વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૧૨/૧૫ પાન ૮-૧૧
  • ટોંગા ટાપુ પર લોકો પરમેશ્વરના સેવકો બને છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટોંગા ટાપુ પર લોકો પરમેશ્વરના સેવકો બને છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • ટાપુમાં રહેતા લોકોનું સાદું જીવન
  • દૂર-દૂરનાં ગામડાંઓમાં પણ રાજ્યનો સંદેશો પહોંચે છે
  • સત્ય ફેલાવવા ક્વેસ્ટ નામનું વહાણ આવે છે
  • સારા ભાવિથી ભરેલા ટાપુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૧૨/૧૫ પાન ૮-૧૧

ટોંગા ટાપુ પર લોકો પરમેશ્વરના સેવકો બને છે

વર્ષ ૧૯૩૨ની આ વાત છે. એક વહાણ ટોંગા ટાપુ પર આવ્યું. વહાણ ચાલકે ચાર્લ્સ વટે નામની વ્યક્તિને “મૂએલાઓ ક્યાં છે?” (અંગ્રેજી) પુસ્તિકા આપી. એ પુસ્તિકા સામાન્ય ન હતી. એમાં અમૂલ્ય સંદેશો હતો. ચાર્લ્સને એ વાંચ્યા પછી લાગ્યું કે ખરેખર તેને સત્ય મળ્યું છે. તેથી તેણે એ પુસ્તિકા પોતાની ભાષામાં અનુવાદ કરવાની વિનંતી કરી. થોડા જ વખત પછી યહોવાહના સાક્ષીઓના મુખ્યમથકેથી ચાર્લ્સને તેની ભાષામાં અનુવાદ કરવાની રજા મળી. પછી ૧૦૦૦ જેટલી પુસ્તિકાઓ છાપીને એ ટાપુ પર મોકલવામાં આવી. એ બધા લોકોને દેવામાં આવી. આ રીતે યહોવાહના રાજ્યનો સંદેશો ટોંગામાં ફેલાયો.

ટોંગા ટાપુ ક્યાં આવેલો છે? તમે નકશામાં જોશો તો, દક્ષિણ પૅસિફિકમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની જરા પશ્ચિમે એ આવેલો છે. ત્યાં દિનાંતર રેખા કેપ્રિકોન રેખાને મળે છે. એનો સૌથી મોટો ટાપુ ટોંગાટાપુ છે. એ ઑકલેન્ડ, ન્યૂઝીલૅન્ડની ઉત્તર-પૂર્વે લગભગ ૨૦૦૦ કિલોમીટર દૂર આવેલો છે. ટોંગા ૧૭૧ ટાપુઓનો બનેલો છે અને એના ૪૫ ટાપુઓ વસ્તીવાળા છે. અઢારમી સદીમાં નવી નવી જગ્યાઓ શોધતા એક પ્રખ્યાત બ્રિટીશર, જેમ્સ કુકે આ ટાપુઓને ફ્રેંડલી ટાપુ કહ્યાં. કેમ કે, ત્યાંના રહેવાસીઓએ તેમનું સ્વાગત કરીને જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી.

ટોંગાના ટાપુઓમાં લગભગ ૧,૦૬,૦૦૦ જેટલા લોકો રહે છે. એમાંથી ત્રણ ટાપુઓ સૌથી મોટા છે. એ છે ટોંગાટાપુ, હિપ્પી, અને વેવુ. ટોંગાટાપુ પર યહોવાહના સાક્ષીઓના ત્રણ મંડળો છે. અને વેવુમાં અને હપાઈમાં એક એક મંડળ છે. એ મંડળોમાં તેઓ ભેગા મળીને ઈશ્વરની ભક્તિ કરે છે. લોકો પરમેશ્વરના સેવક બની શકે એ માટે એની રાજધાની નુકુલૉફા નજીક યહોવાહના સાક્ષીઓનું મિશનરિ હોમ અને ટ્રાન્સલેશન ઑફિસ પણ છે.—યશાયાહ ૪૧:૮.

આપણે શરૂઆતમાં વાત કરી એ ચાર્લ્સ વટે જોકે ૧૯૬૪ સુધી બાપ્તિસ્મા પામ્યા ન હતા. તેમ છતાં, ૧૯૩૦ના દાયકાથી તે યહોવાહના સાક્ષી તરીકે જાણીતા હતા. બીજાઓ પણ તેમની સાથે રાજ્યનો સંદેશો જણાવવા માટે જોડાયા હતા. વર્ષ ૧૯૬૬માં તો, ૩૦ જણ બેસી શકે એવો કિંગ્ડમ હૉલ બાંધવામાં આવ્યો. પછી ૧૯૭૦માં નુકુલૉફામાં ૨૦ રાજ્ય પ્રચારકોનું મંડળ સ્થપાયું.

ત્યારથી યશાયાહ પ્રબોધકની આ ભવિષ્યવાણી ટોંગા ટાપુઓમાં પૂરી થઈ રહી છે: “તેઓ યહોવાહને મહિમા આપે, ને ટાપુઓમાં તેની સ્તુતિ પ્રગટ કરે.” (યશાયાહ ૪૨:૧૨) આ ટાપુઓ પર રાજ્યનો સંદેશો ફેલાવવાનું કાર્ય વધતું જ ગયું. ઘણા લોકોને પરમેશ્વર યહોવાહના સેવક બનવા મદદ કરવામાં આવી. વર્ષ ૨૦૦૩માં નુકુલૉફામાં ડિસ્ટ્રીક્ટ સંમેલન વખતે ૪૦૭ લોકો આવ્યા હતા અને પાંચ જણાએ બાપ્તિસ્મા લીધું. એમાં હજુ પણ વધારો થશે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. કેમ કે ૨૦૦૪માં ખ્રિસ્તના મેમોરિયલમાં ૬૨૧ લોકો આવ્યા હતા.

ટાપુમાં રહેતા લોકોનું સાદું જીવન

નુકુલૉફાથી દૂર ઘણી જગ્યાઓએ રાજ્યનો સંદેશો જણાવવાની જરૂર છે. દાખલા તરીકે, ૧૬ નાના ટાપુઓના બનેલા હિપ્પી ટાપુ પર ૮,૫૦૦ જેટલા લોકો રહે છે. તેઓને પણ બાઇબલ સત્ય જણાવવાની જરૂર છે. આ હિપ્પી ટાપુઓ તો એટલા રળિયામળા કે જોતા જ રહીએ! એ ટાપુઓ મોટા મોટા તાડના વૃક્ષોથી છવાયેલા છે. ત્યાં લાંબા ને સુંદર અનેક દરિયાકાંઠા છે. વળી દરિયાનું પાણી એટલું તો ચોખ્ખું કે ૩૦ મીટર ઊંડું જોઈ શકાય. એ દરિયામાં તરવાની તો મઝા જ કંઈ ઓર છે. એટલું જ નહિ, એમાં જુદી જુદી સો જાતની રંગબેરંગી માછલીઓ પણ છે. જોકે ગામડાંઓ બહુ નાના છે. એમાંય ઘરો તો સાવ સાદા. પણ મજબૂત એવા કે વાવાઝોડામાં પણ અડીખમ રહે.

ત્યાંના લોકો આંબા અને ત્યાંના ફળો પર નભે છે. આ વૃક્ષો તેઓને છાંયો ને ખોરાક પૂરો પાડે છે. કાચો ખોરાક લાવવામાં ને રાંધવામાં તેઓનો દિવસનો મોટા ભાગનો સમય જતો રહે છે. ત્યાંના લોકોને ડુક્કરનું માંસ અને માછલી બહુ જ ભાવે છે. વળી તેઓ પોતાના ઘરોની આસપાસ વાડી બાંધે છે અને શાકભાજી પણ ઉગાડે છે. સંતરા કે લિંબુના છોડ તો વગર માવજતે ઊગી નીકળે છે. નાળિયેરી અને કેળાના છોડ તો પુષ્કળ જોવા મળે. વળી ત્યાંના અમુક ઝાડ-પાન, અને મૂળિયા દેશી દવા તરીકે ખૂબ કામ આવે છે. એ વિષેનું જ્ઞાન લોકોને પેઢીઓથી છે, જે બાળકોને વારસામાં આપતા આવ્યા છે.

હિપ્પી ટાપુના લોકો શાંત ને સ્વભાવે મળતાવડા છે. તેઓ ખૂબ સાદું જીવન જીવે છે. મોટા ભાગની સ્ત્રીઓ ભેગી મળીને હાથેથી છાબડી, સાદડી અને અમુક ઝાડની છાલમાંથી કપડું બનાવે છે. ટોંગાની સ્ત્રીઓ મોટે ભાગે ઝાડના છાયામાં બેસીને કામ કરતી હોય છે. કામ કરતા કરતા તેઓમાં વાતો, ગીતો ને હસીમજાક પણ થતા રહે. મોટા ભાગે તેઓના બાળકો આસપાસમાં જ રમતા હોય કે સૂતા હોય છે. દરિયામાં ભરતી આવે ત્યારે સામાન્ય રીતે ત્યાંની સ્ત્રીઓ જ ઝીંગા કે કરચલા જેવા દરિયાઈ જીવો પકડતી હોય છે. તેમ જ ભરતીમાં ખેંચાઈ આવતા ખાસ પ્રકારના દરિયાઈ છોડ પણ તેઓ લઈ લે છે જેમાંથી સ્વાદિષ્ટ કચુંબર બને છે.

મોટા ભાગના પુરુષોનો દિવસ ખેતીવાડી, માછલા પકડવામાં, માછલા પકડવાની જાળ સમી કરવામાં, કોતરકામ અને હોડી બનાવવામાં ચાલ્યો જાય છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને છાપરાવાળી હોડીમાં એકથી બીજા ટાપુ પર આવ-જાવ કરતા જોવા ખૂબ સામાન્ય છે. તેઓ પોતાના સગાંઓને મળવા, કોઈ દવા લેવા, સામાન લેવા-વેચવા કે વ્યાપાર માટે મોટા ભાગે હોડી જ વાપરતા હોય છે.

દૂર-દૂરનાં ગામડાંઓમાં પણ રાજ્યનો સંદેશો પહોંચે છે

યહોવાહના સાક્ષીઓએ હિપ્પી ટાપુઓ પર કોઈ કોઈ વાર લોકોની મુલાકાત લીધી હતી. લોકો પાસે તેઓના અમુક પુસ્તકો અને મૅગેઝિનો પણ હતા. અમુક તો સાક્ષીઓ સાથે બાઇબલ વિષે શીખતા પણ હતા. પછી માર્ચ ૨૦૦૨માં બે મિશનરિઓ અને બે પાયોનિયરો ઈસુ ખ્રિસ્તનું મેમોરિયલ હતું એ મહિનામાં ત્યાં આવ્યા.

તેઓનો ઉદ્દેશ્ય એ જ હતો, કે બધા લોકોને બાઇબલને લગતા પુસ્તક-પુસ્તિકાઓ આપવા, બાઇબલમાંથી અભ્યાસ ચાલુ કરવો, અને મેમોરિયલમાં આવવા માટે આમંત્રણ આપવું. તેઓએ પોતાના આ ત્રણેય ધ્યેયો પૂરા કર્યા. પરિણામે, ૯૭ લોકો મેમોરિયલમાં આવ્યા. અમુક તો, ભારે વરસાદ અને તોફાની હવા હોવા છતાં પણ ખુલ્લી હોડીઓમાં મુસાફરી કરીને આવ્યા હતા. તોફાની વાતાવરણ હોવાને લીધે ઘણા લોકો મેમોરિયલ પછી ત્યાં જ રાત રોકાઈ ગયા. પછી બીજા દિવસે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા.

જે મિશનરી ભાઈ મેમોરિયલમાં ટૉક આપવાના હતા તેમના માટે એ કામ કંઈ સહેલું ન હતું. એ ભાઈ કહે છે: “મેમોરીયલની સાંજે બે વાર મારે ટૉક આપવાની હતી. એ પણ હપાઈમાં જે મારી ભાષા ન હતી. ઓહ, હું ખૂબ જ ટેન્શનમાં હતો. પણ યહોવાહને પ્રાર્થના કર્યા પછી મારો બોજો સાવ હલકો થઈ ગયો! યહોવાહની મદદથી મારી બંને ટૉક સારી ગઈ. હું સારી રીતે હપાઈ ભાષાના શબ્દો અને વાક્યો યાદ રાખી શક્યો હતો.”

આ સુવાર્તિકોની મહેનત આખરે રંગ લાવી. હિપ્પી ટાપુઓના બે યુગલે બાપ્તિસ્મા લીધું. એમાંના એક ભાઈએ તો, ચર્ચમાં મીનીસ્ટર બનવાની તાલીમ લેતા હતા ત્યારથી જ યહોવાહના સાક્ષીઓના સાહિત્યમાં રસ લીધો હતો.

આ પતિ-પત્ની પૈસે ટકે ગરીબ હતા. તોપણ, ચર્ચમાં વાર્ષિક ફંડ માટે તેઓનું નામ જાહેર કરવામાં આવે ત્યારે, તેઓ પેટે પાટા બાંધીને પણ ઘણું દાન કરતા હતા. ફરી મુલાકાત વખતે એક વાર સાક્ષી ભાઈએ આ પતિને ૧ તીમોથી ૫:૮ વાંચવાનું કહ્યું. એમાં પ્રેષિત પાઊલ લખે છે: “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” બાઇબલનો આ સિદ્ધાંત પતિના દિલને અસર કરી ગયો. તેને સમજાયું કે ચર્ચમાં ઘણું દાન કરવાને લીધે તે પોતાના કુટુંબની જરૂરિયાતો સારી રીતે પૂરી પાડતો ન હતો. તેણે પછી ૧ તીમોથી ૫:૮ યાદ રાખી. બીજા વર્ષે ચર્ચમાં વાર્ષિક ફંડની મિટિંગમાં ફરી તેનું નામ જાહેર કરવામાં આવ્યું. આ વખતે તેની પાસે પૈસા હતા તોપણ તેણે પાદરીને હિંમતથી કહ્યું કે મારે પહેલાં મારા કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાની છે. એટલે હું દાન આપીશ નહિ. પરિણામે, ચર્ચના પાદરીઓએ આ યુગલનું લોકો વચ્ચે અપમાન કરીને ત્યાંથી કાઢી મૂક્યા.

પછી આ પતિ-પત્નીએ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કર્યો ને તેઓ પણ યહોવાહના સેવકો બન્યા. પતિ કહે છે: “બાઇબલ સત્યથી મારા જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. હવે હું મારા કુટુંબ પ્રત્યે પહેલાં જેવો નિર્દય ને કઠોર નથી. હું તેઓને ખૂબ ચાહું છું ને શાંતિથી વર્તું છું. હવે હું ચિક્કાર દારૂ પણ પીતો નથી. સત્યથી મારા જીવનમાં આવેલા બદલાવને ગામના લોકો હવે જોઈ શકે છે. હું આશા રાખું છું કે તેઓ પણ મારી જેમ એક દિવસ સત્યને અપનાવશે.”

સત્ય ફેલાવવા ક્વેસ્ટ નામનું વહાણ આવે છે

વર્ષ ૨૦૦૨ના મેમોરીયલના થોડા મહિના પછી, એક વહાણમાં એક કુટુંબ ન્યૂઝીલૅન્ડથી હપાઈ ટાપુઓ પર રાજ્યનો સંદેશ ફેલાવવા આવ્યું. એમાં પતિ-પત્ની ગેરી અને હેતી તથા તેમની દીકરી કેટી હતા. એ ૧૮ મીટર લાંબું ક્વેસ્ટ વહાણ તેમનું પોતાનું હતું. બે મુસાફરીમાં ટોંગાના નવ ભાઈબહેનોએ અને બે મિશનરિઓ એ કુટુંબને સાથે ગયા. ટોંગાના ભાઈબહેનોએ વહાણ ચલાવવામાં મદદ કરી. ભાઈ બહેનો જાણતા હતા કે તેઓ ટાપુઓ પર ફરવા માટે આવ્યા ન હતા. તેઓ તો બાઇબલમાંથી સત્ય શીખવવા આવ્યા હતા. તેઓએ ચૌદ ટાપુઓ પર પ્રચાર કર્યો. એમાંના કેટલાક ટાપુઓ પર તો પહેલા ક્યારેય પ્રચાર થયો ન હતો.

લોકોનો પ્રત્યુત્તર કેવો હતો? પહેલાં તો લોકો એ જાણવા ખૂબ આતુર હતા કે ‘આ લોકો કોણ છે, શા માટે આવ્યા છે?’ જોકે ટાપુના લોકો ખૂબ માયાળુ હતા, ને રિવાજ મુજબ તેઓ ઘરમાં બોલાવીને સારી પરોણાગત પણ કરતા. સાક્ષીઓ શા કારણે આવ્યા છે એ જાણ્યા પછી તો તેઓ દિલથી કદર કરવા લાગ્યા. સાક્ષીઓ પણ એ સ્પષ્ટ જોઈ શક્યા કે ટાપુ વાસીઓને બાઇબલ માટે કેટલો આદર છે. અને તેઓ પરમેશ્વર વિષે વધુ શીખવા કેટલા ઉત્સાહી છે.—માત્થી ૫:૩.

ઘણી વાર આપણા ભાઈબહેનો નાળિયેર જેવા ઝાડના છાંયા નીચે બેસી જતા અને તેમની આજુબાજુ લોકો ટોળે વળી જતા. એ લોકોને બાઇબલ વિષે ઘણા પ્રશ્નો રહેતા. સાંજ પડે એટલે બાઇબલની ચર્ચા તેઓના ઘરમાં ચાલુ રહેતી. સાક્ષીઓ એક ટાપુ પરથી પાછા ફરતા હતા ત્યારે, ત્યાંના લોકો તેઓને વિનંતી કરવા લાગ્યા: “તમે ન જાઓ. તમે જતા રહેશો તો, અમારા પ્રશ્નોના જવાબો કોણ આપશે?” એક બહેને કહ્યું: “સત્ય માટે ભૂખ્યા આવા લોકોને એમ જ છોડીને જવું જરાય સહેલું ન હતું. પણ ઘણાના હૃદયમાં રાજ્ય સંદેશાના બી વવાઈ ચૂક્યાં છે.” એક વાર ક્વેસ્ટ વહાણ બીજા ટાપુ પર પહોંચ્યું ત્યારે, સાક્ષીઓએ જોયું કે ત્યાં કોઈ મરણ પામ્યું હતું. બધા શોકનાં કપડાંમાં હતાં. એ ગામના ઑફિસરની પત્ની મરણ પામી હતી. એ જોઈને સાક્ષીઓએ તેમને બાઇબલમાંથી દિલાસો આપ્યો. એ બદલ ઑફિસરે ભાઈબહેનોનો ઘણો આભાર માન્યો.

જોકે, અમુક ટાપુઓ પર પહોંચવું સહેલું ન હતું. હેતી કહે છે: “એક ટાપુ પર વહાણ જઈ શકે એમ ન હતું. તેથી અમે નાની નાવડી લઈને ત્યાં ગયા. જોકે, એ વગર ત્યાં પહોંચવું શક્ય જ ન હતું. પહેલાં તો અમે અમારી બેગો મદદ કરવા આતુર કિનારે ઊભેલા લોકોના હાથમાં ફેંકતા હતા. પછી નાવડી કોઈ ટેકરા આગળ આવે એટલે અમે કૂદીને એના પર ચઢી જતા.”

જોકે વહાણ પર હતા એ બધા જ કંઈ દરિયાથી ટેવાયેલા ન હતા. બે અઠવાડિયા વહાણ ચલાવ્યા પછી, વહાણ ચાલક ભાઈએ ટોંગાટાપુ પાછા જવાની મુસાફરી વિષે લખ્યું: “ઘરે પહોંચવા માટે અમારે હજી ૧૮ કલાક વહાણ હંકારવાનું છે. પરંતુ ભાઈબહેનો વારે વારે બીમાર પડી જતા હોવાથી અમારે વચ્ચે વચ્ચે રોકાવું પડશે. ખરું કે ઘરે પહોંચ્યા પછી અમે બધા ખુશ થઈશું. પરંતુ, જેઓએ રાજ્યનો સંદેશો સાંભળ્યો ને યહોવાહના જ્ઞાનની તરસ બતાવી છે તેઓને પાછળ છોડીને જવાનું પણ અમને ઘણું દુઃખ છે. પણ અમને ખાતરી છે કે યહોવાહ તેઓની કાળજી રાખશે. યહોવાહની શક્તિ અને દૂતો તેઓને પરમેશ્વરની સેવામાં આગળ વધવા જરૂર મદદ કરશે.”

સારા ભાવિથી ભરેલા ટાપુઓ

ક્વેસ્ટ વહાણ પાછું ફર્યું એના છ મહિના પછી, બે ખાસ પાયોનિયર સ્ટીફન અને માલકીને હિપ્પી ટાપુમાં પ્રચાર કરવાની સોંપણી મળી. ત્યાં તેઓ હાલમાં બાપ્તિસ્મા પામેલા બે યુગલ સાથે જોડાયા છે. ત્યાંના લોકોને બાઇબલનું શિક્ષણ ને માન્યતા વિષે ઘણા પ્રશ્નો છે, ને તેઓ બાઇબલમાંથી શીખી પણ રહ્યા છે. પ્રકાશકો પણ હવે બાઇબલમાંથી લોકોને શીખવવામાં નિપુણ બની રહ્યા છે.

ડિસેમ્બર ૧, ૨૦૦૩માં હિપ્પીમાં એક મંડળ સ્થપાયું. એટલે કે, ટોંગોમાં હવે પાંચમું મંડળ ઊભું થયું. એમાં ઘણાં બાળકો પણ આવે છે. તેઓ પણ ધ્યાન દઈને સાંભળવાનું શીખ્યા છે. તેઓ શાંતિથી મિટિંગોમાં બેસે છે અને જવાબો પણ આપે છે. સરકીટ ઓવરસીયરે નોંધ કરી કે, એ બાળકોમાં “બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકનું જ્ઞાન ઘણું છે. એ બતાવે છે કે માબાપે તેઓના છોકરાઓના દિલમાં યહોવાહનું જ્ઞાન ઉતાર્યું છે.” સાચે જ, એ ટાપુ પર હજુ બીજા ઘણા લોકો પરમેશ્વરના સેવકો બને એ અત્યારથી દેખાઈ રહ્યું છે.

આશરે ૭૦ વર્ષ પહેલાં ચાર્લ્સ વટેએ “મૂએલાઓ ક્યાં છે?” પુસ્તિકાને પોતાની ટોંગો ભાષામાં અનુવાદ કરી હતી. પણ તે જાણતા ન હતા કે એમ કરીને તે પોતાના ટાપુના લોકોમાં રાજ્યના બી વાવી રહ્યા હતા. એ નાની શરૂઆતથી, યહોવાહ પૃથ્વીના એ ટાપુઓ પર રાજ્યના પ્રચાર કામને આશીર્વાદ આપી રહ્યા છે. આજે એમ કહી શકાય કે દૂર દૂરના ટાપુઓની જેમ ટોંગાના લોકો પણ હવે યહોવાહને મહિમા આપી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૯૭:૧; યશાયાહ ૫૧:૫) હા, ‘ટોંગા ટાપુઓમાં’ હવે યહોવાહના ઘણા સેવકો છે.

[પાન ૮ પર ચિત્ર]

ચાર્લ્સ વટે, ૧૯૮૩માં

[પાન ૯ પર ચિત્ર]

ઝાડની છાલમાંથી કપડું બનાવતા

[પાન ૧૦ પર ચિત્ર]

આ “ક્વેસ્ટ” વહાણની મદદથી ટોંગામાં રાજ્યનો સંદેશો ફેલાયો

[પાન ૧૧ પર ચિત્ર]

નુકુલૉફાની ભાષાંતર ટીમ

[પાન ૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ઝાડની છાલમાંથી કપડું બનાવતા: © Jack Fields/CORBIS; background of pages 8 and 9, and fishing: © Fred J. Eckert

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો