વિશ્વ નિહાળતા
મોબાઈલ ફોનનું જોખમ
તાજેતરમાં જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસે પુષ્ટિ કરી કે મોબાઈલ ફોનમાંથી પ્રસારિત થયેલા રેડિયોના મોજાં હૉસ્પિટલનાં તબીબી સાધનોમાં ગંભીર તકલીફો ઊભી કરી શકે છે. “એક ટેસ્ટમાં, ૪૫ સેન્ટિમીટર દૂર એક મોબાઈલ ફોન વાપરવામાં આવ્યો ત્યારે, હૃદય-ફેફસાનું એક મશીન બંધ થઈ ગયું,” એમ અસાહિ ઈવનિંગ ન્યૂઝ કહે છે. સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે સાધનથી અઢી ફીટના અંતરે મોબાઈલ ફોન વાપરવામાં આવ્યો ત્યારે, લિક્વિડ ટ્રાંસફ્યુઝન પમ્પનું અને કૅન્સરવિરોધી દવાનો પુરવઠો પૂરા પાડતા પમ્પનું ચેતવણી આપતું એલાર્મ વાગવા માંડ્યું. એક્ષ-રે મશીન અને ટોનોમીટરને પણ અસર થઈ હતી. એ સંશોધન પર આધારિત, પોસ્ટ ઍન્ડ ટેલીકોમ્યુનિકેશન્સ મિનિસ્ટ્રી, ઑપરેશન થીએટરમાં તથા ઈન્ટેન્સિવ કૅર યુનિટ્સમાં, મોબાઈલ ફોન ન લઈ જવાની ભલામણ કરે છે. એક સર્વેક્ષણ અનુસાર, ટોકિયોમાંની લગભગ ૨૫ જેટલી મૅડિકલ ઈન્સ્ટિટ્યુટો મોબાઈલ ફોનના ઉપયોગને નિયંત્રિત કરી ચૂકી છે, જેમાંની ૧૨માં મોબાઈલ ફોન પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સામાન્ય વૃદ્ધિની ખાતરી કરવી
બાળકની વૃદ્ધિ ફક્ત વારસાગત બાબતો હોવા કરતાં કંઈક વધારેથી અસર પામે છે, એમ જર્નલ ડો બ્રાઝિલ અહેવાલ આપે છે. “સારું પોષણ યોગ્ય વૃદ્ધિ આપવાની મુખ્ય બાંયધરી આપે છે,” વર્તમાનપત્ર નોંધે છે, અને ઉમેરે છે કે નબળું પોષણ મધ્યમ વર્ગના કુટુંબોમાં પણ સામાન્ય છે. “વૃદ્ધિનું બીજું પ્રાથમિક ઉત્તેજક નિયમિત કસરત છે,” એમ અંતઃસ્ત્રાવશાસ્ત્રના પ્રાધ્યાપક આમેલ્યો ગોડોઈ માટોસે અવલોક્યું. “કલાકોની આરામદાયક ઊંઘ પણ મદદરૂપ છે કેમ કે બાળક સૂતું હોય છે ત્યારે જ વૃદ્ધિનો અંતઃસ્ત્રાવ બહાર નીકળે છે,” તેણે કહ્યું. એ જ રીતે લાગણીમય સમસ્યાઓ બાળકની વૃદ્ધિ મંદ પાડી શકે. અંતઃસ્ત્રાવશાસ્ત્રી વાલ્મર કોટીન્યુ અનુસાર, “ઘણા કલાકો સુધી સતત ટેલિવિઝન જોવું, ખાસ કરીને હિંસક ફિલ્મો જોવી, બાળકની ઊંઘ માટે હાનિકર્તા છે અને સરસ વિકાસ રૂંધી શકે.”
આશાવાદ આરોગ્યપ્રદ બની શકે
ફિનલૅન્ડમાં તાજેતરમાં સંચાલિત અભ્યાસે એવી માન્યતાની ફરીથી પુષ્ટિ કરી કે નિરાશાવાદ માનસિક અને શારીરિક બીમારીના જોખમને વધારી શકે, જ્યારે કે આશાવાદ સારા આરોગ્યમાં ફાળો આપી શકે. બેંતાલીસથી ૬૦ વર્ષના લગભગ ૨,૫૦૦ પુરુષોને ૪થી ૧૦ વર્ષના ગાળામાં અવલોકવામાં આવ્યા. સાયન્સ ન્યૂઝ સામયિક અનુસાર, વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો કે પુરુષો જેઓ “મધ્યમથી વધારે નિરાશાવાદીઓ હતા તેઓ . . . ઓછા કે નિરાશાવાદી ન હતા તેઓના બેથી ત્રણગણા પ્રમાણમાં વધારે મરણ પામ્યા; અગાઉના વૃંદને વારંવાર કૅન્સર થયું હતું અને હાર્ટ ઍટેક પણ આવ્યા હતા.
