વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૩/૧ પાન ૧૧-૧૩
  • મુશ્કેલી ભર્યા દિવસોમાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુશ્કેલી ભર્યા દિવસોમાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘શુદ્ધ હૃદય’ એટલે શું?
  • ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખવું કેમ અઘરું છે?
  • લાલચો આવે ત્યારે
  • કસોટીમાં પણ ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ
  • યહોવાહને મનગમતું હૃદય કેળવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘યહોવાને ઓળખનારું હૃદય’ શું તમારી પાસે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • તમારા હૃદયની સંભાળ રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૩/૧ પાન ૧૧-૧૩

મુશ્કેલી ભર્યા દિવસોમાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ

ઇટાલીના કૅથલિક ચર્ચોમાં છેલ્લાં અમુક વર્ષોમાં અનેક સેક્સકાંડ ખુલ્લા પાડવામાં આવ્યા છે. એ વિષે વીટોરીઓ મિસ્સોરી નામના જાણીતા લેખકે આમ લખ્યું: ‘આજે કૅથલિક ચર્ચના નૈતિક ધોરણો ખૂબ બગડી ગયા છે, એ હકીકતની કોઈ પણ વ્યક્તિ ઇન્કાર ન કરી શકે. ચર્ચની સંસ્થા પાદરીઓને લગ્‍ન કરવાની મંજૂરી આપે તોપણ નૈતિક ધોરણો સુધરશે નહિ. એનું કારણ કે પાદરીઓએ કરેલા સર્વ અનૈતિક કાર્યોમાંથી ૮૦ ટકા સજાતીય પાપો છે. પાદરીઓએ બીજા પુરુષો અરે નાનાં છોકરાઓ સાથે પણ પોતાની વાસના સંતોષી છે.’—લા સ્ટામ્પા છાપું.

દિવસે દિવસે વધી રહેલાં આવાં દુષ્ટ કામો સાબિતી આપે છે કે આપણે જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ. (૨ તીમો. ૩:૧-૫) ઉપર જણાવેલું છાપું બતાવે છે કે બગડતા નૈતિક ધોરણોની ખરાબ અસર ફક્ત લોકોને નહિ, ધર્મ ગુરુઓને પણ થાય છે. તેઓના દિલ ભ્રષ્ટ વિચારોથી ભરાવાને લીધે વાસના સંતોષવા દોડે છે. (એફે. ૨:૨) આ કારણે ઈસુએ કહ્યું: “હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.” (માથ. ૧૫:૧૯, કોમન લેંગ્વેજ) એટલે જ ઈશ્વર યહોવાહ ચાહે છે કે પોતાના ભક્તો હંમેશાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખે. (નીતિ. ૨૨:૧૧) તો પછી, આપણે કઈ રીતે આ અશુદ્ધ દુનિયામાં શુદ્ધ દિલ જાળવી રાખી શકીએ?

‘શુદ્ધ હૃદય’ એટલે શું?

બાઇબલમાં “હૃદય” કે “દિલ” શબ્દના અનેક અર્થ છે. એક જ્ઞાનકોશ જણાવે છે કે બાઇબલમાં “હૃદય” શબ્દ, ‘વ્યક્તિની ઊંડી લાગણીઓને અને દિલમાંથી ઊભી થતી ઈશ્વર માટેની શ્રદ્ધાને બતાવે છે. વ્યક્તિ કેવા સંસ્કાર કેળવશે એ દિલ નક્કી કરે છે. ઈશ્વર વ્યક્તિનું દિલ જુએ છે.’ આપણું દિલ કેવું છે એ આપણા સ્વભાવથી દેખાઈ આવે છે. આ જ્ઞાનકોશ સમજાવે છે તેમ, યહોવાહ આપણું દિલ જુએ છે. સાફ દિલવાળા ભક્તોની તે કદર કરે છે.—૧ પીત. ૩:૪.

કોઈ પણ ચીજ-વસ્તુની ચોખ્ખાઈ બતાવવા માટે બાઇબલ “સાફ” કે “શુદ્ધ” શબ્દો વાપરે છે. જોકે આ શબ્દો નૈતિક અને ધાર્મિક બાબતો માટે પણ વપરાય છે, જેમાં કોઈ ગંદકી અને ભેળસેળ નથી. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું: “જેઓના હૃદય શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે.” ઈસુ એવા વ્યક્તિઓ વિષે વાત કરતા હતા જેઓનું દિલ સાફ હતું. (માથ. ૫:૮, IBSI) એટલે તેઓના વિચારો શુદ્ધ હતા. તેઓની લાગણીઓ અને ઇચ્છાઓ પણ શુદ્ધ હતી. તેઓ કોઈ ઢોંગ વગર, યહોવાહને પૂરા દિલથી ચાહતા હતા. તેમનો ઉપકાર માનતા હતા. (લુક ૧૦:૨૭) શું આપણે પણ એવા વ્યક્તિઓની જેમ શુદ્ધ બનવા ચાહતા નથી?

‘શુદ્ધ હૃદય’ જાળવી રાખવું કેમ અઘરું છે?

યહોવાહના ભક્તોના “હાથ શુદ્ધ” હોવા જોઈએ. એટલે કે તેઓ બધી બાબતમાં નિર્દોષ હોવા જોઈએ. સાથે સાથે તેઓનું “હૃદય નિર્મળ” હોવું જોઈએ. (ગીત. ૨૪:૩, ૪) પણ આજની દુનિયામાં યહોવાહના ભક્તો માટે દિલ સાફ રાખવું વધારે ને વધારે અઘરું થતું જાય છે. એનું કારણ કે આ દુનિયા શેતાનના રાજ હેઠળ છે. એ ઉપરાંત, આપણી નબળાઈઓને લીધે દરરોજ ભૂલો કરી બેસીએ છીએ. જો ખ્યાલ નહિ રાખીએ તો, યહોવાહ સાથેનો આપણો નાતો તૂટી શકે છે. એટલે આપણે ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખવા બનતું બધું કરવું જોઈએ. એનાથી આપણા દિલનું રક્ષણ થશે અને યહોવાહ સાથેનો આપણો નાતો મજબૂત થશે. તો પછી, સાફ દિલ કઈ રીતે જાળવી રાખી શકીએ?

હેબ્રી ૩:૧૨માં આપણને આ ચેતવણી મળે છે: “હે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય.” જો આપણી શ્રદ્ધા નબળી પડી જાય તો આપણું ‘હૃદય શુદ્ધ’ રહેશે નહિ. આપણી શ્રદ્ધાને નબળી પાડવા શેતાન કેવા પ્રયત્ન કરે છે? તે આપણને ઉત્ક્રાંતિમાં માનવા દબાણ કરે છે. તે એ પણ શીખવે છે કે ખરું-ખોટું જેવું કંઈ નથી. તેથી મન ફાવે તેમ જીવો. વધુમાં બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એ વિષે લોકોના મનમાં શંકા ઊભી કરે છે. આપણે આવી ખોટી માન્યતાઓમાં ફસાઈએ નહિ. (કોલો. ૨:૮) એ માટે દરરોજ બાઇબલ વાંચીને એને જીવનમાં ઉતારવું જોઈએ. એનાથી આપણે શીખી શકીશું કે યહોવાહ પોતાના ભક્તો સાથે કેવો વહેવાર રાખે છે. એનાથી યહોવાહ માટેનો પ્રેમ અને કદર વધશે. એ કેળવવાથી આપણે દુન્યવી માન્યતાઓને નકાર કરી શકીશું. વધુમાં આપણી શ્રદ્ધા મક્કમ રહેશે. પરિણામે, આપણે સાફ દિલ જાળવી રાખી શકીશું.—૧ તીમો. ૧:૩-૫.

લાલચો આવે ત્યારે

‘શુદ્ધ હૃદય’ જાળવી રાખવા કોશિશ કરીએ ત્યારે બીજી મુશ્કેલીઓ પણ આવી શકે. જેમ કે, આજે દુનિયા લોકોને અનૈતિક કાર્યો કરવા અને માલમિલકતનો મોહ રાખવા લલચાવે છે. (૧ યોહા. ૨:૧૫, ૧૬) પૈસા કે માલમિલકત પાછળ પડવાથી આપણું દિલ ભ્રષ્ટ થઈ શકે છે. પરિણામે આપણે ઈશ્વરના નિયમો વિરુદ્ધ જઈ શકીએ છીએ. દુઃખની વાત છે કે અમુક ભક્તો નોકરી પર જૂઠું બોલવા લાગ્યા છે. બીજાઓને છેતરવા લાગ્યા છે. અરે, તેઓએ પૈસા કે ચીજવસ્તુઓની ચોરી પણ કરી છે.—૧ તીમો. ૬:૯, ૧૦.

તો પછી, ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખવા શું કરવું જોઈએ? ઈશ્વરનો ડર રાખીએ. ન્યાયથી વર્તીએ. દિલ ડંખે એવું કંઈ ન કરીએ. એમ કરવાથી આપણે “સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા” રાખીએ છીએ. (હેબ્રી ૧૩:૧૮) પ્રમાણિક બનવાથી બીજાઓ પર સારી અસર પડી શકે. ચાલો ઇટલીના અમેલ્યો નામના ભાઈનો અનુભવ જોઈએ. તે યહોવાહના સાક્ષી છે અને ટ્રાન્સપૉર્ટ કંપનીમાં કામ કરે છે. એક દિવસ તેમને એક પાકીટ મળ્યું. એમાં ૪૭૦ યુરો (આશરે ૩૨,૬૦૦ રૂપિયા) હતા. અમેલ્યોએ એ પાકીટ તેમના સુપરવાઈઝરને આપ્યું. સુપરવાઈઝરે પાકીટના માલિકને શોધીને તેને પાછું આપી દીધું. અમેલ્યોની ઇમાનદારી જોઈને તેની સાથે કામ કરનારાઓને બહુ નવાઈ લાગી. એના લીધે તેઓ બાઇબલ વિષે શીખવા લાગ્યા. પરિણામે, બે વ્યક્તિના કુટુંબમાંથી કુલ સાત લોકો યહોવાહની ભક્તિ કરવા માંડ્યા. આ બતાવે છે કે સાફ દિલ રાખવાથી આપણે ઇમાનદાર બનીશુ. એ જોઈને બીજા લોકો પણ યહોવાહની ભક્તિ કરવા પ્રેરાઈ શકે છે.—તીત. ૨:૧૦.

બીજી કઈ બાબત દિલને ભ્રષ્ટ કરી શકે છે? જાતીય સંબંધ વિષે ખોટાં વિચારો. દુનિયાના લોકો માને છે કે વ્યભિચાર કરવામાં અને સજાતીય સંબંધ બાંધવામાં કંઈ ખોટું નથી. આપણે એવા વિચારો અપનાવીશું તો, આપણું દિલ જરૂર ભ્રષ્ટ થઈ જશે. જો કોઈ વ્યક્તિ અનૈતિક જીવન જીવવા લલચાય તો, કદાચ તે છૂપી રીતે પાપ કર્યા રાખશે અને સંસ્કારી હોવાનો દેખાડો કરશે. આવું ઢોંગી જીવન અને ‘શુદ્ધ હૃદય’ વચ્ચે આભ-જમીનનો ફરક છે.

ચાલો ગાબ્રીએલ નામના યુવાનનો દાખલો લઈએ. તે ૧૫ વર્ષનો હતો ત્યારે બાપ્તિસ્મા પામીને પાયોનિયરીંગ ચાલું કર્યું. થોડા સમય બાદ તે અમુક ખરાબ દોસ્તો સાથે નાઈટ-ક્લબમાં જવા મંડ્યો. (ગીત. ૨૬:૪) ત્યારથી ગાબ્રીએલ અનૈતિક જીવન જીવવા લાગ્યો. સાથે સાથે સારા ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરતો હતો. આ કારણે તેને મંડળમાંથી બહાર કાઢવામાં આવ્યો. યહોવાહ તરફથી આવી શિષ્ત મેળવીને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. ગાબ્રીએલ એ દિવસો વિષે યાદ કરતા કહે છે: ‘સત્યમાં જે પહેલાંથી કરવાનું હતું, એ શિષ્ત મેળવ્યા પછી હું કરવા લાગ્યો. ત્યારથી હું બાઇબલ વાંચવા લાગ્યો છું. યહોવાહ શું કહેવા માંગે એ સ્વીકારવા લાગ્યો છું. યહોવાહના સંસ્થાથી આવતા સાહિત્યનો અભ્યાસ કરવા લાગ્યો છું. આ બધું કરવાથી મને બહુ જ ખુશી મળી અને હું જોઈ શક્યો કે મને કેટલા લાભ થતા હતા. બાઇબલ વાંચવાથી અને દિલથી નિયમિત પ્રાર્થના કરવાથી મને ખૂબ શક્તિ મળી.’ આ બધું કરવાથી ગાબ્રીએલ પોતાનું પાપી જીવન છોડી શક્યો. તેમ જ, યહોવાહ સાથે ફરી નાતો બાંધી શક્યો.

આજે ગાબ્રીએલ ફરીથી પાયોનિયરીંગ કરે છે. તેની પત્ની પણ પાયોનિયરીંગ કરે છે. આ દાખલો શું સાબિત કરે છે? બાઇબલનો અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી મળતા સાહિત્યનો પણ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. એમ કરવાથી આપણે અનૈતિક કામોથી દૂર રહીશું. વધુમાં સાફ દિલ જાળવી રાખી શકીશું.—માથ. ૨૪:૪૫; ગીત. ૧૪૩:૧૦.

કસોટીમાં પણ ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ

યહોવાહના અમુક ભક્તો સતાવણી સહેવાથી, પૈસાની તંગી કે ગંભીર બીમારીને લીધે ઉદાસ થઈ ગયા છે. અમુક કિસ્સામાં તેઓનું દિલ તૂટી ગયું છે. પ્રાચીન સમયના દાઊદ રાજાએ પણ આવું અનુભવ્યું હતું. તેમણે કહ્યું: ‘હું અત્યંત નિર્ગત થયો છું; મારું હૃદય નિરાશાથી ત્રાસી ગયું છે.’ (ગીત. ૧૪૩:૪, કોમન લેંગ્વેજ) દાઊદને આવું લાગતું ત્યારે તે કઈ રીતે નિરાશાની ખાઈમાંથી નીકળી શકતા? તે વિચારતા કે ‘યહોવાહે તેમના ભક્તો માટે શું કર્યું છે અને તકલીફોમાંથી બચાવવા મને કેવી મદદ કરી છે.’ તે એ પણ વિચારતા કે યહોવાહે પોતાના નામ પરથી કલંક દૂર કરવા શું કર્યું છે. યહોવાહના મહાન કાર્યો વિષે દાઊદ હંમેશા મનન કરતા હતા. (ગીત. ૧૪૩:૫) તેથી, આપણે કસોટીમાં આવીએ ત્યારે શું કરી શકીએ? દાઊદની જેમ વિચારીએ કે સર્જનહારે આપણને કેવી મદદ કરી છે અને હાલમાં આપણા માટે શું કરી રહ્યા છે.

મંડળમાં કોઈ આપણું મનદુઃખ કરે ત્યારે ધ્યાન નહિ રાખીએ તો દિલમાં ખાર ભરાઈ જઈ શકે. મનદુઃખ પર વિચાર કર્યા રાખવાથી આપણે એ ભાઈ કે બહેનને નફરત કરવા લાગી શકીએ. કદાચ આપણે બીજાઓથી દૂર રહેવા લાગીશું અને પોતાનો જ વિચાર કરીશું. આવું કરવાથી શું આપણે ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ છીએ? ના. સાફ દિલ જાળવી રાખવા આપણે મંડળના સર્વ ભાઈ-બહેનો સાથે સારો વહેવાર રાખવો જોઈએ. ખાસ કરીને આપણું મનદુઃખ કર્યું હોય એવા ભાઈ-બહેન સાથે પણ સારો વહેવાર રાખવો જોઈએ.

દિવસે દિવસે આ દુનિયા ભ્રષ્ટ થતી જાય છે. લોકોના સંસ્કાર બગડતા જાય છે. પણ યહોવાહના ભક્તો તરીકે આપણે તેઓથી તદ્દન અલગ છીએ. આપણે ‘શુદ્ધ હૃદય’ ચાહીએ છીએ. યહોવાહનાં કહ્યાં મુજબ જીવવાથી આપણને ઘણા લાભ થાય છે. આપણને દિલની શાંતિ મળે છે. વધુમાં, સર્જનહાર સાથે ગાઢ સંબંધનો આનંદ માણીએ છીએ. તે એવા લોકોને ચાહે છે જેઓના “હૃદય શુદ્ધ છે.” (ગીત. ૭૩:૧) ઈસુએ વચન આપ્યું કે ‘જેઓનું હૃદય શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે.’ શા માટે? કેમ કે, ઈશ્વર ‘શુદ્ધ હૃદય’ વાળા લોકોને મદદ કરે છે ત્યારે તેઓ જાણે ‘ઈશ્વરને જોશે.’ તેથી ચાલો આપણે પણ ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ!—માથ. ૫:૮. (w10-E 03/15)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો