ભાગ ૧૩
સારા અને ખરાબ રાજાઓ
ઇઝરાયલના બે ભાગલા પડે છે. અનેક રાજાઓ ઇઝરાયલી લોકો પર રાજ કરે છે. મોટા ભાગના રાજાઓ યહોવાને ભજવાનું છોડી દે છે. છેવટે બાબિલોનનું લશ્કર યરુશાલેમનો નાશ કરે છે
સુલેમાન હંમેશા યહોવાને માર્ગે ચાલ્યા નહિ. એટલે યહોવાએ કહ્યું હતું તેમ ઇઝરાયલના બે ભાગલા પડી ગયા. કઈ રીતે? સુલેમાન પછી તેનો દીકરો રાહાબામ રાજા બન્યો. તે જુલમી હતો. એટલે ઇઝરાયલના દસ કુળે બળવો કરીને દેશના ભાગલા પાડી દીધા. તેઓ અલગ પડીને ઉત્તરનું ‘ઇઝરાયલ રાજ્ય’ બન્યા. બાકીના બે કુળ દાઉદના વંશમાંથી આવેલા રાજાને વફાદાર રહ્યાં, જે યરુશાલેમથી રાજ કરતો હતો. એ દક્ષિણનું ‘યહૂદા રાજ્ય’ તરીકે ઓળખાયું.
આ બંને રાજ્યના ઇતિહાસમાં ઘણી ઊથલ-પાથલ થઈ. મોટા ભાગના રાજાઓ યહોવાને માર્ગે ચાલ્યા નહિ. એમાંય ઇઝરાયલ વધારે પાપી હતું. ભાગલા પડ્યા ત્યારથી જ ઇઝરાયલના રાજાઓએ દેશમાં યહોવા વિરુદ્ધ મૂર્તિપૂજા ફેલાવી. લોકોને ચેતવવા યહોવા ઈશ્વરે એલિયા અને એલિશા જેવા પ્રબોધકોને મોકલ્યા. યહોવાની શક્તિથી તેઓએ અનેક ચમત્કારો કર્યા. મૂએલાને પણ જીવતા કર્યા. તોય ઇઝરાયલના લોકો સુધર્યા નહિ. છેવટે યહોવાએ આશૂર દેશના લશ્કરને હાથે તેઓનો નાશ થવા દીધો.
ઇઝરાયલ કરતાં યહૂદાનું રાજ્ય માંડ સોએક વર્ષ વધારે ટક્યું. યહૂદાના અમુક રાજાઓએ જ યહોવાની ચેતવણી સાંભળી. યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું. દાખલા તરીકે, યોશિયા રાજાએ યહૂદા રાજ્યમાંથી માણસોએ બનાવેલી મૂર્તિઓ કાઢી નાખી. એવી ઉપાસના બંધ કરાવી. યહોવાના મંદિરનું સમારકામ કરાવ્યું. ત્યારે યહોવાએ મૂસાને આપેલું નિયમશાસ્ત્ર યોશિયાને મળી આવ્યું. એ વાંચીને તેમના દિલ પર ઊંડી અસર થઈ. પછી તેમણે દેશમાં યહોવાની ભક્તિ આગળ કરવા વધારે પગલાં લીધાં.
પણ યોશિયા પછીના રાજાઓ ખરાબ હતા. એટલે યહોવાએ બાબિલોન લશ્કરના હાથે યહૂદા દેશનો નાશ થવા દીધો. યહૂદાના પાટનગર યરુશાલેમ અને મંદિરનો પણ નાશ થવા દીધો. બચી ગયેલા યહૂદીઓને બાબિલોનમાં બંદીવાન તરીકે લઈ જવાયા. યહોવાએ વર્ષો પહેલાં કહ્યું હતું કે યહૂદીઓએ બાબિલોનમાં ૭૦ વર્ષ રહેવું પડશે, પછી વતનમાં પાછા જશે. એમ જ થયું. એ ૭૦ વર્ષ દરમિયાન યહૂદા દેશ ઉજ્જડ પડી રહ્યો. પછી યહૂદીઓ પોતાના વતન યરુશાલેમ પાછા ગયા.
પછી મસીહ આવ્યા ત્યાં સુધી, યહૂદા દેશમાં દાઉદના રાજવંશમાંથી કોઈ રાજા થયો નહિ. દાઊદના વંશમાંથી આવેલા રાજાઓમાંથી મોટા ભાગના ખરાબ હતા. એનાથી સાબિત થયું કે માણસ માત્ર ભૂલને પાત્ર. તે બીજા પર સારી રીતે રાજ કરી શકતો નથી. એટલે યહોવાએ યહૂદાના છેલ્લા રાજાને કહ્યું: ‘મુગટ ઉતારી નાખ. જેની પાસે રાજ કરવાનો હક્ક છે તે ન આવે ત્યાં સુધી કોઈ રાજ કરશે નહિ. તે આવશે ત્યારે હું તેને રાજા બનાવીશ.’ (હઝકિયેલ ૨૧:૨૬, ૨૭) એ આવનાર રાજા મસીહ કે તારણહાર છે. તે જ સારી રીતે રાજ કરી શકે છે.
—આ માહિતી ૧ રાજાઓ; ૨ રાજાઓ; ૨ કાળવૃત્તાંત ૧૦-૩૬ અધ્યાયો; યર્મિયા ૨૫:૮-૧૧માંથી છે.