વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt માથ્થી ૧:૧-૨૮:૨૦
  • માથ્થી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માથ્થી
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી

માથ્થીએ લખેલી ખુશખબર

૧ આ પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તના* જીવનનો ઇતિહાસ* છે. તે ઇબ્રાહિમના કુળના,+ દાઉદના વંશજ હતા.+ આ છે ઈસુની વંશાવળી:

 ૨ ઇબ્રાહિમથી ઇસહાક થયો,+

ઇસહાકથી યાકૂબ;+

યાકૂબને યહૂદા+ અને બીજા દીકરાઓ થયા;

 ૩ યહૂદાને તામારથી પેરેસ અને ઝેરાહ થયા;+

પેરેસથી હેસરોન થયો;+

હેસરોનથી રામ થયો;+

 ૪ રામથી અમિનાદાબ થયો;

અમિનાદાબથી નાહશોન થયો;+

નાહશોનથી સલ્મોન થયો;

 ૫ સલ્મોનને રાહાબથી બોઆઝ થયો;+

બોઆઝને રૂથથી ઓબેદ થયો;+

ઓબેદથી યિશાઈ થયો;+

 ૬ યિશાઈથી રાજા દાઉદ થયો.+

દાઉદથી સુલેમાન થયો.+ સુલેમાનની મા અગાઉ ઊરિયાની પત્ની હતી.

 ૭ સુલેમાનથી રહાબઆમ થયો;+

રહાબઆમથી અબિયા થયો;

અબિયાથી આસા થયો;+

 ૮ આસાથી યહોશાફાટ થયો;+

યહોશાફાટથી યહોરામ થયો;+

યહોરામથી ઉઝ્ઝિયા થયો;

 ૯ ઉઝ્ઝિયાથી યોથામ થયો;+

યોથામથી આહાઝ થયો;+

આહાઝથી હિઝકિયા થયો;+

૧૦ હિઝકિયાથી મનાશ્શા થયો;+

મનાશ્શાથી આમોન થયો;+

આમોનથી યોશિયા થયો.+

૧૧ યહૂદીઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાયા,+ એ દરમિયાન યોશિયાને+ યખોન્યા+ અને બીજા દીકરાઓ થયા.

૧૨ બાબેલોનમાં યખોન્યાના દીકરા શઆલ્તીએલનો જન્મ થયો.

શઆલ્તીએલથી ઝરુબ્બાબેલ થયો;+

૧૩ ઝરુબ્બાબેલથી અબિહૂદ થયો;

અબિહૂદથી એલ્યાકીમ થયો;

એલ્યાકીમથી આઝોર થયો;

૧૪ આઝોરથી સાદોક થયો;

સાદોકથી આખીમ થયો;

આખીમથી અલિહૂદ થયો;

૧૫ અલિહૂદથી એલઆઝાર થયો;

એલઆઝારથી મથ્થાન થયો;

મથ્થાનથી યાકૂબ થયો.

૧૬ યાકૂબથી યૂસફ થયો, જે મરિયમનો પતિ હતો. મરિયમની કૂખે ઈસુનો જન્મ થયો,+ જે ખ્રિસ્ત કહેવાયા.+

૧૭ બધી પેઢીઓ આ પ્રમાણે હતી: ઇબ્રાહિમથી દાઉદ સુધી ૧૪ પેઢીઓ; દાઉદથી લઈને યહૂદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાયા ત્યાં સુધી ૧૪ પેઢીઓ; યહૂદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાયા ત્યારથી ખ્રિસ્તના સમય સુધી ૧૪ પેઢીઓ.

૧૮ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો: તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. પણ લગ્‍ન પહેલાં જ મરિયમ પવિત્ર શક્તિથી* ગર્ભવતી થઈ.+ ૧૯ તેનો પતિ યૂસફ સીધો માણસ હતો અને મરિયમને જાહેરમાં બદનામ કરવા માંગતો ન હતો. એટલે તેણે મરિયમને ખાનગીમાં છૂટાછેડા* આપવાનું નક્કી કર્યું.+ ૨૦ પણ તે આ વાતો પર વિચાર કરીને સૂઈ ગયો ત્યારે, યહોવાનો* દૂત* તેને સપનામાં દેખાયો અને કહ્યું: “યૂસફ, દાઉદના દીકરા,* તારી પત્ની મરિયમને ઘરે લાવતા ગભરાઈશ નહિ, કેમ કે જે બાળક તેના ગર્ભમાં છે એ પવિત્ર શક્તિથી છે.+ ૨૧ મરિયમ એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ* પાડજે,+ કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી છોડાવશે.”+ ૨૨ આ બધું એટલા માટે થયું, જેથી યહોવાએ* પોતાના પ્રબોધક* દ્વારા જે કહ્યું હતું એ પૂરું થાય: ૨૩ “જુઓ! કુંવારી ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે. તેઓ તેનું નામ ઈમ્માનુએલ પાડશે,”+ જેનો અર્થ થાય, “ઈશ્વર આપણી સાથે છે.”+

૨૪ પછી યૂસફ ઊંઘમાંથી જાગી ગયો. યહોવાના* દૂતે જે કહ્યું હતું એમ તેણે કર્યું. તે પોતાની પત્નીને ઘરે લઈ આવ્યો. ૨૫ પણ મરિયમે દીકરાને જન્મ આપ્યો+ ત્યાં સુધી યૂસફે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહિ. યૂસફે એ બાળકનું નામ ઈસુ પાડ્યું.+

૨ હેરોદ*+ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં+ ઈસુનો જન્મ થયો હતો. એ પછી પૂર્વથી જ્યોતિષીઓ યરૂશાલેમ આવ્યા. ૨ તેઓ પૂછવા લાગ્યા: “યહૂદીઓના જે રાજાનો જન્મ થયો છે તે ક્યાં છે?+ અમે પૂર્વમાં હતા ત્યારે તેનો તારો જોયો હતો. એટલે અમે તેને ઘૂંટણિયે પડીને નમન કરવા આવ્યા છીએ.” ૩ એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને આખું યરૂશાલેમ પણ ખળભળી ઊઠ્યું. ૪ હેરોદે લોકોના બધા જ મુખ્ય યાજકોને* અને શાસ્ત્રીઓને* ભેગા કર્યા. તેણે તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો* જન્મ ક્યાં થવાનો છે. ૫ તેઓએ તેને જણાવ્યું: “યહૂદિયાના બેથલેહેમમાં,+ કેમ કે પ્રબોધક દ્વારા આમ લખવામાં આવ્યું છે: ૬ ‘હે યહૂદા પ્રદેશના બેથલેહેમ! યહૂદા પર રાજ કરનારાઓમાં તું કોઈ રીતે નાનું શહેર નથી, કેમ કે તારામાંથી એક અધિકારી આવશે. તે મારા ઇઝરાયેલી લોકોને દોરશે.’”+

૭ પછી હેરોદે જ્યોતિષીઓને ખાનગીમાં બોલાવ્યા. તેઓને ક્યારે તારો દેખાયો હતો, એ વિશે તેણે બરાબર ખાતરી કરી લીધી. ૮ તેણે તેઓને બેથલેહેમ મોકલ્યા અને કહ્યું: “જાઓ, એ બાળકની સારી રીતે શોધ કરો. તમને એ મળી જાય ત્યારે મને જણાવજો, જેથી હું પણ જઈને ઘૂંટણિયે પડીને તેને નમન કરું.” ૯ રાજાનું સાંભળ્યા પછી તેઓ પોતાને રસ્તે આગળ વધ્યા. જુઓ! જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો,+ એ તેઓની આગળ આગળ જતો હતો. બાળક જ્યાં હતું એ ઘર ઉપર આવીને તારો અટકી ગયો. ૧૦ તારાને અટકેલો જોઈને તેઓના આનંદનો કોઈ પાર ન રહ્યો. ૧૧ તેઓ ઘરમાં ગયા અને બાળકને એની મા મરિયમ સાથે જોયું. તેઓએ બાળક આગળ ઘૂંટણિયે પડીને નમન કર્યું. તેઓએ પોતાના ખજાનામાંથી એને ભેટ આપી. તેઓએ ભેટમાં સોનું, લોબાન* અને બોળ* આપ્યાં. ૧૨ પછી ઈશ્વરે તેઓને સપનામાં ચેતવણી આપી+ કે હેરોદ પાસે પાછા ન જાય. એટલે તેઓ પોતાને દેશ જવા બીજે રસ્તે નીકળી ગયા.

૧૩ તેઓના ગયા પછી, યૂસફને સપનામાં યહોવાનો* દૂત દેખાયો+ અને તેણે કહ્યું: “ઊઠ, બાળક અને એની માને લઈને ઇજિપ્ત* નાસી જા. હેરોદ આ બાળકની શોધ કરવાનો છે. તે એને મારી નાખવા માંગે છે. એટલે જ્યાં સુધી હું કહું નહિ ત્યાં સુધી ત્યાં જ રહેજે.” ૧૪ યૂસફ ઊઠ્યો અને બાળક તથા એની માને લઈને એ રાતે ઇજિપ્ત ચાલ્યો ગયો. ૧૫ હેરોદના મરણ સુધી યૂસફ ત્યાં રહ્યો. આ રીતે યહોવાએ* પોતાના પ્રબોધક દ્વારા જે કહ્યું હતું એ પૂરું થયું: “મેં મારા દીકરાને ઇજિપ્તથી બોલાવ્યો.”+

૧૬ જ્યારે હેરોદને ખબર પડી કે જ્યોતિષીઓએ તેને છેતર્યો છે, ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે બેથલેહેમ અને એના સર્વ વિસ્તારોમાં પોતાના સેવકો મોકલ્યા. તેણે બે વર્ષ અને એથી ઓછી ઉંમરના બધા છોકરાઓને મારી નંખાવ્યા. તેણે જ્યોતિષીઓ પાસેથી જે સમયની બરાબર ખાતરી કરી હતી,+ એને આધારે એવું કર્યું. ૧૭ આ રીતે યર્મિયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થયું: ૧૮ “રામામાં અવાજ સંભળાય છે, મોટો વિલાપ અને રડારોળ સંભળાય છે. એ તો પોતાનાં બાળકો માટે રડતી રાહેલ છે.+ તે દિલાસો લેવા માંગતી નથી, કેમ કે તેઓ હવે રહ્યાં નથી.”+

૧૯ હેરોદના મરણ પછી, ઇજિપ્તમાં યહોવાનો* દૂત યૂસફને સપનામાં દેખાયો.+ ૨૦ દૂતે કહ્યું: “ઊઠ, બાળકને અને એની માને લઈને ઇઝરાયેલ દેશમાં જા. જેઓ બાળકનો જીવ લેવા માંગતા હતા તેઓ મરી ગયા છે.” ૨૧ તે ઊઠ્યો અને બાળક તથા એની માને લઈને ઇઝરાયેલ દેશમાં ગયો. ૨૨ પણ જ્યારે તેણે સાંભળ્યું કે આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદ પછી યહૂદિયામાં રાજ કરે છે, ત્યારે તે ત્યાં જતાં ગભરાયો. ઈશ્વરે સપનામાં ચેતવણી આપી હોવાથી+ તે ગાલીલ પ્રદેશમાં જતો રહ્યો.+ ૨૩ તે નાઝરેથ નામના શહેરમાં+ જઈને વસ્યો. આમ પ્રબોધકો દ્વારા જે કહેવામાં આવ્યું હતું, એ પૂરું થયું: “તે* નાઝારી* કહેવાશે.”+

૩ એ દિવસોમાં યહૂદિયાના વેરાન પ્રદેશમાં બાપ્તિસ્મા આપનાર યોહાન+ આવ્યો અને પ્રચાર કરવા લાગ્યો.+ ૨ તે કહેવા લાગ્યો: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”+ ૩ આ એ જ વ્યક્તિ છે, જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું+ કે “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’”+ ૪ યોહાનનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો હતો.+ તીડો અને જંગલી મધ તેનો ખોરાક હતો.+ ૫ યરૂશાલેમ, આખા યહૂદિયા અને યર્દનની આસપાસના આખા પ્રદેશના લોકો તેની પાસે જવા લાગ્યા.+ ૬ તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા* આપ્યું.+

૭ તે બાપ્તિસ્મા આપતો હતો એ જગ્યાએ ઘણા ફરોશીઓ* અને સાદુકીઓ*+ આવ્યા. તેઓ પર નજર પડતા યોહાને કહ્યું: “ઓ સાપના વંશજો,+ આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા?+ ૮ એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. ૯ તમે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઇબ્રાહિમ છે.’+ હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્‍ન કરી શકે છે. ૧૦ વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. સારાં ફળ આપતું નથી એ દરેક વૃક્ષ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.+ ૧૧ તમારા પસ્તાવાને લીધે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું.+ પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.+ તે તમને પવિત્ર શક્તિથી+ અને અગ્‍નિથી બાપ્તિસ્મા આપશે.+ ૧૨ તેમના હાથમાં સૂપડું છે અને તે પોતાની ખળીને* એકદમ સાફ કરી નાખશે. તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે+ જે કદી હોલવી શકાશે નહિ.”

૧૩ એ પછી ઈસુ બાપ્તિસ્મા લેવા ગાલીલથી યર્દન નદીએ યોહાન પાસે આવ્યા.+ ૧૪ પણ યોહાને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, “મારે તમારાથી બાપ્તિસ્મા લેવાની જરૂર છે. તમે મારી પાસે કેમ આવો છો?” ૧૫ ઈસુએ તેને જવાબ આપ્યો: “અત્યારે આવું થવા દે, કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે બધું કરવું આપણા માટે યોગ્ય છે.” પછી યોહાને તેમને રોક્યા નહિ. ૧૬ બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા. જુઓ, આકાશ ઊઘડી ગયું!+ યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ+ ૧૭ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો:+ “આ મારો વહાલો દીકરો છે,+ જેને મેં પસંદ કર્યો છે.”+

૪ પછી પવિત્ર શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં લઈ ગઈ. ત્યાં શેતાને*+ તેમનું પરીક્ષણ કર્યું.+ ૨ ઈસુએ ૪૦ દિવસ અને ૪૦ રાત ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. ૩ એ સમયે પરીક્ષણ કરનાર શેતાન+ આવ્યો અને ઈસુને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય.” ૪ પણ તેમણે જવાબમાં કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના* મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.’”+

૫ પછી શેતાન તેમને પવિત્ર શહેરમાં લઈ ગયો+ અને મંદિરની દીવાલની ટોચ* પર ઊભા રાખ્યા.+ ૬ તેણે તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે કૂદકો માર. કેમ કે એમ લખેલું છે કે ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે’ અને ‘તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’”+ ૭ ઈસુએ તેને કહ્યું: “એમ પણ લખેલું છે કે ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’”+

૮ ત્યાર બાદ શેતાન તેમને બહુ ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે ઈસુને દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં.+ ૯ તેણે તેમને કહ્યું: “જો તું એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે, તો હું તને આ બધું આપી દઈશ.” ૧૦ પણ ઈસુએ તેને કહ્યું: “અહીંથી ચાલ્યો જા શેતાન!* એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર+ અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’”+ ૧૧ એટલે શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો.+ ત્યાર બાદ દૂતો આવીને ઈસુને મદદ કરવા લાગ્યા.+

૧૨ જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યો છે,+ ત્યારે તે ગાલીલ જવા નીકળી ગયા.+ ૧૩ પછી નાઝરેથથી નીકળીને તે કાપરનાહુમ ગયા+ અને ત્યાં રહ્યા. એ સરોવરને કિનારે આવેલું છે, જે સરોવર ઝબુલોન અને નફતાલી જિલ્લાઓમાં છે. ૧૪ આ રીતે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: ૧૫ “ઓ બીજી પ્રજાઓના ગાલીલ! ઓ ઝબુલોન અને નફતાલીના વિસ્તારો! સમુદ્ર તરફ જતા રસ્તે અને યર્દનની પશ્ચિમે રહેનારા લોકો! ૧૬ અંધકારમાં બેઠેલા લોકોએ મોટો પ્રકાશ જોયો. મરણની છાયામાં બેઠેલા લોકો પર પ્રકાશ ઝળહળી ઊઠ્યો.”+ ૧૭ એ સમયથી ઈસુ પ્રચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”+

૧૮ એકવાર ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા. તેમણે સિમોન, જે પિતર કહેવાય છે+ તેને અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. તેઓ માછીમાર હતા.+ ૧૯ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”+ ૨૦ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.+ ૨૧ આગળ ગયા પછી ઈસુએ બીજા બે ભાઈઓને, એટલે કે ઝબદીના દીકરા, યાકૂબ અને યોહાનને જોયા.+ તેઓ પોતાના પિતા ઝબદી સાથે હોડીમાં જાળ સાંધતા હતા. ઈસુએ તેઓને બોલાવ્યા.+ ૨૨ તેઓ તરત જ હોડી અને પોતાના પિતાને છોડીને તેમની પાછળ ગયા.

૨૩ પછી ઈસુ આખા ગાલીલમાં+ ફરીને ત્યાંનાં સભાસ્થાનોમાં*+ શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. લોકોને જે કોઈ રોગ હોય, જે કોઈ કમજોરી હોય એમાંથી તેઓને સાજા કર્યા.+ ૨૪ તેમના વિશેની ખબર આખા સિરિયામાં ફેલાઈ ગઈ. દુઃખ-દર્દ અને રોગોથી પીડાતા+ સર્વને લોકો ઈસુ પાસે લઈ આવ્યા. તેઓમાં એવા લોકો પણ હતા, જેઓ દુષ્ટ દૂતોના* વશમાં હતા,+ જેઓ ખેંચથી* પીડાતા હતા+ અને જેઓને લકવો થયેલો હતો. તેમણે બધાને સાજા કર્યા. ૨૫ એટલે ગાલીલ, દકાપોલીસ,* યરૂશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની આ બાજુથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ ગયાં.

૫ લોકોનાં ટોળેટોળાં જોઈને ઈસુ પહાડ પર ગયા. તે ત્યાં બેઠા અને શિષ્યો તેમની પાસે આવ્યા. ૨ ઈસુ તેઓને શીખવવા લાગ્યા:

૩ “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે*+ તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

૪ “જેઓ શોક કરે છે તેઓ સુખી છે, કેમ કે તેઓને દિલાસો મળશે.+

૫ “જેઓ કોમળ સ્વભાવના છે*+ તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.+

૬ “જેઓને ન્યાય* માટે ભૂખ અને તરસ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ધરાશે.*+

૭ “જેઓ દયાળુ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.

૮ “જેઓનું દિલ સાફ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ઈશ્વરને જોશે.

૯ “જેઓ સુલેહ-શાંતિ કરાવે છે* તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ઈશ્વરના દીકરાઓ કહેવાશે.

૧૦ “સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે,+ કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

૧૧ “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે,+ તમારી સતાવણી કરે+ અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો.+ ૧૨ તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો,+ કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે.+ તમારી અગાઉના પ્રબોધકોની પણ તેઓએ આ રીતે સતાવણી કરી હતી.+

૧૩ “તમે દુનિયાનું* મીઠું છો.+ પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય તો શું એની ખારાશ પાછી લાવી શકાય ખરી? ના! પછી એ કંઈ કામનું રહેતું નથી. એને બહાર ફેંકવામાં આવે છે+ અને એ લોકોના પગ નીચે કચડાય છે.

૧૪ “તમે દુનિયાનું અજવાળું છો.+ પહાડ પર વસેલું શહેર છૂપું રહી શકતું નથી. ૧૫ લોકો દીવો સળગાવીને એને ટોપલા નીચે મૂકતા નથી, પણ ઊંચે દીવી પર મૂકે છે. એ દીવો ઘરમાં બધાને અજવાળું આપે છે.+ ૧૬ એ જ રીતે, તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો,+ જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ+ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.+

૧૭ “એવું ન વિચારશો કે હું નિયમશાસ્ત્ર* અને પ્રબોધકોનાં લખાણોનો નાશ કરવા આવ્યો છું. હું એનો નાશ કરવા નહિ, પણ એ પૂરાં કરવા આવ્યો છું.+ ૧૮ હું તમને સાચું કહું છું કે ભલે આકાશ અને પૃથ્વી જતાં રહે, પણ જ્યાં સુધી નિયમશાસ્ત્રમાં લખેલું બધું પૂરું ન થાય, ત્યાં સુધી એનો સૌથી નાનો અક્ષર કે અક્ષરની એક માત્રા પણ જતી રહેશે નહિ.+ ૧૯ એટલે જે કોઈ એની નાનામાં નાની આજ્ઞાઓમાંથી એક તોડે છે અને લોકોને એવું કરતા શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવાને લાયક ઠરશે નહિ.* પણ જે કોઈ એ આજ્ઞાઓ પાળે છે અને બીજાઓને એ પાળવાનું શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવાને લાયક ઠરશે.* ૨૦ હું તમને કહું છું કે જો તમારાં કામ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં વધારે નેક* નહિ હોય,+ તો તમે કોઈ પણ હિસાબે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+

૨૧ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે ખૂન ન કરો.+ જે કોઈ ખૂન કરે છે, તેણે અદાલતમાં જવાબ આપવો પડશે.’+ ૨૨ પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈની* વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે છે,+ તેણે અદાલતમાં જવાબ આપવો પડશે. જે કોઈ ખરાબ શબ્દોથી પોતાના ભાઈનું ઘોર અપમાન કરે છે, તેણે સર્વોચ્ચ અદાલતમાં* જવાબ આપવો પડશે. જે કોઈ એમ કહે કે ‘તું મહા મૂર્ખ છે!’ તે ગેહેન્‍નાની* આગમાં નંખાવાને લાયક ઠરશે.+

૨૩ “એટલે જો તમે વેદી* પાસે અર્પણ લઈને જાઓ+ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, ૨૪ તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો. જાઓ, પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.+

૨૫ “જે કોઈ તમારી વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરવા જાય, તેની સાથે રસ્તામાં જ બને એટલું જલદી સુલેહ-શાંતિ કરી લો. એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે અને ન્યાયાધીશ તમને સિપાઈને સોંપી દે અને તમને કેદખાનામાં નાખવામાં આવે.+ ૨૬ હું તમને સાચે જ કહું છું કે તમે એકેએક પાઈ* ચૂકવી ન દો ત્યાં સુધી તમારો છુટકારો થવાનો નથી.

