વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt યોહાન ૧:૧-૨૧:૨૫
  • યોહાન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યોહાન
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યોહાન

યોહાને લખેલી ખુશખબર

૧ સૃષ્ટિ ઉત્પન્‍ન કરવામાં આવી એ પહેલાં, શરૂઆતમાં શબ્દ* હતો.+ શબ્દ ઈશ્વર સાથે હતો+ અને શબ્દ ઈશ્વર જેવો હતો.+ ૨ તે શરૂઆતમાં ઈશ્વરની સાથે હતો. ૩ બધું જ તેના દ્વારા ઉત્પન્‍ન કરવામાં આવ્યું+ અને એવું કંઈ જ ન હતું જે તેના વગર ઉત્પન્‍ન કરવામાં આવ્યું હોય.

૪ તેના દ્વારા જીવન અસ્તિત્વમાં આવ્યું. એ જીવન મનુષ્યો માટે પ્રકાશ હતું.+ ૫ અંધકારમાં એ પ્રકાશ ઝળહળે છે,+ પણ અંધકાર એને હોલવી શક્યો નથી.

૬ ઈશ્વરે એક માણસને મોકલ્યો, જેનું નામ યોહાન હતું.+ ૭ આ માણસ એક સાક્ષી તરીકે આવ્યો, જેથી પ્રકાશ વિશે તે સાક્ષી આપે+ અને બધા પ્રકારના લોકો તેના દ્વારા ભરોસો મૂકે. ૮ તે પોતે પ્રકાશ ન હતો,+ પણ પ્રકાશ વિશે તેણે સાક્ષી આપવાની હતી.

૯ સાચો પ્રકાશ દુનિયામાં હજુ આવવાનો હતો. એવો પ્રકાશ જે દરેકને અજવાળું આપે.+ ૧૦ શબ્દ દુનિયામાં હતો+ અને દુનિયા તેના દ્વારા ઉત્પન્‍ન થઈ.+ પણ દુનિયા તેને ઓળખતી ન હતી. ૧૧ તે પોતાના ઘરે આવ્યો, પણ તેના પોતાના લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ. ૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+ ૧૩ તેઓનો જન્મ માબાપની કે પોતાની* કે માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી થયો હતો.+

૧૪ આ રીતે શબ્દ મનુષ્ય બન્યો+ અને આપણી વચ્ચે રહ્યો. આપણે તેનું ગૌરવ જોયું, એવું ગૌરવ જે પિતા પાસેથી એકના એક દીકરાને*+ મળે છે. તે ઈશ્વરની કૃપાથી* અને સત્યથી ભરપૂર હતા. ૧૫ (યોહાને તેમના વિશે સાક્ષી આપી. તે પોકારી ઊઠ્યો: “આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું, ‘મારા પછી આવનાર મારાથી મહાન છે, કારણ કે તે મારા પહેલાંથી જીવે છે.’”)+ ૧૬ તે અપાર કૃપા અને સત્યથી ભરપૂર છે. એટલે આપણે બધાએ તેમની પાસેથી પુષ્કળ અપાર કૃપા મેળવી છે. ૧૭ મૂસા દ્વારા નિયમશાસ્ત્ર* આપવામાં આવ્યું હતું,+ પણ ઈસુ ખ્રિસ્ત* દ્વારા અપાર કૃપા+ અને સત્ય આપવામાં આવ્યાં.+ ૧૮ કોઈ માણસે ઈશ્વરને કદી પણ જોયા નથી.+ પણ એકના એક દીકરા,+ જે ઈશ્વર જેવા છે* અને જે પિતાની બાજુમાં છે,*+ તેમણે ઈશ્વર વિશે સમજણ આપી છે.+

૧૯ યરૂશાલેમથી યહૂદીઓએ યાજકો* અને લેવીઓને મોકલીને યોહાનને પુછાવ્યું, “તું કોણ છે?”+ ૨૦ યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પણ કબૂલ કર્યું કે “હું ખ્રિસ્ત નથી.” ૨૧ તેઓએ પૂછ્યું: “તો પછી શું તું એલિયા છે?”+ તેણે કહ્યું: “હું તે નથી.” “શું તું પ્રબોધક* છે?”+ તેણે જવાબ આપ્યો: “ના!” ૨૨ એટલે તેઓએ પૂછ્યું: “તું છે કોણ? અમને કહે, જેથી અમને મોકલનારાઓને અમે જવાબ આપી શકીએ. તારે પોતાના વિશે શું કહેવું છે?” ૨૩ તેણે કહ્યું: “હું એ જ છું જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું+ કે વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ સીધો કરો.’”+ ૨૪ જેઓ ત્યાં આવ્યા હતા, તેઓને ફરોશીઓએ* મોકલ્યા હતા. ૨૫ તેઓએ તેને સવાલ પૂછ્યો: “જો તું ખ્રિસ્ત કે એલિયા કે પ્રબોધક નથી, તો તું કેમ બાપ્તિસ્મા* આપે છે?” ૨૬ યોહાને જવાબ આપ્યો: “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. તમારી વચ્ચે એક માણસ ઊભા છે, જેમને તમે ઓળખતા નથી. ૨૭ મારા પછી જે આવે છે, તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.”+ ૨૮ આ બધું યર્દન પાર બેથનિયામાં બન્યું, જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો.+

૨૯ બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતા જોયા. તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું,*+ જે દુનિયાનું+ પાપ દૂર કરે છે!+ ૩૦ આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું: ‘મારા પછી એક માણસ આવે છે. તે મારાથી મહાન છે, કારણ કે મારા પહેલાંથી તે જીવે છે.’+ ૩૧ ભલે હું તેમને ઓળખતો ન હતો, પણ તે ઇઝરાયેલ આગળ જાહેર થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.”+ ૩૨ યોહાને આમ કહીને પણ સાક્ષી આપી: “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ* ઊતરતી જોઈ અને એ તેમના પર રહી.+ ૩૩ હું તેમને ઓળખતો ન હતો. પણ પાણીથી બાપ્તિસ્મા આપવા માટે મને મોકલનારે કહ્યું હતું: ‘તું જેના પર પવિત્ર શક્તિ ઊતરતી અને રહેતી જુએ,+ તે જ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપનાર છે.’+ ૩૪ મેં એ જોયું છે અને મેં એવી સાક્ષી આપી છે કે તે જ ઈશ્વરના દીકરા છે.”+

૩૫ બીજા દિવસે ફરીથી યોહાન પોતાના બે શિષ્યો સાથે ઊભો હતો. ૩૬ ઈસુને ત્યાંથી પસાર થતા જોઈને તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું!”+ ૩૭ તેની વાત સાંભળીને એ બે શિષ્યો ઈસુની પાછળ પાછળ ગયા. ૩૮ ઈસુએ ફરીને જોયું તો તેઓ પાછળ આવતા હતા. એટલે તેમણે પૂછ્યું: “તમારે શું જોઈએ છે?” તેઓએ કહ્યું: “રાબ્બી (જેનો અર્થ થાય, “ગુરુજી”), તમે ક્યાં રહો છો?” ૩૯ તેમણે કહ્યું: “તમે પોતે આવીને જુઓ.” એટલે તેઓ ગયા અને જોયું કે તે ક્યાં રહે છે. તેઓ એ દિવસે તેમની સાથે રોકાયા. ત્યારે સાંજના આશરે ચાર વાગ્યા હતા.* ૪૦ યોહાનનું કહેવું સાંભળીને ઈસુની પાછળ જનારા બે શિષ્યોમાંથી એક આંદ્રિયા+ હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો.૪૧ પહેલા તે પોતાના ભાઈ સિમોનને મળ્યો અને કહ્યું: “અમને મસીહ*+ મળ્યા છે!” (જેનો અર્થ થાય, “ખ્રિસ્ત.”) ૪૨ આંદ્રિયા તેને ઈસુ પાસે લઈ ગયો. ઈસુએ તેને જોઈને કહ્યું: “તું યોહાનનો દીકરો સિમોન+ છે. તું કેફાસ (ગ્રીક, “પિતર”) કહેવાશે.”*+

૪૩ બીજા દિવસે ઈસુ ગાલીલ જવા માંગતા હતા. તે ફિલિપને+ મળ્યા ત્યારે તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.” ૪૪ ફિલિપ બેથસૈદા શહેરનો હતો, આંદ્રિયા અને પિતર પણ ત્યાંના હતા. ૪૫ ફિલિપ નથાનિયેલને+ મળ્યો અને કહ્યું: “મૂસાના નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં લખાણોમાં જેમના વિશે લખવામાં આવ્યું છે, તે અમને મળ્યા છે. તે નાઝરેથના ઈસુ, યૂસફના+ દીકરા છે.” ૪૬ પણ નથાનિયેલે કહ્યું: “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?” ફિલિપે તેને કહ્યું: “તું પોતે આવીને જો.” ૪૭ ઈસુએ નથાનિયેલને પોતાની તરફ આવતો જોયો. તેમણે તેના વિશે કહ્યું: “જુઓ! એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.”+ ૪૮ નથાનિયેલે તેમને પૂછ્યું: “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ જવાબ આપ્યો: “ફિલિપે તને બોલાવ્યો એ પહેલાં તું અંજીરના ઝાડ નીચે હતો ત્યારે મેં તને જોયો હતો.” ૪૯ નથાનિયેલ બોલી ઊઠ્યો: “ગુરુજી,* તમે ઈશ્વરના દીકરા છો, તમે ઇઝરાયેલના રાજા છો!”+ ૫૦ ઈસુએ કહ્યું: “મેં તને અંજીરના ઝાડ નીચે જોયો હતો, એવું મેં કહ્યું એટલે તું મારામાં ભરોસો મૂકે છે? તું આના કરતાં પણ ઘણાં મોટાં કામ જોશે.” ૫૧ પછી ઈસુએ કહ્યું: “હું તમને બધાને સાચે જ કહું છું કે તમે સ્વર્ગ ખૂલી ગયેલું અને ઈશ્વરના દૂતોને* માણસના દીકરાની* પાસે ઊતરતા અને ચઢતા જોશો.”+

૨ પછી ત્રીજા દિવસે ગાલીલના કાના ગામમાં લગ્‍નની મિજબાની હતી. ઈસુની મા ત્યાં હતી. ૨ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્‍નની મિજબાનીમાં બોલાવવામાં આવ્યા હતા.

૩ દ્રાક્ષદારૂ ખૂટી ગયો ત્યારે, ઈસુની માએ તેમને કહ્યું: “તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.” ૪ પણ ઈસુએ કહ્યું: “આપણે શા માટે ચિંતા કરીએ?* હજુ મારો સમય આવ્યો નથી.” ૫ ઈસુની માએ ચાકરોને કહ્યું: “તે જે કંઈ કહે એ કરજો.” ૬ ત્યાં પાણી માટે પથ્થરની છ કોઠીઓ હતી, જે યહૂદી નિયમો પ્રમાણે તેઓને શુદ્ધ થવા માટે હતી.+ એ દરેકમાં આશરે ૪૪થી ૬૬ લિટર* પાણી ભરી શકાતું. ૭ ઈસુએ તેઓને કહ્યું: “કોઠીઓ પાણીથી ભરી દો.” એટલે તેઓએ કોઠીઓ છલોછલ ભરી દીધી. ૮ પછી તેમણે તેઓને કહ્યું: “હવે એમાંથી થોડું કાઢીને મિજબાનીના કારભારી પાસે લઈ જાઓ.” એટલે તેઓ એ લઈ ગયા. ૯ મિજબાનીના કારભારીએ પાણી ચાખ્યું, જે હવે દ્રાક્ષદારૂ બની ગયું હતું. તેને ખબર ન હતી કે એ ક્યાંથી આવ્યું છે (પણ પાણી કાઢી લાવનારા ચાકરો એ જાણતા હતા). મિજબાનીના કારભારીએ વરરાજાને બોલાવ્યો. ૧૦ કારભારીએ કહ્યું: “લોકો સારો દ્રાક્ષદારૂ પહેલા આપે છે અને બધા પીધેલા થાય પછી હલકા પ્રકારનો દ્રાક્ષદારૂ આપે છે. તેં તો એકદમ સારો દ્રાક્ષદારૂ હમણાં સુધી રાખી મૂક્યો છે.” ૧૧ આ રીતે ઈસુએ પોતાના ચમત્કારોની શરૂઆત ગાલીલના કાના ગામમાં કરી અને પોતાની શક્તિ બતાવી.+ તેમના શિષ્યોએ તેમનામાં શ્રદ્ધા મૂકી.

૧૨ એ પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ+ અને તેમના શિષ્યો કાપરનાહુમ ગયા.+ પણ તેઓ ત્યાં બહુ દિવસો રોકાયા નહિ.

૧૩ યહૂદીઓનો પાસ્ખાનો* તહેવાર+ નજીક હતો અને ઈસુ યરૂશાલેમ ગયા. ૧૪ મંદિરમાં તેમણે ઢોર, ઘેટાં અને કબૂતર વેચનારા જોયા.+ તેમણે ત્યાં નાણાં બદલનારાઓને બેઠકો પર બેઠેલા જોયા. ૧૫ તેમણે દોરડાંનો ચાબુક બનાવીને વેપારીઓને તેઓનાં ઘેટાં અને ઢોરની સાથે મંદિરમાંથી બહાર કાઢી મૂક્યા. તેમણે નાણાં બદલનારાઓના સિક્કા વેરી નાખ્યા અને તેઓની મેજો ઊથલાવી નાખી.+ ૧૬ તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર* ન બનાવો!”+ ૧૭ તેમના શિષ્યોને યાદ આવ્યું કે આમ લખેલું છે: “તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.”+

૧૮ એ જોઈને યહૂદીઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે, એની કોઈ નિશાની બતાવ.”+ ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “આ મંદિર તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરીશ.”+ ૨૦ યહૂદીઓએ કહ્યું: “આ મંદિરને બાંધતા ૪૬ વર્ષ લાગ્યાં હતાં અને શું તું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ?” ૨૧ પણ તે મંદિર કહીને પોતાના શરીરની વાત કરતા હતા.+ ૨૨ ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોને યાદ આવ્યું કે એ વિશે તેમણે અનેક વાર કહ્યું હતું.+ તેઓએ શાસ્ત્રવચનમાં અને ઈસુએ જે કહ્યું હતું એમાં વિશ્વાસ કર્યો.

૨૩ પાસ્ખાના તહેવારના સમયે ઈસુ યરૂશાલેમમાં હતા. તેમના ચમત્કારો જોઈને ઘણા લોકોએ તેમના નામમાં શ્રદ્ધા મૂકી. ૨૪ પણ ઈસુએ તેઓ પર વધારે પડતો ભરોસો મૂક્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા. ૨૫ કોઈ તેમને લોકોના વિચારો જણાવે એની તેમને જરૂર ન હતી, કેમ કે તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.+

૩ નિકોદેમસ+ નામનો એક ફરોશી હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. ૨ રાતના સમયે તે ઈસુ પાસે આવ્યો+ અને કહ્યું: “ગુરુજી,*+ અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા શિક્ષક છો. જો કોઈ માણસ સાથે ઈશ્વર ન હોય,+ તો તમે કરો છો એવા ચમત્કારો કરી ન શકે.”+ ૩ ઈસુએ તેને કહ્યું: “હું તને સાચે જ કહું છું કે જો કોઈ ફરીથી જન્મ ન લે,*+ તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી.”+ ૪ નિકોદેમસે પૂછ્યું: “માણસ મોટો થયા પછી કઈ રીતે ફરીથી જન્મી શકે? તે કઈ રીતે પોતાની માના ગર્ભમાં જાય અને બીજી વાર જન્મ લે?” ૫ ઈસુએ જવાબ આપ્યો: “હું તને સાચે જ કહું છું કે પાણી+ અને પવિત્ર શક્તિથી*+ જન્મ લીધા વગર કોઈ માણસ ઈશ્વરના રાજ્યમાં જઈ શકતો નથી. ૬ જે મનુષ્યથી જન્મે છે તે મનુષ્યનો દીકરો છે અને જે પવિત્ર શક્તિથી જન્મે છે તે ઈશ્વરનો દીકરો છે. ૭ મારી આ વાતથી નવાઈ ન પામ કે તમારે બધાએ ફરીથી જન્મ લેવો પડશે. ૮ પવન જ્યાં ચાહે ત્યાં વાય છે અને તું એનો અવાજ સાંભળે છે. પણ એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એની તને ખબર નથી. પવિત્ર શક્તિથી જે જન્મે છે, એ દરેક વિશે પણ એવું જ છે.”+

૯ નિકોદેમસે પૂછ્યું, “એવું કઈ રીતે બની શકે?” ૧૦ ઈસુએ કહ્યું: “તું ઇઝરાયેલનો શિક્ષક છે તોપણ તને એ ખબર નથી? ૧૧ હું તને સાચે જ કહું છું કે અમે જે જાણીએ છીએ એ કહીએ છીએ અને અમે જે જોયું છે એની સાક્ષી આપીએ છીએ. પણ તમે લોકો અમારી સાક્ષી સ્વીકારતા નથી. ૧૨ મેં તમને પૃથ્વીની વાતો જણાવી અને તમે માનતા નથી, તો પછી હું સ્વર્ગની વાતો જણાવું તો તમે કઈ રીતે માનશો? ૧૩ માણસનો દીકરો સ્વર્ગમાંથી ઊતર્યો છે,+ એના સિવાય કોઈ માણસ સ્વર્ગમાં ચઢ્યો નથી.+ ૧૪ જેમ મૂસાએ વેરાન પ્રદેશમાં સાપને ઊંચો કર્યો,+ તેમ માણસનો દીકરો પણ ઊંચો કરાશે.+ ૧૫ એ માટે કે જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે, તેને હંમેશ માટેનું જીવન મળે.+

૧૬ “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો,+ જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.+ ૧૭ ઈશ્વરે પોતાના દીકરાને દુનિયાનો ન્યાય કરવા નહિ, પણ તેના દ્વારા દુનિયાનો ઉદ્ધાર થાય એ માટે મોકલ્યો છે.+ ૧૮ દીકરામાં જે કોઈ શ્રદ્ધા મૂકે છે, તે દોષિત ઠરશે નહિ.+ જે કોઈ શ્રદ્ધા મૂકતો નથી, તે દોષિત ઠરી ચૂક્યો છે, કારણ કે તેણે ઈશ્વરના એકના એક દીકરાના નામમાં શ્રદ્ધા મૂકી નથી.+ ૧૯ દોષિત ઠરાવવાનું કારણ આ છે: દુનિયામાં પ્રકાશ આવ્યો,+ પણ માણસોએ પ્રકાશને બદલે અંધકાર પર પ્રેમ રાખ્યો, કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. ૨૦ જે કોઈ દુષ્ટ કામો કરતો રહે છે, તે પ્રકાશને ધિક્કારે છે. તે પ્રકાશમાં આવતો નથી, જેથી તેનાં કામો ખુલ્લાં પડી ન જાય. ૨૧ પણ જે સારાં કામો કરે છે તે પ્રકાશમાં આવે છે,+ જેથી સાબિત થાય કે તેનાં કામો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે છે.”

૨૨ એ પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાનાં ગામોમાં ગયા. ત્યાં તે પોતાના શિષ્યો સાથે રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપ્યું.+ ૨૩ યોહાન પણ શાલીમ પાસેના એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કારણ કે ત્યાં ઘણું પાણી હતું.+ લોકો ત્યાં આવતા હતા અને બાપ્તિસ્મા લેતા હતા.+ ૨૪ એ સમય સુધી યોહાનને કેદખાનામાં નાખવામાં આવ્યો ન હતો.+

૨૫ શુદ્ધ થવાના રિવાજ વિશે એકવાર યોહાનના શિષ્યોની એક યહૂદી સાથે તકરાર થઈ. ૨૬ પછી તેઓ યોહાન પાસે આવ્યા અને કહ્યું: “ગુરુજી,* શું તમને યાદ છે, યર્દનની પેલે પાર તમારી સાથે એક માણસ હતા અને તેમના વિશે તમે સાક્ષી આપી હતી?+ જુઓ, તે બાપ્તિસ્મા આપે છે અને બધા તેમની પાસે જાય છે.” ૨૭ યોહાને કહ્યું: “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ માણસ કશું જ મેળવી શકતો નથી. ૨૮ તમે પોતે આ વાતના સાક્ષી છો કે મેં આમ કહ્યું હતું: ‘હું ખ્રિસ્ત નથી,+ પણ મને તેમની અગાઉ મોકલવામાં આવ્યો છે.’+ ૨૯ જેની પાસે કન્યા છે એ વરરાજા છે.+ પણ વરરાજાનો મિત્ર પાસે ઊભો રહીને વરરાજાની વાત સાંભળે છે ત્યારે ઘણો ખુશ થાય છે. એ જ રીતે, મારો આનંદ પણ સંપૂર્ણ થયો છે. ૩૦ એ જરૂરી છે કે તેમનું સેવાકાર્ય વધતું જાય, પણ મારું સેવાકાર્ય ઘટતું જાય.”

