પાઠ ૨૨
લાલ સમુદ્ર પાસે ચમત્કાર
રાજાએ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ ઇજિપ્ત છોડીને જતા રહ્યા છે. એ સાંભળીને રાજાને અફસોસ થયો કે તેઓને કેમ જવા દીધા. તેણે સૈનિકોને હુકમ કર્યો: ‘યુદ્ધના બધા રથો તૈયાર કરો, આપણે તેઓનો પીછો કરીશું!’ પછી તેઓ ઇઝરાયેલીઓનો પીછો કરવા નીકળી પડ્યા.
યહોવા પોતાના લોકોને દિવસે વાદળના થાંભલાથી અને રાતે આગના થાંભલાથી રસ્તો બતાવતા હતા. તે તેઓને લાલ સમુદ્ર પાસે લઈ આવ્યા અને તેઓને ત્યાં રોકાવા કહ્યું.
પછી ઇઝરાયેલીઓએ જોયું કે ઇજિપ્તનો રાજા પોતાની સેના લઈને તેઓનો પીછો કરી રહ્યો છે. હવે તેઓને લાગ્યું કે તેઓ ફસાઈ ગયા છે, કેમ કે આગળ સમુદ્ર હતો અને પાછળ ઇજિપ્તની સેના. તેઓ ડરી ગયા હતા એટલે મૂસાને કહ્યું: ‘તમે અમને ઇજિપ્તમાંથી કેમ લઈ આવ્યા? હવે જોજો, આપણે બધા મરી જઈશું.’ પણ મૂસાએ તેઓને કહ્યું: ‘ડરશો નહિ! જુઓ કે યહોવા આપણને કઈ રીતે બચાવે છે.’ ખરેખર, મૂસાને યહોવા પર કેટલો બધો ભરોસો હતો!
યહોવાએ ઇઝરાયેલીઓને આગળ વધવાનું જણાવ્યું. એ જ રાતે યહોવાએ વાદળના થાંભલાને ઇઝરાયેલીઓ અને ઇજિપ્તની સેના વચ્ચે મૂકી દીધો. હવે ઇજિપ્તની સેના બાજુ અંધારું હતું, પણ ઇઝરાયેલીઓ બાજુ અજવાળું હતું.
યહોવાએ મૂસાને કહ્યું: ‘સમુદ્ર પર તારો હાથ લાંબો કર.’ પછી યહોવાએ એવું કંઈક કર્યું કે આખી રાત જોરથી પવન ફૂંકાયો. એનાથી સમુદ્રના બે ભાગ થઈ ગયા અને બંને બાજુ પાણીની દીવાલ ઊભી થઈ ગઈ. વચ્ચે એક કોરો રસ્તો થઈ ગયો. લાખો ઇઝરાયેલીઓ એ કોરી જમીન પર ચાલીને સમુદ્રને પેલે પાર ગયા.
રાજાની સેના ઇઝરાયેલીઓનો પીછો કરતી કરતી એ કોરી જમીન પર આવી ગઈ. પછી યહોવાએ સેનાને ગૂંચવી નાખી. તેઓના રથોનાં પૈડાં નીકળવા લાગ્યાં. સૈનિકો બૂમો પાડીને એકબીજાને કહેવા લાગ્યા: ‘ભાગો અહીંથી! યહોવા તેઓ તરફથી લડી રહ્યા છે.’
યહોવાએ મૂસાને કહ્યું: ‘તારો હાથ સમુદ્ર પર લાંબો કર.’ મૂસાએ એવું કર્યું કે તરત જ પાણીની દીવાલો ઇજિપ્તની સેના પર તૂટી પડી. રાજા અને તેના બધા સૈનિકો મરી ગયા, એકેય ના બચ્યો.
સમુદ્રની આ પાર લોકોના મોટાં ટોળાએ યહોવા માટે આ ગીત ગાયું: “યહોવા માટે ગાઓ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.” જ્યારે લોકો ગીત ગાતા હતા, ત્યારે સ્ત્રીઓ નાચતી હતી અને ખંજરી વગાડતી હતી. હવે તેઓ ગુલામીમાંથી છૂટી ગયા હતા, એટલે બહુ ખુશ હતા.
“એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: ‘યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?’”—હિબ્રૂઓ ૧૩:૬