૨૭ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે વ્યભિચાર ન કરો.’+ ૨૮ પણ હું તમને કહું છું: જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે,+ તેણે પોતાના દિલમાં એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે.+ ૨૯ જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે,* તો તરત એને કાઢીને ફેંકી દો.+ તમારું આખું શરીર ગેહેન્‍નામાં* નંખાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે.+ ૩૦ જો તમારો જમણો હાથ તમને પાપ કરાવે,* તો એને કાપીને તમારાથી દૂર ફેંકી દો.+ તમારું આખું શરીર ગેહેન્‍નામાં જાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે.+

૩૧ “એમ પણ કહેલું હતું કે ‘જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે, તે તેને છૂટાછેડા લખી આપે.’+ ૩૨ પણ હું તમને કહું છું કે કોઈ માણસે પોતાની પત્નીને છૂટાછેડા ન આપવા. છૂટાછેડા આપીને તે પત્નીને વ્યભિચારના જોખમમાં મૂકે છે. જે માણસ એવી સ્ત્રીને પરણે, તે પણ વ્યભિચાર કરે છે. જો સ્ત્રીએ વ્યભિચાર* કર્યો હોય તો જ પતિ તેને છૂટાછેડા આપી શકે છે.+

૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો.+ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કરો.’+ ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ.+ સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે. ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે.+ યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે.+ ૩૬ તમે તમારાં માથાના સમ પણ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ કે કાળો કરી શકતા નથી. ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય,+ કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન* તરફથી છે.+

૩૮ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’+ ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.+ ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો લેવા માંગે, તો તમારો બહારનો ઝભ્ભો પણ તેને આપી દો.+ ૪૧ જો કોઈ અધિકારી તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તો તેની સાથે બે કિલોમીટર જાઓ. ૪૨ જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું* લેવા આવે તો તેનાથી મોં ન ફેરવો.+

૪૩ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે પોતાના પડોશી* પર પ્રેમ રાખો+ અને દુશ્મનને નફરત કરો.’ ૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો+ અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+ ૪૫ આ રીતે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરાઓ બનશો,+ કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે. તે નેક* અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.+ ૪૬ જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો તમને શું ફાયદો?+ શું કર ઉઘરાવનારા પણ એવું જ નથી કરતા? ૪૭ જો તમે ફક્ત પોતાના ભાઈઓને જ સલામ કરો, તો એમાં શું મોટી વાત? શું બીજી પ્રજાના લોકો પણ એવું જ નથી કરતા? ૪૮ એટલે જેમ સ્વર્ગમાંના તમારા પિતા સંપૂર્ણ છે, તેમ તમે પણ સંપૂર્ણ થાઓ.+

૬ “ધ્યાન રાખો! તમે લોકોને બતાવવા માટે સારાં કાર્યો ન કરો,+ નહિતર સ્વર્ગમાંના તમારા પિતા પાસેથી તમને કોઈ બદલો નહિ મળે. ૨ જ્યારે તમે દાન* કરો ત્યારે ઢંઢેરો ન પિટાવો.* એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે. ૩ પણ તમે દાન કરો ત્યારે તમારો ડાબો હાથ ન જાણે કે તમારો જમણો હાથ શું કરે છે. ૪ એ રીતે તમારું દાન ગુપ્ત રહે. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે એ તમને એનો બદલો આપશે.+

૫ “તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી લોકો જેવા ન બનો.+ તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓનાં નાકાં પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, જેથી લોકો તેઓને જોઈ શકે.+ હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે. ૬ તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ. દરવાજો બંધ કરીને તમારા પિતાને પ્રાર્થના કરો, જેમને કોઈ જોઈ શકતું નથી.+ તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે તે તમને બદલો આપશે. ૭ પ્રાર્થના કરતી વખતે દુનિયાના લોકોની જેમ એકની એક વાતનું રટણ ન કરો. તેઓ ધારે છે કે ઘણા શબ્દો બોલવાથી ઈશ્વર તેઓનું સાંભળશે. ૮ પણ તમે તેઓ જેવા ન બનો, કેમ કે તમે માંગો એ પહેલાં તમારા પિતા જાણે છે+ કે તમને શાની જરૂર છે.

૯ “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો:+

“‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ+ પવિત્ર મનાઓ.*+ ૧૦ તમારું રાજ્ય+ આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર+ તમારી ઇચ્છા+ પૂરી થાઓ. ૧૧ આજ માટે જરૂરી રોટલી અમને આપો.+ ૧૨ જેમ અમે અમારી વિરુદ્ધ પાપ કરનારાઓને* માફ કર્યા છે, તેમ તમે પણ અમારાં પાપ* માફ કરો.+ ૧૩ અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ*+ અને શેતાનથી* અમને બચાવો.’*+

૧૪ “જો તમે લોકોના અપરાધો માફ કરશો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમને માફ કરશે.+ ૧૫ પરંતુ જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.+

૧૬ “તમે ઉપવાસ કરો+ ત્યારે ઢોંગીઓની જેમ ચહેરો ઉદાસ ન રાખો.* તેઓ પોતાનો ચહેરો પણ સાફ રાખતા નથી,* જેથી તેઓએ ઉપવાસ કર્યો છે એવી લોકોને ખબર પડે.+ હું તમને સાચે જ કહું છું કે તેઓ પૂરી રીતે પોતાનો બદલો મેળવી ચૂક્યા છે. ૧૭ તમે ઉપવાસ કરો ત્યારે તમારાં માથા પર તેલ ચોળો અને તમારો ચહેરો ધોઈ નાખો. ૧૮ એ માટે કે તમે ઉપવાસ કરો છો એની માણસોને નહિ પણ તમારા પિતાને જાણ થાય, જેમને કોઈ જોઈ શકતું નથી. તમારા પિતા, જે બધું જ જોઈ શકે છે એ તમને બદલો આપશે.

૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે. ૨૦ એને બદલે, તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.+ ત્યાં એને જીવડાં ખાતાં નથી, કાટ નાશ કરતો નથી+ અને ચોર ચોરી જતા નથી. ૨૧ જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.

૨૨ “શરીરનો દીવો આંખ છે.+ જો તમારી આંખ એક જ બાબત પર લાગેલી હશે,* તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. ૨૩ જો તમારી આંખ દુષ્ટ કામો પર લાગેલી હશે,*+ તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે. જો શરીરને પ્રકાશ આપતી તમારી આંખ જ અંધકારથી ભરેલી હોય, તો તમે કેવા ઘોર અંધકારમાં છો!

૨૪ “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી. તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે.+ તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.+

૨૫ “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની* ચિંતા કરવાનું બંધ કરો+ કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી?+ ૨૬ આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ.+ તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી. તોપણ સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે. શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી? ૨૭ તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાનું જીવન એક પળ માટે* પણ લંબાવી શકે છે?+ ૨૮ તમે કપડાંની શું કામ ચિંતા કરો છો? ખેતરનાં ફૂલો પાસેથી શીખો. તેઓ કેવાં ખીલે છે! તેઓ નથી મજૂરી કરતાં કે નથી કાંતતાં. ૨૯ હું તમને કહું છું કે સુલેમાને+ પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય. ૩૦ ખેતરનાં ફૂલછોડ જે આજે અહીં છે અને કાલે આગમાં નંખાશે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે શું તમને વધારે સારાં કપડાં નહિ પહેરાવે? ૩૧ એટલે કદી ચિંતા ન કરો+ કે ‘આપણે શું ખાઈશું?’ અથવા ‘આપણે શું પીશું?’ અથવા ‘આપણે શું પહેરીશું?’+ ૩૨ એ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે. સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે.

૩૩ “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને* જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+ ૩૪ એટલે તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો.+ આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.

૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો,+ જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે. ૨ તમે જે રીતે બીજાઓને દોષિત ઠરાવો છો, એ જ રીતે તમને દોષિત ઠરાવવામાં આવશે.+ તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ માપી આપશે.+ ૩ તમે કેમ તમારા ભાઈની* આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી આંખમાંનો ભારોટિયો* જોતા નથી?+ ૪ જો તમારી આંખમાં ભારોટિયો હોય, તો તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે’? ૫ ઓ ઢોંગીઓ! પહેલા તમારી આંખમાંથી ભારોટિયો કાઢો. પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંથી તણખલું કઈ રીતે કાઢવું.

૬ “જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો.+ એવું ન થાય કે તેઓ એને પગ નીચે ખૂંદે અને સામા થઈને તમને ફાડી ખાય.

૭ “માંગતા રહો અને તમને આપવામાં આવશે.+ શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.+ ૮ જે કોઈ માંગે છે તેને મળે છે,+ જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે. ૯ તમારામાં એવું કોણ છે, જેની પાસે તેનો દીકરો રોટલી માંગે તો તેને પથ્થર આપશે? ૧૦ અથવા તે માછલી માંગે તો તેને સાપ આપશે? ૧૧ તમે પાપી હોવા છતાં તમારાં બાળકોને સારી ભેટ આપો છો. તો પછી સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ માંગે છે, તેઓને તે સારી વસ્તુઓ આપશે એમાં કોઈ જ શંકા નથી.+

૧૨ “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.+ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.+

૧૩ “સાંકડા દરવાજાથી અંદર જાઓ,+ કેમ કે પહોળો દરવાજો અને સરળ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે. ઘણા લોકો એ દરવાજામાં થઈને જાય છે. ૧૪ જ્યારે કે સાંકડો દરવાજો અને મુશ્કેલ રસ્તો જીવન તરફ લઈ જાય છે. બહુ થોડા લોકોને એ મળે છે.+

૧૫ “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો.+ તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે.+ પણ તેઓ અંદરથી તો ભૂખ્યાં અને ખતરનાક વરુઓ જેવા છે.+ ૧૬ તેઓનાં કાર્યોથી* તમે તેઓને ઓળખશો. શું લોકો ક્યારેય કાંટાળા છોડ પરથી દ્રાક્ષ અથવા ઝાડી-ઝાંખરાં પરથી અંજીર તોડે છે?+ ૧૭ એ જ રીતે, દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ દરેક સડેલું ઝાડ ખરાબ ફળ આપે છે.+ ૧૮ સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને સડેલું ઝાડ સારાં ફળ આપી શકતું નથી.+ ૧૯ જે ઝાડ સારાં ફળ આપતું નથી, એ કપાય છે અને આગમાં નંખાય છે.+ ૨૦ તમે એ લોકોને તેઓનાં કાર્યોથી ઓળખશો.+

૨૧ “મને ‘માલિક, માલિક’ કહેનારા બધા લોકો સ્વર્ગના રાજ્યમાં જશે નહિ. પણ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ એમાં જશે.+ ૨૨ એ દિવસે ઘણા મને કહેશે: ‘માલિક, માલિક,+ શું અમે તમારા નામે ભવિષ્યવાણી* કરી ન હતી? તમારા નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા? તમારા નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’+ ૨૩ પણ હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’+

૨૪ “એટલે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરે છે, તે સમજદાર માણસ જેવો છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.+ ૨૫ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો. તોપણ એ ઘર પડ્યું નહિ, કેમ કે એનો પાયો ખડક પર નંખાયો હતો. ૨૬ પણ જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરતો નથી, તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.+ ૨૭ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી.+ એ ઘર પડી ગયું અને એનો પૂરેપૂરો નાશ થયો.”

૨૮ ઈસુએ બોલવાનું પૂરું કર્યું ત્યારે, તેમની શીખવવાની રીતથી લોકો દંગ રહી ગયા.+ ૨૯ ઈસુ તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેની પાસે અધિકાર હોય એ રીતે શીખવતા હતા.+

૮ ઈસુ પહાડ પરથી નીચે આવ્યા ત્યારે, લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ ગયા. ૨ જુઓ! એક રક્તપિત્તિયો* માણસ તેમની પાસે આવ્યો અને ઘૂંટણિયે પડીને કહેવા લાગ્યો: “માલિક, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”+ ૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.”+ તરત જ તેનો રક્તપિત્ત મટી ગયો.+ ૪ ઈસુએ તેને કહ્યું: “જોજે, કોઈને કશું કહેતો નહિ.+ પણ યાજક* પાસે જઈને બતાવ+ અને મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”

૫ ઈસુ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, એક લશ્કરી અધિકારીએ તેમની પાસે આવીને વિનંતી કરી.+ ૬ તે કહેવા લાગ્યો: “સાહેબ, મારા ચાકરને લકવો થયો છે. તે ઘરે પથારીમાં પડ્યો છે અને ખૂબ પીડાય છે.” ૭ ઈસુએ તેને કહ્યું: “હું ત્યાં આવીશ ત્યારે તેને સાજો કરીશ.” ૮ લશ્કરી અધિકારીએ જવાબમાં કહ્યું: “સાહેબ, તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. તમે બસ કહી દો, એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૯ હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે. એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે. બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે. મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૧૦ આ સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી. તેમણે પોતાની પાછળ આવતા લોકોને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે આખા ઇઝરાયેલમાં મેં કોઈનામાં પણ આટલી શ્રદ્ધા જોઈ નથી.+ ૧૧ હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમથી ઘણા આવશે. તેઓ સ્વર્ગના રાજ્યમાં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે બેસશે.*+ ૧૨ જ્યારે કે રાજ્યના દીકરાઓને બહાર અંધકારમાં ફેંકી દેવામાં આવશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.”+ ૧૩ પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું: “જા, તેં જેવી શ્રદ્ધા બતાવી છે એવું જ થાઓ.”+ એ જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો.+

૧૪ ઈસુ પિતરના ઘરે આવ્યા. તેમણે જોયું કે તેની સાસુ+ તાવને લીધે પથારીમાં સૂઈ ગઈ હતી.+ ૧૫ ઈસુ તેના હાથને અડક્યા+ અને તેનો તાવ ઊતરી ગયો. તે ઊઠીને તેમની સેવા કરવા લાગી. ૧૬ સાંજ પડી ત્યારે લોકો તેમની પાસે દુષ્ટ દૂતોના વશમાં હોય એવા ઘણાને લઈ આવ્યા. ઈસુએ હુકમ કરીને એ દુષ્ટ દૂતોને બહાર કાઢ્યા. જેઓ બીમાર હતા એ સર્વને પણ સાજા કર્યા. ૧૭ આ રીતે યશાયા પ્રબોધકે કહેલું પૂરું થયું: “તેણે આપણી બીમારીઓ લઈ લીધી અને આપણાં દુઃખો પોતાના માથે લઈ લીધાં.”+

૧૮ જ્યારે ઈસુએ પોતાની આસપાસ ટોળું જોયું, ત્યારે તેમણે શિષ્યોને સામે પાર જવાની આજ્ઞા કરી.+ ૧૯ એક શાસ્ત્રીએ આવીને તેમને કહ્યું: “ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”+ ૨૦ પણ ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને* માથું ટેકવવાની પણ જગ્યા નથી.”+ ૨૧ શિષ્યોમાંથી બીજા એકે તેમને કહ્યું: “માલિક, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.”+ ૨૨ ઈસુએ તેને કહ્યું: “મારી પાછળ ચાલતો રહે. મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે.”+

૨૩ જ્યારે ઈસુ હોડીમાં બેઠા ત્યારે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા.+ ૨૪ જુઓ! સરોવરમાં એવું મોટું તોફાન ઊઠ્યું કે હોડી મોજાઓથી ઢંકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા.+ ૨૫ તેઓ તેમની પાસે આવ્યા અને તેમને જગાડીને કહેવા લાગ્યા: “હે માલિક, બચાવો, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” ૨૬ પણ તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ?”+ તેમણે ઊભા થઈને પવન અને સરોવરને ધમકાવ્યાં અને એકદમ શાંતિ છવાઈ ગઈ.+ ૨૭ એ જોઈને શિષ્યો છક થઈ ગયા અને કહ્યું: “આ તે કેવી વ્યક્તિ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે!”

૨૮ જ્યારે ઈસુ પેલે પાર ગદરાનીના પ્રદેશમાં આવી પહોંચ્યા, ત્યારે દુષ્ટ દૂતોના વશમાં હોય એવા બે માણસો કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યા.+ તેઓ એટલા ભયંકર હતા કે કોઈ એ રસ્તે જવાની હિંમત કરતું નહિ. ૨૯ જુઓ! તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: “હે ઈશ્વરના દીકરા, તારે અને અમારે શું લેવાદેવા?+ શું ઠરાવેલા સમય પહેલાં તું અમને પીડા આપવા આવ્યો છે?”+ ૩૦ તેઓથી ઘણે દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.+ ૩૧ દુષ્ટ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “જો તું અમને કાઢવાનો હોય, તો અમને ભૂંડોના ટોળામાં જવાની રજા આપ.”+ ૩૨ ઈસુએ કહ્યું: “જાઓ!” તેઓ નીકળીને ભૂંડોમાં ગયા. જુઓ! ભૂંડોનું આખું ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું. ૩૩ એ જોઈને ભૂંડો ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં જઈને બધી ખબર આપી અને એ માણસો વિશે પણ જણાવ્યું જેઓ દુષ્ટ દૂતોના વશમાં હતા. ૩૪ પછી આખું શહેર ઈસુને મળવા નીકળી આવ્યું. તેમને જોઈને લોકોએ વિનંતી કરી કે અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.+

૯ એટલે ઈસુ હોડીમાં બેસીને પેલે પાર પોતાના શહેરમાં* ગયા.+ ૨ અમુક લોકો લકવો થયેલા એક માણસને પથારીમાં તેમની પાસે લઈ આવ્યા. ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈને લકવો થયેલા માણસને કહ્યું: “દીકરા, હિંમત રાખ! તારાં પાપ માફ થયાં છે.”+ ૩ કેટલાક શાસ્ત્રીઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ માણસ તો ઈશ્વરની નિંદા કરે છે.” ૪ ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ ખરાબ વાતો વિચારો છો?+ ૫ શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ કે પછી ‘ઊભો થા અને ચાલ’?+ ૬ પણ હું તમને બતાવું કે માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.” પછી તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.”+ ૭ તે ઊભો થયો અને પોતાના ઘરે ગયો. ૮ એ જોઈને ટોળા પર ડર છવાઈ ગયો. તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો, જેમણે માણસોને આવો અધિકાર આપ્યો.

૯ ત્યાંથી આગળ જતાં, ઈસુએ માથ્થી નામના માણસને કર ભરવાની કચેરીમાં બેઠેલો જોયો. તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.” તે ઊભો થયો અને તેમની પાછળ ગયો.+ ૧૦ પછી ઈસુ માથ્થીના ઘરમાં જમવા બેઠા હતા. ઘણા કર ઉઘરાવનારા અને પાપીઓ ત્યાં આવ્યા. તેઓ ઈસુ અને તેમના શિષ્યો સાથે જમવા બેઠા.+ ૧૧ એ જોઈને ફરોશીઓએ તેમના શિષ્યોને પૂછ્યું: “તમારા ગુરુ કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?”+ ૧૨ એ સાંભળીને ઈસુએ કહ્યું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.+ ૧૩ એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન* નહિ.’+ હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”

૧૪ પછી યોહાનના શિષ્યોએ ઈસુ પાસે આવીને પૂછ્યું: “અમે અને ફરોશીઓ ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ નથી કરતા?”+ ૧૫ ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા+ સાથે હોય છે, ત્યાં સુધી શું તેના મિત્રોએ શોક કરવાની જરૂર છે? પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે+ અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. ૧૬ જૂના કપડા પર કોઈ નવા કપડાનું થીંગડું મારતું નથી. કેમ કે એ થીંગડું સંકોચાઈને જૂના કપડાને ફાડશે અને એ વધારે ફાટશે.+ ૧૭ લોકો જૂની મશકોમાં* નવો દ્રાક્ષદારૂ ભરતા નથી. જો તેઓ એમ કરે, તો મશકો ફાટી જશે અને દ્રાક્ષદારૂ ઢોળાઈ જશે અને મશકો નકામી થઈ જશે. પણ લોકો નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરે છે અને એનાથી બંને સચવાય છે.”

૧૮ ઈસુ હજી તેઓને આ વાતો કહેતા હતા એવામાં એક અધિકારી તેમની પાસે આવ્યો. તે ઘૂંટણિયે પડીને કહેવા લાગ્યો: “હવે તો મારી દીકરી મરી ગઈ હશે, પણ તમે આવીને તેના પર હાથ મૂકો એટલે તે જીવતી થશે.”+

૧૯ ઈસુ ઊઠ્યા અને પોતાના શિષ્યો સાથે તેની પાછળ ગયા. ૨૦ જુઓ! ૧૨ વર્ષથી લોહીવાથી* પીડાતી+ એક સ્ત્રી પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી.+ ૨૧ તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડકું તો સાજી થઈ જઈશ.” ૨૨ ઈસુ પાછળ ફર્યા અને તેને જોઈને કહ્યું: “દીકરી, હિંમત રાખ! તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે.”+ એ જ ઘડીએ તે સ્ત્રી સાજી થઈ.+

૨૩ ઈસુ અધિકારીના ઘરે આવ્યા ત્યારે, તેમણે લોકોને વાંસળી પર શોક-સંગીત વગાડતા અને વિલાપ કરતા જોયા.+ ૨૪ ઈસુએ કહ્યું: “અહીંથી બહાર જાઓ. છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.”+ એ સાંભળીને તેઓ તેમના પર હસવા લાગ્યા. ૨૫ ઈસુએ લોકોને બહાર મોકલી દીધા પછી તે તરત અંદર ગયા. તેમણે છોકરીનો હાથ પકડ્યો+ અને તે ઊઠી.+ ૨૬ આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ.

૨૭ ઈસુ ત્યાંથી આગળ જતા હતા ત્યારે, બે આંધળા માણસો+ તેમની પાછળ પાછળ જઈને મોટેથી પોકારવા લાગ્યા: “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” ૨૮ ઈસુ એક ઘરમાં ગયા ત્યારે એ આંધળા માણસો તેમની પાસે આવ્યા. તેમણે પૂછ્યું: “શું તમને શ્રદ્ધા છે કે હું તમને દેખતા કરી શકું છું?”+ તેઓએ જવાબ આપ્યો: “હા માલિક.” ૨૯ ઈસુ તેઓની આંખોને અડક્યા+ અને કહ્યું: “તમારી શ્રદ્ધા પ્રમાણે તમને થાઓ.” ૩૦ તેઓની આંખો ઊઘડી ગઈ. ઈસુએ તેઓને કડક ચેતવણી આપતા કહ્યું: “કોઈને જાણ ન થાય એનું ધ્યાન રાખજો.”+ ૩૧ પણ તેઓએ તો બહાર જઈને આખા વિસ્તારમાં તેમના વિશે વાત ફેલાવી દીધી.

૩૨ એ માણસો ત્યાંથી નીકળતા હતા ત્યારે, લોકો એક મૂંગા માણસને ઈસુ પાસે લઈ આવ્યા, જે દુષ્ટ દૂતના કાબૂમાં હતો.+ ૩૩ ઈસુએ મૂંગા માણસને દુષ્ટ દૂતની પકડમાંથી છોડાવ્યો કે તરત એ માણસ બોલતો થયો.+ એ જોઈને ટોળું નવાઈ પામ્યું અને કહેવા લાગ્યું: “ઇઝરાયેલમાં આવું કદી જોયું નથી.”+ ૩૪ પણ ફરોશીઓ કહેવા લાગ્યા: “તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+

૩૫ ઈસુ બધાં શહેરોમાં અને ગામોમાં ગયા. તે લોકોનાં સભાસ્થાનોમાં શીખવવા લાગ્યા. તેમણે રાજ્યની ખુશખબર જણાવી, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની કમજોરી દૂર કરી.+ ૩૬ લોકોનાં ટોળાં જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું,+ કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ હેરાન થયેલા* અને નિરાધાર હતા.+ ૩૭ તેમણે શિષ્યોને કહ્યું: “સાચે જ ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે.+ ૩૮ એટલે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.”+

૧૦ પછી ઈસુએ પોતાના ૧૨ શિષ્યોને પાસે બોલાવ્યા. તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો* કાઢવાનો, બધી જાતના રોગ મટાડવાનો અને સર્વ પ્રકારની કમજોરી દૂર કરવાનો અધિકાર આપ્યો.+

૨ એ ૧૨ પ્રેરિતોનાં* નામ આ છે:+ પહેલો, સિમોન જે પિતર*+ કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા;+ યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા;+ ૩ ફિલિપ અને બર્થોલ્મી;*+ થોમા+ અને કર ઉઘરાવનાર માથ્થી;*+ અલ્ફીનો દીકરો યાકૂબ; થદ્દી;* ૪ સિમોન કનાની;* અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.+

૫ એ ૧૨ને ઈસુએ આ સૂચનો આપીને મોકલ્યા:+ “જેઓ યહૂદીઓ નથી તેઓના વિસ્તારમાં અને સમરૂનીઓના* કોઈ શહેરમાં જશો નહિ.+ ૬ ફક્ત ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે જાઓ.+ ૭ તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’+ ૮ બીમાર લોકોને સાજા કરો,+ મરણ પામેલાને જીવતા કરો, રક્તપિત્તિયાઓને* શુદ્ધ કરો અને ખરાબ દૂતોને લોકોમાંથી કાઢો. તમને મફત મળ્યું છે, મફત આપો. ૯ તમારા કમરપટ્ટામાં સોના કે ચાંદી કે તાંબાના સિક્કા ન લો.+ ૧૦ તમારી મુસાફરી માટે ખોરાકની થેલી ન લો. બે કપડાં,* ચંપલ કે લાકડી પણ ન લો.+ કામ કરનાર ભોજન મેળવવા માટે હકદાર છે.+

૧૧ “તમે જે કોઈ શહેર કે ગામમાં જાઓ ત્યાં તમને અને તમારા સંદેશાને સ્વીકારવા કોણ યોગ્ય છે, એની તપાસ કરો. તમે ત્યાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૧૨ તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ કહો, ‘તમને શાંતિ થાઓ.’ ૧૩ જો એ ઘરના લોકો યોગ્ય હશે તો એ શાંતિ તેઓ પર આવશે.+ પણ જો તેઓ યોગ્ય નહિ હોય તો એ શાંતિ તમારી પાસે પાછી આવશે. ૧૪ જ્યાં પણ કોઈ તમારો સ્વીકાર ન કરે કે તમારી વાતો ન સાંભળે, ત્યાં એ શહેર કે ઘરની બહાર જઈને તમારા પગની ધૂળ ખંખેરી નાખો.*+ ૧૫ હું તમને સાચે જ કહું છું કે ન્યાયના દિવસે* એ શહેર કરતાં, સદોમ અને ગમોરાહની+ દશા વધારે સારી હશે.

૧૬ “જુઓ! હું તમને વરુઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું. તમે સાપ જેવા ચાલાક પણ કબૂતર જેવા નિર્દોષ સાબિત થાઓ.+ ૧૭ લોકોથી સાવધ રહેજો, કેમ કે તેઓ તમને અદાલતોમાં સોંપી દેશે+ અને તેઓ પોતાનાં સભાસ્થાનોમાં+ તમને કોરડા મરાવશે.+ ૧૮ મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે,+ જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે.+ ૧૯ તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરતા કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો. તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે.+ ૨૦ એ માટે કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.+ ૨૧ ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે. બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે.+ ૨૨ તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે* તેનો જ ઉદ્ધાર થશે.+ ૨૩ તેઓ એક શહેરમાં તમારી સતાવણી કરે ત્યારે, બીજા શહેરમાં નાસી જાઓ.+ હું તમને સાચે જ કહું છું કે તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં ખુશખબર ફેલાવવાનું પૂરું કરો એ પહેલાં માણસનો દીકરો આવી પહોંચશે.

૨૪ “શિષ્ય પોતાના ગુરુ કરતાં અને દાસ પોતાના માલિક કરતાં મોટો નથી.+ ૨૫ શિષ્ય પોતાના ગુરુ જેવો અને દાસ પોતાના માલિક જેવો બને એટલું પૂરતું છે.+ જો લોકોએ માલિકને બાલઝબૂલ* કહ્યો,+ તો તેના ઘરના બધાને એથીયે વધારે કહેશે એમાં શું શંકા! ૨૬ એ માટે તેઓથી ડરશો નહિ, કેમ કે એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે અને એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+ ૨૭ હું તમને અંધારામાં જે જણાવું છું, એ અજવાળામાં કહો અને હું તમને કાનમાં જે કહું છું, એ છાપરે ચઢીને જાહેર કરો.+ ૨૮ જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિમાં મળનાર જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ.+ એના બદલે, જે તમારો નાશ ગેહેન્‍નામાં* કરી શકે છે, તેમનાથી ડરો.+ ૨૯ શું બે ચકલીઓ એક પૈસે* વેચાતી નથી? તોપણ એમાંની એક પણ તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડતી નથી.+ ૩૦ તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે. ૩૧ બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.+

૩૨ “એ માટે લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ કરીશ.+ ૩૩ પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ ઓળખવાની ના પાડીશ.+ ૩૪ એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું. હું શાંતિ લાવવા નહિ, પણ ભાગલા પાડવા* આવ્યો છું.+ ૩૫ હા, હું ભાગલા પાડવા આવ્યો છું. દીકરો તેના પિતા વિરુદ્ધ, દીકરી તેની મા વિરુદ્ધ, વહુ તેની સાસુ વિરુદ્ધ થશે.+ ૩૬ માણસના દુશ્મનો તો તેના ઘરના જ લોકો હશે. ૩૭ પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી. દીકરા કે દીકરી પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.+ ૩૮ જે કોઈ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.+ ૩૯ જે કોઈ પોતાનું જીવન બચાવે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+

૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+ ૪૧ જે કોઈ પ્રબોધકનો સ્વીકાર પ્રબોધક તરીકે કરે છે, તેને પ્રબોધક જેવો બદલો મળશે.+ જે કોઈ નેક માણસનો સ્વીકાર નેક માણસ તરીકે કરે છે, તેને નેક માણસ જેવો બદલો મળશે. ૪૨ હું તમને સાચે જ કહું છું કે જો કોઈ આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો તેને જરૂર એનું ઇનામ મળશે.”+

૧૧ ઈસુ પોતાના ૧૨ શિષ્યોને માર્ગદર્શન આપી રહ્યા પછી, બીજાં શહેરોમાં શીખવવા અને પ્રચાર કરવા ગયા.+

૨ યોહાને કેદખાનામાં+ ખ્રિસ્તનાં કામો વિશે સાંભળીને પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા.+ ૩ તેઓએ ઈસુને પૂછ્યું: “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?”+ ૪ ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જુઓ છો અને સાંભળો છો, એ વિશે યોહાનને જણાવો:+ ૫ આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે,+ બહેરા સાંભળે છે, ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+ ૬ જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”+

૭ યોહાનના શિષ્યો ત્યાંથી જવા નીકળ્યા. પછી ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા?+ પવનથી ડોલતા બરુને?*+ ૮ તમે શું જોવા ગયા હતા? શું રેશમી* કપડાં પહેરેલા માણસને? જેઓ રેશમી કપડાં પહેરે છે, તેઓ તો રાજાઓના મહેલોમાં છે. ૯ તમે શા માટે ગયા હતા? શું પ્રબોધકને જોવા? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ જે મહાન છે તેને જોવા.+ ૧૦ આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’+ ૧૧ હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં બાપ્તિસ્મા આપનાર યોહાન કરતાં મહાન બીજું કોઈ નથી. પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.+ ૧૨ બાપ્તિસ્મા આપનાર યોહાનના દિવસોથી તે આજ સુધી, લોકો સ્વર્ગનું રાજ્ય મેળવવા સખત પ્રયત્ન કરે છે. જેઓ હિંમત હારતા નથી તેઓ એ મેળવે છે.*+ ૧૩ યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધકો અને નિયમશાસ્ત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું બનશે.+ ૧૪ તમે માનો કે ન માનો, પણ આ એ જ ‘એલિયા છે જે આવનાર છે.’+ ૧૫ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.

૧૬ “આ પેઢીને હું કોની સાથે સરખાવું?+ એ તો બજારમાં બેઠેલાં બાળકો જેવી છે, જેઓ બીજાં બાળકોને કહે છે: ૧૭ ‘અમે તમારાં માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યાં નહિ. અમે વિલાપ કર્યો પણ તમે છાતી કૂટી નહિ.’ ૧૮ એ જ રીતે, યોહાન ખાતો-પીતો આવ્યો નથી, તોપણ લોકો કહે છે: ‘તેનામાં દુષ્ટ દૂત છે.’ ૧૯ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો,+ તોપણ લોકો કહે છે: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’+ પણ જ્ઞાન પોતાનાં કાર્યોથી* ખરું સાબિત થાય છે.”+

૨૦ ઈસુએ જે શહેરોમાં મોટાં મોટાં કામો કર્યાં હતાં, ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો ન હતો. એટલે તેમણે એ શહેરોને સખત ઠપકો આપ્યો: ૨૧ “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! જો તમારાંમાં થયેલાં શક્તિશાળી કામો તૂર અને સિદોનમાં* થયાં હોત, તો તેઓએ ઘણા સમય પહેલાં કંતાન ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.+ ૨૨ પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારાં કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે.+ ૨૩ ઓ કાપરનાહુમ,+ શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે,+ કેમ કે તારામાં થયેલાં મોટાં મોટાં કામો જો સદોમમાં થયાં હોત, તો એ આજ સુધી રહ્યું હોત. ૨૪ પણ હું તમને કહું છું: ન્યાયના દિવસે તારા કરતાં સદોમની દશા વધારે સારી હશે.”+

૨૫ એ પછી ઈસુએ કહ્યું: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું. તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે, પણ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને જણાવી છે.+ ૨૬ હા પિતા, એમ કરવું તમને પસંદ પડ્યું છે. ૨૭ મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે.+ પિતા સિવાય બીજું કોઈ દીકરાને પૂરી રીતે જાણતું નથી.+ પિતાને પણ કોઈ પૂરી રીતે જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે, તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.+ ૨૮ ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી* આપીશ. ૨૯ મારી ઝૂંસરી* તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું.+ મારી પાસેથી તમને તાજગી મળશે. ૩૦ મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હલકો છે.”

૧૨ એ સમયે ઈસુ સાબ્બાથના* દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ભૂખ્યા થયા. તેઓ અનાજનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા.+ ૨ એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તમારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે.”+ ૩ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને તેઓએ અર્પણની રોટલી*+ ખાધી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.+ ૫ અથવા શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે?+ ૬ પણ હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં કોઈક મહાન છે.+ ૭ ‘હું દયા ઇચ્છું છું,+ બલિદાન નહિ.’+ એનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત. ૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+

૯ એ જગ્યાએથી નીકળ્યા પછી તે તેઓના સભાસ્થાનમાં ગયા. ૧૦ જુઓ! ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.*+ ઈસુ પર આરોપ મૂકવા તેઓએ પૂછ્યું, “શું નિયમ પ્રમાણે સાબ્બાથના દિવસે સાજા કરવું બરાબર છે?”+ ૧૧ તેમણે કહ્યું: “તમારામાં એવો કયો માણસ છે, જેની પાસે એક ઘેટું હોય અને સાબ્બાથના દિવસે ખાડામાં પડી જાય તો, એને પકડીને બહાર નહિ કાઢે?+ ૧૨ ઘેટાં કરતાં માણસ કેટલો વધારે મૂલ્યવાન છે! એટલે સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” ૧૩ પછી તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ બીજા હાથ જેવો સાજો થઈ ગયો. ૧૪ પણ ફરોશીઓ બહાર જઈને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. ૧૫ એ જાણીને ઈસુ ત્યાંથી નીકળી ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.+ જેઓ બીમાર હતા એ બધાને તેમણે સાજા કર્યા. ૧૬ પણ ઈસુએ હુકમ આપ્યો કે પોતે કોણ છે એ તેઓ કોઈને જણાવે નહિ.+ ૧૭ આ રીતે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું:

૧૮ “જુઓ મારો સેવક,+ જેને મેં પસંદ કર્યો છે! મારો વહાલો, જેનો હું સ્વીકાર કરું છું!+ હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ+ અને તે પ્રજાઓમાં જાહેર કરશે કે સાચો ઇન્સાફ કેવો હોય છે. ૧૯ તે ઝઘડો કરશે નહિ,+ મોટેથી બૂમ પાડશે નહિ. મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ. ૨૦ તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.+ ૨૧ સાચે જ તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.”+

૨૨ પછી તેઓ ઈસુ પાસે એક માણસને લાવ્યા, જે દુષ્ટ દૂતની પકડમાં હતો. એ માણસ આંધળો અને મૂંગો હતો. તેમણે તેને સાજો કર્યો, એટલે તે બોલવા અને જોવા લાગ્યો. ૨૩ એ જોઈને આખું ટોળું દંગ થઈને કહેવા લાગ્યું: “આ દાઉદનો દીકરો તો નથી ને?” ૨૪ એ સાંભળીને ફરોશીઓએ કહ્યું: “આ માણસ દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૨૫ તેઓના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એની પડતી થાય છે. દરેક શહેર કે ઘર જેમાં ભાગલા પડે છે એ ટકશે નહિ. ૨૬ એ જ રીતે, જો શેતાન શેતાનને કાઢે, તો તેનામાં જ ભાગલા પડ્યા છે. તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકશે? ૨૭ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. ૨૮ પણ જો હું ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો સમજી લો કે ઈશ્વરનું રાજ્ય* તમારા હાથમાંથી નીકળી ગયું છે.+ ૨૯ કોઈ કઈ રીતે બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેની મિલકત લૂંટી લઈ શકે? પહેલા તે બળવાન માણસને બાંધશે, ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકશે. ૩૦ જે કોઈ મારી બાજુ નથી એ મારી વિરુદ્ધ છે. જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.+

૩૧ “એટલે હું તમને કહું છું કે માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરાશે. પણ જો કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલે તો તેને માફ કરવામાં નહિ આવે.+ ૩૨ દાખલા તરીકે, માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં આવશે.+ પણ પવિત્ર શક્તિ વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે. આ દુનિયામાં નહિ અને આવનાર દુનિયામાં પણ નહિ.+

૩૩ “જો તમે સારું ઝાડ હશો, તો તમારું ફળ પણ સારું હશે. જો તમે સડેલું ઝાડ હશો તો તમારું ફળ પણ સડેલું હશે, કેમ કે ઝાડ એના ફળથી ઓળખાય છે.+ ૩૪ ઓ ઝેરી સાપના વંશજો,+ તમે દુષ્ટ છો એટલે સારી વાત ક્યાંથી કહેવાના? દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે.+ ૩૫ સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ કાઢે છે. ખરાબ માણસ પોતાના દિલના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ કાઢે છે.+ ૩૬ હું તમને કહું છું કે લોકો જે દરેક નકામી વાત કહે છે એ માટે તેઓએ ન્યાયના દિવસે* જવાબ આપવો પડશે.+ ૩૭ તમારી વાતોથી તમને નેક* ઠરાવવામાં આવશે અને તમારી વાતોથી તમને દોષિત ઠરાવવામાં આવશે.”

૩૮ પછી કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.”+ ૩૯ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું: “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની શોધે છે. પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.+ ૪૦ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો હતો.+ એ જ રીતે, માણસનો દીકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.+ ૪૧ નિનવેહના લોકોને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તેઓ એને દોષિત ઠરાવશે, કેમ કે યૂનાએ કરેલા પ્રચારના લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો.+ પણ જુઓ! અહીં યૂના કરતાં કોઈક મહાન છે.+ ૪૨ દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તે એને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી.+ પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+

૪૩ “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને રહેવાની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે, પણ તેને એ મળતી નથી.+ ૪૪ તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો હતો એમાં પાછો જઈશ.’ ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ફક્ત ખાલી જ નહિ, પણ ચોખ્ખું કરેલું અને સજાવેલું છે. ૪૫ તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં રહે છે. એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે.+ એવું જ આ દુષ્ટ પેઢી સાથે પણ થશે.”

૪૬ તે હજી તો ટોળા સાથે વાત કરતા હતા ત્યારે, તેમની મા અને ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓ ઈસુ સાથે વાત કરવાં માંગતાં હતાં.+ ૪૭ કોઈએ તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમારી સાથે વાત કરવા માંગે છે.” ૪૮ તેમની સાથે વાત કરનારને જવાબ આપતા ઈસુએ કહ્યું: “મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ?” ૪૯ પોતાના શિષ્યો તરફ હાથ લાંબો કરતા તેમણે કહ્યું: “જુઓ, મારી મા અને મારા ભાઈઓ!+ ૫૦ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”+

૧૩ એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળ્યા અને સરોવરને કિનારે બેઠા. ૨ તેમની પાસે મોટું ટોળું ભેગું થઈ ગયું. એટલે તે એક હોડીમાં જઈને બેઠા. આખું ટોળું સરોવરને કિનારે ઊભું રહ્યું.+ ૩ તેમણે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો જણાવી.+ તેમણે કહ્યું: “જુઓ! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં.+ ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં.+ ૮ બીજાં બી સારી જમીન પર પડ્યાં અને એ ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૧૦૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૩૦ ગણાં ફળ આપ્યાં.+ ૯ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.”+

૧૦ શિષ્યોએ પાસે આવીને ઈસુને પૂછ્યું: “તમે શા માટે ઉદાહરણો આપીને તેઓ સાથે વાત કરો છો?”+ ૧૧ તેમણે કહ્યું: “સ્વર્ગના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે,+ પણ તેઓને આપવામાં આવી નથી. ૧૨ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે અઢળક થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૧૩ હું તેઓ સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કેમ કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ જાણે સાંભળતા નથી અને એનો અર્થ પણ સમજી શકતા નથી.+ ૧૪ તેઓના કિસ્સામાં યશાયાની આ ભવિષ્યવાણી પૂરી થાય છે: ‘તમે ચોક્કસ સાંભળશો પણ સમજશો નહિ. તમે ચોક્કસ જોશો પણ કંઈ સૂઝશે નહિ.+ ૧૫ તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે. તેઓ કાનથી સાંભળે તો છે, પણ કંઈ કરતા નથી. તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, કાનથી સાંભળે નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.’+

૧૬ “પણ તમે સુખી છો, કેમ કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે.+ ૧૭ હું તમને સાચે જ કહું છું, તમે જે જુઓ છો એ જોવાની ઘણા પ્રબોધકો અને નેક લોકોની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું.+ તમે જે સાંભળો છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.

૧૮ “હવે વાવનાર માણસના ઉદાહરણ પર ધ્યાન આપો.+ ૧૯ જ્યારે કોઈ રાજ્યનો સંદેશો સાંભળે છે પણ સમજતો નથી, ત્યારે શેતાન*+ આવીને તેના હૃદયમાં જે વાવેલું છે એ છીનવી જાય છે. આ એ બી છે જે રસ્તાને કિનારે પડેલું હતું.+ ૨૦ ખડકાળ જમીન પર પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારે છે.+ ૨૧ પણ સંદેશો તેના હૃદય સુધી પહોંચ્યો ન હોવાથી તે એને થોડો જ સમય માને છે. જ્યારે સંદેશાને લીધે તેના પર સંકટ અથવા સતાવણી આવી પડે છે, ત્યારે તે તરત જ સંદેશા પર ભરોસો કરવાનું છોડી દે છે. ૨૨ કાંટાની વચ્ચે પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે, પણ દુનિયાની ચિંતા+ અને ધનદોલતની માયા સંદેશાને દબાવી દે છે અને તે ફળ આપતો નથી.+ ૨૩ સારી જમીન પર પડેલું બી એવો માણસ છે, જે સંદેશો સાંભળે છે, એને સમજે છે અને ફળ આપે છે. કોઈ ૧૦૦ ગણાં, કોઈ ૬૦ ગણાં તો કોઈ ૩૦ ગણાં ફળ આપે છે.”+

૨૪ ઈસુએ તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગના રાજ્યને એક માણસ સાથે સરખાવી શકાય, જેણે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં. ૨૫ રાતે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને વાવેલા ઘઉંમાં જંગલી છોડનાં* બી વાવીને ચાલ્યો ગયો. ૨૬ ઘઉંના છોડ ઊગ્યા અને એને દાણા આવ્યા ત્યારે, જંગલી છોડ પણ દેખાવા લાગ્યા. ૨૭ એટલે માલિકના ચાકરોએ આવીને તેને કહ્યું: ‘માલિક, શું તમે તમારા ખેતરમાં સારાં બી વાવ્યાં ન હતાં? તો એમાં જંગલી છોડ ક્યાંથી ઊગ્યા?’ ૨૮ માલિકે કહ્યું, ‘દુશ્મને આ કર્યું છે.’+ તેઓએ પૂછ્યું: ‘શું અમે એ છોડ ઉખેડી નાખીએ?’ ૨૯ તેણે કહ્યું: ‘ના, એવું ન થાય કે તમે જંગલી છોડની સાથે સાથે ઘઉં પણ ઉખેડી નાખો. ૩૦ કાપણીના સમય સુધી એ બંનેને વધવા દો. એ સમયે હું કાપણી કરનારાઓને કહીશ: પહેલા જંગલી છોડને ભેગા કરો અને બાળવા માટે એના ભારા બાંધો. પછી ઘઉંને મારા કોઠારમાં ભરો.’”+

૩૧ તેમણે ટોળાને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે, જે એક માણસે લઈને પોતાના ખેતરમાં વાવ્યું.+ ૩૨ એ બીજાં સર્વ બી કરતાં નાનું છે. પણ એ વધે છે ત્યારે બીજા છોડ કરતાં મોટું થાય છે અને ઝાડ બને છે. એની ડાળીઓ પર આકાશનાં પક્ષીઓ આવીને રહે છે.”

૩૩ તેમણે તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું: “સ્વર્ગનું રાજ્ય ખમીર* જેવું છે, જે લઈને એક સ્ત્રીએ ત્રણ મોટાં માપ* લોટમાં ભેળવી દીધું. એનાથી બધા લોટમાં આથો ચઢી ગયો.”+

૩૪ આ બધી વાતો ઈસુએ ટોળાને ઉદાહરણો આપીને કહી. ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ.+ ૩૫ આ રીતે પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “હું તમને ઉદાહરણો જણાવીશ. દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી જે વાતો સંતાડેલી છે એને હું જાહેર કરીશ.”+

૩૬ ટોળાને વિદાય આપીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ પાસે આવીને કહ્યું: “ખેતરના જંગલી છોડનાં બીનું ઉદાહરણ અમને સમજાવો.” ૩૭ તેમણે કહ્યું: “જે સારાં બી વાવે છે, તે માણસનો દીકરો છે. ૩૮ ખેતર આ દુનિયા છે.+ સારાં બી રાજ્યના દીકરાઓ છે, પણ જંગલી છોડનાં બી શેતાનના* દીકરાઓ છે.+ ૩૯ જે દુશ્મને એ બી વાવ્યાં તે શેતાન* છે. કાપણી દુનિયાનો અંત છે અને કાપણી કરનારા દૂતો છે. ૪૦ એ માટે જેમ જંગલી છોડ ભેગા કરાય છે અને આગમાં બાળી નંખાય છે, તેમ આ દુનિયાના અંતે પણ થશે.+ ૪૧ માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે. તેઓ તેના રાજ્યમાંથી એવા સર્વ લોકોને ભેગા કરશે, જેઓ પાપ કરે છે અને જેઓ બીજાઓ પાસે પાપ કરાવે છે. ૪૨ દૂતો તેઓને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેશે.+ ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે. ૪૩ એ સમયે સાચા માર્ગે ચાલનારા લોકો પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે.+ જેને કાન છે, તે ધ્યાનથી સાંભળે.

૪૪ “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે, જે એક માણસને મળ્યો. તેણે એ પાછો સંતાડી દીધો. તે એટલો ખુશ થયો કે જઈને પોતાનું બધું વેચી દીધું અને એ ખેતર ખરીદી લીધું.+

૪૫ “સ્વર્ગનું રાજ્ય એક વેપારી જેવું છે, જે સારાં મોતીની શોધમાં નીકળ્યો. ૪૬ તેને એક ઘણું મૂલ્યવાન મોતી મળ્યું. તેણે તરત જ જઈને પોતાનું બધું વેચી દીધું અને એ મોતી ખરીદી લીધું.+

૪૭ “સ્વર્ગનું રાજ્ય માછીમારની મોટી જાળ જેવું છે. એને દરિયામાં નાખવામાં આવી અને એમાં હરેક પ્રકારની માછલીઓ પકડાઈ. ૪૮ જ્યારે જાળ ભરાઈ ગઈ, ત્યારે તેઓ એને ખેંચીને કિનારે લઈ આવ્યા. તેઓએ બેસીને સારી માછલીઓ+ વાસણમાં ભેગી કરી, પણ ખરાબ માછલીઓ+ ફેંકી દીધી. ૪૯ આ દુનિયાના અંતના સમયે પણ એવું જ થશે. દૂતોને મોકલવામાં આવશે અને તેઓ દુષ્ટ લોકોને નેક લોકોથી જુદા પાડશે. ૫૦ દુષ્ટ લોકોને દૂતો ધગધગતી ભઠ્ઠીમાં નાખશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.”

૫૧ ઈસુએ પૂછ્યું: “શું તમે આ બધી વાતો સમજ્યા?” તેઓએ કહ્યું, “હા.” ૫૨ તેમણે કહ્યું: “એમ હોય તો સ્વર્ગના રાજ્યનું શિક્ષણ મેળવનાર દરેક ઉપદેશક એક ઘરમાલિક જેવો છે, જે પોતાના ખજાનામાંથી જૂની અને નવી વસ્તુઓ કાઢે છે.”

૫૩ આ ઉદાહરણો આપી રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળી ગયા. ૫૪ તે પોતાના વતનમાં આવ્યા+ અને લોકોને તેઓના સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેઓએ નવાઈ પામીને કહ્યું: “આ માણસ પાસે આવું જ્ઞાન ક્યાંથી આવ્યું? તે આવાં પરાક્રમી કામો કઈ રીતે કરે છે?+ ૫૫ શું તે સુથારનો દીકરો નથી?+ શું તેની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?+ ૫૬ શું તેની બધી બહેનો આપણી સાથે અહીં રહેતી નથી? તો પછી તેની પાસે એ બધું ક્યાંથી આવ્યું?”+ ૫૭ આ રીતે લોકો તેમના વિશે ઠોકર ખાવા લાગ્યા.+ ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.”+ ૫૮ તેઓમાં શ્રદ્ધાની ખામી હોવાથી તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામો કર્યાં નહિ.

૧૪ એ સમયે જિલ્લા અધિકારી* હેરોદે ઈસુ વિશે સાંભળ્યું.+ ૨ તેણે પોતાના સેવકોને કહ્યું: “એ બાપ્તિસ્મા આપનાર યોહાન છે, જેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે. એટલે તે આવાં શક્તિશાળી કામો કરે છે.”+ ૩ હેરોદે* પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+ ૪ એ માટે કે યોહાન હેરોદને આમ કહેતો હતો: “તેં હેરોદિયાને પત્ની બનાવી છે એ યોગ્ય નથી.”+ ૫ હેરોદ યોહાનને મારી નાખવા ચાહતો હતો. પણ તે લોકોથી બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.+ ૬ હવે હેરોદનો જન્મદિવસ+ આવ્યો. એની ઉજવણીમાં હેરોદિયાની દીકરી નાચી અને તેણે હેરોદને ઘણો ખુશ કર્યો.+ ૭ હેરોદે સમ ખાઈને વચન આપ્યું કે તે જે કંઈ માંગે એ તેને આપશે. ૮ એ છોકરી પોતાની માના સમજાવ્યા પ્રમાણે બોલી: “બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું મને થાળમાં આપો.”+ ૯ રાજા ખૂબ દુઃખી થયો. પણ તેણે મહેમાનો આગળ આપેલા વચનને લીધે એ છોકરીની માંગ પૂરી કરવાનો હુકમ કર્યો. ૧૦ તેણે સૈનિક મોકલીને કેદમાં યોહાનનું માથું કાપી નંખાવ્યું. ૧૧ યોહાનનું માથું થાળમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું અને તે પોતાની મા પાસે એ લઈ ગઈ. ૧૨ ત્યાર બાદ યોહાનના શિષ્યો આવીને તેનું શબ લઈ ગયા અને તેને દફનાવ્યો. પછી તેઓ ઈસુ પાસે ગયા અને તેમને જાણ કરી. ૧૩ એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં એવી જગ્યાએ ગયા, જ્યાં એકલા રહી શકે. પણ એની જાણ થતા લોકો શહેરોમાંથી ચાલતાં ચાલતાં તેમની પાછળ ગયા.+

૧૪ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું+ અને તેઓમાંના બીમાર લોકોને તેમણે સાજા કર્યા.+ ૧૫ સાંજ ઢળી ગઈ ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે. લોકોને વિદાય આપો, જેથી તેઓ ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૧૬ ઈસુએ કહ્યું: “તેઓએ જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો.” ૧૭ શિષ્યોએ કહ્યું: “અહીં અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી સિવાય કંઈ નથી.” ૧૮ ઈસુએ કહ્યું: “એ મારી પાસે લાવો.” ૧૯ તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા કરી. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને વહેંચી આપી. ૨૦ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૨૧ ખાનારાઓમાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં.+ ૨૨ ઈસુએ જરાય મોડું કર્યા વગર શિષ્યોને પોતાની આગળ હોડીમાં સામે કિનારે જવા કહ્યું. પછી તેમણે લોકોને વિદાય કર્યા.+

૨૩ લોકોને વિદાય કર્યા પછી, ઈસુ એકલા પ્રાર્થના કરવા પહાડ પર ગયા.+ રાત પડી ગઈ હોવા છતાં, તે ત્યાં એકલા હતા. ૨૪ ત્યાં સુધીમાં તો શિષ્યોની હોડી કિનારાથી ઘણે દૂર* નીકળી ગઈ હતી. સામો પવન હોવાને લીધે હોડી મોજાઓમાં સપડાઈ ગઈ હતી. ૨૫ પણ રાતના ચોથા પહોરે* ઈસુ સરોવર પર ચાલીને તેઓ પાસે આવ્યા. ૨૬ તેમને સરોવરના પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈ ગયા. તેઓએ કહ્યું, “આ સપનું છે કે શું?” તેઓ ડરના માર્યા બૂમો પાડવા લાગ્યા. ૨૭ ઈસુએ તરત જ તેઓને કહ્યું: “હિંમત રાખો! ડરો નહિ, એ તો હું છું.”+ ૨૮ પિતરે તેમને કહ્યું: “માલિક, જો એ તમે હો તો આજ્ઞા કરો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” ૨૯ તેમણે કહ્યું, “આવ!” એટલે પિતર હોડીમાંથી ઊતર્યો અને પાણી પર ચાલીને ઈસુ તરફ જવા લાગ્યો. ૩૦ પણ વાવાઝોડું જોઈને પિતર બી ગયો. તે ડૂબવા લાગ્યો ત્યારે પોકારી ઊઠ્યો: “માલિક, મને બચાવો!” ૩૧ ઈસુએ તરત જ હાથ લંબાવીને તેને પકડી લીધો અને કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળા, તેં શંકા કેમ કરી?”+ ૩૨ તેઓ હોડીમાં ચઢી ગયા પછી, વાવાઝોડું શાંત પડી ગયું. ૩૩ જેઓ હોડીમાં હતા તેઓ ઈસુની આગળ ઘૂંટણિયે પડ્યા અને કહ્યું: “તમે સાચે જ ઈશ્વરના દીકરા છો!” ૩૪ તેઓ સામે પાર ગન્‍નેસરેતને કિનારે પહોંચ્યા.+

૩૫ એ જગ્યાના લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને આસપાસના બધા વિસ્તારોમાં ખબર મોકલી. જેઓ બીમાર હતા, એ બધાને લોકો તેમની પાસે લાવ્યા. ૩૬ બીમાર લોકોએ ઈસુને વિનંતી કરી કે તે ફક્ત તેમના ઝભ્ભાની કોરને અડકવા દે.+ જેઓ એને અડકતા, તેઓ બધા એકદમ સાજા થઈ જતા.

૧૫ પછી યરૂશાલેમથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા+ અને કહ્યું: ૨ “તમારા શિષ્યો બાપદાદાઓના રિવાજો કેમ તોડે છે? દાખલા તરીકે, તેઓ જમતા પહેલાં પોતાના હાથ ધોતા નથી.”*+

૩ ઈસુએ તેઓને કહ્યું: “તમારા રિવાજોને લીધે તમે કેમ ઈશ્વરની આજ્ઞાઓ તોડો છો?+ ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ માણસ પિતાને કે માતાને કહે, “મારી પાસે જે કંઈ છે એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે. હું તમને કંઈ મદદ કરી શકતો નથી,”+ ૬ એ માણસે માબાપને માન આપવાની કોઈ જરૂર નથી.’ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.+ ૭ ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે ભવિષ્યવાણી કરીને બરાબર જ કહ્યું હતું:+ ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર ચાલ્યાં ગયાં છે. ૯ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે. તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.’”+ ૧૦ ત્યાર પછી તેમણે ટોળાને નજીક બોલાવીને કહ્યું, “સાંભળો અને આનો અર્થ સમજો:+ ૧૧ માણસના મોંમાં જે જાય છે એનાથી તે અશુદ્ધ થતો નથી, પણ તેના મોંમાંથી જે નીકળે છે એનાથી તે અશુદ્ધ થાય છે.”+

૧૨ પછી શિષ્યોએ આવીને તેમને કહ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, શું એ તમને ખબર છે?”+ ૧૩ તેમણે કહ્યું: “સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. ૧૪ તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.”+ ૧૫ પિતરે કહ્યું: “અમને એ ઉદાહરણનો અર્થ સમજાવો.” ૧૬ ઈસુએ કહ્યું: “શું તમને પણ એની સમજ ન પડી?+ ૧૭ શું તમે નથી જાણતા કે જે મોંમાંથી અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? ૧૮ પણ જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે અને એ વાતો માણસને અશુદ્ધ કરે છે.+ ૧૯ દાખલા તરીકે, દિલમાંથી નીકળતા દુષ્ટ વિચારો માણસને હત્યાઓ, વ્યભિચાર,* ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા તરફ દોરી જાય છે.+ ૨૦ આ બધું માણસને અશુદ્ધ કરે છે, પણ હાથ ધોયા વગર* જમવું માણસને અશુદ્ધ કરતું નથી.”

૨૧ ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના વિસ્તારમાં ગયા.+ ૨૨ જુઓ! ફિનીકિયાની* એક સ્ત્રી ત્યાંથી આવી અને મોટેથી પોકારી ઊઠી: “ઓ માલિક, દાઉદના દીકરા, મારા પર દયા કરો. મારી દીકરી દુષ્ટ દૂતની પકડમાં છે. તે એને બહુ રિબાવે છે.”+ ૨૩ તેમણે એ સ્ત્રીને એક શબ્દ પણ ન કહ્યો. તેથી ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને વિનંતી કરી: “તેને મોકલી દો, કેમ કે તે બૂમો પાડતી પાડતી આપણી પાછળ આવે છે.” ૨૪ તેમણે કહ્યું: “મને ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મોકલવામાં આવ્યો નથી.”+ ૨૫ એ સ્ત્રી આવી ત્યારે તેણે તેમની આગળ ઘૂંટણિયે પડીને નમન કર્યું અને કહ્યું: “માલિક, મને મદદ કરો!” ૨૬ તેમણે કહ્યું: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.” ૨૭ તેણે કહ્યું: “હા માલિક, પણ માલિકોની મેજ નીચે પડેલા ટુકડા ગલૂડિયાં ખાય છે.”+ ૨૮ ઈસુએ જણાવ્યું: “હે સ્ત્રી, તારી શ્રદ્ધા ગજબની છે. તું જેવું ચાહે છે એવું તને થાઓ.” એ જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.

૨૯ ત્યાંથી નીકળ્યા પછી, ઈસુ ગાલીલ સરોવરની પાસે આવ્યા+ અને પહાડ પર જઈને બેઠા. ૩૦ તેમની પાસે મોટું ટોળું આવ્યું. તેઓ લંગડા, અપંગ, આંધળા, મૂંગા અને બીમાર લોકોને ઈસુ આગળ લઈ આવ્યા. તેમણે તેઓને સાજા કર્યા.+ ૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+

૩૨ પછી ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “મને ટોળાની દયા આવે છે,+ કેમ કે તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યા મોકલવા ચાહતો નથી, કદાચ તેઓ રસ્તામાં બેભાન થઈ જાય.”+ ૩૩ પણ શિષ્યોએ કહ્યું: “આટલા બધા લોકો ખાય એટલી રોટલી અમે આ ઉજ્જડ જગ્યામાં ક્યાંથી લાવીએ?”+ ૩૪ એ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું: “સાત અને અમુક નાની માછલીઓ.” ૩૫ તેમણે ટોળાને જમીન પર બેસવા કહ્યું. ૩૬ તેમણે સાત રોટલીઓ અને માછલીઓ લઈને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે એ તોડીને શિષ્યોને આપી અને શિષ્યોએ ટોળાને આપી.+ ૩૭ બધાએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૩૮ ખાનારાઓમાં ૪,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં. ૩૯ પછી તેમણે ટોળાને વિદાય આપી અને પોતે હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.+

૧૬ ફરોશીઓ અને સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. ઈસુની કસોટી કરવા તેઓએ કહ્યું કે આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.+ ૨ ઈસુએ તેઓને કહ્યું: “સાંજ પડે છે ત્યારે તમે કહો છો, ‘હવામાન સારું હશે, કેમ કે આકાશ લાલ રંગનું છે.’ ૩ સવારે કહો છો, ‘આજે ઠંડી હશે અને વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ રંગનું પણ વાદળોથી ઘેરાયેલું છે.’ તમે આકાશ તરફ જોઈને હવામાન પારખી શકો છો, પણ સમયની નિશાનીઓ પારખી શકતા નથી. ૪ દુષ્ટ અને વ્યભિચારી* પેઢી નિશાની શોધે છે. પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.”+ પછી તે તેઓને મૂકીને ચાલ્યા ગયા.

૫ હવે શિષ્યો પેલે પાર ગયા ત્યારે, પોતાની સાથે રોટલી લેવાનું ભૂલી ગયા.+ ૬ ઈસુએ તેઓને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહો.”+ ૭ તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “અરે, રોટલી લાવવાનું તો ભૂલી જ ગયા!” ૮ એટલે ઈસુએ કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળાઓ, તમે અંદરોઅંદર એવી વાત કેમ કરો છો કે તમારી પાસે રોટલી નથી? ૯ શું તમે હજી પણ સમજતા નથી? શું તમને યાદ નથી કે ૫,૦૦૦ વચ્ચે પાંચ રોટલી હતી ત્યારે તમે કેટલી ટોપલીઓ ભરી હતી?+ ૧૦ અથવા ૪,૦૦૦ વચ્ચે સાત રોટલી હતી ત્યારે તમે કેટલા ટોપલા ભર્યા હતા?+ ૧૧ તમે કેમ નથી સમજતા કે હું તમારી સાથે રોટલી વિશે વાત નથી કરતો. પણ હું તો તમને ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહેવા કહું છું.”+ ૧૨ પછી તેઓને સમજ પડી કે ઈસુ ફરોશીઓ અને સાદુકીઓના શિક્ષણથી સાવચેત રહેવાનું કહેતા હતા, રોટલીના ખમીરથી નહિ.

૧૩ ઈસુ કાઈસારીઆ ફિલિપીના પ્રદેશમાં આવ્યા. તેમણે શિષ્યોને પૂછ્યું: “માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે?”+ ૧૪ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન,+ કોઈ કહે છે એલિયા,+ કોઈ કહે છે યર્મિયા કે કોઈ પ્રબોધક.” ૧૫ તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” ૧૬ સિમોન પિતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો,+ જીવતા ઈશ્વરના દીકરા.”+ ૧૭ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “સિમોન, યૂનાના દીકરા, ધન્ય છે તને! કેમ કે આ વાત કોઈ માણસે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને પ્રગટ કરી છે.+ ૧૮ હું તને કહું છું કે તું પિતર* છે.+ આ ખડક+ પર હું મારું મંડળ* બાંધીશ અને એના પર મરણની* સત્તાનું જોર ચાલશે નહિ. ૧૯ હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જે કંઈ બાંધશે એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે. તું પૃથ્વી પર જે કંઈ છોડશે એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે.” ૨૦ તેમણે શિષ્યોને કડક શબ્દોમાં જણાવ્યું કે પોતે ખ્રિસ્ત છે એ કોઈને કહેવું નહિ.+

૨૧ એ સમયથી ઈસુ શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરૂશાલેમ જવું પડશે. તેમણે વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તરફથી ઘણી સતાવણી સહેવી પડશે. તેમને મારી નાખવામાં આવશે અને તે ત્રીજા દિવસે જીવતા કરાશે.+ ૨૨ પિતરે તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપ્યો અને કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો! તમને એવું કંઈ પણ નહિ થાય.”+ ૨૩ ઈસુએ પિતરથી મોં ફેરવી લઈને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માર્ગમાં નડતર* છે. તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”+

૨૪ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૨૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+ ૨૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે તો એનાથી શો લાભ?+ અથવા માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+ ૨૭ માણસનો દીકરો પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પોતાના દૂતો સાથે આવશે. પછી તે દરેકને તેનાં કામો પ્રમાણે બદલો આપશે.+ ૨૮ હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક જ્યાં સુધી માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+

૧૭ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને તેના ભાઈ યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું.+ ૨ તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો. તેમનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળવા લાગ્યો.*+ ૩ જુઓ! ત્યાં તેઓએ મૂસા અને એલિયાને ઈસુ સાથે વાત કરતા જોયા. ૪ પિતરે ઈસુને કહ્યું: “માલિક, આપણે અહીં રહીએ એ સારું છે. તમે ચાહો તો હું અહીં ત્રણ તંબુ ઊભા કરી દઉં, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” ૫ તે હજુ બોલતો હતો એટલામાં જુઓ! એક સફેદ વાદળ તેઓ પર છવાઈ ગયું. જુઓ! એ વાદળમાંથી અવાજ આવ્યો, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+ ૬ એ સાંભળીને શિષ્યો ઘણા ગભરાઈ ગયા અને તેઓએ ભૂમિ સુધી માથું નમાવ્યું. ૭ પછી ઈસુ તેઓની પાસે આવ્યા અને તેઓને અડકીને કહ્યું: “ઊભા થાઓ, ડરો નહિ.” ૮ તેઓએ જોયું તો, ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ. ૯ પહાડ પરથી ઊતરતી વખતે ઈસુએ તેઓને આજ્ઞા કરી: “માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે ત્યાં સુધી, આ દર્શન વિશે કોઈને કહેતા નહિ.”+

૧૦ શિષ્યોએ ઈસુને પૂછ્યું: “તો પછી શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ?”+ ૧૧ તેમણે કહ્યું: “એલિયા ચોક્કસ આવે છે અને તે બધું તૈયાર કરશે.+ ૧૨ પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યા છે અને તેઓએ તેમને ઓળખ્યા નહિ. તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.+ એ જ રીતે તેઓના હાથે માણસના દીકરાએ પણ સહેવું પડશે.”+ ૧૩ પછી શિષ્યોને સમજ પડી કે તે બાપ્તિસ્મા આપનાર યોહાનની વાત કરતા હતા.

૧૪ તેઓ ભેગા થયેલા ટોળા પાસે પહોંચ્યા.+ એમાંથી એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડીને કહ્યું: ૧૫ “ઓ માલિક, મારા દીકરા પર દયા કરો. તેને ખેંચ* આવે છે અને તેની હાલત ઘણી ખરાબ છે. તે ઘણી વાર આગમાં અને પાણીમાં પડી જાય છે.+ ૧૬ હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.” ૧૭ ઈસુએ જવાબ આપ્યો: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? છોકરાને અહીં મારી પાસે લાવો.” ૧૮ પછી ઈસુએ દુષ્ટ દૂતને ધમકાવ્યો. એટલે છોકરામાંથી તે નીકળી ગયો અને એ ઘડીથી છોકરો સાજો થયો.+ ૧૯ પછી શિષ્યોએ ઈસુ પાસે એકાંતમાં આવીને પૂછ્યું: “અમે કેમ એને કાઢી ન શક્યા?” ૨૦ તેમણે કહ્યું: “તમારી ઓછી શ્રદ્ધાને લીધે. પણ હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે. તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.”+ ૨૧ *—

૨૨ તેઓ ગાલીલમાં ભેગા થયા હતા ત્યારે ઈસુએ કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૩ તેઓ તેને મારી નાખશે અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+ એ સાંભળીને શિષ્યો બહુ જ દુઃખી થયા.

