એ કુડુએ યાદ રાખ્યું
સજાગ બનો!ના દક્ષિણ આફ્રિકામાંના ખબરપત્રી તરફથી
સુંદર નર કુડુ, પ્રભાવશાળી સર્પાકાર શિંગડાં અને વિશિષ્ટ કાન ધરાવતું એ હરણના વર્ગનું પ્રાણી, પૂરેપૂરું વિકસે છે ત્યારે ખભાએ લગભગ ૧૫૦ સેન્ટિમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. સામાન્યપણે માદાને શિંગડા હોતાં નથી છતાં, તે તેના મોટા કાનથી ઓળખાય જાય છે. કુડુ એક ભીરુ પ્રાણી છે, જે હંમેશા સાવધ અને આશરો શોધવા દોડવાની તૈયારીમાં હોય છે. એમ, ઝિમ્બાબ્વેમાં કેરનને જે થયું એ નોંધપાત્ર છે.
આફ્રિકન વાઈલ્ડલાઈફ સામયિકમાં અહેવાલ આપવામાં આવ્યો તેમ, તારની વાળમાં ફસાએલા એક માદા કુડુ બચ્ચાને બચાવવામાં આવ્યું અને કેરનને આપવામાં આવ્યું, જેણે થોડા અઠવાડિયા સુધી તેનું બોટલથી પોષણ કર્યું. તે તાજુમાજું થયું અને કેરન તથા તેનું કુટુંબ રહેતું હતું એ ડેરીની આસપાસ જ રહ્યું, જે ઘણી વાર બાળકો તથા કૂતરાં સાથે રમતું. જોકે, લગભગ પૂર્ણ વિકસિત થઈ ગયું ત્યારે, તે ધીમેધીમે જંગલ તરફ ફર્યું, ત્યાં સુધી કે તે ખેતરની આસપાસ જોવા ન મળ્યું.
કંઈક બે વર્ષ પછી, ખેતરના રસ્તે મોટર ચલાવતી વખતે, કેરનને આશ્ચર્ય થયું કે તેની મોટર એક સગર્ભા માદા કુડુ પાસે ગઈ ત્યારે તે ગભરાઈને નાસી ન ગઈ. તે કુડુ તરફ ચાલવા લાગી ત્યારે પણ તે ન નાઠી. હવે કેરન જાણી ગઈ કે આ એ જ પશુ હોવું જોઈએ જેનું તેણે બોટલથી પોષણ કર્યું હતું, તેથી તે ચૂપચાપ તેની નજીક સરકતી ગઈ તેમ, તે ધીમેથી બોલતી ગઈ. માદા પણ તેને ઓળખી ગઈ, કેમ કે તેણે તેનું માથું નીચે નમાવ્યું અને તેને આલિંગન આપવા દઈને તેની સાથે નાક ઘસવા લાગી!
એક કે બે મહિના પછી, માદા ફરીથી રસ્તા પાસે હતી—આ વખતે નાના બચ્ચા સાથે. કેરનને લાગ્યું કે માતા પોતાના બચ્ચાનો ગર્વપૂર્વક પરિચય કરાવી રહી હતી, જેણે ફરી એક વાર પોતાને થાબડવા દીધી. થોડા અઠવાડિયા પછી આવી જ બાબત બની જ્યારે એમ લાગ્યું જાણે કે માદા વાસ્તવમાં કેરનની રાહ જોઈ રહી હતી.
બીજા બે કે ત્રણ મહિના વીતી ગયા, અને કેટલાક ખેતમજૂરોએ એ જ માદા કુડુને ગળાની ફરતે ફાંસલા સાથે જોયાનો અહેવાલ આપ્યો. તેઓએ માદા પાસે પહોંચીને ફાંસલો દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માદા નાસી જતી. તેથી કેરન તેને જંગલમાં શોધવા ગઈ, અને તે ગઈ તેમ બોલાવતી ગઈ. તરત જ, તે તેની આગળ આવી ચઢી. કેરન વિચારપૂર્વક કેટલીક બ્રેડ લાવી હતી, જે માદાને ખુબ જ ભાવતી હતી, અને એ વાનગી આપવામાં આવી ત્યારે, કેરનના પતિએ ત્રાસદાયક ફાંસલો કાપી નાખ્યો.
માણસ અને પશુ વચ્ચે ઘણા લાંબા સમય સુધી ટકેલા આ સ્પષ્ટ બંધનથી એ કુટુંબને ઘણો જ આનંદ થયો.