૩૧ જે સ્વર્ગમાંથી આવે છે,+ તેમને બધા પર અધિકાર છે. જે પૃથ્વી પરથી છે, તે પૃથ્વીનો છે અને પૃથ્વીની વાતો કરે છે. જે ઉપરથી આવે છે, તેમને બધા પર અધિકાર છે.+ ૩૨ તેમણે જે જોયું છે અને સાંભળ્યું છે, એની તે સાક્ષી આપે છે.+ પણ કોઈ માણસ તેમની સાક્ષી સ્વીકારતો નથી.+ ૩૩ જે કોઈએ તેમની સાક્ષી સ્વીકારી છે, તેણે આ વાત પર પોતાની મહોર* લગાવી છે* કે ઈશ્વર સાચા છે.+ ૩૪ ઈશ્વરે જેમને મોકલ્યા છે તે ઈશ્વરની વાતો કહે છે,+ કેમ કે ઈશ્વર પોતાની શક્તિ માપી માપીને* આપતા નથી. ૩૫ પિતા દીકરાને પ્રેમ કરે છે+ અને તેમણે બધું તેમના હાથમાં સોંપી દીધું છે.+ ૩૬ દીકરામાં જે શ્રદ્ધા મૂકે છે તે હંમેશ માટેનું જીવન મેળવશે.+ દીકરાનું કહેવું જે માનતો નથી તેને જીવન મળશે નહિ,+ પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.+

૪ ઈસુને* જાણ થઈ કે ફરોશીઓએ આ વાત સાંભળી છે: યોહાન કરતાં ઈસુ વધારે શિષ્યો બનાવે છે અને બાપ્તિસ્મા આપે છે.+ ૨ (ખરું કે ઈસુ પોતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા.) ૩ એટલે તે યહૂદિયા છોડીને પાછા ગાલીલ જવા નીકળી ગયા. ૪ તેમના માટે જરૂરી હતું કે તે સમરૂન થઈને જાય. ૫ તેથી તે સમરૂનમાં સૂખાર નામના શહેર પહોંચ્યા. આ શહેર યાકૂબે પોતાના દીકરા યૂસફને+ આપેલા ખેતર પાસે હતું. ૬ ત્યાં યાકૂબનો કૂવો હતો.+ ઈસુ મુસાફરી કરીને એટલા થાકી ગયા હતા કે કૂવા* પાસે આવીને બેઠા. એ વખતે બપોરના આશરે ૧૨ વાગ્યા હતા.*

૭ એક સમરૂની* સ્ત્રી ત્યાં પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું: “મને પાણી આપ.” ૮ (તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવા શહેરમાં ગયા હતા.) ૯ સમરૂની સ્ત્રીએ તેમને પૂછ્યું: “હું તો સમરૂની છું, તો પછી તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગો છો?” (સમરૂનીઓ સાથે યહૂદીઓ કોઈ વહેવાર રાખતા ન હતા.)+ ૧૦ ઈસુએ તેને કહ્યું: “ઈશ્વરની ભેટ+ શું છે અને ‘મને પાણી આપ’ એવું કહેનાર કોણ છે, એ તું જાણતી નથી. જો તું જાણતી હોત, તો તેની પાસેથી તેં પાણી માંગ્યું હોત અને તેણે તને જીવનનું* પાણી આપ્યું હોત.”+ ૧૧ સ્ત્રીએ કહ્યું: “સાહેબ, તમારી પાસે પાણી કાઢવાનું કોઈ વાસણ નથી અને કૂવો ઘણો ઊંડો છે. તો પછી તમારી પાસે જીવનનું પાણી ક્યાંથી આવ્યું? ૧૨ અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેમણે, તેમના દીકરાઓએ અને તેમનાં ઢોરઢાંકે આમાંથી પાણી પીધું. શું તમે અમારા એ પૂર્વજ કરતાં પણ મહાન છો?” ૧૩ ઈસુએ કહ્યું: “આ પાણી જે પીએ છે, તેને ફરીથી તરસ લાગશે. ૧૪ પણ હું જે પાણી આપીશ, એ પીનારને ફરી કદી તરસ લાગશે નહિ.+ હું જે પાણી આપીશ, એ તેનામાં ઝરણાની જેમ વહેતું રહેશે. એ પાણી હંમેશ માટેનું જીવન આપે છે.”+ ૧૫ સ્ત્રીએ કહ્યું: “સાહેબ, મને એ પાણી આપો, જેથી મને તરસ ન લાગે. મારે વારંવાર આ જગ્યાએ પાણી ભરવા આવવું ન પડે.”

૧૬ તેમણે કહ્યું: “જા, તારા પતિને અહીં બોલાવી લાવ.” ૧૭ સ્ત્રીએ કહ્યું: “મારો પતિ નથી.” ઈસુએ કહ્યું, “તું સાચું કહે છે કે ‘મારો પતિ નથી.’ ૧૮ તારા પાંચ પતિ હતા અને જે માણસ સાથે તું હમણાં રહે છે, એ તારો પતિ નથી. તું આ વિશે સાચું બોલી છે.” ૧૯ સ્ત્રીએ કહ્યું: “સાહેબ, મને લાગે છે કે તમે પ્રબોધક છો.+ ૨૦ અમારા બાપદાદાઓ આ પહાડ પર ભક્તિ કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે લોકોએ યરૂશાલેમમાં જ ભક્તિ કરવી જોઈએ.”+ ૨૧ ઈસુએ કહ્યું: “બહેન, મારું કહેવું માન. એવો સમય આવે છે જ્યારે તમે પિતાની ભક્તિ આ પહાડ પર કે યરૂશાલેમમાં નહિ કરો. ૨૨ તમે જ્ઞાન વગર ભક્તિ કરો છો.+ અમે જ્ઞાન સાથે ભક્તિ કરીએ છીએ, કારણ કે ઉદ્ધારનું જ્ઞાન યહૂદીઓને પ્રથમ મળ્યું હતું.+ ૨૩ એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે કે જ્યારે સાચા ભક્તો પિતાની ભક્તિ પવિત્ર શક્તિથી* અને સચ્ચાઈથી કરશે. ખરેખર, પિતા એવા જ ભક્તો શોધે છે.+ ૨૪ ઈશ્વર અદૃશ્ય છે+ અને તેમની ભક્તિ કરનારા લોકોએ પવિત્ર શક્તિથી* અને સચ્ચાઈથી ભક્તિ કરવી જોઈએ.”+ ૨૫ સ્ત્રીએ કહ્યું: “હું જાણું છું કે મસીહ* આવનાર છે, જે ખ્રિસ્ત કહેવાય છે. તે જ્યારે આવશે ત્યારે અમને બધી વાતો સારી રીતે જણાવશે.” ૨૬ ઈસુએ તેને કહ્યું: “હું એ જ છું.”+

૨૭ એવામાં તેમના શિષ્યો પાછા આવ્યા. ઈસુને એક સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓને નવાઈ લાગી. તોપણ કોઈએ પૂછ્યું નહિ કે “શું થયું?” અથવા “તમે કેમ એ સ્ત્રી સાથે વાત કરો છો?” ૨૮ પેલી સ્ત્રી પાણી ભરવાનો ઘડો મૂકીને શહેરમાં ગઈ અને લોકોને જણાવ્યું: ૨૯ “આવો અને એ માણસને મળો, જેમણે મારાં બધાં કામો વિશે મને જણાવ્યું છે. શું તે ખ્રિસ્ત તો નથી ને?” ૩૦ તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે આવવા લાગ્યા.

૩૧ એ સમય દરમિયાન શિષ્યો તેમને અરજ કરતા હતા: “ગુરુજી,*+ ખાઈ લો.” ૩૨ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાસે ખાવાનું છે, જેના વિશે તમે નથી જાણતા.” ૩૩ એટલે શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા: “તેમના માટે કોણ ખાવાનું લાવ્યું હશે?” ૩૪ ઈસુએ કહ્યું: “મને મોકલનારની ઇચ્છા પૂરી કરવી+ અને તેમનું કામ પૂરું કરવું,+ એ જ મારો ખોરાક છે. ૩૫ શું તમે એમ નથી કહેતા કે કાપણીના સમયને તો હજુ ચાર મહિના બાકી છે? હું તમને કહું છું કે તમારી નજર ઉઠાવીને ખેતરો જુઓ. એ ખેતરો કાપણી માટે તૈયાર છે!+ ૩૬ કાપનાર પોતાની મજૂરી મેળવે છે અને હંમેશ માટેના જીવનનાં ફળ ભેગાં કરે છે, જેથી વાવનાર અને કાપનાર બંને ભેગા મળીને ખુશી મનાવે.+ ૩૭ એ રીતે આ કહેવત સાચી પડે છે: વાવે કોઈ અને લણે કોઈ. ૩૮ તમે જેના માટે મહેનત કરી નથી એની કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ સખત મહેનત કરી છે અને તેઓની મહેનતનાં ફળ તમે મેળવો છો.”

૩૯ એ શહેરના ઘણા સમરૂનીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી, કારણ કે પેલી સ્ત્રીએ સાક્ષી આપી હતી: “તેમણે મારાં બધાં કામો વિશે મને જણાવ્યું છે.”+ ૪૦ એટલે સમરૂનીઓ ઈસુની પાસે આવ્યા અને તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. તે ત્યાં બે દિવસ રોકાયા. ૪૧ તેમની વાતો સાંભળીને બીજા ઘણાએ શ્રદ્ધા મૂકી. ૪૨ તેઓએ સ્ત્રીને કહ્યું: “અમે ફક્ત તારા કહેવાથી જ માનતા નથી, કેમ કે અમે પોતે સાંભળ્યું છે. હવે અમને ખાતરી થઈ છે કે આ માણસ સાચે જ દુનિયાનો ઉદ્ધાર કરનાર છે.”+

૪૩ બે દિવસ પછી તે ત્યાંથી ગાલીલ જવા નીકળી ગયા. ૪૪ ઈસુએ પોતે સાક્ષી આપી હતી કે પ્રબોધકને પોતાના વતનમાં માન મળતું નથી.+ ૪૫ તે ગાલીલ આવ્યા ત્યારે ગાલીલના લોકોએ તેમનો આવકાર કર્યો, કારણ કે તેઓ યરૂશાલેમના તહેવારમાં+ ગયા હોવાથી ઈસુના બધા ચમત્કારો જોયા હતા.+

૪૬ તે ગાલીલના કાના ગામમાં ફરીથી આવ્યા, જ્યાં તેમણે પાણીને દ્રાક્ષદારૂમાં બદલી નાખ્યું હતું.+ ત્યાં રાજાનો એક અધિકારી હતો, જેનો દીકરો કાપરનાહુમમાં બીમાર હતો. ૪૭ જ્યારે એ અધિકારીએ સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલ આવ્યા છે, ત્યારે તે તેમની પાસે ગયો. તેણે ઈસુને વિનંતી કરી કે તેની સાથે જઈને તેના દીકરાને સાજો કરે, કેમ કે તેનો દીકરો મરવાની અણીએ હતો. ૪૮ પણ ઈસુએ તેને કહ્યું: “તમે લોકો નિશાનીઓ અને ચમત્કારો જુઓ નહિ ત્યાં સુધી માનવાના નથી.”+ ૪૯ રાજાના અધિકારીએ તેમને કહ્યું: “માલિક, મારું બાળક મરણ પામે એ પહેલાં મારી સાથે ચાલો.” ૫૦ ઈસુએ કહ્યું: “તું તારા માર્ગે જા, તારો દીકરો જીવે છે.”+ એ માણસે ઈસુની વાત પર ભરોસો મૂક્યો અને ચાલ્યો ગયો. ૫૧ તે હજુ રસ્તામાં હતો ત્યારે તેના ચાકરોએ સામે મળીને કહ્યું કે તેનો દીકરો જીવે છે.* ૫૨ તેણે પૂછ્યું કે તે ક્યારે સાજો થયો. તેઓએ કહ્યું: “ગઈ કાલે બપોરે આશરે એક વાગ્યે* તેનો તાવ ઊતરી ગયો.” ૫૩ એટલે પિતાને ખબર પડી કે આ એ જ ઘડીએ બન્યું, જ્યારે ઈસુએ કહ્યું હતું: “તારો દીકરો જીવે છે.”+ તેણે અને તેના ઘરના બધાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી. ૫૪ યહૂદિયાથી ગાલીલ આવીને ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.+

૫ એ પછી યહૂદીઓનો એક તહેવાર+ હતો અને ઈસુ યરૂશાલેમ ગયા. ૨ યરૂશાલેમમાં ઘેટા દરવાજા+ પાસે પાંચ પરસાળવાળો એક કુંડ છે, જે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. ૩ એ પરસાળોમાં બીમાર, આંધળા, લૂલા અને લકવો થયેલા* ઘણા બધા લોકો હતા. ૪ *— ૫ ત્યાં એક માણસ હતો, જે ૩૮ વર્ષથી બીમાર હતો. ૬ ઈસુએ તેને જોયો અને તેમને ખબર પડી કે તે ઘણા સમયથી બીમાર છે. તેમણે તેને પૂછ્યું: “શું તું સાજો થવા ચાહે છે?”+ ૭ એ બીમાર માણસે જવાબ આપ્યો: “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને કુંડમાં ઉતારવા માટે કોઈ હોતું નથી. હું કુંડમાં ઊતરવા જાઉં, એટલામાં બીજું કોઈ મારી આગળ ઊતરી જાય છે.” ૮ ઈસુએ તેને કહ્યું: “ઊભો થા! તારી પથારી ઉપાડીને ચાલ.”+ ૯ એ માણસ તરત જ સાજો થયો! તેણે પોતાની પથારી ઉઠાવી અને ચાલવા લાગ્યો.

એ સાબ્બાથનો* દિવસ હતો.૧૦ યહૂદીઓ સાજા થયેલા માણસને કહેવા લાગ્યા: “આજે સાબ્બાથ છે અને નિયમ પ્રમાણે તારે પથારી ઊંચકવી ન જોઈએ.”+ ૧૧ તેણે જવાબ આપ્યો: “જેમણે મને સાજો કર્યો છે, તેમણે જ મને કહ્યું, ‘તારી પથારી ઉપાડીને ચાલ.’” ૧૨ તેઓએ પૂછ્યું: “એ માણસ કોણ છે જેણે તને કહ્યું, ‘પથારી ઉપાડીને ચાલ’?” ૧૩ સાજા થયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે, કેમ કે ઈસુ ટોળામાં ભળી ગયા હતા.

૧૪ પછી ઈસુ એ માણસને મંદિરમાં મળ્યા અને કહ્યું: “તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, જેથી તારા પર કોઈ મોટી આફત આવે નહિ.” ૧૫ એ માણસે જઈને યહૂદીઓને જણાવ્યું કે ઈસુએ તેને સાજો કર્યો હતો. ૧૬ ઈસુ આ બધું સાબ્બાથ દરમિયાન કરતા હતા. એટલે યહૂદીઓ તેમના માટે મુસીબતો ઊભી કરવા લાગ્યા. ૧૭ ઈસુએ તેઓને કહ્યું: “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.”+ ૧૮ એટલે યહૂદીઓ તેમને મારી નાખવા માટે વધારે પ્રયત્ન કરવા લાગ્યા. તેઓને લાગતું કે ઈસુ સાબ્બાથ તોડતા હતા. એટલું જ નહિ, ઈશ્વરને પોતાના પિતા કહીને+ તે પોતાને ઈશ્વર સમાન ગણતા હતા.+

૧૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દીકરો પિતાને જે કરતા જુએ છે, એ જ કરે છે.+ એના સિવાય તે પોતાની રીતે કંઈ કરી શકતો નથી, કેમ કે પિતા જે કરે છે, એ બધું દીકરો પણ કરે છે. ૨૦ પિતાને દીકરા પર પ્રેમ* છે+ અને પોતે જે કરે છે એ બધું તેને બતાવે છે. પિતા તેને આનાથી પણ વધારે મહાન કામો બતાવશે, જેથી તમે નવાઈ પામો.+ ૨૧ જેમ ગુજરી ગયેલાને પિતા ઉઠાડે છે અને તેઓને જીવન આપે છે,+ તેમ દીકરો પણ પોતે ચાહે તેને જીવન આપે છે.+ ૨૨ પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ બધાનો ન્યાય કરવાનું કામ તેમણે દીકરાને સોંપ્યું છે.+ ૨૩ એ માટે કે જેમ પિતાને બધા માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. જે દીકરાને માન આપતો નથી, તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી.+ ૨૪ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારી વાત સાંભળે છે અને મને મોકલનારનું માને છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.+ તે સજાને લાયક ગણાશે નહિ. તે એવા માણસ જેવો છે જે મરણ પામેલો હતો, પણ હવે જીવે છે.+

૨૫ “હું તમને સાચે જ કહું છું કે એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે, જ્યારે ગુજરી ગયેલા લોકો ઈશ્વરના દીકરાનો અવાજ સાંભળશે. જેઓએ તેની વાત માની છે તેઓ જીવશે. ૨૬ જેમ પિતા પાસે જીવન આપવાની શક્તિ છે,+ તેમ દીકરાને પણ તેમણે જીવન આપવાની શક્તિ આપી છે.+ ૨૭ તેમણે દીકરાને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે,+ કારણ કે તે માણસનો દીકરો છે.+ ૨૮ એ સાંભળીને નવાઈ ન પામો, કેમ કે એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં* છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે+ ૨૯ અને બહાર નીકળી આવશે. જેઓએ સારાં કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓ જીવન મેળવે. જેઓએ દુષ્ટ કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.+ ૩૦ હું મારી પોતાની રીતે એક પણ કામ કરી શકતો નથી. જેમ પિતા મને કહે છે તેમ હું ન્યાય કરું છું. મારો ન્યાય સાચો* છે,+ કારણ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.+

૩૧ “જો હું એકલો મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી.+ ૩૨ મારા વિશે તો બીજું કોઈ સાક્ષી આપે છે. હું જાણું છું કે મારા વિશેની તેમની સાક્ષી સાચી છે.+ ૩૩ તમે યોહાન પાસે માણસો મોકલ્યા અને તેણે મારા વિશે સાચી સાક્ષી આપી.+ ૩૪ હું માણસની સાક્ષી સ્વીકારતો નથી. પણ હું આ વાતો એ માટે કહું છું, જેથી તમારો ઉદ્ધાર થાય. ૩૫ યોહાન સળગતા અને ઝળહળતા દીવા જેવો હતો. થોડા સમય માટે તમે તેના પ્રકાશમાં ઘણો આનંદ કરવા તૈયાર હતા.+ ૩૬ પણ યોહાનની સાક્ષી કરતાં વધારે મોટી સાક્ષી મારી પાસે છે. મારા પિતાએ મને જે કામો પૂરાં કરવાનું સોંપ્યું છે, એ જ કામો હું કરું છું. એ કામો સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે.+ ૩૭ મને મોકલનાર પિતા પોતે મારા વિશે સાક્ષી આપે છે.+ તમે કદી પણ તેમનો અવાજ સાંભળ્યો નથી કે તેમને કોઈ રૂપમાં જોયા નથી.+ ૩૮ તમારાં દિલમાં તેમનો સંદેશો વસતો નથી, કારણ કે જેને પિતાએ મોકલ્યો છે, તેના પર તમે ભરોસો કરતા નથી.

૩૯ “તમે હંમેશ માટેનું જીવન મેળવવાના ઇરાદાથી શાસ્ત્રવચનોમાં શોધખોળ કરો છો.+ એ જ શાસ્ત્રવચનો મારા વિશે સાક્ષી આપે છે.+ ૪૦ પણ તમે જીવન મેળવવા મારી પાસે આવવા માંગતા નથી.+ ૪૧ હું માણસો પાસેથી માન સ્વીકારતો નથી. ૪૨ પણ હું સારી રીતે જાણું છું કે તમારામાં ઈશ્વર માટે પ્રેમ નથી. ૪૩ હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી. જો બીજું કોઈ તેના પોતાના નામે આવ્યું હોત, તો તમે તેનો સ્વીકાર કર્યો હોત. ૪૪ તમે એકબીજા પાસેથી માન મેળવો છો અને જે માન એકલા ઈશ્વર પાસેથી મળે છે, એ તમે શોધતા નથી. તો પછી તમે મારું કઈ રીતે માનવાના?+ ૪૫ એવું ન વિચારો કે હું પિતા આગળ તમારા પર આરોપ મૂકીશ. તમારા પર આરોપ મૂકનાર તો મૂસા+ છે, જેમનામાં તમે આશા રાખો છો. ૪૬ જો તમે મૂસાનું કહેવું માન્યું હોત તો મારું કહેવું પણ માન્યું હોત, કેમ કે તેમણે મારા વિશે લખ્યું છે.+ ૪૭ જો તમે તેમનાં લખાણોમાં ભરોસો મૂકતા નથી, તો હું જે કહું છું એમાં તમે ક્યાંથી ભરોસો મૂકવાના?”

૬ એ પછી ઈસુ ગાલીલ સરોવર,* એટલે કે તિબેરિયાસની પાર જવા નીકળી ગયા.+ ૨ બીમાર લોકોને સાજા કરીને ઈસુ જે ચમત્કારો કરતા હતા,+ એ જોઈને એક મોટું ટોળું તેમની પાછળ પાછળ ગયું.+ ૩ ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા. ૪ યહૂદીઓનો પાસ્ખાનો તહેવાર+ નજીક હતો. ૫ ઈસુએ નજર ઉઠાવીને જોયું તો મોટું ટોળું તેમની પાસે આવી રહ્યું હતું. તેમણે ફિલિપને પૂછ્યું: “આ લોકોને જમાડવા આપણે ક્યાંથી રોટલી વેચાતી લઈશું?”+ ૬ ઈસુ તેની પરખ કરવા આમ કહેતા હતા. તેમને ખબર હતી કે પોતે શું કરવાના છે. ૭ ફિલિપે તેમને જવાબ આપ્યો: “બસો દીનારની* રોટલીઓ લાવીએ તોપણ પૂરી નહિ થાય. તેઓ બધાને એમાંથી માંડ થોડું મળશે.” ૮ તેમનો એક શિષ્ય આંદ્રિયા ત્યાં હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો. આંદ્રિયાએ ઈસુને કહ્યું: ૯ “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ એમાંથી આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહે?”+

૧૦ ઈસુએ કહ્યું: “લોકોને બેસી જવા કહો.” એ જગ્યાએ ઘણું ઘાસ હતું અને લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા.+ ૧૧ ઈસુએ રોટલી લઈને ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોમાં વહેંચી દીધી. એ જ રીતે, તેમણે નાની માછલીઓ પણ વહેંચી અને લોકોએ પેટ ભરીને ખાધું. ૧૨ બધાએ ધરાઈને ખાઈ લીધા પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “વધેલા ટુકડા ભેગા કરો, જેથી જરા પણ બગાડ ન થાય.” ૧૩ લોકોએ જવની પાંચ રોટલીમાંથી ખાધા પછી જે ટુકડા વધ્યા હતા એ શિષ્યોએ ભેગા કર્યા. એનાથી ૧૨ ટોપલીઓ ભરાઈ ગઈ.

૧૪ તેમણે કરેલો ચમત્કાર જોઈને લોકો કહેવા લાગ્યા: “આ ખરેખર એ જ પ્રબોધક છે, જે દુનિયામાં આવવાના હતા.”+ ૧૫ ઈસુ સમજી ગયા કે લોકો આવીને તેમને બળજબરીથી રાજા બનાવવા માંગે છે. એટલે તે ફરીથી પહાડ પર એકલા ચાલ્યા ગયા.+

૧૬ સાંજ ઢળી ત્યારે તેમના શિષ્યો સરોવર કિનારે ગયા.+ ૧૭ તેઓ હોડીમાં બેસીને સામે પાર કાપરનાહુમ જવા નીકળ્યા. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજુ તેઓ પાસે આવ્યા ન હતા.+ ૧૮ સખત પવન ફૂંકાતો હોવાથી સરોવરમાં મોજાં ઊછળતાં હતાં.+ ૧૯ તેઓ હલેસાં મારતાં મારતાં લગભગ પાંચ છ કિલોમીટર* પહોંચ્યા. ત્યાં તેઓએ ઈસુને સરોવરના પાણી પર ચાલીને હોડી પાસે આવતા જોયા અને તેઓ ગભરાઈ ગયા. ૨૦ ઈસુએ તેઓને કહ્યું: “ડરો નહિ, એ તો હું છું!”+ ૨૧ તેઓએ ખુશીથી તેમને હોડીમાં લઈ લીધા. તેઓ જે કિનારે જવા ચાહતા હતા, ત્યાં હોડી જલદી જ આવી પહોંચી.+

૨૨ બીજા દિવસે લોકોનું જે ટોળું સરોવરને પેલે પાર રોકાયું હતું, એ ટોળાએ જોયું કે ત્યાં કોઈ હોડી ન હતી. ત્યાં પહેલાં એક નાની હોડી હતી, પણ ઈસુ પોતાના શિષ્યો સાથે એમાં બેસીને ગયા ન હતા, કેમ કે તેમના શિષ્યો પોતાની રીતે ત્યાંથી નીકળી ગયા હતા. ૨૩ પણ જ્યાં ઈસુએ પ્રાર્થના કરીને આભાર માન્યો હતો અને તેઓએ રોટલી ખાધી હતી, એ જગ્યાએ તિબેરિયાસથી હોડીઓ આવી. ૨૪ જ્યારે ટોળાએ જોયું કે ઈસુ અથવા તેમના શિષ્યો ત્યાં નથી, ત્યારે તેઓ એ હોડીઓમાં બેસી ગયા. તેઓ ઈસુને શોધવા કાપરનાહુમ આવી પહોંચ્યા.

૨૫ તેઓ ઈસુને સરોવરને પેલે પાર મળ્યા ત્યારે પૂછ્યું: “ગુરુજી,*+ તમે અહીં ક્યારે આવ્યા?” ૨૬ ઈસુએ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે તમે ચમત્કારો જોયા એટલે નહિ, પણ રોટલી ખાઈને ધરાયા એટલે મને શોધો છો.+ ૨૭ જે ખોરાક નાશ પામે છે એના માટે તમે મહેનત ન કરો. પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે,+ એના માટે મહેનત કરો. માણસનો દીકરો એ ખોરાક તમને આપશે. તેના પર તો પિતાએ, ખુદ ઈશ્વરે પોતાની મંજૂરીની મહોર મારી છે.”+

૨૮ તેઓએ ઈસુને પૂછ્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા અમારે શું કરવું જોઈએ?” ૨૯ તેમણે કહ્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા તમે તેના પર શ્રદ્ધા મૂકો, જેને તેમણે મોકલ્યો છે.”+ ૩૦ તેઓએ કહ્યું: “તમે કયો ચમત્કાર બતાવશો,+ જેથી અમે એ જોઈને તમારા પર શ્રદ્ધા મૂકીએ? તમે એવું કયું કામ કરવાના છો? ૩૧ અમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્‍ના* ખાધું,+ જેમ શાસ્ત્રમાં લખેલું છે: ‘તેમણે તેઓને ખાવા માટે સ્વર્ગમાંથી રોટલી આપી.’”+ ૩૨ ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમને સ્વર્ગમાંથી જે રોટલી મળી હતી એ મૂસાએ આપી ન હતી. પણ હવે મારા પિતા તમને સ્વર્ગમાંથી સાચી રોટલી આપે છે. ૩૩ ઈશ્વરની રોટલી એ જ છે, જે સ્વર્ગમાંથી ઊતરીને દુનિયાને જીવન આપે છે.” ૩૪ તેઓએ કહ્યું: “માલિક, અમને એ રોટલી હંમેશાં આપતા રહેજો.”

૩૫ ઈસુએ કહ્યું: “હું જીવનની રોટલી છું. જે કોઈ મારી પાસે આવે છે તેને કદી પણ ભૂખ લાગશે નહિ. જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તેને કદી પણ તરસ લાગશે નહિ.+ ૩૬ પણ મેં તમને કહ્યું એમ, તમે મને જોયો છે છતાં તમે મારા પર ભરોસો કરતા નથી.+ ૩૭ પિતા મને સોંપે છે એ બધા લોકો મારી પાસે આવશે. મારી પાસે આવનારને હું કદી પણ કાઢી મૂકીશ નહિ.+ ૩૮ હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા+ સ્વર્ગમાંથી નીચે આવ્યો છું.+ ૩૯ મને મોકલનારની ઇચ્છા છે કે તેમણે મને જે લોકો સોંપ્યા છે, તેઓમાંના એકને પણ હું ગુમાવું નહિ. પણ છેલ્લા દિવસે હું તેઓને મરણમાંથી જીવતા કરું.+ ૪૦ મારા પિતાની ઇચ્છા છે કે જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળે.+ હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.”+

૪૧ પછી યહૂદીઓ તેમના વિશે કચકચ કરવા લાગ્યા, કારણ કે તેમણે કહ્યું હતું: “સ્વર્ગમાંથી નીચે આવેલી રોટલી હું છું.”+ ૪૨ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો ઈસુ નથી, જેનાં માબાપને આપણે ઓળખીએ છીએ?+ તો પછી તે કેમ કહે છે કે ‘હું સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો છું’?” ૪૩ ઈસુએ તેઓને કહ્યું: “અંદરોઅંદર કચકચ કરવાનું બંધ કરો. ૪૪ મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે* ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી.+ મારી પાસે આવનારને હું છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.+ ૪૫ પ્રબોધકોનાં લખાણોમાં લખેલું છે: ‘તેઓ બધાને યહોવા* શીખવશે.’+ જેઓએ પિતાનું સાંભળ્યું છે અને જેઓ શીખ્યા છે, તેઓ દરેક મારી પાસે આવે છે. ૪૬ કોઈ માણસે પિતાને જોયા નથી.+ પણ ઈશ્વરની પાસેથી જે આવ્યો છે ફક્ત તેણે જ પિતાને જોયા છે.+ ૪૭ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારા પર શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.+

૪૮ “હું જીવનની રોટલી છું.+ ૪૯ તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું અને છતાં તેઓનું મરણ થયું.+ ૫૦ પણ સ્વર્ગમાંથી નીચે આવેલી આ રોટલી જે કોઈ ખાય છે, તે મરશે નહિ. ૫૧ સ્વર્ગમાંથી નીચે આવેલી જીવનની રોટલી હું છું. જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે. હકીકતમાં એ રોટલી મારું શરીર છે અને દુનિયાના લોકોને જીવન મળે માટે હું એ આપીશ.”+

૫૨ પછી યહૂદીઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા: “આ માણસ કઈ રીતે પોતાનું શરીર, પોતાનું માંસ આપણને ખાવા માટે આપી શકે?” ૫૩ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ.*+ ૫૪ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે. હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.+ ૫૫ મારું માંસ એ અસલી ખોરાક છે. મારું લોહી એ પીવાની અસલી ચીજ છે. ૫૬ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારી સાથે એકતામાં રહે છે અને હું તેની સાથે એકતામાં રહું છું.+ ૫૭ હંમેશાં જીવનાર પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને લીધે જીવું છું. એવી જ રીતે, જે મારું માંસ ખાય છે તે મારે લીધે જીવશે.+ ૫૮ આ રોટલી તો સ્વર્ગમાંથી ઊતરી આવી છે. આ રોટલી એવી નથી, જે તમારા બાપદાદાઓએ ખાધી અને છતાં મરણ પામ્યા. આ રોટલી જે ખાય છે તે હંમેશાં જીવશે.”+ ૫૯ આ બધું તેમણે કાપરનાહુમના સભાસ્થાનમાં* શીખવતી વખતે જણાવ્યું.

૬૦ એ વાત સાંભળીને ઈસુના ઘણા શિષ્યોએ કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે. આવું કોણ સાંભળી શકે?” ૬૧ પોતાના શિષ્યો આ વિશે કચકચ કરે છે એ જાણીને ઈસુએ તેઓને કહ્યું: “શું તમે એનાથી ઠોકર ખાઓ છો? ૬૨ તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો હતો, ત્યાં તેને પાછો ચઢતા જોશો ત્યારે શું કરશો?+ ૬૩ એ તો પવિત્ર શક્તિ છે, જે જીવન આપે છે.+ શરીર કંઈ કામનું નથી. મેં તમને જે વાતો કહી છે એ પવિત્ર શક્તિથી છે અને એ જીવન આપે છે.+ ૬૪ પણ તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” ઈસુને પહેલેથી ખબર હતી કે કોણ શ્રદ્ધા રાખતા નથી અને કોણ તેમને દગો દેશે.+ ૬૫ પછી તેમણે કહ્યું: “મેં તમને એટલે જ કહ્યું છે કે જો પિતા મંજૂરી ન આપે, તો કોઈ માણસ મારી પાસે આવી શકતો નથી.”+

૬૬ એટલે તેમના ઘણા શિષ્યો પાછા પોતાના કામધંધે લાગી ગયા.+ તેઓએ તેમના પગલે ચાલવાનું છોડી દીધું. ૬૭ ઈસુએ બાર પ્રેરિતોને* પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” ૬૮ સિમોન પિતરે જવાબ આપ્યો: “માલિક, અમે કોની પાસે જઈએ?+ હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.+ ૬૯ અમે માનીએ છીએ અને જાણીએ છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.”+ ૭૦ ઈસુએ તેઓને કહ્યું: “શું મેં તમને બાર જણને પસંદ કર્યા નથી?+ તોપણ તમારામાંનો એક શેતાન* જેવો છે.”+ ૭૧ તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદા વિશે કહેતા હતા. ભલે તે બારમાંનો એક હતો, તોપણ તે તેમને દગો દેવાનો હતો.+

૭ એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરવાનું* ચાલુ રાખ્યું. તે યહૂદિયામાં મુસાફરી કરવા ચાહતા ન હતા, કારણ કે યહૂદીઓ તેમને મારી નાખવાની તક શોધતા હતા.+ ૨ એ વખતે યહૂદીઓનો માંડવાનો તહેવાર*+ પાસે હતો. ૩ ઈસુના ભાઈઓએ+ તેમને કહ્યું: “અહીંથી નીકળીને યહૂદિયા જા, જેથી તું જે કામો કરે છે એ તારા શિષ્યો પણ જુએ. ૪ જે કોઈ માણસ લોકોમાં જાણીતો થવા માંગે છે, તે છાની રીતે કંઈ કરતો નથી. તું આ બધું કરે છે, એ લોકો આગળ કરી બતાવ.” ૫ તેમના ભાઈઓ તેમનામાં શ્રદ્ધા રાખતા ન હતા.+ ૬ ઈસુએ તેઓને કહ્યું: “મારો સમય હજુ આવ્યો નથી,+ જ્યારે કે તમે તો ચાહો એ સમયે જઈ શકો છો. ૭ દુનિયા પાસે તમને નફરત કરવાનું કોઈ કારણ નથી. જ્યારે કે દુનિયા મને નફરત કરે છે, કેમ કે એનાં કામો દુષ્ટ છે એવી હું સાક્ષી આપું છું.+ ૮ તમે તહેવારમાં જાઓ. હું આ તહેવારમાં હમણાં જવાનો નથી, કારણ કે મારો સમય હજુ આવ્યો નથી.”+ ૯ તેઓને આ બધું જણાવ્યા પછી તે ગાલીલમાં જ રહ્યા.

૧૦ તેમના ભાઈઓ તહેવારમાં ગયા. એ પછી ઈસુ જાહેરમાં તો નહિ, પણ છાની રીતે ત્યાં ગયા. ૧૧ તહેવારના સમયે યહૂદીઓ તેમની શોધ કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા: “તે માણસ ક્યાં છે?” ૧૨ તેમના વિશે ટોળામાં ઘણી ગુસપુસ થતી હતી. અમુક કહેતા હતા કે “તે સારો માણસ છે.” પણ બીજાઓ કહેતા હતા કે “તે સારો માણસ નથી. તે તો ટોળાને ખોટે માર્ગે લઈ જાય છે.”+ ૧૩ પણ યહૂદીઓની બીકને લીધે કોઈ તેમના વિશે જાહેરમાં કંઈ કહેતું નહિ.+

૧૪ તહેવારના અડધા દિવસો પસાર થઈ ગયા પછી, ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. ૧૫ યહૂદીઓ નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ શાળાઓમાં* ભણ્યો નથી+ તો તેની પાસે શાસ્ત્રનું*+ આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” ૧૬ ઈસુએ જવાબ આપ્યો: “હું જે શીખવું છું એ મારી પાસેથી નથી, પણ મને મોકલનાર પાસેથી છે.+ ૧૭ જે કોઈ તેમની ઇચ્છા પ્રમાણે કરવા ચાહે છે, તે જાણશે કે હું જે શીખવું છું એ ઈશ્વર પાસેથી છે+ કે મારી પોતાની પાસેથી છે. ૧૮ જે કોઈ પોતાનું શિક્ષણ આપે છે, તે પોતાને ગૌરવ મળે એવું ચાહે છે. પણ જે કોઈ પોતાને મોકલનારને ગૌરવ મળે એવું ચાહે છે,+ તે સાચો છે અને તેનામાં કંઈ કપટ નથી. ૧૯ મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું હતું,+ ખરું ને? પણ તમારામાંનો એક પણ એ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને કેમ મારી નાખવા માંગો છો?”+ ૨૦ ટોળાએ જવાબ આપ્યો: “તારામાં દુષ્ટ દૂત* છે. તને કોણ મારી નાખવા માંગે છે?” ૨૧ ઈસુએ તેઓને કહ્યું: “મેં એક કામ કર્યું અને તમે બધા નવાઈ પામો છો. ૨૨ પણ આનો વિચાર કરો: મૂસાએ તમને સુન્‍નતનો* નિયમ આપ્યો.+ એ મૂસા પાસેથી તો નહિ, પણ બાપદાદાઓ પાસેથી છે.+ તમે સાબ્બાથના દિવસે માણસની સુન્‍નત કરો છો. ૨૩ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ ન થાય એ માટે સાબ્બાથના દિવસે માણસની સુન્‍નત કરી શકાય છે. તો પછી મેં સાબ્બાથના દિવસે એક માણસને પૂરેપૂરો સાજો કર્યો, એમાં તમે કેમ ગુસ્સાથી ભડકી ઊઠો છો?+ ૨૪ બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.”+

૨૫ પછી યરૂશાલેમના અમુક લોકો કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી, જેને તેઓ મારી નાખવા માંગે છે?+ ૨૬ પણ જુઓ! તે જાહેરમાં બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી. એવું તો નથી ને કે આ જ ખ્રિસ્ત છે, એવી આગેવાનોને પાકી ખાતરી થઈ છે? ૨૭ આપણે તો જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી છે.+ પણ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણતું નહિ હોય કે તે ક્યાંથી છે.” ૨૮ પછી ઈસુએ મંદિરમાં શીખવતી વખતે ઊંચા અવાજે કહ્યું: “તમે મને ઓળખો છો અને હું ક્યાંથી છું એ તમે જાણો છો. હું મારી પોતાની મરજીથી આવ્યો નથી.+ મને મોકલનાર હકીકતમાં છે અને તમે તેમને ઓળખતા નથી.+ ૨૯ હું તેમને ઓળખું છું,+ કારણ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.” ૩૦ એટલે તેઓ ઈસુને પકડવાની તક શોધવા લાગ્યા.+ પણ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો.+ ૩૧ પણ ટોળામાંથી ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી.+ તેઓ કહેતા હતા: “શું ખ્રિસ્ત આવશે ત્યારે, આ માણસે કર્યા છે એના કરતાં વધારે ચમત્કારો કરશે?”

૩૨ ફરોશીઓએ ટોળાને તેમના વિશે અંદરોઅંદર આવી વાતો કરતા સાંભળ્યા. મુખ્ય યાજકો* અને ફરોશીઓએ તેમને પકડી લાવવા સિપાઈઓ મોકલ્યા. ૩૩ ઈસુએ કહ્યું: “હું તમારી સાથે હજુ થોડી વાર છું. પછી મને મોકલનાર પાસે હું પાછો જઈશ.+ ૩૪ તમે મને શોધશો, પણ હું મળીશ નહિ. હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.”+ ૩૫ યહૂદીઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ માણસનો ઇરાદો ક્યાં જવાનો છે કે તે આપણને મળશે નહિ? શું તે ગ્રીક લોકોમાં વિખેરાઈ ગયેલા યહૂદીઓ પાસે જવા ચાહે છે? શું તે ગ્રીક લોકોને શીખવવા માંગે છે? ૩૬ તેણે આમ કેમ કહ્યું કે ‘તમે મને શોધશો, પણ હું મળીશ નહિ અને હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી’?”

૩૭ તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો.+ એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પાણી પીએ.+ ૩૮ જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે, ‘તેના અંતરના ઊંડાણમાંથી જીવન આપનાર પાણીનાં ઝરણાં વહેશે,’ જેમ શાસ્ત્રવચનો કહે છે.”+ ૩૯ આવું તેમણે પવિત્ર શક્તિ વિશે કહ્યું હતું. એ શક્તિ તેમના પર શ્રદ્ધા રાખનારાઓને જલદી જ મળવાની હતી. તેઓને એ પવિત્ર શક્તિ હજુ મળી ન હતી,+ કારણ કે ઈસુને હજુ મહિમા આપવામાં આવ્યો ન હતો.+ ૪૦ એ સાંભળીને ટોળામાંથી અમુક કહેવા લાગ્યા: “તે સાચે જ પ્રબોધક છે.”+ ૪૧ બીજાઓએ કહ્યું, “આ તો ખ્રિસ્ત છે.”+ કેટલાકે કહ્યું: “શું ખ્રિસ્ત ગાલીલમાંથી આવવાના છે?+ ૪૨ શું શાસ્ત્ર નથી કહેતું કે ખ્રિસ્ત દાઉદના વંશમાંથી+ અને દાઉદના ગામ,+ બેથલેહેમમાંથી+ આવશે?” ૪૩ આમ ઈસુ વિશે ટોળામાં અંદરોઅંદર ફૂટ પડી ગઈ. ૪૪ તેઓમાંથી અમુક તેમને પકડવા માંગતા હતા, પણ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ.

૪૫ સિપાઈઓ પાછા આવ્યા ત્યારે, મુખ્ય યાજકો અને ફરોશીઓએ પૂછ્યું: “તમે તેને કેમ પકડી લાવ્યા નહિ?” ૪૬ સિપાઈઓએ જવાબ આપ્યો: “તેના જેવું કોઈ કદી બોલ્યું નથી.”+ ૪૭ ફરોશીઓએ કહ્યું: “શું તમે પણ તેની વાતોમાં આવી ગયા? ૪૮ શું એક પણ અધિકારીએ કે ફરોશીએ તેનામાં શ્રદ્ધા મૂકી છે?+ ૪૯ પણ આ ટોળું તો નિયમશાસ્ત્ર જાણતું નથી અને શ્રાપિત છે.” ૫૦ ત્યાં નિકોદેમસ હતો જે ફરોશીઓમાંનો એક હતો અને પહેલાં ઈસુ પાસે આવ્યો હતો. તેણે તેઓને કહ્યું: ૫૧ “કોઈ માણસની વાત સાંભળ્યા વગર અને તે જે કરે છે એ જાણ્યા વગર, આપણું નિયમશાસ્ત્ર તેને દોષિત ઠરાવતું નથી, ખરું ને?”+ ૫૨ તેઓએ તેને કહ્યું: “શું તું પણ ગાલીલનો છે? તપાસ કર અને જો, ગાલીલમાંથી કોઈ પ્રબોધક ઊભો થવાનો નથી.”*

૮ ૧૨ પછી ઈસુએ યહૂદીઓને ફરીથી કહ્યું: “હું દુનિયાનો પ્રકાશ છું.+ જે કોઈ મારે પગલે ચાલે છે, તે કદીયે અંધકારમાં ચાલશે નહિ. પણ તે જીવનનો પ્રકાશ મેળવશે.”+ ૧૩ ફરોશીઓએ તેમને કહ્યું: “તું પોતાના વિશે સાક્ષી આપે છે. તારી સાક્ષી સાચી નથી.” ૧૪ ઈસુએ કહ્યું: “હું મારા પોતાના વિશે સાક્ષી આપું તોપણ મારી સાક્ષી સાચી છે, કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એની મને ખબર છે.+ પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. ૧૫ તમે માણસોના વિચારો પ્રમાણે ન્યાય કરો છો.+ હું કોઈ માણસનો ન્યાય કરતો જ નથી. ૧૬ જો હું ન્યાય કરું તોપણ મારો ન્યાય સાચો છે, કેમ કે હું એકલો નથી. મને મોકલનાર પિતા મારી સાથે છે.+ ૧૭ તમારા નિયમશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે ‘બે માણસોની સાક્ષી સાચી છે.’+ ૧૮ હું મારા પોતાના વિશે સાક્ષી આપું છું અને મને મોકલનાર પિતા પણ મારા વિશે સાક્ષી આપે છે.”+ ૧૯ તેઓએ પૂછ્યું: “તારા પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે નથી મને જાણતા કે નથી મારા પિતાને.+ જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત.”+ ૨૦ મંદિરમાં દાન-પેટીઓ+ હતી ત્યાં શીખવતી વખતે તેમણે આ વાતો કહી. પણ કોઈ તેમને પકડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો.+

૨૧ તેમણે ફરીથી તેઓને કહ્યું: “હું જાઉં છું અને તમે મને શોધશો. પણ તમે તમારાં પાપમાં મરણ પામશો.+ હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.”+ ૨૨ યહૂદીઓ કહેવા લાગ્યા: “શું તે આપઘાત કરવાનો છે? કેમ કે તે કહે છે, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’” ૨૩ ઈસુએ કહ્યું: “તમે પૃથ્વીના છો અને હું સ્વર્ગનો છું.+ તમે આ દુનિયાના છો. પણ હું આ દુનિયાનો નથી. ૨૪ એટલે મેં તમને કહ્યું: તમે તમારાં પાપમાં મરણ પામશો. જે આવનાર છે એ હું જ છું, એવું તમે નહિ માનો તો તમે તમારાં પાપમાં મરણ પામશો.” ૨૫ તેઓ તેમને કહેવા લાગ્યા: “તું છે કોણ?” ઈસુએ તેઓને કહ્યું: “તમે કંઈ સમજતા જ નથી તો હું શું કામ તમારી સાથે વાત કરું? ૨૬ તમારા વિશે મારે ઘણું કહેવાનું છે અને ઘણી વાતોનો ન્યાય કરવાનો છે. હકીકતમાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી મેં જે કંઈ સાંભળ્યું છે, એ જ હું દુનિયાને જણાવું છું.”+ ૨૭ ઈસુ તેઓને પિતા વિશે જે કહેતા હતા, એ તેઓને સમજાયું નહિ. ૨૮ ઈસુએ કહ્યું: “તમે માણસના દીકરાને વધસ્તંભ* પર મારી નાખશો+ ત્યારે તમે જાણશો કે હું તે જ છું.+ હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી.+ પણ પિતાએ મને શીખવ્યું છે તેમ આ બધી વાતો કહું છું. ૨૯ મને મોકલનાર મારી સાથે છે. તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.”+ ૩૦ તેમની આ વાતો સાંભળીને ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી.

૩૧ જે યહૂદીઓએ શ્રદ્ધા મૂકી હતી, તેઓને ઈસુ કહેવા લાગ્યા: “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. ૩૨ તમે સત્ય જાણશો+ અને સત્ય તમને આઝાદ કરશે.”+ ૩૩ બીજાઓએ કહ્યું: “અમે ઇબ્રાહિમના વંશજો છીએ અને કદી પણ કોઈના ગુલામ બન્યા નથી. તો પછી તું કેમ કહે છે કે ‘તમે આઝાદ થશો’?” ૩૪ ઈસુએ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે જે કોઈ પાપ કરે છે, તે પાપનો ગુલામ છે.+ ૩૫ માલિકના ઘરમાં ગુલામ કાયમ નથી રહેતો, પણ દીકરો કાયમ રહે છે. ૩૬ જો દીકરો તમને આઝાદ કરે, તો તમે ખરેખર આઝાદ થશો. ૩૭ હું જાણું છું કે તમે ઇબ્રાહિમના વંશજો છો. પણ તમે મારું શિક્ષણ સ્વીકારવા ચાહતા નથી, એટલે તમે મને મારી નાખવા માંગો છો. ૩૮ હું મારા પિતા સાથે હતો ત્યારે મેં જે જોયું હતું એ તમને જણાવું છું.+ પણ તમે તમારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ કરો છો.” ૩૯ તેઓએ કહ્યું: “અમારા પિતા તો ઇબ્રાહિમ છે.” ઈસુએ કહ્યું: “જો તમે ઇબ્રાહિમનાં બાળકો હોત,+ તો તમે ઇબ્રાહિમ જેવાં કામો કરતા હોત. ૪૦ ઈશ્વર પાસેથી સાંભળેલું સત્ય મેં તમને જણાવ્યું, પણ તમે તો મને મારી નાખવા માંગો છો.+ ઇબ્રાહિમે કદી પણ એવું કર્યું ન હોત. ૪૧ તમે તમારા પિતા જેવાં કામો કરો છો.” તેઓએ કહ્યું: “અમે કંઈ વ્યભિચારથી* જન્મેલા નથી. અમારા એક જ પિતા છે, ઈશ્વર.”

૪૨ ઈસુએ તેઓને કહ્યું: “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કર્યો હોત.+ હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.+ ૪૩ પણ તમે મારું શિક્ષણ સ્વીકારવા ચાહતા નથી, એટલે તમે એ સમજી શકતા નથી. ૪૪ તમે તમારા બાપ શેતાનના* છો અને તમારા બાપની ઇચ્છા પ્રમાણે કરવા ચાહો છો.+ તે શરૂઆતથી* જ ખૂની હતો.+ તે સત્યમાં ટકી રહ્યો નહિ, કારણ કે તેનામાં સત્ય નથી. તે પોતાના સ્વભાવ પ્રમાણે જૂઠું બોલે છે, કારણ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે.+ ૪૫ જ્યારે કે હું તમને સત્ય જણાવું છું, તોપણ તમે મારું માનતા નથી. ૪૬ તમારામાંનો કોણ મને પાપી ઠરાવે છે? જો હું સત્ય બોલું છું તો તમે મારું કેમ માનતા નથી? ૪૭ જે ઈશ્વરનો છે, તે ઈશ્વરની વાતો સાંભળે છે.+ તમે એટલા માટે નથી સાંભળતા, કારણ કે તમે ઈશ્વરના નથી.”+

૪૮ યહૂદીઓએ તેમને કહ્યું: “શું અમે સાચું નથી કહેતા કે ‘તું સમરૂની+ છે અને તારામાં દુષ્ટ દૂત છે’?”+ ૪૯ ઈસુએ કહ્યું: “મારામાં દુષ્ટ દૂત નથી. પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો. ૫૦ મને મહિમા મળે એવું હું ચાહતો નથી.+ પણ ઈશ્વર ચાહે છે કે મને મહિમા મળે અને તે ન્યાયાધીશ છે. ૫૧ હું તમને સાચે જ કહું છું કે જો કોઈ મારું શિક્ષણ પાળે, તો તે કદી મરશે નહિ.”+ ૫૨ યહૂદીઓએ તેમને કહ્યું: “હવે તો અમને પાકી ખાતરી થઈ છે કે તારામાં દુષ્ટ દૂત છે. ઇબ્રાહિમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ. તું કહે છે કે ‘જો કોઈ મારું શિક્ષણ પાળે તો તે કદી મરશે નહિ.’ ૫૩ શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મહાન છે? ઇબ્રાહિમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ મરણ પામ્યા. તો પછી તું પોતાને શું સમજે છે?” ૫૪ ઈસુએ કહ્યું: “જો હું પોતાને મહિમા આપું તો એ મહિમાની કોઈ કિંમત નથી. મને મહિમા આપનાર તો મારા પિતા છે,+ જેમને તમે તમારા ઈશ્વર કહો છો. ૫૫ તોપણ તમે તેમને જાણતા નથી,+ પણ હું જાણું છું.+ જો હું કહું કે તેમને જાણતો નથી તો હું તમારા જેવો જૂઠો છું. પણ હું તો તેમને જાણું છું અને તેમનું કહેવું માનું છું. ૫૬ તમારા પિતા ઇબ્રાહિમને ઘણો આનંદ થયો હતો, કારણ કે તેમને મારો સમય જોવાની આશા હતી. તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.”+ ૫૭ યહૂદીઓએ કહ્યું: “તું તો હજુ ૫૦ વર્ષનો પણ નથી અને તેં ઇબ્રાહિમને જોયા છે?” ૫૮ ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઇબ્રાહિમનો જન્મ થયો એ પહેલાંથી હું છું.”+ ૫૯ એ સાંભળીને તેઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા. પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરની બહાર નીકળી ગયા.

૯ ઈસુએ રસ્તે ચાલતાં ચાલતાં એક માણસને જોયો, જે જન્મથી આંધળો હતો. ૨ શિષ્યોએ તેમને પૂછ્યું: “ગુરુજી,*+ કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?” ૩ ઈસુએ જવાબ આપ્યો: “આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી. પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે.+ ૪ જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કામો આપણે કરવા જોઈએ.+ રાત આવે છે ત્યારે કોઈ માણસ કામ કરી શકશે નહિ. ૫ હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”+ ૬ તેમણે એ વાતો કહી પછી તે જમીન પર થૂંક્યા અને થૂંકથી માટીનો લેપ બનાવ્યો. તેમણે એ લેપ આંધળા માણસની આંખો પર લગાડ્યો.+ ૭ તેમણે તેને કહ્યું: “જા, સિલોઆમ કુંડમાં ધોઈ નાખ” (સિલોઆમનું ભાષાંતર થાય, “મોકલાયેલો”). તેણે જઈને આંખો ધોઈ અને દેખતો થઈને પાછો આવ્યો.+

૮ તેના પડોશીઓ અને જેઓએ અગાઉ તેને ભીખ માંગતા જોયો હતો, તેઓ કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી જે બેસીને ભીખ માંગતો હતો?” ૯ અમુક કહેતા હતા: “આ એ જ છે.” બીજાઓ કહેતા હતા: “ના, એ તો તેના જેવો દેખાય છે.” તે માણસ કહેતો હતો: “હું એ જ છું.” ૧૦ તેઓએ તેને પૂછ્યું: “તો પછી તું કેવી રીતે દેખતો થયો?” ૧૧ તેણે જવાબ આપ્યો: “ઈસુ નામના માણસે લેપ બનાવ્યો. તેમણે એ મારી આંખો પર લગાડીને કહ્યું, ‘સિલોઆમ જા અને ધોઈ નાખ.’+ એટલે મેં જઈને આંખો ધોઈ અને હું દેખતો થયો.” ૧૨ એ સાંભળીને તેઓએ પૂછ્યું: “એ માણસ ક્યાં છે?” તેણે કહ્યું: “મને નથી ખબર.”

૧૩ જે માણસ અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓ પાસે લઈ ગયા. ૧૪ જે દિવસે ઈસુએ લેપ બનાવીને તે માણસને દેખતો કર્યો હતો,+ એ સાબ્બાથનો દિવસ+ હતો. ૧૫ હવે ફરોશીઓ પણ એ માણસને પૂછવા લાગ્યા કે તે કઈ રીતે દેખતો થયો. તેણે જણાવ્યું: “તેમણે મારી આંખો પર લેપ લગાડ્યો. મેં આંખો ધોઈ અને હું જોઈ શકું છું.” ૧૬ અમુક ફરોશીઓ કહેવા લાગ્યા: “એ માણસ ઈશ્વર પાસેથી નથી આવ્યો, કેમ કે તે સાબ્બાથ પાળતો નથી.”+ બીજાઓએ કહ્યું: “જો કોઈ માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે?”+ આમ તેઓમાં અંદરોઅંદર ફૂટ પડી.+ ૧૭ અગાઉ આંધળો હતો એ માણસને તેઓએ ફરીથી પૂછ્યું: “તેણે તને દેખતો કર્યો છે, તેના વિશે તારું શું કહેવું છે?” તેણે કહ્યું: “તે તો પ્રબોધક છે!”

૧૮ પણ યહૂદીઓ હજુ માનવા તૈયાર ન હતા કે તે આંધળો હતો અને દેખતો થયો છે. એટલે તેઓએ તેનાં માબાપને બોલાવ્યાં ૧૯ અને પૂછ્યું: “શું આ તમારો દીકરો છે? શું તે જન્મથી આંધળો હતો? તો પછી હવે તે કઈ રીતે જોઈ શકે છે?” ૨૦ તેનાં માબાપે કહ્યું: “અમે જાણીએ છીએ કે આ અમારો દીકરો છે અને તે જન્મથી આંધળો હતો. ૨૧ પણ અમે એ જાણતા નથી કે તે કઈ રીતે દેખતો થયો અને તેને કોણે દેખતો કર્યો. તેને જ પૂછો. તે કંઈ નાનો નથી. તે પોતે જવાબ આપી શકે છે.” ૨૨ તેનાં માબાપે યહૂદીઓથી ડરીને એવું કહ્યું હતું.+ યહૂદીઓએ અગાઉથી નક્કી કર્યું હતું કે જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારે, તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.*+ ૨૩ એટલે તેનાં માબાપે કહ્યું હતું: “તે કંઈ નાનો નથી. તેને જ પૂછો.”

૨૪ તેથી અગાઉ આંધળો હતો એ માણસને તેઓએ બીજી વાર બોલાવ્યો. તેઓએ કહ્યું: “ઈશ્વર આગળ સાચું બોલ. અમે જાણીએ છીએ કે પેલો માણસ પાપી છે.” ૨૫ તેણે જવાબ આપ્યો: “તે પાપી છે કે નહિ, એ હું નથી જાણતો. હું તો એટલું જાણું છું કે હું આંધળો હતો, પણ હવે જોઈ શકું છું.” ૨૬ તેઓએ પૂછ્યું: “તેણે તને શું કર્યું? તને કઈ રીતે દેખતો કર્યો?” ૨૭ તેણે જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું તો ખરું, છતાં તમે સાંભળ્યું નહિ. તમે કેમ ફરીથી સાંભળવા માંગો છો? શું તમે પણ તેમના શિષ્યો બનવા ચાહો છો?” ૨૮ એ સાંભળીને તેઓએ તેનું અપમાન કર્યું: “તું પેલા માણસનો શિષ્ય છે, અમે તો મૂસાના શિષ્યો છીએ. ૨૯ અમને ખબર છે કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી હતી. પણ પેલો માણસ ક્યાંથી આવ્યો છે, એની અમને ખબર નથી.” ૩૦ તેણે કહ્યું: “આ તો ખરેખર નવાઈની વાત કહેવાય! તેમણે મને દેખતો કર્યો તોપણ તમે જાણતા નથી કે તે ક્યાંથી આવ્યા છે. ૩૧ આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી.+ પણ જો કોઈ ઈશ્વરનો ડર* રાખે અને તેમની ઇચ્છા પૂરી કરે, તો ઈશ્વર તેનું સાંભળે છે.+ ૩૨ એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસને કોઈએ દેખતો કર્યો હોય. ૩૩ જો તે ઈશ્વર પાસેથી આવ્યા ન હોત, તો કંઈ જ કરી શક્યા ન હોત.”+ ૩૪ તેઓએ તેને કહ્યું: “તું તો જન્મથી જ પાપી છે અને પાછો અમને શીખવે છે?” તેઓએ તેને બહાર કાઢી મૂક્યો!+

૩૫ ઈસુએ સાંભળ્યું કે તેઓએ તેને કાઢી મૂક્યો છે. એટલે ઈસુ તેને મળ્યા અને પૂછ્યું: “શું માણસના દીકરા પર તું શ્રદ્ધા મૂકે છે?” ૩૬ એ માણસે પૂછ્યું: “સાહેબ, તે કોણ છે? મને કહો, જેથી હું તેમના પર શ્રદ્ધા મૂકું.” ૩૭ ઈસુએ કહ્યું: “તેં તેને જોયો છે અને હમણાં તારી સાથે વાત કરનાર તે જ છે.” ૩૮ તેણે કહ્યું: “માલિક, હું તમારામાં શ્રદ્ધા મૂકું છું.” તે તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. ૩૯ ઈસુએ કહ્યું: “હું આ દુનિયામાં આવ્યો છું, જેથી લોકોનો ન્યાય થાય. જેઓ આંધળા છે તેઓ જોઈ શકે+ અને જેઓ જુએ છે તેઓ આંધળા થાય.”+ ૪૦ તેમની પાસે ઊભેલા ફરોશીઓએ આ સાંભળ્યું. એટલે તેઓએ પૂછ્યું: “શું તું એમ કહેવા માંગે છે કે અમે પણ આંધળા છીએ?” ૪૧ ઈસુએ તેઓને કહ્યું: “તમે આંધળા હોત તો, તમારામાં કોઈ પાપ ન હોત. પણ હવે તમે કહો છો કે ‘અમે જોઈએ છીએ.’ એટલે તમારું પાપ તમારે માથે કાયમ રહે છે.”+

૧૦ “હું તમને સાચે જ કહું છું કે ઘેટાંના વાડામાં જે કોઈ દરવાજામાંથી અંદર આવવાને બદલે દીવાલ ચઢીને આવે છે, એ ચોર અને લુટારો છે.+ ૨ પણ જે દરવાજામાંથી અંદર આવે છે એ ઘેટાંપાળક છે.+ ૩ દરવાન તેના માટે દરવાજો ખોલે છે.+ ઘેટાં તેનો અવાજ સાંભળે છે+ અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે. તે તેઓને બહાર લઈ જાય છે. ૪ તે પોતાનાં બધાં ઘેટાંને બહાર લાવીને તેઓની આગળ ચાલે છે. ઘેટાં તેની પાછળ પાછળ જાય છે, કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે. ૫ તેઓ અજાણ્યા પાછળ કદી જશે નહિ. તેઓ તેની પાસેથી દૂર નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યાઓનો અવાજ ઓળખતા નથી.” ૬ ઈસુએ આ ઉદાહરણ લોકોને કહ્યું, પણ તેઓને સમજાયું નહિ કે તે શું કહેવા માંગતા હતા.

૭ ઈસુએ ફરીથી કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે હું દરવાજો છું, જેમાંથી ઘેટાં અંદર જાય છે.+ ૮ જેઓ દાવો કરે છે કે પોતે સારા ઘેટાંપાળક છે, તેઓ બધા ચોર અને લુટારા છે. પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નથી. ૯ હું દરવાજો છું અને જે કોઈ મારા દ્વારા ઘેટાંના વાડામાં જાય છે તેનો બચાવ થશે. તે અંદર આવશે ને બહાર જશે અને તેને ઘાસચારો મળશે.+ ૧૦ ચોર ફક્ત ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા માટે જ આવે છે.+ પણ હું એ માટે આવ્યો છું, જેથી ઘેટાંને જીવન મળે, હા લાંબું જીવન મળે. ૧૧ હું ઉત્તમ ઘેટાંપાળક છું.+ ઉત્તમ ઘેટાંપાળક ઘેટાં માટે પોતાનું જીવન આપી દે છે.+ ૧૨ પણ ભાડૂતી માણસ ઘેટાંપાળક નથી અને ઘેટાં તેનાં પોતાનાં નથી. વરુ આવતું જોઈને તે ઘેટાં મૂકીને નાસી જાય છે. વરુ તેઓ પર હુમલો કરે છે અને તેઓને વિખેરી નાખે છે. ૧૩ તે ભાડૂતી માણસ હોવાથી નાસી જાય છે. તેને ઘેટાંની કંઈ પડી નથી. ૧૪ હું ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને ઓળખે છે,+ ૧૫ જેમ મારા પિતા મને અને હું મારા પિતાને ઓળખું છું.+ હું ઘેટાંને માટે મારું જીવન* આપું છું.+

૧૬ “મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી.+ તેઓને પણ મારે લઈ આવવાનાં છે. તેઓ મારો અવાજ સાંભળશે. બધાં ઘેટાં એક ટોળું બનશે અને તેઓનો એક ઘેટાંપાળક હશે.+ ૧૭ પિતા મને પ્રેમ કરે છે,+ કારણ કે હું મારું જીવન આપું છું,+ જેથી હું એ પાછું મેળવી શકું. ૧૮ કોઈ માણસ મારી પાસેથી મારું જીવન લઈ શકતો નથી, પણ હું એ મારી પોતાની મરજીથી આપું છું. મારી પાસે એ આપવાનો અધિકાર છે અને એ પાછું મેળવવાનો પણ અધિકાર છે.+ મારા પિતા પાસેથી મને એ આજ્ઞા મળી છે.”

૧૯ આ વાતથી યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.+ ૨૦ તેઓમાંથી ઘણા કહેતા હતા: “તેનામાં દુષ્ટ દૂત છે અને તે ગાંડો છે. તમે તેનું કેમ સાંભળો છો?” ૨૧ બીજાઓએ કહ્યું: “જો એ માણસમાં દુષ્ટ દૂત હોય તો આવી વાતો ન કરી શકે. શું કોઈ દુષ્ટ દૂત આંધળા લોકોને દેખતા કરી શકે?”

૨૨ એ સમયે યરૂશાલેમમાં મંદિરના ઉદ્‍ઘાટનનો તહેવાર* હતો. એ શિયાળાનો સમય હતો. ૨૩ ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ચાલતા હતા.+ ૨૪ એ વખતે યહૂદીઓએ તેમને ઘેરી લીધા અને કહેવા લાગ્યા: “તું ક્યાં સુધી અમને અંધારામાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય, તો અમને સાફ સાફ કહી દે.” ૨૫ ઈસુએ તેઓને કહ્યું: “મેં તમને જણાવ્યું પણ તમે મારું માનતા નથી. મારા પિતાના નામે હું જે કામો કરું છું, એ કામો મારા વિશે સાક્ષી પૂરે છે.+ ૨૬ પણ તમે માનતા નથી, કારણ કે તમે મારાં ઘેટાં નથી.+ ૨૭ મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું. તેઓ મારી પાછળ પાછળ ચાલે છે.+ ૨૮ હું તેઓને હંમેશ માટેનું જીવન આપું છું.+ તેઓનો કદી નાશ થશે નહિ અને તેઓને મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહિ.+ ૨૯ મારા પિતાએ મને જે ઘેટાં આપ્યાં છે એ બીજી બધી વસ્તુઓ કરતાં વધારે કીમતી છે. મારા પિતાના હાથમાંથી તેઓને કોઈ છીનવી શકશે નહિ.+ ૩૦ હું અને પિતા એક છીએ.”*+

૩૧ ફરી એક વાર યહૂદીઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા. ૩૨ ઈસુએ તેઓને કહ્યું: “મારા પિતા તરફથી મેં તમારી આગળ ઘણાં સારાં કામો કરી બતાવ્યાં છે. એમાંનાં કયાં કામ માટે તમે મને પથ્થર મારો છો?” ૩૩ યહૂદીઓએ તેમને કહ્યું: “તારા કોઈ સારા કામ માટે નહિ, પણ તેં ઈશ્વરની નિંદા કરી એ માટે પથ્થર મારીએ છીએ.+ તું માણસ હોવા છતાં, પોતાને ઈશ્વર માને છે.” ૩૪ ઈસુએ કહ્યું: “શું તમારા નિયમશાસ્ત્રમાં આમ લખેલું નથી: ‘મેં કહ્યું, “તમે દેવો છો”’?*+ ૩૫ ઈશ્વર તો એવા લોકોને ‘દેવો’+ કહે છે, જેઓને શાસ્ત્રવચન દોષિત ઠરાવે છે અને શાસ્ત્રવચનની એ વાત બદલી શકાતી નથી. ૩૬ તો પછી હું તો એ છું જેને ઈશ્વરે પવિત્ર કર્યો છે અને દુનિયામાં મોકલ્યો છે. જ્યારે મેં કહ્યું, ‘હું ઈશ્વરનો દીકરો છું,’ ત્યારે તમે મને કેમ કહો છો કે ‘તું ઈશ્વરની નિંદા કરે છે’?+ ૩૭ જો હું મારા પિતાનાં કામો ન કરતો હોઉં, તો મારું ન માનતા. ૩૮ ભલે તમે મારું ન માનો, પણ હું જે કામો કરું છું એ કામોને તો માનો.+ એ માટે કે તમે જાણો અને સારી રીતે સમજો કે પિતા મારી સાથે એકતામાં છે અને હું પિતાની સાથે એકતામાં છું.”+ ૩૯ એટલે તેઓએ ફરીથી તેમને પકડવાની કોશિશ કરી, પણ તે તેઓના હાથમાંથી છટકી ગયા.

૪૦ ફરીથી ઈસુ યર્દન પાર એ જગ્યાએ ગયા, જ્યાં યોહાન શરૂઆતમાં બાપ્તિસ્મા આપતો હતો.+ તે ત્યાં રોકાયા. ૪૧ ઘણા લોકો તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “યોહાને એક પણ ચમત્કાર કર્યો ન હતો. પણ યોહાને આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું એ બધું સાચું છે.”+ ૪૨ ત્યાં ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી.

૧૧ બેથનિયામાં લાજરસ નામનો એક માણસ બીમાર હતો. તેની બહેનો મરિયમ અને માર્થા પણ એ ગામમાં રહેતી હતી.+ ૨ આ એ જ મરિયમ હતી, જેણે માલિકના પગ પર સુગંધી તેલ રેડ્યું હતું અને પોતાના વાળથી પગ લૂછ્યા હતા.+ બીમાર લાજરસ તેનો ભાઈ હતો. ૩ એટલે તેની બહેનોએ ઈસુને સંદેશો મોકલ્યો કે “માલિક, તમારો જિગરી દોસ્ત બીમાર છે.” ૪ એ સાંભળીને ઈસુએ કહ્યું: “આ બીમારીનો અંત મરણ નથી, પણ એ ઈશ્વરના મહિમા માટે+ અને ઈશ્વરના દીકરાના મહિમા માટે છે.”

૫ ઈસુને માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ હતો. ૬ પણ લાજરસ બીમાર છે એવું સાંભળીને ઈસુ જ્યાં હતા ત્યાં હજુ બે દિવસ રોકાયા. ૭ એ પછી તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ.” ૮ શિષ્યોએ તેમને કહ્યું: “ગુરુજી,*+ હજુ થોડા સમય પહેલાં તો યહૂદિયાના લોકો તમને પથ્થરે મારવા માંગતા હતા.+ તોપણ તમે ત્યાં પાછા જવા ચાહો છો?” ૯ ઈસુએ કહ્યું: “શું દિવસમાં ૧૨ કલાક પ્રકાશ નથી હોતો?+ જે માણસ દિવસના પ્રકાશમાં ચાલે છે તે કોઈ વસ્તુથી ઠોકર ખાતો નથી. તે દુનિયાના પ્રકાશને લીધે જોઈ શકે છે. ૧૦ પણ જે માણસ રાતે ચાલે છે તે ઠોકર ખાય છે, કારણ કે તેની પાસે પ્રકાશ નથી.”

૧૧ પછી તેમણે કહ્યું: “લાજરસ આપણો મિત્ર ઊંઘી ગયો છે,+ તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.” ૧૨ શિષ્યોએ કહ્યું: “માલિક, જો તે ઊંઘતો હોય તો સાજો થઈ જશે.” ૧૩ ઈસુ તેના મરણની વાત કરતા હતા. પણ તેઓને લાગ્યું કે ઈસુ તેના ઊંઘવા વિશે, આરામ કરવા વિશે વાત કરે છે. ૧૪ એટલે ઈસુએ તેઓને સીધેસીધું કહ્યું: “લાજરસનું મરણ થયું છે.+ ૧૫ હું ત્યાં ન હતો એ તમારા માટે સારું છે, કેમ કે તમારી શ્રદ્ધા હજુ પણ વધારે મક્કમ થશે. ચાલો આપણે હવે તેની પાસે જઈએ.” ૧૬ થોમા, જે જોડિયો કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું: “ચાલો આપણે પણ જઈએ, ભલે પછી તેમની સાથે મરવું પડે.”+

૧૭ ઈસુ બેથનિયા નજીક આવ્યા ત્યારે તેમને ખબર પડી કે લાજરસને કબરમાં ચાર દિવસ થઈ ગયા છે. ૧૮ બેથનિયા યરૂશાલેમથી લગભગ ત્રણ કિલોમીટર* દૂર હતું. ૧૯ માર્થા અને મરિયમના ભાઈનું મરણ થયું હોવાથી, તેઓને દિલાસો આપવા ઘણા યહૂદીઓ આવ્યા હતા. ૨૦ ઈસુ આવે છે એવું સાંભળીને માર્થા તેમને સામે મળવા ગઈ. પણ મરિયમ+ ઘરે જ રહી. ૨૧ માર્થાએ ઈસુને કહ્યું: “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત. ૨૨ પણ મને હજુ ભરોસો છે કે તમે ઈશ્વર પાસેથી જે કંઈ માંગો, એ ઈશ્વર તમને જરૂર આપશે.” ૨૩ ઈસુએ તેને કહ્યું: “તારો ભાઈ જીવતો થશે.” ૨૪ માર્થાએ કહ્યું: “હું જાણું છું કે છેલ્લા દિવસે જ્યારે ગુજરી ગયેલા લોકો જીવતા કરાશે,*+ ત્યારે તે જીવતો થશે.” ૨૫ ઈસુએ કહ્યું: “ગુજરી ગયેલા લોકોને જીવતા કરનાર અને તેઓને જીવન આપનાર હું છું.+ જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે ગુજરી જાય તોપણ જીવતો થશે. ૨૬ જે કોઈ જીવે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે તે કદી મરશે નહિ.+ શું તને આ વાત પર ભરોસો છે?” ૨૭ તેણે કહ્યું: “હા માલિક, મને પૂરો ભરોસો છે કે તમે જ ખ્રિસ્ત છો, તમે જ ઈશ્વરના દીકરા છો, જે દુનિયામાં આવવાના હતા.” ૨૮ એટલું કહીને તે ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે કહ્યું: “ગુરુજી+ આવ્યા છે અને તને બોલાવે છે.” ૨૯ એ સાંભળીને મરિયમ તરત ઊભી થઈને તેમને મળવા ગઈ.

૩૦ ઈસુ હજુ ગામમાં આવ્યા ન હતા, પણ માર્થા તેમને જ્યાં મળી હતી એ જ જગ્યાએ હતા. ૩૧ મરિયમને દિલાસો આપવા તેની સાથે ઘરમાં અમુક યહૂદીઓ હતા. તેઓએ તેને ઝડપથી ઊભી થઈને બહાર જતા જોઈ. એટલે તેઓ પણ તેની પાછળ ગયા. તેઓને લાગ્યું કે તે રડવા માટે કબરે+ જાય છે. ૩૨ ઈસુ હતા ત્યાં મરિયમ આવી પહોંચી. તે તેમના પગ આગળ પડી અને કહ્યું: “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત.” ૩૩ ઈસુએ તેને રડતી જોઈ અને તેની સાથે આવેલા યહૂદીઓને રડતા જોયા. એ જોઈને તેમણે મનમાં* ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા. ૩૪ તેમણે પૂછ્યું: “તમે તેને ક્યાં મૂક્યો છે?” તેઓએ કહ્યું: “માલિક, આવો અને જુઓ.” ૩૫ ઈસુ રડ્યા.+ ૩૬ એ જોઈને યહૂદીઓ કહેવા લાગ્યા: “જુઓ, તેમને લાજરસ માટે કેટલી લાગણી હતી!” ૩૭ પણ તેઓમાંથી કેટલાકે કહ્યું: “જેમણે આંધળાને દેખતો કર્યો,+ તે શું આ માણસને મરતા બચાવી શક્યા ન હોત?”

૩૮ ઈસુએ ફરીથી મનમાં નિસાસો નાખ્યો અને કબર પાસે આવ્યા. હકીકતમાં એ ગુફા હતી અને એના પર પથ્થર મૂકેલો હતો. ૩૯ ઈસુએ કહ્યું: “પથ્થર ખસેડો.” ગુજરી ગયેલા માણસની બહેન માર્થાએ તેમને કહ્યું: “માલિક, હવે તો તેની લાશ ગંધાતી હશે. તેના મરણને ચાર દિવસ થઈ ગયા છે.” ૪૦ ઈસુએ તેને કહ્યું: “શું મેં તને જણાવ્યું ન હતું કે તું શ્રદ્ધા રાખશે તો ઈશ્વરનો મહિમા જોશે?”+ ૪૧ તેઓએ પથ્થર ખસેડ્યો. પછી ઈસુએ આકાશ તરફ નજર ઉઠાવીને+ કહ્યું: “હે પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે. ૪૨ મને ખબર છે કે તમે હંમેશાં મારું સાંભળો છો. પણ અહીં ઊભેલા ટોળાને લીધે મેં એમ કહ્યું, જેથી તેઓ ભરોસો કરે કે તમે મને મોકલ્યો છે.”+ ૪૩ એમ કહીને તેમણે મોટેથી બૂમ પાડી: “લાજરસ, બહાર આવ!”+ ૪૪ જે માણસ મરી ગયો હતો, તે બહાર આવ્યો. તેના હાથ-પગ પર કપડાં વીંટાળેલાં હતાં. તેના ચહેરા પર પણ કપડું વીંટાળેલું હતું. ઈસુએ તેઓને કહ્યું: “તેના બંધન છોડી નાખો અને તેને જવા દો.”

૪૫ ઈસુએ જે કર્યું હતું એ ઘણા યહૂદીઓએ જોયું, જેઓ મરિયમને મળવા આવ્યા હતા. તેઓએ તેમના પર શ્રદ્ધા મૂકી.+ ૪૬ પણ અમુક યહૂદીઓ ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કર્યું હતું એ વિશે જણાવ્યું. ૪૭ મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદી ન્યાયસભા* બોલાવી અને કહ્યું: “આપણે શું કરીએ, કેમ કે આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે?+ ૪૮ જો આપણે તેને આમ ને આમ કરવા દઈશું, તો બધા લોકો તેનામાં શ્રદ્ધા મૂકશે. રોમનો આવીને આપણી જગ્યા* અને આપણી પ્રજા બંને છીનવી લેશે.” ૪૯ તેઓમાં કાયાફાસ+ નામે એક માણસ હતો, જે એ વર્ષે પ્રમુખ યાજક* હતો. તેણે તેઓને કહ્યું: “તમને કંઈ જ ખબર પડતી નથી. ૫૦ તમે વિચારતા કેમ નથી કે આખી પ્રજા નાશ પામે એના કરતાં લોકો માટે એક માણસ મરણ પામે, એ તમારા ફાયદામાં છે.” ૫૧ આ વાત તે પોતાની મરજીથી બોલ્યો ન હતો. પણ એ વર્ષે તે પ્રમુખ યાજક હોવાથી, ઈશ્વરે તેના દ્વારા ભવિષ્યવાણી કરાવી કે ઈસુ પોતાની પ્રજા માટે મરણ પામશે. ૫૨ ફક્ત પ્રજાને માટે જ નહિ, ઈશ્વરનાં વિખેરાયેલાં બાળકોને ભેગાં કરીને એક કરવા માટે પણ ઈસુ મરણ પામશે. ૫૩ એ દિવસથી તેઓ તેમને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા.

૫૪ પછી ઈસુએ યહૂદીઓમાં જાહેર રીતે ફરવાનું બંધ કર્યું. પણ તે ત્યાંથી નીકળીને એફ્રાઈમ+ નામના શહેરમાં ગયા. એ વેરાન પ્રદેશ પાસે આવેલું હતું. તે શિષ્યો સાથે ત્યાં રોકાયા. ૫૫ હવે યહૂદીઓનો પાસ્ખાનો તહેવાર+ પાસે હતો. પાસ્ખાના તહેવાર પહેલાં, બહારગામથી ઘણા લોકો નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કરવા યરૂશાલેમ ગયા હતા. ૫૬ તેઓ ઈસુને શોધતા હતા અને મંદિરમાં ઊભા રહીને એકબીજાને કહેતા હતા: “તમને શું લાગે છે? તે તહેવારમાં આવશે કે નહિ?” ૫૭ પણ મુખ્ય યાજકો અને ફરોશીઓએ હુકમ કર્યો હતો: ઈસુ ક્યાં છે એની જો કોઈને જાણ થાય તો ખબર આપવી. એ માટે કે તેઓ ઈસુને પકડી શકે.

૧૨ પાસ્ખાનો તહેવાર શરૂ થાય એના છ દિવસ પહેલાં, ઈસુ બેથનિયા આવ્યા. ત્યાં લાજરસ+ રહેતો હતો, જેને ઈસુએ મરણમાંથી જીવતો કર્યો હતો. ૨ ઈસુ માટે સાંજની મિજબાની ગોઠવવામાં આવી. માર્થા તેઓને પીરસતી હતી.+ તેમની સાથે ભોજન કરવા બેઠેલા* લોકોમાં લાજરસ પણ હતો. ૩ પછી મરિયમ આશરે ૩૨૭ ગ્રામ* સુગંધી તેલ લાવી. એ અસલ જટામાંસીનું* ઘણું કીમતી તેલ હતું. તેણે ઈસુના પગ પર એ તેલ રેડ્યું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા. આખું ઘર સુગંધી તેલની સુવાસથી મહેકી ઊઠ્યું.+ ૪ પણ ઈસુનો એક શિષ્ય યહૂદા ઇસ્કારિયોત,+ જે તેમને દગો દેવાનો હતો, તેણે કહ્યું: ૫ “આ સુગંધી તેલ ૩૦૦ દીનારમાં* વેચીને એ પૈસા ગરીબ લોકોને કેમ ન આપ્યા?” ૬ એવું ન હતું કે તેને ગરીબો માટે ચિંતા હતી, પણ તે ચોર હતો એટલે એમ કહ્યું. તે પૈસાની પેટી રાખતો હતો અને એમાંથી પૈસા ચોરી લેતો હતો. ૭ ઈસુએ મરિયમ વિશે કહ્યું: “તેને રહેવા દો, જેથી મારા દફનની તૈયારી માટે તે આ રિવાજ પાળે.+ ૮ ગરીબો તો કાયમ તમારી સાથે હશે,+ પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.”+

૯ એ દરમિયાન યહૂદીઓના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ બેથનિયામાં છે. તેઓ ઈસુને લીધે જ નહિ, લાજરસને જોવા પણ આવ્યા. એ લાજરસ જેને ઈસુએ મરણમાંથી જીવતો કર્યો હતો.+ ૧૦ હવે મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ૧૧ એ માટે કે તેના લીધે ઘણા યહૂદીઓ બેથનિયા જતા હતા અને ઈસુમાં શ્રદ્ધા મૂકતા હતા.+

૧૨ બીજા દિવસે તહેવારમાં આવેલા મોટા ટોળાએ સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આવી રહ્યા છે. ૧૩ એટલે તેઓ ખજૂરીની ડાળીઓ લઈને તેમને સામે મળવા ગયા. તેઓ પોકારવા લાગ્યા: “અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો! ઇઝરાયેલના રાજા,+ જે યહોવાના* નામમાં આવે છે+ તેના પર તેમનો આશીર્વાદ છે!” ૧૪ ઈસુને ગધેડાનું બચ્ચું મળ્યું અને તે એના પર બેઠા,+ જેમ લખેલું છે: ૧૫ “હે સિયોનની દીકરી, ગભરાઈશ નહિ. જો, તારો રાજા તારી પાસે આવે છે. તે ગધેડાના બચ્ચા પર, હા, ખોલકા પર બેસીને આવે છે.”+ ૧૬ એ સમયે તેમના શિષ્યોને આ વાતોની સમજણ પડી નહિ. પણ ઈસુને મહિમા મળ્યો+ ત્યારે, તેઓને યાદ આવ્યું કે આ વાતો તેમના વિશે લખાઈ હતી અને લોકોએ તેમના માટે એવું જ કર્યું હતું.+

૧૭ ઈસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો+ અને તેને મરણમાંથી જીવતો કર્યો, એ જે લોકોએ જોયું હતું, તેઓ બીજાઓને એની સાક્ષી આપતા હતા.+ ૧૮ એ કારણે પણ એ મોટું ટોળું ઈસુને સામે મળવા ગયું, કેમ કે તેઓએ સાંભળ્યું હતું કે તેમણે આ ચમત્કાર કર્યો હતો. ૧૯ એટલે ફરોશીઓ એકબીજાને કહેવા લાગ્યા: “તમે જુઓ છો કે આપણું કંઈ ચાલતું નથી. જુઓ, આખી દુનિયા તેની પાછળ ગઈ છે.”+

૨૦ તહેવારમાં ભક્તિ કરવા અમુક ગ્રીક લોકો પણ ત્યાં આવ્યા હતા. ૨૧ તેઓએ ગાલીલના બેથસૈદા શહેરના ફિલિપ+ પાસે જઈને વિનંતી કરી: “સાહેબ, અમારે ઈસુને મળવું છે.” ૨૨ ફિલિપે આવીને આંદ્રિયાને જણાવ્યું. આંદ્રિયા અને ફિલિપે આવીને ઈસુને વાત કરી.

૨૩ પણ ઈસુએ કહ્યું: “માણસના દીકરાને મહિમા મળે એ સમય આવી પહોંચ્યો છે.+ ૨૪ હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો માટીમાં પડીને મરે નહિ, ત્યાં સુધી એ એક જ દાણો રહે છે. પણ એ મરે તો+ ઘણા દાણા આપે છે.* ૨૫ જે પોતાનું જીવન વહાલું ગણે છે તે એને ગુમાવે છે. પણ જે આ દુનિયામાં પોતાનું જીવન ધિક્કારે છે,+ તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.+ ૨૬ જે મારી સેવા કરવા ચાહે તે મારી પાછળ ચાલે. જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે.+ જે મારી સેવા કરશે, તેને પિતા માન આપશે. ૨૭ હવે હું બેચેન થયો છું+ અને હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો.+ પણ એ જ માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. ૨૮ હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” પછી આકાશમાંથી એક વાણી સંભળાઈ:+ “મેં એનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરીથી કરીશ.”+

૨૯ ત્યાં ઊભેલા લોકોએ એ સાંભળ્યું અને કહેવા લાગ્યા કે એ તો ગર્જના થઈ. બીજા લોકોએ કહ્યું: “દૂતે તેમની સાથે વાત કરી.” ૩૦ ઈસુએ જવાબ આપ્યો: “આ વાણી મારા માટે નહિ, પણ તમારા માટે થઈ છે. ૩૧ હવે આ દુનિયાનો ન્યાય કરવામાં આવે છે અને આ દુનિયાના શાસકને+ કાઢી મૂકવામાં આવશે.+ ૩૨ પણ જ્યારે તમે મને વધસ્તંભ પર મારી નાખશો,+ ત્યારે હું દરેક પ્રકારના માણસોને મારી તરફ ખેંચીશ.” ૩૩ આ રીતે તે જણાવતા હતા કે પોતાનું મરણ કેવી રીતે થશે.+ ૩૪ ટોળાએ તેમને કહ્યું: “અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે ખ્રિસ્ત કાયમ રહેશે.+ તો પછી તમે કેમ કહો છો કે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે?+ કોણ છે આ માણસનો દીકરો?” ૩૫ ઈસુએ કહ્યું: “હજુ થોડી વાર સુધી પ્રકાશ તમારી વચ્ચે રહેશે. પ્રકાશ તમારી પાસે છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી તમારા પર અંધકાર છવાઈ ન જાય. જે કોઈ અંધકારમાં ચાલે છે, તે જાણતો નથી કે ક્યાં જાય છે.+ ૩૬ જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.”+

ઈસુ આ વાતો કહીને ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ ગયા. ૩૭ તેમણે તેઓની આગળ આટલા બધા ચમત્કારો કર્યા હતા, તેમ છતાં તેઓ તેમનામાં શ્રદ્ધા મૂકતા ન હતા. ૩૮ એ માટે કે પ્રબોધક યશાયાના આ શબ્દો પૂરા થાય: “હે યહોવા,* અમારી પાસેથી સાંભળેલા સંદેશા પર કોણે ભરોસો કર્યો છે?+ યહોવાના* હાથની તાકાત કોની આગળ જાહેર કરવામાં આવી છે?”+ ૩૯ યશાયા આગળ જણાવે છે કે તેઓએ કેમ ભરોસો કર્યો નહિ: ૪૦ “તેમણે તેઓની આંખો આંધળી કરી દીધી છે અને તેઓનાં હૃદય કઠણ કરી દીધાં છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.”+ ૪૧ યશાયાએ આમ કહ્યું, કારણ કે તેમણે ખ્રિસ્તનો મહિમા જોયો હતો અને તેમણે તેમના વિશે જણાવ્યું હતું.+ ૪૨ ઘણા અધિકારીઓએ ઈસુ પર શ્રદ્ધા મૂકી.+ પણ ફરોશીઓને કારણે તેઓએ જાહેરમાં તેમનો સ્વીકાર કર્યો નહિ, જેથી તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં ન આવે.+ ૪૩ તેઓને ઈશ્વર તરફથી મળતા માન કરતાં માણસ તરફથી મળતું માન વધારે વહાલું હતું.+

૪૪ પણ ઈસુએ મોટા અવાજે કહ્યું: “જે કોઈ મારા પર શ્રદ્ધા રાખે છે, તે ફક્ત મારા પર જ નહિ, મને મોકલનાર પર પણ શ્રદ્ધા રાખે છે.+ ૪૫ જે કોઈ મને જુએ છે તે મને મોકલનારને પણ જુએ છે.+ ૪૬ આ દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું,+ જેથી જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે તે અંધકારમાં ન રહે.+ ૪૭ જે કોઈ મારી વાતો સાંભળે છે પણ પાળતો નથી તેનો હું ન્યાય કરતો નથી. હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પણ એનો ઉદ્ધાર કરવા આવ્યો છું.+ ૪૮ જે કોઈ મારો સ્વીકાર કરતો નથી અને મારી વાતો પાળતો નથી તેનો ન્યાય કરનાર કોઈક છે. મેં જે વાતો કહી છે, એ છેલ્લા દિવસે તેનો ન્યાય કરશે. ૪૯ હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું.+ ૫૦ હું જાણું છું કે તેમની આજ્ઞા પાળવાથી હંમેશ માટેનું જીવન મળે છે.+ એટલે હું જે કંઈ બોલું છું, એ પિતાના જણાવ્યા પ્રમાણે જ બોલું છું.”+

૧૩ પાસ્ખાના તહેવાર પહેલાં ઈસુને ખબર હતી કે તેમના માટે દુનિયા છોડીને પિતા પાસે જવાની+ ઘડી આવી ચૂકી છે.+ એટલે દુનિયામાં જેઓ તેમના પોતાના હતા અને જેઓ પર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર તેમણે છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો.+ ૨ તેઓ સાંજનું ભોજન લઈ રહ્યા હતા. શેતાને* અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં+ ઈસુને દગો દેવાનો+ વિચાર મૂક્યો હતો. ૩ ઈસુ જાણતા હતા કે પિતાએ બધું જ તેમના હાથમાં સોંપી દીધું છે. તે જાણતા હતા કે પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જવાના છે.+ ૪ તેઓ સાંજનું ભોજન લેતા હતા એવામાં ઈસુ ઊઠ્યા અને પોતાનો ઝભ્ભો ઉતારીને એક બાજુએ મૂક્યો. તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.+ ૫ વાસણમાં પાણી લઈને તે શિષ્યોના પગ ધોવા લાગ્યા. પછી પોતાની કમરે બાંધેલા રૂમાલથી તેઓના પગ લૂછવા લાગ્યા. ૬ ઈસુ સિમોન પિતર પાસે આવ્યા. પિતરે તેમને કહ્યું: “માલિક, તમે મારા પગ કેમ ધૂઓ છો?” ૭ ઈસુએ કહ્યું: “હું જે કરું છું એ તું હમણાં સમજતો નથી, પણ પછીથી તને એની સમજણ પડશે.” ૮ પિતરે કહ્યું: “હું તમને કદી પણ મારા પગ ધોવા નહિ દઉં.” ઈસુએ કહ્યું: “જો હું તારા પગ ન ધોઉં,+ તો તારે ને મારે કોઈ લેવાદેવા નથી.” ૯ સિમોન પિતરે કહ્યું: “માલિક, ફક્ત મારા પગ નહિ, મારા હાથ અને મારું માથું પણ ધૂઓ.” ૧૦ ઈસુએ કહ્યું: “જેણે સ્નાન કર્યું છે, તેણે પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી. તે પૂરેપૂરો શુદ્ધ થયેલો છે. તમે શુદ્ધ છો, પણ બધા જ શુદ્ધ નથી.” ૧૧ ઈસુ જાણતા હતા કે દગો દેનાર કોણ છે.+ એટલે તેમણે કહ્યું કે “તમે બધા જ શુદ્ધ નથી.”

૧૨ તેમણે શિષ્યોના પગ ધોઈને પોતાનો ઝભ્ભો પહેરી લીધો અને ફરીથી બેસી ગયા. પછી તેમણે કહ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? ૧૩ તમે મને ‘ગુરુજી’ અને ‘માલિક’ કહો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું.+ ૧૪ જો મેં માલિક અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા,+ તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.+ ૧૫ મેં તમારા માટે દાખલો બેસાડ્યો છે. એટલે મેં જેવું તમને કર્યું એવું તમે પણ કરો.+ ૧૬ હું તમને સાચે જ કહું છું કે દાસ પોતાના માલિક કરતાં મોટો નથી. જેને મોકલવામાં આવ્યો છે, તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. ૧૭ હવે તમે આ વાતો જાણો છો. જો તમે એ પાળશો તો સુખી થશો.+ ૧૮ હું તમારા બધાની વાત નથી કરતો. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને તો હું ઓળખું છું. પણ આ શાસ્ત્રવચન પૂરું થવું જોઈએ:+ ‘જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’*+ ૧૯ હું તમને પહેલેથી એ બનાવ વિશે જણાવું છું, જેથી એમ થાય ત્યારે તમે માનો કે હું તે જ છું.+ ૨૦ હું તમને સાચે જ કહું છું કે જેને હું મોકલું છું, તેનો જે કોઈ સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.+ જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+

૨૧ આ વાતો કહી રહ્યા પછી ઈસુ બહુ દુઃખી થયા. તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.”+ ૨૨ ઈસુ કોની વાત કરતા હતા એની ખબર ન હોવાથી, શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા.+ ૨૩ ઈસુ જે શિષ્યને ખૂબ પ્રેમ કરતા હતા,+ એ તેમની પાસે જ બેઠો હતો. ૨૪ સિમોન પિતરે તેને ઇશારો કરીને પૂછ્યું: “તે કોની વાત કરે છે?” ૨૫ ઈસુની બાજુમાં બેઠેલો શિષ્ય તેમની તરફ નમ્યો અને પૂછ્યું: “માલિક, એ કોણ છે?”+ ૨૬ ઈસુએ કહ્યું: “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ, એ જ તે છે.”+ પછી તેમણે રોટલી લીધી અને એ બોળીને સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપી. ૨૭ યહૂદાએ રોટલીનો ટુકડો લીધા પછી શેતાને* તેના દિલ પર કાબૂ જમાવ્યો.+ ઈસુએ તેને કહ્યું: “તું જે કરે છે એ જલદી કર.” ૨૮ પણ ત્યાં બેઠેલાઓમાંથી કોઈને ખબર ન હતી કે ઈસુએ તેને કેમ એવું કહ્યું. ૨૯ યહૂદા પૈસાની પેટી રાખતો હતો.+ એટલે અમુકને લાગ્યું કે ઈસુ તેને કહેતા હશે, “તહેવાર માટે આપણને જે જોઈએ એ વેચાતું લઈ આવ.” અથવા તે ગરીબોને કંઈક આપવાનું કહે છે. ૩૦ યહૂદાએ રોટલીનો ટુકડો લીધો અને તરત જ બહાર નીકળી ગયો. એ રાતનો સમય હતો.+

૩૧ તે બહાર નીકળી ગયો ત્યારે ઈસુએ કહ્યું: “હવે માણસના દીકરાને મહિમા મળ્યો છે+ અને તેના દ્વારા ઈશ્વરને મહિમા મળ્યો છે. ૩૨ ઈશ્વર પોતે માણસના દીકરાને મહિમા આપશે+ અને જલદી જ એમ કરશે. ૩૩ વહાલાં બાળકો, હું હવે તમારી સાથે થોડી જ વાર છું. તમે મને શોધશો. મેં યહૂદીઓને કહ્યું હતું કે ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’+ એ જ વાત હવે હું તમને પણ કહું છું. ૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+ ૩૫ જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”+

૩૬ સિમોન પિતરે તેમને પૂછ્યું: “માલિક, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ કહ્યું: “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી, પણ તું પછીથી આવીશ.”+ ૩૭ પિતરે પૂછ્યું: “માલિક, હું તમારી પાછળ હમણાં કેમ નથી આવી શકતો? હું તમારા માટે મારો જીવ પણ આપી દઈશ.”+ ૩૮ ઈસુએ કહ્યું: “શું તું મારા માટે તારો જીવ આપીશ? હું તને સાચે જ કહું છું કે તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ અને પછી જ કૂકડો બોલશે.”+

૧૪ “તમારું દિલ દુઃખી થવા ન દો.+ ભગવાનમાં શ્રદ્ધા રાખો+ અને મારામાં પણ શ્રદ્ધા રાખો. ૨ મારા પિતાના ઘરમાં રહેવાની જગ્યા ઘણી છે. જો એમ ન હોત તો મેં તમને જણાવ્યું ન હોત. પણ હવે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું.+ ૩ હું જઈશ અને તમારા માટે જગ્યા તૈયાર કરીને પાછો આવીશ. હું તમને મારા ઘરમાં લઈ જઈશ, જેથી હું જ્યાં રહું છું ત્યાં તમે પણ રહી શકો.+ ૪ હું જ્યાં જાઉં છું, ત્યાંનો માર્ગ તમે જાણો છો.”

૫ થોમાએ+ તેમને કહ્યું: “માલિક, અમે જાણતા નથી કે તમે ક્યાં જાઓ છો. તો પછી એ માર્ગ અમને કેવી રીતે ખબર પડશે?”

૬ ઈસુએ તેને કહ્યું: “માર્ગ,+ સત્ય+ અને જીવન+ હું છું. મારા દ્વારા જ પિતા પાસે જઈ શકાય છે.+ ૭ જો તમે મને ઓળખશો તો તમે મારા પિતાને પણ ઓળખશો. આ ઘડીથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે.”+

૮ ફિલિપે કહ્યું: “માલિક, અમને પિતા બતાવો. અમારા માટે એટલું પૂરતું છે.”

૯ ઈસુએ કહ્યું: “ફિલિપ, હું લાંબા સમયથી તમારા બધા સાથે છું, તોપણ તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.+ તો પછી તું શા માટે કહે છે કે ‘અમને પિતા બતાવો’? ૧૦ શું તું માનતો નથી કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે?+ જે વાતો હું તમને કહું છું એ મારી પોતાની નથી.+ પણ મારા પિતા જે મારી સાથે એકતામાં છે, તે મારા દ્વારા પોતાનાં કામ કરાવે છે. ૧૧ મારી આ વાત પર ભરોસો મૂકો કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે. કંઈ નહિ તો મારાં કામોને લીધે ભરોસો મૂકો.+ ૧૨ હું તમને સાચે જ કહું છું, જે મારામાં શ્રદ્ધા મૂકે છે, તે મારાં જેવા કામો પણ કરશે. તે આના કરતાં મોટાં કામો કરશે,+ કેમ કે હું મારા પિતા પાસે જાઉં છું.+ ૧૩ એટલું જ નહિ, તમે મારા નામે જે કંઈ વિનંતી કરશો એ હું પૂરી કરીશ, જેથી દીકરાને લીધે પિતાને મહિમા મળે.+ ૧૪ જો તમે મારા નામે વિનંતી કરશો તો હું એ પૂરી કરીશ.

૧૫ “જો તમે મને પ્રેમ કરતા હશો તો તમે મારી આજ્ઞાઓ પાળશો.+ ૧૬ હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો એક સહાયક* આપશે, જે કાયમ તમારી સાથે રહેશે.+ ૧૭ સત્યની પવિત્ર શક્તિ*+ દુનિયા મેળવી શકતી નથી, કેમ કે દુનિયા એ જોતી નથી અને જાણતી નથી.+ તમે એ જાણો છો, કેમ કે એ તમારી સાથે રહે છે અને એ તમારામાં છે. ૧૮ હું તમને એકલા-અટૂલા* છોડી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ.+ ૧૯ થોડા સમય પછી દુનિયા મને જોશે નહિ. પણ તમે મને જોશો,+ કેમ કે હું જીવું છું અને તમે પણ જીવશો. ૨૦ એ દિવસે તમે જાણશો કે હું મારા પિતા સાથે એકતામાં છું. એ પણ જાણશો કે તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું.+ ૨૧ જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે. જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર પિતા પ્રેમ રાખશે. હું પણ તેના પર પ્રેમ રાખીશ અને તેને મારા વિશે બધું જણાવીશ.”

૨૨ યહૂદાએ+ (ઇસ્કારિયોત નહિ) કહ્યું: “માલિક, તમે કેમ તમારા વિશે અમને બધું જણાવવા માંગો છો અને દુનિયાને નહિ?”

૨૩ ઈસુએ તેને કહ્યું: “જે કોઈ મારા પર પ્રેમ રાખે છે, તે મારી વાતો પાળશે+ અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે. અમે તેની પાસે આવીશું અને તેની સાથે રહીશું.+ ૨૪ જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારી વાતો પાળતો નથી. તમે જે વાતો સાંભળો છો એ મારી નથી, પણ મને મોકલનાર પિતાની છે.+

૨૫ “તમારી સાથે રહીને મેં તમને આ બધું કહ્યું છે. ૨૬ પણ પિતા મારા નામે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એ તમને બધું શીખવશે અને મેં કહેલી બધી વાતો તમને યાદ અપાવશે.+ ૨૭ તમે મારી સાથે જે શાંતિનો આનંદ માણો છો, એ હું તમને આપતો રહીશ.+ દુનિયા આપે છે એ રીતે હું તમને શાંતિ આપતો નથી. તમારાં દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ. ૨૮ મેં જે કહ્યું એ તમે સાંભળ્યું છે: ‘હું જાઉં છું અને તમારી પાસે પાછો આવીશ.’ જો તમને મારા પર પ્રેમ હશે તો તમે ખુશ થશો કે હું પિતા પાસે જાઉં છું, કેમ કે પિતા મારા કરતાં મહાન છે.+ ૨૯ મેં તમને એ વિશે પહેલેથી જણાવ્યું છે, જેથી એમ થાય ત્યારે તમે માનો.+ ૩૦ હવે પછી હું તમારી સાથે વધારે વાત કરીશ નહિ, કેમ કે આ દુનિયાનો શાસક+ આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.*+ ૩૧ પણ દુનિયાને જાણ થાય કે હું પિતા પર પ્રેમ રાખું છું, એ માટે હું પિતાની આજ્ઞા પ્રમાણે જ કરું છું.+ ચાલો ઊઠો, આપણે અહીંથી જઈએ.

૧૫ “હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. ૨ મારી જે ડાળીને ફળ આવતાં નથી, એને તે કાપી નાખે છે. પણ જે ડાળીને ફળ આવે છે, એને તે કાપકૂપ* કરે છે, જેથી એ ડાળી વધારે ફળ આપે.+ ૩ મેં તમને જે વાતો જણાવી છે, એના લીધે તમે અગાઉથી જ શુદ્ધ છો.+ ૪ મારી સાથે એકતામાં રહો અને હું તમારી સાથે એકતામાં રહીશ. દ્રાક્ષાવેલાથી અલગ રહીને ડાળી ફળ આપી શકતી નથી. જો તમે મારી સાથે એકતામાં નહિ રહો, તો તમે પણ ફળ* આપી નહિ શકો.+ ૫ હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારી સાથે એકતામાં રહે છે અને જેની સાથે હું એકતામાં રહું છું, તે ઘણાં ફળ આપે છે.+ મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. ૬ જે મારી સાથે એકતામાં રહેતો નથી, તે કાપી નંખાયેલી ડાળી જેવો છે. એ સુકાઈ જાય છે. લોકો એવી ડાળીઓ ભેગી કરે છે અને આગમાં બાળી નાખે છે. ૭ જો તમે મારી સાથે એકતામાં રહેશો અને મારી વાતો તમારાં દિલમાં રાખશો, તો તમે જે કંઈ ચાહો અને માંગો એ પ્રમાણે જરૂર થશે.+ ૮ તમે ઘણાં ફળ આપતા રહો અને પોતાને મારા શિષ્યો સાબિત કરો, એમાં મારા પિતાને મહિમા મળે છે.+ ૯ જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે,+ તેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમમાં રહો. ૧૦ જેમ હું પિતાની આજ્ઞાઓ પાળું છું અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.

૧૧ “મેં તમને આ વાતો જણાવી, જેથી મને જે ખુશી મળી છે એ તમને પણ મળે.+ ૧૨ મારી આજ્ઞા એ છે કે જેમ મેં તમને પ્રેમ કર્યો, તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+ ૧૩ મિત્રો માટે પોતાનો જીવ આપી દેવો, એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી.+ ૧૪ હું જે આજ્ઞાઓ આપું છું, એ જો તમે પાળો તો તમે મારા મિત્રો છો.+ ૧૫ હવેથી હું તમને દાસ કહેતો નથી, કારણ કે દાસ જાણતો નથી કે પોતાનો માલિક શું કરે છે. પણ હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું એ બધું જ તમને જણાવ્યું છે. ૧૬ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. મેં તમને પસંદ કર્યા છે કે તમે જઈને ફળ આપતા રહો. તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ માંગો એ પિતા તમને આપે.+

૧૭ “હું તમને એ બધું કરવાની આજ્ઞા આપું છું, જેથી તમે એકબીજા પર પ્રેમ રાખો.+ ૧૮ જો દુનિયા તમારો ધિક્કાર કરે, તો ભૂલતા નહિ કે એણે તમારા પહેલાં મારો ધિક્કાર કર્યો છે.+ ૧૯ જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. પણ તમે દુનિયાના નથી+ અને મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે. એટલે દુનિયા તમને ધિક્કારે છે.+ ૨૦ મેં તમને જે કહ્યું હતું એ યાદ રાખો: દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.+ જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે. ૨૧ તમે મારા શિષ્યો છો એટલે* તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ ઓળખતા નથી.+ ૨૨ જો હું આવ્યો ન હોત અને તેઓને જણાવ્યું ન હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત.+ પણ હવે તેઓનાં પાપ માટે તેઓ પાસે કોઈ બહાનું નથી.+ ૨૩ જે કોઈ મને ધિક્કારે છે, તે મારા પિતાને પણ ધિક્કારે છે.+ ૨૪ મેં તેઓ વચ્ચે એવાં કામો કર્યાં, જે કોઈએ નથી કર્યાં. જો એ કામો મેં ન કર્યાં હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત.+ પણ હવે તેઓએ મને જોયો છે અને મારો ધિક્કાર કર્યો છે. તેઓએ મારા પિતાનો પણ ધિક્કાર કર્યો છે. ૨૫ આ એટલા માટે બન્યું કે તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું પૂરું થાય: ‘તેઓએ વિના કારણે મારો ધિક્કાર કર્યો.’+ ૨૬ હું પિતા પાસેથી તમારા માટે સહાયક મોકલીશ, એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ જે પિતા પાસેથી આવે છે. એ મારા વિશે સાક્ષી આપશે.+ ૨૭ તમે પણ મારા વિશે સાક્ષી આપશો,+ કારણ કે તમે શરૂઆતથી મારી સાથે છો.

૧૬ “મેં તમને એ બધું જણાવ્યું છે, જેથી તમે ઠોકર ન ખાઓ. ૨ લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.+ અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનારા લોકોને+ લાગશે કે પોતે ઈશ્વરની પવિત્ર સેવા કરે છે. ૩ તેઓ એવું કરશે, કારણ કે તેઓ પિતાને કે મને ઓળખતા નથી.+ ૪ મેં તમને આ વાતો જણાવી, જેથી એ બધું થવાનો સમય આવે ત્યારે તમને યાદ હોય કે મેં એ વિશે જણાવ્યું હતું.+

“મેં તમને આ વાતો અગાઉ જણાવી ન હતી, કારણ કે હું તમારી સાથે હતો. ૫ હવે હું મને મોકલનારની પાસે જાઉં છું.+ તોપણ તમારામાંથી કોઈ મને પૂછતું નથી કે ‘તમે ક્યાં જાઓ છો?’ ૬ મેં તમને એ વાતો જણાવી હોવાથી, તમારાં દિલ શોકમાં ડૂબી ગયાં છે.+ ૭ હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જાઉં છું. હું ન જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહિ. જો હું જાઉં તો સહાયકને+ તમારી પાસે મોકલીશ. ૮ જ્યારે સહાયક આવશે ત્યારે દુનિયાને પાપ વિશે, ઈશ્વરનાં ખરાં ધોરણો વિશે અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવતા આ પુરાવા આપશે: ૯ પહેલા તો પાપ વિશે,+ કેમ કે દુનિયા મારા પર શ્રદ્ધા રાખતી નથી.+ ૧૦ પછી ઈશ્વરનાં ખરાં ધોરણો વિશે, કેમ કે હું પિતા પાસે જાઉં છું અને હવેથી તમે મને જોશો નહિ. ૧૧ એ પછી ન્યાયચુકાદા વિશે, કેમ કે આ દુનિયાના શાસકનો ન્યાય કરવામાં આવ્યો છે.+

૧૨ “મારે તમને હજુ ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે એ સમજી શકો એમ નથી. ૧૩ જ્યારે સહાયક એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ તમારા પર આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે. તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે. તે ભવિષ્યમાં થનાર વાતો તમારી આગળ જાહેર કરશે.+ ૧૪ તે મને મહિમા આપશે,+ કેમ કે તે મારી પાસેથી સાંભળેલી વાતો તમારી આગળ જાહેર કરશે.+ ૧૫ પિતા પાસે જે બધું છે એ મારું છે.+ એટલે મેં કહ્યું કે એ સહાયક મારી પાસેથી સાંભળેલી વાતો તમારી આગળ જાહેર કરશે. ૧૬ થોડા સમય પછી તમે મને જોશો નહિ+ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.”

૧૭ એ સાંભળીને તેમના અમુક શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા: “તે કહે છે કે ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.’ તે એવું પણ કહે છે કે ‘હું પિતા પાસે જાઉં છું.’ તે કેમ એવું કહે છે?” ૧૮ તેઓ કહેવા લાગ્યા: “તે ‘થોડા સમય પછી’ કહે છે એનો શું અર્થ થાય? તે શાની વાત કરે છે એ સમજાતું નથી.” ૧૯ ઈસુ સમજી ગયા કે તેઓ તેમને સવાલ પૂછવા માંગે છે. તેમણે શિષ્યોને કહ્યું: “મેં તમને જણાવ્યું કે ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.’ શું તમે એ વિશે જાણવા એકબીજાને પૂછો છો? ૨૦ હું તમને સાચે જ કહું છું કે તમે રડશો અને વિલાપ કરશો, પણ દુનિયા આનંદ કરશે. તમે શોક કરશો, પણ તમારો શોક ખુશીમાં બદલાઈ જશે.+ ૨૧ પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કેમ કે બાળકને જન્મ આપવાનો સમય આવ્યો છે. પણ બાળકને જન્મ આપ્યા પછી તે વેદના ભૂલી જાય છે. દુનિયામાં બાળક આવ્યું એની તેને ઘણી ખુશી થાય છે. ૨૨ એ જ પ્રમાણે તમે પણ હમણાં શોકમાં છો. પણ હું તમને ફરીથી મળીશ ત્યારે તમારાં દિલ ખુશ થશે.+ કોઈ તમારી ખુશી છીનવી લેશે નહિ. ૨૩ એ દિવસે તમે મને એક પણ સવાલ પૂછશો નહિ. હું તમને સાચે જ કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો,+ તો તે તમને મારા નામમાં એ આપશે.+ ૨૪ હમણાં સુધી તમે મારા નામમાં એક પણ વસ્તુ માંગી નથી. માંગો અને તમને મળશે, જેથી તમારી ખુશીનો પાર ન રહે.

૨૫ “આ વાતો મેં તમને ઉદાહરણોમાં કહી છે. એવી ઘડી આવી રહી છે, જ્યારે હું તમને ઉદાહરણોમાં કહીશ નહિ, પણ હું પિતા વિશે તમને સાફ સાફ જણાવીશ. ૨૬ એ દિવસે તમે મારા નામમાં પિતાને વિનંતી કરશો. મારા કહેવાનો અર્થ એવો નથી કે હું તમારા માટે વિનંતી કરીશ. ૨૭ પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે+ અને ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે.+ ૨૮ હું પિતા પાસેથી દુનિયામાં આવ્યો છું. હવે હું આ દુનિયા છોડીને પિતા પાસે જાઉં છું.”+

૨૯ શિષ્યોએ કહ્યું: “જુઓ! હવે તમે ઉદાહરણોમાં નહિ, પણ સાફ સાફ કહો છો. ૩૦ હવે અમને ખબર પડી કે અમારે સવાલ પૂછવાની જરૂર નથી, કેમ કે તમે બધું જ જાણો છો. અમે માનીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.” ૩૧ ઈસુએ તેઓને કહ્યું: “હવે તો માનો છો ને? ૩૨ જુઓ! એવી ઘડી આવી રહી છે અને હવે આવી પહોંચી છે, જ્યારે તમે બધા વિખેરાઈને પોતપોતાનાં ઘરે ચાલ્યા જશો. તમે મને એકલો છોડી દેશો.+ પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.+ ૩૩ મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારામાં તમને શાંતિ મળે.+ દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!”+

૧૭ એ વાતો કહીને ઈસુએ આકાશ તરફ નજર કરીને કહ્યું: “હે પિતા, સમય આવી ગયો છે. તમારા દીકરાને મહિમા આપો, જેથી તમારો દીકરો તમને મહિમા આપે.+ ૨ તમે દીકરાને બધા લોકો પર અધિકાર આપ્યો છે,+ જેથી તમે સોંપેલા લોકોને+ તે હંમેશ માટેનું જીવન આપે.+ ૩ હંમેશ માટેનું જીવન+ મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે*+ અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને પણ ઓળખે.+ ૪ તમે જે કામ મને સોંપ્યું હતું, એ પૂરું કરીને+ મેં તમને પૃથ્વી પર મહિમા આપ્યો છે.+ ૫ હે પિતા, તમારી સાથે મને એવો મહિમા આપો, જેવો મહિમા દુનિયાની શરૂઆત પહેલાં મને તમારી સાથે રહીને મળ્યો હતો.+

૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.+ તેઓ તમારા હતા અને તેઓને તમે જ મને આપ્યા છે. તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે. ૭ હવે તેઓ જાણે છે કે તમે જે બધું મને આપ્યું છે, એ તમારી પાસેથી છે. ૮ તમે જે વાતો મને જણાવી, એ મેં તેઓને જણાવી છે.+ તેઓએ એનો સ્વીકાર કર્યો છે. તેઓ ચોક્કસ જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું.+ તેઓ માને છે કે તમે મને મોકલ્યો છે.+ ૯ હું તેઓ માટે વિનંતી કરું છું. હું દુનિયા માટે નહિ, પણ તમે મને જે લોકો આપ્યા છે તેઓ માટે વિનંતી કરું છું, કારણ કે તેઓ તમારા છે. ૧૦ મારું બધું એ તમારું છે, તમારું એ મારું છે+ અને તેઓ વચ્ચે મને મહિમા મળ્યો છે.

૧૧ “હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પણ તેઓ દુનિયામાં રહેવાના છે.+ હે પવિત્ર પિતા, મને આપેલા તમારા નામને* લીધે તેઓનું ધ્યાન રાખજો.+ એ માટે કે જેમ આપણે એક* છીએ તેમ તેઓ પણ એક થાય.+ ૧૨ હું તેઓની સાથે હતો ત્યાં સુધી, મને આપેલા તમારા નામને લીધે મેં તેઓનું ધ્યાન રાખ્યું હતું.+ મેં તેઓનું રક્ષણ કર્યું છે. વિનાશના દીકરા+ સિવાય તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી,+ જેથી શાસ્ત્રવચન પૂરું થાય.+ ૧૩ હવે હું તમારી પાસે આવું છું. હું હજુ આ દુનિયામાં છું ત્યારે આ બધું કહું છું, જેથી મારા આનંદથી તેઓ ભરપૂર થાય.+ ૧૪ મેં તેઓને તમારો સંદેશો જણાવ્યો છે. પણ દુનિયા તેઓને ધિક્કારે છે, કારણ કે જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ દુનિયાના નથી.+

૧૫ “દુનિયામાંથી તેઓને લઈ લેવાની હું તમને વિનંતી કરતો નથી, પણ શેતાનથી* તેઓનું રક્ષણ કરવાની વિનંતી કરું છું.+ ૧૬ જેમ હું દુનિયાનો નથી,+ તેમ તેઓ પણ દુનિયાના નથી.+ ૧૭ સત્યથી તેઓને પવિત્ર* કરો.+ તમારાં વચનો સત્ય છે.+ ૧૮ જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.+ ૧૯ હું તેઓ માટે પોતાને પવિત્ર રાખું છું, જેથી તેઓ પણ સત્યથી પવિત્ર થાય.

૨૦ “હું ફક્ત આ લોકો માટે જ વિનંતી કરતો નથી, પણ તેઓનો સંદેશો સાંભળીને જે કોઈ મારા પર શ્રદ્ધા મૂકે, તેઓ માટે પણ વિનંતી કરું છું. ૨૧ આમ તેઓ બધા એક થાય.+ હે પિતા, જેમ તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું,+ તેમ તેઓ પણ આપણી સાથે એકતામાં રહે. એના લીધે દુનિયા માનશે કે તમે મને મોકલ્યો છે. ૨૨ તમે મને જે મહિમા આપ્યો છે એ મેં તેઓને આપ્યો છે. એ માટે કે જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય.+ ૨૩ હું તેઓ સાથે એકતામાં છું અને તમે મારી સાથે એકતામાં છો, જેથી તેઓ પૂરેપૂરી રીતે એક થાય.* એનાથી દુનિયાને ખબર પડશે કે તમે મને મોકલ્યો છે. તમે જેમ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓ પર પ્રેમ રાખ્યો છે. ૨૪ હે પિતા, હું ચાહું છું કે જ્યાં હું છું ત્યાં તમે મને આપેલા લોકો પણ હોય.+ એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો* એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.+ ૨૫ હે ન્યાયી પિતા, દુનિયા ખરેખર તમને ઓળખતી નથી,+ પણ હું તમને ઓળખું છું.+ આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. ૨૬ મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ.+ એ માટે કે જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે, એવો પ્રેમ તેઓમાં પણ રહે અને હું તેઓની સાથે એકતામાં રહું.”+

૧૮ એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સાથે કિદ્રોન ખીણની*+ પેલે પાર આવેલા બાગમાં ગયા.+ ૨ દગો દેનાર યહૂદાને પણ આ જગ્યાની ખબર હતી, કેમ કે ઈસુ પોતાના શિષ્યો સાથે ઘણી વાર ત્યાં જતા હતા. ૩ એટલે યહૂદા ત્યાં સૈનિકોની ટુકડી, મુખ્ય યાજકો અને ફરોશીઓના અધિકારીઓને લઈને આવ્યો. તેઓ મશાલો, દીવાઓ અને હથિયારો લઈને આવ્યા.+ ૪ ઈસુ જાણતા હતા કે પોતાના પર શું વીતવાનું છે. એટલે તેમણે આગળ આવીને તેઓને પૂછ્યું: “તમે કોને શોધો છો?” ૫ તેઓએ કહ્યું: “નાઝરેથના+ ઈસુને.” તેમણે કહ્યું: “હું જ તે છું.” તેમને દગો દેનાર યહૂદા પણ એ લોકો સાથે ઊભો હતો.+

૬ ઈસુએ જ્યારે કહ્યું કે “હું જ તે છું,” ત્યારે તેઓ પાછા હટી ગયા અને જમીન પર પડ્યા.+ ૭ ઈસુએ ફરીથી પૂછ્યું: “તમે કોને શોધો છો?” તેઓએ કહ્યું: “નાઝરેથના ઈસુને.” ૮ ઈસુએ કહ્યું: “મેં તમને જણાવ્યું કે હું જ તે છું. જો તમે મને શોધતા હો, તો આ માણસોને જવા દો.” ૯ આ રીતે તેમણે કહેલા શબ્દો પૂરા થયા: “તમે મને જે લોકો આપ્યા હતા, તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.”+

૧૦ સિમોન પિતર પાસે તલવાર હતી. તેણે એ ખેંચી કાઢીને પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.+ એ ચાકરનું નામ માલ્ખસ હતું. ૧૧ ઈસુએ પિતરને કહ્યું: “તલવાર પાછી મ્યાનમાં મૂકી દે.+ શું પિતાએ મને આપેલો પ્યાલો* મારે પીવો ન જોઈએ?”+

૧૨ પછી સૈનિકોએ, સેનાપતિએ અને યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમના હાથ બાંધી દીધા. ૧૩ તેઓ પહેલા તેમને અન્‍નાસને ત્યાં લઈ ગયા, કેમ કે એ વર્ષના પ્રમુખ યાજક+ કાયાફાસનો+ તે સસરો હતો. ૧૪ આ એ જ કાયાફાસ હતો, જેણે યહૂદીઓને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસનું મરણ થાય એ તેઓના ફાયદામાં છે.+

૧૫ સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા.+ એ શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હોવાથી, ઈસુ સાથે પ્રમુખ યાજકના આંગણામાં ગયો. ૧૬ પણ પિતર બહાર દરવાજા પાસે ઊભો રહ્યો. જે શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે બહાર ગયો અને ચોકી કરતી દાસી સાથે વાત કરીને પિતરને અંદર લઈ આવ્યો. ૧૭ એ દાસીએ પિતરને કહ્યું: “તું પણ એ માણસનો શિષ્ય છે ને?” પિતરે કહ્યું: “ના, હું નથી.”+ ૧૮ ઠંડી હોવાથી ચાકરો અને અધિકારીઓ તાપણું કરીને એની ફરતે ઊભાં ઊભાં તાપતા હતા. પિતર પણ તેઓ સાથે ઊભો હતો અને તાપતો હતો.

૧૯ મુખ્ય યાજકે ઈસુને તેમના શિષ્યો અને તેમના શિક્ષણ વિશે સવાલ પૂછ્યા. ૨૦ ઈસુએ જવાબ આપ્યો: “હું દુનિયા આગળ જાહેરમાં બોલ્યો છું. મેં હંમેશાં સભાસ્થાનમાં અને મંદિરમાં શીખવ્યું છે,+ જ્યાં બધા યહૂદીઓ ભેગા મળે છે. મેં ખાનગીમાં કંઈ જણાવ્યું નથી. ૨૧ તમે મને સવાલ કેમ પૂછો છો? મને સાંભળનારા લોકોને જઈને પૂછો. મેં તેઓને જે કહ્યું હતું, એ તેઓ જાણે છે.” ૨૨ ઈસુએ એ કહ્યું ત્યારે, બાજુમાં ઊભેલા એક અધિકારીએ તેમના ગાલ પર તમાચો માર્યો+ અને કહ્યું: “શું મુખ્ય યાજક સાથે આ રીતે વાત કરાય?” ૨૩ ઈસુએ તેને કહ્યું: “જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો એ સાબિત કર. પણ જો મારી વાત સાચી હોય તો તું મને કેમ મારે છે?” ૨૪ પછી અન્‍નાસે તેમને પ્રમુખ યાજક કાયાફાસ પાસે મોકલી દીધા.+ હજુ ઈસુના હાથ બાંધેલા હતા.

૨૫ સિમોન પિતર ત્યાં ઊભો ઊભો તાપતો હતો. તેઓએ તેને કહ્યું: “તું પણ તેના શિષ્યોમાંનો એક છે ને?” પિતરે ના પાડતા કહ્યું: “હું એ નથી.”+ ૨૬ પિતરે જે માણસનો કાન કાપી નાખ્યો હતો, તેનો એક સગો ત્યાં હતો. તે પ્રમુખ યાજકનો ચાકર હતો.+ એ ચાકરે કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” ૨૭ પિતરે ફરીથી ના પાડી અને તરત જ કૂકડો બોલ્યો.+

૨૮ પછી ઈસુને કાયાફાસ પાસેથી રાજ્યપાલના ઘરે લઈ જવામાં આવ્યા+ ત્યારે વહેલી સવાર થઈ ગઈ હતી. પણ યહૂદીઓ રાજ્યપાલના ઘરની અંદર ગયા નહિ, જેથી તેઓ અશુદ્ધ ન થાય+ અને પાસ્ખાના તહેવારનું ભોજન ખાઈ શકે. ૨૯ પિલાતે તેઓ પાસે બહાર આવીને કહ્યું: “આ માણસ પર તમે કયો આરોપ મૂકો છો?” ૩૦ તેઓએ પિલાતને કહ્યું: “જો આ માણસ ગુનેગાર ન હોત, તો અમે તેને તમારા હાથમાં સોંપ્યો ન હોત.” ૩૧ પિલાતે કહ્યું: “તેને લઈ જાઓ અને તમારા નિયમ પ્રમાણે તેનો ન્યાય કરો.”+ યહૂદીઓએ કહ્યું: “નિયમ પ્રમાણે કોઈને મારી નાખવાની અમને છૂટ નથી.”+ ૩૨ ઈસુએ કહેલા શબ્દો પૂરા થાય એ માટે આવું બન્યું. તેમણે અગાઉથી જણાવ્યું હતું કે પોતાનું મરણ કઈ રીતે થશે.+

૩૩ પિલાત પાછો પોતાના ઘરમાં ગયો. તેણે ઈસુને બોલાવીને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?”+ ૩૪ ઈસુએ જવાબ આપ્યો: “શું તમે પોતે આ પૂછો છો કે પછી બીજાઓએ તમને મારા વિશે જણાવ્યું છે?” ૩૫ પિલાતે કહ્યું: “શું હું યહૂદી છું? તારી પોતાની પ્રજાએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?” ૩૬ ઈસુએ કહ્યું:+ “મારું રાજ્ય આ દુનિયાનું નથી.+ જો મારું રાજ્ય આ દુનિયાનું હોત તો મારા સેવકો લડ્યા હોત, જેથી યહૂદીઓ મને પકડી ન લે.+ પણ મારું રાજ્ય આ દુનિયાનું નથી.” ૩૭ પિલાતે પૂછ્યું: “તો પછી શું તું રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો કે હું રાજા છું.+ હું સત્યની સાક્ષી આપવા જ જન્મ્યો છું.+ એ માટે જ હું દુનિયામાં આવ્યો છું. જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.” ૩૮ પિલાતે તેમને પૂછ્યું: “સત્ય શું છે?”

એમ કહીને પિલાત ફરીથી યહૂદીઓ પાસે બહાર ગયો અને તેઓને કહ્યું: “મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.+ ૩૯ તમારો રિવાજ છે કે પાસ્ખાના તહેવારે મારે એક કેદીને છોડી મૂકવો.+ શું તમે ચાહો છો કે હું યહૂદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?” ૪૦ તેઓએ ફરીથી બૂમ પાડી: “આ માણસને નહિ, પણ બારાબાસને છોડી દો!” બારાબાસ તો લુટારો હતો.+

૧૯ પછી પિલાત ઈસુને લઈ ગયો અને તેમને કોરડા મરાવ્યા.+ ૨ સૈનિકોએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. તેઓએ તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો.+ ૩ તેઓ તેમની પાસે આવીને કહેતા: “હે યહૂદીઓના રાજા, સલામ!”* તેઓ તેમના ગાલ પર તમાચા મારતા.+ ૪ પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું: “જુઓ! હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમે જાણો કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.”+ ૫ ઈસુ બહાર આવ્યા. તેમના માથા પર કાંટાનો મુગટ હતો. તેમણે જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરેલો હતો. પિલાતે લોકોને કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!” ૬ પણ મુખ્ય યાજકોએ અને અધિકારીઓએ તેમને જોઈને બૂમો પાડી: “તેને વધસ્તંભે ચઢાવો! તેને વધસ્તંભે ચઢાવો!”+ પિલાતે તેઓને કહ્યું: “તમે પોતે તેને વધસ્તંભે ચઢાવીને મારી નાખો. મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.”+ ૭ યહૂદીઓએ કહ્યું: “અમારી પાસે નિયમ છે અને નિયમ પ્રમાણે તેણે મરવું જ જોઈએ,+ કારણ કે તે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે છે.”+

૮ તેઓની વાત સાંભળીને પિલાત હજુ વધારે ગભરાયો. ૯ તે ફરીથી પોતાના ઘરમાં ગયો અને ઈસુને પૂછ્યું: “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહિ.+ ૧૦ એટલે પિલાતે પૂછ્યું: “શું તું મને કોઈ જવાબ નહિ આપે? શું તને ખબર નથી કે મારી પાસે તને છોડી મૂકવાનો અને તને મારી નાખવાનો* પણ અધિકાર છે?” ૧૧ ઈસુએ કહ્યું: “જો સ્વર્ગમાંથી તમને અધિકાર મળ્યો ન હોત, તો તમને મારા પર કોઈ જ અધિકાર ન હોત. એટલે જે માણસે મને તમારા હાથમાં સોંપ્યો છે, તેનું પાપ ઘણું મોટું છે.”

૧૨ એ કારણે પિલાત તેમને છોડી મૂકવાનો રસ્તો શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ બૂમો પાડી: “જો તમે આ માણસને છોડી મૂકશો, તો તમે સમ્રાટના* મિત્ર નથી. જે કોઈ પોતે રાજા હોવાનો દાવો કરે છે, તે સમ્રાટની વિરુદ્ધ બોલે છે.”*+ ૧૩ આ શબ્દો સાંભળીને પિલાત ઈસુને બહાર લઈ આવ્યો. પછી તે ન્યાયાસન પર બેઠો, જે પથ્થરની ફરસ* તરીકે ઓળખાતી જગ્યાએ હતું. એ જગ્યા હિબ્રૂમાં ગબ્બથા કહેવાય છે. ૧૪ એ દિવસ પાસ્ખાની તૈયારીનો+ હતો. બપોરના આશરે ૧૨ વાગ્યા હતા.* તેણે યહૂદીઓને કહ્યું: “જુઓ, તમારો રાજા!” ૧૫ પણ તેઓએ બૂમો પાડી: “તેને લઈ જાઓ! તેને લઈ જાઓ! તેને વધસ્તંભે ચઢાવો!” પિલાતે તેઓને કહ્યું: “શું હું તમારા રાજાને વધસ્તંભે ચઢાવું?” મુખ્ય યાજકોએ કહ્યું: “સમ્રાટ સિવાય અમારો બીજો કોઈ રાજા નથી.” ૧૬ એટલે તેણે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

તેઓ ઈસુને લઈ ગયા. ૧૭ ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરી તરીકે ઓળખાતી જગ્યાએ ગયા.+ એ જગ્યા હિબ્રૂમાં ગલગથા કહેવાય છે.+ ૧૮ ત્યાં તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા.+ તેમની આસપાસ બે માણસોને પણ જડી દીધા. ઈસુ વચ્ચે હતા અને તેમની બંને બાજુએ એક એક માણસ હતો.+ ૧૯ પિલાતે એક તકતી પર લખાણ કરાવીને વધસ્તંભ પર લગાવી, જેમાં લખ્યું હતું: “નાઝરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.”+ ૨૦ એ લખાણ ઘણા યહૂદીઓએ વાંચ્યું, કારણ કે જે જગ્યાએ ઈસુને વધસ્તંભે ખીલાથી જડ્યા હતા, એ શહેરની પાસે હતી. એ લખાણ હિબ્રૂ, લૅટિન અને ગ્રીકમાં હતું. ૨૧ યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું: “‘યહૂદીઓનો રાજા’ એવું લખશો નહિ. પણ એવું લખો કે તેણે કહ્યું, ‘હું યહૂદીઓનો રાજા છું.’” ૨૨ પિલાતે કહ્યું: “મેં જે લખ્યું એ લખ્યું.”

૨૩ સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલાથી જડી દીધા પછી તેમનાં કપડાં લઈ લીધાં. તેઓએ એના ચાર ભાગ કરીને એક એક ભાગ લઈ લીધો. તેઓએ તેમનો અંદરનો ઝભ્ભો પણ લઈ લીધો. એ ઝભ્ભો કોઈ સાંધા વગરનો હતો, એ ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો. ૨૪ તેઓએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ* નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.”+ આવું એ માટે થયું, જેથી આ શાસ્ત્રવચન પૂરું થાય: “તેઓએ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને તેઓએ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખી.”+ આ સૈનિકોએ એવું જ કર્યું હતું.

૨૫ ઈસુના વધસ્તંભ પાસે તેમની મા,+ માસી, ક્લોપાસની પત્ની મરિયમ અને મરિયમ માગદાલેણ+ ઊભી હતી. ૨૬ ઈસુએ પોતાની મા અને પોતાના વહાલા શિષ્યને+ પાસે ઊભેલા જોયા. એટલે તેમણે પોતાની માને કહ્યું: “મા, હવેથી તે તારો દીકરો છે.” ૨૭ તેમણે એ શિષ્યને કહ્યું: “તે હવેથી તારી મા છે.” એટલે એ શિષ્ય મરિયમને પોતાના ઘરે રહેવા લઈ ગયો.

૨૮ ઈસુએ જોયું કે બધાં કામ હવે પૂરાં થયાં છે. શાસ્ત્રવચન પૂરું થાય એ માટે તેમણે કહ્યું: “મને તરસ લાગી છે.”+ ૨૯ ત્યાં ખાટો દ્રાક્ષદારૂ ભરેલી બરણી હતી. તેઓએ ખાટા દ્રાક્ષદારૂમાં વાદળી* બોળી. એ વાદળી મરવો છોડની* ડાળી પર મૂકીને તેમના મોં પાસે લઈ ગયા.+ ૩૦ ઈસુએ ખાટો દ્રાક્ષદારૂ ચાખ્યા પછી કહ્યું: “બધું પૂરું થયું છે!”+ તે માથું નમાવીને મરણ પામ્યા.+

૩૧ એ તૈયારીનો દિવસ હતો.+ યહૂદીઓ ચાહતા ન હતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર શબ રહે+ (કેમ કે એ મોટો સાબ્બાથ* હતો).+ એટલે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે વધસ્તંભે જડી દીધેલા માણસોના પગ ભાંગીને તેઓનાં શબ ઉતારી લેવામાં આવે. ૩૨ એટલે સૈનિકોએ આવીને ઈસુની આજુબાજુ વધસ્તંભે જડી દીધેલા બંને માણસોના પગ ભાંગી નાખ્યા. ૩૩ સૈનિકો ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને મરેલા જોયા. એટલે તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ. ૩૪ પણ એક સૈનિકે ઈસુના પડખામાં ભાલો ઘોંચ્યો+ કે તરત લોહી અને પાણી નીકળ્યાં. ૩૫ જેણે એ જોયું, તેણે આ સાક્ષી આપી છે અને તેની સાક્ષી સાચી છે. તે જાણે છે કે પોતે જે કહે છે એ સાચું છે, જેથી તમે પણ એ વાત માનો.+ ૩૬ આ શાસ્ત્રવચન પૂરું થાય એ માટે આમ થયું: “તેમનું એક પણ હાડકું ભાંગવામાં નહિ આવે.”+ ૩૭ બીજું એક શાસ્ત્રવચન કહે છે: “જેને તેઓએ વીંધ્યો છે, તેને તેઓ જોશે.”+

૩૮ આ બધું થયા પછી અરિમથાઈનો યૂસફ પિલાત પાસે ગયો. તેણે ઈસુનું શબ લઈ જવાની રજા માંગી અને પિલાતે રજા આપી. એટલે તે આવીને ઈસુનું શબ લઈ ગયો.+ યૂસફ તો ઈસુનો શિષ્ય હતો, પણ યહૂદીઓથી બીતો હોવાથી+ એ વાત છુપાવતો હતો. ૩૯ નિકોદેમસ+ પણ આવ્યો, જે પહેલી વાર ઈસુને મળવા રાતે આવ્યો હતો. તે આશરે ૩૦ કિલોગ્રામ* બોળ* અને અગરનું* મિશ્રણ સાથે લઈને આવ્યો.+ ૪૦ પછી તેઓ ઈસુનું શબ લઈ ગયા અને યહૂદીઓની દફનવિધિ પ્રમાણે, એને સુગંધી દ્રવ્ય* લગાવીને શણનાં કપડાંમાં વીંટાળ્યું.+ ૪૧ ઈસુને જ્યાં વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા, ત્યાં એક બાગ હતો. એ બાગમાં એક નવી કબર હતી,+ જેમાં હજુ સુધી કોઈ પણ શબ મૂકવામાં આવ્યું ન હતું. ૪૨ એ દિવસ યહૂદીઓના તહેવારની તૈયારીનો દિવસ+ હતો. એ કબર નજીક હોવાથી તેઓએ ઈસુના શબને એ કબરમાં મૂક્યું.

૨૦ અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, મરિયમ માગદાલેણ કબર પાસે આવી.+ તેણે જોયું તો કબરના મુખ પરથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો.+ ૨ એટલે તે દોડતી દોડતી સિમોન પિતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલો હતો.+ તેણે તેઓને કહ્યું: “તેઓ માલિકને કબરમાંથી લઈ ગયા છે+ અને અમને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.”

૩ પિતર અને એ શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. ૪ બંને સાથે દોડવા લાગ્યા, પણ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડ્યો અને કબરે પહેલો પહોંચી ગયો. ૫ તેણે કબરમાં નમીને જોયું તો શણનાં કપડાં ત્યાં પડેલાં હતાં.+ પણ તે અંદર ગયો નહિ. ૬ તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો અને કબરની અંદર ગયો. તેણે ત્યાં શણનાં કપડાં પડેલાં જોયાં. ૭ ઈસુના માથા પર વીંટાળેલું કપડું બીજાં કપડાં સાથે ન હતું, પણ વાળીને એક બાજુ મૂકેલું હતું. ૮ પછી જે શિષ્ય કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો. તેણે એ જોયું અને જે કહેવામાં આવ્યું હતું, એના પર ભરોસો કર્યો. ૯ પણ ઈસુ મરણમાંથી જીવતા થશે, એ શાસ્ત્રવચન તેઓ હજુ સમજતા ન હતા.+ ૧૦ તેથી શિષ્યો પાછા પોતાનાં ઘરે ચાલ્યા ગયા.

૧૧ પણ મરિયમ હજુ કબરની બહાર ઊભી ઊભી રડતી હતી. તે રડતાં રડતાં નમીને કબરની અંદર જોવા લાગી. ૧૨ તેણે સફેદ કપડાંમાં બે દૂતોને જોયા.+ ઈસુનું શબ જે જગ્યાએ મૂક્યું હતું ત્યાં તેઓ બેઠા હતા. એક દૂત માથા તરફ અને એક દૂત પગ તરફ હતો. ૧૩ તેઓએ તેને કહ્યું: “તું કેમ રડે છે?” તેણે કહ્યું: “તેઓ મારા માલિકને લઈ ગયા છે. મને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.” ૧૪ એમ કહીને તે પાછળ ફરી તો તેણે ઈસુને ઊભેલા જોયા. પણ એ ઈસુ છે એવો તેને ખ્યાલ ન આવ્યો.+ ૧૫ ઈસુએ તેને પૂછ્યું: “તું કેમ રડે છે? તું કોને શોધે છે?” મરિયમને થયું કે તે માળી હશે. એટલે તેણે કહ્યું: “ભાઈ, જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને ક્યાં મૂક્યા છે. હું તેમને લઈ જઈશ.” ૧૬ ઈસુએ તેને કહ્યું: “મરિયમ!” તેણે પાછળ ફરીને હિબ્રૂમાં કહ્યું: “રાબ્બોની!” (જેનો અર્થ થાય, “ગુરુજી!”) ૧૭ ઈસુએ તેને કહ્યું: “મને પકડી ન રાખ, કેમ કે હું હમણાં પિતા પાસે ઉપર જઈ રહ્યો નથી. પણ મારા ભાઈઓ પાસે જા.+ તેઓને કહે કે ‘હું મારા પિતા+ અને તમારા પિતા, મારા ઈશ્વર+ અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું.’” ૧૮ એટલે મરિયમ માગદાલેણ શિષ્યો પાસે આવી અને તેઓને ખબર આપી: “મેં માલિકને જોયા છે!” ઈસુએ તેને જે કહ્યું હતું એ તેઓને જણાવ્યું.+

૧૯ હવે અઠવાડિયાના પહેલા દિવસની સાંજ ઢળી ચૂકી હતી. શિષ્યો યહૂદીઓની બીકને લીધે બારણાં બંધ કરીને ઘરમાં ભેગા થયા હતા. તોપણ ઈસુ તેઓની વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહ્યું: “તમને શાંતિ થાઓ.”+ ૨૦ આટલું કહીને તેમણે પોતાના હાથ અને પોતાનું પડખું તેઓને બતાવ્યાં.+ શિષ્યો માલિકને જોઈને બહુ ખુશ થયા.+ ૨૧ ઈસુએ ફરીથી તેઓને કહ્યું: “તમને શાંતિ થાઓ.+ જેમ પિતાએ મને મોકલ્યો છે,+ તેમ હું પણ તમને મોકલું છું.”+ ૨૨ એમ કહીને તેમણે તેઓ પર ફૂંક મારી અને કહ્યું: “પવિત્ર શક્તિ મેળવો.+ ૨૩ જો તમે કોઈનાં પાપ માફ કરો, તો એ માફ કરવામાં આવશે. જો તમે કોઈનાં પાપ માફ નહિ કરો, તો એ માફ કરવામાં નહિ આવે.”

૨૪ ઈસુ આવ્યા ત્યારે, બાર શિષ્યોમાંનો એક થોમા+ તેઓની સાથે ન હતો, જે જોડિયો કહેવાતો હતો. ૨૫ બીજા શિષ્યો તેને કહેવા લાગ્યા: “અમે માલિકને જોયા છે!” પણ તેણે કહ્યું: “જ્યાં સુધી હું તેમના હાથમાં ખીલાના નિશાન ન જોઉં, એમાં મારી આંગળી ન નાખું અને તેમના પડખામાં મારો હાથ ન નાખું,+ ત્યાં સુધી હું ભરોસો કરવાનો નથી.”

૨૬ આઠ દિવસ પછી તેમના શિષ્યો ફરીથી ઘરની અંદર હતા અને થોમા તેઓની સાથે હતો. બારણાં બંધ હોવા છતાં ઈસુ તેઓની વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહ્યું: “તમને શાંતિ થાઓ.”+ ૨૭ તેમણે થોમાને કહ્યું: “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો. તારો હાથ મારા પડખામાં નાખ. શંકા કરવાનું બંધ કર અને ભરોસો કર.” ૨૮ થોમાએ તેમને કહ્યું: “મારા માલિક, મારા ઈશ્વર!”* ૨૯ ઈસુએ કહ્યું: “શું તેં મને જોયો એટલે તું ભરોસો કરે છે? જેઓ જોયા વગર ભરોસો કરે છે, તેઓ સુખી છે!”

૩૦ ઈસુએ શિષ્યો આગળ બીજા ઘણા ચમત્કારો કર્યા હતા, જે આ વીંટામાં* લખેલા નથી.+ ૩૧ પણ જે લખવામાં આવ્યું એ એટલા માટે લખાયું, જેથી તમે શ્રદ્ધા મૂકો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને તે ઈશ્વરના દીકરા છે. આમ શ્રદ્ધા મૂકવાથી તેમના નામથી તમને જીવન મળે.+

૨૧ એ પછી ઈસુ તિબેરિયાસ સરોવર પાસે શિષ્યોને ફરીથી દેખાયા. એ આ પ્રમાણે બન્યું: ૨ ત્યાં સિમોન પિતર, થોમા (જે જોડિયો કહેવાતો),+ ગાલીલના કાના ગામનો નથાનિયેલ,+ ઝબદીના દીકરાઓ+ અને ઈસુના બીજા બે શિષ્યો હતા. ૩ સિમોન પિતરે તેઓને કહ્યું: “હું માછલીઓ પકડવા જાઉં છું.” તેઓએ તેને કહ્યું: “અમે પણ તારી સાથે આવીએ છીએ.” તેઓ બધા હોડીમાં નીકળ્યા, પણ આખી રાત તેઓના હાથમાં એક પણ માછલી આવી નહિ.+

૪ સવાર થઈ ત્યારે, ઈસુ સરોવર કિનારે ઊભા હતા. પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે એ ઈસુ છે.+ ૫ ઈસુએ તેઓને પૂછ્યું: “બાળકો, શું તમારી પાસે કંઈ ખાવાનું છે?”* તેઓએ કહ્યું: “ના!” ૬ તેમણે કહ્યું: “હોડીની જમણી બાજુ જાળ નાખો અને તમને થોડી માછલીઓ મળશે.” એટલે તેઓએ જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ એને ખેંચી ન શક્યા.+ ૭ ઈસુને જે શિષ્ય વહાલો હતો,+ તેણે પિતરને કહ્યું: “એ તો માલિક છે!” જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે એ માલિક છે, ત્યારે પોતે ઉઘાડો* હોવાથી તેણે ઝભ્ભો પહેરી લીધો. તે સરોવરમાં કૂદી પડ્યો. ૮ બીજા શિષ્યો નાની હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતાં ખેંચતાં આવ્યા. તેઓ કિનારાથી બહુ દૂર નહિ, ફક્ત ૯૦ મીટર* જેટલા અંતરે હતા.

૯ તેઓ કિનારે આવ્યા ત્યારે જોયું કે સળગતા કોલસા પર માછલીઓ મૂકેલી હતી અને રોટલી પણ હતી. ૧૦ ઈસુએ તેઓને કહ્યું: “હમણાં તમે જે માછલીઓ પકડી, એમાંથી થોડી અહીં લાવો.” ૧૧ એટલે સિમોન પિતર હોડીમાં ચઢીને જાળ કિનારે ખેંચી લાવ્યો. એમાં ૧૫૩ મોટી મોટી માછલીઓ હતી. એટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી નહિ. ૧૨ ઈસુએ તેઓને કહ્યું: “આવો, નાસ્તો કરી લો.” તે માલિક છે એ જાણતા હોવાથી, શિષ્યોમાંથી કોઈએ એવું પૂછવાની હિંમત ન કરી કે “તમે કોણ છો?” ૧૩ ઈસુએ રોટલી લઈને તેઓને આપી અને એવી જ રીતે માછલીઓ પણ આપી. ૧૪ મરણમાંથી જીવતા થયા પછી, ઈસુ આ ત્રીજી વાર+ શિષ્યોને દેખાયા હતા.

૧૫ તેઓએ નાસ્તો કર્યો એ પછી ઈસુએ સિમોન પિતરને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તેણે કહ્યું: “હા માલિક, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ તેને કહ્યું: “મારાં ઘેટાંને* ખવડાવ.”+ ૧૬ ઈસુએ તેને બીજી વાર પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું: “હા માલિક, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંની* સંભાળ રાખ.”+ ૧૭ ઈસુએ તેને ત્રીજી વાર પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તને મારા પર પ્રેમ છે?” પિતર બહુ દુઃખી થયો કે ઈસુએ તેને ત્રીજી વાર પૂછ્યું હતું, “તને મારા પર પ્રેમ છે?” તેણે કહ્યું: “માલિક, તમે બધું જાણો છો. તમને ખબર છે કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંને* ખવડાવ.+ ૧૮ તું યુવાન હતો ત્યારે, તારી જાતે કપડાં પહેરતો અને મન ફાવે ત્યાં જતો. પણ હું તને સાચે જ કહું છું કે તું ઘરડો થશે ત્યારે, તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ માણસ તને કપડાં પહેરાવશે. તારે જ્યાં જવું નહિ હોય ત્યાં તે લઈ જશે.” ૧૯ ઈસુ એમ સૂચવવા આવું કહેતા હતા કે પિતરને મારી નાખવામાં આવશે. પિતર અંત સુધી વફાદાર રહ્યા હોવાથી ઈશ્વરને મહિમા મળશે. પછી તેમણે પિતરને જણાવ્યું: “મારી પાછળ ચાલતો રહે.”+

૨૦ પિતરે ફરીને જોયું તો ઈસુનો વહાલો શિષ્ય પાછળ આવતો હતો.+ આ એ જ શિષ્ય હતો, જેણે સાંજના ભોજન સમયે ઈસુની છાતી તરફ નમીને પૂછ્યું હતું: “માલિક, તમને દગો દેનાર કોણ છે?” ૨૧ એ શિષ્યને જોઈને પિતરે ઈસુને પૂછ્યું: “માલિક, આ માણસનું શું થશે?” ૨૨ ઈસુએ તેને કહ્યું: “જો મારી ઇચ્છા હોય કે હું આવું ત્યાં સુધી તે રહે, તો એમાં તારે શું? તું મારી પાછળ ચાલતો રહે.” ૨૩ આમ ભાઈઓમાં વાત ફેલાઈ ગઈ કે આ શિષ્ય મરશે નહિ. ઈસુએ તેને એવું કહ્યું ન હતું કે તે મરશે નહિ, પણ એવું કહ્યું હતું: “જો મારી ઇચ્છા હોય કે હું આવું ત્યાં સુધી તે રહે, તો એમાં તારે શું?”

૨૪ આ એ જ શિષ્ય છે,+ જે આ બધા વિશે સાક્ષી આપે છે. તેણે જ આ બધી વાતો લખી છે. અમે જાણીએ છીએ કે તેની સાક્ષી ખરી છે.

૨૫ આમ તો ઈસુએ બીજાં ઘણાં કામ કર્યાં હતાં. જો એના વિશે બધી માહિતી નોંધવામાં આવે, તો મને લાગે છે કે એટલાં બધાં પુસ્તકો લખાય કે આખી દુનિયામાં નહિ સમાય.+

“શબ્દ” અહીં ઈસુ માટે ખિતાબ તરીકે વપરાયો છે. ઈસુ પૃથ્વી પરના સેવાકાર્ય પહેલાં, એ દરમિયાન અને એ પછી ઈશ્વરના મુખ્ય પ્રતિનિધિ હતા.—યોહ ૧:૧૪; પ્રક ૧૯:૧૩ સરખાવો.

મૂળ, “શરીરની ઇચ્છા.”

અથવા, “એકમાત્ર દીકરો જેનું સર્જન ઈશ્વરના હાથે થયું છે એને.”

અથવા, “અપાર કૃપાથી.” શબ્દસૂચિમાં “અપાર કૃપા” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “જે એક ઈશ્વર છે.”

અથવા, “જે પિતાની ગોદમાં છે.” અહીં તેમના પર ખાસ કૃપા હોવાની વાત થાય છે.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ચંપલની દોરી છોડવાને.”

અથવા, “હલવાન.” મૂળ, “ઘેટાનું બચ્ચું.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “આશરે દસમો કલાક હતો.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

શબ્દસૂચિ જુઓ.

કેફાસ અને પિતરનો અર્થ થાય, “ખડક.”

હિબ્રૂ, રાબ્બી.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “હે સ્ત્રી, મારે અને તારે શું?” આ કહેવત વાંધો ઉઠાવવાને રજૂ કરે છે. અહીં “સ્ત્રી” શબ્દ અપમાન બતાવતું નથી.

મૂળ, “બે કે ત્રણ માપ.” મોટે ભાગે પ્રવાહી માપ બાથ હતું. એક બાથ માપ એટલે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “વેપારની જગ્યા.”

હિબ્રૂ, રાબ્બી.

અથવા કદાચ, “સ્વર્ગથી જન્મ ન લે.”

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

હિબ્રૂ, રાબ્બી.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સાબિતી આપી છે.”

અથવા, “કંજૂસાઈથી.”

મૂળ, “માલિકને.”

અથવા, “ઝરા; ઝરણા.”

મૂળ, “આશરે છઠ્ઠો કલાક હતો.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જીવન આપનાર.”

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, રાબ્બી.

અથવા, “સાજો થયો છે.”

મૂળ, “સાતમા કલાકે.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

અથવા, “હાથ કે પગ સુકાઈ ગયા હોય એવા.”

વધારે માહિતી ક-૩ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “લાગણી.”

એટલે કે, ઈશ્વર જેઓને યાદ રાખે છે તેઓની કબર.

શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

બાઇબલમાં એને ગન્‍નેસરેત સરોવર અને તિબેરિયાસ સરોવર પણ કહેવામાં આવ્યું છે.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “આશરે ૨૫ કે ૩૦ સ્ટેડિયમ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

હિબ્રૂ, રાબ્બી.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ખેંચી ન લાવે.”

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “તમારામાં જીવન નથી.”

અથવા કદાચ, “લોકોનાં ટોળાં સામે.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “નિંદા કરનાર.”

અથવા, “ચાલવાનું.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, રાબ્બીઓની શાળાઓ.

મૂળ, “લખાણોનું.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

કેટલીક જૂની અને ભરોસાપાત્ર હસ્તપ્રતોમાં યોહ ૭:૫૩થી ૮:૧૧ કલમો નથી. વધારે માહિતી ક-૩ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

એટલે કે, તે ઈશ્વર વિશે જૂઠું બોલ્યો ત્યારથી.

હિબ્રૂ, રાબ્બી.

સભાસ્થાનમાંથી કાઢી મૂકવાનો અર્થ થતો, યહૂદી સમાજમાંથી નાત બહાર કરવું.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “એકતામાં છીએ.”

અથવા, “દેવો જેવા છો.”

હિબ્રૂ, રાબ્બી.

મૂળ, “આશરે ૧૫ સ્ટેડિયમ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, મંદિર.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મેજને અઢેલીને બેઠેલા.”

એટલે કે, રોમન સમયનું એક શેર. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

માનવામાં આવે છે કે આ સુગંધી તેલ, હિમાલયના પર્વતોમાં થતા એક ખુશબોદાર છોડમાંથી બનાવવામાં આવતું હતું. શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “મબલક પાક આપે છે.”

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

અથવા, “તે જ મારી વિરુદ્ધ થયો છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “દિલાસો આપનાર.” અહીં પવિત્ર શક્તિનું સંબોધન વ્યક્તિ તરીકે થયું છે.

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

અથવા, “શોકમાં ડૂબેલા; અનાથ.”

અથવા, “મારા પર તેનું કોઈ જોર ચાલતું નથી.”

મૂળ, “શુદ્ધ.”

દેખીતું છે, એ સારાં કામોને રજૂ કરે છે.

મૂળ, “મારા નામને લીધે.”

અથવા, “જ્ઞાન લેતા રહે.”

ઈસુ નામનો અર્થ થાય, “યહોવા તારણ છે.”

અથવા, “એકતામાં.”

મૂળ, “દુષ્ટથી.”

અથવા, “અલગ.”

અથવા, “સંપૂર્ણ રીતે એકતામાં આવે.”

આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

અથવા, “કિદ્રોન નાળાની.”

“પ્યાલો,” ઈશ્વરની નિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને રજૂ કરે છે.

અથવા, “જય હો.”

અથવા, “તને વધસ્તંભે મારી નાખવાનો.”

મૂળ, “કાઈસારના.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

અથવા, “સમ્રાટનો વિરોધ કરે છે.”

એટલે કે, પથ્થર જડેલી જગ્યા.

મૂળ, “આશરે છઠ્ઠો કલાક હતો.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સ્પંજ.”

શબ્દસૂચિ જુઓ.

બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ હંમેશાં સાબ્બાથ ગણાતો. જ્યારે એ દિવસ અઠવાડિયાના સાબ્બાથના દિવસે આવતો ત્યારે એ મોટો સાબ્બાથ કહેવાતો.

એટલે કે, રોમન સમયના આશરે ૧૦૦ શેર. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, યહોવા માટે બોલનાર અને તેમનો પ્રતિનિધિ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “માછલી છે?”

અથવા, “સાવ ઓછાં કપડાંમાં.”

મૂળ, “આશરે ૨૦૦ હાથ.” આશરે ૩૦૦ ફૂટ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “ઘેટાંનાં બચ્ચાંને.”

અથવા, “નાનાં ઘેટાંની.”

અથવા, “નાનાં ઘેટાંને.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો