ઈસુ માટે સવાલ
ઈશ્વરને દિલથી માનનારા ઘણા લોકોને લાગે છે કે ધર્મએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ. તેઓનું માનવું છે કે મનુષ્યની તકલીફોને સુધારવા ધર્મ મોટો ભાગ ભજવી શકે છે. જોકે, બીજા ઈશ્વરભક્તો માને છે કે ધર્મ અને રાજકારણ અલગ હોવા જોઈએ. રાજકારણમાં ધર્મ કોઈ ભાગ ભજવે એના વિષે તમને કેવું લાગે છે? શું એ બંને જોરદાર સંગઠનોએ હાથમાં હાથ મિલાવીને કામ કરવું જોઈએ?
“મનુષ્યના ધાર્મિક ઇતિહાસમાં લોકો પર સૌથી વધારે અસર કરનાર” તરીકે ઈસુનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી, કલ્પના કરો કે આપણે ઈસુને આ સવાલ કરી શકીએ કે “શું ધર્મએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ?” તેમનો જવાબ શું હશે? ઈસુ ધરતી પર હતા ત્યારે, તેમણે આ સવાલનો જવાબ પોતાનાં વાણી-વર્તનથી આપ્યો હતો. દાખલા તરીકે, પહાડ પરના તેમના જાણીતા ઉપદેશમાં, ઈસુએ તેમના શિષ્યોને માર્ગદર્શન આપ્યું કે સમાજમાં તેઓએ કેવી રીતે જીવવું જોઈએ. ચાલો આપણે પહાડ પરના ઉપદેશમાંથી અમુક મુદ્દાઓ વિચારીએ.
બીજાના જીવન પર સારી અસર કરનારા
ઈસુએ જણાવ્યું કે પોતાના શિષ્યોનું દુનિયા માટે કેવું વલણ હોવું જોઈએ. તેમણે કહ્યું, “તમે જગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છૂંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. . . . તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માત્થી ૫:૧૩-૧૬) ઈસુએ પોતાના શિષ્યોને મીઠું કે નિમક અને અજવાળા સાથે કેમ સરખાવ્યા?
ઈસુ પોતાના શિષ્યોની સરખામણી નિમક અને પ્રકાશ સાથે કરીને ભાર મૂકવા માગતા હતા કે સમાજ પર તેઓની સારી અસર થઈ શકે છે. જો ખોરાક સાથે નિમક ભેળવવામાં ન આવે તો, નિમક એ ખોરાકને સાચવી રાખી ન શકે. તેમ જ, અજવાળાને રૂમમાં આવવા દઈએ તો જ એનો અંધકાર દૂર થાય, નહિ તો અંધારું જ રહે. નોંધ લઈએ કે ઈસુના શબ્દો બતાવતા હતા કે તેમના શિષ્યો ફક્ત થોડા લોકો માટે જ નહિ, પણ બધા મનુષ્યો માટે મીઠા જેવા હતા. તેમ જ, જે કોઈ ચોખ્ખું જોવા માગે છે, એ બધા માટે અજવાળા જેવા હતા. ઈસુએ પોતાના શિષ્યોને કદીયે એવી આજ્ઞા આપી ન હતી કે તેઓ દુનિયાના કોઈ ખૂણે ચાલ્યા જાય અને ત્યાં પોતાનો ખ્રિસ્તી સમાજ ઊભો કરે. તેમ જ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું ન હતું કે તેઓ ધાર્મિક સંગઠનોની દીવાલ પાછળ દુનિયાથી જુદા થઈને જીવે. એને બદલે, જેમ નિમકે ખોરાક સાથે ભળવાનું હોય અને અજવાળાએ અંધકારને દૂર કરવાનો હોય, તેમ ઈસુને પગલે ચાલનારાએ બીજા લોકોના જીવન પર સારી અસર કરવી જોઈએ.
‘આ દુનિયાનો ભાગ નથી’
ઈસુએ જણાવ્યું કે પોતાના શિષ્યોએ બધા સાથે હળવું-મળવું જોઈએ. તો પછી, ઈસુના શિષ્યોએ રાજકારણ માટે કેવું વલણ રાખવું જોઈએ, એ વિષે એક મહત્ત્વનો સવાલ ઊભો થાય છે. એવું કેમ? ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં શિષ્યો માટે ઈશ્વરને આ પ્રાર્થના કરી: “તમે તેમને દુનિયામાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પરંતુ તમે દુષ્ટથી તેમનું રક્ષણ કરો તેવી વિનંતી કરું છું. જેમ હું આ દુનિયાનો નથી, તેમ તેઓ પણ આ દુનિયાના નથી.” (યોહાન ૧૭:૧૫, ૧૬, કોમન લેંગ્વેજ) તો પછી, કઈ રીતે એ શક્ય બને કે ઈસુના શિષ્યો દુનિયાનો ભાગ ન હોય, પણ સમાજમાં તેઓ હળે-મળે? એનો જવાબ મેળવવા, ચાલો આપણે બીજા બે સવાલોનો વિચાર કરીએ:
• રાજકારણ વિષે ઈસુને કેવું લાગતું?
• આજે ઈસુના પગલે ચાલનારે શું કરવું જોઈએ? (w12-E 05/01)
[પાન ૩ પર બ્લર્બ]