પ્રસ્તાવના
યહોવાને ચાહનારા પ્રિય ભાઈ-બહેનો,
ઈસુએ કહ્યું હતું કે “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) આ શબ્દો કેટલું ઉત્તેજન આપનારા છે! આ “છેલ્લા સમયમાં” બધે જૂઠાણું ફેલાયેલું છે, છતાં પણ સત્ય જાણવું શક્ય છે. (૨ તિમોથી ૩:૧) એ દિવસ યાદ કરો જ્યારે તમે પહેલી વાર બાઇબલના સત્ય વિષે જાણ્યું હતું. સત્ય પારખીને તમે કેવા ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા!
તમે સત્યની સારી સમજણ લો છો અને લોકોને એ વિષે જણાવતા રહો છો, એ બહુ સારી વાત છે. સાથે સાથે સત્ય પ્રમાણે જીવવું પણ એટલું જ મહત્ત્વનું છે. એમ કરવા આપણે ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવાની જરૂર છે. એ માટે શું કરવું જોઈએ? ઈસુએ પોતાના મરણની છેલ્લી રાત્રે શિષ્યોને જે કહ્યું, એમાં એનો જવાબ મળે છે: “જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.”—યોહાન ૧૫:૧૦.
ઈસુએ યહોવાના પ્રેમની છાયામાં રહેવા હંમેશાં તેમની આજ્ઞાઓ પાળી હતી. આપણે પણ એમ જ કરવાની જરૂર છે. ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા, આપણે રોજ-બ-રોજના જીવનમાં બાઇબલની સલાહ લાગુ પાડવી જોઈએ. ઈસુએ એમ પણ કહ્યું હતું: “જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.”—યોહાન ૧૩:૧૭.
અમારી દિલની પ્રાર્થના છે કે આ પુસ્તક તમને સત્ય પ્રમાણે જીવવા હંમેશાં મદદ કરે, જેથી તમે ‘અનંતજીવનને માટે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકો.’—યહૂદા ૨૧.
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