પાઠ ૭૪
ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યા
યોહાન પ્રચાર કરતા હતા કે ‘મારા કરતાં પણ મહાન કોઈ આવવાનું છે.’ ઈસુ આશરે ૩૦ વર્ષના હતા ત્યારે, ગાલીલથી યર્દન નદી પાસે ગયા. યોહાન ત્યાં લોકોને બાપ્તિસ્મા આપતા હતા. ઈસુ ચાહતા હતા કે યોહાન તેમને પણ બાપ્તિસ્મા આપે. પણ યોહાને તેમને કહ્યું: ‘હું કઈ રીતે તમને બાપ્તિસ્મા આપી શકું? મારે તો તમારી પાસેથી બાપ્તિસ્મા લેવું જોઈએ.’ ઈસુએ કહ્યું: ‘યહોવા ચાહે છે કે તું મને બાપ્તિસ્મા આપે.’ એટલે તેઓ યર્દન નદીમાં ગયા અને યોહાને ઈસુને પાણીમાં પૂરેપૂરા ડુબાડીને બાપ્તિસ્મા આપ્યું.
ઈસુએ પાણીમાંથી બહાર આવીને પ્રાર્થના કરી. એ જ સમયે આકાશ ખૂલી ગયું અને ઈશ્વરની શક્તિ કબૂતરના રૂપમાં તેમના પર આવી. પછી યહોવાએ સ્વર્ગમાંથી કહ્યું: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”
યહોવાની પવિત્ર શક્તિ ઈસુ પર ઊતરી ત્યારે, તે મસીહ એટલે કે ખ્રિસ્ત બન્યા. પછી યહોવાએ તેમને જે કામ માટે ધરતી પર મોકલ્યા હતા, એ તેમણે શરૂ કરી દીધું.
બાપ્તિસ્મા પછી ઈસુ તરત વેરાન પ્રદેશમાં ગયા અને ૪૦ દિવસ ત્યાં જ રહ્યા. ત્યાંથી આવીને તે યોહાનને મળવા ગયા. ઈસુ યોહાન પાસે જઈ રહ્યા હતા ત્યારે, યોહાને કહ્યું: ‘આ ઈશ્વરનું ઘેટું છે, જે દુનિયાનું પાપ દૂર કરશે.’ એમ કહીને તે લોકોને જણાવી રહ્યા હતા કે ઈસુ જ ખ્રિસ્ત છે. પણ શું તમને ખબર છે કે ઈસુ વેરાન વિસ્તારમાં હતા ત્યારે, તેમની સાથે શું થયું? ચાલો જોઈએ.
“આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: ‘તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.’”—માર્ક ૧:૧૧