બાઇબલના ધોરણો પ્રમાણે કેમ જીવવું?
સેક્સ વિષેના બાઇબલના વિચારો શું જૂના છે? શું બહુ કડક છે? ના એવું નથી. એના બદલે બાઇબલના વિચારો તો નીચેની બાબતોથી આપણું રક્ષણ કરે છે:
▪ જાતીય રોગોથી
▪ લગ્નસાથી સિવાયની વ્યક્તિથી રહેલા ગર્ભથી
▪ લગ્નબંધન તૂટવાના દુઃખથી
▪ અપરાધની લાગણીથી
▪ બીજાએ ફાયદો ઉઠાવ્યો છે, એવી શરમથી
સરજનહાર યહોવાહa ચાહે છે કે તેમણે આપેલી ભેટનો આપણે આનંદ માણીએ અને લાભ ઉઠાવીએ. ઈશ્વર આપણા ‘ભલા માટે શીખવે છે.’ (યશાયાહ ૪૮:૧૭) જે વ્યક્તિ સેક્સ વિષેની બાઇબલની સલાહ અનુસરે છે, તે . . .
▪ ઈશ્વરની કૃપા પામે છે
▪ મનની શાંતિ મેળવે છે
▪ કુટુંબના બંધનને ગાઢ બનાવે છે
▪ સમાજમાં સારી સાખ ઊભી કરે છે
▪ પોતાનું માન જાળવી રાખે છે
પરંતુ જો તમે હાલમાં બાઇબલ પ્રમાણે જીવતા ન હો તો શું? શું તમારા માટે જીવનઢબ બદલવી શક્ય છે? જો તમે જીવનમાં સુધારો કરો તો પહેલાં કરેલા પાપોને શું ઈશ્વર હંમેશા યાદ રાખશે?
જવાબ જાણવા આ હકીકતનો વિચાર કરો: પહેલી સદીના ખ્રિસ્તી મંડળોમાં અમુક વ્યક્તિઓ પહેલાં વ્યભિચારી હતા અને સજાતીય સંબંધો રાખતા હતા. તેઓએ પોતાનું જીવન સુધારા કર્યાં અને બદલામાં ઘણા આશીર્વાદો મેળવ્યા. (૧ કોરીંથી ૬:૯-૧૧) આજે, દુનિયા ફરતે એવા હજારો લોકો છે જેઓએ ગંદી આદતો છોડીને પોતાનું જીવન સુધાર્યું છે. બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાથી તેઓને ઘણો ફાયદો થયો છે. પહેલા લેખમાં સારાહ વિષે જોઈ ગયા હતા, તે બહેનનો ફરીથી વિચાર કરો.
‘મને ઘણી રાહત મળી!’
સારાહ રોકટોક વગરનું જીવન જીવવા ચાહતી હતી. પણ તેને સમજાયું કે એવા જીવનથી સ્વતંત્રતા કે સંતોષ મળતો નથી. તે કહે છે: ‘મને એવું લાગતું જાણે મારું અંતઃકરણ ભડકે બળી રહ્યું છે. મને ઘણી શરમ અને બીક લાગતી કે ગર્ભ રહી જશે તો! અથવા કોઈ ગંભીર બીમારી તો નહિ લાગે ને! પરંતુ મેં ઈશ્વરમાં માનવાનું છોડ્યું નહિ. મને ખબર હતી કે હું તેમને દુઃખી કરું છું. હું અશુદ્ધ છું એવું મને લાગતું. આ વિચારો મને કોરી ખાતા હતા.’
સમય જતાં, સારાહને પોતાનું જીવન બદલવા માટે હિંમત મળી. તેણે પોતાના મમ્મી-પપ્પાની મદદ લીધી, જેઓ યહોવાહના સાક્ષીઓ છે. ઉપરાંત મંડળમાંથી અનુભવી વડીલોની પણ મદદ લીધી. સારાહ કહે છે, ‘મમ્મી-પપ્પા અને મંડળના વડીલોએ મને પ્રેમ અને હુંફ બતાવ્યા. એ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું!’ તે આગળ જણાવે છે, ‘તેઓએ બતાવેલી લાગણીથી મને ઘણી રાહત મળી!’
સારાહને બે બાળકો છે. તે કહે છે ‘હું જરાય અચકાયા વગર બાળકોને મારી ભૂલ વિષે જણાવું છું. તેઓને સમજાવું છું કે ઈશ્વરના નિયમો ન પાળવાથી મારે શાનો સામનો કરવો પડ્યો છે. સેક્સ વિષેના ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવવાથી શારીરિક, માનસિક અને લાગણીમય રીતે ફાયદો થાય છે. એ હું તેઓને સમજાવવાની કોશિશ કરું છું. મને હવે પૂરી ખાતરી છે કે ઈશ્વર આપણને નિયમો આપે છે, જે આપણા ભલા માટે છે. તે ચાહતા નથી કે આપણે દુઃખી થઈએ.’
તમે પણ ઈશ્વરના પ્રેમાળ માર્ગદર્શનને અનુસરીને ફાયદો મેળવી શકો છો. બાઇબલ વચન આપે છે: ‘યહોવાહના નિયમો ખરા છે, એ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞા નિર્મળ છે, એ આંખોને પ્રકાશ આપે છે. એને પાળવામાં મોટો લાભ છે.’—ગીતશાસ્ત્ર ૧૯:૮, ૧૧.b (w11-E 11/01)
[ફુટનોટ્સ]
a ઈશ્વરનું નામ ‘યહોવાહ’ છે, જે બાઇબલમાં જોવા મળે છે.
b બાઇબલની સલાહ વિષે વધુ જાણવા તમે યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરી શકો. અથવા પાન ચાર ઉપર આપેલા યોગ્ય સરનામે લખી શકો કે પછી આ વેબસાઈટ પર જઈ શકો: www.watchtower.org.
[પાન ૮ પર બ્લર્બ]
જેઓ બાઇબલના ધોરણોની અવગણના કરે છે તેઓ દુઃખી થાય છે
[પાન ૯ પર બ્લર્બ]
બાઇબલના ધોરણો પ્રમાણે જીવતા લોકોનું મન સાફ રહે છે, અને કુટુંબ મજબૂત બને છે