૨૪ તેઓ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, મંદિરનો કર* ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછ્યું: “શું તમારા ગુરુ મંદિરનો કર ભરે છે?”+ ૨૫ પિતરે કહ્યું: “હા.” પણ તે ઘરમાં જઈને કંઈ કહે એ પહેલાં ઈસુએ પૂછ્યું: “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર* મેળવે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” ૨૬ જ્યારે તેણે કહ્યું કે “પારકાઓ પાસેથી,” ત્યારે ઈસુએ કહ્યું: “તો પછી દીકરાઓએ કર ભરવાની જરૂર નથી. ૨૭ પણ આપણે નથી ચાહતા કે તેઓ ઠોકર ખાય.+ એટલે તું સરોવરે જા, ગલ નાખ અને જે માછલી પહેલી પકડાય એ લઈ લે. તું એનું મોં ખોલીશ ત્યારે, તને ચાંદીનો સિક્કો* મળશે. તું એ લઈને મારા અને તારા માટે તેઓને કર આપ.”

૧૮ એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું: “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”+ ૨ એટલે ઈસુએ એક બાળકને બોલાવીને તેઓની વચ્ચે ઊભું રાખ્યું. ૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી તમે બદલાશો નહિ અને બાળકો જેવાં બનશો નહિ,+ ત્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+ ૪ એટલે જે કોઈ પોતાને આ બાળકની જેમ નમ્ર બનાવશે, એ સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.+ ૫ જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે, એ મારો પણ સ્વીકાર કરે છે. ૬ પણ જે કોઈ મારામાં શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થાય કે તેને ગળે ઘંટીનો પથ્થર* લટકાવીને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે.+

૭ “દુનિયાના લોકોને અફસોસ કે તેઓ બીજાને ઠોકર ખવડાવે છે. ખરું કે બીજાને ઠોકર ખવડાવનારા તો આવશે જ, પણ એવા માણસોને અફસોસ! ૮ જો તારો હાથ કે પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે.+ બંને હાથ અને બંને પગ સાથે હંમેશ માટેની આગમાં નંખાવા કરતાં, લૂલા કે લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૯ જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને કાઢી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. બે આંખ સાથે ગેહેન્‍નાની* આગમાં નંખાવા કરતાં, એક આંખ સાથે જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૧૦ ધ્યાન રાખજો કે આ નાનાઓમાંના એકને પણ તમે ધિક્કારો નહિ. હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂતો હંમેશાં મારા સ્વર્ગમાંના પિતા આગળ ઊભા રહે છે.+ ૧૧ *—

૧૨ “તમને શું લાગે છે? જો કોઈ માણસ પાસે ૧૦૦ ઘેટાં હોય અને એમાંનું એક ખોવાઈ જાય,+ તો શું તે ૯૯ને પહાડો પર મૂકીને ખોવાયેલું એક ઘેટું શોધવા નહિ જાય?+ ૧૩ જો તેને એ પાછું મળે, તો હું તમને સાચે જ કહું છું કે જે ૯૯ ઘેટાં નથી ખોવાયાં, તેઓનાં કરતાં તે આ એકને લીધે વધારે ખુશ થશે. ૧૪ એવી જ રીતે, મારા* સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.+

૧૫ “જો તારો ભાઈ* તારી વિરુદ્ધ કંઈ પાપ કરે, તો જા અને એકાંતમાં તેની ભૂલ જણાવ.*+ જો તે સાંભળે તો તેં તારા ભાઈને જીતી લીધો છે.+ ૧૬ પણ જો તે ન સાંભળે તો તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* દરેક વાત સાબિત થઈ શકે.+ ૧૭ તે તેઓનું પણ ન સાંભળે તો મંડળને* વાત કર. જો તે મંડળનું પણ ન સાંભળે, તો તેને દુનિયાના માણસ*+ જેવો અને કર ઉઘરાવનાર જેવો ગણવો.+

૧૮ “હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જે કંઈ બાંધશો, એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે. તમે પૃથ્વી પર જે કંઈ છોડશો, એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે. ૧૯ ફરીથી હું તમને કહું છું: પૃથ્વી પર તમારામાંના બે જણ કોઈ મહત્ત્વની વાત પર એકમનના થઈને વિનંતી કરે તો સ્વર્ગમાંના મારા પિતા એ પૂરી કરશે.+ ૨૦ જ્યાં પણ મારા નામમાં બે કે ત્રણ જણ ભેગા થાય છે,+ ત્યાં હું તેઓની વચમાં છું.”

૨૧ પછી પિતરે આવીને તેમને કહ્યું: “માલિક, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કર્યા કરે તો હું તેને કેટલી વાર માફ કરું? સાત વાર?” ૨૨ ઈસુએ તેને કહ્યું, “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ ૭૭ વાર.*+

૨૩ “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જે પોતાના ચાકરો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતો હતો. ૨૪ જ્યારે તે હિસાબ લેવા બેઠો, ત્યારે એક માણસને તેની સામે લાવવામાં આવ્યો, જેણે ૧૦,૦૦૦ તાલંત* ઉધાર લીધા હતા. ૨૫ એ દેવું તે કોઈ પણ રીતે ચૂકવી શકે એમ ન હતો. એટલે તેને, તેની પત્નીને, તેનાં બાળકોને અને તેની પાસે જે કંઈ હતું, એ બધુંય વેચીને દેવું ચૂકતે કરવાનો તેના માલિકે હુકમ કર્યો.+ ૨૬ તેથી ચાકર માલિકને પગે પડ્યો અને કહેવા લાગ્યો, ‘ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૨૭ એ જોઈને માલિકને દયા આવી અને તેણે ચાકરને જવા દીધો. તેણે તેનું બધું દેવું માફ કર્યું.+ ૨૮ પણ એ ચાકર બહાર નીકળ્યો અને તેના એક સાથી ચાકરને શોધી કાઢ્યો. તેણે તેની પાસેથી ૧૦૦ દીનાર* ઉછીના લીધા હતા. તેણે તેને પકડ્યો અને તેનું ગળું દબાવતા કહ્યું, ‘બધું દેવું મને ચૂકવી દે.’ ૨૯ દેવાદાર ચાકર તેને પગે પડ્યો અને કાલાવાલા કરીને કહેવા લાગ્યો, ‘ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.’ ૩૦ પણ તે જરાય સાંભળવા તૈયાર ન હતો. ચાકર બધું દેવું ન ચૂકવે ત્યાં સુધી તેણે તેને કેદમાં નંખાવ્યો. ૩૧ બીજા ચાકરોએ આ જોયું ત્યારે, તેઓ બહુ જ દુઃખી થયા. જે કંઈ બન્યું હતું એ બધું તેઓએ જઈને પોતાના માલિકને કહ્યું. ૩૨ પછી તેના માલિકે તેને બોલાવ્યો અને કહ્યું: ‘દુષ્ટ ચાકર, તેં મને આજીજી કરી ત્યારે મેં તારું બધું જ દેવું માફ કરી દીધું. ૩૩ મેં તને દયા બતાવી તેમ, શું તારી પણ ફરજ ન હતી કે તું તારા સાથી ચાકરને દયા બતાવે?’+ ૩૪ એમ કહીને તેનો માલિક બહુ જ ક્રોધે ભરાયો. એ ચાકર બધું જ દેવું ચૂકવી ન દે ત્યાં સુધી તેને કેદખાનાના ઉપરીઓને સોંપી દીધો. ૩૫ જો તમે તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”+

૧૯ એ વાતો કહી રહ્યા પછી, ઈસુ ગાલીલથી નીકળ્યા અને યર્દન પાર કરીને યહૂદિયાની સરહદમાં આવી પહોંચ્યા.+ ૨ લોકોનાં ટોળેટોળાં પણ તેમની પાછળ પાછળ આવ્યાં અને તેમણે તેઓને સાજા કર્યાં.

૩ ફરોશીઓ ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “પુરુષ પોતાની પત્નીને કોઈ પણ કારણથી છૂટાછેડા આપે, એ યોગ્ય છે કે નહિ?”+ ૪ ઈસુએ કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં+ ૫ અને કહ્યું: ‘એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે’?+ ૬ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”+ ૭ તેઓએ કહ્યું: “તો પછી મૂસાએ કેમ કહ્યું કે છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપી શકાય?”+ ૮ તેમણે તેઓને કહ્યું: “મૂસાએ તમારાં દિલ કઠણ હોવાને લીધે તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની રજા આપી હતી.+ પણ શરૂઆતથી એવું ન હતું.+ ૯ હું તમને કહું છું કે જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર* સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+

૧૦ શિષ્યોએ તેમને કહ્યું: “જો પતિ-પત્ની વચ્ચે આવું થતું હોય, તો ન પરણવું વધારે સારું.” ૧૧ તેમણે કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને ઈશ્વર મદદ કરે છે* તેઓ જ એ પાળી શકે છે.+ ૧૨ અમુક એવા છે જેઓ જન્મથી જ નપુંસક* છે. અમુક એવા છે જેઓને માણસોએ નપુંસક બનાવી દીધા છે. અમુક એવા છે જેઓ સ્વર્ગના રાજ્યને લીધે લગ્‍ન કરતા નથી.* આ વાત જે પાળી શકે એ પાળે.”+

૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે* અને પ્રાર્થના કરે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+ ૧૪ ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.”+ ૧૫ પછી તેમણે તેઓ પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળી ગયા.

૧૬ હવે જુઓ! એક યુવાન તેમની પાસે આવ્યો અને પૂછ્યું: “શિક્ષક, હંમેશ માટેનું જીવન મેળવવા મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?”+ ૧૭ ઈસુએ કહ્યું: “સારાં કામો કયાં છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર જ સારા છે.*+ જો તારે જીવન મેળવવું હોય તો ઈશ્વરની આજ્ઞાઓ પાળતો રહે.”+ ૧૮ તેણે પૂછ્યું: “કઈ આજ્ઞાઓ?” ઈસુએ કહ્યું: “તમે ખૂન ન કરો,+ તમે વ્યભિચાર ન કરો,+ તમે ચોરી ન કરો,+ તમે જૂઠી સાક્ષી ન પૂરો,+ ૧૯ તમારાં માતા-પિતાને માન આપો+ અને તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”+ ૨૦ પેલા યુવાને તેમને કહ્યું: “આ બધું તો હું પાળતો આવ્યો છું, હજુ મારે શું કરવાની જરૂર છે?” ૨૧ ઈસુએ તેને કહ્યું: “જો તું સંપૂર્ણ* થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલ-મિલકત વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે.+ આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ એ સાંભળીને એ યુવાન બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+ ૨૩ ઈસુએ શિષ્યોને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ધનવાન માણસ માટે સ્વર્ગના રાજ્યમાં જવું બહુ અઘરું થશે.+ ૨૪ હું તમને ફરીથી કહું છું: ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+

૨૫ એ સાંભળીને શિષ્યો બહુ જ નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૬ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+

૨૭ પછી પિતરે તેમને કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે?”+ ૨૮ ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, બધું નવું બનાવવામાં આવશે ત્યારે માણસનો દીકરો પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. એ વખતે મારી પાછળ આવનારા તમે ૧૨ રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરશો.+ ૨૯ જે કોઈએ મારા નામને લીધે ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તે એ બધું સો ગણું વધારે મેળવશે. તે હંમેશ માટેના જીવનનો વારસો પણ મેળવશે.+

૩૦ “પણ ઘણા જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે.+

૨૦ “સ્વર્ગનું રાજ્ય દ્રાક્ષાવાડીના માલિક જેવું છે, જે વહેલી સવારે બજારમાં પોતાના માટે મજૂરો લેવા ગયો.+ ૨ તેણે તેઓને દિવસનો એક દીનાર* મજૂરી આપવાનું નક્કી કર્યું. પછી તેણે તેઓને પોતાની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા. ૩ સવારે આશરે નવ વાગ્યે* તે ફરીથી બજારમાં ગયો. તેણે ત્યાં બીજા મજૂરો ઊભેલા જોયા, જેઓને કોઈ કામ મળ્યું ન હતું. ૪ તેણે તેઓને કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે વાજબી હશે એ હું તમને આપીશ.’ ૫ એટલે તેઓ ગયા. બપોરે આશરે બાર વાગ્યે* અને આશરે ત્રણ વાગ્યે* તે ફરીથી બજારમાં ગયો અને એવું જ કર્યું. ૬ સાંજે લગભગ પાંચ વાગ્યે* તે ફરીથી બજારમાં ગયો અને બીજા મજૂરોને ઊભેલા જોયા. તેણે તેઓને પૂછ્યું, ‘તમે આખો દિવસ કેમ અહીં આમ ને આમ ઊભા છો?’ ૭ તેઓએ જવાબ આપ્યો, ‘અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી.’ તેણે કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’

૮ “સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘મજૂરોને બોલાવ. જેઓ છેલ્લે આવ્યા હતા તેઓથી શરૂ કરીને, પહેલા મજૂરો સુધી મજૂરી ચૂકવી દે.’+ ૯ લગભગ પાંચ વાગ્યે કામે રાખેલા મજૂરો આવ્યા ત્યારે, તેઓ દરેકને એક એક દીનાર* મળ્યો. ૧૦ સૌથી પહેલા આવેલા મજૂરોનો વારો આવ્યો ત્યારે તેઓએ ધાર્યું કે પોતાને વધારે મળશે. પણ તેઓને એક દીનાર* મજૂરી ચૂકવવામાં આવી. ૧૧ એ લીધા પછી તેઓ માલિક સાથે કચકચ કરવા લાગ્યા. ૧૨ તેઓએ કહ્યું: ‘આ છેલ્લા મજૂરોએ તો ફક્ત એક જ કલાક કામ કર્યું છે. તોપણ તમે તેઓને અમારી બરાબર ગણ્યા. અમે તો ધોમધખતો તાપ સહન કર્યો અને આખો દિવસ સખત મહેનત કરી!’ ૧૩ તેઓમાંના એકને જવાબ આપતા માલિકે કહ્યું: ‘મિત્ર, હું તારી સાથે કંઈ અન્યાય નથી કરતો. તેં મારી સાથે એક દીનાર* નક્કી કર્યો હતો, બરાબર ને?+ ૧૪ તારી મજૂરી લે અને જા. હું આ છેલ્લાને પણ તારા જેટલું જ આપવા ચાહું છું. ૧૫ શું મારા પૈસા મારી મરજીથી વાપરવાનો મને હક નથી? કે પછી હું ઉદાર છું એની તને અદેખાઈ આવે છે?’*+ ૧૬ આ રીતે જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.”+

૧૭ યરૂશાલેમ જતા હતા ત્યારે, ઈસુ રસ્તામાં ૧૨ શિષ્યોને લોકોથી દૂર એક બાજુ લઈ ગયા. તેમણે કહ્યું:+ ૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે.+ ૧૯ તેઓ મશ્કરી કરવા, કોરડા મારવા અને વધસ્તંભે જડી દેવા માટે તેને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેશે+ અને ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+

૨૦ પછી ઝબદીના દીકરાઓની મા+ પોતાના દીકરાઓની સાથે ઈસુ પાસે આવી અને ઘૂંટણિયે પડીને નમન કર્યું. તે તેમની પાસેથી કંઈક માંગવા ચાહતી હતી.+ ૨૧ ઈસુએ તેને પૂછ્યું: “તમે શું ચાહો છો?” તેણે જવાબ આપ્યો: “હું વિનંતી કરું છું કે મારા બે દીકરા તમારા રાજ્યમાં તમારી સાથે બેસે. એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે.”+ ૨૨ ઈસુએ જવાબમાં દીકરાઓને કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવા જઈ રહ્યો છું, એ શું તમે પી શકો છો?”+ તેઓએ કહ્યું: “અમે પી શકીએ છીએ.” ૨૩ તેમણે કહ્યું: “તમે મારો પ્યાલો જરૂર પીશો.+ પણ મારે જમણે અને ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી. એ જગ્યા મારા પિતાએ જેઓ માટે નક્કી કરી છે તેઓની છે.”+

૨૪ જ્યારે બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ એ બંને ભાઈઓ પર ગુસ્સે થયા.+ ૨૫ પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું: “તમે જાણો છો કે દુનિયાના શાસકો પ્રજા પર હુકમ ચલાવે છે અને મોટા માણસો પ્રજા પર અધિકાર ચલાવે છે.+ ૨૬ તમારામાં આવું ન થવું જોઈએ.+ પણ જે કોઈ તમારામાં મોટો થવા ચાહે, તેણે તમારા સેવક બનવું જોઈએ.+ ૨૭ જે કોઈ તમારામાં પહેલો થવા ચાહે, તેણે તમારા દાસ બનવું જોઈએ.+ ૨૮ અરે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+

૨૯ તેઓ યરીખોથી નીકળતા હતા ત્યારે, મોટું ટોળું તેમની પાછળ પાછળ ગયું. ૩૦ જુઓ! રસ્તાની બાજુએ બેઠેલા બે આંધળા માણસોએ સાંભળ્યું કે ઈસુ ત્યાંથી પસાર થાય છે. તેઓ પોકારી ઊઠ્યા: “ઓ માલિક, દાઉદના દીકરા, અમારા પર દયા કરો!”+ ૩૧ પણ ટોળાએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. તેઓ હજુ વધારે મોટા અવાજે પોકારી ઊઠ્યા: “ઓ માલિક, દાઉદના દીકરા, અમારા પર દયા કરો!” ૩૨ ઈસુ ઊભા રહ્યા અને તેઓને બોલાવીને કહ્યું: “તમે શું ચાહો છો, હું તમારા માટે શું કરું?” ૩૩ તેઓએ કહ્યું: “માલિક, અમને દેખતા કરો.” ૩૪ ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તે તેઓની આંખોને અડક્યા.+ તરત જ તેઓ દેખતા થયા અને તેમની પાછળ ગયા.

૨૧ તેઓ યરૂશાલેમ નજીક આવ્યા અને જૈતૂન પર્વત પર બેથફગે નજીક પહોંચ્યા. પછી ઈસુએ બે શિષ્યોને આમ કહીને મોકલ્યા:+ ૨ “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ. એમાં જતાં જ તમને એક ગધેડું અને એનું બચ્ચું બાંધેલાં મળી આવશે. તેઓને છોડીને મારી પાસે લઈ આવો. ૩ જો કોઈ તમને પૂછે તો તમારે કહેવું, ‘માલિકને તેઓની જરૂર છે.’ એ સાંભળીને તે તેઓને તરત જ મોકલી આપશે.”

૪ આ એ માટે બન્યું, જેથી પ્રબોધકે કહેલું પૂરું થાય: ૫ “સિયોનની દીકરીને જણાવો, ‘જો, તારો રાજા તારી પાસે આવે છે.+ તે કોમળ સ્વભાવનો છે+ અને ગધેડા પર, હા, ખોલકા પર, ગધેડાના બચ્ચા પર બેસીને આવે છે.’”+

૬ એટલે શિષ્યો ગયા અને ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી એમ જ કર્યું.+ ૭ તેઓ ગધેડું અને એના બચ્ચાને લાવ્યા. તેઓના પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.+ ૮ ટોળામાંના મોટા ભાગના લોકોએ પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં.+ બીજા લોકો ઝાડની ડાળીઓ કાપીને રસ્તા પર પાથરવા લાગ્યા. ૯ તેમની આગળ જતા અને તેમની પાછળ આવતા લોકો પોકારી રહ્યા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે દાઉદના દીકરાનો ઉદ્ધાર કરો.+ યહોવાના* નામમાં જે આવે છે,+ તેના પર તેમનો આશીર્વાદ છે! હે સ્વર્ગમાંના ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!”+

૧૦ જ્યારે તે યરૂશાલેમમાં આવ્યા, ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ કે “આ કોણ છે?” ૧૧ ટોળાંના લોકો કહેતા હતા: “આ તો ગાલીલના નાઝરેથથી પ્રબોધક ઈસુ છે!”+

૧૨ ઈસુએ મંદિરમાં જઈને એમાં વેચનારા અને ખરીદનારા બધાને બહાર કાઢી મૂક્યા. તેમણે નાણાં બદલનારાઓની મેજો અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી.+ ૧૩ તેમણે તેઓને કહ્યું: “એમ લખેલું છે કે ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે.’+ પણ તમે એને લુટારાઓનો અડ્ડો બનાવો છો.”+ ૧૪ આંધળા અને લંગડા લોકો ઈસુ પાસે મંદિરમાં આવ્યા. તેમણે તેઓને સાજા કર્યા.

૧૫ તેમણે કરેલા ચમત્કારો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ જોયા. તેઓએ જોયું કે મંદિરમાં છોકરાઓ પોકારતા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે દાઉદના દીકરાનો ઉદ્ધાર કરો!”+ એ સાંભળીને તેઓ બહુ ગુસ્સે ભરાયા.+ ૧૬ તેઓએ તેમને પૂછ્યું: “તેઓ જે કહે છે એ તું સાંભળે છે?” ઈસુએ કહ્યું: “હા, શું તમે આવું કદી નથી વાંચ્યું કે ‘તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે સ્તુતિ કરાવી છે’?”+ ૧૭ તેઓને ત્યાં જ રહેવા દઈને તે શહેર બહાર બેથનિયા ગામ ગયા અને ત્યાં રાત વિતાવી.+

૧૮ વહેલી સવારે શહેરમાં પાછા જતી વખતે ઈસુને ભૂખ લાગી.+ ૧૯ રસ્તાની બાજુએ તેમણે અંજીરનું એક ઝાડ જોયું અને તે એની નજીક ગયા. પણ તેમને એના પર પાંદડાં સિવાય બીજું કંઈ મળ્યું નહિ.+ તેમણે એ ઝાડને કહ્યું: “હવેથી તારા પર કદી ફળ ન આવે.”+ તરત જ અંજીરનું ઝાડ સુકાઈ ગયું. ૨૦ આ જોઈને શિષ્યો નવાઈ પામ્યા અને કહ્યું: “અરે, અંજીરનું ઝાડ કેમ અચાનક સુકાઈ ગયું?”+ ૨૧ ઈસુએ તેઓને કહ્યું: “હું સાચે જ કહું છું કે જો તમારામાં શ્રદ્ધા હોય અને તમે શંકા ન કરો, તો મેં અંજીરના ઝાડને જે કર્યું એ તમે પણ કરી શકશો. એટલું જ નહિ, જો તમે આ પહાડને કહો, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો એમ પણ થશે.+ ૨૨ તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં જે કંઈ માંગો, એ તમને મળશે.”+

૨૩ ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. મુખ્ય યાજકો અને લોકોના વડીલો તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”+ ૨૪ ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને એક વાત પૂછું છું. જો તમે મને જવાબ આપો, તો હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું: ૨૫ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ કોના તરફથી હતું? ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી?” તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે આપણને કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’+ ૨૬ જો આપણે કહીએ કે ‘માણસો તરફથી,’ તો આપણને ટોળાનો ડર છે, કેમ કે તેઓ બધા યોહાનને પ્રબોધક માને છે.” ૨૭ તેઓએ ઈસુને જવાબ આપ્યો: “અમને ખબર નથી.” તેમણે તેઓને કહ્યું, “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.

૨૮ “તમને આ વિશે શું લાગે છે? એક માણસને બે દીકરાઓ હતા. પહેલાની પાસે જઈને તેણે કહ્યું, ‘બેટા, આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ ૨૯ તેણે કહ્યું, ‘હું નહિ જાઉં.’ પણ પછીથી તેને પસ્તાવો થયો અને તે ગયો. ૩૦ બીજાની પાસે જઈને પિતાએ એવું જ કહ્યું. તેણે જવાબ આપ્યો કે ‘હું જઈશ પિતાજી,’ પણ તે ન ગયો. ૩૧ આ બેમાંથી કોણે પોતાના પિતાની મરજી પ્રમાણે કર્યું?” તેઓએ કહ્યું, “પહેલાએ.” ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ તમારી આગળ ઈશ્વરના રાજ્યમાં જાય છે. ૩૨ યોહાન ખરો માર્ગ* બતાવવા તમારી પાસે આવ્યો, પણ તમે તેનું માન્યું નહિ. કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓએ તેનું માન્યું.+ તમે આ જોયા પછી પણ પસ્તાવો કર્યો નહિ અને તેનું માન્યું નહિ.

૩૩ “બીજું એક ઉદાહરણ સાંભળો: એક માણસ જમીનદાર હતો. તેણે દ્રાક્ષાવાડી કરી+ અને એની ફરતે વાડ ઊભી કરી. એ વાડીમાં દ્રાક્ષાકુંડ ખોદીને તૈયાર કર્યો. એની ચોકી કરવા બુરજ બાંધ્યો+ અને ખેડૂતોને ભાગે આપીને પરદેશ ગયો.+ ૩૪ જ્યારે ફળની મોસમ આવી ત્યારે માલિકે પોતાના ભાગનાં ફળ લેવા ચાકરોને ખેડૂતો પાસે મોકલ્યા. ૩૫ પણ ખેડૂતોએ તેના ચાકરોને પકડ્યા. તેઓએ એકને માર્યો, બીજાને મારી નાખ્યો, બીજા એકને પથ્થરો મારીને મારી નાખ્યો.+ ૩૬ તેણે ફરીથી અગાઉ કરતાં બીજા વધારે ચાકરો મોકલ્યા. ખેડૂતોએ એ ચાકરો સાથે પણ એવું જ કર્યું.+ ૩૭ આખરે તેણે આમ વિચારીને પોતાના દીકરાને મોકલ્યો: ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’ ૩૮ દીકરાને જોઈને ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે.+ ચાલો તેને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ!’ ૩૯ તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેને મારી નાખ્યો.+ ૪૦ જ્યારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે પેલા ખેડૂતોનું શું કરશે?” ૪૧ તેઓએ કહ્યું: “તેઓ દુષ્ટ હોવાથી, તે તેઓનો પૂરેપૂરો વિનાશ કરશે. તે એવા ખેડૂતોને દ્રાક્ષાવાડી ભાગે આપશે, જેઓ તેને યોગ્ય સમયે એનાં ફળ આપે.”

૪૨ ઈસુએ તેઓને કહ્યું: “શું તમે શાસ્ત્રવચનો નથી વાંચ્યા? ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+ ખુદ યહોવાએ* એવું કર્યું છે અને એ અમારી નજરે અજાયબ છે.’+ ૪૩ એટલે હું તમને કહું છું, તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે. જે પ્રજા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કામ કરે છે,* એને રાજ્ય આપવામાં આવશે. ૪૪ આ પથ્થર પર જે માણસ પડશે તેના ટુકડે-ટુકડા થઈ જશે.+ એ પથ્થર જેના પર પડશે તેનો ભૂકો થઈ જશે.”+

૪૫ જ્યારે મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમનાં ઉદાહરણો સાંભળ્યાં, ત્યારે તેઓ સમજી ગયા કે તે તેઓની જ વાત કરતા હતા.+ ૪૬ તેઓ ઈસુને પકડવા માંગતા હતા, પણ ટોળાંથી ગભરાતા હતા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.+

૨૨ ફરી એક વાર ઈસુએ તેઓને ઉદાહરણો આપ્યાં: ૨ “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જેણે પોતાના દીકરાના લગ્‍નની મિજબાની ગોઠવી.+ ૩ તેણે લગ્‍નની મિજબાનીમાં જેઓને આમંત્રણ આપ્યું હતું, તેઓને બોલાવવા પોતાના ચાકરોને મોકલ્યા. પણ એ લોકો આવવા રાજી ન હતા.+ ૪ ફરીથી તેણે બીજા ચાકરોને મોકલ્યા અને કહ્યું, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે. મેં બળદો* અને તાજાં-માજાં પશુઓ કાપ્યાં છે, બધું તૈયાર છે. લગ્‍નની મિજબાનીમાં આવો.”’ ૫ પણ તેઓએ કંઈ ધ્યાન પર લીધું નહિ અને જતા રહ્યા, એક પોતાના ખેતરે ગયો તો બીજો પોતાના વેપાર-ધંધે.+ ૬ બીજાઓએ તેના ચાકરોને પકડ્યા, તેઓનું ભારે અપમાન કર્યું અને તેઓને મારી નાખ્યા.

૭ “રાજા ક્રોધે ભરાયો. તેણે પોતાની સેનાઓ મોકલીને એ ખૂનીઓને મારી નાખ્યા અને તેઓનું શહેર બાળી મૂક્યું.+ ૮ તેણે પોતાના ચાકરોને કહ્યું: ‘લગ્‍નની મિજબાની તો તૈયાર છે, પણ જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓ એને લાયક ન હતા.+ ૯ શહેરના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને જે કોઈ મળે એને લગ્‍નની મિજબાની માટે બોલાવી લાવો.’+ ૧૦ પેલા ચાકરો રસ્તાઓ પર ગયા અને સારા કે ખરાબ જે કોઈ મળ્યા એ બધાને લઈ આવ્યા. લગ્‍નનો ઓરડો જમવા બેઠેલા મહેમાનોથી ભરાઈ ગયો.

૧૧ “રાજા મહેમાનોને જોવા આવ્યો. તેની નજર એક માણસ પર પડી, જેણે લગ્‍નનાં કપડાં પહેર્યાં ન હતાં. ૧૨ તેણે તેને પૂછ્યું: ‘દોસ્ત, તું લગ્‍નનો પોશાક પહેર્યા વગર અંદર કેવી રીતે આવી ગયો?’ તેને કોઈ જવાબ સૂઝ્યો નહિ. ૧૩ રાજાએ સેવકોને કહ્યું: ‘તેના હાથ-પગ બાંધી દો અને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’

૧૪ “ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”

૧૫ પછી ફરોશીઓ ચાલ્યા ગયા. ઈસુને તેમની જ વાતોમાં ફસાવવા તેઓએ ભેગા મળીને કાવતરું ઘડ્યું.+ ૧૬ તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ* સાથે ઈસુ પાસે મોકલ્યા.+ તેઓએ કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો. તમે સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. તમે કોઈને ખુશ કરવા મીઠી મીઠી વાતો કરતા નથી. તમે લોકોનો બહારનો દેખાવ જોતા નથી. ૧૭ અમને જણાવો કે શું સમ્રાટને* કર* આપવો યોગ્ય છે? તમને શું લાગે છે?” ૧૮ ઈસુએ તેઓની દુષ્ટતા જાણીને કહ્યું: “ઓ ઢોંગીઓ, તમે કેમ મારી કસોટી કરો છો? ૧૯ કર ભરવાનો સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દીનાર* લાવ્યા. ૨૦ તેમણે તેઓને કહ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” ૨૧ તેઓએ કહ્યું: “સમ્રાટનાં.” ઈસુએ કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”+ ૨૨ તેઓ એ સાંભળીને નવાઈ પામ્યા અને તેમને ત્યાં રહેવા દઈને ચાલ્યા ગયા.

૨૩ એ દિવસે સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે.*+ તેઓએ ઈસુને કહ્યું:+ ૨૪ “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે ‘જો કોઈ માણસ મરણ પામે અને તેને બાળકો ન હોય, તો તેની પત્ની સાથે એ માણસનો ભાઈ લગ્‍ન કરે. તે પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’+ ૨૫ એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્‍ન કર્યું અને તે બાળક વિના ગુજરી ગયો. તે પોતાની પત્ની પોતાના ભાઈ માટે રાખી ગયો. ૨૬ બીજા અને ત્રીજા એમ સાતેય ભાઈઓ સાથે એવું જ થયું. ૨૭ સૌથી છેલ્લે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૨૮ તે સાતેયની પત્ની બની હતી. તો પછી મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે?”

૨૯ ઈસુએ તેઓને કહ્યું: “તમે મોટી ભૂલ કરો છો, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત જાણતા.+ ૩૦ મરણમાંથી જીવતા કરવામાં આવેલાં માણસો કે સ્ત્રીઓ લગ્‍ન કરતા નથી. પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે.+ ૩૧ મરણ પામેલા જીવતા થશે એ વિશે ઈશ્વરે તમને જે જણાવ્યું છે એ શું તમે નથી વાંચ્યું? તેમણે કહ્યું હતું: ૩૨ ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’+ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે.”+ ૩૩ એ સાંભળીને ટોળાઓ તેમના શિક્ષણથી દંગ થઈ ગયાં.+

૩૪ ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સાદુકીઓને ચૂપ કરી દીધા છે ત્યારે, તેઓ ભેગા થઈને આવ્યા. ૩૫ તેઓમાં એક નિયમશાસ્ત્રનો પંડિત હતો, તેણે તેમની કસોટી કરવા પૂછ્યું: ૩૬ “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”+ ૩૭ તેમણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ ૩૮ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. ૩૯ એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+ ૪૦ આ બે આજ્ઞાઓ આખા નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો છે.”+

૪૧ ફરોશીઓ હજુ ત્યાં જ હતા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું:+ ૪૨ “તમે ખ્રિસ્ત વિશે શું વિચારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ કહ્યું: “દાઉદનો.”+ ૪૩ ઈસુએ પૂછ્યું: “તો પછી પવિત્ર શક્તિની પ્રેરણાથી+ દાઉદ તેને કેમ માલિક કહીને બોલાવે છે? તે કહે છે, ૪૪ ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+ ૪૫ જો દાઉદ તેને માલિક કહે છે, તો પછી તે કઈ રીતે તેમનો દીકરો થાય?”+ ૪૬ કોઈ તેમને જવાબમાં એક પણ શબ્દ કહી શક્યું નહિ. એ દિવસથી કોઈએ તેમને કંઈ પણ પૂછવાની હિંમત કરી નહિ.

૨૩ પછી ટોળાઓને અને પોતાના શિષ્યોને ઈસુએ કહ્યું: ૨ “શાસ્ત્રીઓ અને ફરોશીઓ પોતે મૂસાની જગ્યાએ બેસી ગયા છે. ૩ એટલે તેઓ તમને જે કંઈ કહે છે એ બધું કરો અને પાળો. પણ તેઓનાં જેવાં કામ ન કરો, કેમ કે તેઓ જે કહે છે એ કરતા નથી.+ ૪ તેઓના નિયમો ભારે બોજા જેવા છે, જેને તેઓ લોકોના ખભા પર નાખે છે.+ તેઓ પોતે એ બોજો ઊંચકવા એક આંગળી પણ અડાડવા તૈયાર નથી.+ ૫ તેઓ જે કંઈ કરે છે એ માણસોને દેખાડવા કરે છે.+ તેઓ રક્ષણ મેળવવા માટે શાસ્ત્રવચનો લખેલી જે ડબ્બીઓ* પહેરે છે, એ મોટી કરાવે છે.+ તેઓ કપડાંની ઝાલર પહોળી કરાવે છે.+ ૬ તેઓને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યા અને સભાસ્થાનોમાં આગળની* બેઠકો ગમે છે.+ ૭ બજારોમાં લોકો સલામો ભરે અને ગુરુજી* કહે, એવું તેઓને ગમે છે. ૮ પણ તમે પોતાને ગુરુ* ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે+ અને તમે બધા ભાઈઓ છો. ૯ પૃથ્વી પર કોઈને તમારા ‘પિતા’* ન કહો, કેમ કે તમારા પિતા એક છે,+ જે સ્વર્ગમાં છે. ૧૦ તમે પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત. ૧૧ તમારામાં જે સૌથી મોટો છે, એ તમારો સેવક થાય.+ ૧૨ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે+ અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.+

૧૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! લોકો માટે તમે સ્વર્ગના રાજ્યના દરવાજા બંધ કરી દો છો. તમે પોતે તો અંદર જતા નથી અને જેઓ અંદર જાય છે, તેઓને પણ જવા દેતા નથી.+ ૧૪ *—

૧૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ,+ તમને અફસોસ! એક માણસને યહૂદી બનાવવા* તમે દરિયો અને ધરતી ખૂંદી વળો છો. તે યહૂદી બને છે ત્યારે તમે તેને ગેહેન્‍નાને* લાયક બનાવો છો અને તે તમારા કરતાં બમણો ગુનેગાર બને છે.

૧૬ “ઓ આંધળા દોરનારાઓ,+ તમને અફસોસ! તમે કહો છો કે ‘જો કોઈ મંદિરના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી. પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.’+ ૧૭ ઓ મૂર્ખાઓ અને આંધળાઓ! શું વધારે મહત્ત્વનું છે, સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? ૧૮ તમે એમ પણ કહો છો, ‘જો કોઈ વેદીના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી. પણ જો કોઈ એના પરની ભેટના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.’ ૧૯ ઓ આંધળાઓ! શું વધારે મહત્ત્વનું છે, ભેટ કે ભેટને પવિત્ર કરનાર વેદી? ૨૦ એ માટે જે કોઈ વેદીના સમ ખાય છે, તે એના અને એના પરની બધી વસ્તુઓના સમ ખાય છે. ૨૧ જે કોઈ મંદિરના સમ ખાય છે, તે એના અને એમાં રહેનાર ઈશ્વરના સમ ખાય છે.+ ૨૨ જે કોઈ સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના અને એના પર બેસનાર ઈશ્વરના સમ ખાય છે.

૨૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે ફૂદીના, સુવા અને જીરાંનો દસમો ભાગ તો આપો છો,+ પણ ન્યાય,+ દયા+ અને વફાદારી જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો જતી કરો છો. ખરું કે દસમો ભાગ આપવો જરૂરી હતો, પણ નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો પડતી મૂકવાની ન હતી.+ ૨૪ ઓ આંધળા દોરનારાઓ,+ તમે મચ્છરને+ ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો!+

૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો,+ પણ અંદરથી તમે લોભ*+ અને લાલસાથી ભરેલા છો.+ ૨૬ ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.

૨૭ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ,+ તમને અફસોસ! તમે ધોળેલી કબર જેવા છો,+ જે બહારથી સરસ દેખાય છે. પણ એ અંદરથી તો મરેલા માણસોનાં હાડકાંથી અને દરેક પ્રકારની ગંદકીથી ભરેલી છે. ૨૮ તમે પણ બહારથી તો લોકોને સાચા માર્ગે ચાલનારા દેખાઓ છો, પણ અંદરથી ઢોંગી અને દુષ્ટ છો.+

૨૯ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ,+ તમને અફસોસ! તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને નેક લોકોની કબરો શણગારો છો.+ ૩૦ તમે કહો છો, ‘જો અમે અમારા બાપદાદાઓના દિવસોમાં હોત, તો પ્રબોધકોના ખૂનમાં અમે તેઓના ભાગીદાર બન્યા ન હોત.’ ૩૧ એટલે તમે પોતે તમારી વિરુદ્ધ સાક્ષી પૂરો છો કે તમે પ્રબોધકોનું ખૂન કરનારાઓના દીકરાઓ છો.+ ૩૨ તો પછી તમારા બાપદાદાઓએ જે કામોની શરૂઆત કરી હતી એ પૂરાં કરો.

૩૩ “ઓ સાપો, ઝેરી સાપોનાં સંતાનો,+ તમે ગેહેન્‍નાની સજામાંથી કેવી રીતે છટકી શકશો?+ ૩૪ એ કારણે જુઓ, હું તમારી પાસે પ્રબોધકો,+ સમજદાર માણસો અને ઉપદેશકોને+ મોકલું છું. એમાંના અમુકને તમે મારી નાખશો+ અને અમુકને વધસ્તંભે જડી દેશો. અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો+ અને અમુકને શહેરેશહેર સતાવશો.+ ૩૫ એ માટે કે પૃથ્વી પર જે નેક લોકોનું લોહી વહાવવામાં આવ્યું છે એનો દોષ તમારા પર આવી પડે. એટલે કે નેક હાબેલના+ લોહીથી લઈને બારખીઆના દીકરા ઝખાર્યાના લોહીનો દોષ તમારા પર આવી પડે. ઝખાર્યાને તમે મંદિરની* આગળ, વેદી પાસે મારી નાખ્યો હતો.+ ૩૬ હું તમને સાચે જ કહું છું કે એ બધું આ પેઢી પર આવી પડશે.

૩૭ “યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરે જેઓને તારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારનાર!+ જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પણ તમે એવું ચાહ્યું નહિ.+ ૩૮ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.*+ ૩૯ હું તમને કહું છું કે હવેથી તમે મને ત્યાં સુધી નહિ જુઓ, જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!’”+

૨૪ ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. તેઓ તેમને મંદિરની ઇમારતો બતાવવા લાગ્યા. ૨ તેમણે કહ્યું: “શું તમે આ બધું જુઓ છો? હું તમને સાચે જ કહું છું કે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+

૩ ઈસુ જૈતૂન પર્વત પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની*+ અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”+

૪ ઈસુએ જવાબમાં કહ્યું કે “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૫ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે.+ ૬ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. જોજો, તમે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+

૭ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે+ અને ધરતીકંપો થશે.+ ૮ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.

૯ “પછી લોકો તમારી સતાવણી કરશે+ અને તમને મારી નાખશે.+ તમે મારા શિષ્યો છો એટલે* બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.+ ૧૦ ઘણા ઠોકર ખાશે, એકબીજાને દગો કરશે અને એકબીજાને ધિક્કારશે. ૧૧ ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણાને ખોટા માર્ગે દોરશે.+ ૧૨ દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. ૧૩ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે* તેનો જ ઉદ્ધાર થશે.+ ૧૪ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે+ અને પછી જ અંત આવશે.

૧૫ “પ્રબોધક દાનિયેલના જણાવ્યા પ્રમાણે, તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને પવિત્ર જગ્યાએ ઊભેલી જોશો+ (વાચકે સમજવા ધ્યાન આપવું). ૧૬ એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ ૧૭ જે માણસ ધાબા પર હોય, તેણે ઘરમાંથી સામાન લેવા નીચે ન ઊતરવું. ૧૮ જે માણસ ખેતરમાં હોય તેણે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૯ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે! ૨૦ પ્રાર્થના કરતા રહો કે તમારે શિયાળામાં અથવા સાબ્બાથના દિવસે નાસવું ન પડે. ૨૧ એ સમયે એવી મોટી વિપત્તિ* આવશે,+ જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.+ ૨૨ જો એ દિવસો ઓછા કરવામાં ન આવે તો કોઈ જ બચશે નહિ. પણ ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને લીધે એ દિવસો ઓછા કરવામાં આવશે.+

૨૩ “જો કોઈ તમને કહે કે ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’+ અથવા ‘ત્યાં છે,’ તો એ માનતા નહિ.+ ૨૪ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો+ ઊભા થશે. તેઓ મોટાં મોટાં ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!+ ૨૫ જુઓ! મેં તમને પહેલેથી ચેતવી દીધા છે. ૨૬ જો લોકો તમને કહે કે ‘જુઓ! તે વેરાન પ્રદેશમાં છે,’ તો જતા નહિ. ‘જુઓ! તે અંદરના ઓરડામાં છે,’ તો માનતા નહિ.+ ૨૭ જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, એમ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૨૮ જ્યાં મડદું હોય છે, ત્યાં ગરુડો* ભેગા થશે.+

૨૯ “એ દિવસોની વિપત્તિ પછી તરત જ સૂર્ય અંધકારમય બની જશે+ અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.+ ૩૦ પછી આકાશમાં માણસના દીકરાની નિશાની દેખાશે. પૃથ્વી પરનાં બધાં કુળો શોકમાં છાતી કૂટશે.+ તેઓ માણસના દીકરાને+ શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર આવતો જોશે.+ ૩૧ તે પોતાના દૂતોને રણશિંગડાના* મોટા અવાજ સાથે મોકલશે. તેઓ આકાશોના એક છેડાથી તે બીજા છેડા સુધી, ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.+

૩૨ “હવે અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એનાં પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે.+ ૩૩ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે.+ ૩૪ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ. ૩૫ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+

૩૬ “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી,+ સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.+ ૩૭ જેવું નૂહના દિવસોમાં થયું હતું,+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૩૮ પૂર આવ્યું એ પહેલાં લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. નૂહ વહાણની* અંદર ગયા ત્યાં સુધી તેઓ એવું કરતા હતા.+ ૩૯ પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે. ૪૦ એ સમયે બે માણસો ખેતરમાં હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે. ૪૧ બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.+ ૪૨ એટલે જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે તમારો માલિક કયા દિવસે આવે છે.+

૪૩ “પણ તમે જાણો છો કે જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ* આવશે,+ તો તે જાગતો રહ્યો હોત. તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત.+ ૪૪ તમે પણ તૈયાર રહો,+ કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.

૪૫ “વિશ્વાસુ અને સમજુ* ચાકર કોણ છે, જેને તેના માલિકે ઘરના સેવકોની જવાબદારી સોંપી છે, જેથી તે તેઓને યોગ્ય સમયે ખોરાક આપે?+ ૪૬ એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ!+ ૪૭ હું તમને સાચે જ કહું છું, માલિક પોતાની બધી માલ-મિલકતની જવાબદારી તેને સોંપશે.

