ઘાનામાં “પ્રણાલિગત લગ્ન”
સજાગ બનો!ના ઘાનામાંના ખબરપત્રી તરફથી
લગ્ન—જગત ફરતે દર વર્ષે લાખો લોકો એ સંબંધમાં પ્રવેશે છે. સામાન્યપણે તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાંના લગ્નના પ્રચલિત રિવાજ પ્રમાણે એમ કરતા હોય છે.
ઘાનામાં લગ્નનું સૌથી સામાન્ય રૂપ પ્રણાલિગત લગ્ન કહેવાય છે. એમાં વરના કુટુંબ તરફથી કન્યાના કુટુંબને કન્યાની કિંમત (bride-price) ચૂકવવાનો સમાવેશ થાય છે. પ્રણાલિગત લગ્ન મોટા ભાગના આફ્રિકામાંના લોકો આચરે છે તથા હોંગ કોંગ, પાપુઆ ન્યૂ ગીની, અને સોલોમન આયલૅન્ડ્સ જેવા સ્થળોએ તેમ જ ઉત્તરપૂર્વ તરફના કોલંબિયા અને ઉત્તરપશ્ચિમી વેનેઝૂએલામાંના ગ્વાકેરો ઈન્ડિયન્સ મધ્યે આચરવામાં આવે છે, અને આ તો માત્ર થોડા જ છે જેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કન્યાની કિંમતની ચૂકવણી કરવી બાઇબલ સમયોમાં એક રિવાજ હતો. (ઉત્પત્તિ ૩૪:૧૧, ૧૨; ૧ શમૂએલ ૧૮:૨૫) પ્રાચીન સમયોમાં અને આજે એવી સમજણ છે કે છોકરીની સેવા ગુમાવવા માટે અને લગ્ન પહેલાં તેનાં શિક્ષણ અને સાચવણી માટે ખર્ચેલા સમય, શક્તિ, તથા સાધનસંપત્તિ માટે તેના માબાપને આપવામાં આવતી કન્યાની કિંમત એક વળતર છે.
માબાપની જવાબદારી
પ્રાચીન સમયમાં ઘાનામાં, યુવાન લોકો મધ્યે મિલનવાયદા કે સહચર્ય ન હતાં. માબાપ સમાજમાં લગ્ન કરી શકે એવા યુવાન પુરુષ તથા સ્ત્રીઓનો ખંતીલો અભ્યાસ કર્યા પછી પોતાનાં મોટાં થયેલાં બાળકોના લગ્ન માટે કરાર કરતા. ઘાનામાં કેટલાક માબાપ હજુ પણ એમ કરે છે.
છોકરાના માબાપ છોકરીનું વ્યક્તિત્વ; તેનો તથા તેના કુટુંબનો મોભો; કુટુંબમાં ચાલી આવેલો વારસાગત રોગ; અને યહોવાહના સાક્ષીઓના કિસ્સામાં તેની આત્મિકતા, જેવા ઘટકો વિચારે છે. તેઓને સંતોષ હોય તો, માબાપ સીધેસીધા છોકરીના માબાપ પાસે જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.
છોકરીના માબાપ હવે છોકરાની તથા તેના કુટુંબની પાર્શ્વભૂમિકાની તપાસ કરે છે. ઉપર ઉલ્લેખવામાં આવેલા ઘટકો ઉપરાંત, તેઓ પત્નીને પોષવાની છોકરાની ક્ષમતા વિચારે છે—શું તે નોકરી કરે છે કે બેકાર છે? છોકરીના માબાપને સંતોષ થાય તો, તેઓ છોકરાના માબાપને જણાવે છે, અને છોકરો અને છોકરી એમ બંને સંમત થાય પછી, માબાપ ભેગા થઈને લગ્નની યોજના કરે છે.
શા માટે કેટલાક માબાપ પોતાના મોટાં થઈ ગયેલાં બાળકો માટે સાથી શોધવાનું કામ હજુ પણ પોતે ઉપાડે છે? ભારતમાંની એક સ્ત્રી જેના માબાપે તેના લગ્ન ગોઠવ્યાં હતાં, તે કહે છે: “કઈ રીતે એક યુવાન વ્યક્તિ એવો ભારે નિર્ણય કરવાની લાયકાત ધરાવી શકે? સૌથી સારું તો એ છે કે ઉંમર અને અનુભવથી સૌથી ડહાપણભરી પસંદગી કરવા યોગ્ય વ્યક્તિઓ પર એ બાબત છોડવી.” તેનું વિવેચન ઘણા આફ્રિકનોની દૃષ્ટિનું પણ પ્રતિબિંબ પાડે છે.
જો કે, ઘાનામાં સમય બદલાઈ રહ્યો છે. મિલનવાયદા અને સહચર્ય પ્રચલિત થઈ રહ્યાં છે. સહચર્યમાં યોગ્ય અવસરે, યુગલ માબાપને પોતાનો ઇરાદો જણાવે છે. તેઓના માબાપ વચ્ચે અરસપરસ વાત થયા પછી તથા ખુદ માબાપને સંતોષ થાય કે એ જોડી સરસ છે પછી, કુટુંબો ઔપચારિક વિધિ આગળ ધપાવે છે જે ઘાનાની વિવિધ ભાષાઓમાં સામાન્યપણે બારણું ખખડાવવા તરીકે જાણીતી છે, અર્થાત્ લગ્નનું બારણું.
બારણું ખખડાવવાની વિધિ
યુગલના માબાપ કૌટુંબિક સભ્યોને એકત્ર થવાની તારીખ અને હેતુ જણાવે છે. “કૌટુંબિક સભ્યો” શબ્દાવલિમાં વિસ્તૃત આફ્રિકન કુટુંબનો સંદર્ભ છે, જેમાં યુગલના કાકા/કાકી, મામા/મામી, ફોઈ/ફુઆ, માસા/માસી, પિત્રાઈ ભાઈબહેનો, દાદા/દાદીઓનો સમાવેશ થાય છે. નક્કી કરેલા દિવસે, બંને કુટુંબોના પ્રતિનિધિઓ વિધિ માટે ભેગા થાય છે. વરની હાજરી વૈકલ્પિક છે. બારણું ખખડાવવાની વિધિમાં શું બને છે એનું નીચે બહું જ ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે.
કન્યાનો પ્રતિનિધિ (કપ્ર): [વરના પ્રતિનિધિઓ સાથે વાત કરે છે] અમે તમારા આવવાનું કારણ જાણીએ છીએ, પરંતુ રિવાજ જરૂરી બનાવે છે કે અમે પૂછીએ કે, તમે અહીંયા કેમ આવ્યો છો?
છોકરાનો પ્રતિનિધિ (છોપ્ર): અમારો પુત્ર ક્વેસી તમારા ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તેણે એક સુંદર ફૂલ જોયું અને એ ચૂંટવા માટે તમારી પરવાનગી માંગે છે.
કપ્ર: [અજાણ હોવાનો ઢોંગ કરે છે] આ ઘરમાં કોઈ ફૂલ નથી. તમે ખુદ એની તપાસ કરી શકો છો.
છોપ્ર: અમારા પુત્રે ભૂલ કરી નથી. અમે માનીએ છીએ કે આ ઘરમાં એવું એક સુંદર ફૂલ છે. ફૂલનું નામ આફી છે.
કપ્ર: તો પછી એ એક માનવ ફૂલ છે. વારુ, આફી અહીં રહે છે.
છોપ્ર: અમે બારણું ખખડાવવા માંગીએ છીએ અને અમારા પુત્ર ક્વેસીના લગ્નમાં આફીનો હાથ માંગીએ છીએ.
હવે છોકરાનું કુટુંબ વિવિધ પીણાં અને થોડાક પૈસા રજૂ કરે છે. પ્રમાણ અને રજૂ કરવામાં આવેલી વસ્તુઓની વિવિધતા કુળ પર આધારિત હોય છે. એ વિધિ લગભગ પશ્ચિમી સગાઈ જેવી હોય છે, અને અમુક કિસ્સાઓમાં સગાઈની વીંટીનો કરાર કરવામાં આવે છે.
કન્યાનો પ્રતિનિધિ હવે સર્વ જોનારાઓની સમક્ષ તેને પૂછે છે કે લાવવામાં આવેલી વસ્તુઓને સ્વીકારવી જોઈએ કે કેમ. તેના હકારાત્મક જવાબથી, હાજર રહેલા સર્વ લોકો લગ્ન કરવાની તેની ઇચ્છાના નજરે જોનાર સાક્ષી બને છે. ઉજવણી માટે બંને કુટુંબને અનુકૂળ હોય એ તારીખ પર સહમતી થાય છે. ચા-નાસ્તાથી વિધિ પૂરી થાય છે.
લગ્ન વિધિ
છોકરીના ઘરે અથવા પસંદ કરેલા પ્રતિનિધિના ઘરે કન્યાની કિંમત ચૂકવવા તથા લગ્નમાં ભેગા થયેલા લોકોની સંખ્યા, બારણું ખખડાવવાની વિધિમાં ભેગા થયેલા લોકો કરતાં, સામાન્યપણે વધારે હોય છે. એનું કારણ એ છે કે ઘણા મિત્રો હવે હાજર છે.
વાતાવરણ આનંદી છે. અપરિણીત યુવાન છોકરા તથા છોકરીઓ એ જોવા માટે આતુર છે કે કન્યા માટે શું લાવવામાં આવ્યું છે. પરંતુ કન્યાનું કુટુંબ ફરિયાદ કરે છે કે કન્યાની કિંમત પૂરેપૂરી નથી ત્યારે આનંદી વાતાવરણ ઉગ્ર બની જાય છે. કન્યાનું કુટુંબ નમતું જોખતું નથી એમ લાગે છે ત્યારે પ્રેક્ષકવર્ગમાંના કેટલાકનો ચિંતાથી શ્વાસ અદ્ધર થઈ જાય છે. વરનો પ્રવક્તા સહાનુભૂતિપૂર્વક વિચારવા માટે કન્યાના કુટુંબને કુશળતાપૂર્વક મનાવે છે. છોકરીનું કુટુંબ નરમ પડે છે તેમ, મિજાજ હળવો થાય છે. વાતાવરણ ફરીથી બદલાય છે. હવે ખુશાલી ચાલુ થાય છે, અને હળવો નાસ્તો આપવામાં આવે છે.
ત્યાર પછી, કન્યાનો પ્રવક્તા ટોળાને શાંત રહેવા કહે છે અને બધાનો આવકાર કરે છે. તે વરના પ્રતિનિધિઓને તેઓનો હેતુ પૂછે છે. વરનો પ્રવક્તા ભેગા થયેલાંને ફરીથી યાદ દેવડાવતા જણાવે છે કે તેઓનું આવવાનું કારણ એ છે કે બારણું ખખડાવવામાં આવી ચૂક્યું છે અને બીજું એ કે દાખલ થવાની પરવાનગી આપવામાં આવી છે.
પછી દરેક કુટુંબનો પ્રવક્તા ભેગા થયેલાઓને કુટુંબના નજીકના સભ્યોની ઓળખાણ કરાવે છે, જેમાં છોકરીને લગ્નમાં આપનાર તે ઉપરાંત છોકરાને લગ્નમાં મદદ કરનારનો સમાવેશ થાય છે. વિધિ આગળ વધે છે.
કપ્ર: [વરના પ્રતિનિધિને કહે છે] અમે માંગી હતી એ લગ્નની વસ્તુઓ કૃપા કરી રજૂ કરો.
કન્યાનો પ્રવક્તા કન્યાની કિંમતની વસ્તુઓ એક એક કરીને ગણે છે જેથી બધા ખાતરી કરી શકે કે એ આપવામાં આવી છે. વરના પ્રતિનિધિને લાગે કે કન્યાના કુટુંબે માંગ વધારી દીધી છે તો, તેઓ એ વાદવિવાદને લગ્નના દિવસ પહેલા ખાનગીમાં ઉકેલી નાખે છે. તેમ છતાં, કન્યાના કુટુંબમાંના કેટલાક માથાભારે લોકોએ માગેલી કોઈ વધારાની વસ્તુમાં ઓછું કરવા વરનું કુટુંબ સોદો કરવા વિધિમાં તૈયાર થઈને આવે છે. વ્યક્તિ જ્યાં પણ રહેતી હોય, કન્યાની મૂળ કિંમત—વધારે કે ઓછી—તેણે પૂરેપૂરી ચૂકવવી જ જોઈએ.
કેટલાક કુટુંબો ગળાનો હાર, કાનની બુટ્ટી, અને સ્ત્રીઓની બીજી વસ્તુઓ જેવી બાબતો ઠરાવે છે. ઉત્તર ઘાનામાં, કન્યાની કિંમતમાં મીઠું, કોલા નટ્સ, ગીની નામનું પક્ષી, ઘેટું, અને ઢોરઢાંક જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે. કન્યાની કિંમતમાં નિરપવાદપણે રોકડા પૈસાનો હિસ્સો હોય છે.
વાટાઘાટ ચાલે છે ત્યારે, કન્યા હાજર હોતી નથી પરંતુ આસપાસમાં રહીને જોતી હોય છે. વરની હાજરી વૈકલ્પિક છે. એમ, દૂર રહેતી કોઈ વ્યક્તિ પોતાને બદલે પોતાના માબાપને લગ્ન કરાવવાનો અધિકાર આપી શકે. જો કે, અહીં વર્ણવેલા પ્રસંગમાં, વર હાજર છે. હવે માગણી કરવાનો તેના કુટુંબનો વારો છે.
વપ્ર: અમારી પાસે માંગવામાં આવ્યું હતું એ બધું અમે આપ્યું છે, પરંતુ અમે અમારી પુત્રવધૂને જોઈ નથી.
લગ્ન વિધિ કંઈ પૂરેપૂરી ગંભીર નથી; એ મઝા માણવાનો એક પ્રસંગ પણ છે. છોકરીનું કુટુંબ હવે કન્યા જોવાની છોકરાના કુટુંબની માંગણીનો પ્રત્યુત્તર આપે છે.
કપ્ર: અમે ઇચ્છતા હતા કે કન્યા અહીં હોય. દુઃખની વાત છે કે, તે પરદેશ ગઈ છે અને મુસાફરી કરીને તેને પાછી લાવવા માટે અમારી પાસે પાસપોર્ટ કે વિઝા નથી.
દરેક જાણે છે કે એનો શું અર્થ થાય. તરત જ, વરનું કુટુંબ અમુક પૈસા—વરને પોષાય એટલા પૈસા—રજૂ કરે છે અને તત્કાળ કલ્પિત પાસપોર્ટ તથા વિઝા તૈયાર હોય છે. અને કન્યા તેની કલ્પિત મુસાફરીથી પાછી આવે છે!
મજા વધારવા માટે, કેટલાક કુળો કન્યાની સખીઓને તેના જેવો વેશ કરવાની ગોઠવણ કરે છે. દરેક વેશધારી સહેલીને ટોળું વારાફરતી નકારે છે, છેવટે તાળીઓના મોટા ગળગળાટ વચ્ચે સાચી કન્યાને રજૂ કરવામાં આવે છે. પછી પ્રવક્તા તેને પોતાની કન્યા-કિંમતની વિવિધ વસ્તુઓ જોવા માટે આમંત્રણ આપે છે. તેને પૂછવામાં આવે છે કે વર લાવ્યા છે એ વસ્તુઓ સ્વીકારવી જોઈએ કે કેમ. દરેક જણ જવાબની આતુરતાપૂર્વક રાહ જુએ છે તેમ ચૂપકીદી છવાઈ જાય છે. કેટલીક છોકરીઓ ભીરુ હોય છે અને બીજી નિર્ભય, પરંતુ જવાબ નિશ્ચે હા હોય છે, પછી તાળીઓનો મોટો ગળગળાટ થાય છે.
વર હાજર હોય તો, કન્યાનું કુટુંબ તેને જોવા માંગે છે. વરના મિત્રમાંના એકને તેના જેવો વેશ કરવાની ગોઠવણ કરવામાં આવી હોય તો, મજા પૂરજોશમાં ચાલુ રહે છે. વરરાજા જેવો વર્તાવ કરીને, તેનો મિત્ર ઊભો થાય છે, પરંતુ તેને બૂમો પાડીને તરત જ નકારવામાં આવે છે.
કન્યાના માબાપ પોતાના જમાઈને જોવા માંગણી કરે છે. સાચો વર હવે હરખાતો હરખાતો ઊભો થાય છે. કન્યાનું કુટુંબ કન્યાને તેના વર પાસે જવા કહે છે, અને કન્યા-કિંમતમાં વીંટી નક્કી કરવામાં આવી હોય તો, વર તેને આંગળીમાં વીંટી પહેરાવે છે. વીંટી પશ્ચિમમાંથી આવેલો એક ફેરફાર છે. પછી, કન્યા પોતાના વરની આંગળી પર વીંટી પહેરાવે છે. અભિનંદનો તથા આનંદ વાતાવરણ ભરી દે છે. કેટલાક હવે સુવિધા તથા કરકસર માટે, લગ્ન સાથે બારણું ખખડાવવાની વિધિને એક જ દિવસે જોડી દે છે.
બંને કુટુંબોના અનુભવી સભ્યો અને બીજાઓ હવે નવપરિણીતોને મરણ તેઓને વિખૂટા પાડે ત્યાં સુધી તેઓ પોતાના લગ્નને કઈ રીતે સફળ બનાવી શકે એ વિષે સલાહ આપે છે. દિવસની સમાપ્તિ માટે, ચાનાસ્તો આપવામાં આવે છે.
લગ્ન વિધિ પૂરી થઈ છે! ઘાનામાં, એ દિવસથી માંડીને, સમાજ યુગલને કાયદેસર પરિણીત માને છે. છોકરીના કુટુંબનું કોઈક અગત્યનું સભ્ય કેટલાક કારણોસર વિધિમાં હાજર ન રહી શકે તો, રજૂ કરવામાં આવેલા પીણાંમાંથી કેટલાંક લગ્ન વિધિની સમાપ્તિની સિદ્ધિ માટે તેઓને મોકલવામાં આવે છે. વર અને કન્યા યહોવાહના સાક્ષીઓ હોય તો, કેટલાક કિસ્સાઓમાં સાક્ષીઓ ત્યાર પછી બાઇબલ વાર્તાલાપ ગોઠવે છે, અને પછી હળવો નાસ્તો આપવામાં આવે છે.
ઘાનામાં કેટલાક યુગલો પશ્ચિમ પદ્ધતિની લગ્ન વિધિ રાખે છે, જેને અહીં સિવિલ મૅરેજ, અથવા વટહુકમ લગ્ન, કહેવામાં આવે છે. એ લગ્ન માબાપની સંમતિથી કે સંમતિ વગર કરી શકાય છે, ફક્ત યુગલ કાયદેસર ઉંમર ધરાવતું હોવું જોઈએ. પ્રણાલિગત લગ્નમાં માબાપની સંમતિ હોવી જ જોઈએ.
સિવિલ મૅરેજમાં યુગલ લગ્નની પ્રતિજ્ઞા લે છે. પરંતુ પ્રણાલિગત લગ્નોમાં પ્રતિજ્ઞા હોતી નથી. સરકાર માંગે છે કે બધા પ્રણાલિગત લગ્નોની નોંધણી થાય, અને યહોવાહના સાક્ષીઓ એમ કરે છે. (રૂમી ૧૩:૧) પછી નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
પ્રાચીન સમયોથી માંડીને ગોલ્ડ કોસ્ટ, હવે ઘાના, એક બ્રિટિશ વસાહત બન્યું ત્યાં સુધી, પ્રણાલિગત લગ્ન દેશમાં લગ્નનું એકમાત્ર રૂપ હતું. બ્રિટિશોએ પછી પશ્ચિમ પદ્ધતિના લગ્નની અહીંના નાગરિકોને ઓળખાણ કરાવી. આ દેશના તળપદી લોકોને એ પ્રકારનું લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી, અને હવે ઘણાં વર્ષોથી, પશ્ચિમ પદ્ધતિનું લગ્ન અને પ્રણાલિગત લગ્ન સાથે અસ્તિત્વ ધરાવે છે. ઘાનામાં બન્ને કાયદેસર રીતે સ્વીકૃત છે, તેથી યહોવાહના સાક્ષીઓને સ્વીકાર્ય છે. કઈ પ્રકારનું લગ્ન પસંદ કરવું એ વ્યક્તિ પર આધારિત છે.
કેટલાક આફ્રિકન દેશોમાં, યુગલને કાયદેસર પરણેલા સમજી શકાય એ માટે પ્રણાલિગત લગ્નની નોંધણી થએલી હોવી જરૂરી છે. જો કે, ઘાનામાં, ઉપર વર્ણવવામાં આવ્યું છે એવું પ્રણાલિગત લગ્ન નોંધણી વગર કાયદેસર માન્ય છે, અર્થાત્ પ્રણાલિગત લગ્ન પૂરાં થાય છે ત્યારે યુગલને કાયદેસર પરણેલા ગણવામાં આવે છે. પછીથી, પ્રણાલિગત લગ્નને ફક્ત રેકર્ડ રાખવાના હેતુથી નોંધવામાં આવે છે.
લગ્ન ખરેખર દેવે માનવજાતને આપેલી એક પ્રેમાળ ભેટ છે, અર્થાત્ એક એવી ભેટ જે દૂતોને પણ આપવામાં આવી નથી. (લુક ૨૦:૩૪-૩૬) એ એવો મૂલ્યવાન સંબંધ છે જે એના સર્જક, યહોવાહ દેવના ગૌરવ માટે જાળવવા યોગ્ય છે.
[Caption on page ૨૯]
વીંટીની આપલે કરવામાં આવે છે