સાધ્વીઓ કરાટે શીખે છે
દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાંના માધવરમ્ પ્રાન્તના સેંટ આન્ના ખાતે સાધ્વીના એક વૃંદે, સ્ત્રીઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાના જોખમનો સામનો કરવા, કરાટેની તાલીમ લેવાનું શરૂ કર્યું છે. ઑલ ઈન્ડિયા ઈશિંર્યુ કરાટે એસોસિયેશનના પ્રમુખ, શિહન હુસેની, કહે છે કે કરાટેના શિક્ષક તરીકે છેલ્લા ૨૪ વર્ષમાં તેણે તાલીમ આપી હતી એ બીજી સ્ત્રીઓ કરતાં સાધ્વીઓ ઘણી જ સારી રીતે શીખી. ‘મને લાગે છે કે એ તેઓ પાસેની સુષુપ્ત શક્તિ તથા શિસ્ત સાથે સંબંધિત છે,’ તે કહે છે. સાધ્વીઓને એક સાધન વાપરતા શીખવવામાં આવ્યું જેને સાન કો કહેવામાં આવે છે. એનો આકાર ક્રૉસ જેવો છે, અને “એ સાધન વાપરીને, હુમલાખોરને મારી નાખવો પણ શક્ય છે,” હુસેની દાવો કરે છે.
પાઈની કિંમત
ઘણા નિશાળમાં શીખ્યા હતા તેમ, પાઈ એ વર્તુળના પરિઘનો એના વ્યાસ સાથેનો ગુણોત્તર છે. મોટા ભાગના લોકો પાઈની નજીકની સંખ્યા, ૩.૧૪૧૫૯થી સંતોષકારક રીતે કામ કરી શકે છે, પરંતુ પાઈ કંઈ ચોક્કસ આંકડો નથી, તેથી પાઈની દશાંશ કિંમતનો કોઈ અંત નથી. અઢારમી સદીમાં, ૧૦૦ દશાંશ સ્થળ જેટલી ચોક્કસ કિંમત પ્રાપ્ત કરવામાં આવી, અને ૧૯૭૩માં બે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીઓએ દશ લાખ દશાંશ સ્થળ જેટલી કિંમત હાંસલ કરી. હવે, જાપાનની ટોકિયો યુનિવર્સિટીના યાસુમાસા કાનાડાએ કૉમ્પ્યુટરની મદદથી કિંમત ગણી, જેનું સ્થાન છ અબજ દશાંશ સ્થળથી વધારે છે. સંખ્યાનો કલ્પના કરી શકાય એવો કોઈ ઉપયોગ નથી, કેમ કે “જાણીતા વિશ્વથી માંડીને હાયડ્રોજનના અણુની ત્રિજ્યા સુધીના વર્તુળનું પરિઘ ગણવા માટે ફક્ત ૩૯ દશાંશ સ્થળો પૂરતા છે,” એમ લંડનનું ધ ટાઈમ્સ નોંધે છે. પ્રાધ્યાપક કાનાડાએ કહ્યું કે તેને પાઈ ગણવામાં મજા આવે છે, “કેમ કે એ પડકાર છે.” પરંતુ તેના પરિણામને બોલવા મહેનત ન કરશો. “દર સેકન્ડે એક અંક, થોભ્યા વગર બોલતાં, લગભગ ૨૦૦ વર્ષ લેશે,” એમ ધ ટાઈમ્સ કહે છે.
બફેલો પોક્ષ ભારત પર ત્રાટકે છે
‘બળીયા (smallpox)ના વાયરસ જેવા જ જૂથ સાથે સંબંધિત વાયરસʼથી થતો બફેલો પોક્ષ, પશ્ચિમ ભારતના બીડ તાલુકામાં શોધવામાં આવ્યો, એમ ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અહેવાલ આપે છે. જો કે, પોક્ષ બળીયા કરતાં ઓછો ઉગ્ર છે છતાં, વૈજ્ઞાનિકો એના ફેલાવા વિષે ચિંતાતુર છે. “વાયરસને ઘણી જ કાળજીપૂર્વક તપાસવો જોઈએ,” નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલૉજીના નિર્દેશક, ડૉ. કલ્યાણ બેનરજી કહે છે. “એ કેટલો ગંભીર છે એ અમે કહી શકતા નથી.” મોટી ચિંતા એ છે કે પોક્ષ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવાની શક્યતા છે જ્યાં તબીબી સગવડો થોડી જ છે. માનવીમાં થતા બફેલો પોક્ષથી પુષ્કળ તાવ આવે છે, લસીકા ગ્રંથી સૂજી જાય છે, શરીર પર બહુવિધ ડાઘા પડે છે, અને સામાન્ય નબળાઈ આવે છે.