૪૮ “પણ ધારો કે એ ચાકર દુષ્ટ કામો કરવા લાગે અને મનમાં વિચારે, ‘મારા માલિકને આવતા મોડું થાય છે.’+ ૪૯ તે બીજા ચાકરોને મારવા લાગે અને દારૂડિયાઓ સાથે ખાવા-પીવા લાગે. ૫૦ એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે.+ ૫૧ તે તેને કડકમાં કડક સજા કરશે અને ઢોંગીઓ જેવા તેના હાલ કરશે. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.+

૨૫ “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતાના દીવા લઈને+ વરરાજાને મળવા નીકળી.+ ૨ એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર.*+ ૩ જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારે તેલ ન લીધું. ૪ જેઓ સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારે તેલ પણ લીધું. ૫ વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચઢી અને તેઓ સૂઈ ગઈ. ૬ અડધી રાતે પોકાર સંભળાયો કે ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’ ૭ એટલે બધી કન્યાઓ ઊઠી અને પોતાના દીવા તૈયાર કર્યા.+ ૮ મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો. અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ ૯ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ થાય. તમે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’ ૧૦ તેઓ તેલ ખરીદવા ગઈ ત્યારે વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્‍નની મિજબાનીમાં ગઈ+ અને દરવાજો બંધ કરવામાં આવ્યો. ૧૧ પછી બાકીની કન્યાઓ પણ ત્યાં આવી પહોંચી અને કહેવા લાગી કે ‘સ્વામી, સ્વામી, અમારા માટે દરવાજો ખોલો!’+ ૧૨ વરરાજાએ કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને ઓળખતો નથી.’

૧૩ “એટલે જાગતા રહો,+ કેમ કે તમે એ દિવસ કે ઘડી જાણતા નથી.+

૧૪ “સ્વર્ગનું રાજ્ય એવા માણસ જેવું છે, જેણે પરદેશ જતી વખતે ચાકરોને બોલાવ્યા અને તેઓને પોતાની માલ-મિલકત સોંપી.+ ૧૫ તેણે એકને પાંચ તાલંત,* બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, એમ દરેકને તેઓની આવડત પ્રમાણે આપ્યું. પછી તે પરદેશ ગયો. ૧૬ જેને પાંચ તાલંત મળ્યા હતા, તેણે તરત જઈને એનાથી વેપાર કર્યો અને બીજા પાંચ કમાયો. ૧૭ એ જ રીતે, જેને બે મળ્યા હતા એ બીજા બે કમાયો. ૧૮ પણ જે ચાકરને ફક્ત એક તાલંત મળ્યો હતો, તે ગયો અને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના એ પૈસા* સંતાડી દીધા.

૧૯ “લાંબા સમય પછી એ ચાકરોનો માલિક આવ્યો અને તેઓ પાસે હિસાબ માંગ્યો.+ ૨૦ જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત લઈને આગળ આવ્યો. તેણે કહ્યું: ‘માલિક, તમે મને પાંચ તાલંત આપ્યા હતા. જુઓ, હું બીજા પાંચ તાલંત કમાયો છું.’+ ૨૧ તેના માલિકે કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ સાબિત થયો. હું તને ઘણી જવાબદારી સોંપીશ.+ તારા માલિક સાથે આનંદ કર.’+ ૨૨ જેને બે તાલંત મળ્યા હતા તે આગળ આવ્યો. તેણે કહ્યું કે ‘માલિક, તમે મને બે તાલંત આપ્યા હતા. જુઓ, હું બીજા બે તાલંત કમાયો છું.’+ ૨૩ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ સાબિત થયો. હું તને ઘણી જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.’

૨૪ “પછી જે ચાકરને એક તાલંત મળ્યો હતો એ આગળ આવ્યો. તેણે કહ્યું: ‘માલિક, મને ખબર હતી કે તમે કડક માણસ છો. જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી લણનાર અને જ્યાં તમે મહેનત નથી કરી ત્યાંથી અનાજ ભેગું કરનાર છો.+ ૨૫ એ માટે મને બીક લાગી અને મેં જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો. લો, તમારું છે એ તમે લઈ લો.’ ૨૬ તેના માલિકે કહ્યું: ‘અરે દુષ્ટ અને આળસુ ચાકર! જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું લણું છું અને જ્યાં મેં મહેનત નથી કરી ત્યાંથી અનાજ ભેગું કરું છું, એ તું જાણતો હતો ખરું ને? ૨૭ તો પછી તેં કેમ મારા પૈસા* શાહુકારને આપ્યા નહિ? જો આપ્યા હોત તો હું આવ્યો ત્યારે મને એ વ્યાજ સાથે પાછા મળ્યા હોત.

૨૮ “‘તેની પાસેથી તાલંત લઈ લો અને જેની પાસે દસ તાલંત છે તેને એ આપી દો.+ ૨૯ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૩૦ આ નકામા ચાકરને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’

૩૧ “જ્યારે માણસનો દીકરો+ પોતાના ગૌરવમાં બધા દૂતો સાથે આવશે,+ ત્યારે તે પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. ૩૨ સર્વ પ્રજાઓ તેમની આગળ ભેગી કરાશે. જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. ૩૩ તે ઘેટાંને+ પોતાને જમણે હાથે, પણ બકરાંને પોતાને ડાબે હાથે રાખશે.+

૩૪ “રાજા પોતાની જમણી બાજુના લોકોને કહેશે: ‘મારા પિતાથી આશીર્વાદ પામેલા લોકો, આવો! દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી તમારા માટે તૈયાર કરેલા રાજ્યનો વારસો લો. ૩૫ હું ભૂખ્યો હતો અને તમે મને ખાવાનું આપ્યું. હું તરસ્યો હતો અને તમે મને પાણી આપ્યું. હું અજાણ્યો હતો અને તમે મને મહેમાન તરીકે રાખ્યો.+ ૩૬ મારી પાસે કપડાં ન હતાં* અને તમે મને પહેરવાં કપડાં આપ્યાં.+ હું બીમાર હતો અને તમે મારી સંભાળ રાખી. હું કેદમાં હતો અને તમે મને મળવા આવ્યા.’+ ૩૭ નેક લોકો કહેશે: ‘માલિક, અમે તમને ક્યારે ભૂખ્યા જોયા અને ખાવાનું આપ્યું? ક્યારે તરસ્યા જોયા અને પાણી આપ્યું?+ ૩૮ અમે ક્યારે તમને અજાણ્યા જોયા અને મહેમાન તરીકે રાખ્યા? ક્યારે તમારી પાસે કપડાં ન હતાં અને પહેરવાં કપડાં આપ્યાં? ૩૯ અમે ક્યારે તમને બીમાર કે કેદમાં જોયા અને તમને મળવા આવ્યા?’ ૪૦ જવાબમાં રાજા તેઓને કહેશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.’+

૪૧ “ત્યાર બાદ તે પોતાની ડાબી બાજુના લોકોને કહેશે: ‘ઓ શ્રાપિત લોકો, મારી પાસેથી દૂર જાઓ.+ શેતાન* અને તેના દૂતો માટે તૈયાર કરેલી+ હંમેશ માટેની આગમાં જાઓ.+ ૪૨ હું ભૂખ્યો હતો, પણ તમે મને કંઈ ખાવા ન આપ્યું. હું તરસ્યો હતો, પણ તમે મને કંઈ પીવા ન આપ્યું. ૪૩ હું અજાણ્યો હતો, પણ તમે મને મહેમાન તરીકે ન રાખ્યો. મારી પાસે કપડાં ન હતાં, પણ તમે મને કપડાં ન આપ્યાં. હું બીમાર અને કેદમાં હતો, પણ તમે મારી સંભાળ ન રાખી.’ ૪૪ તેઓ પણ કહેશે: ‘માલિક, અમે ક્યારે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાં વગરના કે બીમાર કે કેદમાં જોયા અને તમારી સેવા ન કરી?’ ૪૫ તે તેઓને જવાબ આપશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે આ સૌથી નાનાઓમાંના એકને માટે જે ન કર્યું, એ મારા માટે ન કર્યું.’+ ૪૬ આ લોકોનો હંમેશ માટે નાશ થશે,*+ પણ નેક લોકો હંમેશ માટેનું જીવન મેળવશે.”+

૨૬ ઈસુએ આ બધી વાતો કહેવાની પૂરી કરી ત્યારે, તેમણે શિષ્યોને કહ્યું: ૨ “તમે જાણો છો કે આજથી બે દિવસ પછી પાસ્ખાનો* તહેવાર આવશે.+ એ સમયે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા સોંપી દેવામાં આવશે.”+

૩ મુખ્ય યાજકો અને લોકોના વડીલો, પ્રમુખ યાજકના* ઘરના આંગણામાં ભેગા થયા. એ પ્રમુખ યાજકનું નામ કાયાફાસ હતું.+ ૪ તેઓએ ઈસુને કપટથી* પકડીને મારી નાખવાની અંદરોઅંદર વિચારણા કરી.+ ૫ તેઓ કહેતા હતા કે “તહેવારના સમયે નહિ, જેથી લોકો ધાંધલ ન મચાવે.”

૬ ઈસુ બેથનિયામાં સિમોનના ઘરમાં હતા, જે અગાઉ રક્તપિત્તિયો* હતો.+ ૭ ત્યાં એક સ્ત્રી સંગેમરમરની શીશીમાં કીમતી, સુગંધી તેલ લઈને તેમની પાસે આવી. તે જમતા હતા ત્યારે, એ તેલ તેમના માથા પર રેડવા લાગી. ૮ આ જોઈને શિષ્યો ગુસ્સે થયા અને કહ્યું: “આવો બગાડ શા માટે? ૯ એ તેલ ઊંચા ભાવે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત.” ૧૦ એ સાંભળીને ઈસુએ કહ્યું: “તમે આ સ્ત્રીને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સરસ કામ કર્યું છે. ૧૧ ગરીબો તો કાયમ તમારી સાથે હશે,+ પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.+ ૧૨ તેણે મારા શરીર પર સુગંધી તેલ લગાડીને મારા દફનની તૈયારી કરી છે.+ ૧૩ હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”+

૧૪ પછી બારમાંનો એક જે યહૂદા ઇસ્કારિયોત કહેવાતો હતો,+ તે મુખ્ય યાજકો પાસે ગયો.+ ૧૫ તેણે કહ્યું: “હું તેમને દગો દઈને તમારા હાથમાં સોંપી દઉં તો મને શું આપશો?”+ તેઓએ તેને ચાંદીના ૩૦ સિક્કા આપવાનું નક્કી કર્યું.+ ૧૬ ત્યારથી તે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો.

૧૭ બેખમીર રોટલીના તહેવારના*+ પહેલા દિવસે શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાના ભોજનની તૈયારી કરીએ?”+ ૧૮ તેમણે કહ્યું: “શહેરમાં ફલાણા ફલાણાની પાસે જાઓ અને તેને કહેજો કે ‘ઉપદેશક કહે છે: “મારો નક્કી કરેલો સમય પાસે આવ્યો છે. હું તારા ઘરે મારા શિષ્યો સાથે પાસ્ખાની ઉજવણી કરીશ.”’” ૧૯ શિષ્યોએ ઈસુના કહેવા પ્રમાણે કર્યું અને પાસ્ખા માટે તૈયારી કરી.

૨૦ સાંજ ઢળી ત્યારે+ તે ૧૨ શિષ્યો સાથે જમવા બેઠા હતા.+ ૨૧ તેમણે જમતી વખતે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.”+ ૨૨ એ સાંભળીને તેઓ ઘણા જ દુઃખી થયા અને વારાફરતી પૂછવા લાગ્યા: “માલિક, એ હું તો નથી ને?” ૨૩ તેમણે કહ્યું: “જે મારી સાથે એક જ વાટકામાંથી ખાય છે, તે મને દગો દેશે.+ ૨૪ ખરું કે માણસના દીકરા વિશે શાસ્ત્રવચનો જે કહે છે એ પ્રમાણે તેનું મરણ થશે, પણ માણસના દીકરાને દગો દેનારને અફસોસ!+ તે જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”+ ૨૫ યહૂદા જે તેમને દગાથી પકડાવી દેવાની તૈયારીમાં હતો, તેણે પૂછ્યું: “ગુરુજી,* એ હું તો નથી ને?” ઈસુએ તેને કહ્યું: “તેં પોતે જ એ કહ્યું છે.”

૨૬ તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. પછી તેમણે એ તોડી+ અને શિષ્યોને આપી. તેમણે કહ્યું: “લો, ખાઓ. આ મારા શરીરને રજૂ કરે છે.”+ ૨૭ તેમણે પ્યાલો લીધો અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. તેમણે એ પ્યાલો તેઓને આપ્યો અને કહ્યું: “તમે બધા એમાંથી પીઓ,+ ૨૮ કારણ કે એ મારા લોહીને+ રજૂ કરે છે, જે કરારને*+ પાકો કરે છે. એ લોહી ઘણા લોકોનાં પાપોની માફી માટે વહેવડાવવામાં આવશે.+ ૨૯ પણ હું તમને કહું છું કે મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષદારૂ ન પીઉં, એ દિવસ સુધી હું દ્રાક્ષદારૂ ફરીથી પીશ નહિ.”+ ૩૦ પછી તેઓ સ્તુતિગીતો* ગાઈને જૈતૂન પર્વત પર જવા નીકળી ગયા.+

૩૧ ઈસુએ તેઓને કહ્યું: “આજે રાતે મને જે થશે એનાથી તમારી શ્રદ્ધા ડગમગી જશે,* કેમ કે લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.’+ ૩૨ પણ મને ઉઠાડવામાં આવશે અને હું તમારી આગળ ગાલીલ જઈશ.”+ ૩૩ પિતરે તેમને કહ્યું: “તમને જે થવાનું છે એનાથી ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!”+ ૩૪ ઈસુએ તેને કહ્યું, “હું તને સાચે જ કહું છું કે આજે રાતે કૂકડો બોલે એ પહેલાં, તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ ૩૫ પિતરે કહ્યું: “અરે, મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમને ઓળખવાની ના પાડીશ નહિ.”+ બીજા બધા શિષ્યોએ પણ એવું જ કહ્યું.

૩૬ ઈસુ તેઓ સાથે ગેથશેમાને+ નામની જગ્યાએ આવી પહોંચ્યા. તેમણે શિષ્યોને કહ્યું: “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”+ ૩૭ તે પિતરને અને ઝબદીના બે દીકરાઓને સાથે લઈ ગયા. તે બહુ દુઃખી અને પરેશાન થવા લાગ્યા.+ ૩૮ તેમણે તેઓને કહ્યું: “હું મરવાની અણીએ હોઉં એટલી વેદના થાય છે. અહીં રહો અને મારી સાથે જાગતા રહો.”+ ૩૯ તે જરાક આગળ જઈને ઘૂંટણિયે પડ્યા. તેમણે ભૂમિ સુધી માથું નમાવીને પ્રાર્થના કરી:+ “હે મારા પિતા, જો શક્ય હોય તો આ પ્યાલો+ મારી પાસેથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાય.”+

૪૦ ઈસુ શિષ્યો પાસે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા. તેમણે પિતરને કહ્યું: “શું તમે મારી સાથે થોડી વાર પણ જાગતા રહી શકતા નથી?+ ૪૧ જાગતા રહો+ અને પ્રાર્થના કરતા રહો,+ જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+ ૪૨ તેમણે બીજી વાર જઈને પ્રાર્થના કરી: “હે મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા સિવાય દૂર કરી શકાય એમ ન હોય, તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.”+ ૪૩ તે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. ૪૪ તે તેઓને મૂકીને ફરીથી ગયા. તેમણે ત્રીજી વાર પ્રાર્થના કરી અને ફરીથી એ જ વાત કહી. ૪૫ પછી તે શિષ્યો પાસે આવ્યા અને તેઓને કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી આવી પહોંચી છે. ૪૬ ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર આવી પહોંચ્યો છે.” ૪૭ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ તેઓને મોકલ્યા હતા.+

૪૮ ઈસુને દગો આપનારે એ લોકોને આ નિશાની આપી હતી: “હું જેને ચુંબન કરું એ જ તે છે, તેને પકડી લેજો.” ૪૯ તેણે ઈસુ પાસે જઈને કહ્યું: “સલામ ગુરુજી!”* પછી તેણે તેમને ચુંબન કર્યું. ૫૦ ઈસુએ તેને પૂછ્યું: “તું કયા ઇરાદાથી આવ્યો છે?”+ તેઓ આગળ આવ્યા અને ઈસુને પકડી લીધા. ૫૧ પણ ઈસુની સાથે જેઓ હતા, તેઓમાંના એકે હાથ લંબાવીને પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+ ૫૨ ઈસુએ તેને કહ્યું: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે,+ કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ તલવારથી નાશ પામશે.+ ૫૩ શું તને એમ લાગે છે કે હું મારા પિતાને વિનંતી કરી શકતો નથી કે હમણાં જ દૂતોની ૧૨ સેના કરતાં વધારે મોકલી આપે?+ ૫૪ જો એમ થાય તો શાસ્ત્રવચનો કઈ રીતે પૂરાં થશે, જે કહે છે કે આ રીતે જ થવું જોઈએ?” ૫૫ પછી ઈસુએ ટોળાના લોકોને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ મને પકડવા આવ્યા છો? રોજ હું મંદિરમાં બેસીને શીખવતો હતો,+ તોપણ તમે મને પકડ્યો નહિ.+ ૫૬ પણ પ્રબોધકોએ લખેલું* પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.”+ પછી બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.+

૫૭ જે માણસોએ ઈસુને પકડ્યા હતા, તેઓ તેમને પ્રમુખ યાજક કાયાફાસ પાસે લઈ ગયા.+ ત્યાં શાસ્ત્રીઓ અને વડીલો ભેગા થયા હતા.+ ૫૮ પણ પિતર થોડું અંતર રાખીને પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો. તે અંદર ગયા પછી ઘરના ચાકરો સાથે બેસીને જોવા લાગ્યો કે શું થાય છે.+

૫૯ મુખ્ય યાજકો અને આખી યહૂદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ શોધતા હતા.+ ૬૦ ઘણા ખોટા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઈ પુરાવો મળ્યો નહિ.+ આખરે બે માણસ આગળ આવ્યા. ૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+ ૬૨ એ સાંભળીને પ્રમુખ યાજક ઊભો થયો અને ઈસુને કહ્યું: “શું તારે કંઈ નથી કહેવું? શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?”+ ૬૩ પણ ઈસુ ચૂપ રહ્યા.+ પ્રમુખ યાજકે કહ્યું: “હું તને ઈશ્વરના સમ* આપું છું. અમને જણાવ કે તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!”+ ૬૪ ઈસુએ કહ્યું: “તમે પોતે જ એ કહ્યું છે. પણ હું તમને કહું છું કે હવેથી તમે માણસના દીકરાને+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેઠેલો+ અને આકાશનાં વાદળો પર આવતો જોશો.”+ ૬૫ પ્રમુખ યાજકે પોતાનો ઝભ્ભો ફાડતાં કહ્યું: “તેણે ઈશ્વરની નિંદા કરી છે! હવે સાક્ષીઓની શું જરૂર છે? જુઓ! તમે પોતે ઈશ્વરની નિંદા સાંભળી છે. ૬૬ તમારું શું કહેવું છે?” તેઓએ જવાબ આપ્યો: “તે મોતને લાયક છે.”+ ૬૭ પછી તેઓ તેમના ચહેરા પર થૂંક્યા+ અને તેમને મુક્કા માર્યા.+ બીજાઓએ તેમને તમાચા માર્યા.+ ૬૮ તેઓએ કહ્યું: “ઓ ખ્રિસ્ત, જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?”

૬૯ એ સમયે પિતર બહાર આંગણામાં બેઠો હતો. એક દાસીએ તેની પાસે આવીને કહ્યું: “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો!”+ ૭૦ પિતરે બધાની સામે ના પાડી અને કહ્યું, “મને ખબર નથી કે તું શું કહે છે.” ૭૧ પિતર દરવાજાની ચોકી પાસે ગયો. બીજી એક છોકરીએ તેને જોયો અને ત્યાં હાજર લોકોને કહ્યું: “આ માણસ નાઝરેથના ઈસુ સાથે હતો.”+ ૭૨ પિતરે ફરીથી સમ ખાઈને ના પાડી: “હું એ માણસને ઓળખતો નથી!” ૭૩ થોડી વાર પછી આસપાસ ઊભેલા લોકોએ પિતર પાસે આવીને કહ્યું: “તું ચોક્કસ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી* એ ખબર પડી જાય છે.” ૭૪ તે પોતાને શ્રાપ આપવા અને સમ ખાવા લાગ્યો: “હું એ માણસને ઓળખતો નથી!” તરત જ કૂકડો બોલ્યો. ૭૫ પિતરને યાદ આવ્યું કે ઈસુએ કહ્યું હતું: “કૂકડો બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો.

૨૭ સવાર થઈ ત્યારે બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા. તેઓએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ સભા ભરી.+ ૨ તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને રાજ્યપાલ પિલાતને સોંપી દીધા.+

૩ ઈસુને દગો દેનાર યહૂદાએ જોયું કે તેમને મોતની સજા થઈ છે ત્યારે તેને અફસોસ થયો. તે મુખ્ય યાજકો અને વડીલો પાસે ચાંદીના ૩૦ સિક્કા પાછા લાવ્યો.+ ૪ તેણે કહ્યું: “એક નિર્દોષ માણસના લોહીનો સોદો કરીને મેં પાપ કર્યું છે.” તેઓએ કહ્યું: “એમાં અમારે શું? એ તું જાણે!” ૫ એટલે તેણે ચાંદીના સિક્કા મંદિરમાં ફેંકી દીધા અને ત્યાંથી નીકળી ગયો. પછી જઈને ગળે ફાંસો ખાધો.+ ૬ મુખ્ય યાજકોએ ચાંદીના સિક્કા લીધા અને કહ્યું: “નિયમ પ્રમાણે એને મંદિરના ભંડારમાં નાખવા યોગ્ય નથી, કેમ કે એ લોહીની કિંમત છે.” ૭ એકબીજા સાથે ચર્ચા કર્યા પછી, એ પૈસાથી તેઓએ અજાણ્યા લોકોને દાટવા માટે કુંભારનું ખેતર વેચાતું લીધું. ૮ આજ સુધી એ ખેતરને લોહીનું ખેતર કહેવામાં આવે છે.+ ૯ આ રીતે યર્મિયા* પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “તેઓએ ચાંદીના ૩૦ સિક્કા લીધા, જે કિંમત ઇઝરાયેલના અમુક દીકરાઓએ એક માણસ માટે ઠરાવી હતી. ૧૦ એનાથી તેઓએ કુંભારનું ખેતર ખરીદી લીધું, જેમ યહોવાએ* મને આજ્ઞા આપી હતી.”+

૧૧ ઈસુ રાજ્યપાલ સામે ઊભા હતા. રાજ્યપાલે તેમને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૧૨ પણ મુખ્ય યાજકો અને વડીલો તેમના પર આરોપ મૂકતા હતા ત્યારે, તેમણે કોઈ જવાબ આપ્યો નહિ.+ ૧૩ પિલાતે પૂછ્યું: “શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?” ૧૪ પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. અરે, તે એક શબ્દ પણ બોલ્યા નહિ. એનાથી રાજ્યપાલને નવાઈ લાગી.

૧૫ આ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો માંગે એ કેદીને રાજ્યપાલ છોડી મૂકે.+ ૧૬ એ સમયે ત્યાં કેદમાં બારાબાસ નામનો એક કુખ્યાત ગુનેગાર હતો. ૧૭ એટલે લોકો ભેગા થયા ત્યારે પિલાતે તેઓને પૂછ્યું: “હું તમારા માટે કોને છોડી દઉં, બારાબાસને કે ઈસુને, જે ખ્રિસ્ત કહેવાય છે?” ૧૮ પિલાત જાણતો હતો કે તેઓએ અદેખાઈને લીધે ઈસુને તેના હાથમાં સોંપી દીધા છે. ૧૯ તે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેની પત્નીએ પણ સંદેશો મોકલ્યો: “એ નેક માણસને કંઈ કરતા નહિ, કેમ કે તેના લીધે આજે સપનામાં હું ઘણી દુઃખી થઈ હતી.” ૨૦ પણ મુખ્ય યાજકો અને વડીલોએ લોકોને સમજાવ્યું હતું કે બારાબાસ+ માટે આઝાદી અને ઈસુ માટે મોત માંગે.+ ૨૧ રાજ્યપાલે ફરીથી લોકોને પૂછ્યું: “બોલો આ બેમાંથી હું તમારા માટે કોને છોડી દઉં?” તેઓએ કહ્યું: “બારાબાસને!” ૨૨ પિલાતે પૂછ્યું: “તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું?” એ બધાએ કહ્યું: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૨૩ તેણે પૂછ્યું: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” પણ તેઓ મોટેથી બૂમો પાડતા રહ્યા: “તેને વધસ્તંભે ચઢાવો!”+

૨૪ પિલાતે જોયું કે તેઓને કહેવાનો કોઈ ફાયદો નથી, પણ ધમાલ વધી રહી છે. એટલે તેણે પાણી લીધું અને લોકો સામે પોતાના હાથ ધોઈને કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે માથે.” ૨૫ બધા લોકોએ કહ્યું: “તેનું લોહી અમારાં માથે અને અમારાં બાળકોને માથે.”+ ૨૬ પછી તેણે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

૨૭ રાજ્યપાલના સૈનિકો ઈસુને રાજ્યપાલના ઘરે લઈ ગયા. તેઓએ તેમની પાસે બધા સૈનિકોને ભેગા કર્યા.+ ૨૮ તેઓએ ઈસુનાં કપડાં ઉતારીને તેમને ઘેરા લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો.+ ૨૯ તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણિયે પડીને તેઓએ મજાક ઉડાવી: “હે યહૂદીઓના રાજા, સલામ!”* ૩૦ તેઓ તેમના પર થૂંક્યા+ અને સોટી લઈને તેમના માથા પર મારવા લાગ્યા. ૩૧ તેઓની મજાક પૂરી થઈ ત્યારે તેઓએ ઝભ્ભો કાઢી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા.+

૩૨ તેઓ બહાર જતા હતા ત્યારે, તેઓને કુરેની શહેરનો સિમોન નામનો માણસ મળ્યો. તેઓએ તેને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી.+ ૩૩ તેઓ ગલગથા નામની જગ્યાએ, એટલે કે ખોપરીની જગ્યાએ પહોંચ્યા.+ ૩૪ તેઓએ ત્યાં તેમને કડવો રસ* ભેળવેલો દ્રાક્ષદારૂ પીવા આપ્યો.+ પણ એ ચાખ્યા પછી તેમણે પીવાની ના પાડી. ૩૫ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા અને ચિઠ્ઠીઓ* નાખીને તેમનાં કપડાં વહેંચી લીધાં.+ ૩૬ પછી તેઓ ત્યાં તેમની ચોકી કરવા બેઠા. ૩૭ તેઓએ તેમના માથાની ઉપર, વધસ્તંભ પર એક તકતી લગાડી. એમાં તેમના પર મુકાયેલો આરોપ લખેલો હતો: “આ યહૂદીઓનો રાજા ઈસુ છે.”+

૩૮ તેમની આસપાસ બે લુટારાને પણ વધસ્તંભે જડવામાં આવ્યા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૩૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ ૪૦ “અરે, તું તો મંદિરને પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ હવે તું પોતાને બચાવ! જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!”+ ૪૧ શાસ્ત્રીઓ અને વડીલો સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા:+ ૪૨ “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી! તે ઇઝરાયેલનો રાજા છે.+ તે હમણાં વધસ્તંભ પરથી નીચે આવે તો અમે તેના પર શ્રદ્ધા મૂકીએ. ૪૩ તેણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો છે. જો ઈશ્વર તેને ચાહતા હોય તો તેને બચાવે,+ કેમ કે તે કહેતો હતો, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”+ ૪૪ જે લુટારાઓને તેમની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરવા લાગ્યા.+

૪૫ બપોરના બારેક વાગ્યાથી* ત્રણેક વાગ્યા* સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું.+ ૪૬ બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એટલે કે “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”+ ૪૭ એ સાંભળીને ત્યાં ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “આ માણસ એલિયાને બોલાવે છે.”+ ૪૮ તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી* લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી. એ તેણે લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપી.+ ૪૯ પણ બાકીના લોકોએ કહ્યું: “ચાલો જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ.” ૫૦ ફરીથી ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+

૫૧ જુઓ! મંદિરનો પડદો+ ઉપરથી નીચે સુધી ફાટીને+ બે ભાગ થઈ ગયો.+ ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા. ૫૨ કબરો ખૂલી ગઈ અને મરણની ઊંઘમાં હતા એવા ઘણા પવિત્ર લોકોનાં શબ બહાર ફેંકાઈ ગયાં. ૫૩ ઘણા લોકોને એ શબ દેખાયાં. (ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા પછી, જે લોકો કબરો પાસે ગયા હતા તેઓ પવિત્ર શહેરમાં આવ્યા.)* ૫૪ લશ્કરી અધિકારી અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને એ બનાવો જોયા. તેઓ ઘણા ડરી ગયા અને કહ્યું: “ખરેખર આ ઈશ્વરનો દીકરો હતો!”+

૫૫ ત્યાં ઘણી સ્ત્રીઓ હતી, જેઓ દૂરથી જોઈ રહી હતી. તેઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી અને તેમની સેવા કરતી હતી.+ ૫૬ તેઓમાં મરિયમ માગદાલેણ, યાકૂબની ને યોસેની મા મરિયમ અને ઝબદીના દીકરાઓની મા હતી.+

૫૭ મોડી બપોર થઈ ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક ધનવાન માણસ આવ્યો, જે ઈસુનો શિષ્ય હતો.+ ૫૮ તે પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું.+ પિલાતે એ આપવાનો આદેશ કર્યો.+ ૫૯ યૂસફે શબ લીધું અને ચોખ્ખા, બારીક શણના કાપડમાં વીંટાળ્યું.+ ૬૦ તેણે એ શબ પોતાની નવી કબરમાં મૂક્યું,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવીને તે ચાલ્યો ગયો. ૬૧ પણ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ ત્યાં કબરની સામે બેસી રહી.+

૬૨ આ બધું સાબ્બાથની તૈયારીના દિવસે+ બન્યું. એ પછીના દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત આગળ ભેગા થયા. ૬૩ તેઓએ કહ્યું: “સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો, ‘ત્રણ દિવસ પછી મને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’+ ૬૪ તેથી હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય.+ તેઓ લોકોને એમ ન કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ તેનું આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.” ૬૫ પિલાતે તેઓને કહ્યું: “તમે ચોકીદારો લઈ જાઓ. તમારાથી થાય એટલો કડક પહેરો રાખો.” ૬૬ એટલે તેઓએ કબરના મુખ પરના પથ્થરને મહોર* કરી અને કબર પર પહેરો રાખવા ચોકીદારો મૂક્યા.

૨૮ સાબ્બાથ પછી અઠવાડિયાના પહેલા દિવસે* સવાર થતાં જ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ કબર જોવા આવી.+

૨ જુઓ! મોટો ધરતીકંપ થયો હતો, કેમ કે યહોવાનો* દૂત સ્વર્ગમાંથી નીચે ઊતર્યો હતો. તેણે કબરનો પથ્થર ગબડાવી દીધો હતો અને એના પર બેઠો હતો.+ ૩ તેનો દેખાવ વીજળી જેવો હતો. તેનાં કપડાં બરફ જેવા સફેદ હતાં.+ ૪ તેને જોઈને ચોકીદારો ડરી ગયા. તેઓ ધ્રૂજી ઊઠ્યા અને મરેલા જેવા થઈ ગયા.

૫ પણ એ દૂતે સ્ત્રીઓને કહ્યું: “ગભરાશો નહિ! હું જાણું છું કે તમે ઈસુને શોધો છો, જેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા.+ ૬ તે અહીં નથી. તેમણે કહ્યું હતું એમ, તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ આવો, તેમનું શબ જ્યાં હતું એ જગ્યા જુઓ. ૭ જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો: ‘તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. જુઓ, તે તમારી આગળ ગાલીલ જાય છે.+ તમે તેમને ત્યાં જોશો.’ હું તમને એ જ કહેવા આવ્યો છું.”+

૮ તેઓ કબર છોડીને ઝડપથી નીકળી અને તેમના શિષ્યોને ખબર આપવા દોડી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પણ તેઓની ખુશી સમાતી ન હતી.+ ૯ અચાનક ઈસુ તેઓને રસ્તામાં મળ્યા. તેમણે કહ્યું: “સલામ!” તેઓએ તેમના પગ પકડી લીધા અને તેમને પ્રણામ કર્યા. ૧૦ ઈસુએ કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો કે તેઓ ગાલીલ જાય. ત્યાં તેઓ મને જોશે.”

૧૧ તેઓ જતી હતી ત્યારે અમુક ચોકીદારો શહેરમાં ગયા.+ જે કંઈ બન્યું હતું એ બધું ચોકીદારોએ મુખ્ય યાજકોને જણાવ્યું. ૧૨ મુખ્ય યાજકોએ વડીલો સાથે ચર્ચા કરી. તેઓએ સૈનિકોને ચાંદીના ઘણા સિક્કા આપ્યા ૧૩ અને કહ્યું: “તમે કહેજો કે ‘રાતે અમે ઊંઘતા હતા ત્યારે તેના શિષ્યો આવ્યા અને તેનું શબ ચોરી ગયા.’+ ૧૪ જો આ વાત રાજ્યપાલને કાને પડશે, તો અમે તેમને સમજાવી દઈશું.* તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” ૧૫ સૈનિકોએ ચાંદીના સિક્કા લીધા અને જેમ તેઓને કહેવામાં આવ્યું હતું એમ કર્યું. આ વાત આજ સુધી યહૂદીઓમાં ચારે બાજુ ફેલાયેલી છે.

૧૬ ઈસુએ જણાવ્યું હતું+ તેમ, ૧૧ શિષ્યો તેમને મળવા ગાલીલમાં પહાડ પર ગયા.+ ૧૭ જ્યારે શિષ્યોએ તેમને જોયા ત્યારે ઘૂંટણિયે પડ્યા, પણ અમુકે શંકા કરી. ૧૮ ઈસુએ તેઓની પાસે આવીને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.+ ૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ ૨૦ મેં તમને જે આજ્ઞાઓ આપી છે,+ એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”+

અથવા, “મસીહના; અભિષિક્ત કરેલાના.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “વંશાવળી.”

શબ્દસૂચિ જુઓ.

યહૂદી રિવાજ પ્રમાણે, સગાઈ તોડવા માટે છૂટાછેડા જરૂરી હતા.

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના મુખ્ય લખાણમાં ઈશ્વરનું નામ યહોવા ૨૩૭ વખત જોવા મળે છે, જેમાંનું આ પ્રથમ છે. વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, યેશુઆ અથવા યહોશુઆ, જેનો અર્થ થાય, “યહોવા ઉદ્ધાર છે.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મસીહનો; અભિષિક્ત કરેલાનો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “મિસર.”

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

એટલે કે, ખ્રિસ્ત.

કદાચ હિબ્રૂ શબ્દ “અંકુર” પરથી. શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ચંપલની દોરી છોડવાને.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “પાળી; સૌથી ઊંચી જગ્યા.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

બાઇબલમાં એને ગન્‍નેસરેત સરોવર અને તિબેરિયાસ સરોવર પણ કહેવામાં આવ્યું છે.

ગ્રીક, સિનેગોગ. શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

આને “ફેફરાંની બીમારી” કહેવાય છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જેઓ પવિત્ર શક્તિની ભીખ માંગે છે.”

અથવા, “જલદી ગુસ્સે થતા નથી.”

અથવા, “ન્યાયીપણા.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “સંતોષ પામશે.”

અથવા, “જેઓ હળી-મળીને રહે છે.”

મૂળ, “ધરતીનું.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “રાજ્યમાં જવા માટેની પસંદગીમાં નાનો ગણાશે.”

અથવા, “રાજ્યમાં જવા માટેની પસંદગીમાં મોટો ગણાશે.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એટલે કે, સાથી ઈશ્વરભક્ત.

અથવા, “યહૂદી ન્યાયસભાને.”

યરૂશાલેમની બહાર કચરો બાળવાની જગ્યા. શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “છેલ્લો ક્વોડ્રન્સ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “ઠોકર ખવડાવે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઠોકર ખવડાવે.”

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “દુષ્ટ.”

એટલે કે, વગર વ્યાજે ઉછીનું લેવું.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “ગરીબને દાન.” શબ્દસૂચિ જુઓ.

મૂળ, “રણશિંગડું ન વગાડો.”

અથવા, “પવિત્ર ગણાય.”

મૂળ, “દેવાદારોને.”

મૂળ, “દેવું.”

મૂળ, “અમને પરીક્ષણમાં ન લાવો.”

મૂળ, “દુષ્ટથી.”

અથવા, “છોડાવો.”

અથવા, “જેમ કરવાનું બંધ કરો.”

અથવા, “તેઓ પોતાના દેખાવ પર ધ્યાન આપતા નથી.”

અથવા, “જો તમારી આંખ ચોખ્ખી હશે.” મૂળ, “જો તમારી આંખ સાદી હશે.”

અથવા, “જો તમારી આંખ ઈર્ષાળુ હશે.”

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

અથવા, “એક હાથ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “ન્યાયીપણાને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એટલે કે, સાથી ઈશ્વરભક્ત.

છતને ટેકો આપતો લાકડાનો મોભ.

મૂળ, “ફળોથી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કોઢિયો.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મેજને અઢેલીને બેસશે.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, કાપરનાહુમ. ઈસુ ગાલીલમાં પ્રચાર કરતા ત્યારે ઘણી વાર એ શહેરમાં રોકાતા.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

સ્ત્રીઓને થતી લોહી વહેવાની બીમારી, જે લાંબા સમય સુધી ચાલે છે.

મૂળ, “ખાલ ઉખેડી નાખેલા.”

શબ્દસૂચિમાં “દુષ્ટ દૂતો” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

“પિતર” માટે પાંચ અલગ અલગ નામ વપરાયાં છે: અહીં “સિમોન જે પિતર કહેવાય છે;” માથ ૧૬:૧૬માં “સિમોન પિતર;” પ્રેકા ૧૫:૧૪માં “સિમઓન;” યોહ ૧:૪૨માં “કેફાસ;” માથ ૧૪:૨૮ની જેમ મોટા ભાગે “પિતર.”

નથાનિયેલ પણ કહેવાતો. યોહ ૧:૪૬; ૨૧:૨ જુઓ.

લેવી તરીકે પણ જાણીતો હતો. લૂક ૫:૨૭ જુઓ.

તે “યાકૂબનો દીકરો યહૂદા” પણ કહેવાતો. લૂક ૬:૧૬; યોહ ૧૪:૨૨; પ્રેકા ૧:૧૩ જુઓ.

અથવા, “ઉત્સાહી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કોઢિયાઓને.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “વધારાનું કપડું.”

એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારા નામને લીધે.”

અથવા, “ધીરજ રાખીને સહન કરે છે.”

શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “એક અસારિયન.” એ ૪૫ મિનિટના કામની મજૂરી હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “તલવાર ચલાવવા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કોઢિયા.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મુલાયમ.”

મૂળ, “પકડે છે.”

અથવા, “પરિણામોથી.”

એ યહૂદી શહેરો ન હતાં.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “વિસામો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જેને લકવો થયો હતો.”

શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “દુષ્ટ.”

ઘઉંના છોડ જેવો દેખાતો એક ઝેરી છોડ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

મૂળ, “દુષ્ટના.”

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

મૂળ, “પ્રાંતના ચોથા ભાગનો રાજ્યપાલ.”

એટલે કે, હેરોદ અંતિપાસ. શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ઘણાં સ્ટેડિયમ.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એટલે કે, સવારના આશરે ૩:૦૦ વાગ્યાથી ૬:૦૦ વાગ્યે સૂરજ ઊગે ત્યાં સુધી.

એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કરતા નથી.

અથવા, “નિંદા કરે છે.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કર્યા વગર.

અથવા, “કનાનની.”

અથવા, “બેવફા.”

ગ્રીકમાં આનો અર્થ થાય, “ખડક.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કબરની.” શબ્દસૂચિમાં “કબર” જુઓ.

અથવા, “ઠોકરરૂપ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સફેદ થયો.”

આને “ફેફરાંની બીમારી” કહેવાય છે.

વધારે માહિતી ક-૩ જુઓ.

મૂળ, “બે ડ્રાક્મા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

દેખીતું છે, અહીં દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.

મૂળ, “સ્ટેટર સિક્કો,” જે ચાર ડ્રાક્મા બરાબર હતો. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “ગધેડું ફેરવે એ પથ્થર.”

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૩ જુઓ.

અથવા કદાચ, “તમારા.”

એટલે કે, સાથી ઈશ્વરભક્ત.

મૂળ, “તેને ઠપકો આપ.”

મૂળ, “મોંથી.”

દેખીતું છે, આ મંડળના આગેવાનો સાથે વાત કરવાને બતાવે છે. પુન ૧૯:૧૬, ૧૭ સરખાવો.

દેખીતું છે, આ બિનયહૂદીની વાત કરે છે, જે સાચા ઈશ્વરમાં માનતો નથી.

અથવા, “સિત્તેર ગુણ્યા સાત વાર.”

ચાંદીના ૧૦,૦૦૦ તાલંત ૬ કરોડ દીનાર બરાબર હતા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જેઓને એ ભેટ મળી છે.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “નપુંસક રહે છે.”

મૂળ, “તેઓ પર હાથ મૂકે.”

એટલે કે, તે જ નક્કી કરે છે કે શું સારું છે.

અથવા, “ખામી વગરનો.”

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “આશરે ત્રીજા કલાકે.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

મૂળ, “આશરે છઠ્ઠા કલાકે.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

મૂળ, “આશરે નવમા કલાકે.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

મૂળ, “આશરે અગિયારમા કલાકે.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “હું ઉદાર છું એટલે તારી આંખ દુષ્ટ છે?”

“પ્યાલો,” ઈશ્વરની નિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને રજૂ કરે છે.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “સ્વર્ગથી.”

અથવા, “ન્યાયી માર્ગ.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “ફળ આપે છે.”

મૂળ, “આખલા.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કાઈસારને.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

દેખીતું છે, અહીં દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

નાની ડબ્બીઓ જેઓમાં નિયમશાસ્ત્રના ચાર ભાગ મૂકવામાં આવતા. યહૂદી પુરુષો રક્ષણ મેળવવા એને પોતાનાં કપાળ અને ડાબા હાથ પર પહેરતા.

અથવા, “સૌથી સારી.”

હિબ્રૂ, રાબ્બી.

હિબ્રૂ, રાબ્બી.

ઈસુ અહીં પુરુષોને લાગુ પડતા ધાર્મિક ખિતાબ “પિતા” વિશે ઉલ્લેખ કરતા હતા. જેમ કે, અંગ્રેજીમાં ફાધર.

વધારે માહિતી ક-૩ જુઓ.

અથવા, “ધર્મ બદલાવવા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “લૂંટ.”

શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

અથવા કદાચ, “તમારા માટે ઉજ્જડ કર્યું છે.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “પ્રસૂતિની પીડા જેવા દુઃખની.”

મૂળ, “મારા નામને લીધે.”

અથવા, “ધીરજ રાખીને સહન કરે છે.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

ગરુડની અમુક જાત મડદાં ખાય છે.

મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

સામાન્ય રીતે “પેઢી” એટલે કે કોઈ એક સમયગાળામાં જીવતા અલગ અલગ ઉંમરના લોકો.

શબ્દસૂચિ જુઓ.

દેખીતું છે, નૂહનું વહાણ લંબચોરસ પેટી જેવું હતું, જેનું તળિયું સપાટ હતું.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “રાતે કયા સમયે.”

અથવા, “શાણો.”

અથવા, “બુદ્ધિમાન.”

એક ગ્રીક તાલંત એટલે ૨૦.૪ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “ચાંદી.”

મૂળ, “ચાંદી.”

આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ ફક્ત નગ્‍ન હોવું થતો નથી. એનો અર્થ અંદરનાં કપડાં પહેરેલાં હોવાં પણ થઈ શકે છે.

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

મૂળ, “કાપી નંખાશે.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કાવતરાથી.”

અથવા, “કોઢિયો.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, રાબ્બી.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભજનો.”

મૂળ, “તમે બધા ઠોકર ખાશો.”

અથવા, “આતુર.”

હિબ્રૂ, રાબ્બી.

અથવા, “શાસ્ત્રવચનોમાં લખેલું.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ઈશ્વરના જીવના સમ.”

અથવા, “તારા ઉચ્ચારથી.”

આ શબ્દો ઝખા ૧૧:૧૨, ૧૩ને આધારે છે. માથ્થીના સમયમાં યર્મિયાનું પુસ્તક ભવિષ્યવાણીનાં પુસ્તકોમાં પહેલું હતું. “યર્મિયા” નામ ભવિષ્યવાણીનાં બધાં પુસ્તકોને લાગુ પડતું હોય શકે, જેમાં ઝખાર્યાનું પુસ્તક પણ આવી જાય છે. લૂક ૨૪:૪૪ સરખાવો.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “જય હો.”

દેખીતું છે, એ વનસ્પતિમાંથી બનેલો કડવો નશીલો પદાર્થ હતો.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “છઠ્ઠા કલાકથી.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

મૂળ, “નવમા કલાક.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

અથવા, “સ્પંજ.”

અથવા, “છેલ્લો શ્વાસ લીધો.”

દેખીતું છે, તેઓએ જે જોયું એનો અહેવાલ આપવા આવ્યા.

શબ્દસૂચિ જુઓ.

આ દિવસને આપણે રવિવાર કહીએ છીએ. યહૂદીઓ માટે એ અઠવાડિયાનો પહેલો દિવસ હતો.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “કારણ આપીને મનાવીશું.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો