શું યુદ્ધ વિનાનું જગત શક્ય છે?
કલ્પના કરો કે યુદ્ધની કમકમાટી ઉપજાવે એવી હકીકત તથા એનાં માઠાં પરિણામો ફરી કદી જોવાનાં કે ભોગવવાનાં ન હોય. બંદૂક કે બોમ્બ ધડાકાના અવાજો કદી સાંભળવાના ન હોય, નાસી રહેલાં ભૂખ્યાંડાંશ શરણાર્થીનાં ટોળાં કદી જોવાના ન હોય, કદી એવું વિચારવાનું ન હોય કે તમે કે સ્નેહીજન કોઈક નિર્દય તથા અર્થહીન વિગ્રહમાં મરી જશે. યુદ્ધ વિનાના જગતમાં રહેવું એ કેટલું અદ્ભુત હશે!
‘એ સંભવિત ભાવિ નથી,’ તમે કહી શકો. તોપણ, માત્ર થોડાક વર્ષો અગાઉ એક શાંતિપૂર્ણ જગતનું દૃશ્ય તેજસ્વીપણે જળહળી રહ્યું હતું. વર્ષ ૧૯૯૦ અને ૧૯૯૧માં, ઘણા કહેતા કે રાષ્ટ્રો સલામતી અને સહકારના એક નવા યુગને ઉંબરે આવી ઊભાં છે. યુનાઈટેડ સ્ટેટ્સના એ વખતના પ્રમુખ જ્યોર્જ બુશ, ઘણા પ્રસંગોએ એ સમયના મનોભાવનો પ્રત્યાઘાત પાડતા, પ્રગટ થઈ રહેલી “નવી જગત વ્યવસ્થા” વિષે બોલ્યા.
શા માટે એવો આશાવાદ? ઠંડા યુદ્ધનો અંત આવ્યો હતો. પાતળા દોરાથી એક તલવાર લટકતી હોય તેમ, અણુ યુદ્ધની ધમકી ૪૦થી વધુ વર્ષોથી માનવજાત પર ડરામણી રીતે ઝઝૂમી રહી હતી. પરંતુ સામ્યવાદના અંત અને સોવિયેટ યુનિયનના વિસર્જનની સાથે, અણુ કત્લેઆમના જોખમનું જાણે બાષ્પીભવન થતું હોય એમ લાગ્યું. જગતે નિરાંતનો શ્વાસ લીધો.
લોકોએ ભાવિને ભરોસા સાથે જોયું, અને ઘણા હજુ જુએ છે એનું બીજું એક મહત્ત્વનું કારણ હતું. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની સ્પર્ધાએ ચાર દાયકાઓથી યુનાઈટેડ નેશન્સને માત્ર વાટાઘાટોનો સંઘ જ બનાવ્યો હતો. પરંતુ ઠંડા યુદ્ધના અંતે UN (યુએન)ને, એને જે કામ કરવા માટે રચવામાં આવ્યું હતું એ કરવા મુક્ત કર્યું—આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી તરફ પગલાં ભરવા.
UNએ તાજેતરનાં વર્ષોમાં યુદ્ધવિગ્રહને દાબી દેવા તીવ્ર પ્રયત્નો આદર્યા છે. સભ્ય રાષ્ટ્રોનાં દળોથી સુસજ્જ થઈ, યુનાઈટેડ નેશન્સ ગત ૪૪ વર્ષો કરતાં ૧૯૯૪થી માંડીને ૪ વર્ષમાં શાંતિ જાળવવાના મિશનમાં વધુ સંડોવાયું છે. પૃથ્વીવ્યાપી ૧૭ જેટલાં મિશનોમાં લગભગ ૭૦,૦૦૦ જેટલાં નાગરિકો તથા લશ્કરી સૈનિકોએ કામ કર્યું. માત્ર બે વર્ષમાં જ, શાંતિ જાળવવાનો ખર્ચ ૧૯૯૪માં બમણાથી વધીને $૩.૩ અબજ થયો.
UNના સેક્રેટરી જનરલ બુત્રોસ બુત્રોસ-ઘાલીએ તાજેતરમાં લખ્યું: “લગભગ ૫૦ વર્ષ અગાઉ [UNની સ્થાપના વખતે] સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાપવામાં આવેલી સામૂહિક સલામતીની પદ્ધતિ છેવટે અસલ ઇરાદા પ્રમાણે કામ શરૂ કરી રહી છે એનાં ચિહ્નો છે . . . આપણે હાંસલ કરી શકાય એવી વ્યવહારુ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ.” એ વિકાસ થયો હોવા છતાં, એક નવી જગત વ્યવસ્થાનું દૃશ્ય ઝડપથી લોપ થઈ રહ્યું છે. યુદ્ધ વિનાના જગતની અંધારી આશાઓનું શું થયું છે? આપણે કદી પણ ગોળાવ્યાપી શાંતિ જોઈશું એ માનવા માટે શું કોઈ કારણ છે? હવે પછીના લેખો એ પ્રશ્નો વિચારણામાં લેશે. (g96 4/22)