શું ધાર્મિક એકતા નજીક છે?
“આપણા ચર્ચના ઇતિહાસમાં આજનો દિવસ બહુ મહત્ત્વનો છે,” લ્યુથરન પંથના પ્રમુખ ક્રિસ્ટીન કારુસે કહ્યું. એવી જ રીતે, પોપ જૉન પોલ બીજાએ કહ્યું કે “આખી દુનિયાના ચર્ચમાં એકતા લાવવી એ કંઈ સહેલી વાત નથી.”
લ્યુથરન ચર્ચ અને કૅથલિક ચર્ચના આગેવાનોએ જર્મની, એગુસબર્ગમાં ઑક્ટોબર ૩૧, ૧૯૯૯માં સામાન્ય માન્યતાઓના કરાર (સંયુક્ત એકરારનામું) પર સહી કરી પછી આ જાહેરાત કરવામાં આવી હતી. સમય અને સ્થળની યોગ્ય પસંદગી કરવામાં આવી હતી. કેમ કે કહેવામાં આવે છે કે ઑક્ટોબર ૩૧, ૧૫૧૭માં પ્રોટેસ્ટંટ ધર્મના સ્થાપક, માર્ટીન લ્યુથરે વિટેનબર્ગના કૅથલિક ચર્ચના દરવાજા પર પોતાના ૯૫ સિદ્ધાંતો ખીલીઓ મારીને લગાવ્યા હતા. એગુસબર્ગમાં ૧૫૩૦માં લ્યુથરનવાદીઓએ પોતાની એ પાયાની માન્યતાઓ કૅથલિક ચર્ચને રજૂ કરી કે જે એગુસબર્ગ કન્ફેસનથી ઓળખાય છે. અને એનો કૅથલિક ચર્ચે નકાર કર્યો જેને કારણે પ્રોટેસ્ટંટ અને કૅથલિકો વચ્ચે એવી દરાર પડી જેનું સમાધાન ન થઈ શકે.
આ સંયુક્ત એકરારનામું બતાવે છે કે એ ચર્ચના ભાગલાઓ દૂર કરવાનું એક મહત્ત્વનું પગલું છે. પરંતુ શું સમાધાન થશે? બધા જ એવું વિચારતા નથી. પ્રોટેસ્ટંટ ચર્ચના ૨૫૦ કરતાં વધારે વિદ્વાનોએ કૅથલિક ચર્ચનો વિરોધ કરતા કરાર પર સહી કરી. કૅથલિક ચર્ચે જાહેર કર્યું કે ૨૦૦૦ની સાલમાં કોઈ પણ રોમમાં તીર્થયાત્રા માટે જશે તો એનાથી તેના મોટા ભાગના પાપ માફ થઈ જશે. આવી જાહેરાતથી પણ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને એ જ કારણે લગભગ ૫૦૦ વર્ષ અગાઉ તેઓમાં દરાર પડી હતી. એગુસબર્ગ કન્ફેસન અને કૅથલિકો દ્વારા એનો નકાર હજુ પણ એના એ જ સ્થાને છે. તેથી એકતાની વાત તો ઘણી દૂર છે.
કહેવાતા ખ્રિસ્તીઓમાં ભાગલા અને મતભેદો ખૂબ જોવા મળે છે. તેથી ફક્ત કરાર પર સહી કરવાથી જ એકતા આવી જવાની નથી. એકતા તો પરમેશ્વરના શબ્દ બાઇબલની દૃઢ માન્યતાઓ પર આધારિત છે. (એફેસી ૪:૩-૬) સાચી એકતા, પરમેશ્વર આપણી પાસે જે માગે છે એ શીખવાથી અને એને લાગુ પાડવાથી આવે છે. પરમેશ્વરના વિશ્વાસુ સેવક મીખાહે કહ્યું: “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”—મીખાહ ૪:૫.
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Ralph Orlowski/REUTERS/Archive Photos