જ્યોર્જિયા
પ્રાચીન વારસો સચવાયો છે
શું તમને ૪,૬૦૦ મીટર ઊંચા, બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે રહેલી ઉપજાઉ ખીણોના પ્રદેશમાં રહેવાનું ગમશે, જ્યાં અમુક લોકો ૧૦૦ કરતાં વધુ વર્ષો, અરે એનાથી પણ વધુ જીવે છે? જ્યોર્જિયા પ્રજાસત્તાકના રહેવાસીઓ માટે એ એક સ્વપ્ન માત્ર નથી. એ એક વાસ્તવિકતા છે.
જ્યોર્જિયા યુરોપ અને એશિયાની વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિક સરહદ પર આવેલું છે. પ્રાચીન સમયમાં, જ્યોર્જિયા, પ્રખ્યાત સિલ્ક રોડ પર એક મહત્ત્વનો મુકામ હતો, એ જ માર્ગ જે દ્વારા માર્કો પોલો ચીન ગયો હતો. જ્યોર્જિયા પૂર્વ અને પશ્ચિમની સાથે જોડાયેલું હોવાથી આર્થિક અને સાંસ્કૃતિક રીતે ફાયદામાં રહ્યું, પરંતુ કેટલીક વખત આક્રમણકર્તાઓ પણ આ માર્ગ પરથી પસાર થવાને લાભદાયી ગણે છે. એક અનુમાન અનુસાર, જ્યોર્જિયાની રાજધાની, ટબિલસીનો ૨૯ વખત નાશ કરવામાં આવ્યો છે. આજે ટબિલસી અવર-જવર અને આનંદોત્સાહનું નગર છે, જે શહેર નીચે ચાલતી રેલ્વે અને જૂની વસ્તુ-શૈલી સ્મારક ભવનોની સાથે સંમિશ્રણ આધુનિક ઇમારતો ધરાવે છે.
જ્યોર્જિયાનો લગભગ ૮૭ ટકા વિસ્તાર પહાડી વિસ્તાર છે. અહીં બર્ફીલા અને રણ ઉપરી પ્રદેશથી નીકળીને નીચલા પ્રદેશ સુધી ૨૫,૦૦૦ નદીઓ વહે છે, એમાંની ઘણી માછલીઓથી ભરપૂર હોય છે. આ દેશનો ત્રીજો ભાગ જંગલ કે ઝાડી-ઝાંખરા છે. જ્યોર્જિયાની સરહદ પર કૉકાસસ પર્વતમાળા દેશના અંદરના ભાગને ઉત્તરથી આવનારા ઠંડા પવનથી બચાવે છે. એ પરિસ્થિતિ પશ્ચિમી જ્યોર્જિયાને કાળા સમુદ્ર પરથી વાતી ભેજવાળી હવાથી ગરમ કરવાની પરવાનગી આપે છે—એ એક કારણ છે કે જ્યોર્જિયા સહેલાણીઓનો મનપસંદ પડાવ છે. જગતનો બહુ જૂનો અને ઉત્કૃષ્ટ દ્રાક્ષારસ બનાવવાની પરંપરામાં પણ સારી આબોહવાનો ફાળો છે. હકીકતમાં, જ્યોર્જિયા ૫૦૦થી વધુ જુદા જુદા પ્રકારની દ્રાક્ષ અને દ્રાક્ષદારુનું ઉત્પાદન કરે છે!
તેમ છતાં, જ્યોર્જિયાની સૌથી મોટી મિલકત, એના લોકો છે. વર્ષોથી તેઓ પોતાની બહાદુરી, સમજદારી, અને ઉદાર હાથની પરોણાગત તથા તેઓની વિનોદવૃત્તિ અને જીવન માટેના પ્રેમ માટે જાણીતા છે. તેઓની સંસ્કૃતિ ગીત અને નૃત્યથી ભરપૂર છે, અને જ્યોર્જિયાનાં ઘરોમાં જમવાના સમયે હજુ પણ લોક ગીતો ગાવામાં આવે છે.
જ્યોર્જિયાનો પણ એક લાંબો સાહિત્યિક ઇતિહાસ છે, જે પાંચમી સદીથી છે. જ્યોર્જિયન એ શરૂઆતની ભાષાઓમાંથી એક હતી જેમાં બાઇબલનું ભાષાંતર કરવામાં આવ્યું હતું, જેમાં અજોડ અને સુંદર જ્યોર્જિયન અક્ષરમાળાનો ઉપયોગ કરવામાં આવ્યો. એ અક્ષરમાળાનાં કેટલાંક રૂપો આજે પણ જ્યોર્જિયન ભાષામાં લખવામાં ઉપયોગમાં લેવાય છે. એ બધી સંસ્કૃતિ જ્યોર્જિયાના ભૂતકાળ સાથે એક જીવંત કડી જોડે છે—આધુનિક દેશમાં પ્રાચીન વારસો સચવાયો છે.
સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
Pat O’hara/Corbis
૧
૨
૩
૧. જ્યોર્જિયનમાં બાઇબલ
૨. કેટલાક રહેવાસી ૧૦૦ કરતાં વધુ વર્ષો જીવે છે!
૩. ટબિલસીમાં એક વ્યસ્ત માર્ગ
Dean Conger/Corbis