વિ શ્વ નિ હા ળ તા
તણાવથી કાર અકસ્માતોમાં વધારો
_
આરોગ્ય સેવા અને સામાજિક ભલા માટેના જર્મનીના નિષ્ણાત સંગઠનનો અભ્યાસ બતાવે છે કે, વ્યક્તિ કાર હંકારતી હોય ત્યારે, તેના કામ પ્રત્યેનું વલણ તેની વર્તણૂક પર ભારે અસર કરે છે. પોતાના કામ પર તણાવ અનુભવતા લોકો સામાન્ય કરતાં વધુ રોડ અકસ્માતો સર્જે છે, એવો અહેવાલ સુદદયોટસ્કે ઝાઈતુંગ આપે છે. “પોતાના માલિક કે સાથી કર્મચારીઓ પ્રત્યેની નિરાશા, કાર ચલાવતી વખતે બેધ્યાન કરી શકે,” અહેવાલ કહે છે. એક અભ્યાસમાં, કામે જતાં કે આવતા થયેલા રોડ અકસ્માતોના ૭૫ ટકા લોકોએ એ માટે “બેધ્યાનપણુ, દોડાદોડી, સમયનો અભાવ, કે તણાવ”ને દોષ આપ્યો. એમ કહેવામાં આવે છે કે, પુરુષો હાનિકારક તણાવ હેઠળ હોય ત્યારે અકસ્માત સર્જે એ શક્ય છે, છતાં અભ્યાસે એ પણ શોધી કાઢ્યું કે નાનાં બાળકોવાળી માતાઓને પણ ખાસ જોખમ છે. સમાચાર પત્ર જણાવે છે: “માતાઓ મોટે ભાગે ઘણા તણાવમાં હોય છે, કારણ કે તેઓએ બાળકોને બાલવાડીમાંથી સમયસર લઈ આવવાના હોય, કે પછી બપોરની છુટ્ટીમાં રસોઈ કરવાની હોય છે.”
જગતની
આરોગ્ય આફતો
_
“આપણે ૨૧મી સદીમાં પ્રવેશી રહ્યા છીએ તેમ, હજુ પણ જગતવ્યાપી ૩૩ટકા જેટલા મરણ ચેપી રોગોને આભારી છે,” જગત આરોગ્ય સંસ્થાના ડૉ. ડેવિડ હેમેન કહે છે. આ સમસ્યામાં કેટલીક અલગ અલગ બાબતોએ ભાગ ભજવ્યો છે. અમેરિકન તબીબી સંગઠન સામયિક (અંગ્રેજી) કહે છે કે વસ્તી વધારો, રસીઓ મૂકાવવાના કાર્યક્રમોની નિષ્ફળતા, ભીડ, વાતાવરણમાં ફેરફારો, અને જગતવ્યાપી જાહેર આરોગ્ય વ્યવસ્થામાં બગાડ, આ સર્વએ ભાગ ભજવ્યો છે. એકથી બીજી જગ્યાએ મજબૂરીથી જવું, શરણાર્થીઓ, અને ગોળાવ્યાપી મુસાફરીમાં વધારો, જેવા બીજા ઘટકો પણ ચેપી રોગો ફેલાવવાના સાધનો બને છે. “ખરેખર, ચેપી રોગો વધતા રોકી શકાય એમ છે. આ રોગોનો સામનો કરવાના કે નાબૂદ કરી નાખવાના ઇલાજ પ્રાપ્ય છે,” ડૉ. હેમેન કહે છે.
બાળકોનાં
બિહામણાં સ્વપ્નો
_
લગભગ બધાં જ બાળકોને બિહામણાં સ્વપ્નો અસર કરે છે. જર્મની, મેનેઈમમાંની માનસિક આરોગ્યની સેન્ટ્રલ સંસ્થાના અહેવાલ અનુસાર, ૧૦માંથી ૯ બાળકોને એવા સ્વપ્નોથી જાગી ગયા હોય, એવું યાદ છે. એવા બિહામણાં સ્વપ્નોમાં તેઓનો પીછો કરવામાં આવ્યો હોય, ઊંચી જગ્યાએથી પડવું, અથવા યુદ્ધ કે કુદરતી આફતથી અસર પામવાનો સમાવેશ થાય છે. મોટા ભાગના કિસ્સામાં, એવા સ્વપ્નોમાં વાસ્તવિક જગત અને કલ્પનાઓનું મિશ્રણ હોય છે. છોકરાં સામાન્યપણે સ્વપ્નો ભૂલી જાય છે. જ્યારે કે, છોકરીઓ મોટા ભાગે એ વિષે વાત કરે છે કે લખે છે. બિહામણાં સ્વપ્નોથી થયેલી અસરોમાંથી રાહત આપવા, નિષ્ણાતો સૂચવે છે કે, બાળકોએ સ્વપ્ન વિષે વાત કરવી જોઈએ, એનું ચિત્ર દોરવું જોઈએ, અથવા એમાંના કોઈ દૃશ્યનો અભિનય કરી બતાવવો જોઈએ, એવો અહેવાલ બર્લિનર ઝાઈતુંગ આપે છે. આ સૂચનો પાળવામાં આવે તો, સામાન્ય રીતે થોડાં સપ્તાહમાં આવાં સ્વપ્નો ઓછાં થાય છે, અને બિહામણાં બનશે નહિ.
ટીવી વધુ, વાંચન ઓછું
_
ગ્રીસની દૃષ્ટિ-ધ્વનિ માધ્યમ સંસ્થાના એક સર્વેક્ષણ અનુસાર, એ દેશમાં ૩૫ લાખ ઘરો માટે ૩૮ લાખ ટીવી સેટ છે; ત્રણમાંથી એક ઘરમાં વિડીયો કૅસેટ રેકોર્ડર પણ છે. એથેન્સના ટુ વીમ સમાચાર પત્રએ અહેવાલ આપ્યો કે ૧૯૯૬માં ગ્રીક લોકો માટે દરરોજ સરેરાશ ટીવી જોવાનો સમય લગભગ ચાર કલાક હતો, જે ૧૯૯૦માં અઢી કલાકથી ઓછો હતો. એમાં કંઈ આશ્ચર્ય નથી કે, વાંચન તો એક બાજુએ જ રહી જાય છે. સર્વેક્ષણે પ્રગટ કર્યું કે ૧૯૮૯માં સરેરાશ ગ્રીક વ્યક્તિ ૪૨.૨ સમાચાર પત્રો વાંચતી હતી, પરંતુ ૧૯૯૫માં એ આંકડો ઘટીને ૨૮.૩ થઈ ગયો છે. એ જ પ્રમાણે, એ સમયગાળા દરમિયાન સામયિકોનું વાંચન પણ ૧૦ ટકા જેટલું ઘટ્યું છે.
ઓછું પોષણ મેળવતા વૃદ્ધો
_
“વૃદ્ધ જનો પૂરતો ખોરાક લેતા નથી, અને તેથી જલદી બીમાર પડે છે,” ફ્રેન્કફર્ટ, જર્મનીનું નાસઓશે નોએ પ્રેસે અહેવાલ આપે છે. યુરોપના દસ દેશોમાં ૭૦ વર્ષથી વધારે વયના ૨,૫૦૦ સ્ત્રીપુરુષોના સર્વેક્ષણ બાદ આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. ઘણાને એમ લાગે છે કે વૃદ્ધ જનોને ઓછો ખોરાક જોઈએ, પરંતુ કેલરી બહુ ઓછી થઈ જાય તો રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. વધુમાં, તેઓનો ખોરાક બહુ પોષક હોતો નથી, કારણ કે તેઓ અગાઉથી વધારે ખોરાક બનાવીને લાંબો સમય સુધી એ ખાય છે. એ ઉપરાંત, ઘણા ખાસ કરીને એની ઋતુમાં બહુ ઓછા તાજાં ફળો અને શાકભાજી ખાય છે. અભ્યાસે સમાપ્તિમાં કહ્યું કે ડૉક્ટરો એ વૃદ્ધ દરદીઓને યાદ કરાવવું જોઈએ કે, “સારો અને નિયમિત ખોરાક લે.” એવી પણ ભલામણ કરવામાં આવી છે કે, વૃદ્ધ જનોને કસરત કરવાની વધુ તાલીમ આપવામાં આવે, કારણ કે શારીરિક શ્રમથી ભૂખ લાગે છે.