વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૧૦/૧૫ પાન ૨૫-૨૮
  • કાલ હોય કે આજ, સદાયે ચાલવું ઈશ્વરની સાથ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કાલ હોય કે આજ, સદાયે ચાલવું ઈશ્વરની સાથ!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • સત્યનાં બી રોપાયાં
  • શ્રદ્ધાની અગ્‍નિ-પરીક્ષા
  • કોઈ પણ કિંમતે યહોવાહને વળગી રહ્યા
  • યહોવાહના યુવાન ભક્તો
  • પછી શું થયું?
  • યહોવાહે તેઓને સાથ આપ્યો
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૧૦/૧૫ પાન ૨૫-૨૮

કાલ હોય કે આજ, સદાયે ચાલવું ઈશ્વરની સાથ!

સ્લૉવેકિયા અને ચૅક પ્રજાસત્તાકની સરહદે મળતા દક્ષિણ પૉલેન્ડમાં એક નાનકડું ગામ આવેલું છે. એનું નામ વીસ્વા. તમે એ ગામનું નામ સાંભળ્યું પણ ન હોય. પણ એ ગામની સાથે એવો ઇતિહાસ જોડાયેલો છે જે યહોવાહના ભક્તોને બહુ જ ગમશે. એમાં તેઓની અતૂટ ભક્તિ દેખાઈ આવે, ને ઈશ્વરને કદી નહિ છોડવાનું વચન. ચાલો આપણે એ અનુભવો જોઈએ.

વીસ્વા સુંદર પહાડી એરિયામાં આવેલું છે. કુદરતે જાણે અહીં સોળે શણગાર સજ્યો હોય એવું લાગે! અહીં વીસ્તુલા નદી અને બીજાં ઝરણાઓ ખળખળ વહે છે. તેઓ જંગલ અને પર્વતોને જાણે વીંટળાઈ વળે છે. લોકોનો સ્વભાવ ખૂબ મળતાવડો છે. અહીંની મોસમ પણ ખુશનુમા હોય છે. એટલે જ વીસ્વા જાણીતું મેડિકલ સેન્ટર છે, રજાની મજા માણવાની જગ્યા છે અને શિયાળો ગાળવાનું સ્થળ છે.

લગભગ ૧૫૯૦ પછી આ નામની જગ્યા સૌ પ્રથમ મળી આવી હતી. ત્યાં લાકડાંનું કારખાનું નાખવામાં આવ્યું હતું. પછી આવી ખુલ્લી પહાડી જગ્યામાં લોકો રહેવા લાગ્યા. તેઓ ઘેટાં-બકરાં ચરાવતા અને ખેતીવાડી કરતા. પણ આ નેક દિલના લોકો પર જાણે ધર્મનું તોફાન આવી ચડ્યું હતું. માર્ટિન લ્યુથરે શરૂ કરેલા ધાર્મિક ફેરફારોની તેઓ પર બહુ અસર પડી. આન્દ્રે ઓત્ચીક નામના એક સંશોધકના જણાવ્યા પ્રમાણે, લ્યુથરનો ધર્મ “૧૫૪૫માં રાજધર્મ” બની ગયો. તોપણ, ધર્મને નામે ત્રીસ વર્ષ ચાલેલા આ યુદ્ધ અને ધાર્મિક ફેરફારોને કારણે સંજોગો ઘણા જ બદલાઈ ગયા. ઓત્ચીકના કહેવા પ્રમાણે, ‘૧૬૫૪માં પ્રોટેસ્ટંટો પાસેથી બધાં ચર્ચ લઈ લેવાયાં. તેઓ સભા ભરી શકતા નહિ. તેઓના બાઇબલ અને કોઈ પણ પુસ્તકો મળી આવે તો લઈ લેવાતાં.’ તોપણ, મોટા ભાગના લોકો લ્યુથરના પક્ષે રહ્યા.

સત્યનાં બી રોપાયાં

જોકે હજુ એક મોટો ધાર્મિક ફેરફાર થવાનો હતો. બાઇબલ સ્ટુડન્ટ નામે ઓળખાતા યહોવાહના સાક્ષીઓમાંથી બે ઉત્સાહી પ્રચારકો ૧૯૨૮માં અહીં સત્ય લઈ આવ્યા. એ પછીના વર્ષે યાન ગમોલા નામના ભાઈ વીસ્વા આવ્યા. તે તેમની સાથે ફોનોગ્રાફ અથવા તાવડીવાજું લઈ આવ્યા અને બાઇબલ વિષેની ટૉક સંભળાવી. પછી તે નજીકના બીજા ગામમાં ગયા, જ્યાં તે આન્દ્રે રાસ્કાને મળ્યા. તે શરીરે મજબૂત પણ દિલના સાચા હતા. બાઇબલની ટૉક સાંભળીને રાસ્કાએ તરત જ પોતાનું બાઇબલ કાઢ્યું. તેમણે પોતે ખાતરી કરી કે ટૉકમાં જેમ કહે છે એમ જ બાઇબલમાં છે કે કેમ. પછી તે બોલી ઊઠ્યા: “અરે મારા ભાઈ, ખરેખર આ સત્ય છે! હું પહેલા વિશ્વયુદ્ધમાં લડતો હતો ત્યારથી આ જવાબો શોધું છું!”

રાસ્કા તરત જ ગમોલાને પોતાના દોસ્તોને મળવા લઈ ગયા. યર્ઝ અને આન્દ્રે પીલ્ખ નામના દોસ્તોએ પણ યહોવાહનો સંદેશો ખુશીથી સ્વીકારી લીધો. પછીથી આન્દ્રે તિરના નામના ભાઈ જેમને ફ્રાંસમાં સત્ય મળ્યું હતું, તેમણે તેઓને સત્યનાં મૂળ ઊંડા ઉતારવા મદદ કરી. થોડા જ વખત પછી તેઓ બાપ્તિસ્મા પામ્યા. વીસ્વામાંના આ ભાઈ-બહેનોને મદદ કરવા, લગભગ ૧૯૩૦ પછી બાજુના શહેરમાંથી ભાઈઓ આવતા. એનાથી હજુ વધારો થયો.

બાઇબલ વિષે જાણવા ચાહનારામાં રાત-દિવસ વધારો થવા માંડ્યો. લ્યુથરને પંથે ચાલનારાં કુટુંબોને બાઇબલ વાંચવાની આદત હતી. એટલે તેઓ નરક વિષે અને બાપ, પુત્ર ને પવિત્ર આત્મા ત્રણેય મળીને એક દેવની માન્યતા વિષે, શાસ્ત્રમાંથી સત્ય પારખી શક્યા. એટલે ઘણાં કુટુંબોએ જૂઠી માન્યતાની જંજીર તોડી નાખી. વીસ્વાના મંડળમાં ૧૯૩૯ સુધીમાં તો લગભગ ૧૪૦ની સંખ્યા હતી. પણ મોટા ભાગના ભાઈ-બહેનો બાપ્તિસ્મા પામ્યા ન હતા. એ સમયની હેલેના નામની એક બહેન કહે છે કે, ‘એનો અર્થ એમ ન હતો કે ભાઈ-બહેનોની શ્રદ્ધા ઝાંખી હતી. ના, પણ જલદી જ તેઓની શ્રદ્ધાની કસોટી થઈ અને એમાં તેઓની ચોખ્ખા સોનાની જેમ પારખ થઈ ગઈ.’

બાળકો વિષે શું? તેઓએ જોયું કે મમ્મી-પપ્પાને સત્યનો ખજાનો મળ્યો છે. ફ્રાન્સીશેક બ્રાંત્ઝ નામનો ભાઈ જણાવે છે: “મારા પપ્પાને જાણ થઈ કે આ જ સત્ય છે, એટલે તે અમને બંને ભાઈઓને શીખવવા લાગ્યા. હું આઠ વર્ષનો અને મારો ભાઈ દસ વર્ષનો હતો. પપ્પા અમને પૂછતા કે, ‘ઈશ્વર કોણ છે, તેનું નામ શું? તમે ઈસુ ખ્રિસ્ત વિષે શું જાણો છો?’ અમારે એના જવાબમાં શાસ્ત્રમાંથી કલમો લખવાની હતી.” બીજા એક ભાઈ કહે છે: “મારાં માબાપે ૧૯૪૦માં લ્યુથરનો પંથ છોડીને બાઇબલનું સત્ય સ્વીકાર્યું, એટલે મારે સ્કૂલમાં મારઝૂડ સહન કરવી પડતી. પણ મારાં માબાપે મારામાં બાઇબલના સંસ્કાર રેડ્યા હતા એટલે સારું. એનાથી જ મને એ મુશ્કેલીઓ સહન કરવા મદદ મળી.”

શ્રદ્ધાની અગ્‍નિ-પરીક્ષા

બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ એરિયા નાઝી લોકોએ લઈ લીધો. નાઝીઓએ મનમાં ગાંઠ વાળી હતી કે યહોવાહના સાક્ષીઓનું નામ-નિશાન મિટાવી દેવું. સૌ પ્રથમ કુટુંબના માણસ અથવા પિતાને કહેવામાં આવ્યું કે પોતે જર્મન છે, એવી સહી કરી આપે, જેથી કુટુંબને લાભ થાય. સાક્ષીઓએ નાઝીઓને સાથ આપવાની ના પાડી. એનાથી ઘણા ભાઈઓ મુસીબતમાં આવી પડ્યા. અરે, એમાંના અમુક તો હજુ બાઇબલ શીખતા હતા. ક્યાં તો તેઓએ લશ્કરમાં જોડાવું અથવા તેઓ કોઈનો પક્ષ ન લે અને સખત સજા ભોગવે. આન્દ્રે શાલબોત નામના ભાઈને ૧૯૪૩માં ગેસ્ટાપો એટલે કે નાઝી લોકોની જ ખાનગી પોલીસ પકડી ગઈ હતી. તે સમજાવે છે કે, “લશ્કરમાં જોડાવાની ના પાડો, એટલે સીધા કાળી મજૂરીના કેમ્પમાં, મોટે ભાગે ઑશવીચમાં ધકેલી દેવામાં આવતા.” એ ભાઈ આગળ જણાવે છે કે, “હું તો હજુ બાપ્તિસ્મા પણ પામ્યો ન હતો. પણ મને ઈસુના માત્થી ૧૦:૨૮, ૨૯ના શબ્દો પર શ્રદ્ધા હતી. હું જાણતો હતો કે હું યહોવાહની ભક્તિને લીધે મરણ પામું તોપણ, તે મને સજીવન કરશે.”

વીસ્વામાંથી ૧૭ ભાઈઓને ૧૯૪૨માં નાઝીઓ પકડી લઈ ગયા. તેઓને ઑશવીચના કેમ્પમાં નાખ્યા. એમાંથી ૧૫ ભાઈઓ ત્રણ જ મહિનામાં મોતના મોંમાં જતા રહ્યા. વીસ્વામાંના ભાઈ-બહેનો પર આની કેવી અસર પડી? એનાથી ડરી ન ગયા. તેઓ તો જાન જાય તોપણ યહોવાહને વળગી રહેવા તૈયાર હતા! બીજા છએક મહિનામાં તો વીસ્વાના સાક્ષીઓ વધીને બમણા થયા. બીજા ભાઈ-બહેનોને પકડવામાં આવ્યા. આપણા ભાઈઓ, બાઇબલ શીખનારા અને બાળકો, બધા મળીને ૮૩ વ્યક્તિઓને હિટલરની ચક્કીમાં પિસાવા લઈ જવામાં આવ્યા હતા. તેઓમાંથી ૫૩ જણાને ઑશવીચના કેમ્પમાં, કે ખાણોમાં કાળી મજૂરી કરવા પૉલેન્ડ, જર્મની અને બોહેમિયા મોકલવામાં આવ્યા.

કોઈ પણ કિંમતે યહોવાહને વળગી રહ્યા

ઑશવીચમાં આપણા ભાઈ-બહેનોને નાઝીઓએ તરત જ આઝાદીની લાલચ આપી. તેઓના એસએસ નામના ચોકીદારોએ એક ભાઈને જણાવ્યું કે, “જો તું ફક્ત સહી કરી આપે કે ‘હું બાઇબલ સ્ટુડન્ટ નથી,’ તો તું આઝાદ થઈ જઈશ! પછી તું હમણાં જ ઘરે જઈ શકે.” વારંવાર તેને ઑફર કરવામાં આવી. પણ તે ભાઈ એકનો બે ન થયો. એટલે તેને ઢોરની જેમ મારવામાં આવ્યો, તેની મશ્કરી થઈ. પછી તેને ઑશવીચ અને મીતેલબાઉ-દોરા, જર્મનીમાં કાળી મજૂરી કરવા મોકલી આપવામાં આવ્યો. નાઝીઓના દુશ્મનોએ જ્યારે છુટકારો કર્યો, ત્યારે આ ભાઈ માંડ માંડ મોતના મોંમાંથી બચી ગયો, કેમ કે તેમની કેદ પર બૉંબમારો કરવામાં આવ્યો હતો.

પાવેલ શાલબોત નામના એક ભાઈ થોડા સમય પહેલાં જ ગુજરી ગયા. તેમણે કહ્યું હતું કે, “ગેસ્તાપો લોકો રિબાવી રિબાવીને મારી પૂછતાછ કરતા કે હું શા માટે જર્મન લશ્કરમાં નથી જોડાતો અને કેમ હિટલરનો જય નથી કહેતો.” ભાઈએ તેઓને બાઇબલમાંથી જણાવ્યું કે પોતે ખ્રિસ્તી હોવાને કારણે કોઈનો પક્ષ નથી લેતા. પછી તેઓએ ભાઈને લડાઈના શસ્ત્રોની ફેક્ટરીમાં કામ કરવાની સજા ફટકારી. ભાઈએ કહ્યું કે, ‘હું કઈ રીતે લોકોને મારવા હથિયાર બનાવવામાં સાથ આપી શકું? એટલે પછી તેઓએ મને ખાણોમાં કામ કરવા મોકલી આપ્યો.’ એવા સમયમાં પણ, એ ભાઈ સત્યને વળગી રહ્યો.

જે ભાઈ-બહેનો, બાળકો કેદમાં ન હતા, તેઓ ઑશવીચમાં ખોરાકના પાર્સલ મોકલતા. એ સમયનો એક યુવાન ભાઈ કહે છે કે, ‘અમે જંગલમાં જઈને ક્રેનબેરી નામના બોર વીણી લાવતા. એના બદલામાં ઘઉં લેતા. પછી બહેનો એમાંથી બ્રેડ બનાવતી અને ચરબીમાં બોળી રાખતી. એ બ્રેડના રોલ અમે જેલમાંના ભાઈ-બહેનોને મોકલતા.’

વીસ્વાના ૫૩ ભાઈ-બહેનોને કાળી મજૂરી કરવા કેમ્પમાં મોકલ્યા હતા, એમાંથી ૩૮ મરતા દમ સુધી યહોવાહને વળગી રહ્યા.

યહોવાહના યુવાન ભક્તો

યહોવાહના સાક્ષીઓનાં બાળકોને પણ નાઝીઓના જુલમની અસર થઈ હતી. અમુક બાળકોને બોહેમિયાના કેમ્પોમાં તેઓની મમ્મી સાથે મોકલવામાં આવ્યાં. બીજાંને માબાપ પાસેથી ઝૂંટવી લઈને, બાળકોના કેમ્પ લૉચમાં મોકલવામાં આવ્યાં, જે જુલમ માટે જાણીતો હતો.

એમાંનાં ત્રણ બાળકો આજે પણ યાદ કરે છે કે, “જર્મનો પહેલા અમને દસ બાળકોને લૉચમાં લઈ ગયા. અમે પાંચથી નવ વર્ષની ઉંમરના હતાં. અમે પ્રાર્થના કરીને અને બાઇબલના મુદ્દાની ચર્ચા કરીને એકબીજાને હિંમત આપતા. એ મુશ્કેલ સમય હતો.” એ બધાંય બાળકો ૧૯૪૫માં પાછા ઘરે આવ્યા. પણ તેઓ જીવતી લાશ જેવા હતાં! તોપણ, તેઓ યહોવાહને વળગી રહ્યાં હતાં.

પછી શું થયું?

બીજા વિશ્વયુદ્ધનો અંત આવી રહ્યો હતો તેમ, વીસ્વામાં યહોવાહના સાક્ષીઓની શ્રદ્ધા ને પ્રચારની ધગશ વધતી જ જતી હતી. ભાઈઓ વીસ્વાથી છેક ૪૦ કિલોમીટર દૂર આવેલા લોકોને પણ પ્રચાર કરતા અને પુસ્તકો આપતા. યાન ક્ષોક કહે છે કે, “અમારા ગામમાં જલદી જ ત્રણ મંડળ થઈ ગયાં.” પણ આ આઝાદી લાંબું ટકી નહિ.

નાઝીઓની જગ્યાએ સામ્યવાદી કે કોમ્યુનીસ્ટ સરકાર આવી. તેઓએ પણ ૧૯૫૦માં યહોવાહના સાક્ષીઓનું કામ પૉલેન્ડમાં બંધ કરાવી દીધું. હવે ભાઈઓએ સમજી-વિચારીને પ્રચાર કરવો પડતો. અમુક વાર તેઓ લોકોને ઘરે ઘેટાં-બકરાં કે અનાજ ખરીદવાને બહાને જતા. મિટિંગો મોટે ભાગે રાત્રે, નાના નાના ગ્રૂપમાં રાખવામાં આવતી. તોપણ, સીક્યુરીટીના માણસોએ ઘણા ભાઈ-બહેનોને પકડ્યા અને ખોટો આરોપ મૂક્યો કે તેઓ બીજા દેશોના જાસૂસ તરીકે નોકરી કરે છે. આપણા ભાઈ પાવલ પીલ્ખને અમુક ઑફિસરોએ તો વળી ટોણો માર્યો કે, “હિટલર તને હરાવી ન શક્યો, પણ અમે પતાવી દઈશું.” છતાંય આપણા ભાઈ યહોવાહને વળગી રહ્યા અને પાંચ વર્ષ જેલ ભોગવી. અમુક યુવાન ભાઈ-બહેનોએ સરકારને ટેકો આપતી સહી કરવાની ના પાડી ત્યારે, તેઓને સ્કૂલમાંથી કાઢી મૂકાયા. મોટી ઉંમરનાએ ના પાડી તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.

યહોવાહે તેઓને સાથ આપ્યો

આખરે ૧૯૮૯માં રાજકારણમાં ફેરફારો થયા. યહોવાહના લોકોને પૉલેન્ડમાં છૂટથી પ્રચાર કરવાનો કાયદેસર હક્ક મળ્યો. વીસ્વાના ભાઈ-બહેનો પૂરજોશથી પ્રચાર કરવા માંડ્યા, જે પાયોનિયરોની સંખ્યા પરથી દેખાઈ આવે છે. એ એરિયામાંથી લગભગ ૧૦૦ ભાઈ-બહેનો પાયોનિયર બન્યા. એટલે જ એ શહેરને ‘પાયોનિયર ફેક્ટરી’ નામ અપાયું છે.

ખરેખર, આંધી આવી કે તોફાન, યહોવાહે પોતાના ભક્તોને સાથ આપ્યો છે: “જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.” (ગીતશાસ્ત્ર ૧૨૪:૨, ૩) આજે, દુનિયામાં ભલે લોકો સાંભળે કે ન સાંભળે, ભલે લોકો મન ફાવે તેમ જીવે, છતાંયે વીસ્વાના ભાઈ-બહેનો યહોવાહને વળગી રહ્યા છે. ત્યાંની એક પછી બીજી પેઢી પ્રેષિત પાઊલના શબ્દોની સાબિતી છે કે, “જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?”—રૂમી ૮:૩૧.

[પાન ૨૬ પર ચિત્ર]

ઇમીલ્યા ક્સોકને પોતાનાં બાળકો હેલેના, ઇમીલ્યા અને યાન સાથે બોહેમિયાના કેમ્પમાં મોકલાઈ હતી

[પાન ૨૬ પર ચિત્ર]

પાવલ શાલબોતે લશ્કરમાં જવાની ના પાડી ત્યારે, ખાણમાં મજૂરી કરવા મોકલી દેવાયા

[પાન ૨૭ પર ચિત્ર]

ઑશવીચમાં ભાઈઓને મોત ગળી ગયું એનાથી વીસ્વાનું કામ ઠંડું પડ્યું નહિ

[પાન ૨૮ પર ચિત્ર]

પાવલ પીલ્ખ અને યાન પોલોખને લૉચમાં આવેલા બાળકોના કેમ્પમાં લઈ જવાયા

[પાન ૨૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ફળ અને ફૂલો: © R.M. Kosinscy / www.kosinscy.pl

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો