઓ ગરીબોને કચડી નાખનારાઓ

અને દેશના દીન લોકોનો નાશ કરનારાઓ, તમે સાંભળો.+

 ૫ તમે કહો છો, ‘ચાંદરાતનો* તહેવાર ક્યારે પૂરો થાય+ ને આપણે અનાજ વેચીએ?

સાબ્બાથ*+ ક્યારે પૂરો થાય ને આપણે ધાન્ય વેચીએ?

જેથી આપણે એફાહ માપને* નાનું બનાવી શકીએ,

શેકેલનું* વજન વધારી શકીએ,

ખોટાં ત્રાજવાંથી છેતરી શકીએ,+

 ૬ ચાંદી આપીને લાચાર લોકોને ખરીદી શકીએ,

ચંપલની જોડ આપીને ગરીબોને વેચાતા લઈ શકીએ+

અને અનાજનું ભૂસું વેચી શકીએ.’

 ૭ યહોવાએ યાકૂબના ગૌરવના સમ ખાઈને કહ્યું,+

‘હું તેઓનાં કામોને કદી ભૂલીશ નહિ.+

 ૮ એટલે આખો દેશ* ધ્રૂજી ઊઠશે

અને દેશનો દરેક રહેવાસી વિલાપ કરશે.+

આખો દેશ નાઈલ નદીની જેમ ઊભરાઈ જશે

અને ઇજિપ્તની નાઈલ નદીના ધસમસતા અને ઓસરતા પાણી જેવો થઈ જશે.’+

 ૯ વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે,

‘એ દિવસે હું ભરબપોરે સૂરજને ડુબાડી દઈશ

અને ધોળે દહાડે દેશ પર અંધકાર પાથરી દઈશ.+

૧૦ તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી દઈશ+

અને તમારાં ગીતોને હું વિલાપગીતોમાં* ફેરવી દઈશ.

હું બધાની કમરે કંતાન પહેરાવીશ અને બધાનાં માથાં મૂંડાવી નાખીશ.

એકનો એક દીકરો મરી ગયો હોય એવો શોક હું ફેલાવીશ.

એ દિવસનો અંત એકદમ કડવો હશે.’

૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે,

‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,

જ્યારે હું દેશ પર દુકાળ મોકલીશ,

રોટલીનો કે પાણીનો દુકાળ નહિ,

પણ યહોવાના શબ્દો સાંભળવાનો દુકાળ મોકલીશ.+

૧૨ તેઓ સમુદ્રથી સમુદ્ર

અને ઉત્તરથી પૂર્વ* સુધી ભટકશે.

યહોવાના શબ્દો સાંભળવા તેઓ અહીંતહીં દોડશે, પણ તેઓને મળશે નહિ.

૧૩ એ દિવસે ખૂબસૂરત યુવતીઓ

અને યુવાનો તરસથી બેભાન થઈ જશે,

૧૪ તેઓ સમરૂનના પાપના સમ ખાઈને+ કહે છે,

“હે દાન, તારા દેવના સમ”+

અને “બેર-શેબાના રસ્તાના સમ!”+

તેઓ પડશે અને કદી પાછા ઊઠશે નહિ.’”+

૯ મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા.+ તેમણે કહ્યું: “સ્તંભોને ઉપરથી માર, એટલે એના પાયા* હલી જશે. સ્તંભોની ટોચ કાપી નાખ. બચી ગયેલા લોકોને હું તલવારથી મારી નાખીશ. કોઈ નાસી શકશે નહિ. જે નાસવાની કોશિશ કરશે, તે સફળ થશે નહિ.+

 ૨ જો તેઓ કબર* ખોદીને એમાં સંતાઈ જાય,

તો મારો હાથ તેઓને ત્યાંથી લઈ આવશે.

જો તેઓ ઉપર આકાશ સુધી પહોંચી જાય,

તો હું તેઓને ત્યાંથી નીચે ઉતારી લાવીશ.

 ૩ જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય,

તો હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ અને પાછા લઈ આવીશ.+

જો તેઓ મારી નજરથી બચવા સમુદ્રના તળિયે સંતાઈ જાય,

તો ત્યાં હું સાપને હુકમ આપીશ કે તેઓને કરડી જાય.

 ૪ જો દુશ્મનો તેઓને ગુલામ બનાવીને લઈ જાય,

તો ત્યાં હું તલવારને હુકમ આપીશ અને એ તેઓને મારી નાખશે.+

હું આશીર્વાદ નહિ, પણ આફત લાવવા તેઓ પર મારી નજર રાખીશ.+

 ૫ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા દેશને* અડકે છે,

અને એ પીગળી જાય છે.+

દેશનો દરેક રહેવાસી વિલાપ કરશે.+

આખો દેશ નાઈલ નદીની જેમ ઊભરાઈ જશે

અને ઇજિપ્તની નાઈલ નદીની જેમ ઓસરી જશે.+

 ૬ ‘જે ઈશ્વર સ્વર્ગ સુધી જતો દાદર બનાવે છે,

જે ઈશ્વર પૃથ્વી પર પોતાની ઇમારત* ઊભી કરે છે,

જે ઈશ્વર સમુદ્રના પાણીને બોલાવે છે

અને એને ધરતીની સપાટી પર વરસાવે છે,+

એ ઈશ્વરનું નામ યહોવા છે.’+

 ૭ યહોવા કહે છે, ‘હે ઇઝરાયેલના લોકો, શું મારા માટે તમે કૂશીઓ* જેવા નથી?

શું હું ઇઝરાયેલને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો નથી?+

શું હું પલિસ્તીઓને ક્રીતમાંથી+ અને સિરિયાને કીરમાંથી+ બહાર કાઢી લાવ્યો નથી?’

 ૮ યહોવા કહે છે, ‘હું વિશ્વનો માલિક યહોવા મારી નજર પાપી રાજ્ય પર રાખું છું,

પૃથ્વીની સપાટી પરથી હું એનું નામનિશાન મિટાવી દઈશ.+

પણ યાકૂબના ઘરનો હું પૂરેપૂરો નાશ નહિ કરું.+

 ૯ જુઓ! હું આજ્ઞા આપી રહ્યો છું

અને જેમ ચાળણાને હલાવવામાં આવે છે,

તેમ બધી પ્રજાઓમાં ઇઝરાયેલના ઘરને હલાવીને ચાળવામાં આવશે+

અને જમીન પર એકેય કાંકરો નહિ પડે.

૧૦ મારા લોકોમાંથી બધા પાપીઓ તલવારે માર્યા જશે,

તેઓ કહે છે, “અમારા પર આફત આવશે નહિ, એ અમારી આસપાસ ફરકશે પણ નહિ.”’

૧૧ ‘એ દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ* ફરી ઊભો કરીશ,+

હું તિરાડો* પૂરીશ,

હું એનાં ખંડેર ફરી બાંધીશ,

હું એને ફરી સ્થાપીશ અને એ અગાઉના સમય જેવો થઈ જશે.+

૧૨ અદોમમાં જે બચી ગયું છે એને તેઓ કબજે કરશે,+

જે પ્રજાઓ મારા નામે ઓળખાય છે તેઓને પણ કબજે કરશે,’ એવું યહોવા કહે છે, જે આ બધું કરે છે.

૧૩ યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,

જ્યારે કાપણી કરનારા છેક ખેડવાની મોસમ સુધી પાક લણશે

અને દ્રાક્ષો ભેગી કરનારા છેક બી વાવવાની મોસમ સુધી દ્રાક્ષો ભેગી કરશે,+

પહાડોમાંથી મીઠો દ્રાક્ષદારૂ ટપકશે+

અને ટેકરીઓ પર એની ધારા વહેશે.*+

૧૪ હું મારા ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી પાછા લાવીશ,+

તેઓ ઉજ્જડ થઈ ગયેલાં શહેરોને ફરી બાંધશે અને એમાં વસશે.+

તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનો દ્રાક્ષદારૂ પીશે,+

તેઓ વાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે.’+

૧૫ ‘હું તેઓના દેશમાં તેઓને રોપીશ.

મેં તેઓને જે દેશ આપ્યો છે,

એમાંથી તેઓને ફરી કદી ઉખેડી નાખવામાં આવશે નહિ,’+ એવું તારા ઈશ્વર યહોવા કહે છે.”

અર્થ, “બોજ” કે “બોજ ઊંચકનાર.”

વધારે માહિતી ક-૪ જુઓ.

અથવા, “ચરાવવાની જગ્યા.”

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

અથવા, “બંડ કર્યું છે.”

મૂળ, “જેના હાથમાં રાજદંડ છે એનો.”

શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

મૂળ, “જેના હાથમાં રાજદંડ છે એનો.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

અથવા, “બંડ કર્યું છે.”

મૂળ, “ન્યાયાધીશને.”

અથવા કદાચ, “રાજકુંવરોને.”

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

અથવા, “સૂચનો.”

મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઘરમાં.”

અથવા, “મિસરમાંથી.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “જાળમાં લાલચ મૂકી ન હોય.”

અથવા, “ખાનગી વાત.”

અથવા, “દમસ્કના દીવાન.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઘર વિરુદ્ધ સાક્ષી આપો.”

અથવા, “બંડનો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “માલિકોને.”

અથવા, “બંડ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.

મૂળ, “મેં તમારા દાંત સાફ કર્યા.”

અથવા, “શોકગીત.”

મૂળ, “બેથેલની શોધ ન કરો.”

અથવા કદાચ, “બેથેલ રહસ્યમય બની જશે.”

અથવા, “કડવા છોડ જેવો.” શબ્દસૂચિમાં “કડવો છોડ” જુઓ.

અથવા, “ન્યાયીપણાને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એ હિબ્રૂ નામ છે. એ કદાચ કૃત્તિકા નક્ષત્રને બતાવે છે.

એ હિબ્રૂ નામ છે. એ કદાચ મૃગશીર્ષ નક્ષત્રને બતાવે છે.

અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “જમીનનો કરવેરો.”

અથવા, “બંડ કર્યું છે.”

અથવા, “અપરાધ ઢાંકવા લાંચ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તારવાળાં વાજિંત્રોના.”

આ બંને દેવો કદાચ શનિ ગ્રહને બતાવે છે, જેને તેઓ ભગવાન તરીકે પૂજતા હતા.

અથવા, “પોતાના પર વધુ પડતો ભરોસો રાખનારાઓ.”

દેખીતું છે, એ ઇઝરાયેલ અને યહૂદાનાં રાજ્યોને બતાવે છે.

અથવા, “તારવાળા વાજિંત્રના.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “બરબાદીથી તમે બીમાર પડ્યા નહિ.”

મૂળ, “તેઓના કાકા.”

મૂળ, “હાડકાંને.”

મૂળ, “આખલાથી.”

અથવા, “ન્યાયીપણાના.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તાકાતથી શિંગડાં નથી મેળવ્યાં?”

અથવા, “હમાથના પ્રવેશદ્વારથી.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન.

મૂળ, “ઊભો થઈ શકશે?”

અથવા, “પસ્તાવો કર્યો.”

મૂળ, “ઊભો થઈ શકશે?”

અથવા, “પસ્તાવો કર્યો.”

દીવાલ સીધી છે કે નહિ, એ માપવાનું સાધન.

મૂળ, “ઉચ્ચ સ્થાનોને.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

ગુલર કે ઉમરડા જેવું ઝાડ.

અથવા, “અંજીરને ચીરો મૂકતો હતો.”

ખાસ કરીને “અંજીર” અને કદાચ “ખજૂર.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “પૃથ્વી.”

અથવા, “શોકગીતોમાં.”

અથવા, “સૂર્યોદય.”

અથવા, “ઉંબરા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પૃથ્વીને.”

અથવા, “ઘુંમટ; ગુંબજ.”

અથવા, “ઇથિયોપિયાના લોકો.”

અથવા, “તંબુ; ઝૂંપડું.”

અથવા, “તેઓની તિરાડો.”

મૂળ, “ટેકરીઓ પીગળી જશે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો