લુઇ પાસ્ચર તેના કાર્યએ શું પ્રગટ કર્યું સ જા ગ બ નો! ના ફ્રા ન્સ ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
શું સ્વતઃ જનન (spontaneous generation)થી જીવન અસ્તિત્વમાં આવી શકે? ઓગણીસમા સૈકામાં કેટલાક વૈજ્ઞાનિકોને એમ લાગ્યું હતું. તેઓને લાગ્યું કે જીવન નિર્જીવ બાબતમાંથી, ઉત્પન્નકર્તાના હસ્તક્ષેપ વગર, આપમેળે ઉદ્ભવી શકે છે.
પરંતુ એપ્રિલ ૧૮૬૪ની વસંત ઋતુની એક સાંજે, પૅરિસમાંની સોર્બોન યુનિવર્સિટી ખાતેના એક સભાખંડમાં હાજર રહેલા શ્રોતાઓએ કંઈક જૂદું જ સાંભળ્યું. લુઇ પાસ્ચરે વૈજ્ઞાનિકોના વૃંદ આગળ કરેલી કુશળ રજૂઆતમાં, સ્વતઃ જનનના તાર્કિક સિદ્ધાંતનો સફળતાપૂર્વક મુદ્દાસર રદિયો આપ્યો.
એ વાર્તાલાપે અને પછીથી થયેલી શોધખોળે તેમને “જગતના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંના એક” બનાવ્યા, એમ ધ વર્લ્ડ બૂક એન્સાયક્લોપેડિયા કહે છે. પરંતુ શા માટે એ માણસે પોતાના સમયના લોકો પર એવી પ્રતિભા જમાવી, અને તે કઈ રીતે જગતવ્યાપી જાણીતા બન્યા? આપણે તેમની કેટલીક શોધખોળોમાંથી હમણાં કઈ રીતે લાભ મેળવીએ છીએ?
શરૂઆતનું સંશોધન
લુઇ પાસ્ચરનો જન્મ ૧૮૨૨માં પૂર્વ ફ્રાન્સમાં આવેલા ડોલ નામના એક નાના ગામડામાં થયો હતો. તેમના પિતા જે એક મોચી હતા, તેમને પોતાના પુત્ર માટે અભિલાષા હતી. કળા તરફ મન હોવા ઉપરાંત, ખરી કળાની સૂઝ હોવા છતાં, લુઇએ વિજ્ઞાન લીધું. તેમણે ૨૫ વર્ષની વયે વિજ્ઞાનની ઉપાધિ હાંસલ કરી.
તેમનું શરૂઆતનું સંશોધન દારૂના લાકડાના પીપમાં બાકી રહેતા રગડા, ટારટારિક એસિડને લાગતું વળગતું હતું. એ સંશોધનનો પરિણામોનો ઉપયોગ કરી, થોડાં વર્ષ પછી, બીજા સંશોધકોએ આધુનિક સેન્દ્રિય રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. ત્યાર પછી લુઇ આથો લાવનાર પદાર્થોનો અભ્યાસ કરવા તરફ ફર્યા.
પાસ્ચરના સંશોધન પૂર્વે, યિસ્ટ જેવા આથો લાવનાર પદાર્થોની હાજરી જાણમાં હતી. પરંતુ એમ માનવામાં આવતું કે એ આથો આવવાનું પરિણામ હતું. તેમ છતાં, પાસ્ચરે સાબિત કર્યું કે એ આથો લાવનાર પદાર્થો આથો આવવાનું પરિણામ નહિ, પરંતુ આથો આવવાનું કારણ હતું. તેણે બતાવ્યું કે આથો લાવનાર પદાર્થનો દરેક પ્રકાર ભિન્ન પ્રકારનો આથો લાવતા. તેમણે ૧૮૫૭માં પ્રકાશિત કરેલા અહેવાલને આજે “સૂક્ષ્મજીવ વિજ્ઞાન (microbiology)ના જન્મનું પ્રમાણપત્ર,” એ તરીકે જોવામાં આવે છે.
એ બિંદુથી માંડીને, તેમનાં કાર્ય અને સંશોધનોમાં વધારો થતો ગયો. તેમની ખ્યાતિને કારણે, ઓર્લિન્સમાંના સરકો બનાવનારાઓએ પોતાની ઘણી ટેકનિકલ સમસ્યા ઉકેલવા માટે તેમને બોલાવ્યા. પાસ્ચરે સાબિત કર્યું કે દારૂનું સરકામાં બદલાણ કરનાર જવાબદાર પદાર્થો હતા જેને હવે સૂક્ષ્મજીવ (microorganism) કહેવામાં આવે છે, જે પ્રવાહીની સપાટી પર હાજર હતા. તેમના સંશોધનના અંતે, તેમણે નગરના સરકાના ઉત્પાદકો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગળ પોતાનો પ્રખ્યાત “દારૂ સરકા પર પાઠ” રજૂ કર્યો.
પાસ્ચરાઇઝેશન
આથો લાવવા વિષેના પાસ્ચરના સંશોધનોથી તે એવા નિષ્કર્ષ પર આવી શક્યા કે ખોરાક ઉદ્યોગમાંની મોટા ભાગની બગાડની સમસ્યા સૂક્ષ્મ જીવ (microbes)ને કારણે હતા. સૂક્ષ્મ જીવ હવામાં કે બરાબર ન ધોયેલાં વાસણોમાં હતાં. પાસ્ચરે સૂચવ્યું કે ખાદ્ય પદાર્થોમાં બેક્ટેરિયાથી થતો બગાડ સ્વચ્છતામાં સુધારો કરીને અટકાવી શકાય અને બીજું કે ૫૦થી ૬૦ અંશ સેલ્શિયસ ઉષ્ણતામાન થોડી મિનિટ સુધી જાળવી રાખવાથી પ્રવાહીનો બગાડ અટકાવી શકાય. એ પદ્ધતિ પ્રથમ દારૂમાં આવતો અસાધારણ આથો અટકાવવા વાપરવામાં આવી. સ્વાદ અને સુગંધમાં મોટો ફેરફાર લાવ્યા વગર મુખ્ય સૂક્ષ્મ જીવોને મારી નાખવામાં આવ્યા.
પાસ્ચરે સનદ કરેલી એ પ્રક્રિયા, જેને પાસ્ચરાઇઝેશન કહેવામાં આવે છે, એણે ખોરાક ઉદ્યોગમાં ક્રાન્તિ આણી. અત્યારે એ ટેકનિકને દારૂ માટે વાપરવામાં આવતી નથી પરંતુ દૂધ કે ફળના રસ જેવી ઘણી પેદાશો માટે હજુ પણ યથાયોગ્ય છે. જો કે, ખુબ જ ઊંચા ઉષ્ણતામાને જીવાણુમુક્ત (sterilization) કરવા જેવી બીજી પદ્ધતિ માટે પણ વાપરી શકાય છે.
પાસ્ચરના સંશોધનમાંથી લાભ લેનાર બીજો મોટો ઉદ્યોગ આલ્કોહોલયુક્ત પીણાં બનાવનાર ઉદ્યોગ હતો. એ સમયે, ફ્રેન્ચ લોકોને ઉત્પાદનની ઘણી મુશ્કેલીઓ અને જર્મનો તરફથી ભારે સ્પર્ધા હતી. પાસ્ચરે એ સમસ્યાને વધારે ધ્યાન આપ્યું અને પીણાં બનાવનારાઓને ઘણી સલાહ આપી. તેમણે તેઓને પીણાં બનાવવાનાં પ્રવાહીને શુદ્ધ રાખવા તે ઉપરાંત આસપાસની હવાની સામાન્ય સ્વચ્છતા જાળવવા પર ધ્યાન આપવા સૂચવ્યું. તરત જ સફળતા મળી, અને તેમણે પછીથી ઘણા સનદ મેળવ્યાં.
જીવનમાંથી જીવન આવે છે
પ્રાચીન સમયોથી, કોહવાઈ રહેલા પદાર્થમાં જંતુ, જીવડાં, કે બીજા પ્રાણીઓ પેદા થાય છે એ સમજાવતા મોટા તરંગી વિચારોની પ્રસ્તાવના કરવામાં આવી છે. દાખલા તરીકે, ૧૭મી સદીમાં, એક બેલ્જિયન કેમિસ્ટે બડાઈ હાંકી કે તેણે ઘઉંની બરણીમાં એક ગંદી બંડી ભરીને ઉંદર બનાવ્યો હતો!
પાસ્ચરના સમયમાં વૈજ્ઞાનિકોના સમાજમાં વાદવિવાદ ઉગ્ર હતો. સ્વતઃ જનનના ટેકેદારોનો સામનો કરવો એ ખરેખરો પડકાર હતો. પરંતુ આથો આવવા વિષેના પોતાના સંશોધનમાં તે શીખ્યા હતા એને પરિણામે, પાસ્ચરને ભરોસો હતો. તેથી તેમણે સ્વતઃ જનનના વિચારનો સમૂળગો અંત લાવવાના ઇરાદાથી પ્રયોગ હાથ ધર્યા.
હંસની ડોક જેવા પાત્રના ઉપયોગથી થતો પ્રયોગ તેમનો સૌથી પ્રખ્યાત પ્રયોગ હતો. ખુલ્લા મોઢાવાળા પાત્રમાં રાખેલો પ્રવાહી ખોરાક જલદી જ રોગાણુથી બગડી જાય છે. જો કે, હંસની ડોક જેવા પાત્રમાં પ્રવાહી ખોરાક મૂકવામાં આવે છે ત્યારે, એ બગડતો નથી. શા માટે એમ બને છે?
પાસ્ચરની છણાવટ સાદી હતી: હવામાંના બેક્ટેરિયા પાત્રની હંસની ડોકમાંથી પસાર થાય છે ત્યારે, કાચની સપાટી પર ચોંટી જાય છે, તેથી હવા પ્રવાહી સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એ જીવાણુમુક્ત થઈ ગઈ હોય છે. ખુલ્લા મોઢાવાળા પાત્રમાં જમા થયેલા રોગાણુઓ પ્રવાહી ખોરાક દ્વારા આપમેળે જ પેદા થતા નથી પરંતુ હવા મારફતે વહન થાય છે.
સૂક્ષ્મ જીવના વાહક તરીકે હવાનું મહત્ત્વ બતાવવા માટે, પાસ્ચર ફ્રેન્ચ આલ્પ્સમાંની મેર દ ગ્લાસ નામની હિમનદીએ ગયા. તેમણે ૬,૦૦૦ ફીટની ઊંચાઈએ, સજ્જડપણે બંધ કરેલું પાત્ર ખોલ્યું અને એને હવામાં ધર્યું. વીસ પાત્રમાંથી ફક્ત એક જ બગડ્યું હતું. પછી તે જ્યુરા પર્વતોની તળેટીમાં ગયા અને એ જ પ્રયોગ ફરીથી કર્યો. અહીં, ખુબ જ ઓછી ઊંચાઈએ, આઠ પાત્ર બગડ્યાં. એમ તેમણે સાબિત કર્યું કે વધુ ઊંચાઈ પરની શુદ્ધ હવાને કારણે, બગડવાનું જોખમ ઓછું હોય છે.
એવા પ્રયોગોથી પાસ્ચરે ખાતરીપૂર્વક દર્શાવ્યું કે જીવન ફક્ત અગાઉ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ આવે છે. એ સ્વત:, એટલે કે આપમેળે અસ્તિત્વમાં આવતું નથી.
ચેપી રોગ વિરુદ્ધ લડત
આથો આવવા માટે સૂક્ષ્મ જીવની હાજરી જરૂરી હોવાથી, પાસ્ચરે દલીલ કરી કે ચેપી રોગો માટે પણ એ સાચું હોવું જ જોઈએ. રેશમ-કીડાનો રોગ, અર્થાત્ ઉત્તર ફ્રાન્સમાંના રેશમના ઉત્પાદકો માટે એક ગંભીર આર્થિક સમસ્યા, વિષેના તેમના સંશોધને તેમને ખરા સાબિત કર્યા. માત્ર થોડા વર્ષોમાં જ, તેમણે બે રોગોનું કારણ શોધી કાઢ્યું અને તંદુરસ્ત રેશમના કીડા પસંદ કરવા માટે કડક પદ્ધતિઓનો પ્રસ્તાવ મૂક્યો. એ સંક્રામક રોગચાળાને અટકાવશે.
પંખીના કૉલેરાનો અભ્યાસ કરતી વખતે, પાસ્ચરે નોંધ કરી કે કૃત્રિમ રોગાણુ જે ફક્ત થોડા મહિના જૂના હતા તેઓએ મરઘાંને બીમાર ન કર્યાં પરંતુ એને બદલે તેઓને બીમારીથી રક્ષણ આપ્યું. હકીકતમાં, તેમણે શોધ્યું હતું કે તે ક્ષીણ કરેલા, કે નબળા કરેલા, રોગાણુના પ્રકારથી મરઘાંને રોગમુક્ત કરી શકતા હતા.
પાસ્ચર રોગ અવરોધક રસી વાપરનાર પ્રથમ ન હતા. ઇંગ્લીશમૅન એડ્વર્ડ જેનરે તેમના અગાઉ વાપરી હતી. પરંતુ પાસ્ચર સંબંધિત સૂક્ષ્મ જીવને બદલે રોગના ક્ષીણ કરેલા ખરેખર રોગાણુનો પ્રકાર વાપરવામાં પ્રથમ હતા. તે એન્થ્રેક્ષ વિરુદ્ધની રસીમાં પણ સફળ થયા, જે ઢોરઢાંક અને ઘેટાં જેવા ઉષ્ણ-રક્ત ધરાવતા પ્રાણીઓને થતો ચેપી રોગ છે.
ત્યાર પછી, તેમણે હડકવા વિરુદ્ધ તેમની છેલ્લી અને સૌથી પ્રખ્યાત લડત લડવામાં ઝંપલાવ્યું. જો કે, પાસ્ચર હડકવાનો મુકાબલો કરવામાં, જાણતા ન હતા કે તે બેક્ટેરિયા કરતાં તદ્દન જુદા જ ક્ષેત્ર સાથે કામ કરી રહ્યા હતા. તે હવે વાયરસ સાથે કામ કરી રહ્યા હતા, એક એવું જગત જે માઇક્રોસ્કોપથી પણ ન જોઈ શકાય.
જુલાઈ ૬, ૧૮૮૫ના રોજ, એક માતા પોતાના નવ વર્ષના છોકરાને પાસ્ચરની પ્રયોગશાળામાં લઈ ગઈ. બાળકને હમણાં જ એક હડકવા થયેલા કૂતરાએ બચકું ભર્યું હતું. માતાની વિનવણી છતાં, પાસ્ચર છોકરાને મદદ કરવા અનિચ્છુક હતા. તે એક ડૉક્ટર ન હતા અને ગેરકાયદે દવાનો ઉપયોગ કરવાના આરોપનું જોખમ હતું. તે ઉપરાંત, તેમણે પોતાની પદ્ધતિ માનવ પર અજમાવી ન હતી. તથાપિ, તેમણે છોકરાને રસી આપવા માટે પોતાના સંગાથી, ડૉ. ગ્રાન્ચાને કહ્યું. તેણે રસી આપી, અને સારા પરિણામો આવ્યા. એકથી પણ ઓછા વર્ષમાં સારવાર આપેલા ૩૫૦ લોકોમાંથી ફક્ત એક વ્યક્તિ—બહુ જ મોડી લાવવામાં આવી હતી—બચવા ન પામી.
તે દરમિયાન, પાસ્ચર હૉસ્પિટલમાં સ્વચ્છતા રાખવાનું વિચારતા હતા. પૅરિસના પ્રસૂતિગૃહમાં દર વર્ષે પ્યુરપેરલ તાવથી મોટી સંખ્યાની સ્ત્રીઓનાં મરણ થતાં. પાસ્ચરે એસેપ્ટિક [અજર્મ] ટેકનિક અને ખાસ કરીને હાથની કડક સ્વચ્છતા, સૂચવી. પછીથી, ઇંગ્લીશ સરજન જોસેફ લિસ્ટર તથા બીજાઓએ કરેલા સંશોધને પાસ્ચરના નિષ્કર્ષની ચોક્સાઈને સાબિત કરી.
મૂલ્યવાન કાર્ય
પાસ્ચર ૧૮૯૫માં મરણ પામ્યા. પરંતુ તેમનું કામ મૂલ્યવાન હતું, અને આપણે આજે પણ એમાંથી લાભ મેળવીએ છીએ. તેથી તેમને “માનવજાતિના દાતા” કહેવામાં આવે છે. તેમનું નામ હજુ પણ રસીઓ અને કાર્યપદ્ધતિ સાથે જોડાએલું છે જેના શોધક હોવા તરીકે તેમને સામાન્યપણે ઓળખવામાં આવે છે.
હડકવાની સારવાર માટે પાસ્ચરના જીવન દરમિયાન પૅરિસમાં સ્થાપવામાં આવેલી લાંસ્ટેટ્યુ પાસ્ચર નામની ઈન્સ્ટિટ્યુટ, આજે ચેપી રોગોના અભ્યાસ માટે બહુ પ્રતિષ્ઠા ધરાવતું કેન્દ્ર છે. એ રસીઓ તથા દવાઓ પરના એના કાર્ય માટે ખાસ જાણીતું છે—અને ૧૯૮૩થી માંડીને એથી વધારે જાણીતું છે જ્યારે પ્રાધ્યાપક લક મોન્ટાન્યાની દોરવણી હેઠળ, વૈજ્ઞાનિકોની એક ટુકડીએ, પ્રથમ એઈડ્સના વાયરસને ઓળખાવ્યો.
પાસ્ચર સમાવિષ્ટ હતા એ જીવનના સ્વતઃ જનન પરના વાદવિષયમાં, અને જેમાં તે વિજયી બન્યા, એ ફક્ત એક વૈજ્ઞાનિક તકરાર ન હતી. એ થોડા વૈજ્ઞાનિકો કે બુદ્ધિશાળીજનો માટે પોતા મધ્યે ચર્ચા કરવાના એક રસપ્રદ મુદ્દો હોવા કરતાં વધુ હતું. એનો વિશાળ અર્થ રહેલો હતો—એ એવા પુરાવાનો સમાવેશ કરતું હતું જેને દેવના અસ્તિત્વ સાથે સંબંધ હતો.
ફ્રાંસ્વા ડાગોન્યા, એક ફ્રેન્ચ ફિલસૂફ જે વિજ્ઞાનમાં નિષ્ણાત છે, તે અવલોકે છે કે પાસ્ચરના “શત્રુઓ, બંને ભૌતિકવાદી અને નાસ્તિકો, એમ માનતા કે તેઓ પુરવાર કરી શકતા હતા કે એકકોષી જીવરચના કોહવાઈ રહેલા પરમાણુઓમાંથી પરિણમી શકે. જેણે તેઓને ઉત્પત્તિમાંથી દેવને બાકાત રાખવા દીધા. તેમ છતાં, પાસ્ચરને લાગતુવળગતુ હતું ત્યાં સુધી, મૃત્યુમાંથી જીવન તરફ લાવતો કોઈ શક્ય માર્ગ ન હતો.”
આજ સુધીના સર્વ પ્રયોગો, ઇતિહાસ, જીવવિજ્ઞાન, પુરાતત્વશાસ્ત્ર, અને માનવવિજ્ઞાનીના પુરાવા બતાવવાનું ચાલુ રાખે છે જે પાસ્ચરે દર્શાવ્યું હતું—એટલે કે જીવન નિર્જિવ બાબતમાંથી નહિ, પરંતુ ફક્ત અગાઉ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ આવી શકે. અને પુરાવો પણ સ્પષ્ટપણે બતાવે છે કે જીવન “પોતપોતાની જાત પ્રમાણે,” પુનરુત્પાદન પામે છે, જેમ ઉત્પત્તિનો બાઇબલ અહેવાલ જણાવે છે. માબાપની જેમ, બાળકો પણ હંમેશા એવી જ “જાત” કે પ્રકારનાં હોય છે.—ઉત્પત્તિ ૧:૧૧, ૧૨, ૨૦-૨૫.
એમ, જાણીજોઈને કે અજાણતાથી, લુઇ પાસ્ચરે પોતાના કાર્યથી ઉત્ક્રાંતિના તાર્કિક સિદ્ધાંત વિરુદ્ધ અને પૃથ્વી પર દેખાતા જીવન માટે ઉત્પન્નકર્તાની સંપૂર્ણ જરૂરિયાત માટે શક્તિશાળી પુરાવો તથા સાક્ષી પૂરાં પાડ્યાં. તેમનું કાર્ય નમ્ર ગીતકર્તાએ સ્વીકાર્યું એનું પ્રતિબિંબ પાડ્યું: “જાણો કે યહોવાહ દેવ છે. તેમણે આપણને બનાવ્યા છે, અને ખુદ આપણે પોતાને બનાવ્યાં નથી.”—ગીતશાસ્ત્ર ૧૦૦:૩, NW.
[Caption on page ૨૩]
ઉપરનું યંત્ર દારૂ જંતુમુક્ત કરવા, બિનજરૂરી જીવાણુ મારી નાખવા વાપરવામાં આવતું હતું; એ નીચેના ચિત્રમાં બતાવવામાં આવ્યું છે
[Caption on page ૨૪]
પાસ્ચરના પ્રયોગે સ્વતઃ જનનના તાર્કિક સિદ્ધાંતને રદિયો આપ્યો